સબંધો સાસુ વહુનાં: “ફૂલ કે કાંટાનાં” Pravina Mahyavanshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સબંધો સાસુ વહુનાં: “ફૂલ કે કાંટાનાં”

સબંધો સાસુ વહુનાં: “ફૂલ કે કાંટાનાં”

હેય! નારીઓ,તમારાં સાસુવહુનાં સંબધો કેવાં છે કાંટા જેવા કે ફૂલ જેવા?

સન ૧૯૭૦ ની “સાસ ભી કભી બહુ થી” ફિલ્મ જેઓ સાસુ અથવા વહુ થવાનાં હોય અથવા એકમેક પર હુકમો લાદી પોતાનો અહમ અને મોટાઈ સંતોષવા ઈચ્છતી નારીઓએ આ ફિલ્મ ખાસ જોઈ લેવું જોઈએ. આ ફિલ્મમાં બે ઘરનાં ચિત્રો દેખાડ્યા છે ,જેમાં એક ઘરમાં દહેજ ન મળવાથી સાસુ વહુને ખૂબ જ ત્રાસ આપે છે અને દીકરાને વહુથી અલગ રાખવાનાં પ્રયાસો દેખાડ્યા છે જે છેલ્લે પછતાવા સિવાય સાસુને કંઈ જ નથી મળતું.બીજા ઘરમાં વહુ સાસુને ખૂબ જ ત્રાસ આપી ઘરમાંથી તગેડી મૂકે છે,આ જાણી પતિ ક્યારે પણ પત્નીનું મોઢું જોઈને સામેથી વાત નથી કરતાં,પછી આ વહુ જયારે સાસુ બને છે ત્યારે એની વહુ સાથે એના ઝગડા થાય છે પરિણામ સ્વરૂપ ,દીકરો ઘર છોડી બહાર નોકરીની શોધમાં નીકળી પડે છે.અને છેલ્લે દેખાડ્યું છે કે બંને ઘરનાં સાસુને પોતાની ભૂલોનો અહેસાસ થાય છે,બંને પોતપોતાની વહુને સ્વીકારી સારું જીવન વ્યતિત કરવાનું વચન આપે છે.

એક સ્ત્રી,બીજી સ્ત્રીને સમજી શકે છે,એવી જ રીતે કહેવાય છે કે સ્ત્રી સ્ત્રીની દુશ્મન છે.તો બીજી તરફ નારી ઈર્ષ્યા લઈને જન્મી હોય છે.

સાસુવહુ બંને ખૂબ જ મજાની વ્યક્તિઓ છે.જો આ બંને એકમેકને સમજી જાય તો ઘર સંસારની ગાડી પાટા પર સારી એવી દોડવા લાગે,ને જો આ બંને ભીડી જાય તો ડગમગીને ઘર સંસારની ગાડી ક્યાં અટકીને ક્યાં તૂટી જાય એમની પણ ખબર ના પડે !

“આજથી તારે હવે સાડી જ પહેરવાની રહેશે હા ,

થોડા મહિનામાં ડ્રેસ પહેરવાનું ચાલુ કરજે,ને જીન્સ પેન્ટ તો વળી તમે ક્યાંક બહારગામ જાઓ ત્યારે જ ,

અને હા ,મેક્સી હમણાં નહી થોડા મહિનામાં પહેરવાનું ચાલુ કરજે ”

નવોઢા વહુને પોતાની સાસુમાં એક પછી એક નિયમો બતાવી રહ્યાં છે .

નવી આવેલી વહુનાં મનમાં સવાલો ઘણા બધા હોય છે ,પણ નવી નવી ને એ પણ વડીલોનો સમ્માનનો પ્રશ્ન આવે ત્યાં આ બધા મનમાં આવતા કેમ,શા માટે,કેમ નહિ પ્રશ્નો ક્યાંથી કરવા જાય ! બીજી તરફ પતિઓનો પણ પત્નીઓ પર સખત દબાણ રહે છે ,કે નાં તને તો આવું જ કરવાં પડશે જેવું મારા મમ્મી કરતાં આવ્યા છે ,જેવું મારી માતાને ગમે તેવું જ, અથવા ડાહીડમરી વાત કરીને, કે માની લેવામાં શું જાય છે,કરી લેવામાં શું જાય છે,મારા માતાપિતા મોટા છે ડોહા છે,પહેલાનાં જમાનાનાં છે,આ ઘરમાં પહેલાથી જ આવું ચાલતું આવ્યું છે કે પછી બધા ઘરનાં સદસ્યો એક સામટા કહેવા લાગી જશે કે ના તું આવી છે પરણીને એટલે તને જ બદલાવું પડશે વગેરે વગેરે,અને માન જાળવવા માટે તે બધું સહીને કરી લેતી હોય છે.લગ્ન પછી બધાની સાથે સંતુલન જાળવી રાખવા વહુને જ બદલાવું પડે છે,પણ કેટલાક સાસરીયા પક્ષ ધીરજ નથી રાખતા અને નથી સમજવાનો પ્રયાસ કરતા કે આ વહુ બનવા માટે કેટલું બધું વહુ પોતાનું પાછળ છોડી આવે છે.

અમુક સાસરીયા પક્ષો કેટલું કેટલું બંધન લાદતા હોય છે ,ઘુંઘટ વગર વહુને બહાર નહી નીકળવું,ફોન પર પોતાની માં સાથે વાત નહી કરવું,રક્ષાબંધન જેવા તહેવારે પણ ભાઈનાં ઘરે નહી જવું કે બહાર ફરવા પણ નહી જવું.આવાં અમુક લોકો આવા બધા ખોટા વિચારોથી ક્યારે પોતાને મુક્ત કરશે? અમુક સાસરીયા તો ઘરમાં ચાલતી આવતી અંધશ્રદ્ધાને માનવા માટે પણ વહુઓને દબાણ કરતા હોય છે .ક્યારેક વહુઓ આવા બધા બંધનનો વિરોધ ના કરતાં કંટાળીને આત્મહત્યાનાં રસ્તે ચડી જાય છે.

સગાઈ થઈ જાય ત્યારથી માંડીને કે પછી પ્રેમ લગ્ન હોય બધી જ છોકરીઓ સાસુના નજરમાં પોતાને ખરી સાબિતી કરવાં માટે કેટલા કેટલા પ્રયાસો કરતી હોય છે,લગન પછી કામ કરીને સાસુમાને સારું લગાડવા કેટલું બધું પોતાને ઘસી નાંખે છે તો પણ અમુક સાસુઓ ટસથી મસ નથી થતા.

વહુઓની વધારે ફરિયાદ આ જ રહે છે કે સાસુમાં પોતાની દીકરીને બહાર ફરવાની,ગમતા કપડા પહેરવાની અને બીજી બધી રીતની છૂટ આપે છે એવી મોકળાશ વહુને કેમ નથી આપી શકતા ?

વાત બધું જ માની લેવાનું,બધાને ગમાડવાની નથી આવતી,લગ્ન પહેલા માબાપ જેવું ઈચ્છતા હોય તેવું જીવન જીવી લઈએ છે ,અને લગ્ન પછી સાસરીયા પક્ષને ગમતું જીવન જીવવા પડે છે. બધી જ બાબતોને પૂર્ણ બનાવવાની અભિલાષામાં બધું જ બરબાદ થતું જાય છે.એટલે બની શકે ત્યાં દરેક વસ્તુને સંપૂર્ણ બનાવાની જીદ ન રાખવી જોઈએ.

જયારે બીજી તરફ એક સાસુમાં પોતાની ભણેલીગણેલી વહુને એક વર્ષ પછી કેમ ગર્ભધારણ રહ્યું એમનું કારણ જાણવા માટે એક ઢોંગી બાબાને બોલાવી પોતાની અંધવિશ્વાસની જિજ્ઞાષા સંતોષવા અઢી હજાર રૂપિયા પણ પકડાવી દેતી હોય છે.

બધી જ બાબતો માટે સ્ત્રીને જ ઠપકો કેમ અપાય છે,નારીને જ દોષિણી કેમ ગણાય છે,ગર્ભધારણ ન રહે તો ,સ્વસ્થ બાળકનો જન્મ ન આપી શકાય તો,બાળકીનો જ જન્મ આપે તો ,વિધવા થઈ જાય તો, કે પતિ પરસ્ત્રી તરફ પારાયણ કરી જાય,સગાઈ તૂટી જાય,લગ્નનું બંધન તૂટી જાય કે પછી છુટાછેડાનો દાખલો હોય.

અમુક ઘરનાં વડીલો કહેતા હોય છે કે જમાનો ખૂબ જ બદલાઈ ગયો છે કે બદલાઈ રહ્યો છે,પણ પોતે બદલાવાની વાત પર અમસ્તો વિચાર કે એક ડગલું આગળ ભરવાનો પ્રયાસ પણ નથી કરતા.આવા અમુક ઘરનાં વડીલો પોતાનાં ઘરની રૂઢિવાદી પરંપરા,નકામી જુનવાણી અને અંધવિશ્વાસમાં એટલા બધા સંકુચિત થઈને બેઠા હોય છે કે,એમાંથી બહાર નીકળવાની તો દુર પણ એને જ પકડી રાખીને એની આવતી પેઢીને પણ એ પરંપરા,જુનવાણીને થોપીને જે ભૂલો અને આદતોમાં તેઓ પડી રહ્યા હોય છે,એવી જ ભૂલો પાછી પોતાની આવનારી પેઢી પાસે પણ કરાવે છે.

જેમ કે દહેજની પ્રથા પણ એક કુંપ્રથા છે. આપણે આપણો દીકરો પરણાવી નવવધૂને માન-સન્માનથી ઘરે લાવીએ છીએ એમાં દહેજની શરતો રાખી પોતાની આબરૂનો છેદ કેમ ઉડાવી દો છો, કેમ કે દહેજ માગવું એ પણ ભીખ માગવા સમાન છે ને?દહેજ પછી પણ શું કોઈ ખાતરી ખરી કે વહુઓ સુખી જ રહેશે,કે સાસરીયા પક્ષ દ્વારા આત્યાચારનો ભોગ બનવું નાં પડે ?

જેમ કહેવાય છે ને અજ્ઞાનતા બદલાવથી હંમેશા ડરતી હોય છે.એવી જ રીતે અમુક ઘરોમાં વડીલો જે કરતા આવ્યા હોય છે એ જ કરતા હોય છે અને આવનારી પેઢી પર એ લાદતા આવ્યા હોય છે .જે પેઢી આનો અમલ કરી જાય એ બીજી આવનારી પેઢી પર અમલ કરાવે છે.એવી રીતે આ ચક્ર ચાલતું આવ્યું હોય તેવુંજ ચાલતું રહે છે.

બીજો એક દાખલો લઈએ,જેમાં વહુ પોતાની માંદગીમાં પડેલી સાસુથી છુટકારો પામવા સારી દવા,ખોરાક,સેવા તો નહીં પણ માર મારીને જીવ લેવા પણ તત્પર રહે છે.સીસીટીવીમાં કેદ કેટલી બધી કરૂણ ઘટનાં આજકાલ સામે આવે છે જેમાં વહુ પોતાની સાસુમાને બેરહીમીથી માર મારી,મારી નાંખવાનો પ્રયત્ન કરે છે.આવી વહુઓને એટલું જ કહેવાય કે ભલે તમે સેવા ના કરી શકો ભલે તમે કઈ પણ ન કરવું હોય સાસુ માટે પણ હત્યા સુધી પહોંચી જવાય એટલું ઘાતકી હુમલો તો ન જ કરવો જોઈએ.

બીજી તરફ એવા પણ ઘણા બધા સાસ સસુરો હોય છે જે પોતાની વિધવા વહુને દીકરી માણી,સારું ભણાવી પરણાવીને માતાપિતાની ફરજો નિભાવી પૂણ્યનું કામ કરતા હોય છે.

બધાનાં ઘરની પરીસ્થિતિ અલગ અલગ હોય છે કોના ઘરે શું ચાલે છે,કોણ કઈ વિપરીત દશામાંથી પસાર થાય છે એ બધું તો પોતે જ જાણતા હોય છે તોપણ જો કોઈ એવી પણ ઘટના બની જાય જેમાં વહુદીકરો મળી માંબાપ પર અત્યાચાર કે બળજબરી કરે ત્યારે માંબાપને જરૂરથી અવાજ ઉઠાવવો જોઈએ.એથીય વિપરીત કોઈ વહુ પર સાસરીયા પક્ષથી અત્યાચાર વધતો જાય ત્યારે વહુને પણ અત્યાચારનો વિરોધ કરવો જોઈએ.ઘરના સદસ્યો દ્વારા આત્યાચારનો ભોગ બનેલી મહિલા જો પોતાના પતિને આપવીતી સંભળાવે તો પતિ પણ આ બધી બાબતોથી છટકી નીકળે છે અને કહેવા લાગે છે કે શું વેઠયું હજું સુધી?વિચારવાનો પ્રશ્ન એ આવે છે કે, તો શું સ્ત્રી, લગ્ન, અત્યાચારનો ભોગ બનવા અને બધું વેઠવા માટે જ કરે છે ?

ઘણાં ઘરોનો સંસાર તૂટવાના કારણોમાં મુખ્ય સાસુવહુના થતા કલેહ જ જવાબદાર હોય છે .આ સાસુ વહુનાં કજિયા કંકાસમાં આખાં ઘરની નીવ હલી જાય છે.સબંધોમાં કાયમ માટે મોટી તિરાડો પડી જાય છે.સબંધોનું સંતુલન બગડી જાય છે.આ અસંતુલનનું કારણ ઘણા ઘરોમાં ખૂબ જ નાની નાની વાતો પર થતા કંકાસ પર હોય છે.આ કંકાસના ભોગ રૂપે મા-બાપને દીકરાથી કે દીકરાને મા-બાપથી અલગ રહેવું પડતું હોય છે કે વૃદ્ધાશ્રમનો સહારો લેવો પડતો હોય છે,તો ક્યારેક વહુ અને દીકરાની વચ્ચે કાયમ માટે છુટાછેડાના કે વહુનાં આત્મહત્યાના કે પછી દીકરાનાં નાસી જવાના કિસ્સા બનતા હોય છે.

પરિવારમાં સુખ,શાંતિ ઈચ્છનાર ગૃહિણીએ સાસુ વહુનાં સબંધોને મજબૂત રીતે ટકાવી,પ્રેમભર્યા સંસારનું સંતુલન જાળવવા માટે નીચે આપેલી કેટલીક નાની નાની વાતનો વિચાર અને અમલ કરવો જોઈએ:

સાસુ માટે :

૧) સાસુએ પહેલા તો એવું વિચારવું જ નહી જોઈએ કે ઘરમાં મારું જ શાસન ચાલશે અને હું જ બધું જેવું છે એવું જ ચલાવીશ,વહુ આવતાની સાથે જ એને મુઠ્ઠીમાં લઈ લઈશ,જો એવું જ ચલાવવાનું ને પોતાની જ કરવાની વૃત્તિ દાખવવી હોય તો દીકરાના પ્રેમલગ્ન હોય કે પછી ગોઠવીને પરણાવતાં લગ્ન પહેલા સૌ વાર વિચાર કરી લેવા જોઈએ.કેમ કે નવી આવેલી વહુનું વ્યક્તિત્વ, નવી પેઢીની વિચારસરણી અને તમારા વ્યક્તિત્વ વિચારોમાં ફરક તો પડતો જ હોય છે .

૨) જવાબદાર વહુનાં ગુણો વિકસાવાના પ્રયત્નો કરજો નહિ કે એકસાથે બધા જ નિયમો,બંધનો લાદી,કામનો બોજ આપી છુટા પડી જતાં.જો બધા જ કામનો બોજ પણ આપી દેવા તત્પર હોય તો વહુનાં કામમાં રોકટોક કરતાં નહી કે મને તો આવું જ કામ જોઈએ,આવી જ સાફસફાઈ જોઈએ,આવી જ રસોઈ,કપડા,પોતા ને વાસણ જોઈએ.

૩) દહેજ પ્રથામાં હજુ પણ માનતા હોય ને કોઈ વહુ જો દહેજ ન લાવી અથવા તો વહુને વંધત્વ, કોઈક કારણસર ગર્ભ ન રહી શકે તો એકલીનો દોષ કાઢી માનસિક કે શારીરિક કે ગાલીગલોચ કરી અપશબ્દો બોલવાનું રાખતા નહિ કેમ કે માનસિક ત્રાસથી મન તો દુઃખી થાય જ છે પરંતુ કાનૂનના કાયદા પ્રમાણે પણ આ એક અપરાધ છે.

૪) જો ઘરમાં દેરાણી,જેઠાણી,નણંદના સબંધો હોય તો સાસુએ આ બધાની અરસપરસ કે પોતાની સાથે કે બીજા પડોશની વહુઓ સાથે તુલના કરવી ન જોઈએ.દા.તા નણંદને અને વહુને બજારમાં કોઈ વસ્તુ પસંદ આવી ગઈ હોય તો નણંદ માટે ખરીદી કરશો અને વહુ માટે ખર્ચો થશે એવા વિચારો રાખતા નહી.

૫) વારે વારે એક પણ તક છોડ્યા વગર કડવા વેણ બોલી વહુનું અપમાન નહી કર્યાં કરતા,ભૂલોને માફ કરજો.જો કોઈ કામ ન આવડતું હોય તો પ્રેમથી શીખવાડજો.એ કામને ઉઘાડું પાડવાના બદલે ઢાંકવાનો પ્રયત્ન કરજો.સારું કામ કરવા બદ્લ હંમેશા પ્રસંશા કરી પ્રોત્સાહિત કરતાં રહેજો.એનાથી વહુની નજરમાં કાયમ માટે તમારું માન જળવાઈ રહેશે.

૬) વહુ જયારે રસોઈ,ઘરનું કામ કે ફોન પર વાત કે બીજું કઈ કરતી હોય ત્યારે સાસુએ ક્યારે પણ માથા પર જઈને ઊભા નહી રહેવું જોઈએ,કેમ કે માથા પર તો બોસ જ ઊભા રહે છે કેટલું કામ કર્યું ,નહી કર્યું તે જોવા માટે. આવા બધા વિચારોથી મુક્ત રહેવું જોઈએ.

૭) સાસુએ પણ વહુને મોકળાશ ભર્યું સ્વતંત્ર જીવન,શિક્ષા,નોકરી માટે પ્રેરણા આપવી જોઈએ, નહિ કે મારી સાસુએ તો મને આમ દુઃખ આપેલું,એટલું બંધન લાદેલું કે મેં એટલું કામ કરેલું ને વેઠેલુંનું વેર કાઢી ફરી એ જ ચક્ર ન ચલાવતા.

૮) સાસુએ ક્યારેક આવું પણ અજમાવી લેવું જોઈએ,પોતાની તીખ્ખી તમતમતી વહુ માટે કે રસોડામાં કામ કરતી વહુનાં હાથમાંથી વેલણ લઈને કહી દો કે ,વહુ બેટા “જાઓ ,આજે તમારા પતિ સાથે હરીફરી મહાલીને હોટેલમાં જમી નિરાંતે ઘરે આવજો.” પછી જુઓ ફરતી વેળા કેવી મીઠી બનીને આવશે.

૯) અને છેલ્લે,વહુને પોતાની દીકરી જ ગણી છે એવું કહેવામાં નહી જતાં વહુને પોતાની જ દીકરી તરીકે સ્વીકારી બતાવજો એમને પોતાની માં કરતા પણ ઘણો પ્રેમ આપજો.પછી જુઓ વહુ તમારી સાથે એક દીકરી પોતાની માં ને કેવી બહેનપણી ગણી સબંધની મીઠાશને જાળવે છે એવાં જ સબંધના મીઠાશની સાચવણી તમારી સાથે પણ કરશે.

વહુ માટે :

૧) વહુ જો નવી નવી પરણીને આવી હોય ત્યારે સંયમ અને જતુ કરવાની ભાવના રાખવી પડશે.નવા છો તો મજાક મસ્તી તો થશે જ ,જો કોઈ વાત સારી ન પણ લાગે તો પણ વધારે મન પર ન લેતા હાસ્યમાં કાઢી મુકજો.

૨) પતિને જ પોતાનો કરવાની હઠ રાખતા નહી,બધું એકસામટું મળી જવાની જીદ રાખતા નહી.ઘરના સદસ્ય અને સાસુમાંને પહેલા પોતાનાં કરવા પડશે,માન આપો ઘરની જવાબદારી સ્વીકારી સહુને પ્રેમમાં બાંધી દિલ જીતી લો.

૩) જો તમે પ્રેમલગ્ન કર્યાં હોય તો સાસરીયા પક્ષનું વલણ તમારી વિરુદ્ધનું પણ હોઈ શકે ત્યારે, તમે તમારો પીત્તો ગુમાવ્યાં વગર સમજદારીથી દરેક મુસીબતનો સામનો કરજો,દલીલોમાં પડવાનું ટાળજો.તમે નોકરિયાત વહુ હોય તો કામની વહેંચણી કે કામવાળી બાઈ રાખી શકો.

૪) જો ક્યારેક સાસુમાંએ કોઈ વાત કે કામની ભૂલો માટે ખાટ્ટા તીખા વેણ બોલી દીધા હોય તો અહમમાં મોઢું ફુગાવી બેસી ના રહેતા,સાસુ સાથે સંવાદની શરૂઆત તમારાથી જ કરજો.અહિયાં વિનયથી બધું સંભાળજો કારણ કે સાસુ સાથે વધારે પંચાત કામનાં લીધે જ થાય છે.

૫) ગૃહકામમાં જો તમે નબળા હો તો સાસુ પાસેથી શીખવા જેવી સરળ તરકીબો શીખી લેજો જેથી કરી તમારું કામ પણ થાય સાથે સમયનો પણ બચાવ થાય.વૃદ્ધાવસ્થા દરમિયાન કોઈક વાર બાળકની જેમ વલણ દાખવનાર સાસુ પ્રત્યે સમજવાનો અભિપ્રાય રાખજો.

૬) મનને હળવું બનાવવાં અને પરિવારની એકતા જળવાઈ રહે એના માટે કોઈવાર આયોજન પણ બનાવો સાસુ સાથે કોઈ સારું સ્થળ પસંદ કરી બહાર મજા માંડી શકાય અથવા બચત ખર્ચાની જ પડી હોય તો સિનેમાં કે પછી કોઈ બાગબગીચામાં પણ જઈ શકો.

૭) જો સાસુમાં પ્રેમાળ દાખવી પોતાની માં ની જેમ મમતા લુંટાવી નાખતાં હોય તો આવાં સાસુમાંને ક્યારેય દુઃખી ન કરતાં.એમની સેવા કરી આશીર્વાદ લઈ પુણ્ય કમાવજો.

૮) જો સાસુમાની માંદગીમાં સેવા તમારા દ્વારા ન થઈ સકતી હોય અને જો તમે આર્થિક રીતે સક્ષમ હોય તો નર્સ કે કોઈ બીજી રીતે પણ આયોજન કરી શકો છો.

૯) અને છેલ્લે વહુઓ પણ આવું અજમાવી શકે છે પોતાની ખાટી કડવી સાસુ માટે, એક મીઠુ મધુરું સાસુમાંના ગાલ પર તમે ચુંબન લેતું સેલ્ફી પિક્ચર ખેચી લો .

“ અપેક્ષા બધી વાતની રાખજો પણ આગ્રહ બધી વાત માટે નહી રાખતાં”

--પ્રવિણા—

(નોંધ : આ લેખ બધી જ સાસુવહુ કે સાસરીયા પક્ષો માટે નહી પરંતુ અમુક ઘરના લોકો માટે છે જે ખોટી પરંપરા,અંધવિશ્વાસ,અહં અને જીદને જકડીને નવાં લગ્નજીવન કે સારા ચાલતા સંસારને આગ ચાંપતા હોય છે.)