વાંક કોનો ? Ashok Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વાંક કોનો ?

વાંક કોનો !!?

લેખક : અશોક જાની ‘આનંદ’

E-mail :

છેલ્લા દસેક દિવસથી ચાલતી દોડધામ જાણે થંભી ગઇ હતી, દિવાળીના ઉત્સવો પુરાં થઇ ગયાં હતાં વાતાવરણમાં એક જાતની સુસ્તી વર્તાતી હતી. સવારના આઠેક વાગ્યા હશે પણ સોસાયટીમાં કોઇ જાતની ચહેલપહેલ જાણે શરૂ જ ન થઇ હોય એમ વાતાવરણ એક્દમ સુમસામ હતું. શિયાળાનો કુમળો તડકો સોસાયટીની સામેના ખુલ્લા પ્લોટમાં વેરાઇ રહ્યો હતો. સાડા આઠેક વાગે સફાઇ કામદારે સોસાયટીના રસ્તા ઉપર ઝાડુ મારવાનું શરૂ કર્યું હતું, તેનો અવાજ ધીરે ધીરે શરૂ થયો હતો. બે ચાર ટાબરિયાં ઘરની બહાર નિકળી આગલી રાતે ફોડેલા ફટાકડામાંથી ના ફુટેલા ફટાકડા શોધવા આમ તેમ ખાંખાખોળા કરી રહ્યાં હતાં. ના ફુટેલી અનાર અને બીજા ફ્ટાકડા હાથ લાગતાં તેમણે તેને તોડી એમાંનો બારુદ એક કાગળિયામાં ભેગો કરવા માંડ્યો હતો. દરમિયાનમાં પેલા સફાઇ કામદારે ચારે કોર ઉડીને ફેલાયેલા ફટાકડાના કાગળિયાઓ વાળીને ખુલ્લા પ્લોટ્માં એક તરફ ઢગલી કરી હતી અને ફરી ઉડીને ચારે તરફ ફેલાય એ પહેલાં તેને દિવાસળી ચાંપી હતી. શિયાળાની રાતે પડેલા ઝાકળની હળવી ભીનાશને કારણે આગ હજુ બરાબર પકડાઇ ન હતી અને અડધા સળગેલા કાગળિયામાંથી દુણાઇને ધુમાડો નીકળવો શરૂ થયો હતો.

કાગળમાં બારુદ એકઠો કરી રહેલા ટાબરિયાઓનુ ધ્યાન એ તરફ ખેંચાયું હતું અને પેલા તાપણાં જેવા

સળગતા કાગળના ઢગલાની આસપાસ કુંડાળુ કરી બેસી ગયાં હતાં. એમની આ ગતિવિધિ પર સોસાયટીના કોઇ મોટેરાંની નજર ન હતી પેલો ઝાડુવાળો પણ તેના રોજીંદા કાર્યને પતાવવામાં મશગૂલ હતો. ગુલાબી ઠંડી હજુ પણ હવામાં વર્તાઇ રહી હતી અને એટલે જ હળવી હુંફ આપતા એ સળગતા કાગળના ઢગલા તરફ ત્રણેય ટાબરિયાંના હાથ આપોઆપ લંબાયા હતાં. એક હજુ ન ફુટેલા ફટાકડા શોધવામાં રોકાયેલો હતો. દુણાતા તાપણાને સચેત કરવા ત્રણમાંના એકે નીચે નમી ફુંક મારી જોઇ, પહેલી બીજી અને ત્રીજી ફુંકે તાપણું પૂર્ણપણે પ્રગટ્યું હતું અને એની ખુશી પેલા નીચે નમેલા ચહેરા પર પ્રગટે ના પ્રગટે ત્યાં ધ..ડા.......મ...............!! એક જોરદાર ધમાકો થયો હતો.

ધમાકો કાગળિયા ભેગો વળાઇને આવેલો એક મોટી સાઇઝના ના ફુટેલા સૂતળી બોમ્બનો હતો. ત્રણેય ટાબરિયાંના મોઢેથી પહેલા રાડ નિકળી ગઇ હતી અને પછી આક્રંદ શરૂ થયું હતું. ઘડીભરમાં સુસ્તીમાં સુતેલી સોસાયટીમાં જાણે દેકારો બોલી ગયો હતો. તાજા છાપાની અવેજમાં આગલા દિવસના વાસી છાપાને ફરી ઉથલાવી રહેલા કે ચાની ચુસકી લઇ રહેલા મોટેરાંઓ અચાનક ઉઠેલી રીડ સાંભળી અવાજની દિશામાં દોડી આવ્યાં હતાં. ત્રણેય ટાબરિયાં વેદનાથી કણસતાં જમીન પર આળોટી રહ્યાં હતાં, પેલો ચોથો અવાક બની મૂઢની જેમ એક તરફ ઉભો હતો અને સફાઇ કામદાર દોડી આવી ત્રણમાંના એક ને બેઠો કરવામાં રોકાયેલો હતો. પહેલાં તો કોઇને ખ્યાલ જ ના આવ્યો કે શું થયું છે પણ પેલા સફાઇ કામદારે અડધી અધૂરી વાત જણાવતાં લોકોને સમજાયું હતું કે શું થયુ હતું. હાથ લાંબા કરી તાપતાં બે જણના હાથ અને પેલા ફુંક મારી રહેલા ટાબરિયાનો ચહેરો ગંભીર નહીં પણ સારા પ્રમાણમાં દાઝી ગયાં હતાં. જલ્દીથી ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરાયો હતો અને દાઝેલા બાળકોની પ્રાથમિક સારવાર શરૂ થઇ હતી. બે ત્રણ જણે સફાઇ કામદારનો ઉધડો લેવાની જવાબદારી સ્વેચ્છાએ ઉપાડી લીધી હતી એક જુવાન જણે તો તેને ધોલ ધપાટ કરવાની પણ તૈયારી કરી લીધી હતી પણ બીજાઓના અટકાવવાથી અટકી ગયો હતો. થોડીક જ ક્ષણોમાં એમ્બ્યુલન્સ આવી હતી અને દાઝેલા બાળકોને નજીક્ની હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. છેલ્લા સમાચાર પ્રમાણે કોઇની પણ ઇજા વધુ ગંભીર ન હતી હાથે દાઝેલા બન્ને બાળકોને સાંજ સુધીમાં ઘેર જવા દેવામાં આવશે ચહેરા પર દાઝેલા બાળકને ચાર પાંચ દિવસની સારવાર લેવી પડશે.

સવારે થયેલા ધમાકાની ગુંજ આખો દિવસ સોસાયટીના ઘરોમાં સંભળાઇ રહી હોય તેમ બધાંની જીભે એક જ સવાલ હતો, આવી ઘટનામાં “વાંક કોનો ...!!?”