ભૂલવું ...
Smita Shah
smitashah2910@gmail.com
.............
કેટલું સરળ હોય છે કહી દેવું કે "અરે ,હું તો ભૂલી જ ગઈ" કે " ભૂલી જ ગયો ." ખરેખર તો આપણે એ વાતને કદાચ એટલું મહત્વ આપ્યું જ નહિ હોય .તેથી જ ભૂલી જવાયું કે ચુકી જવાયું .
આપણું મન પણ ગજબ હોય છે . ખરેખર યાદ રાખવાનું હોય તે યાદ ન રહે અને ભૂલવા જેવું નકામું બધુજ યાદ રાખીએ .
કોઈની સાથેનો ઝગડો પેઢીઓ સુધી યાદ રહે પણ અણી નાં સમયનો ઉપકાર આપણે યાદ નથી રાખતા .
ઘણી વાર સમયનો જે ટુકડો હૃદય ની સાવ સમીપ હોય એને ભૂલી જવો પડે ... પણ શું એ શક્ય છે ખરું ! એ ખરું કે જિંદગી જેમ દોરે ત્યાં જવું પડતું હોય છે અને સંજોગોને સ્વીકારી જીવવું પડતું હોય છે .પણ મન નો એક ખૂણો સતત રડતો હોય .. દુઝતો હોય એક નાસૂર બની . છતાં એવું બતાવવું પડે કે બધું ભુલાઈ ગયું . પણ ક્યારેક એમ લાગે કે આ વિસ્મરણ ની વ્યવસ્થા ન હોત તો ! દરેક ને જીવવું અઘરું થઇ જાત સ્મૃતિઓ નાં ટોળામાં અટવાઈને .
ઘણી વાર એવું પણ બને કે ભૂલવાની ટેવ કોઈક મોટી મુસીબત માં મૂકી દે . એક વાર મહારાષ્ટ્ર ના એક ગામ માં વડોદરાથી જાન ગઈ .એમાં એક બેન પાસે નાનકડું છોકરું . બધા પ્રસંગો સારી રીતે પાર પડ્યા .જાન વળાવી તો એકદમ ધ્યાન પડ્યું કે ઘોડિયામાં પેલું છોકરું રહી ગયું છે . રડારોળ થઇ ગઈ .તે જમાના માં ફોન તો ખાસ હતા નહિ .ઉભડક જીવે પહોચ્યા તો ઉતારા પર વેવાઈઓ ભેગા થઇ ગયેલા અને બહેનો પેલા બાળકને છાનો રાખવા મથી રહી હતી . બધા એની મમ્મીને બોલ્યા અને થોડી ધમકાવી પણ લીધી .બાળકના પિતા જે જાન માં નહોતા આવ્યા એમને જિંદગીભર ખબર ના પડે એવા સોગંદ લઇ જાન પાછી વડોદરા તરફ ગઈ . ત્યાર પછી એની યાદ રમુજ ઉપજાવે પણ કઈ ખોટું બન્યું હોત ની કલ્પના ધ્રુજાવી દે .
બીજા એક સબંધી પોતાના ફ્લેટમાં જવાને બદલે નીચેના ફ્લોર વાળા નો બેલ વગાડ્યો . બેને દરવાજો ખોલ્યો તો કહે .. "મારી વાઈફ ક્યાં ગઈ તમે કેમ દરવાજો ખોલ્યો ..!" પેલા બેન હસી પડ્યા . પ્રોફેસર સાહેબ તમે એક ફ્લોર જલ્દી ઉતરી ગયા ...
હજુ આજે પણ બધા એ વાત યાદ કરી હસે છે .
ખેર , કૈક ને કૈક ભૂલવું એ સ્વસ્થ માનસિક પ્રક્રિયા છે . જુનું ભૂલવું અને નવા સાથે તાલ મિલાવવો એ માનવ સહજ અને ઉપકારક ઘટના છે .ખરેલા પાન ને ભૂલી વૃક્ષ નવા પર્ણો ખીલવે એમ જ પ્રકૃતિ પણ જુનું દફન કરી નવીન સર્જન કરે એ જ સત્યમ શિવમ સુન્દરમ .
અસ્તુ .
સ્મિતા શાહ ' મીરાં '