Guru Dakshina books and stories free download online pdf in Gujarati

ગુરુ દક્ષિણા

ગુરુ દક્ષિણા

Smita Shah

smitashah2910@gmail.com

"સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા ; હમ બુલબુલે હેં ઉસકી એ ગુલસિતા હમારા ..."

એક સાથે સુમધુર અવાજે બાળકો ગાઈ રહ્યાં હતા . સાવ ગરીબ ,સ્લમ એરિયામાં છાપરા નીચે ઓટલા ઉપર ચાલતી શાળા અને જમીન પર પાથરેલા કોથળા ઉપર બેસીને ભણવાનું .

શરૂઆત થઇ માધુરીબેન ની હિંમત થી . માધુરીબેન સમાજસેવિકા તો નહિ પરંતુ સાધારણ ઘરની ગૃહિણી હતાં .

બીએ પાસ કરી ગામડામાં પરણીને આવેલા માધુરીબેન બોલવે ચાલવે વ્યવસ્થિત .એમની સુઘડતા થી આજુબાજુની બહેનો આકર્ષાતી .

માધુરીબેન નાં પતિ મોટી શાળામાં કારકુન એટલે કે ક્લાર્ક હતા .સાવ સામાન્ય આવકમાં ઘર કેવી રીતે ચલાવવું તે પણ પ્રશ્ન .

એક વાર શાળાનાં પ્રિન્સીપાલ અને એમના પત્ની એમને ત્યાં જમવા માટે આવ્યા .

માધુરીબેન નાં હાથની રસોઈ એમને પુષ્કળ ભાવી .પ્રિન્સીપાલ ના પત્ની બોલ્યા " માધુરીબેન ,ખરાબ ન લગાવતા . હું કહીશ તે તમને ગમશે કે નહિ ખબર નહિ .ન ગમે તો ના પાડવાની છૂટ છે તમને ."

માધુરીબેન હસીને બોલ્યા "અરે એમ હોય ! આપ જે કહેશો એમાં મારું હિત હશે .આપ નિસંકોચ કહો ."

પ્રિન્સીપાલના પત્ની એમનાથી ખુબજ પ્રભાવિત હતાં . "જુઓ માધુરીબેન , હું અમદાવાદમાં ગૃહ ઉદ્યોગ નો આઉટલેટ ચલાવું છું . તમારી રસોઈ મને ખુબજ ભાવી છે .તમે નાસ્તા અથાણા પાપડ વગેરે બનાવીને સેમ્પલ મોકલો . જો ડીમાંડ થશે તો વધુ ઓર્ડર મળશે ."

માધુરીબેને રાજી થઇ હા પાડી .

સહુથી પહેલા એમણે માયાબેનને થેપલા અને અથાણા નું સેમ્પલ મોકલ્યું .થોડા દિવસ થયા .કોઈ જવાબ આવ્યો નહીં .માધુરીબેન ને લાગ્યું કે પસંદ નહીં પડ્યું હોય .એમણે મન બીજે પરોવ્યું .

આજુબાજુના બહેનોને ભેગા કરી એ નવી નવી પ્રવૃત્તિઓ શીખવતા . શહેર અને શાળા કોલેજનો અનુભવ અહીં કામે લગાડ્યો .સિલાઈ ,ભરત ,ગુંથણ ,શીખવવા માંડ્યું .બહેનો મોતીકામની વસ્તુઓ ચાકળા તોરણ વગેરે બનાવતી થઇ ગઈ હતી. .બહેનોમાં ઉલ્લાસનું વાતાવરણ છવાઈ ગયું હતું . ઓછા ખર્ચમાં વેસ્ટ માં થી બેસ્ટ ઢીંગલીઓ પર્સ ટુકડા જોડી રજાઈ ચાદર બધું બનવા લાગ્યું .

એક સવારે ઘર સામે ગાડી ઉભી રહી . કુતુહલથી માધુરીબેન બહાર આવ્યા . પ્રિન્સીપાલ સાહેબના પત્ની માયાબેન આવ્યા હતાં . મોઢા પર હાસ્ય અને આંખોમાં ચમક સાથે ઉંબરે આવીને ઉભા ." અંદર આવવાનું નહીં કહો ..!!"

માધુરીબેન ને ખ્યાલ આવ્યો કે પોતે બારણાની વચ્ચે ઉભા હતા .એમણે પણ હસીને આવકાર આપ્યો . પ્રિન્સીપાલના પત્ની માયાબેન ઘરમાં આવીને બેઠા અને પર્સ માંથી એક કવર કાઢીને માધુરીબેન ને પકડાવી દીધું .એ આશ્ચર્યથી માયાબેન ને જોઈ રહ્યા . "આ તો શરૂઆત છે માધુરીબેન .હજુ લાંબી સફર કરવાની છે ."

માયાબેન હસી પડ્યા . "આ તમારા થેપલા અને અથાણા ના પૈસા .હજુ મોટો ઓર્ડર લઈને આવી છું . "

"અરે પણ સેમ્પલ નાં .."માધુરીબેન ને બોલતા અટકાવી માયાબેન બોલ્યા ."મફતમાં મળતી વસ્તુઓની કોઈ કિંમત નથી રહેતી . તમારી મહેનતનું વળતર તમને મળવું જ જોઈએ . "

માધુરીબેન નિરુત્તર થઇ ગયા .માયાબેન એમને થેપલાનો મોટો ઓર્ડર આપીને ગયા .માંધુરીબેનને રોકાણ કરતા સારોએવો નફો થયો હતો . પોતાને ત્યાં બપોરે આવતી બહેનોને પણ કામે લગાડી દીધી .

એમને પણ પૈસા મળતા થયા . માધુરીબેન એમને મહેનત પ્રમાણે પૈસા પણ આપતા .

હવે ગામમાં માધુરીબેન ની ચર્ચા

થવા લાગી .એમનું કહ્યું પણ માનતી બહેનો . હવે મોટીબેન તરીકે ઓળખાવા લાગ્યા માધુરીબેન .

ધીમે ધીમે ગૃહઉદ્યોગ જામી રહ્યો હતો અને બહેનો પણ ખુબ પ્રવૃત્ત રહેતી હતી . છતાં માધુરીબેન નાં મનમાં કૈંક ખટકતું હતું .

ગામમાં મોટી શાળા હતી પણ પ્રાથમિક વર્ગો બહુજ ખરાબ અવસ્થામાં હતાં . બાળકો રમી ને સમય પૂરો કરતા અથવા લોકોના ધક્કા ખાઈ બે ચાર પૈસા કમાઈ લેતા .એમની ઉંમરના શહેરનાં બાળકો કરતા સાવ પછાત લાગે . એમના ઘરની બાજુમાં એક ખાલી ગમાણ જેવી જગ્યા હતી .

એમણે એમના પતિને કાને વાત નાંખી ."અરે ,કેટલી દોડાદોડી કરશે .! બીમાર ન પડી જાય એ જોજે . બાકી તારી મરજી ."

માયાબેનની મદદ થી ત્યાં

પ્રાઈમરી શાળા ચાલુ થઇ ગઈ .

બાળકોને પણ માબાપ પકડી પકડીને મૂકી જવા લાગ્યા . ન્હાઈ ધોઈને ચોખ્ખા કપડા પહેરી બાળકો શાળામાં આવે ત્યારે જાણે બગીચામાં સુગંધી પરીજાતકના ફૂલ ઉગ્યા હોય એવું દ્રશ્ય લાગતું .સવારના પહોરમાં "અસત્યો માંહેથી પ્રભુ પરમ તેજે તું લઈજા "અને વૈશ્નવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે ...!"

ગામનું વાતાવરણ પવિત્ર થઇ જતું .

માયાબેનની મદદથી નાની ઉંમરની બહેનો ને ગૃહઉદ્યોગ માં સિલાઈ મોતીકામ વગેરેના ઉત્પાદનો વેચીને આવક ઉભી કરી આપી . ગામની બધીજ બહેનો વ્યસ્ત હતી . ફાજલ સમયમાં ભણવું પણ પડતું .સહી કર્યા વગર પૈસા ન મળતા . અંગુઠો પાડવા વાળી બહેનો નામ લખી શકતી હતી હવે .

માયાબેન કામ લાવતા અને બહેનો પૂરું કરતી .

માધુરીબેને સરકારને વિનંતી કરી શાળાઓમાં કોમ્પુટર મંગાવી આપ્યા હતા . નાના નાના છોકરાઓ પણ કોમ્પુટર શીખી ગયા . સાફ સુથરું માધવપુર હવે છાપે ચડી ગયું .

એક દિવસ પંદર ઓગસ્ટ ને દિવસે બાળકો ધ્વજ વંદન કરી રહ્યા હતા ત્યારે ત્રણ ચાર જીપ આવીને ઉભી રહી . ટીવી ચેનલ્સ અને ન્યુઝ મીડિયા ના પત્રકારો કેમેરામેન વગેરે માંધુરીબેનનો ઇન્ટરવ્યુ લેવાના હતા .

ધ્વજવંદન પત્યું એટલે ખાદીની સફેદ સાડીમાં સજ્જ માધુરીબેન ખુરશી પર ગોઠવાયા .

પત્રકારોએ પ્રશ્નોનો મારો ચલાવ્યો ."આ બધું શક્ય કેવી રીતે બન્યું !!"

માધુરીબેને બધાને બેસાડ્યા .અને કહેવાનું ચાલુ કર્યું ."આપ સહુ શાંતિથી સાંભળજો .આપ સહુને બધાજ પ્રશ્નોના જવાબો મળશે ."

એકદમ શાંતિ સ્થપાઈ ગઈ .

માધુરીબેન એમની વાત કહેતા રહ્યા .એ અનાથ હતા . એક આશ્રમમાં મોટા થયા . ગૃહમાતા પ્રભાબેન ચુસ્ત ગાંધીવાદી .આશ્રમમાં શિસ્તનું વાતાવરણ .દરેક છોકરીઓને બધુજ શીખવવામાં આવતું . સાથે સાથે સ્વાશ્રય અને કેળવણી .આમજ વ્યક્તિત્વનું ઘડતર કર્યું પ્રભાબેને .એમનું લગ્ન પણ કરાવ્યું .લગ્ન કરી માધવપુર નોકરી અર્થે આવ્યા પણ પ્રભાદીદીની કેળવણી કામ લાગી .મહેનત , આવડત , હિંમત અને ગામનાં લોકોનો સહકાર .. બધું ભેગું થયું ત્યારે નંદનવન નું સર્જન થયું .માયાબેનનો સહકાર અને પ્રોત્સાહન એ બધુજ યાદ કર્યું .

"મારા પ્રભાદીદી ની કેળવણીની આ ગુરુ દક્ષિણા રૂપે માધવપુર નું સર્જન અને દરેક બાળક આમજ

એક એક માધવપુર ઉભું કરશે એજ મારી ગુરુ દક્ષિણા ."

હાજર રહેલા બધાજ સ્તબ્ધ હતા .આંખોમાં અશ્રુ સાથે તાળીઓના ગડગડાટ થી બધાએ માંધુરીબેનને વધાવી લીધા .

ટીવી પર પ્રસારણ જોઈ માયાબેન ગદગદ થઇ ગયા .

પ્રભાદીદી એ હિચકે બેઠા બેઠા આંખ લુંછી . એમને એમની શિષ્યાએ અદભૂત ગુરુ દક્ષિણા આપી દીધી હતી .

Smita shah 'meera'

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED