Hel Smita Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

Hel


હેલ

સ્મિતા શાહ ’મીરાં’© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

હેલ

હેલ... આ શબ્દની સાથે જ ગ્રામ્ય પરિવેશ અને એક અદભુત સંસ્કૃતિ તરી આવે નજર સામે. એક વાર આ પ્રથા વિષે ક્યાંક વાંચ્યાનું યાદ છે જેમાં સ્ત્રી પોતાના ગમતા પુરૂષને ત્યાં હેલ ભરીને જતી અને પુરૂષ એની હેલ ઉતારે. પછી બંને પતિ પત્ની ગણાતા. .! !

આના વિષે નું કુતુહલ અને સ્ત્રી ને અધિકાર આપતી આ પ્રથા ની એક વાર્તા.. સાવ કલ્પના.. પણ મારા મન માં ઘુંટાઈ ને આ પાત્રોએ જન્મ લીધો છે..

ગૌરી અને સંતોષ નાનપણ ની ખાસ બેનપણીઓ. સાથે રમવું , સાથે ભણવું , બે શરીર પણ જીવ એક.

મોટા થયા પછી લગ્ન પણ એકજ ગામ માં થયા. બંનેનું સખીપણું અકબંધ રહ્યું.

ગૌરી ને એક દીકરી. રૂપાળી, રૂના ઢગલા જેવી.

એનું નામ પાડયું કંકુ. ચાલે તો જાણે કંકુની ઢગલી ઓ પડે. .!!

સંતોષ નો દીકરો શ્રવણ. ..

રૂડો રૂપાળો. કુંવર કલૈયા જેવો.

ગૌરી સંતોષને કહે " હું તારો દીકરો લઈ લઈશ. " અને સંતોષ હસી પડતી. હુંજ તારી દીકરીને લઈ જીશ ને. .. પછી આવજે પાછળ દોડતી. .!!"

બંને સખીઓ વ્હાલથી ભેટી પડતી ઘોડિયા માં જ ગોળધાણા ખાઈ બંને સખીઓ વચન થી બંધાઈ ગઈ.

બજાર કે મેળામાં જાય તો બંને એકબીજાના બાળકો માટે વસ્તુઓ લાવે. " લે વેવાણ , મારી દીકરી માટે રીબીન. ." સંતોષ ખુશ થતા થતા કહેતી. ગૌરી પણ શ્રવણ માટે ખરીદી કરતી. આમ સમય ખુશી માં ક્યાં નો ક્યાં વહી ગયો. ..

બંને બાળકો થોડા મોટા થયા એટલે એમના લગ્ન થયા. પણ હજુ આણું નહોતું થયું. ..

કંકુ અને શ્રવણ ને સારૂં બનતું.. એક કુપળ ફૂટવા લાગી હતી બે વચ્ચે. સંતોષ ની નજર થી દીકરા માં આવેલો ફેરફાર છૂપો ન રહ્યો. .. એને લાગ્યું કે હવે દીકરાનું ઘર માંડવામાં વાંધો નહિ આવે. કંકુ પણ ખાસી મોટી થઈ ગઈ હતી.

ગૌરી ને મળી આવતી વસંત પંચમી નું મુહુર્ત નક્કી કરી નાખ્યું. . હવે તો મારી થાપણ લઈજ જીશ વેવાણ !!" બંને બેનપણીઓ હેત થી બાઝી પડી.

બંનેની આંખમાંથી ગંગા જમના વહી અવસર ને પાવન કરતી રહી.

બંને ઘરે જોરશોર થી તૈયારી ચાલતી હતી.

શ્રવણ કંકુ ને પૂછે " તારા માટે શહેર થી શું લાવું ! બોલ !" ને કંકુ હાથ છોડાવી ભાગી ગઈ...

શ્રવણ પાછળ પાછળ. .." ઉભી રે. કરતો. .!"

જોનારની આંખો ઠરે એવી જોડી હતી કંકુ શ્રવણ ની. લગ્ન ની ખરીદી માટે શ્રવણ એના બાપુ સાથે શહેર માં ખરીદી કરવા ગયો.

એની દાદી , ફોઈ , કાકા ,કાકી મા, બાપુ ,પોતાને માટે ખુબ ખરીદી કરી. કંકુ માટે લાલ કાચની બંગડીઓ બાપુની નજર ચૂકવી ખરીદી ને થેલીમાં સરકાવી. કંકુ નું શરમથી રાતુંચોળ થયેલું મુખ એની નજર સામે તરવરી ગયું.

બાપુએ કહ્યું જલ્દી પગ ઉપાડ , બસ જતી રહેશે. અને બેધ્યાન પણે રસ્તા પર જતા જ પાછળથી આવતા મોટા વાહન ની હડફેટે શ્રવણ નો જીવ લઈ લીધો. ..!!

બાપ બિચારો બાવરો થઈ કકળતો દીકરાનું શબ લઈ પાછો

ફર્યો. ગામ માં અરેરાટી ફેલાઈ ગઈ. સંતોષ તો બેહોશ થઈ પડી. માંડ માંડ એની અંતિમ ક્રિયા કરી ગામ ના લોકોએ.

કંકુ હતપ્રભ થઈ ગઈ.

હજુ તો કુંપળ ફૂટે ન ફૂટે ત્યાં કાળ ના ક્રુર પંજાએ એની જિંદગી ખેદાનમેદાન કરી દીધી હતી. એનું હાસ્ય સુકાઈ ગયું.

અલ્હડ તોફાની હસમુખી કંકુ ક્યાંક ખોવાઈ ગઈ.

સંતોષ થી આ ઘા જીરવાયો નહિ. એણે પલંગ પકડી લીધો..

દિવસે દિવસે ગળાતી ગઈ સંતોષ...

એનું દુખ ગૌરીથી જોવાતું નહોતું. એના પડખે જી ને ઉભી રહેતી.

દિલાસો આપવા પ્રયત્ન કરતી પણ પોતેજ રડી પડતી. કોઈને કઈ જ સમજાતું નહોતું.

એક દિવસ કંકુ એ બા બાપુ ને કહ્યું.

" મને મારા ઘરે જવાદો. હવે.. મારા સિવાય એમનું કોણ છે !! હવે તો હું જ એમનો દીકરો ને !! "

ગૌરી ના ન પડી શકી.. ભારે હૈયે કંકુ ને સંતોષ પાસે મૂકી આવી.

સંતોષ આભાર ભરી દ્રષ્ટી થી એને જોતી રહી. બંને સખીઓ ની આંખ થી ગંગા જમુના વહેતી હતી.

કંકુ એ ભેખ ઓઢી લીધોજ. જી ને આખું ઘર હાથમાં લઈ લીધું. ઘર સાસુ સસરા ઢોર ઢાંખર.. બધુજ. એકલી !!

ખેતરે, તળાવે, બજાર બધે એકલી કંકુને જોઈ બધા જીવ બાળતા. આને તો કોઈ પણ સારૂં ઘર મળી ગયું હોત.. કેટકેટલા ની નજર એની ઉપર રહેતી.. કાશ મને મળી હોત તો !!

પણ અર્જુન ના લીધે એકપણ છેલબટાઉ ફાવતો નહિ. અર્જુન ગામ નો ભારાડી માણસ હતો. કામ ધંધો કરવાને બદલે હાથ માં ડંડો લઈ ને રખડતો રહેતો અને રોજ દાદાગીરી મારપીટ. .એની માં માથે હાથ દઈ રડતી " હે ભગવાન મારા નસીબે આ કેવો પાણો પાક્યો છે. .!!"

પણ અર્જુન ને કોઈ ની પરવા નહોતી.

ગામ માં કોઈ બહેન દીકરી પર બુરી નજર નાખવા વાળા ની એવી વલે કરતો. .!! હાથ પગ તોડી ને દવાખાના ભેગો. ..!!

કંકુ જ્યાં જાય ત્યાં એને અર્જુન દેખાય. એટલે નિરાંત અનુભવાય. જરાય બીક નહિ અર્જુન હોય તો. કોઈ પણ સ્ત્રી તરફ ઉંચી આંખ કરી ને કદી જોતો નહિ પણ રખોપું કરતો..

એક દિવસ કંકુ સાંજ ની રસોઈ માટે ચૂલો સળગાવી શાક સમારતી હતી.

ચુલા નાં અગ્નિનો પીળો પ્રકાશ એને વધુ આકર્ષક બનાવી રહ્યો હતો. દુર હિંચકે બેસી એકીટશે જોતા એના સસરાના મનમાં આજે રાક્ષસે માથું ઉચક્યું હતું.

કંકુની પાસે એમણે પાણી માંગ્યું.

પાણિયારે થી ગ્લાસ ભરી બાપુજીને પાણી આપવા માટે ગઈ. "લો બાપુજી.. જમવાનું પણ તૈયાર જ છે. થાળી પીરસું !"

અચાનક એમણે કંકુ નો હાથ પકડી ને ખેચી. કંકુ એ ઝટકો મારી હાથ છોડાવ્યો અને રસોડા તરફ દોડી.

પણ આજે એના સસરા પર શેતાન સવાર હતો. એમણે પાછળ થી એને પકડવાની કોશિશ કરી. કંકુ એ ચુલા માં થી લાકડું ખેચ્યું. અને સળગતા લાકડાથી એની ઉપર પ્રહાર કર્યો.. તો પણ ના અટક્યો એ માણસ. કંકુએ સળગતું લાકડું ધરી ને જોર થી ત્રાડ પાડી

"ખબરદાર જો આગળ વધ્યો છે.. મારા થી ભૂંડી બીજી કોઈ નહિ. .!! "

બોલી ને એ આગળ વધી. સસરા સમય વર્તી ભાગી ગયા..

" છટકી ને ક્યાં જવાની છે.! આજ નહિ તો કાલ..."

કંકુ ધ્રુજી ગઈ...

પિયર પછી જીશ તો મા બાપુ ને શું કહીશ એ વાત થી..!!

પથારીમાં પડેલી સંતોષ ને વળગી ને ખુબ રડી. સંતોષની વાચા હરાઈ ગઈ હતી દીકરાના ગયા પછી.

"બા, હવે અહી નહિ રહેવાય. મને માફ કરો. "

સંતોષ પણ રડતી રહી. નિસહાય.

કંકુ ચોક માં ગઈ. માથા પર બે ડોલ ભરીને પાણી નાખ્યું જાણે આ સબંધો નું નાહી નાખ્યું. માથે પાણી ભરેલી પિત્તળ ની હેલ લઈ ઘર ની બહાર નીકળી.

પાછું વળી ને જોયા વગર. સડસડાટ બજાર વચ્ચે થી.

લોકો આશ્ચર્ય થી એને જોઈ રહ્યા. ..આ કંકુ ક્યાં ચાલી ? થોડા લોકો કુતુહલ થી એની પાછળ ચાલ્યા. .

મક્કમ પગલે કંકુ અર્જુન ના ઘર પાસે અટકી. અર્જુન ઘરની બહાર ઓશરી માં મુકેલી ખાટ પર આડો પડી જમવાની રાહ જોતો હતો..

કંકુ ને જોઈ સફાળો બેઠો થઈ ગયો. નીચી નજરે એની બાજુ માં ઉભો રહ્યો...

કંકુ એ સહેજ હક થી એને કહ્યું " મારા માથેથી હેલ ઉતારો. બહુ ભારે છે. "

અર્જુને જલ્દી હેલ ઉતારી પકડી ને ઉભો રહ્યો..!

અર્જુનની મા બારણાં માં ઉભી રહી હતી.. અવાચક.!!

કંકુ એ આગળ વધીને અર્જુન નો હાથ પકડયો ,અને મા સામે જોઈ બોલી

" અંદર નહિ બોલાવો ? "

મા કઈ સમજે કે બોલે એ પહેલા ભોળો અર્જુન

"આવોને ઘરમાં. ."

એમ કહેતો કંકુ ને ઘર માં લઈ ગયો. કંકુએ ભગવાન નું નામ દઈ જમણો પગ ઉંબરની ઉપર થી ઘરમાં મુક્યો.

કંકુ નો ગૃહ પ્રવેશ થઈ ચુક્યો હતો. ઘર માં જી કંકુ એ સાડલો માથે ઓઢ્‌યો અને મા ને પગે લાગી..

મા ગાંડી ઘેલી થઈ કંકુ ના ઓવારણા લેતી હતી...

" મારા અડબંગ નાં નસીબ માં આવી સાક્ષાત લક્ષ્મી ના અવતાર જેવી વહુ. .!! ઠાકોરજી તારી લીલા અપાર છે. .!"

કંકુ સહેજ શરમાઈ ને બોલી.

"બા , નસીબદાર તો હું છું. સાક્ષાત ભોળાનાથ જેવા આ મળ્યા. !"

અર્જુન કઈ સમજ્યા વગર બંનેને જોઈ રહ્યો હતો. .

કંકુ રસોડા માં જી કામે વળગી. મા અર્જુન ને સમજાવતી હતી કે ભોળપણ માં એણે શું પરાક્રમ કર્યું હતું. !

ત્રાંસી આંખ થી કંકુ ને જોઈ શરમાતો હતો. .કંકુ ચુલા ની આગ ને ફૂક મારી તેજ કરતી હતી. ..

બે ખોરડા ની ઈજ્જત બચાવી ને ઘી ના ઠામ માં ઘી પડી રહ્યું. ગામનાં લોકો ચાર દિવસ વાતો કરી ચુપ થઈ ગયા. .. ગૌરીએ જયારે જાણ્‌યું તો આશ્ચર્ય ચકિત થઈ ગઈ. એ કંકુને મળવા ગઈ.

માને જોઈ કંકુ એને ભેટીને ખુબજ રડી. ગૌરીએ એને રડી લેવા દીધી. બે સ્ત્રીઓ એકબીજાની હૃદય ની વાત જલ્દી જાણી લેતી હોય છે. કૈક અજુગતું થયાનો અણસાર ગૌરીને આવી ગયો.

દીકરીને ખુબ આશીર્વાદ આપી મા પાછી ગઈ ત્યારે ટટ્ટાર માથે

ચાલતી ગૌરી ગામલોકોને આશ્ચર્યમાં નાખતી ગઈ. ચણભણ થોડા દિવસ ચાલીને બંધ થઈ ગઈ

કંકુ ને અર્જુન ખુશ હતા.

સ્મિતા શાહ ’ મીરાં ’