હું ગાડી ચલાવતાં શીખી. Pallavi Jeetendra Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

હું ગાડી ચલાવતાં શીખી.

Name: Pallavi Jeetendra Mistry

E mail: hasyapallav@hotmail.com

હું ગાડી ચલાવતાં શીખી. [હાસ્યલેખ] પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

અત્યાર સુધીના મારા બહોળા અનુભવના આધારે હું એ તારણ પર પહોંચી છું કે મને જે વિષયમા નબળા શિક્ષક પ્રાપ્ત થયાં છે, તે વિષયમા પ્રગતિ મેં સ્વયમ સાધ્ય કરી છે.ગાડી ચલાવતાં શીખવાની બાબતમા પણ આવું જ બન્યું. આમ તો જો કે મને કાર-ડ્રાઇવિંગનો નાનપણથી જ અનુભવ. હું જ્યારે દસમા ધોરણમા હતી, એ વખતે અમારે કામસર ઘણીવાર સુરતથી નવસારી જવાનું થતું. રસ્તામા ‘સચીન’ નામનુ નાનકડું મજાનું ગામ આવે. જાણે બાપાના બગીચામા ટહેલવા નીકળી હોય તેમ આ ગામની ગાય-ભેંસ ગામના સાંકડા રસ્તા પર ફરવા નીકળતી.

જેમ ચૂંટણી સિવાય નેતાઓના કાન પર ગરીબ જનતાના દુ:ખ-દર્દ ભર્યા પોકારો નથી પડતાં, એ જ રીતે મારી ગાડીનો વારંવાર વાગતો હોર્ન આ સહેલાણી ગાયો-ભેંસોના કાને પડતો નહી. અથવા તો સફળ રાજકારણીની જેમ એ બધી આ અવાજની પરવા કરતી નહી. છેવટે મારે જ મારી ગાડીની બ્રેક લગાવવી પડતી, અને તોય એમાની એકાદી તો પ્રેમથી મારી ગાડીને ભેટી જ પડતી. જાણે આજ તકની રાહ જોઇને બેઠો હોય તેમ, ક્યાંક્થી ભરવાડ કે રબારી, ગાય અને ગાડીના અદભુત મિલન સ્થળે ઈર્ષ્યાવશ દોડી આવતો અને સામે રહેલી પોલિસ ચોકીનો ડર બતાવીને ૫૦-૧૦૦ રૂપિયા પડાવતો. મને લાગે છે કે બકરો[બકરી] મૂંડવાની આ પ્રક્રિયા રબારી અને પોલિસના સહકારથી જ ચાલતી હશે.

ખેર, આ તો થઈ મારાં ભવ્ય ભુતકાળની વાતો. એ તો ઇતિહાસમા જ શોભે, હાસ્યલેખમા નહી. વળી મારા આ ભવ્ય ભુતકાળના આધાર પર મને કારનુ પાકુ લાયસંસ તો શું કાચુ લાયસંસ પણ મળે નહી. મારા ઘરે એક પ્રિમિયર-પદ્મીની કારની પધરામણી થઈ હોવાથી મને પાકા લાયસંસની ખાસ જરુર હતી. આમ તો લાયસંસ વગર પણ ગાડી ચલાવી શકાય [ઘણા એવું કરતાં પણ હોય છે] પણ એક્સિડંટ કરવો હોય તો લાયસંસ હોવુ જરુરી ખરું.

અમારી ગાડીનો વિમો હજી ઉતરાવ્યો નહોતો, તેથી ડ્રાઇવિંગ સ્કુલની ખટારા ગાડી પર ડ્રાઇવિંગ શીખવું વધારે સારું, એમ મારા પતિદેવની મદદથી વિચારતાં મેં ડ્રાઇવિંગ સ્કુલમા મારું નામ નોંધાવ્યુ. ૧૫ દિવસ સુધી મારાં માટે રોજ તેઓ જોખમ લેવા તૈયાર થયાં. મિલ મજૂરોને જેમ રોજ વેતન કાર્ડ ભરવું પડે છે, તેમ અમારે રોજ એક કાર્ડમા સહી કરવી પડતી. સહી કરતી વખતે મને કાયમ એવી લાગણી થતી કે આ લોકો મારી પાસેથી લખાવી લે છે કે, ‘હું જે કંઈ પણ કરવા જઈ રહી છું તે, સમ્પૂર્ણ સ્વસ્થતા પૂર્વક અને પૂરેપૂરી મારી જવાબદારીથી કરી રહી છું.’ હું નર્વસ થઈ જતી અને પછી સ્ટીયરીંગ હાથમા લેતાં જ શરુ થતી ભૂલોની પરંપરા.

અન્ય સ્ટુડન્ટ્સ ના સદનસીબે મને જે ઇન્સ્ટ્રક્ટર મળ્યો હતો તે અત્યંત ગુસ્સાવાળો, સાક્ષાત દુર્વાસાના અવતાર સમો હતો. એના મોં સામે જોઉં અને એણે આપેલી બધી સૂચનાઓ ભુલી જાઉં. પહેલે દિવસે જ એણે મને સૂચના આપતાં કહ્યું, ’જુવો, ડ્રાઇવરની સીટ પર તમે બેસો એટલે તમારે સજાગ રહેવાનું.’ મને નવાઇ લાગી કે શું એ એમ વિચારતો હશે કે ડ્રાઇવરની સીટ પર બેસીને હું ઊંઘી જઈશ?

ત્યાર પછી તો એણે ભઠ્ઠીમા ધાણી ફૂટે એમ ફટાફટ સૂચનાઓ ફોડવા માંડી. ‘પેલ્લા [પહેલા] ગાડી નૂટલ [ન્યૂટ્રલ] છે કે નહી તે જોઇ લેવાનું. ગાડી નૂટલ નંઇ હોય તો એને નૂટલ કરવાની. પછી ચાવી લગાડી ગાડી ઇસ્ટાર્ટ [સ્ટાર્ટ] કરવાની. પછી કલચ [ક્લચ] દાબી ગાડી ફસ્ટમાં [ફર્સ્ટ ગીયરમા] લેવાની. પછી સિંગલ [સિગ્નલ] બતાડી ધીરે ધીરે કલચ છોડતાં જવાનુ અને ધીરે ધીરે એસ્કૂલેટર [એક્સીલેટર] આપતાં જવાનુ.ગાડી થોડી રનિંગમા આવે પછી કલચ દાબીને એસ્કૂલેટર છોડીને ગાડી સેકંડ[સેકંડ ગિયર] મા લેવાની, પછી એ જ રીતે થડ [થર્ડ ગિયર]મા લેવાની ને પછી ટોપ [ફોર્થ ગિયર] મા લેવાની. ચાર રસ્તા આવે તંઇ અગાડી [ત્યાં આગળ] ગાડી ધીમી કરવાની, હોન મારવાનો, કલચ-બિરેક [બ્રેક]કરવાનાં, હાથ બતાડવાનો, ગિયર ઓછુ કરવાનું ,એસ્કૂલેટર પરથી પગ લઈ લેવાનો, સ્ટિયરિંગ ફરાવવાનુ ને પછી ગાડી વાળીને સીધી કરી દેવાની.’

મશીનગનમાંથી છૂટતી ગોળીઓની જેમ એના મોંમાથી નીકળતી સૂચનાઓનો અમલ હું એકલી, એકસાથે કઈ રીતે કરી શકીશ એ વિચારે મેં એની સામે જોયું ત્યારે એણે છેલ્લી સૂચના આપી,’ ગાડી ચલાવતી વખતે તમારે કાયમ અરીસામા જોયા કરવાનું.’ મને એની આ છેલ્લી સૂચના ખૂબ ગમી ગઈ.એણે જ્યારે મને ગાડી ચલાવવા સોંપી ત્યારે ગાડી બે-ત્રણ આંચકા ખાઇને ઊભી રહી અને પછી બંધ પડી ગઈ.

એણે ચિઢાઇને પૂછ્યું, ‘આ શું કરો છો?’ મેં અત્યંત નિર્દોષભાવે કહ્યું, ‘ ગાડી ચલાવું છું.’

પેલાએ વધારે ચિઢાઇને કહ્યું, ‘ગાડી ચલાવો છો કે બંધ પાડો છો? આમ તે વળી ગાડી ચલાવાતી હશે? એસ્કૂલેટર આઇપા વગર કલચ કેમ છોડી દો છો?’

પછી તો ઘણી મહેનતના અંતે હું એની સૂચના મુજબ ગાડી ચલાવતાં શીખી. પણ જેમ કોઇ સજી-ધજીને જતી સુંદરીને જોઇને જુવાનિયાઓ [૬૦ વર્ષ સુધીના] ઘડીભર અટકીને એને જોઇ રહે, તેમ કાયમ ચાર રસ્તા પર સિગ્નલને જોઇને મારી ગાડી અટકી જતી. છેવટે જેમ-તેમ ટ્રેનિંગના ૧૫ દિવસ પુરા થયાં. મેં અને પેલા ઇંસ્ટ્ર્કટરે – બેન્ને એ એકબીજાથી, ‘હાશ છુટ્યાં’ એમ અનુભવ્યું.

છેલ્લે દિવસે જો કે એણે મને કહ્યું, ‘તમે કોઇને કહેતાં નહિ કે તમે અમારી ઇસ્કુલમા કાર ડ્રાઇવિંગ શીખ્યા છો.’ પણ જ્યારે પાકા લાયસંન્સની ટેસ્ટમા હું પહેલા જ પ્રયત્ને કોઇની મદદ વગર પાસ થઈ ગઈ અને મને પાકું લાયસંન્સ મળ્યું ત્યારે એને નવાઇ લાગી. પણ એ બિચારાને મારા કાર-ડ્રાઇવિંગના ભવ્ય ભૂતકાળના અનુભવ વિશે શું ખબર? ને આવા ઇંસ્ટ્રક્ટરને આવુ બધું કહીને ફાયદો પણ શું? આજે તો હું બિંદાસ્ત, ભરચક ટ્રાફિકમાં કે હાઇવે પર પણ ઘભરાયા વિના અને કોન્ફિડન્સથી ગાડી ચલાવી શકું છું એ જ મારા માટે તો કાફી છે ને?

આજની જોક:

પત્ની: ડાર્લિંગ, આપણી ગાડીના કારબ્યુરેટરમા પાણી ભરાઇ ગયું છે.

પતિ: [ઓફિસમાથી] : તો રિપેર કરાવી લે ને. બાય-ધ-વે, ગાડી છે ક્યાં?

પત્ની: તળાવમા.