ટૂંકી વાર્તાઓ - 2 Vijay Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટૂંકી વાર્તાઓ - 2

ટૂંકી વાર્તાઓ

ભાગ - 2

વિજય શાહ

1 - લઘુકથા + કાવ્ય – “love triangle?”

તે મને પહેલા કેમ નોતું કહ્યું?” પ્રીતેશે આશ્ચર્ય થી પૂછ્યું. “કારણ કે પહેલા એવું કઈ હતું નહિ.” નિધી આંખો મેળવ્યા વગર જવાબ આપ્યો. પ્રીતેશે ફક્ત એક હતાશ-સ્માઈલ આપી. થોડીક સાયલેન્ટ મોમેન્ટ્સ પછી પ્રીતેશે કહ્યું,” દેવર્શે મને પહેલા ફેસબુક પર કહ્યું હતું, પણ હું માન્યો નહિ.કારણ કે તેણે મને ફક્ત અટક કહી હતી.And I was in love with you”

ક્યારેશું કહ્યું હતું એણે?”, નિધી ની આંખો ચોંકી ગઈ હતી.તેણે પાછળ ના શબ્દો ને ignore કર્યા.

એજ કે એની ગર્લફ્રેન્ડ ની અટક શાહ છે અને મેરેજ માટે પણ તૈયાર છે.”

નિધી પાસે બોલવા માટે કઈ હતું નહિ. થોડીક સાયલેન્ટ પળો પછી એક બસ આવી.પ્રીતેશ કઈ પણ બોલ્યા વગર બસ માં બેસી ગયો.નિધી બસ ને જોઈ રહી, જ્યાં સુધી બસ દેખાતી બંધ ના થઇ.

***

દિવસ પછી પ્રીતેશે નિધીની સામે જવાનું ટાળ્યું. તેણે કલાસીસ ની બેચ પણ ચેન્જ કરાવી દીધી હતી. કોઈ ની જોડે વાત કરવાનું પણ તે ટાળતો રહ્યો. ઘણી વાર બે બેચ ની વચ્ચે ના સમય માં તેમની નજરો મળતી અને પ્રીતેશ મન માં ફક્ત આટલું કહી શકતો હતો કે,

“કર્યો પ્રયત્ન જયારે જયારે ભૂલવાનો તને,

આવતી રહેતી તું ઇત્તેફાક થી મારા નયનો કને.

મળતી જયારે ખુશી, તુજને ભૂલીને મને,

દઈ ને એક ઝલક તારી, તું મૂંઝવતી મને.

હતી શું ભૂલ મારી? બસ કર્યો હતો તને પ્રેમ.

કર્યો જે રીતે ભમરાઓએ ફૂલો ને બસ તેમ.

અન્જાન હતો, આ ફુલ હતું કોઈ બીજાની અમાનત.

લાગી નવાઇ લોકોને, આજે ભમરો મૂરઝાયો કેમ!”

દેવર્ષ નિધી નો કોલેજ કલાસમેટ હતો, પરંતુ હવે તેણે ટ્યુશન કલાસીસ પણ નિધીની સાથે જ જોઈન કરી લીધા હતા.અને હવે નિધી ના કોલ્સ અને મેસેજીસ પણ પ્રીતેશ ને મળવાના બંધ થઇ ગયા હતા. પ્રીતેશ વધારે અને વધારે ડૂબતો ગયો.એક વખત નો રેન્કર હવે પાસ થવાના ફાંફા મારતો હતો. આખો દિવસ ઘર માં જ બેસી રહેતો અને બસ કઈક ને કઈક લખ્યે રાખતો.કલાસીસ માં પણ તેણે બંક મારવાનું સ્ટાર્ટ કરી દીધું હતું.

એકવાર ફેસબુક માં ફરી નિધી અને પ્રીતેશ ની મુલાકાત થઇ ગઈ.પ્રીતેશ નું ધ્યાન ગયું અને તે ઓફલાઈન થાય તે પહેલા જ નિધી નો મેસેજ આવ્યો,

નિધી: “hi”

પ્રીતેશ: “bye”

નિધી: ” મારો કંઇ વાંક નથી .” પ્રીતેશે કઈ રીપ્લાય ના આપ્યો.

નિધી: “મેં તને મિત્રની જેમ જ જોયો હતો “

પ્રીતેશે તેનું લેપટોપ બંધ કર્યું અને મન માં જ બોલ્યો….,

“પ્રેમ તારો મારા જીવન માં આવ્યો જાણે હવા, ન હતો અંદાજો શું જઇ રહ્યું છે થવા,

હું નાસમજ તારી રમત ને માની બેઠો પ્રેમ,તારો હર-એક દાવ, ના જાણે, મને ના દીઠો કેમ!

ખેલદિલી પણ ના રાખી તે પ્રેમ ના ખેલ માં,તોડી હૈયું મારું, તું નીકળી ગઈ હેમખેમ!”

***

2 - સાહેબોને સજા

પોલીસ સબ ઇન્પેક્ટર રણજીત સિંહ આમતો હસમુખ અને નિખાલસ જીવ..દરેક સાહેબોને અનુકુળ થનારો અને તેમનો પડ્યો બોલ ઝીલનારો તેથી દરેક સાહેબોનાં તેના ઉપર ચાર હાથ..અને એ મહેરબાની તળે તેનું છ જણાનું કુટુંબ સરસ રીતે શાંતિનું જીવન જીવતુ. પણ છેલ્લા કેટલાક સમયથી તેના શાંત જીવનની કુદરતને ઇર્ષા આવી હોય તેમ ઉપરા છાપરી તે ચારે બાજુથી ભીંસાતો જતો હતો.

ક્યાંકથી નનામી અરજી થઈ તે કાર્યવાહી શરુ થઈ તેજ સમયમાં ઉપરી અધિકારીની બદલી થઈ. નવા ઇન્સ્પેક્ટરને રણજીતસિંહની ઉપરીઓની ભક્તિમાં દાળમાં કાળુ લાગ્યું અને દસ વર્ષથી જે ચોકી ઉપર તે સ્થિર હતો તેને આ નનામી અરજીનાં આધારે ગાળાગાળી કરી બદલી કરી નાખી.

પાંચ પોલીસની હાજરીમાં લાંચીયા હોવાનું આળ સહન કરવાનું અતિ દુષ્કર હતુ. પાછો ઉંમરમાં નાનો અધિકારી ગાળ દે તે કેમ ચાલે…ધુંવાફુંવા થતો ઘરે આવ્યો અને નાનકાને ધોલ મારી..મોટીને ઘાંટો પાડ્યો. ચા લઈને આવતી પત્નિ માલાએ બદલાયેલ તેવર જોઇને છોકરાને આઘા પાછા કરી ધમ ધમ ફરતા પતિ પાસે આવીને કહ્યું-” કેમ ઠાકોર આજે ઘરને ચોકી બનાવવા બેઠા છો?”

” આ નાનું છોકરડું હજી તો સીધ્ધુ તાલિમમાં થી આવ્યું છે ને મને ગાળ દે તે કંઈ ચાલે…?” “હશે કાલે તમારો વારો આવે ત્યારે તમે તેને ગાળ દેજો ..પણ હમણા તો આ ચા ટાઢી પડે છે..તે તો પી લો.”

મસાલા આદુની ચા જાણે દવા હોય તેમ પીને બાઈક ને કીક મારી પોલીસ ક્વાર્ટર્સમાંથી રણજીત સિંહ નીકળી પડ્યા.. તેમની બાઈક સ્પીડ લીમીટ કરતા વધુ ઝડપે તેમના મગજનાં તપેલા પારાને દર્શાવતી બે ચાર જણ ને ઓવરટેક કરીને નીકળી ગઈ ત્યારે કોઇક બોલ્યુ પણ ખરું કે મરવાનો થયો લાગે છે! છેલ્લા કેટલાક સમયથી તેને શરીરે અસુખ તો હતુ જ અને તેમા આજની ગાળાગાળીએ જાણે બળતામાં ઘી હોમ્યું. શહેર દુર વહેતી નદીનાં કિનારે પહોંચીને તેણે બાઈક રોકી. ખળખળ વહેતા નદીનાં વહેણમાં તેને ડુબકી મારવાનું મન થયું. મંદિરની આરતીનાં ઘંટારવમાં સામન્ય રીતે તેને શાંતિ મળતી પણ આજે તે ઘોંઘાટ લાગ્યો અને બોલ્યો પણ ખરો આ ભગવાન તે કંઇ બહેરો છે કે તેને જગાડવા આટલો અવાજ કરો છો? મંદિરની નજીક નીલગીરિનાં છોડવામાંથી આવતી મહેંક અને સાંજનો ડુબતો સુરજ આજે તેના અસુખને વધારતો લાગ્યો તેથી પ્રસાદ લઈને ઘરે પાછુ પ્રયાણ કર્યુ.

પાછા વળતા તેના મિત્રોની સલાહથી તેણે રજા પર ઉતરી જવું યોગ્ય લાગ્યુ આમેય શરીરે અસુખ તો હતુ જ…મન પણ ઘવાયેલુ તો હતું જ..દિવસો ઉપર દિવસો વિતતા જતા હતા..અને રોજે રોજ નીતનવી વાતો આવતી હતી…રણજીતસિંહ સાહેબોને પૈસા પહોંચાડતો હતો..તે પણ તેમા કટકી રાખતો હતો…કોઇ પણ તેના ઉપરી અધિકારી રણજીતસિંહને બચાવવાની પેરવી કરતા નહોંતા..દરેક જણ તેને બલીનો બકરો બનાવી સાફ છુટી ગયા હતા…

તેને હવે યાદ આવ્યું મોટીનાં લગ્નની તૈયાર માટે રઘુ સોની પાસે રુઆબથી દાગીનો અર્ધા ભાવે લીધો હતો..નાનકાને કોમ્પ્યુટર અપાવવા જે કે ને દબડાવ્યો હતો…તોડ પાડીને જયસ્વાલનાં પૈસા સોલંકી સાહેબને ઓછા આપ્યા હતા ને ફ્લૅટ માટે તે હપ્તો ભર્યો હતો…બાઈકમાં પેટ્રોલ ભરાવાના ક્યારેય પૈસા આપ્યા હોય તેવું યાદ આવતુ નહોંતુ.

કમીશને તો છેલ્લા દસ વર્ષના ચોપડા ખોલાવ્યા છે..ક્રીમીનલ ચાર્જ પણ મુકાશે અને કચ્છમાં બદલી થવાની છે તેવી વાતો સાંભળ્યા પછી તેનું અસુખ તે રાત્રે ખુબ જ વધી ગયુ…જે સાહેબોને ટોપલે ટોપલા ભરીને આપ્યું હોય તેઓ જ હવે કટકીનો હિસાબ માંગે છે?..અ ર ર ર્. આ સાહેબોનાં હાથા બની જઈને મેં કેવી ભયંકર ભુલ કરી? અને હવે તે ભુલનો ભોગ બનશે માલા અને આ ચારેય ભુલકા?

રણજીતસિંહને થવા લાગ્યું કે આ સાહેબોની જાત જ ભુંડી…ધારે તો મને બચાવી શકે પણ શું કામ બચાવે..તેમને તો એક નહીં બીજો પી.એસ.આઇ.મળી જશે…પણ મને જેલ થઈ જશે તેનુ શું?

તેનો વિચારવાયુ વળી બીજી દિશામાં ફંટાયો..શાંતિથી સુતેલી માલા અને સંતાનોને જોઇ તેને ગુસ્સો આવ્યો..આ બધુ તમારે માટે કર્યુ અને તમે બધા શાંતિ થી ઉંઘો છો? મારી આ જે દશા છે તેના માટે મારા સાહેબો જેટલાજ ગુનેગારો તમે છો. અંદરથી ઉઠતા ગુસ્સને ઠંડો કરવા તેણે કાગળ પેન હાથમાં લીધી અને કયા સાહેબને કયારે કેટલા આપ્યાનો હિસાબ લખ્યો સહી કરી. અને આ ગીધડા (સાહેબો જ તો વળી) તેના કુટુંબને ચુંથી ન નાખે તેટલા માટે તેણે રિવોલ્વર ઉંચકી માલાને ઠાર કરી..અવાજથી જાગી ગયેલા ચારેય બાળકોને એક પછી એક ગોળીથી ઠાર કર્યા…

અંદરથી તેને એક જોરદાર ધક્કો વાગ્યો..તે ક્ષણભર માટે ડરી ગયો..તેણે જાતે પોતાનાજ કુટુંબને ઠાર કર્યુ? હવે મારું શું થશે તે કલ્પના આવતા તે ધ્રુજી ગયો…બધા સાહેબો તો તેમના ગુનાની સજા ભોગવતા ભોગવશે મેં મારા કુટુંબને મારે જ હાથે ઠાર કરીને સજા આપી? ત્યાં તેને યાદ આવ્યું રીવોલ્વરમાં હજી છેલ્લી ગોળી છે..ક્ષણ ભરતો તેને રડવું આવ્યું પણ સાહેબોને સજા કરવા છેલ્લી ગોળી તેણે તેની જાત ઉપર ચલાવી દીધી.

***

3 - કિંમત કોણ ચુકવશે?

હજી તો ગયા અઠવાડીયે તો નિખાર મને કહેતો હતો “આપણી ઝીલને તો હું દુનિયાનું સુખ આપવાનો છું. ભલેને તું મારાથી છુટી થઈ પણ ઝીલ આપણું સંતાન. અને તું મારો પહેલો પ્રેમ…”

ભૂતકાળમાં પ્રવેશતું કેતાનું મન…એક વખત તો કમકમી ગયું..કેટલી મુરખ હતી કે આવા ભોળા પતિને વારંવાર ત્રાસ આપીને ઘરે નાસી આવતી હતી. અને વિખવાદનું કારણ પણ શું? હું મારી ભાભીના ભાઈ સાથે વાતો કરું તે ના ગમે.. મારા પર વહેમાયા કરે.

અમેરિકાથી આવેલી ફોઈને આ વાતની જાણ થઈ ત્યારે તે કહે

“કેતા જે રીતે તુ આ વાત કરે છે તે રીતે જોવાને બદલે આને બીજી રીતે જો. પતિ તરીકે તારા ઉપર તેનો અધિકાર છે. અને પતિ તને કોઇની સાથે વાતો કરવાની ના પાડે તો તેમા તેનું આધિપત્ય અને છુપાયેલી ઇર્ષ્યા છે. આ પ્રેમનો પ્રકાર પણ હોઇ શકેને?” ફોઇની વાત સાંભળીને કેતા તો વિચારમાં પડી ગઈ..

તેને ભાભીના ભાઈ કલ્પેન ની વાતો યાદ આવી..”કેતા ક્યાં તું? અને ક્યાં નિખાર? તે તો ગામડીયો છે..અને તું તો સ્વરુપવાન..કાગડો દહિંથરુ લઈ ગયો જેવા હાલ.. આતો મને તુ પહેલાં મળી નહીં અને મારા લગ્ન થઈ ગયા નહીંતર હું તને ભગાડીને લઈ ગયો હોત. મનોમન કેતા કલ્પેન અને નિખારની તુલના કરવા લાગી. તેણે નિખારને કેમ હા પાડી..તે વાતો વિચારવા લાગી. નિખાર ભોળો તો હતો જ..પણ નોકરી તેની સ્થિર હતી..ભાયખલાથી મસ્જીદ બંદર રોજ ટ્રેન પકડીને જાય. જૈન લત્તામાં પોતાનો ફ્લેટ હતો. અંધેરીથી ભાયખલા કંઇ બહુ દુર નહીં તેથી કોઇને કશુંય ના કહેવાનું કારણ ન મળ્યું અને કેતા અને નિખારનાં લગ્ન થયા.. વિવાહ દરમ્યાન જે નિખાર હતો તે તો લગ્ન પછી તદ્દન જ બદલાઈ ગયો. એક દિવસ કલ્પેન મોટાભાઈ સાથે ભાયખલા આવ્યો..બહુ જ મજાકીયો અને હસાવી હસાવીને પેટ દુખાડી દે. તેને ફ્લેટ બાંધકામનો મોટો કોંટ્રાક્ટ મળ્યો હતો. તેથી હસતા હસતા કેતા બોલી “તમારી અનુકુળતા એ આવતા જતા રહેજો” અને તેણે તો તે પકડી લીધુ..”ભલે ત્યારે બપોરની ચા તમારે ત્યાં..”

થોડો સમય તો બધુ ઠીક ઠીક ચાલ્યું..પણ એક દિવસ નિખાર બોલ્યો..”કેતા..આ કલ્પેનને તેં જબરો પેધો પાડ્યો છે.. મારી ગેરહાજરીમાં તે ઘરે આવે તે મને ગમતુ નથી.”

ત્યારે કેતા ગર્ભવતી હતી અને છંછેડાઈને બોલી એટલે “તમે મારા ઉપર શક કરો છો?”

નિખાર કહે “તું ગમે તેટલી નિયંત્રીત હો પણ મને ઘી અને આગ ભેગા થઈ શકે તેવું એકાંત બાળે છે અને કલ્પેન પરણીત હોઇ આમ વર્તે તે અજુગતુ તો છે જ. હું મારું લગ્નજીવન ખરાબે ના ચઢે તેની તકેદારી રાખું છું સમજી?”

પછી તો આક્ષેપ પ્રતિ આક્ષેપોની હોળી સળગી..તે ઝીલ ત્રણ વર્ષની થઈ ત્યાં સુધી ના શમી. કોર્ટે ફારગતી આપવાની તૈયારી બતાવી ત્યારે નિખારે તો ના જ પાડી પણ હવે આ પાર કે પેલે પાર નાં ઝનૂને કેતા ઝીલને લઈને અંધેરી આવી ગઈ.

કેતા તે ભડભડ સળગતા ભૂતકાળની ભૂતાવળને જોતી રહી.એના ચિત્તને ફોઇની ટકોરે ડહોળી નાખ્યું હતું. આ રીતે તો મેં મારા જીવનને મેં કદી જોયું જ નહોંતુ.

ફોઇ કહે “લગ્ન એટલે એક મેકનાં પૂરક થવાનું ટાણું.. બંને એ એકબીજાની ઉણપો શોધી દુર કરવી અને સારી વાતોને વિકસાવવી તે જ સાચુ લગ્ન જીવન..મને એક વખત ફુઆએ ના પાડી કે ભારત બહુ ફોન ના કર તે દિવસની વાત અને આજે તે વાતને ૩૦ વર્ષ થયા પણ કોઇ વિરોધ નહીં કે ના કોઇ વિચાર પણ કે મને કેમ ફોન ના કરવા દે..પણ તેમને સાસરીમાં હું ચંચુપાતકરું તે ગમે નહીં તેથી તેમનો બોલ શીરોમાન્ય કર્યો..અને મને તે સીગરેટ પીયે તે ના ગમે તો મે ફક્ત એટલું કહ્યું તમે પણ આ સીગરેટ છોડો તે દિવસથી આજ દિન સુધી તેમણે સીગરેટ પીધી નથી.

કેતા મનમાં ને મનમાં બોલી કલ્પેન ને ઘરે આવતો બંધ કરવો તે વાતને હું કારણ વગર આટલી કેમ ચગાવું છું? અને કિંમત કોણ ચુકવશે? હું. મારી ઝીલ અને નિખાર…

ત્યાં ઝીલે આવીને તેને વિચાર સમાધીમાં થી ઝંઝોટીને બહાર કાઢી..મમ્મી ફોન લે ને ક્યારની ઘંટડી વાગે છે…

ફોન ઉપર નિખાર હતો. કેતાની આંખમાં આંસુ હતા ફોન ઉપર તે બોલી-“નિખાર્..મને માફ કરીશ હું અને ઝીલ બંને તારા વિના અધુરા છીયે..” નિખાર બોલ્યો.. “હા મારા મનનાં અને ઘરનાં દ્વાર હજી તમારી રાહ જુએ છે… સ્વાગતમ..”

કેતા રડતી હતી અને તે આંસુમાં નિખાર પ્રતિનો આક્રોશ વહી ગયો.

***

4 - મોહપાશ

ભાર્ગવી ને જ્યારે ખબર પડી કે તેની લાડલી અને માનીતી દિકરી એ તેને ફાયર કરી ત્યારે એ અવાચક થઈ ગઈ –

માનસી એનુ મનોસ્વપ્ન હતુ. તેમા તેણે તેના બધા સ્વપ્નો વાવ્યા હતા –અને એની ધારણ પ્રમાણે માનસી તૈયાર પણ થઈ ગઈ હતી. સ્કુલ માં પહેલી, કોલેજમાં પહેલી – વિનય અને સદગુણો નો ભંડાર….ઘરમાં જયાં અને ત્યાં માનસીનો દાખલો અપાય…. પણ જનક મામા સાથે જયારે પહેલી વખત માનસી એ તેના અંતરિક વલણો ની ચર્ચા કરી ત્યારે જનક મામા બોલ્યા – ચાલ માનસી! મમ્મી ને ફાયર કરીયે…

જનક અને ભાર્ગવી એ બહુ નાની ઉંમર માં મમ્મી ગુમાવેલી તેથી – 17 વર્ષ ની ઉંમરે 27 વર્ષની પુખ્તતા સાથે ભાર્ગવી બંને નાના ભાંડુરાને ઉછેરવા લાગી. સાવકી મા ન આવે તેથી મા નું દરેક પ્રકારનું કામ કરતી જિંદગી જીવવા માંડી…ભણતરને અનુરુપ જીવન જીવતા માર્કડં સાથે વિવાહ થયા…. અને કાંચી ઉંમરે ભાંડુરાઓની માતા બનેલી ભાર્ગવી પોતાના ગમા અને અણગમા સ્પષ્ટ રીતે વ્યક્ત કરવામાં હંમેશા તકલિફ અનુભવતી… મોં પર હાસ્ય – હાથ માં ઘરકામ નો ભાર અને મનમાં દબાયેલા કચડાયેલા સ્વપ્નો ના ભંગાર નો અર્ધ કચડાયેલ ભાર લઈ ને જીવતી ભાર્ગવી ના ખોળો માનસી આવી.

ભર્યા ઘરમાં માર્કડં ના પરિવાર ની સાથે ભાર્ગવી માનસી ને ઉછેરતી ગઈ…. પણ પેલા કચડાયેલા સ્વપ્ના જે કાચી ઉંમરે મા બનેલ માતૃત્વ ને જરુર કરતા ગાઢા રંગ થી જીવીત કરી ગયા…. અને માતૃત્વ ના એ હુમલા માનસી અને અલીશાને ઉછેર દરમ્યાને કયાંક અને કયાંક ઘાટ છોડતા તો કયાંક ઘાટ કુંઠીત કરતા…. ખૈર…. આતો થોડીક પૂર્વ ભુમિકા.

જનક મામા પાસે હસતી હસતી માનસી બોલી…. કે મામા – મમ્મી ને તો કંઈ ફાયર થતી હશે… જનક મામા ઘુંઘવાતા અવાજે બોલ્યા….. પણ બેટા ! તેણે તારા ઉછેર માં કચાશ રાખી હોય તો ફાયર કરવી પડે ને…. માનસી કહે…. તેમના ઉછેરમાં કચાશ નથી – કચાશ તો અમારા માં છે…. કે અમારું ઘડતર તેમના ધારવા પ્રમાણે નથી થતું.

જનક મામા બોલ્યા…. “ભાર્ગવી અમારા ઉપર તો હીટલર થઈ તો ચાલ્યુ….. પણ તમારા ઉપર પણ આટલી જોહુકમી…..”

” પણ મામા ! આમા કયાં જોહુકમી ? “

“અરે તારે ! જેમ રહેવુ હોય તેમ રહેને ! આ ખા ને ખા… જાડી થઈ જઈશ…. અરે આ બધી તો કંઈ ચિંતા કરવાના કારણો છે ? “

“હા મામા – ચિંતાના કારણો તો ખરાજ ને…. “

“નારે ના…. આ ઉંમરે તો શરીર બંધાતુ હોય છે. અને એ બધી ચિંતા જે લોકો બહુ ખાતા હોય તેમણે કરવાની…. પણ આપણે તો આમેય ઓછુ ખાતા હોઈએ અને તેમા વળી આવી સુફીયાણી વાતો તો કંઈ ચાલતી હોય?– દિવસની બે રોટલી ખાવાની અને તેમ પાછી કોરી ! “

“ મામા! તમારી વાત સાચી છે… પણ હવે મારાથી નથી ખવાતુ… હું ખાવાનું જોઉ છું અને ઉલટી થાય છે. “

“તને ખાવાની ઈચ્છા થાય છ ખરી ?”

“ હા પણ – ભય લાગ્યા કરે છે કે…..”

“માનસી – આ ભય તે મનનું કારણ છે તે તને સમજાય છે ? તો પછી મનને કેળવવુ પડશે… જેમ મમ્મી ની વાતો માનીને તેમ હવે મમ્મી ની વાતો ન માનીને ચાલવુ પડશે…. મમ્મી ની ખાવાની વાતો નો વિદ્રોહ કરવો પડશે… “

જનકે માનસી ની સામે જોયુ તો માનસી ની આંખમાં આંસુ તગતગી રહ્યા હતા…… માનસી ના આંસુ એ વાતનું પ્રતિક હતા કે આ વાતો એને ગમતી નહોંતી – મમ્મી એને પ્રાણથી પણ વહાલી હતી – એ વિચિત્ર મનોદશામાંથી પસાર થઈ રહી હતી – એટલે વાત ને ફેરવવા તેણે માનસીને પુછ્યું – “માનસી તને હરે રામ મંદીર માં વોલન્ટીયર વર્ક કરવુ છે ?”

“મામા – તમને તો ખબર છે હું તો ત્યાંજ જઈ ને રહું. તેનો મને વાંધો નથી… પણ એટલી શક્તિ આવે તેટલી તબિયત સારી કરવી પડશે ને….”

અઠવાડીયા પછી હરેરામ મંદિરમાં જવાનું નક્કી કર્યું અને ત્યાં સુધી માનસી ને ખાવા પીવાની બાબતો માં નહીં ટોકવા એ વાત ઉપર જનક મામા એ ભાર્ગવી ને સમજાવી દીધી…. ભાર્ગવી ને તો માનસીની આ વર્તણુંકો ખુબ જ દુખ પહોંચાડતી હતી પણ…. નાની નાની વાતો નાં અર્થ ઘટનો છોડવા યોગ્ય લાગ્યા હતા. તેથી માનસી ને નહોંતુ ગમતુ છતા એણે માનસી ની શારીરીક દશાની ચર્ચા જનક જોડે છેડી હતી.

સ્વામી હરિપ્રસાદ હરેરામ મંદીરના મહંત હતા – અને ધર્મ ને આજનાં માધ્યમ થી જોડવા સક્ષમ હતા – અને ધાર્મિક ભાવોથી ભરપુર માનસી સાચા રસ્તે ચઢે તેવુ ઈચ્છતા હતા…. તેથી જુદી જુદી વાતો થી એના મનમાં પ્રવેશવા પ્રયત્ન કરતા હતા. ગૌશાળા માં ગાયો ની સેવા કરવામાં માનસી વધુ રસ લેતી હતી. તેથી એક દિવસ હરિપ્રસાદે કર્હ્યું – આ ગાય ને માતા કેમ માનીયે છે તે તને ખબર છે માનસી ? માનસી બોલી કે તે ખુબ જ પવિત્ર છે અને સૌથી સારી વાત તો એ છે કે એ કદી તેના વાછરડાને કહેતી નથી કે તુ આમ કર કે એ કદી તેના આ પાછલી ટકોર ન ગમી પણ મૌન રહી બધી વાતો વિચારી લીધી – મુળ વિદ્રોહનું કારણ કયાં હતુ તે શોધી નાખ્યું. વિદ્રોહ હતો પધ્ધતિ સામે… અને એમણે જનક ને ફોન કર્યો – કાલે માનસી નું ઓપરેશન છે – તમે આવી શકશે ?

બીજે દિવસે ભાર્ગવી – જનક અને માર્કડં હરે રામ મંદિરમાં પહોંચ્યા – ત્યારે તેમની હાજરી માં મહંતે માનસી ને વાતો વાતો માં હીપ્નોટાઈઝ કરી અને હસતા હસતા પુછ્યુ –” માનસી આ ઝાડ ને તે કેમ પકડી રાખ્યુ છુ ?”

ત્યારે માનસી બોલી “ઝાડે મને પકડી રાખી છે હું તો છોડવા માંગુ છું. “

ભાર્ગવી આ વાંતો સમજી શકતી નહોંતી તેથી તે ચુપ રહી. મહંતે તેની સાથે વાતો આગળ ચલાવી –

“ઝાડ ના હાથ તને દેખાય છે ?”

માનસી – કહે – “ના”

મહંત – “તારા હાથ ઝાડની આજુબાજુ છે તે તને દેખાય.છે?”

માનસી – “હા, પણ મને ઝાડે પકડી રાખ્યા છે.”

મહંત – “ના તારે પહેલ કરવાની છે જો ઝાડ તને છોડી દે”.

માનસી અસંજસ માં હતી. તેથી એ વાત ને ફરી મહંતે દો હરાવી – “તારે ઝાડને છોડવાનું છે. તું નહીં છોડે તો તને તકલીફ થશે…..”

માનસી ના ચહેરા ઉપર કંટાળા નાં ભાવો હતા… તે જોઈ મહંત ફરી બોલ્યા… “તારે જોવુ છે આ ઝાડ તને કેવી રીતે છોડતુ નથી….”

માનસી – “મેં ઝાડને પકડી રાખ્યુ હતુ…. હે ! હે ! અને આ છોડી દીધુ… ખડખડાટ હસતા હસતા માનસી એ એકદમ રડવા માંડયુ.”… મહંતે તેને રડવાની ના પાડી અને ફરી પુછ્યુ “તુ કેમ ખાતી નથી ?”

“મને ખાવુ છે – મને મમ્મી ખાવાનુ કહે ત્યારે ભય લાગ્યા કરે છે.”

“ કોનો ભય ?”

“ મમ્મી ની દરેક વાત મેં માની છે. પણ હવે મને લાગે છે કે મમ્મી ખોટી છે તેથી સૃજલ ની વાત મેં મમ્મી ને નથી કહી.”

“ કોણ સૃજલ ? “

“મારે સૃજલને મેળવવો છે પણ મમ્મી પાસે તેને લઈ જવાની હિંમત નથી.”

“ કેમ ?”

“ મમ્મી ને મેં ખુબ દુખ વેઠતી જોઈ છે. અને એ દુખને જોયા પછી મને લગ્ન કરવા ન હોંતા – પણ સૃજલને જોયા પછી મનમાં ફરી પરણવાના…..”

“માનસી તે ઝાડને પકડ્યુ છે…. તારા મનમાં જે વિચારો ચાલે છે તેનુ નિરાકરણ થાય તેમ છે… “

“જો તેમ થાય તો તુ આ સત્યાગ્રહ છોડી દઈશ ! “

“એમ થાય તેમ નથી તેથી તો મારે જીવવુ નથી”

” એમ કરવાનું કામ માઠુ છે. તારે માટે તો બંને પક્ષે તકલીફો જ છે – જો આમ ડીપ્રેશન માં રહી જીવ છોડીશ તો અવગતે જઈશ અને ધર્મધ્યાન સાથે સમજ પુર્વક દેહ છોડીશ તો સૃજલ નહીં મળે એટલે તેને પામવા ફરી ભટકવુ પડશે ? “

“સૃજલ તો મારી સાથે આવશે…. અહીં નહીં અમે ત્યાં ભેગા થઈશુ જયાં મમ્મી નથી – દુનિયા ના દુઃખો નથી…..”

દરેક ના મનમાં પ્રશ્ર્નો હતા – અને તંદ્રા ત્યાં અટકાવી દઈ મહંતે જનકની સામે જોયુ – ભાર્ગવીની સામે જોયુ – માર્કડં સામે જોયુ…. અને પુછ્યુ – “આ છોકરી જીવવા નથી માંગતી તેના કારણો સમજાય છે ? તમારા બાળકો ઉપર તમારા આગ્રહો એટલા જ મુકો જેટલા તેને જરુર હોય…..”

થોડાક સમયની ચુપકી દોને અંતે ભાર્ગવી બોલી “સૃજલ કયાં છે તેની માહિતી મળી શકે ?”

મહંત ભાર્ગવી ના માતૃત્વ સમજી ગયા – અને માનસી ને તંદ્રામાં આગળ લઈ જતા કહ્યું – “સૃજલ ને બોલાવી લઈએ –જરુર પડશે તો મમ્મી ને જનક મામા સમજાવશે, પણ તમારી તપશ્ર્વર્યા ને મિલન સ્વરુપ મા ફેરવશું. એવુ બનતુ હું જોઈ રહ્યો છુ – હવે તો ઝાડ છુટશે ને ? “

માનસી બોલી – “મમ્મી ને દુખી કર્યા વિના સૃજલ મને મળે તે તો કલ્પના બહાર ની વાત છે… પણ તે પ્રભુકૃપાથી શકય બનશે.

માનસી ની વાત સાંભળી ભાર્ગવી એ મનોમન નક્કી કદી લીધુ કે દિકરી ને ઘડતા ઘડતા હવે એ થાકી ગઈ છે – દિકરી મા બની જાય અને મા દીકરી તો કેવુ ?

બે કલાક ની ઉંધ પછી માનસી ઉઠી ત્યારે ભાર્ગવી – જનક અને માર્કડં ત્યાં નહોંતા – ઘણા સમયથી ઉંધ મળી ન હોંતી તેથી આ મોહનિંદ્રા એ એના મન ને ભરી દીધું હતું. તેના ચહેરા પર સ્ફુર્તિ હતી.

અલીશા જાણતી હતી સૃજલ ને….. અને ભાર્ગવી સૃજલ મળી – તેને જોઈ મનમાં તો નિ:સાસો નાખ્યો….. પછી નુકશાન માંથી ઓછુ નુકશાન કયુ તેમ વિચારી થંભી ગઈ. પુખ્તતા દેખાડી દિકરી ને સૃજલ સાથે પરણાવવી કે નહીં તેની ગડમથલો માં અચાનક તે બબડી પડી…. એ તો મને શું ફાયર કરતી હતી – હું જ એને ફાયર કરુ છું…..

માર્કંડ મા દિકરી ની દ્વીધા અને અર્થ ઘટનો અને તેના વિચિત્ર અંતો ને જોઈને ખીજવાયો –

“ભાર્ગવી તને ખબર છે ને प्राप्तेषु षोड शे वर्षे पुत्रं मित्र वदाचरेत। સોળ વર્ષ પછી પુત્ર મિત્ર બને છે અને પુત્રી પણ સહીયર – હવે માનસી નાની નથી. એમને જતન પુર્વક ઉછેરી ને મોટા કર્યા – આપણા માબાપ નું આપણા ઉપરનું જે ઋણ હતુ તે પુરુ કર્યું. તેમને ભણાવ્યા પછી જયારે તેમની બુધ્ધી શક્તિ ખીલી ગયા પછી આપણા વિચારો ને સુચવવાના હોય – લાદવાના નહીં.

થોડાક સમયનાં મૌન પછી ફરી થી તે બોલ્યો

“સૃજલ ને તુ નહીં સ્વિકારે તે નહીં ચાલે – હું બંને ને હસતા જોવા માંગુ છું તુ 1960 માં જે રીતે ઉછરી – જીવી તે રીતે માનસી ને ઉછેરી તે 2000 માં જયાં જમાનો ઘણો આગળ વધ્યો છે ત્યાં નાના નાના આગ્રહો ને છોડી આખુ ચિત્ર નવેસરથી જોવાની વાત ને સ્વિકારો….”

ભાર્ગવી માટે કપરી કસોટી હતી – પણ સૃજલ બહુ જ આદરથી બોલ્યો – માનસી – મમ્મી અને પપ્પાના આશિર્વાદો વિના નવજીવન નથી શરુ કરવું.

ભાર્ગવી – નાં મનમાં સૃજલ નો વિનય સ્વિકૃત થયો.એને સૃજલમાં ના કહેવાનું કોઇ કારણ ના દેખાયુ. ભણતર હતું, ઘડતર હતું અને મમ્મી એ માનસી ને મનથી છુટી કરી. ખરેખર ઘણું જ કપરુ હોય છે આ પુત્ર કે પુત્રીને આપણા મોહપાશમાંથી અલગ કરવાનું.

જનકમામા હસતા હસતા બોલ્યા “ચાલો ફાયરીંગ પુરુ કરો અને લગ્નની તૈયારી કરો”

લગ્ન નક્કી થાય છે અને માનસી મમ્મી ને પગે લાગે છે. ભાર્ગવી દુઃખનાં ડુંગરો મો પર ધારીને કહે છે સૃજલ સાચવજે મારી માનસીને…અને માનસી બોલી મોમ તુ પણ સાચવજે…

***