સાચું કહો.....
Smita Shah
smitashah2910@gmail.com
...................
કોઈક વાર એવું બન્યું છે સાચું કહો કે ભર વરસાદે સળગી જવાયું હોય ... સાચું કહો !
આ વરસતા વરસાદ માં અનરાધાર કોક નું વરસવું યાદ આવે ને આદિમ તરસથી તરસી જવાતું હોય ...
રોમે રોમ આકંઠ તરસ તમને આખે આખા રણ બનાવી દે એવું બન્યું છે ... સાચું કહો !
સહેજ વાદળ ઘેરાય અને પડછાયાની જેમ ઘેરી વળતી ઉદાસી અને એમાંય પરાણે ભરડો લેતું ભીતરનું એકાંત અનુભવ્યું છે કદી ... સાચું કહો
સહેજ હળવા ખખડાટ થી ચોંકી જતું મન અને વારંવાર રસ્તો તાક્યા કરો .. જાણતા હોવા છતાં કે કોઈ નહિ આવે .. અનંત સુધી લંબાઈ જતી એ નિરર્થક પ્રતીક્ષા .. સાચું કહો .એવું થાય છે તમને પણ !
કોઈક ના વોટ્સેપ મેસેજ ની રાહ જોયા કરો .. ફોન ની રીંગ વાગે ને હૃદય એક ધબકારો ચુકી જાય ... ફેસબુક પ્રોફાઈલ વારંવાર જોવાનું મન થાય .. એક ના એક ફોટા જુઓ અને મન ન ભરાય ... એકની એક પોસ્ટ વાંચ્યા કરો ... છેક શરૂઆત સુધી સર્ફ કરી રજેરજ વાંચી ને વધુ ને વધુ વ્યાકુળ થયાનું યાદ છે ! સાચું કહો ને !
ગમતા પાત્ર નું બીજાની પોસ્ટ પર લાઈક અને પોતાની પોસ્ટ પર હાજરી ન જોઇને આંખ ભરાઈ આવી છે .. ! નાની નાની વાતોમાં રડવાનું મન થયું છે ..! એ ફક્ત તમને જ મહત્વ આપે ... બીજા કોઈને નહિ ... અને તમારા હૃદય પર ભારે આઘાત લાગ્યો હોય એને બીજી સ્ત્રી સાથે જોઈ ..સાચું કહો !!
વગર રોગે બીમાર અને પથારીવશ થયા છો ! પ્રેમજ્વર જેવો અસહ્ય તાવ આવ્યો છે ..! મેઘદૂત ની યક્ષિણી ની જેમ દિવસરાત તરફડ્યા છો વિરહમાં ...! જાણે મૃત્યુ સમીપ જ છે એમ લાગ્યું કોઈ દિવસ ? દુનિયાની બધીજ વસ્તુઓ પર વિરક્તિ .. ભૂખ તરસ હરામ થઇ ગઈ હોય ... કોઈની હાજરી ભીડ જેવી લાગતી હોય અને એકાંત માં એક ના એક વાહિયાત ,અસંબદ્ધ , અશક્ય દિવાસ્વપ્નો જોવા ગમતા હોય .. એવું બન્યું છે કોઈ દિવસ ! સાચું કહો .
હવા ની પાંખો ઉપર બેસી એની પાસે ઉડી જવાનું મન થયું છે ..! કેટલા વણલખ્યા કાગળો એને પોસ્ટ કર્યાં હોય અને વૃક્ષોના પાંદડે પાંદડે એનું નામ ટાંક્યું હોય ... મનોમન કેટલા સંવાદ .. કેટલા સ્વપ્નો ગૂંથ્યા હોય ... કોયલ ના ટહુકારે પાંખો ફૂટી ને આખા આકાશમાં ફેલાઈ જતા એના નામ ના પડઘા ... કાળજામાં છેક ભેદી જતું કોઈક અકથ્ય દર્દ અને પછી આંખે થી વરસી જતો એ કોરો વરસાદ ... સાચું કહો એવું થયું છે કદી !
છાતી માં પાળેલા મોરલાઓ ઊંચા સાદે ગહેકી જતા હોય અને અંગેઅંગ લાલ ગુલાલ થઇ જાય .. નસો માં વહેતો એ લાવા ક્યારે સળગાવી જશે કે બંધનો તોડી વહી નીકળશે .. એવું થયું કોઈ વાર ..! સાચું કહોને ..!
ગરજતી વીજળી જયારે ડરાવે ત્યારે કોઈના મજબુત હાથોનો સહારો ઝંખ્યો છે કદી ! કોઈક ની છાતીમાં મોં સંતાડી દુનિયાને ભૂલી જવાનું અને ફક્ત એનામાંજ એકાકાર થઇ જવાની તીવ્ર ઝંખના થઈછે કદી ? સાચું કહો .
હું જેમ વિચારું છું એમ જ જો તમે પણ વિચારતા હો ...
તો તમારો કોઈ ઈલાજ નથી .તમે પ્રેમ નામની લાઈલાજ બીમારી ના ભોગ બન્યા છો જેની કોઈ દવા નથી . અને સામે તમને એટલું જ અઢળક ચાહતું પાત્ર મળશે એ આશા ઠગારી છે ... એ બીજાને ઝંખતા હોઈ શકે ... શક્ય છે કે કોઈને કોઈ બહાને તમને ટાળતા હોય અને તમે સમજી જ ન શકો કે એણે ક્યારે રસ્તો બદલી લીધો ...
એના કરતા મારું માનો તો .. જિંદગી ખુબસુરત તો છે જ અને સાથે અટપટી પણ . ખુશીઓ નાની અને દર્દ મોટા હોય છે .
બસ આગળ ચાલીએ સુંદર સફરમાં .
સ્મિતા શાહ ' મીરાં '