Hasya Kalpana Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Hasya

Kalpana Desai

kalpanadesai.in@gmail.com

હાસ્ય

અનુક્રમણિકા

૧) આપણા જેવા માણસો

૨) કુછ પાનેકે લિયે

૩) આંધળી માનો મોબાઈલ

૪) તમારા ભાઈ–મારા ભાઈ

૫) નામ બદલું કે અટક ?

આપણા જેવા માણસો

કમૂરતાં ઉતરવાની રાહ જોઈ રહેલી લગનની સીઝન કહો કે માર્કેટ કહો, લગનસરા કહો કે લગનગાળો કહો –જેમાં ગાળો આપવાની ને ખાવાની કોઈને નવાઈ નથી હોતી તે–ચોમાસાનાં ઝાપટાંની જેમ અવારનવાર આવી ચડે છે. એ ભારતની મનગમતી ચોથી સીઝન છે, જેમાં રોજના કેટલાય નિર્દોષ બકરાઓ હોંશે હોંશે ને વાજતેગાજતે વધેરાવા તૈયાર થાય છે. કેટલીય નિર્દોષ સાસુઓ, નવી વહુના આગમનના વિચારમાત્રથી ધ્રૂજતી થઈ જાય છે. કેટલાય નિર્દોષ સસરાઓ.....!

જવા દો, બધાંને જ નિર્દોષ ગણી લઈશું તો દોષી કોણ અને જબરું કોણ ? એટલે આપણા જેવા નિર્દોષ માણસોએ એવી બધી વાતોમાં ધ્યાન આપવું નહીં ને અમૂલ્ય સમય બગાડવો નહીં.

મેં પણ લગ્નનાં આમંત્રણો પર અને કંકોતરીઓ પર પૂરેપૂરું ધયાન આપવા માંડ્યું છે. ગઈકાલે જ અમારાં દૂરનાં સંબંધી આમંત્રણ આપવા આવેલાં. ‘અમારી બેબીનું નક્કી કર્યું.’ (ઘણા તો ઉત્સાહમાં ‘આપણી બેબી’ બોલી નાંખે !) મને તો યાદ જ નહીં કે એમને બેબી પણ છે !

‘એમ ? તમારે ત્યાં વળી બેબી ક્યારે આવી ?’ મને પાછું બધું યાદ બહુ રહે તે મારાથી પૂછાઈ ગયું !

‘આ લ્યો ! તમે તો ખરાં ! તમે જ તો એનું નામ ‘મંજન’ પાડેલું, ભૂલી ગયાં ?’

(આવું વિચિત્ર નામ ? મંજન ? ને મેં પાડેલું ? રંજન કે ખંજન પાડ્યું હશે ને ઉત્સાહમાં આ લોકોએ નવું નામ પાડવાની હોંશમાં મંજન પાડી દીધું હશે.)

મારા પર હુમલા વધી જશે એવું લાગતાં મેં વાત બદલી કાઢી, ‘ક્યાં લગ્ન કરવાનાં ?’

‘લગ્ન તો અહીં જ, સૂરત જ રાખ્યાં છે પણ માણસો બહુ સારા મળ્યા હં કે ! આપણાં જેવાં જ.’

હું ચોંકી. આ એમના એક જ વાક્યથી એ લોકો પોતે તો સારા જ ગણાયા, મને બી સારી ગણી ! (એમનો આભાર.) અરે ! જેમને હજી ઓળખ્યાં જ નથી એ લોકો પણ અત્યારથી સારા થઈ ગયા ! લોકો કેટલા ભોળા હોય છે. જરાક સારી સારી વાત કરે એટલે સામેવાળાને સારા અને સારા તો સારા, પાછા પોતાના જેવા જ સમજી લે..પોતે સારા છે તે પોતે જ સાબિત કરે ! બીજાને તો ચાન્સ આપો.

‘લગ્નમાં છોકરાવાળાએ કંઈ માંગ્યું નથી. ફક્ત એમનું સર્કલ બહુ મોટું એટલે પાંચેક હજાર લોકોને જમાડવા પડશે.’ મેં તો ફટાફટ પાંચ હજાર ગુણ્યા પાંચસો રુપિયાની થાળીનો હિસાબ માંડી દીધો. બાપ રે....! દુનિયામાં સારા માણસોની ખોટ નથી. લગનનું ગણિત તો અટપટું જ ગણાયું છે ને એના રિવાજો તો એથી ય અટપટા, પણ આ જમાડવાનું ગણિત આપણા જેવા માણસોના દિમાગમાં કેવી રીતે બેસે ? છોકરીવાળા જમાડે તો બૌ સારા ને ના પાડી દે તો ? ફક્ત આ જ કારણસર ખરાબ થઈ જાય ? છોકરાવાળા જમાડવાના આંકડાને બદલે દીકરીના નામ પર એટલા રૂપિયા જબરદસ્તી મુકાવત તો છોકરાવાળા ખરાબ થઈ જાત ? જવા દો, સારા એટલે કે આપણા જેવા માણસો વધારે પંચાત કરતાં નથી, ને ચૂપચાપ લગનમાં જમીને આવતાં રહે છે.

જોકે આ વર્ષે તો હદ જ થઈ ગઈ. ઓછામાં ઓછી પચીસ કંકોતરીઓ અત્યાર સુધીમાં આવી છે. બધામાં જમવા ન જવાવાનો હજી મનમાં અફસોસ છે અને બીજો અફસોસ નિર્દોષોને કૂટાતા જોવાનો રહી ગયાનો ! પણ શું થાય? મજબૂરી ! બાકી તો ફોન પર પણ ઓછા આગ્રહો નો’તા થયા. આ મહારાજો ને જ્યોતિષીઓ પાસે એક જ દિવસના ઢગલાબંધ મૂરતો કઈ રીતે નીકળે છે ?

રોજના મૂરત કાઢે તો અમારા જેવાને રોજ મહાલવાનું મળે કે નહીં ?

‘તમારે તો આવવાનું જ છે હં ! બૌ સારાં માણસો મળ્યાં છે. આપણાં જેવાં જ !’

હું તો સાંભળી સાંભળીને કંઈ ખુશ થઈ છું. ઘરમાં મેં આમંત્રણોની વાત કરી.

‘આ બધાં આપણાં વખાણ કરતાં હતાં.’

‘એમ ? શું કે’તા ’તાં ?’ એમના અવાજમાં મશ્કરીનો રણકો મને કેમ સંભળાયો નહીં ?

‘એમની બેબીને બૌ સારું મળ્યું અને માણસો આપણાં જેવાં જ છે.’ (હું તો ફુલણશી દેડકો બની ગયેલી !)

‘એ લોકોને એમની નાતમાં બીજાં કોઈ મળ્યાં જ નહીં ? ને આપણાં જેવાં માણસો કેમ શોધ્યાં ? એ લોકો તો આપણને સારી રીતે ઓળખે છે.’

‘આ તમારું વાંકું બોલવું મને ગમતું નથી. આપણાં જેવાં એટલે સ્વભાવે સારાં, સાદા–સીધાં ને સરળ. ’

‘તું અમસ્તી જ ખાંડ નહીં ખાતી, તને કોણ ઓળખે છે ? હજી મારી વાત હોય તો ઠીક છે. તું....અને સાદી–સીધી ને સરળ ? હંહ !’

‘આ બધાંએ ફોન પર મને જ કહ્યું છે. એવું હોત તો એમ ના કહેત કે સ્વભાવ તો તમારા વરજી જેવો જ ! શું થાય ?’ (મારો સ્વભાવ મને ખબર ના હોય ? કેવી વાત કરે છે ?)

‘એમ કે ? કંઈ બૌ બોલવા માંડ્યું ને ?’

‘જોયું ? આટલી વારમાં જ....હં...હં...હ...!’ (હવે કોને જલન થાય છે ? મને કે તમને ? બધા વહેવાર તો હું સાચવું છું.)

‘તને શું ખબર લોકોમાં મારા કેટલાં વખાણ થાય છે તે ?’

‘એ તો મારે લીધે. મોઢા પર થોડું કોઈને ખરાબ કહેવાય ?’ (આજે લાગમાં આવ્યા.)

‘એ બહાને તેં કહી દીધું ?’

‘હાસ્તો વળી. આપણાં જેવાં માણસોમાં એ બધાં જ, તમને પણ સારા કહી જાય તે મારાથી કેમ સહન થાય ?’

‘હા ભઈ, તું સારી બસ ? પણ યાદ કર કે, વર્ષો પહેલાં અમારા જેવાં સારા માણસોને ત્યાં તમારા જેવા માણસો આવેલા.’

‘એટલે કેવા ?’

‘એટલે સારા જ ને વળી. તમારા જેવા ને અમારા જેવા મળીને આજકાલ લોકોમાં આપણા જેવા માણસોની બોલબાલા છે.’

‘વાહ ! કે’વું પડે ! પણ આપણા જેવા માણસો આજકાલ જોવા ક્યાં મળે છે ?’

કુછ પાનેકે લિયે

ઘણાં વર્ષો પહેલાં ભરુચમાં ડૉક્ટરોની એક સંસ્થા તરફથી હાસ્યલેખકોના એક કાર્યક્રમમાં મને આમંત્રણ મળેલું. તે સમયે મને પોતાને મારા હાસ્યલેખિકા હોવા બાબતે શંકા હતી, પણ ઘણી વાર રૉંગ નંબર લાગી જાય એમ મારો નંબર એ કાર્યક્રમમાં લાગી ગયેલો. આયોજકો એટલા ઉદારદિલ હતા કે, દરેક લેખક/લેખિકાને એમણે ગુજરાતના જાણીતા લેખક તરીકે જ ઓળખાવેલા. હું તો ગદ્ગદ, ભાવવિભોર અને નમ્રતાથી છલોછલ. તે સમયે તો મારી ડોકી આભારના ભારથી છેક સુધી ઝૂકેલી રહેલી. (કદાચ અંદરખાને શરમથી પણ હોય !) જોકે, એક વાર જાહેરાત થઈ ગઈ પછી ભાંડો ફૂટવાની બીકે મેં વધારે બોલવાનું ટાળેલું. એમ પણ કહેવાય છે કે, મુરખ હોય તે જાહેરમાં મોં ખોલે ! મારે કંઈ સાબિત તો કરવાનું નહોતું એટલે ચૂપ જ રહી. એમ તો, ત્યાં બોલવાવાળા બધાં ચતુરસુજાણ જ હતાં એમ તો મારાથી કેમ કહેવાય ? તોય, સૌનું માન જાળવવાની સૌની ફરજ હોવાથી, સૌ એકબીજાનાં વખાણ કરી રહ્યું હતું. ખેર, કાર્યક્રમ સારી રીતે પૂરો થયો.

કાર્યક્રમ પત્યા પછી ભવ્ય ભોજનસમારંભ હતો. દરેક ‘જાણીતા’ લેખકની ફરતે બે–ચાર, બે–ચાર પ્રશંસકો ઊભેલાં. હું રાહ જોતી હતી, કોઈ આવે ને મને કંઈ પૂછે કે પછી મારો ઓટોગ્રાફ માંગે ! મારા મનની મુરાદ પૂરી થતી હોય તેમ એક ડૉક્ટરનાં પત્ની –મિસિસ ડૉ.– ખૂબ ખુશ થતાં થતાં મારી પાસે આવ્યાં. (હા..શ !– એ કદાચ જાણીતાં લેખિકાનાં નામથી અંજાઈ ગયેલાં !) મને યાદ આવ્યું, વર્ષો સુધી હું પણ મોટામોટા લેખકોનાં નામથી આમ જ અંજાઈ જતી. મારા મનમાં તો એમ જ કે, લેખકોને માથે સોનાનાં શીગડાં હશે ! એમની પાસે હોય એનાથી પા ભાગની બુધ્ધિ સામાન્ય લોકોમાં નહીં હોય. એ લોકો તો આવા ને લોકો તો તેવા જેવા જાતજાતના અહોભાવથી મારું મગજ ચકરાતું રહેતું. પેલાં બહેને તો ખૂબ જ નમ્રતાથી મારા ખબરઅંતર પૂછ્યાં ને પછી ક્યારનો એમના મગજમાંથી બહાર આવું આવું કરતો ને એમના મનને મૂંઝવતો પ્રશ્ન મને પૂછ્યો, ‘તમે ઘરનાં કામ અને કુટુંબની દેખભાળ કરવા ઉપરાંત પણ લખવાનો સમય ક્યાંથી અને કેવી રીતે મેળવી લો છો ?’

આ એક જ સવાલથી એણે તો મને હવામાં ઊડતી કરી દીધી ! મારામાં આટલી શક્તિ અને મને જ ખબર નહીં ? વાહ ! હું દુનિયાની એક માત્ર સ્ત્રી છું, જેનામાં એકસાથે આટલા મોરચા સંભાળવાની તાકાત છે ! મને મારા ગુણોનો ભંડાર યાદ આવવા માંડ્યો ને થયું કે, એ બધાં ગુણોની પણ આ બહેનને ખબર પડવી જોઈએ. ફક્ત એમ નહીં કે, આ મહાન લેખિકા કુટુંબની દેખભાળ કરવા ઉપરાંત ફક્ત લખે છે. હું મહાન છું ! મારામાં કંઈક ખાસ (ગુણ કે અવગુણ) હોય તો જ આ બહેન આટલા અહોભાવથી મને આ પ્રશ્ન પૂછે છે. વધારે વિચારમાં જો હવામાં ઊડ્યા કરત તો પેલાં બહેનને એમના પ્રશ્નનો જવાબ કોણ આપત ? એટલે એમની દયા ખાઈને હું ધરતી પર આવી. એમને સ્માઈલ આપતાં કહ્યું, ‘પેલું કહેવાય છે ને કે, કુછ પાનેકે લિયે કુછ ખોના પડતા હૈ. બસ તેવું જ, લખવા–વાંચવા માટે હું રોજ સવારે ચાર વાગે ઊઠી જાઉં છું. (કોણ જોવા આવે છે ?) ભલે મારી ઊંઘ બગડે ને મને ઓછી ઊંઘ મળે પણ નામ મેળવવા માટે એટલે કે લેખક બનવા માટે મારે એટલો ભોગ તો આપવો જ પડે.’

પેલાં બહેન તો અહોભાવથી આંખો બંધ કરીને મારો અદ્ભૂત મંત્ર એમના કાનમાં ને મનમાં ઉતારી રહ્યાં હતાં. એક ઘડી મને થયું કે, મારા ભાગની ઊંઘ એમણે પૂરી કરવા માંડી કે શું ? પણ બે મિનિટમાં જ એમણે આંખો ખોલી ને પવિત્ર જ્ઞાનગંગામાં ડૂબકી મારી હોય એવા તેજથી ચમકતા ચહેરે એમણે મારો આભાર માન્યો ને ફરી વાર મળવાનું વચન આપ્યું. મને પણ તે દિવસે લાગ્યું કે, ભલે એક જ જણે આ સવાલ પૂછ્યો પણ આને જ ખરા ભાવક કહેવાય. હું તો આટલો બધો ભાવ મળતાં ભાવુક થઈ ગઈ, ધન્ય થઈ ગઈ.

ઘરે પાછાં ફરતાં સુધી તો મારા મગજમાં પણ મેં ફૂંકેલો મંત્ર જ ઘુમરાયા કર્યો ને આટલાં વર્ષોમાં, કુછ–કુછ પાનેકે લિયે મૈંને ક્યા–ક્યા ખોયા, તેનું લિસ્ટ મગજમાં ચકરાયા કર્યું. મને યાદ આવ્યું કે, બસની ભીડમાં જગ્યા મેળવવા જતાં મેં એક વાર મારું પર્સ ગુમાવેલું. એક પર એક ફ્રી સાડી મેળવવાની લાલચમાં દુકાનની બહાર મેં મારી એક (!) નવી જ ચંપલ ગુમાવેલી. મનીઓર્ડર મેળવવાની ખુશીમાં મેં પોસ્ટમેનને ઘણી વાર નવી જ પેન પધરાવી દીધી છે. ભૂતકાળનું મારું વજન પાછું મેળવવામાં મેં ભાવતાં ભોજન ગુમાવ્યાં છે ! તંદુરસ્તી મેળવવા પરસેવો પાડ્યો છે. જીભને ખુશ કરવા પેટને નારાજ કર્યું છે. ચમચી મેળવણ લેવા જતાં વાટકી ખાંડ ગુમાવી છે. મૉલમાં ખરીદીની લાલચમાં પર્સ ખાલી કર્યું છે. એક ગ્લાસ પર એક ચમચી ફ્રી ન મળતાં મગજ ગુમાવ્યું છે. સુખ મેળવવા જતાં સુખ ગુમાવ્યું છે ! આ એક જ વસ્તુ એવી છે જે મેળવવાની લ્હાયમાં કાયમ ગુમાવવાની જ થાય ! ને કદાચ આ એક જ વસ્તુ છે જે મેળવવાની આશા ન રાખીએ તો ગુમાવવાની ચિંતા થતી નથી. (પેલાં બહેને તો મને કેટલે ઊંચે પહોંચાડી દીધી ! બાકી મને આવા વિચારો ક્યારેય નથી આવ્યા.) ખેર, આ બધી મોટી મોટી વાતોમાં મુખ્ય વાત તો રહી જ ગઈ ! પંચાત કરવાનો આનંદ મેળવવામાં મેં કાયમ વખત ગુમાવ્યો છે.

કદાચ મેળવવા–ગુમાવવાના આ લિસ્ટમાં હજી બહુ ઉમેરવાનું બાકી રહી જાય પણ વધુ લખવાનો આનંદ મેળવવામાં વાચક ગુમાવવાની બીક રહે એટલે બાકીનો આનંદ તમે ઉઠાવો ને ગણવા માંડો કે, તમે કેટલું ગુમાવ્યું ?

આંધળી માનો મોબાઈલ

એક જમાનામાં ‘આંધળી માનો કાગળ’ ગીતે ધૂમ મચાવેલી. દીકરો કમાવા પરદેશ જતો રહ્યો છે, પણ ગયા પછી માની કોઈ ખબર લેતો નથી કે પોતાની ખબર દેતો નથી. આવા દીકરાને, આંખે ન જોઈ શકતી મા કોઈ પાસે કાગળ લખાવે છે. પોતાની હાલતનું વર્ણન કરતી વખતે પણ એની દીકરા પ્રત્યેની માયા ઓછી નથી થતી.

આજે આંધળી મા તો રહી નથી, પણ દીકરાની માયામાં આંધળી બની જતી મા પાસે દીકરાને કાગળ લખવાનો ટાઈમ નથી. (કદાચ આવડતોય નથી!) પણ મોબાઈલ તો છે ને? બસ, એનો બધો પ્રેમ–બધી ચિંતા એ મોબાઈલથી વ્યક્ત કરતી રહે છે અને અજાણપણે ત્રાસ ફેલાવતી રહે છે. દીકરો કમાવાને બદલે ભણવા બીજા શહેરમાં ગયો છે. માને ચિંતા ન થાય ? એ શું ખાતો હશે ?

(પહેલી ચિંતા). તરત મોબાઈલ કાને લગાવી ગળગળા અવાજે શરૂ,

‘બેટા ખાધું ?’

‘હા મમ્મી, ક્યારનું જમી લીધું.’

‘શું જમ્યો બેટા ?’

‘એ જ, દાળ–ભાત–શાક ને રોટલી.’

‘દાળ–શાક તને ભાવે છે ને ? ભાત ને રોટલી કાચાં તો નથી ખાતો ને ? એવું હોય તો સરને ફરિયાદ કરી દેજે. ન ભાવે ત્યારે તારા પૉકેટમનીમાંથી બહાર ખાઈ લેજે. પૈસાની ચિંતા નહીં કરતો.(!) બે ટાઈમ બૉર્નવિટા ને ફ્રૂટ–બિસ્કીટ આપે છે ને ? બેટા ભૂખ્યો નહીં રહેતો. અહીં તો હું તારું ધ્યાન રાખતી, ત્યાં તને કોણ જોતું હશે ? પ્લીઝ, બરાબર ખાજે–પીજે, ચિંતા નહીં કરતો, હું રોજ ફોન કર્યા કરીશ. તારાથી નહીં બોલાય તો અમે આવીને સરને સમજાવી જઈશું. ’

એક ચિંતા પતાવી–દૂર કરી, ત્યાં બીજી હાજર જ હતી! સવારે ઊઠવામાં તો દીકરો બહુ આળસુ છે. ત્યાં એને કોણ ઊઠાડતું હશે ? તે પણ મારી જેમ, માથે વહાલથી હાથ ફેરવીને ? ભીની આંખે મા દીકરાને ફોન લગાવે છે.

‘દીકરા, તું સવારે જાતે ઊઠી જાય છે કે કોઈ તને ઊઠાડે છે ?’

‘મમ્મી, અહીં તો રોજ સવારે છ વાગ્યે બધાના રૂમમાં રિંગ વાગે એટલે અડધા કલાકમાં તૈયાર થઈને બધાએ નીચે નાસ્તા માટે પહોંચી જવાનું. ’

‘હાય હાય ! અડધા કલાકમાં તૈયાર થઈ જવાનું ?’ માની ચિંતા આંસુ બની ધોધમાર વરસવા માંડે. જેને પથારીમાંથી બહાર નીકળતાં જ પંદર મિનિટ થાય અને નિત્યકર્મ પતાવતાં અડધો કલાક લાગે, તેણે અડધો જ કલાકમાં ? પછી બિચારાનું પેટ ના બગડે ? માંદો ના પડે ? આ હૉસ્ટેલવાળા પણ ખરા છે ! તદ્દન જડ જેવા. જોયા ન હોય મોટા બહુ ડિસીપ્લીનવાળા ! મેં તો કેટલી ના પાડેલી એને હોસ્ટેલમાં મૂકવાની, પણ મારું કોણ સાંભળે છે?’ માની વાત તો ખરી હતી. જોકે, આ બધો બબડાટ તો રોજનો થઈ ચૂકેલો. હવે બે વરસ પછી પણ એને સાંભળવા કોણ નવરું હોય ? પણ મા એટલે મા. ચિંતા તો થાય ને ? માની ચિંતામાં ફક્ત ભણવાની ચિંતા છેલ્લે આવે (જેના માટે એને હૉસ્ટેલમાં મૂકેલો) પણ બાકી બધી ચિંતા એને ઠરવા ન દે. એને એટલે માને અને દીકરાને પણ !

‘રૂમમાં રોજ ઝાડુ–પોતાં થાય છે ? કપડાં સારા ધોવાય છે કે ? ઈસ્ત્રીવાળો કપડાં ખોઈ કે બાળી નથી નાંખતો ને ? તું માથામાં તેલ નાંખે છે ને ? શૅમ્પૂ છે કે ખલાસ ? દોસ્તોને બધું આપી નથી દેતો ને ? કે પછી એ લોકો જ બધું પૂરું કરે છે ? નાસ્તા છે કે મોકલાવું ? પૈસા જોઈએ તો પપ્પાને કહું ? દાદા–દાદી તને બહુ યાદ કરે છે. કાકા, મામા, કાકી અને માસી પણ યાદ કરે છે.’ માનું અને માની ચિંતાનું લિસ્ટ બહુ લાંબું અને દીકરાને અકળાવનારું, તેમ જ દોસ્તોમાં મશ્કરીને પાત્ર બનાવનારું છે, પણ શું થાય ? મા તે મા.

માબાપની ચિંતા દૂર કરવા દીકરો ભણી રહ્યો અને સરસ મજાની નોકરીએ લાગ્યો. બિચારી માના નસીબે બીજા શહેરમાં ! ફરીથી માને તો મોબાઈલના સહારે જ રહેવાનું આવ્યું ને ?

સવારમાં છ વાગતાં જ ફોન ચાલુ.

‘ઊઠ બેટા, છ વાગી ગયા.’

‘મમ્મી, હું ઊઠી જઈશ, મેં એલાર્મ લગાવ્યો છે.’

‘મને ખબર છે તારી ઊંઘવાની ટેવ. હૉસ્ટેલમાં તો બધા સાથે હતા, અહીં તને કોણ ઊઠાડે ? ચાલ તો, ઊઠી જા તો.’

દીકરાની લાખ ના છતાં મમ્મી તો દર પાંચ મિનિટે ફોન કરીને દીકરાને ઊઠાડીને જ રહી. બીજા દિવસથી દીકરાએ પોણા છએ માને ફોન કરીને જણાવવા માંડ્યું કે, ‘મમ્મી ફોન નહીં કરતી, હું ઊઠી ગયો છું.’

ઓફિસમાં પણ, કોઈ પણ સમયે ફોન કરી દેતી મમ્મીને દીકરાએ કહેવું પડ્યું, ‘મમ્મી, હવે મેસેજ કરી દેજે અને વાત કરવી હોય તો આપણે રાત્રે વાત કરશું.’ મમ્મીને જરા માઠું લાગી ગયું, દીકરો મોટો થઈ ગયો! ખરેખર, માની લાગણી કોણ સમજી શકે ?

હવે ? છેલ્લું ચૅપ્ટર. દીકરાના લગ્ન થયાં, વહુ આવી. વહુ આવે એટલે કંઈ માએ ખસી જવાનું ? નહીં જ વળી. એવું વળી કોણે કહ્યું ? માને ચિંતા ના થાય ? (થાય ને થવી જ જોઈએ પણ હવે તો ભાર ઝીલવાવાળી આવી, પછી માએ શેનો ભાર રાખવાનો? પ...ણ મા તે મા.) વળી, મોબાઈલ શાના માટે છે ?

‘બેટા, વહુ કેવું રાંધે છે ? મારા જેવી રસોઈ બનાવે છે ? તને ભાવે છે ? ભૂખ્યો તો નથી રહેતો ને ? તને જે ખાવાનું મન થાય તે મને કહેજે, પાર્સલ કરી દઈશ. નહીં તો વહુને કહેજે, મને ફોન કરે, હું શીખવી દઈશ. તારા કપડાંની ખરીદી કોણ કરે છે ? આટલાં વર્ષો મારી પસંદના કપડાં પહેર્યાં, તે હવે વહુની પસંદના કપડાં ગમે છે ? ના ગમે તો કહેજે, મોકલી આપીશ. તબિયત સાચવજે, બહારનું ખાતો નહીં, તાપમાં ફરતો નહીં.....’(વગેરે..વગેરે..વગેરે.)

(દીકરાને માથે ચડાવતી કે માવડિયા બનાવતી મોબાઈલ–માતાઓને ‘મધર્સ ડે’ પર સપ્રેમ ભેટ.)

તમારા ભાઈ–મારા ભાઈ

‘આ મારી અર્ધાંગિની છે.’

‘કો....ણ ?’

‘અર્ધાંગિની....! ઓહ ! પત્ની..પત્ની.’

‘મીન્સ કે, તમારી વાઈફ છે એમ કહો ને. મિસી..સ.’

ગુજરાતીઓને ઈંગ્લિશ કેટલું બધું આવડી ગયું છે ! ગુજરાતી પણ ઈંગ્લિશમાં સમજાવીને કહેવાનું ?

‘આ મારી વહુ છે–ઘરવાળી છે– બાયડી છે– તારી ભાભી છે’, આવું બધું સાંભળવા તો હવે કાન તરસી જાય છે.

બીજી બાજુ સ્ત્રીઓ પણ કમ નથી.

‘આ મારા હસબન્ડ છે.’

‘એટલે કે, મિસ્ટર ?’

વર, ભાયડો (કે વાયડો), ધણી, ઘરવાળો કે પછી ‘અમારા એ’ અથવા ‘બેબીના પપ્પા’ સાંભળવાની કેવી મજા આવતી ? જૂના જમાનાને અમસ્તો જ સુવર્ણયુગ નથી કહ્યો.

એક વાર બજારમાં એક ખાસ ઓળખાણ વગરનાં બહેન મળી ગયાં. ‘કેમ છો?’ ને ‘સારું છે’ની આપ–લે ચાલી પછી એમણે મારા પર તીર ફેંક્યું,

‘મારા ભાઈની તબિયત કેમ છે હવે ?’

હું વિચારમાં પડી. આ બહેનને જ હું જેમતેમ ઓળખતી હતી ને એમનું નામ તો મને યાદ જ નહોતું આવતું, ત્યાં એમના ભાઈને તો હું કેવી રીતે ઓળખું ? પાછું એમની તબિયત વિશે પણ પૂછ્યું, એટલે જાણે કે, મારી પાસે એમના ભાઈના બધા રિપોર્ટ્સની ફાઈલ પડી હોય ને મને એની રજેરજ માહિતી હોય એમ કેટલી લાગણીથી પૂછ્યું ! શું આ બહેનને પોતાના ભાઈની કોઈ માહિતી નહીં હોય ? તે મને, એક ત્રાહિત વ્યક્તિને પૂછવું પડે ? મેં ગભરાતાં ગભરાતાં ચોખવટ કરવા પૂછ્યું,

‘તમારા ભાઈ ? કયા ? વચલા કે નાના કે મોટા ? કંઈ માંદા છે હમણાં ?’

‘ના, ના. મારા ભાઈ એટલે તમારા ઘરવાળા.’

‘ઘરવાળા ? કોણ ઘરવાળા ?’

‘મારા ભાઈને તમે શું કહીને બોલાવો ?’

‘સૉરી, પણ હું તમારા ભાઈને ઓળખતી નથી અને મને એમનું નામ પણ નથી ખબર.’ (પેલાં બહેનને તો ચક્કર આવવા માંડ્યાં !)

‘પણ તમારા ભાઈ તો મારા ભાઈને સારી રીતે ઓળખે છે.’ બીજું ખતરનાક ને જીવલેણ તીર એમના ભાથામાંથી સનનન કરતું છૂટ્યું ને મારા લમણામાં ખચ્ચ ! આવા લોકોને કોઈ ક્વિઝ પ્રોગ્રામમાં ધકેલી દેવા જોઈએ. ખાઓ જેટલું માથું ખાવું હોય તેટલું.

એ બહેન મને જબરદસ્ત ને જબરદસ્તી મૂંઝવી રહ્યાં હતાં. મારા ભાઈ કોઈ દિવસ આ બહેનને મળ્યા જ નથી મને ખબર છે. તો પછી, એમના ભાઈને મળવાની ને ઓળખવાની તો વાત જ ક્યાં ?

‘મારા ભાઈ તમારા ભાઈને સારી રીતે ઓળખે છે ? એ કેવી રીતે બને ?’

‘યાદ કરો. મંદિરમાં દિવાળીને દિવસે તમે મારા ભાઈ સાથે આવેલાં ને ? ત્યારે હું તમારા ભાઈ સાથે મંદિરના પગથિયે નહોતી બેઠી ? આપણે ‘સાલ મુબારક’ પણ કરેલું ને મેં તમને લોકોને પ્રસાદ પણ આપેલો. યાદ છે ? તે દિવસે તમે લાલ સાડી પહેરેલી ને મેં પણ લાલ સાડી પહેરેલી !

બાપ રે ! આ બહેનની યાદશક્તિ ગજબની કહેવાય ! વળી, હું એમના ભાઈ સાથે મંદિર ગયેલી ? ને એ મારા ભાઈ સાથે મંદિરના પગથિયે બેઠેલાં ? મારા ભાઈ મને કેમ ના દેખાયા ? એમને હું કેમ ના દેખાઈ ? ભાઈ પહેલાં મને મળે કે કોઈ પણ ન ઓળખતી સ્ત્રી સાથે મંદિરના પગથિયે બેસે ? આ બધો શો ગોટાળો છે ? કંઈ સમજાતું નથી. અહીંથી ભાગવું પડશે વહેલું. મેં ખોટેખોટું હસીને હા કહીને, ‘ચાલો ત્યારે આવજો’ કહી દીધું પણ આ મૂંઝવણ તો મારા ગળે પડી.

‘મારા ભાઈને કહેજો કે, અમે એકાદ વાર તમારા ઘરે આવવાનાં છીએ. (માર્યાં ઠાર !)

‘હા ચોક્કસ.’ આનાથી ટૂંકો જવાબ મને સૂઝ્યો નહીં.

‘તમારા ભાઈ કે’તા ’તા કે, અમારો તો બાપદાદાના જમાનાનો સંબંધ છે. પહેલાં તો સાથે રમતા ને જમતા. બધી જૂની યાદો તાજી કરવા એકાદ દિવસ આવવાનું તમારા ભાઈ ખાસ કે’તા ’તા.’

ઓહ ! આહ ! પ્લીઝ.. મને કોઈ બચાવો આ ભાઈ–ભાઈની નસખેંચ રમતમાંથી ! કદાચ એવું ન બને કે, ખરેખર જ મારા ભાઈએ મને જોવા દોડી આવવું પડે. એના ભાઈ જો અહીં આવી ચડે તો ખુશ થાય કે, મારી બહેન બહુ કુશળતાથી કોઈને પાગલ બનાવી શકે એમ છે.

મને તો પછીથી, બહુ મોડે મોડે ખબર પડેલી કે, એ બહેન એમના વરનું નામ લેવા નહોતાં માંગતાં ! વર સાથે કોઈ ઝઘડો–ટંટો નહોતો થયો પણ જૂના રિવાજ મુજબ વહુથી વરનું નામ ન લેવાય, એટલે એણે એની વાતમાં મને પણ સંડોવી દીધી. ક્યારની મારા ભાઈ ને તમારા ભાઈ કર્યા કરતી હતી, એના કરતાં સીધું સીધું ‘મારા એ’ ને ‘તમારા એ’વાળું ચલાવ્યું હોત તો મને વાંધો જ ક્યાં હતો ? ‘મારા પતિ મહાશય’ ને ‘તમારા પતિ (પણ) મહાશય’ કહીને માન આપ્યું હોત તોય આપણે ખુશ થાત. અરે ! કંઈ નહીં ને ‘મારા હસબન્ડ’ ને ‘તમારા હસબન્ડ’ કહીને જરા વટ માર્યો હોત તો પણ હું નીચી મૂંડીએ સાંભળી લેત. હોય કોઈને એવો શોખ !

જોકે, આ બધું જો પહેલેથી ખબર જ હોત તો આખી વાતની મજા જ ક્યાંથી આવત ?

એટલે હવે આ જ વાતને આપણે જરા બદલીને જોઈએ.

ધારો કે, સ્ત્રીઓના ભાઈઓ એટલે કે પુરૂષો પણ જો ‘તમારા બહેન’ ને ‘મારા બહેન’ જેવું બોલતા થઈ જાય તો કેવી ગમ્મત થાય ? ‘મારા ભાભી’–‘તમારા ભાભી’ પણ ચાલે. દુ:ખની વાત એ જ છે કે, વાતે વાતે ‘ઓ બાપ રે’ કે ‘ઓ મા રે’ બોલતાં હોવા છતાં, આપણે ઉપર બતાવેલા વાક્યોમાં મા કે બાપને વચ્ચે લાવતાં નથી ! બાકી તો,

‘મારી મા શું કરે છે ?’

‘મારા બાપાની તબિયત હવે સારી છે કે ?’

આપણા જ માબાપના સમાચાર આપણે બીજાને પૂછવા પડે !

નામ બદલું કે અટક ?

મારી સામે ઘણી વાર એવા લોકો ભટકાઈ જાય, જેમના દિમાગમાં અવનવા સવાલોની આવનજાવન સતત ચાલુ હોય. એ લોકો કદાચ મને બહુ બુદ્ધિશાળી સમજતાં હશે ! જોકે, હું પણ એવી ગેરસમજમાં જ મને આવડે એવા જવાબો એમને આપતી રહું. થોડા દિવસો પર એક બહેન ભટકાયેલાં, એમના મગજમાંથી નામ ને અટકની હેરાફેરી નીકળતી જ નહોતી. એમની વાતની શરૂઆત પણ સવાલથી જ થઈ.

‘તમારામાં લગ્ન પછી અટક બદલાય ?’

‘કોની ?’

‘વહુની જ ને વળી, વરની ઓછી બદલાવાની ?’

‘અટક શું ? અમારામાં તો નામેય બદલાઈ જાય.’

‘તો જૂના નામનું શું કરવાનું ?’

‘જૂના નામનું તો નાહી જ નાંખવાનું.’

‘તમારામાં નામ બદલવાનો પણ રિવાજ છે ?’

‘અરે...! નામ મિટાવી દેવાનો, હસ્તી જ મિટાવી દેવાનો રિવાજ છે.’

‘તમારામાં બીજી બધી અટકો આવે કે દેસાઈ એટલે દેસાઈમાં જ જવાનું ?’

‘આવે ને. મહેતા, વશી, નાયક–ખલનાયક– બધી બહુ અટક આવે. મોટે ભાગે દેસાઈઓ દેસાઈનું પૂંછડું પકડી રાખે પણ છોકરાંઓ જાતજાતની અટકને અપનાવી લે એટલાં સુધરેલા.’

‘નામ ન બદલવું હોય તો ?’

‘લગ્ન પછી આખા ને આખા માણસ બદલાઈ જાય ત્યાં તમે નામ ને અટકનું ક્યાં માંડો છો ?’

‘પણ તમે તો કંઈ બદલાયેલાં નથી લાગતાં.’

‘કેમ નહીં ? હું દીકરીમાંથી એકી ધડાકે વહુ, કાકી, મામી જેવાં લટકણિયાં પહેરતી પહેરતી મારા નામને જ ભૂલી ગયેલી. એટલે મારું નામ શું હતું ને શું થઈ ગયેલું તે વિશે બહુ વિચારતી નથી.’ (આ તો, લેખક બની તો નામ પાછું મળ્યું !)

‘તમારાં સાસુનું નામ પણ બદલાયેલું ?’

‘તમને મારાં સાસુમાં બૌ ઈન્ટરેસ્ટ છે ? જ્યારે મળો ત્યારે, ફેરવી ફેરવીને સાસુની વાત કોઈ પણ રીતે લાવીને મૂકી દો ખરાં !’

‘એ બહાને તમારી જીભ છૂટી થાય ને મન જરા હળવું થાય એ જ મારો આશય, બીજું કંઈ નહીં.’

‘એ વાત સાચી....જોકે મને પણ મજા તો પડે છે હં કે ! સાસુ વહુને એકબીજાની વાત કરવાની બહુ મજા આવે એટલે તો મેં પણ મારી વહુને કહી રાખ્યું છે, ‘તારે ગભરાયા વગર, જ્યારે મન થાય ત્યારે ને જેની સાથે કરવી હોય ત્યારે, મારી વાત બિન્દાસ કરી લેવી.’ છો બિચારી મારી વાત કરતી.’

‘હા, તો પછી તમે કહ્યું નહીં કે, તમારાં સાસુનું નામ બદલાયેલું કે નહીં ?’

‘મારાં સાસુ આવેલાં ત્યારે વહુ તરીકે આવેલાં એટલે વિરોધ કે દાદાગીરી થાય એવું હતું નહીં. (એ મોકા તો એમને પછીથી મળેલા.) એમનાં સાસુએ એમનું નામ બદલેલું ત્યારે તો મિંયાની મીંદડીની જેમ ચૂપચાપ બેસી રહેલાં. લાગ મળતાં જ, વર્ષો પછી એ દાઝ એમણે વહુઓ પર ઊતારી. એમના નસીબમાં તો પાછી ચાર ચાર વહુઓની લૉટરી લાગેલી ! કાન્તિ સાથે કાન્તા કર્યું, મહેશ સાથે ઉમા કર્યું ને હરીશ સાથે હેમા કર્યું. (તેજ દિમાગ !) મારો વારો આવ્યો કે મેં જ કહી દીધું, ‘હવે એકને તો બક્ષો. તમારા દીકરાનું નામ જ એના કરતાં કલ્પેશ કરી નાંખો ને !’ એ સાંભળતાં જ સૌનાં મોં ખુલ્લાં રહી ગયેલાં ને આંખો ફાટી ગયેલી ! મારી જેઠાણીઓ તો જેમતેમ હસવું રોકી રહેલી.

‘તો પછી, તમારું નામ શું પાડેલું ?’

‘કલ્પના કરી શકો છો ?’

‘કહી દો ને હવે.’

‘રહેવા દો ને હવે. કલ્પના નામ મેળવતાં તો વર્ષો ને દમ બેય નીકળી ગયેલાં.’

‘ધારો કે, અટક બદલાતે તો તમે બદલી કાઢતે ?’

‘ના રે ભાઈ ! આ બાબતે ત્યારે જમાનો ક્યાં બદલાયેલો ? હવે તો જેને જે અટક રાખવી હોય તે રાખે, કોઈની ટકટક નહીં કે કોઈની માનસિક અટક નહીં. કોઈ પિયરની અટક રાખે, કોઈ બન્ને અટક રાખે –કોઈને ખોટું ન લાગવું જોઈએ કરતાં પણ કોઈએ બોલવાનું જ ના રહે એટલે ! મેં એક સૂચન કરેલું કે, જો બધી અટક અનાવિલોની જ હોય તો એક જ અટક, ફક્ત દેસાઈ જ રાખે તો ચાલે કે નીં ? પણ દર વખતની જેમ મારી વાત કોઈ સમજ્યું નહીં અને ડોળા કાઢીને મને ચુપ કરી દેવાયેલી.’

‘તમને ખબર છે, સુરતમાં એક બહેનની અટક લગ્ન પહેલાં ખાંડવાળા હતી તે લગ્ન પછી ગોળવાળા થઈ ગયેલી ?’

‘અરે વાહ ! આ તો મીઠાશની મોનોપોલી ! એમ તો રૂવાળા ગોદડાવાળા થઈ જાય, ચોખાવાળા લાપસીવાળા બની જાય ને ગિલીટવાળા હોય તે નક્કર સોનાવાળા બની જાય તો નવાઈ નહીં. અટકમાં તો કીડી ક્યારે હાથી બની જાય અને મચ્છર ક્યારે ઘોડાને ત્રાસ આપે તે કંઈ કહેવાય નહીં. જો ઓટલાવાળા હવેલીવાળા થાય તો છત્રીવાળા મિલવાળા ના થાય ?

જોકે, લખવાનું શરૂ કર્યું પછી તો ઘણા ગોટાળા થયા. મારા પતિને સાથે રાખીને એટલે કે, એમનું નામ સાથે લખીને લેખ લખ્યા તો બધા લેખ પાછા આવ્યા ! એવામાં બીજાં એક ‘કલ્પના જિતેન્દ્ર‘ મારા નામે ને હું એમના નામે, લોકોના ગોટાળાનો ભોગ બનવા માંડ્યાં. મેં તો ગભરાઈને મારા પતિને કહી દીધું, ‘તમે તમારું નામ રાખો ને હું મારું નામ રાખું. અટક આપણે બન્ને કૉમન રાખીએ મંજૂર છે ?’ કચવાતે મને એમણે હા પાડેલી. મારા નામની સાથે પોતાનું નામ રાખવાનો લોભ કે મોહ છૂ ! બસ, ત્યારથી મારા લેખ પણ છપાતા થઈ ગયા ! એમ પણ સ્ત્રીઓને કાનમાં લટકણિયાં ગમે પણ નામમાં તો ઓછાં હોય તેટલાં સારાં. બધે જ સાથે સાથે તો ન આવે.

જો પિયરની ને સાસરાની અટક જુદી જુદી હોત અને મારે બન્ને અટક રાખવી પડત તો કેટલી ધમાલ થાત ? દર વખતે, દરેકને અલગ અલગ સમજાવતાં નાકે દમ આવત કે નહીં ? ને સમયની બરબાદી ? એમાં ને એમાં મારા ભેજાનું દહીં થાત તે નફામાં ને મારું નામ તો બાજુ પર જ રહી જાત ને ?’

‘તો પછી તમે તમારી વહુનું નામ બદલ્યું કે નહીં ?’

‘હત્તેરીની ! સાસુના નામમાંથી તમને જેમતેમ છોડાવ્યાં તો તમે મારી વહુની વાત લઈ બેઠાં. એનું નામ બદલવાની હોશિયારીમાં ક્યાંક એવું ન બને કે, એ મારું નામ લેતી જ બંધ થઈ જાય. એના કરતાં એ ભલી ને એનું નામ ભલું ને નામ ભલું તો કામ ભલું. હવે આપણે નામ ને અટકની પિંજણ બહુ કરી, હજી કંઈ પૂછવું છે કે અહીં અટકીએ ?’

‘તમે તમારા વરને, નામથી કે પછી અટકથી બોલાવો ?’

‘લગ્ન પછી નામથી બોલાવવાની શરૂઆત જ કરેલી કે ઘરમાં તો ધમાલ મચી ગયેલી ! સાસુ ને સસરાએ ઘરમાં ને ઘરમાં જ ચારેક કિલોમીટર જેટલું ચાલી નાંખેલું. મને લાગ્યું કે બહુ મોટી ભૂલ થઈ એટલે મેં ‘એ...ય’ કહીને બૂમ પાડેલી તો વરનો તોબરો ચડી ગયેલો. ‘મને એય નહીં કહેવાનું.’ (ઓહો ! જોયા મોટા લાટસાહેબ !) નામની પાછળ ‘ભાઈ’ લગાવ્યું તો બધાં હસી પડેલાં. ઘરમાં બધાં જ દેસાઈ એટલે અટકથી તો બોલાવાય જ નહીં. સીટી મારતાં આવડતી નહોતી એટલે ‘શીસ્...શીસ્...કે હમ્...હૂં...’ જેવા વિચિત્ર અવાજો કાઢીને બોલાવતી. એ તો સારું કે, દીકરાના જન્મ પછી ‘બાબાના પપ્પા’ કહેતી થયેલી તો મોટામાં મોટો પ્રોબ્લેમ સોલ્વ થયેલો. બાકી તો....’

‘તો પછી, તમને તમારા પતિ શું કહીને બોલાવતા ?’

‘એય...’ (!)