મારે ધાડ મારવી છે Kalpana Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારે ધાડ મારવી છે

મારે ધાડ મારવી છે

કલ્પના દેસાઈ

kalpanadesai.in@gmail.com

વળી એક વરસ પૂરું થયું ને એક વરસ શરૂ થયું. એક વરસ જૂનું થયું ને એક વરસ નવું થયું. ઓહ ! આ તો ભૂલમાં કંઈ કવિતા જેવું લખાવા માંડ્યું કે શું? એવું છે કે, ગયા વરસે, જાતજાતના લેખો વાંચ્યા, એમાં ભારેખમ લેખો પણ વાંચ્યા ને હળવા લેખો પણ વાંચ્યા. સ્વાભાવિક છે કે, બીજાના લેખોની સાથે મેં મારા લેખો તો વાંચ્યા જ હોય. વાર્તાઓ વાંચી ને કવિતાઓ પણ વાંચી. તેમાં કદાચ એવું બન્યું હોય કે, કવિતાની અસર થોડી ઘણી રહી ગઈ હોય ને લેખમાં તેનો પડછાયો પડી ગયો હોય ! ખેર, કવિતા લખવાનો કોઈ જ ઈરાદો નથી. આ તો બધા જ નવા વરસને વધાવતા હોય તો મારે પણ નવા વરસે કંઈ લખવું એ હિસાબે થોડી લપ્પન–છપ્પન.

બધા તો ગયા વરસના લેખાજોખા કરે જ્યારે મેં તો મારાં આટલાં વરસોનાં લેખાજોખા કરવાનું નક્કી કર્યું છે. મેં શું કર્યું આટલાં વરસોમાં ? મને હંમેશાં પેલી કોઈક પંક્તિ યાદ આવે જ્યારે આવો કોઈ હિસાબ માંડવા બેસું ત્યારે કે, ‘જિંદગીમાં કેટલું કમાણાં કે....જરા સરવાળો માંડજો.’ મને કાયમ થતું કે, આ ઈન્કમટૅક્સવાળા જ લોકોને આવા સવાલ પૂછતા હશે બાકી તો કોને પડી હોય કે તમે કેટલું કમાયા ને કેટલું ગુમાવ્યું ! લોકો તો બે ઘડી સુખમાં ને દુ:ખમાં સાથ આપીને ફરી પોતાના કામે લાગી જવાના, કારણ એ લોકોને પણ પોતાનાં સુખ–દુ:ખ હોય ને ? જ્યારે ઈન્કમટૅક્સવાળાનું તો કામ જ લોકોના હિસાબ લેવાનું. એ તો પ્રૌઢાવસ્થામાં આવ્યા પછી ને ભજનને રવાડે ચડ્યા પછી ખબર પડી કે, આ તો મને જિંદગીમાં કરેલાં સારાંનરસાં કામોનો હિસાબ માંડવાનું કહે છે ! હવે તમે જ કહો, કોઈ આવો હિસાબ માંડી માંડીને જીવે છે ? ખુદ આપણે પણ ? નહીં. એ તો જેમ દિવસો આવતા જાય તેમ જતા થાય એ આપણને સારી રીતે ખબર, એટલે માર ઠોક કરીને પણ જેવી આવડી એવી કે જેવી સમજાઈ એવી જિંદગી જીવી લીધી. ખરી વાત ને ?

આ જ નિયમ મેં લખવામાં પણ રાખ્યો ને જુઓ આજે દસમા વરસની શરૂઆતમાં જ મેં મારા લેખોના લેખાજોખા કરવાનું નક્કી કર્યું ! (વાતવાતમાં જાહેરાત કરી નાંખવાની કળા પણ આટલાં વરસોમાં હસ્તગત થઈ ગઈ !) આજ સુધીમાં મેં જેટલા લેખો લખ્યા તેટલા બધા જ શ્રેષ્ઠ છે. અરે ! ભૂલમાં પૂર્ણવિરામ મૂકાઈ ગયું. ખરેખર તો પ્રશ્નાર્થચિન્હ આવે કે આશ્ચર્યચિન્હ આવે. હું સારી રીતે જાણું છું કે, મારો શું, કોઈનો પણ દરેક લેખ શ્રેષ્ઠ હોઈ જ ના શકે. શ્રેષ્ઠ ચીજો બહુ મહેનત માંગે છે ને બહુ આસાનીથી બનતી પણ નથી. દરેક મહાન હસ્તીને યાદ કરો. એમના એક કે એકથી દસ કામોની જ નોંધ લેવાતી હશે ને લેવાતી રહેશે, જમાનાઓ સુધી ! તો પછી, મૈં કિસ ખેતકી મૂલી ? (મૂળા ઘણાને ભાવતા નથી એટલે હવે કહેવતમાં કોઈ ફેરફાર કરવો જોઈએ એવું નથી લાગતું ?) એટલે મારા કહેવાનો અર્થ એમ પણ નથી કે, મેં આટલાં વરસોમાં જેટલા લેખ લખ્યા તેમાંથી દસ જ જેમતેમ સારાની ગણત્રીમાં આવે. જો ક્રમ પ્રમાણે ગોઠવું –લેખના નહીં, ગુણવત્તાના ક્રમ મુજબ–તો..... જવા દો, મારું મુલ્યાંકન હું જ કરું ? (ભઈ, જે કરવું હોય તે વધારે પંચાત વગર કરવા માંડ. અહીં કોઈને ફુરસદ નથી તારા લેખોનું મુલ્યાંકન કરવાની. તારામાં ખામી શોધવાનું કહીશું તો એક કરતાં એકવીસ હાજર થશે. એટલે હાથમાં લીધેલું કામ પૂરું કર, નહીં તો દર વખતની જેમ અડધું મૂકી દે.)

ખરાબ લેખોથી શરૂ કરું કે શ્રેષ્ઠથી ? (માથામાં એ વહેમ ક્યારે ભરાઈ ગયો ખબર નથી કે, તારા શ્રેષ્ઠ લેખો પણ છે !) ખરાબથી જ શરૂ કરું. તો મેં કેટલાક–નહીં ઘણા–લેખો ખરાબ પણ લખ્યા છે. (કેટલાક ? ને પણ ? કેટલાક નહીં મોટે ભાગના ને ‘પણ’ નહીં ‘જ’.) ચાલો જવા દો એ વાત. (જવા કેમ દેવાની ? પોતાની વાત આવી ત્યારે જવા દેવાની ? ને હમણાં બીજાની વાત હોય તો ?) કોઈ મારી પાછળ હાથ ધોઈને કે આ ઠંડીમાં આદુ ખાઈને પાછળ પડ્યું લાગે છે ! જે કહું તેમાં ટાપસી ! સારી આદત નથી. (એ તારો આત્મા છે...લેખાજોખા ચાલે છે ને ? અંચી ના કરે એટલે હાજરાહજુર છે, સમજી ?) સારું ત્યારે. ખરાબ પછી થોડા ઠીક લેખોનો વારો છે. અમુક લેખો ઠીક ઠીક લખાયા છે. (ઠીક છે, આગળ ચાલો.) અમુક લેખો સારા પણ લખાયા. લોકોએ વખાણ્યા પણ ખરા. (આ લોકો એટલે કોણ ? જોઈ લે, લોકોમાં ઘરનાં કે કુટુંબના લોકો તો નથી ? તારાથી પીછો છોડાવવા ‘સારા છે’ કહેતાં હશે.) ભલે કહેતાં. હું તો સાચું સમજીને જ રાજી થાઉં છું ને ? ને મને પ્રોત્સાહન મળી રહે છે બીજું શું જોઈએ ? એટલે જ તો આટલાં વરસો લખાયું. નહીં તો, જો કોઈ કંઈ બોલત જ નહીં તો મેં શરૂઆતમાં જ લેખ પર મીંડું ના મૂકી દીધું હોત ? આજે મીંડાં ગણાય એટલા લેખો થયા છે એટલું તો કહી શકું. (મીંડાંની ગણત્રી કંઈ ગુણવત્તાની ખાતરી ના આપે.) ઓ કે...ઓ કે..મારે મારા લેખો વિશે કહેવાનું બંધ કરવું પડશે એવું લાગે છે. કોઈને ગમે તો ઘણાને ના પણ ગમે.

તો પછી, લેખોનો હિસાબ માંડવાને બદલે નવા વરસની ને ભવિષ્યની કોઈ યોજના કે કોઈ ઈચ્છાની વાત કરું. પહેલાં જ ચોખવટ કરી દઉં તો હું યોજના કે આયોજનમાં માનનારી નથી. મારી મરજી પ્રમાણે જીવનારી કે જીવવાની ઈચ્છા રાખનારી છું. યોજના શબ્દથી હું જોજનો દૂર રહું છું. એટલે તો કોઈ સરકારી યોજના પણ મને ચલિત કરી શકતી નથી. હા, ઈચ્છાનું પૂછો તો મારી એક નહીં એકસો ઈચ્છા છે. એક સ્ત્રી તરીકે કે એક ગૃહિણી તરીકેની મારી ઈચ્છા પર ચોકડી મૂકો. આજે મારે એક લેખક તરીકેની મારી ઈચ્છાની વાત કરવી છે. મારે ધાડ મારવી છે !

(ઓહો ! એકદમ જ કંઈ જોશ ચડી આવ્યું ને ? અચાનક જ શું થઈ ગયું ? શાંતિથી લખ્યા કર ને. ) કંઈ નહીં. નાનપણથી એક મહેણું હું સાંભળતી આવી છું કે, ‘એમાં તેં શું ધાડ મારી ?’ અરે ! જે કામ બીજાએ કર્યું હોય તે જ કામ કદાચ એનાથી પણ સારી રીતે મેં કર્યું હોય તો પણ જવાબમાં શું મળે ? ‘એમાં તેં શું ધાડ મારી ?’ પછી તો, જીવનમાં ધાડ મારવાના ઘણા પ્રસંગો આવ્યા ને મારી પણ ખરી તોય...? ખેર, જે કામ આટલાં વરસો ન કર્યું તે, સાહિત્યમાં ધાડ મારવાનું કામ મારે આ વરસે કરવું છે.

આ વરસે મારે પાંચ–સાત પુસ્તકો પ્રકાશિત કરાવવાં છે. (મારાં જ ને ? બીજાં કોના ? વચ્ચે કંઈ બોલો તે પહેલાં જ કહી દઉં.) બે–પાંચ એવૉર્ડ ઘરભેગા કરવા છે. (તે પણ મારા જ.) આઠ–દસ જગ્યાએ ભાષણો ઠોકવાં છે. (મારાં જ.) ને બસ બધે વાહ વાહ કરાવવી છે. હું પણ કંઈ કમ નથી તે બતાવવું છે. આ વરસે તો બસ, ધાડ મારવી જ છે. (ત્યારે એમ જ ધાડ મરાશે કે કંઈ કામ કરશો ? બોલો કે લખો એના કરતાં કરીને બતાવો ને ! તો જાણીએ ને કહીએ કે, ‘વાહ ! શું ધાડ મારી છે !)

*************************************************************************

કલ્પના દેસાઈ

kalpanadesai.in@gmail.com