Tamne Shu Chalshe? books and stories free download online pdf in Gujarati

તમને શું ચાલશે ?

આપણે જ્યારે કોઈને ત્યાં મળવા જઈએ ત્યારે આપણા બેસવાની જ રાહ જોતા હોય તેમ, ઊભેલા યજમાન તરત જ આપણને પૂછે, ‘તમને શું ચાલશે ?’ તે ઘડીએ કહેવાનું મન થઈ જાય કે, ‘ભઈ, તમે તો ભારે અધીરા. જરા બેસવા તો દો. એક તો તાપમાં તમારું ઘર શોધતાં દમ નીકળ્યો ને તેમાં તમે તો અમને વહેલા કાઢવાના હો એમ પૂછવા બેઠા કે ‘શું ચાલશે ?’ તમારે ત્યાં શું મળશે કે શું ધરવાના છો તે કહી દો, તો અમને પણ ઓર્ડર આપવાની સમજ પડે. હવે બહુ વખતે આવ્યા છીએ તો કંઈ એમ ને એમ થોડા જઈશું ? તમે નિરાંતે ચા–નાસ્તો કરાવો ને, કંઈ વાંધો નહીં. હા, પણ પહેલાં જરા ઠંડું પાણી પાવાનો વિવેક બતાવજો.’

રોજની બોલચાલમાં વપરાતું આ વાક્ય, ‘તમને શું ચાલશે ?’ બહુ મજાનું છે પણ ભાષાની દ્રષ્ટિએ જોવા જાઓ તો એમાં થોડી ગરબડ લાગે. સામાન્ય રીતે મહેમાનને તો બહુ જ કર્ણપ્રિય લાગતું ને જવાબમાં શું કહેવું તેની મીઠી મુંઝવણ ઊભી કરતું આ વાક્ય, એમ તો બહુ સાદું છે પણ બહુ ગુંચવણો ઊભી કરે એવું પણ છે. ‘શેનું શું ચાલશે ? ક્યાં શું ચાલશે ? ક્યારે શું ચાલશે ? કે..મ, શું ચાલશે એટલે ?’ એવું આપણે કંઈક વિચારવા માંડીએ, ત્યાં યજમાન સવાલને લંબાવે કે પછી ચોખવટ કરીને આપણા મનનો મેલ એટલે કે વહેમ દૂર કરવાનો પ્રયત્ન કરે. ફરીથી એ જ પ્રશ્ન દોહરાવીને એમાં ચોખવટ ઉમેરે કે, ‘શું લાવે, ચા–કૉફી–ઠંડું ? તમને જે ચાલતું હોય તે.’ (કે પછી, તમારા મનમાં જે ચાલતું હોય તે.) બે ઘડી તો આપણે પણ ભૂલી જઈએ કે, આપણને ખરેખર શું ચાલે છે ? ઘરે રોજ ચા પીવા મળે છે કે ચા જેવું કંઈક ? ને કૉફી પીધે તો દિવસો થઈ ગયા અને શરબત તો મહેમાનો માટે જ બને છે. તો પછી ? ચા ? ના ના કૉફી. જવા દો, હમણાં ગરમી બહુ છે. શરબત જ ચાલવા દો–એટલે કે, શરબત જ આવવા દો. જો આઈસક્રીમ લાવે તો તો જલસા જ છે પણ એ તો સારી ફ્લેવરનું હશે તો જલસા નહીં તો મોઢું બગાડવાનું થશે.

આ સવાલનો પહેલો અર્થ તો બહુ સામાન્ય જ નીકળે એટલે યજમાનને શું કે આપણને શું, પહેલાં તો ચાપાણી જ યાદ આવે. જોકે, આવા માથાભારે તાપમાં તો એમ જ કહેવાનું હોય કે, ‘અમને એસી ચાલશે. તમતમારે એસી ચાલુ કરી દો.’ પછી બીજો ઓર્ડર છોડવાનો હોય કે વિનંતી કરવાની હોય, ‘ચા–કૉફીવાળું માંડી વાળો, બહુ ભયંકર તાપ છે. રેલા રેલા નીકળી ગયા. જોકે, શરબતમાં તો મને મિલ્ક શેક જ ફાવે છે. એટલે હોય તો ઠીક નહીં તો બે એક કપ આઈસ્ક્રીમ જ ખવડાવી દો. જરા કોઠે ઠંડક પણ થઈ જાય. શું છે કે, આવા આકરા તાપમાં તો ઘરની બહાર કોઈએ નીકળવું જ ના જોઈએ.’ (તો તમે કેમ ગુડાણા ?) યજમાન આવું બધું ગળી જાય. પણ આપણે યજમાનને એમ થોડા છોડીએ ? એમના ઘરે ગયેલું વસૂલ કરીને જ નીકળવાનું હોય ને ?

‘તમને શું ચાલશે ?’ને મળતો આવતો બીજો સવાલ છે, ‘તમને શું ફાવશે ?’ એમ તો, આ જ બધા ચાપાણી ને શરબતના ઘસાયેલા ને ચવાયેલા સવાલ યજમાન પૂછવાના હોય, પણ જરા સ્ટાઈલમાં પૂછાય ! ‘તમને શું ફાવશે ?’ પણ આપણને એવી બધી સ્ટાઈલ ફાવે નહીં. જે પૂછવું હોય તે સીધું પૂછો ને કે, ‘બોલો, શું લેશો ?’ તેને બદલે, જેમ ફાવે તેમ બોલીને સાવ નાંખી દેવા જેવો સવાલ માથે મારે. ભાઈ, તમે આવી રીતે વાત કરો છો, તે જ અમને તો નથી ફાવતું બોલો કંઈ કહેવું છે ? જોકે, આપણે રહ્યાં સજ્જન એટલે ભલે ને મનમાં ગમે તેવું વિચારી પણ લઈએ તોય, મોંમાંથી તો આપણે કોઈ સંસ્કારી મહેમાનની જ છાપ પાડીએ ને ? એમ તો, અમને આ તમારા સોફામાં બેસતાં જરાય ફાવતું નથી. ભલા માણસ, આવા સોફા ઘરમાં રખાય ? એક વાર જેમાં બેઠા પછી હલાય નહીં કે જેમાંથી બહાર નીકળવા માટે ચાર જણની જરૂર પડે, એવા સોફા શું કામના ? સોફા તો આમ બેસતાંની સાથે ઊઠવાનું જ મન ન થાય ને જમ્યા પછી લંબાવી દેવાય એવા સોફા જોઈએ.

લો બોલો, ‘તમને શું ફાવશે ?’ આ સવાલમાં આપણે શું સમજવાનું ? આ લોકો આપણને ખાલી ચાપાણીમાં જ રવાના કરવાના છે ? કે પછી કંઈ નાસ્તાપાણી જેવું પણ હશે ? ને જો વધારે બેઠાં તો જમવાનું શું ? આ બધી ચોખવટ કરી લીધેલી સારી, નહીં તો બે–ત્રણ કલાક રાહ જોવામાં ને જોવામાં નકામા જ બગાડવાના થાય ને ? ધારો કે આપણે એમ કહીએ કે, ‘માફ કરજો, અમને અહીં બેસતાં નહીં ફાવે. અમને તો પલંગમાં આરામથી પગ લંબાવીને ટીવી જોતાં જોતાં જ ખાવાની ટેવ છે ને અમને તો એમ જ ફાવે’ તો ? શું બહુ સ્ટાઈલમાં પૂછવા આવેલા ને વાયડાઈ કરતા યજમાન એમ કહી શકશે કે, ‘હા હા, ચાલો ને આપણે મારા બેડરૂમમાં જઈએ. તમે ત્યાં તમને જેમ ફાવે તેમ આળોટો ને મન ફાવે તેમ કરો. ખાઓ, પીઓ ને જલસા કરો. આને તમારું જ ઘર સમજો.’

એટલે જ, મહેમાનોથી ચેતતા રહેવા માટે યજમાનોને ખાનગીમાં કેટલીક સલાહો આપી છે, કામ લાગે કે અસરકારક નીકળે તો ખુશ થજો ને સલાહોનો ફેલાવો કરતા રહેજો. વેકેશન ચાલુ થઈ ગયું છે. છૂટક છૂટક મહેમાનો તો આવતા જ રહેવાના. બહુ સારા યજમાન થવાના લોભમાં લૂલી પર કાબૂ રાખવા વિનંતી. સવાલો ને જવાબોની આ બધી મગજમારી થાય એના કરતાં આપણે અસલના સવાલો જ ચાલવા દેવા. ‘તમે શું પીશો ? ચા કે ઠંડું ?’ બહુ ખાતિરદારી કરવાના મોહમાં કે ઉત્સાહમાં આવીને ઢંગધડા વગરના સવાલો કરવા નહીં, કારણકે હવે તો લોકો જાતજાતની ચા ને કિસમ કિસમની કૉફી પીતાં થયાં છે. શરબતની તો દર ઉનાળે નવી રેન્જ બહાર પડે ને આઈસક્રીમ તો પાર્લર વગર ખવાય નહીં. વધારે પૂછવા જવામાં જમ ઘર ભાળી જશે તો શું કરશો ? તમને શું ફાવશે ? ને તમને શું ચાલશે ? જેવા સવાલોને ઓપ્શનમાં કાઢી નાંખવા નહીં તો રિઝલ્ટ બહુ થથરાવી દેનારું આવવાની સંભાવના છે. હવે એ જમાના ગયા કે, જ્યારે મહેમાન યજમાનને ખુશ રાખવાના પ્રયત્નો કરતા ને કહેતા કે, ‘અમને તો બધું ચાલશે ને બધું ફાવશે. તમારી મરજી જે હોય તે આપો.’

આજકાલના મહેમાનો તો પાછા બહુ ફોરવર્ડ હોવાના વહેમમાં રહેતા હોય એટલે રૂઆબ છાંટવા તમારી સાથે વાત કરવાને બદલે જો એક પછી એક મોબાઈલ કાઢતા જાય ને મોબાઈલ પર જ ચોંટેલા રહે, તો ત્યારે એમને કહેજો કે, ‘તમે આરામથી તમારી વાત પતાવો એટલે અમે જરા બૅંકનું ને બજારનું કામ પતાવી આવીએ. પછી કંઈ ચાપાણીની કે નાસ્તાની ઈચ્છા થાય તો કહેજો, આપણે સાથે કરશું.’ ને જો એમના ફોનની બૅટરી પતી જાય તો એમને ફોન ચાર્જ કરવાની સગવડ કરી આપવામાં કોઈ નુકસાન નથી. મહેમાન ખુશ થઈ જશે. એમને તમારી કે તમારા ચાનાસ્તાની એટલી નહીં પડી હોય જેટલી એમના મોબાઈલની ચિંતા હશે, સમજ્યા કે નહીં ?

કલ્પના દેસાઈ

kalpanadesai.in@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED