પુરુષોનો દિવસ Kalpana Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પુરુષોનો દિવસ

પુરુષોનો દિવસ

કલ્પના દેસાઈ

શું ખરેખર પુરુષોનો પણ દિવસ હોય છે ? કોઈ ખાસ દિવસ ? એ વળી ક્યારે હોય ? ને જો હોય તો મને કેમ ખબર નથી ? આ તો વળી, ૧૯મી નવેમ્બરે મારા પતિએ ઘરમાં બેઠા બેઠા મને મેસેજ મોકલ્યો કે, ‘આજે બધું મારું કહેલું થશે. જરા પણ વિરોધનો સૂર કે કોઈ અવાજ નહીં જોઈએ ’ (મને બોલાવીને કે ખખડાવીને કેમ ન કહ્યું ? પુરુષદિનનો પ્રભાવ ?) ત્યારે ખબર પડી કે, એમનો દિવસ પણ આવ્યો છે ! વિશ્વભરમાં ‘વિશ્વ પુરુષ દિન’ પણ ઉજવાય છે ! માળું આપણે સૌ તો મહિલા મહિલા કરતાં વર્ષોથી મહિલાઓની પાછળ પડેલાં, મહિલા દિન ઉજવવા ને પુરુષોને કોઈ પણ હિસાબે નીચું બતાવવા, તે ભૂલી જ ગયેલાં કે ભઈ, આ ભઈઓનો પણ કોઈ દિવસ હોઈ શકે ! ખેર, હવે ખબર પડી જ છે તો આવતે વરસથી નક્કી. વરસમાં એક દિવસ એ લોકોના નામે ચડાવીને એ લોકોના નામ પર કુરબાન કરી દેવાનો. (દિવસ જ કુરબાન કરવાનો છે ને ?)

હું એ મતની નથી કે, ફક્ત મહિલાઓનું જ ભલું ઈચ્છું. એ તો સરાસર અન્યાય કહેવાય કે, મહિલા હોવાથી મારે મહિલાઓની તરફેણમાં જ બોલવું–લખવું કે વિચારવું ! ના, બિલકુલ નહીં. ન્યાય કરવો તો બન્ને પક્ષે સરખો કરવો નહીં તો કાજી બનવું નહીં. પુરુષો ફક્ત પુરુષોનું જ વિચારે તો કોઈ ચલાવી લે છે ? પુરુષો તરફથી સ્ત્રીઓને સન્માન જોઈએ છે, બધે પોતાને જ પહેલાં બધું મળે એવી આશા રખાય છે અને જરાતરા ગરબડ થાય તો રણચંડીનું રૂપ ધરતાં મહિલાઓને જરાય વાર નથી લાગતી. કેમ આ બધો ભેદભાવ?

મારા પતિ અને બે દીકરા સાથે ઘણી વાર મારે બહાર જવાનું થાય તો એ લોકો મોટે ભાગે બજારની ભીડમાં મારી સાથે આવવાનું ટાળે. ધારો કે સાથે આવે તો પણ ડરી ડરીને બધે જોતાં જોતાં ચાલે. મને તો પછીથી ખબર પડેલી કે, કોઈ સ્ત્રીને હાથ ન લાગી જાય કે કોઈ સ્ત્રીની વસ્તુ, થેલી કે બાળક સુધ્ધાંને પણ હાથ ન લાગી જાય તેની સતત તકેદારી રાખીને ચાલવું એ લોકોને માટે મોટો માથાનો દુખાવો બની રહેતો. કોઈ વાર ભૂલમાં લાગી ગયેલા ધક્કાનો કે હાથનો એમને કેવો બદલો મળેલો ? કોઈએ મને સાથે જોઈને એમની સામે ફક્ત ડોળા કાઢેલા, કોઈએ ‘કાકા/ દીકરા શરમાઓ જરા. તમારી દીકરી/મા જેવી છું’ કહેલું ને કોઈએ પોલીસની ધમકી પણ આપેલી ! વગર કારણે ફક્ત આદતવશ બોલાતા આવા વાક્યોની અસરમાં આવીને મારા પતિ અને દીકરાઓ બહુ દિવસો સુધી ધુંધવાતા ફરેલા. મને ધમકી પણ મળેલી, ‘જોજે, ખબરદાર જો કોઈ શરીફ માણસને ક્યારેય પણ આવું કંઈ બોલી છે તો. તમારે મન બધા જ મવાલી ? તમારા ધક્કા લાગે કે હાથ લાગી જાય તો કોઈ તમને કંઈ કહેવા આવે છે ? ત્યારે તો સૉરી કહીને, મોં વાંકું કરીને ચાલવા માંડો એટલે જાણે બધું પતી ગયું કેમ ? વાંક તમારો ને મોં પણ પાછું તમે જ વાંકું કરો ! શૉપિંગના ગાંડપણમાં કે રસ્તામાં કોઈ બહેનપણી મળી જવાના જોશમાં ક્યારેય આજુબાજુનું ધ્યાન રાખો છો ? અડફટમાં જે ચડી ગયો તે ગયો જ સમજ્યો ને તોય સૉરી સિવાય કંઈ નહીં ! કેમ એમ ? કારણકે સ્ત્રી છો ? પુરુષ સમોવડી બનવું છે ? બનીને શું કરવું છે ? ખોટી ખોટી બધી ધમાલ કરવી છોડીને બધાને સરખાં ગણીને રહો ને કે વાત પતે. અમસ્તાં અમસ્તાં મહિલા મહિલા કરીને ગજાવી મારો ને હતાં ત્યાં ને ત્યાં. ન પોતે ચેનથી રહો ને ન બીજાને રહેવા દો.’

ઓહો ! જરા વધારે પડતો પુરુષોનો પક્ષ લેવાઈ ગયો નહીં ? કોઈ મહિલા વાંચશે તો મારે માથે સાવરણો ફટકારશે. મહિલાએ પણ મહિલાથી બીવું પડે ! ખેર, આ તો પુરુષદિન વિશે જાણ્યું તો આટલું યાદ આવ્યું બાકી તો મારે કોઈનો પક્ષ લેવાનું શું કામ ? મહિલાઓ જ્યાં ને ત્યાં સભાઓ ભરે ને મોરચાઓ કાઢે ને આગઝરતાં કે છોડાં ફાડતાં ભાષણો ઠોકે બાકી પુરુષોમાં તો એટલી હિંમતે નથી કે, સ્ત્રીઓની વિરુધ્ધમાં ઝંડા લઈને મુર્દાબાદ મુર્દાબાદ કરતા બધે ફરતા ફરે. બહુ બહુ તો ખાનગીમાં કોઈ હૉલમાં મિટિંગ રાખીને સમદુખિયાઓ દિલના ઉભરા કાઢી લે. મિત્રોમાં બધે બબડાટ કરી લે કે ચાન્સ મળે તો ઘરમાં થોડો ઘણો ફફડાટ કરી લે. બાકી એમને કશે બોલવાના મોકા પણ ક્યાં મળે છે ? કંઈ બોલ્યા તો એમના પર કેટલાય આરોપો ને પ્રતિઆરોપો લાગી જાય. બિચારા પુરુષો ! જાય તો પણ ક્યાં જાય ? હવાની દિવાલોને પણ મોટા મોટા કાન ! કશે બોલે તો પણ ફફડી ફફડીને બોલવાનું. કંઈ જિંદગી છે ? ને દુનિયામાં ખોટો ભ્રમ પેદા કરાયો છે કે, સ્ત્રીની જિંદગી નરક જેવી છે, દોહ્યલી છે !

જાહેરમાં ક્યારેય જોયું કે, કોઈ સ્ત્રીએ લાઈનમાં પુરુષને આગળ જવા દીધો હોય ? કોઈ પુરુષને ભારે સામાન ઊંચકેલો જોઈને મદદ માટે હાથ લંબાવ્યો હોય ? મદદ કરીય હશે તો કોઈ બિચારા ઘરડા બિમાર વૃધ્ધને કરી હશે. કેમ ? શું બીજા પુરુષો પણ બસમાં ઊભા રહીને ના થાકે ? લાઈનમાં એમને આગળ જવાનો હક નથી ? એમ બધે સમાન હક જોઈએ પણ જ્યાં લાઈનમાં ઊભા રહેવાનું આવ્યું કે ટિકિટ કઢાવવાની આવી તો તરત જ થાકી જાય ! એ કામ ઘરના પુરુષને સોંપી દેવાનું અથવા એવા સમયે નરમાશથી બીજા પુરુષોને આજીજી કરીને વહેલી ટિકિટ કઢાવ્યાનો વટ મારવાનો ! વાત તો ખરી છે કે સ્ત્રીઓને કોઈ સમજી નથી શક્યું, સ્ત્રી પણ નહીં. પુરુષો ઘણી વાર ભોળા ને ઘણી વાર ભોટ સાબિત થાય તોય ચલાવ્યે રાખે કારણકે બહાર સ્ત્રી–દાક્ષિણ્ય બતાવે અને ઘરમાં શાંતિ ઈચ્છે.

હવે તો જમાનોય કેટલો બદલાયો છે ! પુરુષો શાક લેવા જાય, પુરુષો બાળકને રમાડે, બાળક રડતું હોય તો છાનું રાખે, બાળક કપડાં બગાડે તો એનાં કપડાંય બદલી કાઢે–બબડ્યા વગર ને હસતા હસતા ! રસોડામાંય મદદ કરવા તત્પર ! કામવાળી ન આવે તો બધું જેવુંતેવું કામ કે જેવુંતેવું ખાવાનુંય ચલાવી લે, ઘરનાં હુકમ કરે ત્યારે બહાર જમવા કે ફિલ્મ જોવાય લઈ જાય ને પોતાના આરામની કે તબિયતની પરવા કર્યા વગર ને ચૂં કે ચાં કર્યા વગર પત્ની ને બાળકોને સતત ખુશ રાખવાની કોશિશો ચાલુ રાખે ! ને તોય ? જો એવું સાંભળવા મળે કે, ‘તમને તો અમારી જરાય કદર નથી.’ કે પછી, ‘તમને બધું તૈયાર મળે છે, તો એમ થાય કે ચાલો કોઈ વાર ઘરમાં જરાક મદદ પણ કરીએ ?’ તો કેવું થાય ? દિલ તૂટી જાય કે નહીં ? પણ અમસ્તા જ પુરુષોને સખત દિલના કહ્યા છે ? બધી મુસીબતો વેઠીને પણ ઘરનાંને ખુશ રાખતાં એમને સારી રીતે આવડે છે.

એમ તો, મહિલાદિનની જેમ પુરુષદિન વિશે પણ ઘણું લખી શકાય પણ થોડામાં ઘણું સમજવાવાળા બધું જ સમજી ગયા હશે એટલે આટલે જ અટકું. ચાલો, બહુ વખતે મનને થોડો આનંદ ને થોડો સંતોષ થયો કે, મેં સચ્ચાઈનો સાથ લીધો. આપણે તો ભાઈ બધાં સરખાં હેં ને ? તમારું શું કહેવું છે ?

**************************************************************************

કલ્પના દેસાઈ

kalpanadesai.in@gmail.com