આ દુનિયામાં ફક્ત બે જ પ્રકારના લોકો રહે છે. નવરા અને કામગરા. નવરા લોકોમાં પાછા બે જાતના લોકો આવે, પુરુષ જાત અને બાળક જાત.(બાળક પણ સ્ત્રી કે પુરુષ જાતમાં આવી શકે પણ આપણે વાત નવરા લોકોની જાતની કરવાની છે, એટલે બાળક જાત.) હં...તો, કામગરા લોકોમાં ફક્ત ને ફક્ત સ્ત્રી જાતના લોકો એટલે કે, ફક્ત સ્ત્રીઓ જ આવે. જોતાં નથી? આખી દુનિયામાં જ્યાં જુઓ ત્યાં, આજકાલ સ્ત્રીઓની જ બોલબાલા છે. સ્ત્રીઓ જ બધા ક્ષેત્રોમાં આગળ છે અને સ્ત્રીઓ જ બધે, બધાંને પહોંચી વળે છે. જેટલું કે જેટલાં કામ સ્ત્રીઓ કરે છે એમાંથી અડધા શું પા ભાગનું કામ પણ પેલી નવરા જાતનાં લોકો કરતાં નથી! સ્ત્રીઓ આખા દિવસમાં, ઊઠે ત્યારથી રાતે સૂએ ત્યાં સુધી કેટલાં કામ કરે છે તેનું આખું લિસ્ટ વર્ષોથી બહાર પડ્યે રાખે છે, તોય પેલા નવરા લોકોને એની કદર નથી. સ્ત્રીના કામને એ લોકો ગણત્રીમાં લેતાં જ નથી.
તેથી જ, સ્ત્રી પોતાની મશ્કરીના ભોગે પણ સવારથી ઘરનાં નવરા લોકોને હાંકવા માંડે. તાલસે કદમ તાલસે શુરુ....એક...એક....
‘ચાલો ભાઈ ઊઠો....સાત વાગી ગયા.’
‘હા ભઈ, ઊઠે છે. હજી તો સાત જ વાગ્યા છે.’
‘ભલે સાત વાગ્યા પણ મેં ચા મૂકી દીધી છે તે પી લો એટલે એક કામ પતે. પછી ભલે પાછા થોડી વાર ઊંઘી જજો.’
આ ચા પીવાનો આગ્રહ, ઘરના બધા સભ્યોને આ રીતે જ કરાય. ‘ચાલો ભાઈ ચાલો, બધાં ચા પી લો એટલે એક કામ પતે.’
ઘરનાં બધાં સભ્યો ઊઠીને ચા પી લે તો એ લોકોનું ચા પીવાનું કામ પતેલું કહેવાય તેમાં પેલી ઘરની કામગરી સ્ત્રી કેમ બૂમો પાડે કે, ‘એક કામ પતે.’(!) કદાચ એવું કારણ જ હશે (મારા અનુભવથી) કે, ચા ઘડી ઘડી ગરમ ન કરવી પડે, વારાફરતી બધાને અટેન્ડ ન કરવા પડે અને મુખ્ય ટેન્શન તે, આણે ચા પીધી કે? પેલાએ પીધી કે? કોણ બાકી છે? કોણ બાકી હશે? એજ....એજ કારણ. બીજું કંઈ નહીં. બાકી ચા પીવાથી એક કામ પતે એવું સાંભળીએ તો કંઈ સમજ પડે? નહીં જ વળી.
ચા પીવાનો કાર્યક્રમ પતે એટલે નાહવાધોવાનો કાર્યક્રમ શરુ કરવાની બૂમો શરુ થાય.
‘ચાલો તો, બેસી ના રહો. નાહવા જતા થાઓ એટલે એક કામ પતે.’(!) કોઈ નાહવા જવા માંડે એટલે કોનું કામ પતે?
‘અરે ભાઈ, વાતો પછી કરજો. મહેરબાની કરીને નાહી લો એટલે એક કામ પતે.’ નાહી લે કોઈ પણ, એટલે ઘરની કામગરી સ્ત્રીને મોટામાં મોટી શાંતિ! તેમાં જો કોઈ વહેલું–મોડું કરે કે નાહવા જવાની આળસ કરે તો પ્રવચન થોડું લાંબું ચાલે.
‘બેન, નાહી લે. ટીવી પછી જોયા કરજે. મારે પેલી માતાજી આવી જશે તો કપડાંનું મોડું થશે. જા ને બેન, નાહી લે ને. એક કામ પતે.’
હવે રાઝ ખૂલ્યો. માતાજી ઉર્ફે કામવાળી આવી જશે ને કોઈ નાહવા ગયું હશે અને બાથરુમ બંધ હશે તો પાછું મોડું થશે, તો પાછી તે ફફડશે.(ફફડશે એટલે કે, કામવાળી બબડશે અને ગૃહિણી ગભરાશે.) એટલે નાહવાવાળા સદસ્યોનું જો નાહવાનું કામ પતે તો, એક મોટું કામ પતે. કઈ રીતે? તો....કામગરી ગૃહિણી કપડાં પલાળવાનું એક કામ પતાવીને નિરાંત અનુભવે, ‘હાશ, હવે પેલી આવે તોય વાંધો નહીં. કપડાં વહેલાં ધોવાઈ જાય અને વહેલાં સૂકવાઈ જાય તો એક કામ પતે. પછી આ વરસાદના દા’ડામાં પાછા કપડાં સૂકાય નહીં ને માથાકૂટ.’ ગૃહિણી કેટલું દૂરનું વિચારે છે!
ઘરમાં આ કામગરી સ્ત્રી માટે જો કોઈ મોટામાં મોટો માથાનો દુખાવો હોય, તો તે છે બધાંને જમાડવાનો કાર્યક્રમ. એક સાથે જ બધાં જમવા બેસી જાય અને તે પણ એક જ બૂમે તે જમાના તો ક્યારનાય ગયા. હવે તો કામગરીની બૂમોના જમાના આવ્યા.
‘ચાલો જમવા......’ પહેલી બૂમ.
‘અરે ભાઈ, ચાલો બધાં જમવા.......’ બીજી વિનંતી.
‘એ ભાઈ, ચાલો ને જમવા. કેટલી બૂમ પાડવાની? મારે આખો દિવસ આ જ કામ કરવાનું કે? જમીને પછી કર્યા કરજો તમારાં કામ.’
આખો દિવસ કરવાનાં કામોમાં હાલતાં ને ચાલતાં આ બૂમ–ગીત કે બૂમ–પ્રવચનનો કાર્યક્રમ તો ચાલુ જ હોય. કોઈ સ્ત્રી બીજી, ત્રીજી કે ચોથી બૂમે પણ પહેલી બૂમ જેટલી જ શાંતિ જાળવી શકતી નથી. કારણ? તો ભઈ, એને એક પછી એક કેટલાં કામ પતાવવાનાં હોય, તમને શું ખબર? તમારે તો આરામથી બેસી રહેવું છે. જો બધાંને જમાડવાનું એક મોટું કામ પતે તો પછી કામવાળી આવે ત્યારે વાસણ તૈયાર હોય અને વાસણ તૈયાર હોય એટલે કામવાળી કોઈ સવાલ વગર ચૂપચાપ એનું કામ પતાવી ચાલતી થાય. આમ એક પછી એક કામ પતતાં જાય એટલે આપણને એમ કે, પેલી કામગરીને હવે નિરાંત. પણ, એના નસીબમાં એક પછી એક કામ એની રાહમાં બેઠાં જ હોય.
જમીને ઘડીક બધાં બેસે, ગપે કે ઝોકે ચડે ત્યાં વરસાદનું ઝાપટું પેલી કામગરી માટે એક કામ વધારી દે. બીજા બધાને થોડી કામની પડેલી હોય? એ તો લઈ લેશે ‘પેલી.’ વળી કપડાંને ઘરમાં ગોઠવવાની વ્યવસ્થા કરવાની! હા..શ, એક કામ પત્યું. ત્યાં તડકો નીકળ્યો! ‘હે ભગવાન! લાવ ભાઈ, કપડાં પાછાં બહાર સૂકવી જ દઉં. વહેલા સૂકાઈ જાય તો...? ‘એક કામ પતે.’
પછી તો, બપોરની ચા ને નાસ્તો, અવરજવર, બજારનું કામ, પોતાનું કામ, બીજાનું કામ ને બસ કામ કામ ને કામ. છે એને ઘડીનીય ફુરસદ? પછી એ એની ગણત્રી પ્રમાણે બોલતી જ જાય ને કે, ‘એક કામ પતે.’ તમારે ત્યાં કે સૌને ત્યાં આ રોજનું જ હશે પણ એમાં ધ્યાન આપજો કે, ફક્ત બે જ કામમાં એ બૂમો નહીં પાડે અને એનો તકિયાકલામ નહીં વાપરે કે, ‘ચાલો ભાઈ.....આમ કરી લો ને કે એક કામ પતે.’ એક તો ટીવી જોવાનું અને બીજું ઊંઘી જવાનું!
‘ચાલો બધા ટીવી જોવા બેસી જાઓ તો. એક કામ પતે.’
‘ચાલો બધા ઊંઘી જાઓ તો. એક કામ પતે.’
એ નહીં બોલે કારણકે, આ બે કામમાં એના ભાગે કશું કામ આવતું નથી કે નથી કોઈ જવાબદારી કે ટેન્શનનો માથે ભાર. કદાચ આ કામમાં એને પણ શાંતિ મળતી હશે.
એક પ્રસંગ ટાંકી દઉં એટલે મારે પણ એક કામ પતે! એક સાંજે એક સંબંધીને ત્યાં અમે મળવા ગયાં.(એક કામ પતે, એવું ઘણા દિવસથી વિચારતાં જ હતાં.) એમને ત્યાં એ સમયે પેલાં કામગરાં બહેન બહુ કામમાં હતાં–સ્વાભાવિક છે. થોડી વારમાં જ પાણી પછી નાસ્તો અને પછી ચા પણ આવી ગઈ! હું જરા રસોડાની નજીક જ બેઠેલી (અજાણતાં જ), એટલે છૂટક વાતો કાને પડ્યા કરતી. એમાં છેલ્લી ચાની ટ્રે બહાર આવી ત્યારે સંભળાયું, ‘લે આ ચા બહાર આપી આવ એટલે એક કામ પતે. મારે હજી રસોઈ બાકી જ છે.’ સાંભળીને મને અફસોસ થયો, અરરર! એક સ્ત્રી થઈને મેં બીજી સ્ત્રીનો સમય નહીં સાચવ્યો? ખેર, હવે જતાં થઈએ તો એનાં એક નહીં બધાં જ કામ પતે. અમે ઊભા થયાં અને જતાં જતાં આવજો કરતાં મારાથી બોલાઈ ગયું, ‘ચાલો જઈએ ત્યારે, એક કામ પતે.’
કલ્પના દેસાઈ
kalpanadesai.in@gmail.com
*******************************
કલ્પના દેસાઈ
ગુલમહોર
ઉચ્છલ (૩૯૪૩૭૫)
જિ: તાપી
ફોન નં: ૨૬૨૮–૨૩૧૧૨૩
મો.નં: ૯૯૦૯૪૨૮૧૯૯
પરિચય:
‘લોકસત્તા’(અમદાવાદ)–દર ગુરુવારે ‘લપ્પન છપ્પન’ નામે કૉલમ
‘ગુજરાતમિત્ર–સન્નારી’(સુરત)–દર શનિવારે ‘જિદગી તડકા મારકે’ કૉલમ
‘ગૂર્જર’ પ્રકાશન(અમદાવાદ) દ્વારા ત્રણ પુસ્તકો–‘લપ્પન છપ્પન’, ‘ચાલતાં ચાલતાં સિંગાપોર’ અને ‘Punch ત્યાં પરમેશ્વર’
‘સાહિત્ય સંગમ’ સુરત દ્વારા ‘હાસ્યાત્ સદા મંગલમ્’
બૅંગકૉકના પ્રવાસનું પુસ્તક તૈયાર થાય છે.
‘ચાલતાં ચાલતાં સિંગાપોર’ને સાહિત્ય પરિષદ દ્વારા ‘જ્યોતિન્દ્ર દવે’ પારિતોષિક.
જાણીતાં ગુજરાતી સામયિકોમાં અવારનવાર લેખો પ્રસિધ્ધ થાય છે.