Lappan Chhappan Kalpana Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

Lappan Chhappan

લપ્પન-છપ્પન

કલ્પના દેસાઈ

kalpanadesai.in@gmail.com



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમ

૧.એક બેબી વાદળનું આગમન

૨.ભગવાનની મરજી ચાલે છે ?

૩.મારી સંપેતરા કહાણી

૪.વેકેશનમાં કરવા જેવું કામ

૫.હું ગધેડો છું

૬.એક માછલીની વાત

૧. એક બેબી વાદળનું આગમન

કૅલેન્ડરમાં મે મહિનાનું પાનું ફરફરવા માંડતાં જ, અખિલ બ્રહ્માંડ પાણી પુરવઠા યોજનાના પ્રમુખે વાદળોની એક તાકીદની મીટિંગ બોલાવી. બધાં વાદળો ચેઈન્જ મળશે એ આશાએ બૈરીપોઈરાંને લઈને નીકળી પડયાં. પ્રમુખે તો વાદળોની એક ખાસ ટુકડીને મેના અંત સુધીમાં સજ્જ થવા જણાવી દીધું. ભારત દેશમાં ચાર મહિના મુકામ કરવાનો હોવાથી, ટુકડીને બૅગ-બિસ્તરા પૅક કરવા વહેલી રવાના કરવામાં આવી. ભારત દેશના લોકોએ ઊંંચે વાદળોની અવરજવરને સહર્ષ નિહાળી આનંદ વ્યક્ત કર્યો. આ વર્ષે ચોમાસું વહેલું આવવાનું.

એક તોફાની બેબી વાદળ ઘડી-ઘડી મમ્મી-પપ્પાની આંગળી છોડાવી દોડમદોડ કરતું હતું. પપ્પા વાદળને ગુસ્સો આવી ગયો. ‘નીચે પડી જશે તો અમારામાંથી હમણાં તને કોઈ નીચે લેવા પણ નહીં આવે. સીધેસીધું અમારી સાથે ચાલતું રહે.’ પણ બેબી વાદળ તો જીદે ચડયું. બાળહઠ ! નાછૂટકે એકના એક બેબીની જીદ પૂરી કરવા મમ્મી-પપ્પાએ એની આંગળી છોડી દીધી. સાથે ચેતવણી પણ આપી, ‘એવા માણસની આંખ પાછળ જતું રહેજે, જેની આંખમાં કોઈ દિવસ વાદળે તોરણ ન બાંધ્યાં હોય.’ ને બેબી વાદળ તો ગડબડ ગડબડ ગબડતું ગબડતું મોજથી નીચે આવતું રહ્યું.

બેબી વાદળના પપ્પાએ એને એડ્રેસ તો આપેલું પણ કોઈ જગ્યાએ એને ચશ્માંએ અટકાવ્યું તો કોઈ જગ્યાએ કૉન્ટેક્ટ લેન્સ નડી ગયાં, એટલે સાદીસીધી કોરી આંખ શોધતાં એને બહુ વાર લાગી. એક ઘરની બહાર એક માણસપપ્પા ઊંભેલા જોયા ને બેબી વાદળ તો એમની આંખમાં કૂદીને છુપાઈ ગયું. માણસપપ્પાને અચાનક જ આંખમાં કંઈ ઝાંખું ઝાંખું લાગ્યું ને પછી ડબક ડબક થયું પણ એમને સમજ ન પડી, (પહેલી વાર જ થયું હતું ને !) એટલે એ તો ઘરમાં જતા રહ્યા. ઘરમાં તો ટીવીની સામે બેસીને મમ્મી ને દીકરી ડબક ડબક બોરાં પાડતાં હતાં. ત્યાં સાથે પપ્પા પણ ભળી ગયા ને ત્રણેય જણ ડબક ડબક, બોર બોર આંસુએ રોયાં ! બેબી વાદળને તો ઘડી ઘડી આંખની બહાર ડોકાવાની મજા પડી ગઈ. ટીવી જોવાનું મળે ને રોજ રાત્રે ભરપૂર આરામ મળે. દિવસના પણ ખાસ કંઈ કામ નહીં. જ્યારે ટીવી ચાલે ને જાતજાતની સિરિયલો આવે ત્યારે મા-દીકરીની આંખો ઝગારા મારવા માંડે કે વાદળે પપ્પાની આંખની બહાર આવી દોડમદોડ કરવા માંડવાની.

જોકે પપ્પાની આંખમાં વાદળ આવવાથી મમ્મી અને દીકરીને તો મજા પડી ગઈ. જેવા પપ્પા ડબક ડબક ચાલુ કરે કે મા-દીકરી મરક મરક ને પછી ખડખડ ખડખડ ખડખડ ખડખડ. તેમ તેમ પપ્પા ડબક ડબક ! સિરિયલમાં સાસુ વહુને ચીમટો ભરે કે પછી વહુ સાસુની સામે એલફેલ બોલે કે પપ્પાની આંખો વરસી પડે. બેબી વાદળના રહેવાથી પપ્પાનું દિલ પણ નાજુક થઈ ગયું, બીકણ બની ગયું. હૉરર શૉ જોતી વખતે તો પપ્પા સોફામાં પગ ઊંંચા લઈ લે, બંને કાન પર અંગૂઠા દાબી દે અને આંગળીઓના પડદાની આડશે ટીવી જુએ. ટીવી પર બિલાડી કે મીણબત્તી દેખાય ને પપ્પાના હ્ય્દયના ધબકારા વધી જાય. મમ્મી ને દીકરી મળી પપ્પાને ચીડવે તો પપ્પા રિસાઈને આંખમાં વાદળને ઊંંચકી ચાલતી પકડે. સીધા જ બેડરૂમમાં જી પલંગમાં પડતું મૂકે ને વાદળ તો તકિયાનું કવર ભીંજવી કાઢે.

મા-દીકરીને તો જાણે સોનાનો સુરજ ઊંગ્યો ! પપ્પાને અચાનક જ આ શું થઈ ગયું ? આમ કેમ કરે છે ? બિચારાની હાલત તો જુઓ. આખી બાજી પલટાઈને એમના હાથમાં આવી ગઈ હતી, આવો ચાન્સ છોડાય ? તોય ગભરાતાં ગભરાતાં શરૂઆતના દિવસોમાં, આદત મુજબ મમ્મી ને દીકરીએ ડબકવાળી કરીને પપ્પા પાસે પૈસા કઢાવવાની જૂની ટ્રિક વાપરેલી પણ ઊંલટાનું સામે પક્ષે પપ્પા તો બેબી વાદળના સહારે પોસપોસ આંસુએ રોવા માંડયા ને મા-દીકરી હતપ્રભ !

હવે બંને જોગણીઓએ ડબકવેડાં છોડી અવાજમાં જરા જરા કરડાકી લાવવા માંડી. બે વાર ઊંંચે સાદે બોલે કે, પપ્પાને લાગે ખોટું ને બેબી વાદળ તો ટાંપીને જ બેઠું હોય. આંખની બહાર કૂદમકૂદ કરીને ગાલ પર સીધી લસરપટી જ ખાઈ લેવાની. પપ્પાની આંખો તો, આંખમાં કંકુના સૂરજ આથમ્યા હોય એવી લાલમલાલ !

જૂનના પહેલા વીકમાં જ, વાદળનાં મમ્મી-પપ્પા ત્રણચાર મહિનાની તૈયારી સાથે ભારતમાં ઊંતરી પડયાં. આખા ભારતમાં ફરી વળ્યાં, ત્રણ મહિના પૂરા થયા- સપ્ટેમ્બર અડધે પહોંચ્યો તોય એમનું બેબી વાદળ કશે નજરે ન ચડયું. અણસાર સુધ્ધાં નહીં ને ! આખરે થાકી-હારીને એક બગીચામાં એ લોકો પોતાનાં કપડાં નિચોવીને બાંકડે બેઠાં હતાં કે, બાજુને બાંકડે એક પુરૂષને ડબક ડબક રડતો જોયો. નજીક ગયાં તો પેલા દુઃખી જીવની આંખમાં એમનું તોફાની બેબી મસ્તી કરતું દેખાયું. બંનેએ એને બહુ બોલાવ્યું, વહાલથી ને ધમકાવીને પણ. પણ એ તો આંખને ખૂણે લપાઈને બેસી ગયું. બંનેને નવાઈ લાગી. લોકો તો વાદળ ઉપર સવાર થઈને આકાશમાં ફરવાનાં સપનાં જુએ અને આ અમારૂં બેટું ! એક જ જગ્યાએ બોર નથી થતું ? બેબીએ તો કહી દીધું, ‘મને ટીવી જોવાની બહુ મજા આવે છે. હું ગમે ત્યારે અંદર-બહાર આવું જાઉં, નાચું-કૂદું મને કોઈ રોકટોક નથી. મારે નથી આવવું. ’

પણ એ તો મમ્મી-પપ્પાનું એકનું એક બેબી ! એ લોકો તો જબરદસ્તીથી બેબી વાદળને ઊંંચકીને લઈ ગયાં, ‘આવતે વર્ષે પાછું આવજે બસ ?’ ‘પણ મારી બધી સિરિયલ અડધી રહી જશે.’ ‘ના-ના. આવતા વર્ષે તો હજી તારે વધારે કામ કરવું પડશે. તું અમારી જેમ મોટું પણ થશે ને ઘરડું પણ થશે ને, તો પણ આ બધી સિરિયલો તો ચાલુ જ રહેવાની. એટલે બહુ અફસોસ કરવા જેવો નથી. ’ બેબી વાદળ તો માની ગયું ને હરખાતું હરખાતું પપ્પાને ખભે ચડી, પપ્પાના વાળ પકડી ખેંચવા માંડયું.

બેબી વાદળની વિદાય થતાં જ, અચાનક જ પપ્પાની કોરીધાકોર આંખોમાંથી કંકુ ખરી ગયું ને સૂરજની રોશની પ્રગટી. મગજ ફાટફાટ થવા માંડયું, કમર ટટાર ને પગમાં જોર ! ઘર તરફ એક વાવાઝોડું ધસી રહ્યું હતું ! મા-દીકરી હવે દર વર્ષે બેબી વાદળની રાહ જોશે.

૨. ભગવાનની મરજી ચાલે છે ?

સ્વર્ગમાં બેઠાં બેઠાં બહુ વખતથી ભગવાનને એક વિચાર સતાવતો હતો. ક્યાંક દુનિયાના લોકો મને ભૂલી તો નથી ગયાં ને ? વાતે વાતે મારૂં નામ લઈને રડી પડતાં કે હરખાઈને મારા નામને વટાવી ખાતાં લોકો ક્યાં જતાં રહ્યાં ? આજકાલ તો ગણ્‌યાગાંઠ્‌યા લોકો જ મને યાદ કરે છે ! જરા જોઉં તો ખરો, આખિર માજરા ક્યા હૈ ? ભગવાને તો ભંડકિયામાં બહુ વખતથી પડી રહેલું ને ભુલાવાની અણી પર આવી ચૂકેલું મહાશક્તિશાળી દૂરબીન કાઢ્‌યું ને ફેરવ્યું પૃથ્વી તરફ. (ભગવાનને ત્યાં પણ ભંડકિયું ? ભઈ, કચરો ભેગો કરવાની ટેવ તો ભગવાનનેય હોય ને ? સંઘરેલો સાપ તો એમને પણ કામ આવતો જ હશે ને ?) ભગવાન પણ અચંબામાં પડી જાય એવાં દ્રશ્યોથી પૃથ્વીવાસીઓ તો હવે ખાસ્સાં ટેવાઈ ગયેલાં.

દૂરબીનમાં સૌથી પહેલાં ઝડપાયું એક મૅટર્ન્િાટી હોમ. એક સગર્ભા સ્ત્રી એના પતિ ને સાસુ સાથે ડૉક્ટરની રાહ જોતી બેઠેલી. એમની વાતો પર ભગવાને કાન માંડયા. (આને પંચાત ન કહેવાય.)

‘જો સોનોગ્રાફીમાં દીકરો આવે તો હા નહીં તો ના, સમજી ?’ સાસુ ને પતિનો એક જ દમદાર અવાજ નીકળ્યો.

‘પણ મમ્મી, તમે તો કહેતાં’તાં ને કે જે આવે તે ભગવાનની મરજી. ને હવે ?’

‘અરે, ભગવાનની મરજી-બરજી કંઈ નહીં. મમ્મી કહે તે ફાઈનલ. મારી પણ એ જ મરજી સમજી લેજે.’ સ્ત્રીએ તો આને પણ ભગવાનની મરજી જ ગણવી પડે ને ?

આ હા ને નાનું ચક્કર ભગવાનના મગજમાં ઊંતરતાં થોડી વાર લાગી પણ જેવું ઊંતર્યું કે, ભગવાનનું દૂરબીન ધ્રૂજી ગયું. આ લોકોએ તો જનમ આપવાનો મારો હક પણ છીનવી લીધો ? મારાં બનાવેલાં મુજને બનાવવા માંડયાં ? અરેરે ! મારૂં ગાડું કેમ ચાલશે ? હવે પછી મને કોણ ગણશે ? ભગવાનથી તો હે ભગવા...ન પણ ન બોલાય ! ભગવાન નર્વસ થઈ ગયા. એમણે તો દૂરબીન, ‘અમે બે ને અમારૂં એક’માં માનતા સુખી પરિવાર પર ગોઠવ્યું. અહીં તો ભગવાને પણ કાન તો માંડવા જ પડે.

‘આપણા સ્વીટુને આ વરસે પ્લે સ્કૂલમાં મૂકી દઈશું.’

‘ના, ના. આ વરસે નહીં, આવતે વરસે. હજી તો દોઢ વરસનો જ થયો.’ મમ્મીનું દિલ જરા નરમ ખરૂં ને ?

‘એ દોઢ ને બે કંઈ નહીં. હું કહું છું એટલે મૂકવાનો બસ.’

‘ભલે, જેવી હરિઈચ્છા.’ મમ્મીએ નિઃસાસો નાંખ્યો.

‘હરિઈચ્છા નહીં મારી ઈચ્છા કહે. સ્વીટુની બધી જવાબદારી મારી છે એટલે હું કહું તેમ જ કરવાનું.’

‘ભલે ભાઈ, જેવી તમારી મરજી.’

પછી તો, દુઃખી થયેલા ભગવાનનું દૂરબીન ઝડપથી પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માંડયું. જ્યાં ને ત્યાં હવે બીજાની મરજી ચાલતી હતી. ભગવાનની મરજી નામશેષ થવાની અણી પર આવી જવાની કે શું ? કોઈ પણ ઘરમાં સાદી સીધી રસોઈ બનાવવાથી માંડીને શાની ખરીદી કરવી, કે આજે શું કરવું ને કાલે શું કરવું તેની પણ ચર્ચાઓ થતી ને એમાં ઘરમાં સૌ મારી મરજી, તમારી મરજી, બધાંની મરજી ને બીજાની મરજીની જ વાત કરતાં દેખાયાં ! ભગવાને જોયું કે, પૃથ્વી પરનાં લોકો એટલા બધા પ્રોબ્લેમ્સથી ઘેરાયલા રહે છે ને કે, વાતે વાતે એકબીજાની મરજી સાચવવાની જ વાતો કર્યા કરે છે. પતિ, પત્ની ને બાળકો હોય ત્યાં ભગવાનને કે એમની મરજીને કોઈ નથી પૂછતું. એકબીજાની મરજી સાચવતાં બધાં એકબીજાની ફરતે ગોળ ગોળ ફર્યા કરે. જ્યાં સંયુક્ત કુટુંબ હોય ત્યાં, ‘સાસુને પૂછવું પડશે ને સસરાને પૂછવું પડશે’ ચાલતું હોય. ઘણી જગ્યાએ તો ‘વહુને પૂછવું પડશે’ પણ ચાલતું દેખાયું.

ભગવાનને એક વાતની ખાસ્સી નવાઈ લાગી. ભણવાનું બાળકે પણ કઈ લાઈન લેવાની કે કઈ કૉલેજમાં જવાનું તે નક્કી પિતાએ કરવાનું ! ને જોઈતી જગ્યાએ જો એડમિશન ન મળ્યું તો જ ભગવાનને યાદ કરાય બાકી તો ઠીક છે બધું. બાળકનું ભણવાનું સારી રીતે પત્યું તો ભગવાનની મહેરબાની ને ન પત્યું તો ભગવાવનની મરજી. જોકે, એમાંય એક બીજા પર દોષારોપણ તો ચાલતું જ હોય કે, ‘તારી મરજી હતી બાકી મારી તો જરાય મરજી નહોતી.’ ભગવાને એક વાત જોઈ લીધી ને બરાબર સમજી લીધી કે, જ્યાં સુધી માણસના હાથમાં બધું છે ત્યાં સુધી બધામાં એની મરજી ચાલે છે ને જ્યાં દ્રાક્ષ ખાટી નીકળે, ત્યાં ભગવાન તો છે જ !

ભગવાનને તો દૂરબીનમાંથી પૃથ્વી પર બધું જોવાની ધીરે ધીરે મજા આવવા માંડી. કહેવું પડે બાકી, બધા સ્વાર્થી ને લુચ્ચા થઈ ગયા છે. મેં આ લોકોને આવા તો નહોતા મોકલ્યા. હશે, ચાલો જોઈએ પેલા છોકરાને જે પરણવા તૈયાર થયો છે. છોકરાને ગમી ગઈ છે એક છોકરી પણ માને દેખાવે નથી ગમતી ને પિતાને સ્ટેટસ જરા...હં, સમજી ગયા ને ?

છોકરો કહે, ‘હું મારી મરજી થાય તેની સાથે પરણીશ.’

મા કહે, ‘છોકરી તો મારી મરજીની જ આવશે.’

જ્યારે પિતાની મરજીની વિરૂધ્ધ કોણ જી શક્યું છે ?(ઘણી જગ્યાએ પિતાની જગ્યા માતાએ લીધી હોય પણ પેલા છોકરાની મરજી ?) હવે આ બધામાં ભગવાનની મરજીનો પ્રવેશ ક્યારે થાય ? તો છોકરો પોતાના પ્રિય પાત્ર સાથે ભાગી જાય ત્યારે. ભલે ને નવો જમાનો આવ્યો પણ હજીય આવી વાતોમાં તો ભગવાનની જ મરજી ગણાય છે તે જાણીને ભગવાનને પણ થોડી રાહત થઈ. હવે ભગવાનની મરજી હોય પછી તો, દીકરાની મરજીમાં પોતાની મરજી સમજી જ લેવી પડે ને ? ચાલો. ઘીના ઠામમાં ઘી આખરે પડીને જ રહે.

ભગવાનનું દૂરબીન ફરતું ફરતું એક હીરોઈનને જોવા અટકી ગયું. એ લાંબી, પાતળી છોકરી કંઈ ‘મારી મરજી...મારી મરજી...’નું ગીત ગાયા કરતી હતી. હેં ? આ વળી એકલી એકલી કઈ વાત પર કૂદી રહી છે ? ને શાની મરજીની વાત કરે છે જેના પર બધાંની નજર ખોડાઈ ને પછી વાંકી થઈ ગઈ ? ઓહો ! એ અબુધ છોકરી તો એમ કહેતી હતી કે, ‘હવે પછી હું જે કંઈ કરૂં કે જેવું વર્તન કરૂં કે જે કંઈ ખાઉં-પીઉં કે નાચું-કૂદું કે ગમે તેને મળું-ન મળું કે જેવાં કપડાં પહેરૂં કે જ્યાં જવું હોય ત્યાં જાઉં વગેરે વગેરે જે કંઈ કરૂં તેમાં ને તેમાં, ફક્ત મારી ને મારી જ મરજી ચાલશે. મારા પર કોઈની જોહુકમી કે દાદાગીરી નહીં ચાલે. મારે કેમ જીવવું તે મારી મરજીની વાત છે.’

ભગવાને મૂછમાં હસતાં કહ્યું, ‘નાદાન છોકરી, કયા ભ્રમમાં જીવે છે ? અહીં તો મારી મરજી પણ નથી ચાલતી તો તારી મરજીની ક્યાં વાત ? શાંત થા ને પરસ્પર એકબીજાની મરજી સાચવીને બધાં જીવો.’ ભગવાને સમજીને જ દૂરબીનલીલા સમેટી લીધી.

૩. મારી સંપેતરા કહાણી

ભારતીયો જ્યાં જ્યાં જાય છે, ત્યાં ત્યાં સંપેતરા-પ્રથાને જીવંત રાખવાના યથાયોગ્ય પ્રયાસો ચાલુ રાખે છે. પરિણામે જમાનાજૂની આ પ્રથા આજે પણ એટલો જ માન-મરતબો ધરાવે છે. જેમ દસમા-બારમાના રિઝલ્ટની જાહેરાત થતાં જ, નિર્દોષોને એમના ઉજ્જવળ ભવિષ્યની ટિપ્સ આપનારા ફૂટી નીકળે છે, તેમ જ કોઈના પરદેશ જવાની જાહેરાત થતાં જ, બાપડા-બિચારાનાં સગાં ને વહાલાં ઊંંચાંનીચાં થવા માંડે છે.

મારા સિંગાપોર જવાના એક દિવસ અગાઉ અમે મુંબઈ પહોંચવાનાં હતાં. એટલે ઉચ્છલ છોડવાના આગલા દિવસે છેલ્લી છેલ્લી તૈયારીના ભાગ રૂપે ઘરનાં સૌએ મને બાનમાં લીધી. મારા માથા પર સવાર થઈને મારી ઉલટતપાસ ચાલુ કરી, ‘પાસપોર્ટ બરાબર મૂક્યો છે ? ટિકિટ ને વિઝા ક્યાં મૂક્યા જરા જોવા દે તો ! બધો સામાન હજી એક વાર ચેક કરી લે. કંઈ રહી તો નથી જતું ને ? જ્યાં જાય ત્યાં સામાનનું બરાબર ધ્યાન રાખજે. જરા સ્માર્ટ બન. બધે આમતેમ ફાંફાં નહીં માર્યા કરતી.’ મને આજ કાર્યક્રમની બીક હતી એટલે મેં તો બાબાનું નામ લઈને ઊંંડા ઊંંડા શ્વાસ લેવાના ચાલુ કરી દીધા હતા. એવામાં બારણે બેલ વાગી. જોયું તો પાડોશીઓ અને સગાંઓ ! મને છેલ્લી વારનું મળવા આવેલા. વિમાનપ્રવાસનું ઠેકાણું નહીં. ઉપર ગમી ગયું તો પાછાં ન પણ આવે ! મેં તો બધાનાં હાથમાં પાર્સલ જોઈને ઊંંડા શ્વાસ લેવાની સ્પીડ વધારી દીધી.

આ લોકોએ સિંગાપોરમાં પણ પોતાનાં સગાં શોધી કાઢ્‌યાં ? સૌને આવકારી મેં સૌનું પાણીથી સ્વાગત કર્યું. સામાન વધવાની બીકે મેં વકારનું બીજું પગથિયું ટાળ્યું. અંદરખાને મને ગભરાટ શરૂ થઈ ગયો હતો, બધો સામાન પૅક થઈ ગયો છે ને વજન પણ બરાબર જ થઈ રહ્યું છે, ત્યારે બધું ક્યાં મૂકીશ? વધારાના પૈસા ભરવા પડશે તે અલગ. મારી ચિંતાના જવાબ રૂપે સૌએ વારાફરતી, પોતપોતાના પાર્સલ મને આપતાં કહ્યું, ‘લ્યો, તમારા દીકરાને મારા હાથના નાસ્તા ખવડાવજો. મારે ત્યાં આવતો ત્યારે કાયમ ડબ્બા ખોલીને નાસ્તા ખાઈ જતો.’ આજે ખબર પડી કે, દીકરો ઘરમાં કેમ વરણાગી કરતો ? એકે તો, ઘરનું ચોખ્ખું ઘી અને દેશી ગોળનું પૅકેટ આપતાં કહ્યું, ‘તમારા દીકરાને ગરમ ગરમ ભાખરી બનાવીને ખવડાવો તયારે આ ઘી ખાસ ચોપડજો. ત્યાં ક્યાં આવું ઘી મળવાનું ? કોઈ વાર ગોળપાપડી બનાવો ત્યારે મને યાદ કરજો.’ આવી લસલસતી ને મીઠી મીઠી લાગણીઓની અવગણના કેવી રીતે થાય ? જે વસ્તુઓ મેં લેવાની ટાળેલી, આખરે તે જ મારે લેવી પડી. મેં બધાંને આઈસક્રીમ ખવડાવવાનું નક્કી કર્યું.

એટલું સારૂં કે, જમાનાઓથી ગુજરાતીઓ ઈંગ્લૅન્ડ, અમેરિકા ને દુબઈ કે કૅનેડા જઈ વસેલા ટલે સિંગાપોર વિશે ખાસ કોઈને માહિતી ન હતી. અઠવાડિયાની ટૂર કરી આવેલાંઓને પણ ગુજરાતી ભોજન ને શૉપિંગ સિવાય વિશેષ જાણકારી નહોતી. છતાંય, એક સલાહપ્રેમીથી બોલાઈ ગયું, ‘ત્યાં ગરમ પહેરવા-ઓઢવાનું સરખું લઈ જજો. નકામું હેરાન થવાનું.’ મેં મનમાં હસતાં કહ્યું, ‘સિંગાપોરમાં તો વાદળ ને વરસાદ ને તડકો ને એવું બધું. એટલે ધાબળા કે શાલ ઓઢીને ફરીએ તે સારૂં ન દેખાય. છત્રી જ ઓઢવી પડે ને છત્રી તો ફોરેનની જ સારી એટલે ત્યાંથી જ લઈ લઈશ.’

બધાંની વિદાય બાદ અમે નાસ્તાની અલગ બૅગ બનાવી વજન કર્યું. દસ કિલો વજન વધી ગયું. હવે ? નક્કી થયું કે, બૅગ લઈ લેવી. એરપોર્ટ પર વહેલા પહોંચી જવું. કસ્ટમના અધિકારીઓ શરૂઆના પેસેન્જરોને ખાસ હેરાન નથી કરતા. જેમ ભીડ વધતી જાય તેમ એમનું દિમાગ છટકતું જાય, પછી એ લોકો એક એક ગ્રામનું વજન ગણતા થઈ જાય. ચાલો, રસ્તો નીકળતાં અમે નિરાંતે બીજે દિવસે ઉચ્છલથી રવાના થયાં.

પહેલાં તો એવો રિવાજ હતો કે, પરદેશ જનારાનો વટ પડતો. એને દહીં-જીરૂં, કંકુ-ચોખા નાળિયેર ને હારતોરાનાં દર્શન કરાવાતાં. શુકનના રૂપિયા પણ અપાતા. અહીં તો, કોઈને કંઈ યાદ જ નહોતું. મેં પણ મનમાં જ બધું માંડી વાળ્યું. બધી ઘડી શુભ ઘડી જ છે. આટલી બધી શુભેચ્છાઓથી તો હેમખેમ જ પહોંચી જઈશ ને ? આખરે એરપોર્ટ પર જવાનો સમય આવી ગયો અને મેં સૌની હસતાં હસતાં વિદાય લીધી. એ સૌ પણ ખુશ દેખાયાં ! આખરે સામાન ટ્રોલી પર ગોઠવી હું કસ્ટમની વિધિઓ પતાવવા ચાલતી થઈ.

એક પછી એક કોઠા પાર કરવાના હોવાથી મેં અધિકારીને ચોક્સાઈથી સામાન બતાવીને કહ્યું, ‘જોઈ લો. બધું બરાબર જ છે. હું તો મારા દીકરાને ત્યાં જાઉં છું એટલે મારી પાસે, તમે ધારો એવો કોઈ સામાન છે જ નહીં. નકામી મહેનત ના કરશો.’ મને અવગણી એમણે તો એમની ફરજના ભાગ રૂપે બૅગ ખોલાવી ને તપાસવા માંડી. આ બધા કાર્યક્રમ દરમિયાન મારા મોબાઈલ પર, પાંચથી છ ફોન આવી ગયા, ‘પેલી બૅગ ગઈ ?’ સૌને મારા કરતાં ‘પેલી બૅગ’ની ચિંતા વધારે હતી ! ઘડી ઘડી ફોન લેવામાં, ઘડીકમાં મારૂં પર્સ લસરી જતું તો ઘડીકમાં પાસપોર્ટ લસરી જતો. કંટાળીને મેં બૅગ તરફ જોયું. કસ્ટમ અધિકારી પેલું ઘીનું પૅકેટ નાક પાસે ધરીને ઊંંડા શ્વાસ લઈ બોલ્યો, ‘જુઓ મૅડમ, આ અસલી દેશી ઘીનું પૅકેટ તમે ભૂલી જાઓ. બહુ વરસો થઈ ગયાં આવું ઘી જોયાને.’

મેં તો દેશી ઘીની ગોળપાપડીનું સપનું પેલા અધિકારીની આંખમાં જોઈ, બૅગ લગેજમાં જવા દઈ ત્યાંથી ચાલતી પકડી. ઘીના દાણા પર પણ ચાટવાવાળાનું નામ લખ્યું હશે ? ચાલો હવે, મોટું મન રાખી પ્લેનમાં પ્રવેશો, બીજું શું ?

જ્યારથી મારી ટિકિટ આવી હતી, ત્યારથી મારા મનમાં એક સવાલ ઘુમરાતો હતો, મારો સહપ્રવાસી કોણ હશે ? આજે બીજો સવાલ ઉમેરાયો, કસ્ટમ અધિકારી ઘરેથી રોજ દહીં-જીરૂં ખાઈને નીકળતા હશે ? મને યાદ આવી વિવેક મનહર ટેલરની આ પંક્તિઓ,

‘જગત જ્યારે જ્યારે કનડતું રહે છે,

મને કંઈક મારામાં જડતું રહે છે.’

૪. વેકેશનમાં કરવા જેવું કામ

આજે આપણે વેકેશનમાં કરવા જેવાં અને ન કરવા જેવાં કામો પર ગહન ચિંતન, મનન, પઠન અને અધ્યયન કરશું. સ્વાભાવિક છે કે, આ એવાં બાળકોનાં વેકેશનની વાત છે જે ભણે છે કે નથી ભણતાં. એવાં બાળકોનાં મમ્મી-પપ્પાનાં અને શિક્ષકોનાં વેકેશનની વાત છે, જે બાળકોને ભણાવે છે કે નથી ભણાવતાં. મતલબ કે, આજે ફક્ત શાળા અને કૉલેજને લાગતાં-વળગતાંનાં વેકેશનની જ વાત છે. આ લોકો જ આખું વરસ વેકેશનની રાહ જુએ છે અને વેકેશન પડવા પહેલાં જ એનું પ્લાનિંગ પણ કરી નાંખે છે ! એટલું પરીક્ષાનું કે ભણવાનું પ્લાનિંગ કેમ નહીં કરતાં હોય ? આ સવાલ કોઈએ નહીં પૂછવાનો કારણકે એ અભ્યાસક્રમની બહારનો વિષય છે.

એમ તો, વેકેશનમાં શું શું કરવું તેનું માર્ગદર્‌શન આપતા વર્ગો પણ ચાલે છે અને જે કરવાનું જણાવાય છે તેના વર્ગો પણ ચાલે છે ! આપણે બધા વર્ગોથી નજર હટાવીને વેકેશનના મુખ્ય કામ પર નજર કરશું. વેકેશનનું મુખ્ય કામ છે, મહેમાન બનવાનું. ભારત દેશમાં આદિ કાળથી આ પરંપરા ચાલી આવી છે. અસલના જમાનામાં જ્યારે સંપર્કસૂત્ર તરીકે ટપાલ વ્યવસ્થા જ કામ આવતી ત્યારે લોકો મહેમાન બનતાં પહેલાં યજમાનને પત્ર લખી જણાવી દેતાં કે, ‘અમે અમુક તારીખે સપરિવાર ને સસામાન તમારે ત્યાં અચોક્કસ મુદત માટે આવીએ છીએ.’ પૂછ્‌યા-ગાછ્‌યા વગર ટપકી પડવાનું ત્યારે બહુ સહજ હતું. કહો કે, એ મહેમાનનો અબાધિત હક હતો. જોકે, બીજા વેકેશનમાં સાટું વાળવા માટે યજમાન આખું વરસ તૈયારી કરી લેતા એ તો સમજવાની જ વાત છે.

ઘણા લોકો વેકેશનમાં ફરવા ઉપડી જાય છે તેની સામે મારો સખત વિરોધ છે. આખી ભારતીય પરંપરાનો નાશ જો કોઈ કરશે કે પરંપરાને ખાડામાં નાંખશે તો આ લોકો નાંખશે. ભઈ, ફરવા તો આખું વરસ ગમે ત્યારે જી શકાશે પણ સહકુટુંબ મહેમાન ને તે પણ ખાસ્સા દિવસો માટે ફક્ત વેકેશનમાં જ થવાશે તે સમજો જરા. વેકેશનમાં દરેક જગ્યાએ ભીડ રહે, ભાડાં વધારે ખરચવા પડે, ગરમી તો બધે જ લાગવાની ને એવા પાંચ-દસ દિવસો માટે શું બધા હાયબળાપા ને ઉધામા કરવાના ? એના કરતાં એક જ જગ્યાએ ઠરીઠામ થઈને મહિનો ખેંચી કાઢવો એ વધારે સલાહભરેલું નથી ? વળી મહેમાન બનીને માનમાં રહેવાય (જો રહેતાં આવડે તો) ને કુટુંબની જવાબદારી પણ નહીં ! બધું જ યજમાન સંભાળી લે. ઓછે પૈસે, ઓછી તકલીફે ને વગર ટેન્શને વેકેશન માણવા ક્યાં મળે ?

ફરવા ગયાં હોઈએ તો બધી જ જવાબદારી આપણે ઊંઠાવવાની તે યાદ છે ને ? પતિ હોય તો સામાનથી માંડીને, પત્ની ને બાળકોની ટિકિટથી માંડીને, એમની સલામતીથી માંડીને, ખાવાપીવાની વ્યવસ્થાથી માંડીને..., ભઈ બધું માંડીને જ માંડવાળ કરી દેવાનું મન થાય એવું બહાર ફરવા જીએ ત્યારે થાય છે ને ? ને પત્ની હોય તો ? દસ વખત બધી બૅગ ખોલવા ને બંધ કરવામાં ને બધાંને જોઈતું -કરતું આપવા-મૂકવામાં ને નાસ્તાથી માંડીને જમવામાં શું છે ને કોને શું ભાવે ને શું ના ભાવે તેની ચિંતામાં, ફરવાના એને કેવાક હોશ રહે ? પાછી જ્યાં જાય ત્યાં શોપિંગની ચિંતા તો કેવડી મોટી ? પાછું એ બધું શેમાં ભરવું તેની પણ ચિંતા ! એટલે દસ દિવસમાં તો શારિરીક ને માનસિક રીતે થાકીને બધાં ઠૂસ.

એના કરતાં કોઈને ત્યાં મહેમાન બનવામાં શું ખોટું ? નાસ્તાપાણી ને જમવાનું તો આપણી મરજી મુજબનું જ મળવાનું છે. ફરવા પણ આપણે જ્યાં કહીએ ત્યાં જ લઈ જવાના છે. જ્યાં સુધી ફાવે ત્યાં સુધી આપણે એમને ત્રાસ આપીએ તો પણ એ લોકો ચૂપચાપ સહન કરી જ લેવાના છે. સરવાળે બધું બચતાં છૂટથી શોપિંગ કરાવીને પત્નીને ખુશ રાખવાનો સોનેરી મોકો પતિને ક્યારે મળવાનો ? પતિસેવામાંથી તથા બાળકોની જવાબદારીમાંથી પત્નીને વળી મુક્તિ ક્યારે મળવાની ? એટલે તાણમુક્ત ને ચિંતામુક્ત વેકેશન માટે આ વેકેશનમાં કોઈને ત્યાં ધામા નાંખો. મહેમાન બનો.

ઘણા લોકો સાવ એદી જેવા હોય છે. ન તો એમને કશે ફરવા જવું ગમે કે ન કોઈને ત્યાં મહેમાન બનવું ગમે. આવા લોકો હંમેશાં બીજાનો વિચાર કરવાવાળા હોય છે.

‘કોઈને ત્યાં એમ કીધા વગર જીએ તો કેવું લાગે ?’ આ એમનો પહેલો પ્રશ્ન.

ધારો કે, મોબાઈલના આ જમાનામાં થોડી સારી રીતભાત આવડે છે કે બાકી છે તે બતાવવા ફોન કરીને જવાનું વિચારાય તો પાછો સવાલ.

‘આ મોંઘવારીમાં કોઈને ત્યાં જવા જેવું છે ? મને તો આ બહુ યોગ્ય નથી લાગતું. એના કરતાં બેસી રહો ને ઘરમાં. તાપમાં બધે ભટકવાનું કેમ ગમે ?’

ઘરમાંથી બહુ જીદના અવાજો ઊંઠે ત્યારે વળી સવાલ.

‘ચાર-છ દિવસ માટે બધી નાહક દોડાદોડી કરવી એના કરતાં શાંતિથી આપણે જ બધાં સાથે કેમ ન રહીએ ? આખું વરસ તો આપણે ક્યાં સાથે રહેવાનું બને છે ? આ બહાને રહેવાશે.’

આના જવાબમાં તો ઘરમાં યુધ્ધ છેડાવાની તૈયારી થવા માંડે એટલે શબ્દો પાછા ખેંચાઈ જાય ને જીભ થોથવાવા માંડે. આ વળી વેકેશન ક્યાં પડયું ? વિચારીને મગજ પણ ભમવા માંડે.

‘દર વખતે એમ ગુટલાવી જાઓ તે નહીં ચાલે. આપણે ત્યાં, પેલા તમારા કાકાનો દીકરો મહિનો રહી ગયેલો તે દર વરસે કેટલા ફોન કરે છે ને કેટલો આગ્રહ કરે છે, તો એને ત્યાં જ ચાલો ને. ગાડીભાડા સિવાય કોઈ ખર્ચો નથી થવાનો.’ બધાંનો એક સૂર નીકળે એટલે નાછૂટકે કાકાના કીકાને ત્યાં મહેમાન બનવાનું વિચારાય. કેટલો ઉત્તમ વિચાર ! એ તો એમ જ મહેમાન બનાય ને ? પછી બાળકોને પણ ટ્રેનિંગ ક્યારે મળે ? વેકેશનમાં તો યજમાનનું ઘર બાળકો માટેની ઉત્તમ કાર્યશાળા છે એ હંમેશાં યાદ રાખીને દર વરસે કોઈ ને કોઈને ત્યાં અવશ્ય મહેમાન બનવું.

મારા મતે તો મહેમાન બનવું એના જેવું ભલાઈનું કોઈ કામ નથી. કોઈને ભગવાનની સેવાનો મોકો આપવો ને પુણ્‌ય કમાવા દેવું એનાથી રૂડું શું ? તો કઢાવો ટિકિટ ને બની જાઓ મહેમાન.

૫. હું ગધેડો છું

વર્ષો પહેલાં ઈન્દીરા ગાંધી અમારા નાનકડા ગામમાં આવીને સભા ગજવી ગયેલાં; ત્યારથી માંડીને આજ સુધી, અમારા ગામના બધા વોટ કૉંગ્રેસને જ મળતા રહ્યા ! ભલે ને પછી અમારા ગામના ઉમેદવાર ગમે તે, કે ગમે તેવા કેમ ન હોય ! થોડા સમયથી જાગેલા બીજા પક્ષના ઉમેદવારો પણ અહીં આવતા થયા અને ખરો ચૂંટણીનો માહોલ જામતો ગયો. આ વર્ષે તો વળી ત્રીજો પક્ષ પણ મેદાનમાં આવ્યો છે, પણ અહીંની માટીમાં મૂળિયાં જમાવતાં કદાચ એને વાર લાગે. ખેર, ગામડાંઓમાં ખેતમજુરોની સંખ્યાનું પ્રમાણ વધુ હોવાથી એમની નિરક્ષરતાનો, ગરીબીનો અને બૂરી આદતોનો ગેરલાભ ઉઠાવીને નેતાઓ પાંચ વર્ષ માટે પાછા સૂઈ જાય છે.

અમારે ત્યાં દેવુબેન કામ કરે છે. ચૂંટણી એમને મન કોઈ તહેવારથી કમ નહીં. મતદાનને દિવસે તો સજીધજીને ખુશખુશાલ ચહેરે આવે.

‘દેવુબેન, કોને વોટ આપવાના ?’ અમે પૂછીએ.

‘તમે કે’ઓ, કોને આપું ?’...! હવે આટલી ભોળી પ્રજા હોય પછી શાસક કેવા હોવાના ?

આ વર્ષે તો, એમના ફળિયાના ત્રણ ઉમેદવારોએ દિવસો અગાઉથી દેવુબેનની ખબર રાખવા માંડેલી. જેમનું નિશાન ઘોડો હતું, તે ભાઈ એક દિવસ એમને વહાલા થવા આવ્યા.

‘કેમ છો માસી ? તમે તો મને સારી રીતે ઓળખો જ છો. આપણું નિશાન ઘોડો છે. તમારે મને જ મત આપવાનો છે હં ! હું જીતી જીશ; તો તમારે જ્યારે પણ કશે ફરવા જવું હોય, ચિંતા નહીં કરતાં. મને એક ફોન કરી દેજો. તમારે માટે આપણો ઘોડો, એટલે કે રિક્ષા હાજર કરી દઈશ. મત આપવા જાઓ, ત્યારે હું આપું તે નવી સાડી પહેરીને જ મત આપવા જજો. બીજા કોઈ ગધેડાને કે કૂતરાને તમારે મત નથી આપવાનો. યાદ રાખજો, આપણું નિશાન ઘોડો છે. ’

દેવુબેનને થયું કે, આ ભાઈ બહુ ભલા છે ને બહુ સારા લાગે છે. એમણે તો મનમાં ને મનમાં ઘોડા દોડાવવા માંડયા કે, રિક્ષામાં બેસીને ક્યાં ક્યાં ફરવા જાઉં ? આમેય હવે ચાલતાં જવામાં રસ્તા પર જોખમ રહે છે, એના કરતાં રિક્ષામાં શાંતિથી જવાશે અને લોકોમાં વટ પડશે તે જુદો ! એમણે નક્કી કરી નાંખ્યું કે, મત તો ઘોડાને જ.

બીજે દિવસે ગધેડાના નિશાનવાળા ભાઈ દેવુબેનને લાત મારવાને બદલે પગે પડતા આવ્યા ! દેવુબેન તો ગળગળાં થઈ ગયાં. ‘ભાઈ, જીવતો રે’ ને હો વરહનો થા.’

‘બસ માસી, તમારા આશીર્વાદ જોઈએ. હું ગધેડો છું. અરે સૉરી, મારૂં નિશાન ગધેડો છે. તમે તો જાણો છો કે, ગધેડાને લોકો માનથી નથી જોતાં, પણ કામમાં તો ગધેડો જ આવે છે. ગધ્ધાવૈતરૂં કોને કહેવાય તે તમારાથી વધારે કોને ખબર ? હું જીતીશ તો ગધેડાની જેમ કામ કરીશ. તમારા જેવા લોકોના જીવનમાં બદલાવ લાવીશ. તમારા હકની લડાઈ હું લડીશ અને તમને બધી સગવડ મળે તેનું ધ્યાન રાખીશ. ઘોડા તો બધા દેખાવના સારા હોય. બહારથી બધો દેખાડો કરે ને વખત આવ્યે ઊંભી પૂંછડીએ ભાગી જાય. કૂતરાનું કામ તો ખાલી ભસવાનું, કામ કરે ત્યારે ખરા ને ક્યારે કરડી બેસે કંઈ કહેવાય નહીં ! એટલે નીચી મૂંડીએ; ચૂપચાપ પોતાનું કામ કરીને, માલિકને વફાદાર રહેવામાં ગધેડા જ શ્રેષ્ઠ છે એ તમારા સિવાય કોણ સારૂં સમજી શકે ? યાદ રાખજો, આપણું નિશાન ગધેડો છે. એક સાડી કે થોડા રૂપિયા તમને કેટલા દિવસ ચાલશે તે વિચારજો. ચાલો ત્યારે રજા લઉં.’

ગધેડાના (ઉમેદવારના) ગયા પછી દેવુબેન વિચારમાં પડયાં. ‘આની વાત સો ટકા સાચી. પેલો ઘોડો મને કેટલા દા’ડા રિક્ષામાં ફેરવવાનો ? ને સાડીની મને ક્યાં નવાઈ છે ? એના કરતાં મારા આ જાતભાઈને જ મત આપીશ. મને કામ તો આવશે. ’ દેવુબેનનો વિચાર ફેરવાઈ ગયો.

હવે ત્રીજો ઉમેદવાર જેનું નિશાન કૂતરો હતું, તે એક દિવસ લપાતો - છુપાતો દેવુબેનના ઘરમાં દાખલ થઈ ગયો. દેવુબેન એને હડ હડ કરે તે પહેલાં તો એ દેવુબેનના ચરણોમાં આળોટી પડયો ને દેવુબેને એને ઊંભો કર્યો ત્યારે જ ઊંભો થયો ! દેવુબેન તો બિચારાં ભાવનાં ભૂખ્યાં એટલે પેલા પૂંછડી પટપટાવનારને પ્રેમથી પાસે બેસાડયો.

‘માસી, આપણું નિશાન કૂતરો છે. કૂતરાની માલિક પ્રત્યેની વફાદારી મારે તમને સમજાવવી ન પડે. કૂતરાને ભરોસે માલિક નિરાંતે સૂએ અને પોતાનું ઘર પણ એના ભરોસે મૂકી જાય. તમે જ છો જે આ વાતને બરાબર સમજી શકે. કોઈ ઘોડા કે ગધેડાને ભરોસે ઘર નથી છોડતું. મારા કહેવાનો મતલબ એટલો જ કે, ઘોડા કે ગધેડા કરતાં કૂતરા પર ભરોસો રાખવો વધારે સારો. તમારૂં શું કહેવું છે ?’

દેવુબેનને પણ વાતમાં દમ લાગતાં એમણે ડોકું ધુણાવ્યું. જ્યાં આપણી કદર થતી હોય, આપણા ઉપર ભરોસો મૂકાતો હોય, તે જ સાચું, બીજું બધું ખોટું. દેવુબેને તો પેલા લાળ ટપકાવતા ભાઈનો ખભો થાબડી ભરોસો આપતાં કહ્યું, ‘આપણે તને મત આપ્યો જા.’ ને પેલા ભાઈ તો હરખાતા હરખાતા પૂંછડી પટપટાવતા નીકળી ગયા.

પેલા ત્રણેય ઉમેદવાર રોજ દેવુબેનને યાદ કરાવે છે, ‘મત તો આપણને જ હં ! જોજો. ’ દેવુબેન બરાબરના ગૂંચવાયાં છે. ઘડીક આ સારો લાગે તો ઘડીક પેલો. થોડી વાર રહી વળી ત્રીજાની યાદ આવી જાય તો એ સારો લાગે ! આજકાલ તો એમને ઊંંઘમાં પણ, ‘માસી ઘોડો..’, ‘માસી ગધેડો...’, ‘માસી કૂતરો...’ સંભળાયા કરે છે ! માસી તો ત્રાસી ગયાં છે. ‘શું કરવું ? ત્રણેયના ફાયદા છે તેવા ગેરફાયદા પણ છે. કંઈ સમજાતું નથી. ’ માસીએ મનમાં નક્કી કરી લીધું છે, ત્રણેયના નામ પર ચોકડી ! (લાગે છે કે, માસીને નક્કી પેલા ‘નાટો’ના વિકલ્પની જાણ થઈ ગઈ છે. બાકી, કાયમ સાડી ને પૈસા (બાટલી સહિત !) લેનાર અને પૂરી નિષ્ઠાથી વોટ કરનાર દેવુબેન આવો નિર્ણય કરે ખરાં ?)