સરપ્રાઇઝ Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સરપ્રાઇઝ

સરપ્રાઇઝ

 

‘‘નાનું સરખું ગોકુળિયું મારું વિઠ્ઠલે વૈકુંઠ કીધું રે...’’ નરસિંહ મહેતાનું પ્રભાતિયું ગાતા ગાતા સંગીતકાર મિલન મઝુમદાર વહેલી સવારે લિવિંગરૂમના એક ખૂણામાં ટેબલ સામે બેઠા બેઠા કંઈક કામ કરી રહ્યા હતા.

‘‘ઓ નરસિંહ મહેતાના નવા અવતાર!’’ મિલન મઝુમદારના પત્ની લતાબહેને મજાકમાં પતિને સંબોધન કરતા કહ્યું, ‘‘નાના સરખા ગોકુળિયાને વિઠ્ઠલે વૈકુંઠ કીધું એ તો તમે રોજ સવારે યાદ કરાવો છો, પણ આપણા આ નાના સરખા ઘરને રિનોવેટ કરાવવાનું મૂહુર્ત ક્યારે કાઢવાનું છે?’’

‘‘કરશે કરશે, ઉપરવાળો બધું કરશે,’’ મિલન મઝુમદારે ઉપર તરફ આંગળી ચીંધતા કહ્યું.

‘‘અરે ઉપરવાળો અજય સાવલા તો દર બે વર્ષે એનો ફ્લેટ રિનોવેટ કરાવે છે! તમે આપણા ફ્લૅટની વાત કરોને!’’ પતિની વાત બરાબર સમજી ગયા હોવા છતાં લતાબહેને ઈરાદાપૂર્વક મજાકમાં કહ્યું.

મિલન મઝુમદારે પત્નીની મજાકને નજરઅંદાજ કરતા કહ્યું, ‘‘ઉપરવાળાની ઈચ્છા વિના તો એક પાંદડું પણ નથી હલતું.’’

જો કે લતાબહેન આજે મજાકના સૂરમાં જ પતિ પાસેથી વચન લેવાના મૂડમાં હતા. તેમણે કહ્યું, ‘‘તમારા મોઢે જ્યારે જ્યારે આ ઉપરવાળાની ઈચ્છાની વાત સાંભળું છું ત્યારે દરેક વખતે મને મુલ્લા નસરુદ્દીનવાળી રમૂજ યાદ આવી જાય છે. મુલ્લા નસરુદ્દીને એક વાર એક દરજીને પોતાના કપડાં સીવવા આપ્યાં. મુલ્લાને કોઈ સારા પ્રસંગમાં જવાનુ ંહતું એટલી એની આગોતરી તૈયારી રૂપે તેમણે ગરજી પાસે કપડાં સીવડાવી લેવાનું નક્કી કર્યું હતું. મુલ્લાજીએ દરજીને સમજાવ્યું કે, જો ભાઈ મારે થોડા દિવસો પછી બહારગામ જવાનું છે એટલે મને જેમ બને એમ જલદી કપડાં સીવી આપજે. દરજીએ કહ્યું કે તમે બિલકુલ ચિંતા ના કરો. ઉપરવાળાની ઈચ્છા હશે તો બહુ ઝડપથી તમારા કપડાં સીવાઈ જશે. દરજીએ મુલ્લાના શરીરનું માપ લઈ લીધું એટલે મુલ્લાએ પૂછ્‌યું : ‘‘કપડાં સીવાઈને ક્યારે મળશે?’’

દરજીએ કહ્યું, ‘‘ઉપરવાળાની ઈચ્છા હશે તો અઠવાડિયામાં મળી જશે.’’

અઠવાડિયા પછી મુલ્લા નસરુદ્દીન એ દરજી પાસે ગયા. પણ દરજીએ તેમના કપડાં સીવ્યા ન હતાં.

મુલ્લા અકળાયા. તેમણે દરજીને કહ્યું કે, ‘‘ભલા માણસ, તેં તો કહ્યું હતું કે તમને અઠવાડિયામાં કપડાં સીવાઈને મળી જશે.’’

દરજીએ કહ્યું કે, ‘‘ઉપરવાળાની ઈચ્છા હશે તો આવતે અઠવાડિયે તમારા કપડાં જરૂર સીવાઈ જશે.’’

મુલ્લા બીજા અઠવાડિયે ફરી વાર દરજી પાસે પહોંચી ગયા. એ વખતે પણ તેમનાં કપડાં સીવાયા નહોતાં.

મુલ્લાને બહુ અકળામણ થઈ. તેમણે કહ્યું કે, ‘‘હજી કેટલી રાહ જોવડાવીશ?’’

દરજીએ કહ્યું કે, ‘‘ઉપરવાળાની ઈચ્છા હશે તો ત્રણ જ દિવસમાં તમારા કપડાં સીવાઈ જશે.’’

મુલ્લા ફરી વાર ત્રણ દિવસ પછી દરજી પાસે ગયા. પણ હજી તેમના કપડાં સીવાયા નહોતા. મુલ્લા આ વખતે તો ઉશ્કેરાઈ ગયા, ‘‘એલા ભાઈ આ તે કંઈ રીત છે? તું કપડાં સીવવાનો હોય તો ચોક્કસ સમય કહી દે અને નહીં તો ઘસીને ના પાડી દે!’’

દરજીએ કહ્યું, ‘‘ઉપરવાળાની ઈચ્છા હશે તો...’’

મુલ્લા નસરુદ્દીને કહ્યું, ‘‘આપણે ઉપરવાળાને આ મુદ્દે તકલીફ નથી આપવી. આપણે ઉપરવાળાની ઈચ્છાને બદલે માત્ર તારી ઈચ્છા પર જ આધાર રાખીએ તો મારા કપડાં સીવાઈને ક્યારે મળશે એ કહે!’’

મિલન મઝુમદારના ચહેરા પર સ્મિત આવી ગયું. છતાં તેમણે પત્નીને પૂછ્‌યું, ‘‘સવાર સવારમાં મુલ્લા નસરુદ્દીનકથા સંભળાવવાને બદલે ગરમા ગરમ મસાલાવાળી ચા પીવડાવને!’’

લતાબહેને કહ્યું, ‘‘ઉપરવાળાની ઈચ્છા હશે તો ચા પણ પીવા મળશે!’’

મિલન મઝુમદારે કહ્યું, ‘‘આ ઉપરવાળાને બાજુ પર રાખીને કહે ને કે તું ક્યારે ચા મૂકીશ?’’

લતાબહેને ચહેરા પર મલકાટ સાથે કહ્યું, ‘‘પહેલા મારા સવાલનો જવાબ આપો. ઉપરવાળાની ઈચ્છાને બાજુએ રાખીને કહો કે, ફ્લૅટનું રિનોવેશન ક્યારે કરાવો છો? હવે ચૈતાલી અને અક્ષય ઉંમરલાયક થયા છે અન એ બેયને જોવા માટે છોકરાવાળા કે છોકરીવાળાઓ આવશે ત્યારે તમે તો નરસિંહ મહેતાના નવા અવતાર સમા છો એટલે તમને તો શરમ નહીં આવે, પણ મને તો શરમ આવશે જ...’’

‘‘બસ બસ! તું ઉપરવાળાની ઈચ્છાને બાજુએ રાખીને ચા બનાવ અને હું ઉપરવાળાની ઈચ્છાએ બાજુએ રાખીને વહેલી તકે ફ્લૅટનું રિનોવેશન શરૂ કરાવું છું,’’ મિલન મઝુમદારે હાર સ્વીકારી લીધી.

એ જ વખતે અચાનક ચૈતાલી અને અક્ષય વાવાઝોડાની જેમ લિવિંગરૂમમાં ધસી આવ્યા.

મિલમ મઝુમદાર આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે મજાકમાં પણ એ જ વખતે ચૈતાલી અને અક્ષય લતાબહેનને વીંટળાઈ વળ્યા અને બોલી પડ્‌યા, ‘‘મેની હેપી રિટર્ન્‌સ ઑફ ધ ડે મોમ.’’

મિલન મઝુમદાર પણ ઊભા થઈને પત્ની પાસે પહોંચી ગયા. તેમને નજીક આવતા જોઈને ચૈતાલી અને અક્ષય લતાબહેનથી છૂટા પડ્‌યા.

મિલન મઝુમદારે ઉમળકાભેર પત્નીને આલિંગન આપીને કહ્યું, ‘‘હેપી બર્થ ડે, લતા. સોરી, ખબર નહીં કેમ આ વખતે હું તારો બર્થ ડે ભૂલી ગયો.’’

લતાબહેને કહ્યું, ‘‘અરે મારા નરસિંહ મહેતા, તમારે ક્યારેય મને સોરી કહેવું નહીં એવો આપણી વચ્ચે વણલિખિત કરાર છે એ ભૂલી ગયા?’’

ચૈતાલી અને અક્ષય ફરી નજીક આવ્યા અને માતાપિતાને વળગીને એ ક્ષણ માણવા લાગ્યા.

લતાબહેનની આંખો છલકાઈ ઉઠી. મિલન મઝુમદારે કહ્યું, ‘‘લો તમારી મોમ ચાલુ થઈ ગઈ!’’

ચૈતાલી અને અક્ષય ડેડની કમેન્ટથી હસી પડ્‌યા.

લતાબહેને ગળાગળા અવાજે કહ્યું, ‘‘આટલી ખુશી, એટલું સુખ દુનિયામાં કોઈ કુટુંબ પાસે નહીં હોય. બસ ઉપરવાળાને એટલી જ પ્રાર્થના કરું છું કે, દરેક જન્મમાં મને આ જ પતિ, આ જ દીકરી અને આ જ દીકરો મળે.’’

‘‘અને અમને પણ આ જ મોમ દરેક જન્મે મળે.’’ ચૈતાલી અને અક્ષય લાડથી બોલી ઉઠ્‌યા.

‘‘અને મને દરેક જન્મમાં પત્ની તરીકે તું જ મળે.’’ મિલન મઝુમદારે કહ્યું અને ઉમેર્યું કે, ‘‘અને આમાં હું એમ નહીં કહું કે ઉપરવાળાની ઈચ્છા હોય તો! આમાં ઉપરવાળાને બદલે મારી જ ઈચ્છા ચાલે એવી પ્રાર્થના હું ઉપરવાળાને કરું છું.’’

મઝુમદાર કુટુંબ ખુશીની ક્ષણો માણી રહ્યું હતું ત્યારે અચાનક લતાબહેન બોલી ઉઠ્‌યા, ‘‘અરે! ચૈતુ, અક્ષી, તમે બેય તો મને દર વર્ષે બર્થ ડેની આગલી પાતે જ બાર વાગ્યે બર્થ ડે વિશ કરી છે. આ વખતે ભૂલી ગયા હતા કે?’’

ચૈતાલી અને અક્ષય હસી પડ્‌યા. ‘‘મોમ, તું રાતે રાહ જોતી હતી ને કે અમે તને વિશ કરીશું? પણ અમારે એવું બતાવવું હતું કે અમે આ વખતે તારો બર્થ ડે ભૂલી ગયા છીએ. અને વહેલી સવારે ઉઠીને તને સરપ્રાઈઝ આપવી હતી!’’

લતાબહેને વહાલથી ચૈતાલીના અને અક્ષયના ગાલે ટપલી મારીને કહ્યું કે, ‘‘બંને બરાબર બાપ પર ગયા છે! મિલન મઝુમદાર છોકરાઓ માટે વારસામાં બીજાું કંઈ તો મૂકી જશે કે નહીં એની ખાતરી નથી, પણ દરરોજ કોઈ ને કોઈ સરપ્રાઇઝ આપતા રહેવાનો વારસો તમને ચોક્કસ આપી જશે!’’

ચૈતાલી અને અક્ષય હસી પડ્‌યા. એ વખતે મિલન મઝુમદારને કંઈક યાદ આવ્યું હોય એમ તેઓ લિવિંગરૂમના ખૂણામાં પોતાના ટેબલ પાસે ગયા.

‘‘ઓ મારા નરસિંહ મહેતા! ક્યાં ચાલ્યા?’’ લતાબહેને મજાક કરી.

મિલન મઝુમદાર મલકતા ચહેરા સાથે ટેબલના ડ્રૉઅરમાંથી એક કાગળ કાઢ્‌યો અને લતાબહેન પાસે આવીને તેમના હાથમાં એ કાગળ થમાવી દીધો.

‘‘શું છે આમાં?’’ લતાબહેને પૂછ્‌યું.

‘‘તું જ જોઈ લે ને?’’ મિલન મઝુમદાર હસ્યા.

લતાબહેને કાગળ ખોલ્યો અને વાંચીને કહ્યું, ‘‘ઍડવાન્સ પેમેન્ટની રિસિપ્ટ? રેઇનબો ઇન્ટિરિયર્સ!’’

મિલન મઝુમદાર હસ્યા, ‘‘તારી બર્થ ડે ગિફ્ટ! મારે તને સરપ્રાઇઝ આપવી હતી.’’

લતાબહેન ઉમળકાભેર પતિને વળગી પડ્‌યા.

‘‘ઓ મારા સરપ્રાઇઝ માસ્ટર!’’ બોલતા બોલતા તેમના ગળે ડૂમો ભરાઈ ગયો.

‘‘લતા, મેં મારું વચન પાળી બતાવ્યું હવે તું તારું વચન પાળી બતાવ!’’ મિલન મઝુમદારે કહ્યું.

‘‘કયું વચન?’’ લતાબહેને પૂછ્‌યું.

‘‘બોલો! મને સરપ્રાઇઝ આપવાની હૉબી છે એમ તમારી મમ્મીને બધું ભૂલી જવાની હૉબી છે!’’ મિલન મઝુમદારે મજાક કરી અને પછી ઉમેર્યું, ‘‘કેમ તેં મને કહ્યું નહોતું કે તમે ઉપરવાળાની ઈચ્છાને બાજુ પર રાખીને ફ્લૅટ રિનોવેટ ક્યારે કરાવશો એ કહો તો હું ઉપરવાળાને બાજુએ રાખીને ચા ક્યારે મળશે એ કહું!’’

લતાબહેન હસી પડ્‌યા. ‘‘હમણાં જ ચા બનાવું છું. આજે તો બધા સાથે બેસીને ચાની સાથે નાસ્તો કરીશું. છેલ્લે ક્યારે સવારે આપણે બધા બ્રેક ફાસ્ટ માટે સાથે બેઠા હતા એ યાદ છેે તમારામાંથી કોઈને?’’

‘‘ઉપરવાળાની ઈચ્છા હશે તો યાદ આવી જશે!’’ અક્ષય અને ચૈતાલી અને મિલન મઝુમદાર એકસાથે બોલી પડ્‌યા અને બીજી ક્ષણે બધા ખડખડાટ હસી પડ્‌યા.

લતાબહેન ચહેરા પર મલકાટ સાથે કિચનમાં ગયા.

મિલન મઝુમદાર ચૈતાલી અને અક્ષય સાથે વાતે વળગ્યા. ‘‘તમારી મમ્મીને બિલકુલ આઇડિયા ના આવવો જોઈએ કે આપણે આજે રાતે તેને ફાઇવ સ્ટાર હોટેલમાં ડિનર પર લઈ જવાના છીએ.’’

‘‘ઉપરવાળાની ઈચ્છા હશે તો તેને આ સરપ્રાઈઝની ખબર નહીં પડે!’’ ચૈતાલી બોલી અને બધા હસી પડ્‌યા. એ જ વખતે કિચનમાં પ્રચંડ ધડાકો થયો અને ત્રણેય થીજી ગયા

 

।।।

લતાબહેન ઉત્સાહભેર ચા બનાવવા કિચન તરફ ગયાં. તેમણે કિચનની લાઈટની સ્વિચ ઓન કરી એ સાથે પ્રચંડ

 વિસ્ફોટ થયો. તેમને ભૂલી જવાની ટેવ ભારે પડી ગઈ હતી. લતાબહેન એ પરોઢિયે પહેલાં પણ કિચનમાં ગયા હતાં અને તેમણે ચા બનાવવાની તૈયારી કરી હતી. તેમણે તપેલામાં પાણી ભરીને ગેસ પર મૂક્યું હતું અને ગેસનો નોબ પણ ખોલ્યો હતો પણ પછી અચાનક પતિને પ્રભાતિયું ગાતા સાંભળીને તે તેમની સાથે વાત કરવા માટે આદત પ્રમાણે કિચનની લાઈટ બંધ કરીને તેઓ લિવિંગ રૂમમાં જતાં રહ્યાં હતાં. એ વખતે તેઓ ગેસ બંધ કરવાનું ભૂલી ગયાં હતાં. પતિ અને બાળકોની સાથે ખુશીની પળો માણીને તેઓ કિચનમાં ગયાં અને તેમણે કિચનની લાઈટની સ્વિચ ઓન કરી એ સાથે ધડાકો થયો.

મિલન મઝુમદાર અને તેમનાં સંતાનો ચૈતાલી અને અક્ષય થોડી પળો માટે તો થીજી ગયા. વહેલી સવારે ભયંકર વિસ્ફોટનો અવાજ સાંભળીને પાડોશીઓ પણ ધસી આવ્યા.

ધડાધડ કોલ્સ થયા અને થોડી મિનિટ્‌સમાં ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ આવી ગયા. પણ લતાબહેનને હૉસ્પિટલમાં એડ્‌મિટ કરતા પહેલા જ ડૉક્ટરે ‘સોરી’ કહી દીધું. ચૈતાલી અને અક્ષય ધ્રુસકે ધ્રુસકે રડી પડ્‌યા. મિલન મઝુમદારની આંખો ભીંજાઈ પણ તેઓ મોકળા મને રડી ના શક્યા. તેમણે ચૈતાલી અને અક્ષયને સંભાળવાના હતા. સગાંવહાલાં, મિત્રો, પાડોશીઓ, પરિચિતો સાંત્વન આપવા કે પોતાનું મોઢું બતાવવા પહોંચી ગયા. લતાબહેનની જન્મતિથિના દિવસે જ તેમના જીવન પર પૂર્ણવિરામ મુકાઈ ગયું.

એ રાત મિલન મઝુમદાર અને તેમનાં બંને સંતાનો માટે જીવનની સૌથી લાંબી રાત બની રહી.

 

।।।

‘‘નાનું સરખું ગોકુળિયું મારું...’’ વર્ષોથી આદત પ્રમાણે બીજી સવારે મિલન મઝુમદારના હોઠ પર શબ્દો આવી ગયા, પણ એ ચાર શબ્દો હોઠમાંથી સર્યા ત્યાં તેમના શરીરમાંથી લખલખું પસાર થઈ ગયું. તેમનું નાનું સરખું ગોકુળિયું વૈકુંઠ કરવાને બદલે વિઠ્ઠલે ઉજાડી દીધું હતું.

મિલન મઝુમદારના કાને ભણકારો વાગ્યોઃ ‘‘ઓ મારા નરસિંહ મહેતા!’’ અને તેમને ભ્રમ થયો કે લતા હાથમાં ચાના બે કપ સાથે કિચનમાંથી બહાર આવી રહી છે. જોકે બીજી જ ક્ષણે તેમને વાસ્તવિક્તાનો અહેસાસ થયો. મિલન મઝુમદાર લિવિંગ રૂમની ફરસ પર બેસી પડ્‌યા અને નાના બાળકની જેમ રડી પડ્‌યા. ધ્રુસકે ધ્રુસકે રડી લીધા પછી પણ તેઓ ક્યાંય સુધી હીબકાં ભરતા રહ્યા.

ડેડીના રડવાનો અવાજ સાંભળીને ચૈતાલી અસહાય બનીને તેના કમરામાં છાનું રૂદન કરી રહી હતી. અક્ષય તો મોડી રાતે ઊંઘની ગોળી ખાઈને સૂતો હતો એટલે ભર ઊંઘમાં હતો. પણ ચૈતાલી અને મિલન મઝુમદારે એ આખી રાત આંખનું મટકું પણ માર્યું નહોતું.

।।।

ડેડીના રડવાનો અવાજ બંધ થયો એટલે ચૈતાલી બાથરૂમમાં જઈને ચહેરા પર પાણીની છાલક મારીને બહાર આવી. તેણે ડેડીને ક્યારેય ભાંગી પડેલા જોયા નહોતા. મુશ્કેલ સંજોગોમાં પણ તેઓ હસી શકતા હતા. પણ અત્યારે તેમના ચહેરા પરથી લાગતું હતું કે તેમની ઝિંદગીમાં રાતોરાત દસ વર્ષ ઉમેરાઈ ગયા છે.

ચૈતાલી કશું બોલ્યા વિના ડેડીની બાજુમાં બેસી ગઈ અને તેણે ડેડીના હાથ પર હાથ મૂક્યો.

મિલન મઝુમદારે ફિક્કું હાસ્ય કરવાની નિરર્થક કોશિશ કરી. પણ ચહેરા પર હાસ્યને બદલે તેમની આંખોમાં ફરી વાર આંસુ ઊભરી આવ્યા. તેમણે નક્કી કર્યું હતું કે ચૈતાલી અને અક્ષયની સામે તેઓ પોતાની લાગણી પર કાબૂ રાખશે. પણ તેમનો એ નિશ્ચય તૂટી ગયો.

 ડેડીની આંખોમાં આંસુ જોઈને ચૈતાલી પણ લાગણીના પ્રવાહમાં તણાઈ ગઈ. બાપ-દીકરી એકબીજાને વળગીને ક્યાંય સુધી રડતાં રહ્યાં.

।।।

એ સવારથી મિલન મઝુમદારે ચા પીવાનું બંધ કરી દીધું. અઢી દાયકા સુધી પત્ની સાથે બેસીને સવારની ચા પીવાની આદત હતી. પત્નીનો સંગાથ છૂટ્‌યો એ સાથે ચાની આદત પણ છૂટી ગઈ. લતાબહેનની અણધારી વિદાય પછી મિલન મઝુમદારના ચહેરા પર સ્મિતનું સ્થાન ગમગીનીએ લઈ લીધું. ડેડીનો ગમગીન ચહેરો જોઈને, તેમની એકલતાની પીડા જોઈને ચૈતાલીનું હૃદય ચીરાઈ જતું. તે ડેડીને ખુશ કરવા પ્રયાસ કરતી રહેતી, પણ મિલન મઝુમદારના ચહેરા પર ક્યારેય હાસ્ય આવતું નહોતું.

બીજી બાજુ મમ્મીના અણધાર્યા મૃત્યુની અક્ષય પર અવળી અસર પડી હતી. તેને ઈશ્વર પ્રત્યે નફરત થઈ ગઈ હતી અને તે હતાશામાં સરી પડ્‌યો હતો. એ સ્થિતિમાં તેના કોઈ મિત્રએ તેને શરાબના રવાડે ચડાવી દીધો. ગમ ભુલાવવા માટે શરાબ અક્સીર ઈલાજ છે એવું તેના મિત્રએ તેના મનમાં ઠસાવી દીધું હતું. બીજી બાજુ તેના દિમાગ પર પૈસા કમાવાનું ઝનૂન સવાર થઈ ગયું હતું. એટલે તે એમબીએનો અભ્યાસ અધૂરો મૂકીને શેરબજાર તરફ વળી ગયો હતો. મિલન મઝુમદાર અને ચૈતાલીએ તેને શરાબ અને શેરબજારથી દૂર કરવાની કોશિશ કરી જોઈ, પણ અક્ષય તેમની કોઈ વાત સાંભળવા તૈયાર નહોતો. અક્ષયને કારણે મિલન મઝુમદાર વધુ અસ્વસ્થ રહેવા લાગ્યા. ચૈતાલી ઘરમાં સૌથી નાની હતી, પણ સંજોેગોએ તેને ઘરના વડીલની ભૂમિકા ભજવવા મજબૂર કરી દીધી. તે આગળ ભણવા ઈચ્છતી હતી, પણ જીવનમાં આવેલા અણધાર્યા વળાંકને કારણે તેણે ગ્રેજ્યુએશન પછી આગળ ભણવાનું માંડી 

વાળ્યું અને પિતાને મદદ કરવા કામ શોધવા લાગી. આ દરમિયાન મિલન મઝુમદારનું સંગીતકાર તરીકેનુવં નામ ઝાખું પડવા માંડ્‌યું હતું. પત્નીના મૃત્યુ પછી તેઓ સમય પર અસાઈનમેન્ટ પૂરા કરી શકતા નહોતા. તેમણે સંગીતકાર તરીકે નામના મેળવી હતી, પણ હવે તેઓ નવી ધૂનો તૈયાર કરતા હતા એમાં તેમની જૂની ધૂનો જેવો જાદુ જોવા મળતો નહોતો. ધીમે ધીમે તેમને કામ મળવાનું ઓછું થવા માંડ્‌યું અને થોડા મહિનાઓમાં તો એવી સ્થિતિ આવી ગઈ કે કોઈ જૂના મિત્રો જ આંખનાં શરમને કારણે તેમને રડ્‌યુંખડ્‌યું ાકમ આપતા એ સિવાય તેમને બીજું કોઈ કામ મળતું નહોતું.

મિલન મઝુમદારની આર્થિક સ્થિતિ કથળતી જતી હતી. બીજી બાજુ તેમના પુત્ર અક્ષય શેરબજારમાંથી કમાણી કરવાને બદલે લાખો રૂપિયાનું નુકસાન કર્યું એટલે મિલન મઝુમદારની જે કંઈ બચત હતી એ પણ ધોવાઈ ગઈ. એક વખત તો મિલન મઝુમદારે દીકરાને આર્થિક મદદ કરી. પણ બીજી વાર અક્ષય શેરબજારમાં મોટો જુગાર રમવા ગયો અને ઊંધા માથે પટકાયો એ નુકસાની સરભર કરવા માટે હાર્યો જુગારી બમણું રમે એ રીતે તે ક્રિકેટનો સટ્ટો રમ્યો અને એમાં પણ તે મોટી રકમ હારી ગયો. એ રકમ તે કોઈ ખેપાની માણસ પાસેથી પાંચ ટકા માસિક વ્યાજે લાવ્યો હતો. એ પૈસા ચૂકવવા તેના પર અંડરવર્લ્ડનું દબાણ આવ્યું અને તે એ સહન ના કરી શક્યો એટલે તેણે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું.

પત્નીના અણધાર્યા મૃત્યુ પછી પોતાના જુવાનજોધ દીકરાના કમોતે મિલન મઝુમદારને વધુ હતપ્રભ બનાવી દીધા. ઝિંદગી મઝુમદાર કુટુંબની આકરી કસોટી કરી રહી હતી. મિલન મઝુમદારને અંધારી ટનલમાંથી પસાર થઈ રહેલી વ્યક્તિને બીજા છેડાનો કોઈ અણસાર ના દેખાય ત્યારે થાય એવી, ગુંગળામણ થઈ રહી હતી.

અક્ષયે આત્મહત્યા કરી લીધી એના થોડા દિવસ પછી મિલન મઝુમદાર અને ચૈતાલી એક રવિવારે બોઝિલ દિવસ પસાર કરવા મથી રહ્યા હતા એ વખતે ફ્લેટની ડોરબેલ વાગી ઊઠી. મિલન મઝુમદારે દરવાજો ખોલ્યો ત્યારે સામે એક વ્યક્તિ ઊભી હતી. તેણે જે શબ્દો કહ્યા એ સાંભળીને મિલન મઝુમદાર અવાચક થઈ ગયા.

।।।

મિલન મઝુમદારે દરવાજો ખોલ્યો તો સામે તેમની અને લતાની કૉલેજ સમયની ફ્રેન્ડ બીનિતા ઊભી હતી. તેની સાથે બે મોટી બેગ હતી. ‘‘સરપ્રાઈઝ!’’ તેણે ઉમળકાભેર કહ્યું. મિલન મઝુમદાર થોડી વાર પૂતળાની જેમ સ્થિર થઈને તેના તરફ જોતા રહ્યા. બીનિતાએ હસીને તેમના ચહેરા સામે પોતાનો હાથ લોલકની જેમ હલાવીને કહ્યું, ‘‘હું છું બીનિતા, બીનિતા શાહ. ભૂત જોયું હોય એમ ડરી કેમ ગયો? અંદર આવવાનું નહીં કહે?’’

‘‘અરે! વેલ કમ, સૉરી, મને કલ્પના પણ નહોતી કે તું આવી ચડીશ.’’

મિલન મઝુમદાર બોલી રહ્યા હતા ત્યાં ચૈતાલી આવી ગઈ. તેણે બીનિતાને જોઈને ખુશીથી બૂમ પાડી, ‘‘બીનિતા આન્ટી!’’ તે વળગી પડી અને બીજી પળે તેના ગળામાં ડૂમો ભરાઈ આવ્યો. બીનિતાએ ચૈતાલીને વહાલ કર્યું અને તેની પીઠ થપથપાવી. ચૈતાલી નાનાં બાળકની જેમ રડી પડી. બીનિતા તેની પીઠ થપથપાવતી રહી. તેણે ચૈતાલીને મોકળા મને રડવા દીધી. મિલન મઝુમદારની આંખો પણ ભીની થઈ ગઈ. આંખોમાંથી પણ આંસુ વહી રહ્યાં હતાં.

 

।।।

‘‘હું થોડા દિવસ તમારા બંનેની સાથે રોકવા આવી છું.’’ થોડા સમય પછી મિલન મઝુમદાર અને ચૈતાલી સાથે સોફા પર બેઠાં બેઠાં બીનિતા કહી રહી હતી.

‘‘તમે આવ્યા તો બહુ સારું લાગ્યું, આન્ટી.’’ ચૈતાલીએ કહ્યું.

બીનિતા હસી. ‘‘હું સ્વાર્થી છું બીજાઓને ખુશ કરું ત્યારે મને મજા આવે છે એટલે જ અમેરિકાથી તમને બેયને મળવા દોડી આવી.’’

ચૈતાલી પણ હસી પડી. ‘‘ડેડીના શબ્દો છે આ તો! રાઈટ્‌સ લીધા છે તમે?’’

બીનિતાએ સ્મિત કર્યું અને કહ્યું, ‘‘હા. કૉલેજમાં અમને ધી છોકરીઓને ઈમ્પ્રેસ કરવા માટે મિલન આવા બધા શબ્દોનો ઉપયોગ કરતો હતો. ‘હું કોઈને પણ ખુશ કરું છું ત્યારે સામેવાળાના ચહેરા પર ખુશીની લાગણી જોઈને મને અજબ સુખની લાગણી થાય છે. બીજાઓને ખુશી આપવાથી કે મદદ કરવાથી મને ખુશી મળે છે, સુખ મળે છે, એટલે હું રોજ સવારે ઊઠું ત્યારે નક્કી કરું છું કે આજે કોઈ પણ બે વ્યક્તિને હું ખુશ કરીશ. એટલે દિવસમાં મિનિમમ બે વાર તો હું ખુશ થઈશ જ!’ આવું મિલન કહેતો.’’

મિલન મઝુમદારના ચહેરા પર પણ સ્મિત આવી ગયું. લતાના મૃત્યુ પછી આજે પહેલી વાર તેમના ચહેરા પર સ્મિત આવ્યું હતું. એ જોઈને ચૈતાલી પણ મલકી પડી.

બીનિતા મોકળા મને હસી પડી. તેણે કહ્યું, ‘‘જો આજે મેં બે વ્યક્તિને તો ખુશ કરી એટલે મારો આજનો ક્વોટા પૂરો થઈ ગયો!’’

ચૈતાલી બોલી પડી, ‘‘તો તમે પણ સ્વાર્થી થઈ જ ગયાં આન્ટી!’’

બીનિતા, ચૈતાલી અને મિલન મઝુમદાર ત્રણેય એક સાથે હસી પડ્‌યાં. કહ્યું, ‘‘મિલનની ફિલોસોફીથી છોકરીઓ તેના તરફ બહુ આકર્ષાતી હતી. મિલન કહેતો કે, દુનિયાનો દરેક માણસ માત્ર એટલું જ નક્કી કરે કે આજે હું કોઈ પણ બે માણસને ખુશી આપીશ કે મદદ કરીશ તો આખી દુનિયા જ બદલાઈ જાય!’’

મિલન મઝુમદાર ફિક્કું હસ્યા. ‘‘પણ અત્યારે તો મારી જ દુનિયા બદલાઈ ગઈ છે!’’ તેમણે કહ્યું.

બીનિતાએ મિલનના એ શબ્દો સામે પ્રતિક્રિયા આપવાને બદલે ચૈતાલી સામે જોઈને પોતાની વાત ચાલુ રાખી. ‘‘આપણું સુખ કે આપણી ખુશી બીજા કોઈ પર આધારિત ના હોવો જોઈએ. બીજા માણસો આપણા માટે શું કરે છે કે કરી શકે છે એના કરતાં આપણે આપણી આજુબાજુના માણસો માટે શું કરી શકીએ છીએ એ રીતે દરેક માણસ વિચારે તો દુનિયામાં બધાને માટે જીવન બોજરૂપ નહીં આનંદના સાગર જેવું બની જાય.’’

બીનિતા અટકી. તેણે ચૈતાલીના ચહેરા પરથી મિલનના ચહેરા પર નજર માંડી. મિલનના ચહેરા પર વિષાદયુક્ત સ્મિત હતું.

બીનિતાએ ફરી વાર ચૈતાલી સામે જોઈને કહ્યું, ‘‘આવી તો કેટલીય વાતો મિલન મઝુમદાર પાસેથી સાંભળવા મળતી. ઘણી વાર તેની કેટલીક વાતો વિરોધાભાસી પણ લાગતી, પણ બધા તેને વાક્‌પ્રવાહમાં તણાઈ જતા અને કોઈ ભૂલે ચૂકેય એ વિશે સવાલ કરે તો મિલન પાસે સચોટ જવાબ રહેતો. તે કહેતો કે, ‘ભગવદ્‌ ગીતા વાંચી જાઓ. શ્રીકૃષ્ણએ વિરોધાભાસી વાતો નહીં, વિરોધાભાસી વર્તન પણ કર્યું હતું. ગાંધીજીને વાંચી જાઓ. ગાંધીજીએ પોતે જ અનેક જગ્યાએ સ્વીકાર્યું છે કે પોતે અગાઉ આમ કહ્યું હતું અને અત્યારે આમ કહે છે. તેઓ કહેતા કે હું અત્યારે જ કહું છું તેને સત્ય ગણવું. એટલે મારી કોઈ વાત વિરોધાભાસી લાગે તો જ્યાં જરૂર પડે ત્યાં કૃષ્ણ અને જરૂર લાગે ત્યાં ગાંધીજીને નજરમાં રાખીને મને સમજવાની કોશિશ કરવી. કૃષ્ણ અને ગાંધીજી કે બીજા મહાન માણસોનો અંતિમ ધ્યેય તો લોકોનું ભલું કરવાનો જ હતો.’ એવું જ મિલન મઝુમદારનું છે!’’

સહેજ અટકીને બીનિતાએ કહ્યું, ‘‘મિલન ઘણીવાર પોતાનો ત્રીજા પુરુષ એક વચનમાં ઉલ્લેખ કરતો એટલે ઘણા મિત્રો તેની મજાક પણ ઉડાવતા. પણ કૉલેજની છોકરીઓ માટે તે હીરો હતો. મિલન બધાથી જુદો પડતો હતો અને કૉલેજના ફેસ્ટિવલ્સમાં તે ગાવા માટે માઈક હાથમાં લેતો ત્યારે બધા મંત્રમુગ્ધ થઈને તેને સાંભળતા રહેતા. કૉલેજમાં કેટલીય છોકરીઓ એવી હતી કે મિલન મઝુમદાર સાથે ઝિંદગી વિતાવવાનાં સપનાં જોતી હતી, પણ મિલનને લતા પસંદ પડી ગઈ હતી. ઘણી છોકરીઓ તો કહેતી કે મિલન મઝુમદાર પતિ તરીકે નહીં મળે તો તેઓ જીવનભર અપરિણીત રહેવાનું પસંદ કરશે.’’

‘‘વાઉ! રિયલી ?’’ ચૈતાલીએ પૂછ્‌યું.

‘‘રિયલી. બીજી છોકરીઓની તો મને ખબર નથી પણ એક છોકરીએ ખરેખર મિલનને કારણે જીવનભર એકલાં રહેવાનું પસંદ કર્યું. મિલનને કૉલેજમાં ફ્રેન્ડ્‌સ ‘સરપ્રાઈઝ માસ્ટર’ કહેતા હતા. ફ્રેન્ડ્‌સને તેના તરફથી અવારનવાર સરપ્રાઈઝ મળતી રહેતી હતી. તે સરપ્રાઈઝના અવનવા નુસખા અજમાવતો રહેતો. એક દિવસ એક છોકરીએ તેને લાલ ગુલાબનું ફૂલ આપીને મિલનને સરપ્રાઈઝ આપવાનું નક્કી કર્યું. તેને ત્યારે ખબર નહોતી કે મિલનને લતા ગમે છે. પણ એ દિવસે એ છોકરી મિલનને લાલ ગુલાબી આપીને ‘આઈ લવ યુ’ કહે એ પહેલાં તો મિલને તેને અને કૉલેજના બધા વિદ્યાર્થીઓને અને પ્રોફેસર્સને પણ આશ્ચર્યચકિત કરી દીધા. એ દિવસે કૉલેજનો એન્યુઅલ ડે હતો. કૉલેજના એ વાર્ષિકોત્સવમાં મિલને સ્ટેજ પર જઈને એક રોમેન્ટિક ગીત ગાયું અને ગીત પૂરું થયા પછી તેણે કહ્યું, ‘આજે મારે કોઈને એક સાવલ પૂછવો છે. હું એક છોકરીને પ્રેમ કરું છું એ છોકરી મને પ્રેમ કરે છે કે નહીં એ મારે જાણવું છે.’

પછી તેણે કહ્યું, ‘આઈ લવ યુ લતા, ડુ યુ લવ મી?’ એ સાંભળીને લતા જ્યાં બેઠી હતી એ તરફ બધાની નજર ગઈ. લતા પૂતળાની જેમ સ્થિર થઈ ગઈ હતી, પણ તેનો ચહેરો શરમથી અને ખુશીથી રતુંબડો થઈ ગયો હતો. મિલને ફરી વાર પૂછ્‌યું, ‘ડુ યુ લવ મી લતા?’ લતાની બાજુમાં બેઠેલી તેની ફ્રેન્ડે લતાને ઢંઢોળી. લતા ઊભી થઈને સ્ટેજ તરફ દોડી. સ્ટેજ પર જઈને તે મિલનને વળગી પડી. લતા એ વખતે સાતમા આસમાનમાં વિહરતી હતી અને તેની એક ફ્રેન્ડ લાગ્યું કે તે જાણે આસમાનમાંથી જમીન પર પટકાઈ પડી છે. તે ફ્રેન્ડ એ દિવસે મિલનને ‘આઈ લવ યુ’ કહેવાનો નિશ્ચય કરીને આવી હતી. એ દિવસે તેણે નિશ્ચય કરી લીધો કે તે આજીવન અપરિણીત રહેશે. મિલન મઝુમદાર સિવાય બીજો કોઈ તેનો પતિ બની શકે નહીં.’’

ચૈતાલી અને મિલન મઝુમદાર એક સાથે બોલી ઊઠ્‌યાઃ ‘‘કોણ હતી એ છોકરી?’’

બીનિતા ફિક્કું હસીને બોલીઃ ‘‘બીનિતા શાહ!’’

 

।।।

‘તું?’ મિલન મઝુમદારની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ.

‘પણ તેં તો ક્યારેય મને અણસાર સુધ્ધાં આપ્યો નહોતો?’ તેમણે કહ્યું.

બીનિતાએ ફરી ફિક્કું હાસ્ય કર્યું અને કહ્યું, ‘એના માટે પણ તું જ જવાબદાર હતો.’

મિલન મઝુમદારે કહ્યું, ‘હા, હું લતાને એટલો પ્રેમ કરતો હતો કે બીજી કોઈ છોકરીઓને એ નજરે જોઈ જ શકતો નહોતો જે નજરે હું લતાને જોતો હતો.’

‘ના. ના. હું એ અર્થમાં નથી કહેતી.’ બીનિતા મિલનને વચ્ચે જ અટકાવતાં બોલી પડી, ‘તું દરરોજ જુદાં-જુદાં વાક્યો દ્વારા કૉલેજમાં તારી ફિલોસૉફીનો પ્રસાર કરતો હતો. એ ફિલોસૉફી હું એક ડાયરીમાં નોંધતી હતી. એમાં એક વાક્ય એવું પણ હતું કે તમે જેને પ્રેમ કરતા હો તેની સાથે પરણવાને બદલે જે તમને પ્રેમ કરતી હોય એવી વ્યક્તિને પરણવું જોઈએ. હું તને પ્રેમ કરતી હતી, પણ તું તો લતાને પ્રેમ કરતો હતો એટલે પછી તને મારી લાગણી વિશે કહીને સમય બગાડવાનો કોઈ અર્થ નહોતો.’

મિલને કહ્યું, ‘અરે! તું મને પ્રેમ કરતી હતી અને હું લતાને પ્રેમ કરતો હતો, પણ તું કોઈ બીજાને તો પરણી શકી હોતને! તારા જેવી રૂપાળી છોકરીને પ્રેમ કરવાવાળા તો કેટલાય છોકરાઓ મળી રહેત.’

‘મળ્યા હતા ને. અનેક છોકરાઓએ મારી સમક્ષ પ્રેમનો એકરાર કર્યો હતો અને એમાંનો એક છોકરો તો તેના શરીર પર સિગારેટના ડામથી મારું નામ લખીને આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે તું મારા પ્રેમનો સ્વીકાર નહીં કરે તો હું જીવતો સળગી મરીશ!’ બીનિતાએ કહ્યું.

‘ઓહ માય ગૉડ!’ ચૈતાલી બોલી પડી, ‘તમને એટલો પ્રેમ કરનારા છોકરાને તમે કેમ પરણી ન ગયાં?’

બીનિતા હસી પડી. તેણે કહ્યું, ‘એમાં મારા જીવનની ફિલોસૉફી મને નડી ગઈ હતી.’

‘તારી પણ ફિલોસૉફી હતી?’ મિલન મઝુમદાર બોલ્યા વિના ન રહી શક્યા. ‘તું તો અલ્લડ છોકરીની જેમ કૉલેજમાં ધમાલમસ્તી જ કરતી રહેતી હતી અને મને તો એવું જ લાગતું હતું કે તું કૉલેજમાં ભણવાને બદલે ટાઇમપાસ કરવા જ આવતી હતી.’

‘કેમ, મજાકમસ્તી કરતી વ્યક્તિઓની જીવન માટે કોઈ ફિલોસૉફી ન હોય?’ બીનિતાએ કહ્યું, ‘મારા જીવનનની ફિલોસૉફી એ હતી કે હું જેને પ્રેમ કરીશ એવા પુરુષને જ પરણીશ.’

‘તો મારા સિવાય બીજો કોઈ પુરુષ ન મળ્યો જેના માટે તને પ્રેમ થઈ શકે?’ મિલન મઝુમદારે પૂછ્‌યું.

‘ના. તારા સિવાય બીજા કોઈ પુરુષને હું એ નજરે જોઈ જ ન શકી.’ બીનિતાએ કહ્યું...

।।।

બીનિતા અને મિલન વાતોમાં એટલાં તલ્લીન થઈ ગયાં કે તેમને ચૈતાલીની હાજરીનું પણ ધ્યાન ન રહ્યું.

ચૈતાલીએ થોડી વાર સેલફોનમાં ધ્યાન હોવાનો ડોળ કર્યો. પછી એ હળવેથી ત્યાંથી ઊભી થઈને જતી રહી. તેણે એવો ડોળ કર્યો કે જાણે તેને કોઈનો કૉલ આવી રહ્યો હોય.

 જોકે તેણે એવું ન કર્યું હોત તો પણ બીનિતા અને મિલન કદાચ તેની નોંધ ન લઈ શકત એટલાં તે બન્ને વાતોમાં મશગૂલ થઈ ગયાં હતાં.

 

।।।

એ રાતે ચૈતાલીએ બીનિતા આન્ટી સાથે કલાકો સુધી વાતો કરી. ચૈતાલીએ બીનિતાને કહ્યું કે તે એક છોકરાના પ્રેમમાં છે પણ ડૅડીને કહી શકતી નથી. એ છોકરો લગ્ન માટે જીદ કરે છે, પણ ડૅડીને તેમની આવી હાલતમાં એકલા મૂકીને લગ્ન કરવાનું પોતે વિચારી પણ શકે એમ નથી.

એ રાતે ચૈતાલીએ બીનિતા આન્ટીને બીજી પણ એક વાત કરી. ચૈતાલીએ મન મોકળું કરીને બીનિતા આન્ટી સાથે વાતો કરી અને તેમને વળગીને ફરી વાર રડી પણ લીધું.

 એ રાતે ચૈતાલી ઘણા સમય પછી ઘસઘસાટ ઊંઘી ગઈ, પણ બીનિતાની ઊંઘ ઊડી ગઈ હતી. વહેલી સવારે બે કલાક જેટલી ઊંઘ કરીને તે ઊઠી ગઈ અને સવારે તેણે ચૈતાલીને પણ ઉઠાડી. એ સવારે મિલન મઝુમદારે બીનિતાના આગ્રહથી પત્નીના મૃત્યુ પછી પહેલી વાર ચા પીધી. તેમણે ચૈતાલી અને બીનિતા સાથે ખૂબ વાતો કરી.

।।।

બપોર પછી બીનિતા ચૈતાલી સાથે શૉપિંગ કરવા ઊપડી ગઈ. મિલન મઝુમદાર કહેવા ઇચ્છતા હતા કે શૉપિંગ તો પછી પણ થઈ શકશે, પણ બીનિતાના આગમનને કારણે ચૈતાલી પણ ઉત્સાહથી થનગની રહી હતી એટલે તેઓ કંઈ બોલ્યા નહીં.

થોડા કલાકો પછી ડૉરબેલ વાગી. મિલન મઝુમદારે દરવાજો ખોલ્યો તો ચૈતાલી અને બીનિતા ખાલી હાથે ઊભાં હતાં.

‘અરે! તમે બેય તો શૉપિંગ કરવા ગયાં હતાંને?’ મિલન મઝુમદારે આશ્ચર્યથી કહ્યું.

‘સરપ્રાઇઝ!’ બીનિતા અને ચૈતાલી એકસાથે બોલી પડ્‌યાં.

મિલન મઝુમદાર ગૂંચવાઈ ગયા.

ચૈતાલી અને બીનિતા શૉપિંગ કરવા ગયાં હતાં અને ખાલી હાથે પાછાં આવી ગયાં એમાં વળી શું સરપ્રાઇઝ હતી. તેમણે સમજવાની કોશિશ કરી.

બીનિતાએ ઇશારો કર્યો અને એક નમણી છોકરી શરમાતાં-શરમાતાં મિલન મઝુમદારની સામે આવીને ઊભી રહી. મિલન મઝુમદાર કંઈ બોલે એ પહેલાં તે તેમને પગે લાગી.

મિલન મઝુમદાર બાઘાની જેમ ઊભા હતા. તેમને કંઈ સમજાયું નહીં.

બીનિતાએ કહ્યું, ‘આ છોકરીનું નામ શ્વેતા છે. બીજી વાત એ છે કે એ અક્ષયની પ્રેમિકા છે અને ત્રીજી વાત એ છે કે અક્ષય સાથેના સંબંધને કારણે તે પ્રેગ્નન્ટ બની છે. અને છેલ્લી વાત એ કે અક્ષયના અચાનક મૃત્યુને કારણે તેણે પણ આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી.’

મિલન મઝુમદાર થોડી ક્ષણો સુધી અવાક બનીને ઊભા રહ્યા. ચૈતાલીએ કહ્યું, ‘ડૅડ!’

‘હં...’ મિલન મઝુમદાર જાણે બેહોશીમાંથી હોશમાં આવી રહ્યા હોય એ રીતે બોલ્યા.

પછી તેમણે શ્વેતાના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, ‘આવ બેટા. આ ઘરમાં તારું સ્વાગત છે.’

શ્વેતા પોતાની લાગણી પર કાબૂ ન રાખી શકી. તે મિલન મઝુમદારને વળગીને રડી પડી.

‘સૌ સારાં વાનાં થઈ જશે.’ મિલન મઝુમદારે તેને ભીની આંખે કહ્યું.

ચૈતાલી અને બીનિતાની આંખોમાંથી પણ આંસુ સરી રહ્યાં હતાં.

।।।

મિલન મઝુમદાર હવે અગાઉની જેમ જ ઉત્સાહભેર ગાયક-સંગીતકાર તરીકે સક્રિય થઈ ગયા હતા. ફરી વાર તેમનું નામ ગાજવા માંડ્‌યું હતું.

તેમણે ચૈતાલી જે છોકરા સાથે પ્રેમમાં હતી તેની સાથે તેની સગાઈ કરાવી દીધી હતી અને થોડા સમય પછી ચૈતાલીનાં લગ્ન કરવાનું પણ તેમણે નક્કી કરી નાખ્યું હતું.

હવે તેમને એક જ ચિંતા સતાવી રહી હતી. અક્ષયની સગર્ભા પ્રેમિકા શ્વેતાને જોઈને તેમના હૃદય પર જાણે કેટલાય મણનો બોજ ખડકાઈ જતો હતો.

એક દિવસ મિલન મઝુમદારનો એક શિષ્ય અજય તેમને મળવા આવી ચડ્‌યો. મિલન મઝુમદારે તેની સાથે વાત કરતી વખતે શ્વેતા વિશે ઉલ્લેખ કર્યો અને નિસાસો નાખ્યો.

 અજય તેમની વાત સાંભળતો બેસી રહ્યો, પણ મિલન મઝુમદારની વિદાય લેતી વખતે તેણે કહ્યું, ‘તમને અને શ્વેતાને વાંધો ન હોય તો હું શ્વેતા સાથે લગ્ન કરવા તૈયાર છું.’

મિલન મઝુમદાર પોતાના શિષ્યની સામે જોતા જ રહી ગયા. તેમણે કહ્યું, ‘આવો નિર્ણય ઉતાવળે ન લેવો જોઈએ. તું શાંતિથી વિચારીને ફરી વાર મળે ત્યારે કહેજે. શ્વેતાના પેટમાં અક્ષયનું બાળક છે એ વાત તને ફરી વાર યાદ કરાવી દઉં. એ નજર સામે રાખીને વિચારજે અને પછી નિર્ણય લેજે.’

મિલન મઝુમદારનો શિષ્ય અજય થોડા દિવસ પછી ફરી વાર તેમને મળવા આવ્યો.

મિલન મઝુમદાર કંઈ બોલે એ પહેલાં જ તેણે કહી દીધું : ‘મેં ફરી-ફરીને વિચારી લીધું છે. હું શ્વેતા સાથે લગ્ન કરવા તૈયાર છું.’

‘પણ તારા ઘરમાં બધાને...’ મિલન મઝુમદાર પૂછવા જતા હતા, પણ વચ્ચે જ અજય બોલ્યો, ‘મારા ઘરમાં બધા વિરોધ કરે છે, પણ મને એની પરવા નથી. હું ઘર છોડી દઈશ.’

એ દિવસે મિલન મઝુમદારે અજયને પોતાનો દીકરો બનાવીને પોતાના ઘરમાં જ રાખી લીધો.

 

।।।

‘ડૅડી, બીનિતા આન્ટી આવ્યાં અને ફરી આપણા ઘરમાં રોનક આવી ગઈ.’ બીનિતાની હાજરીમાં ચૈતાલી પિતાને કહી રહી હતી.

‘હા, બીનિતામાં ઊર્જાનો ધોધ છે. કૉલેજમાં તેને બધા મજાકમાં પાવરહાઉસ કહેતા હતા.’ મિલન મઝુમદારે કહ્યું. તેઓ આગળ બોલવા જતા હતા, પણ ચૈતાલીએ તેમને સીધો જ સવાલ કરી નાખ્યો, ‘ડૅડી, તમે બીનિતા આન્ટી સાથે લગ્ન કરશો?’

મિલન મઝુમદાર ચૈતાલીના ચહેરા સામે તાકી રહ્યા.

‘બોલો ડૅડી.’ ચૈતાલીએ તેમને જવાબ આપવાની તાકીદ કરી.

 

।।।

મિલન મઝુમદાર અને બીનિતા શાહે સાથે બેસીને ચૈતાલીનું કન્યાદાન કર્યું અને શ્વેતાને અજય સાથે પરણાવવાની વિધિમાં ભાગ લીધો.

ચૈતાલી વિદાય લેતી વખતે પિતાને અને બીનિતા મમ્મીને વળગીને બહુ રડી. તેમનાથી છૂટા પડવાની વેદનાની સાથે પિતાનું અને ભાઈની પ્રેમિકાનું ઘર વસાવવાનો હરખ પણ તેના મનમાં હતો.

ચૈતાલીએ તેના નવા ભાઈ અજયને ગળે વળગીને કહ્યું, ‘થૅન્ક યુ, ભાઈ.’

શ્વેતા ચૈતાલીને વળગીને રડી પડી. તેણે ચૈતાલીનો અને બીનિતાનો આભાર માન્યો.

ચૈતાલીએ બીનિતા મમ્મીની વિદાય લેતાં કહ્યું, ‘થૅન્ક્સ શબ્દ બહુ નાનો લાગે છે એટલો મોટો ઉપકાર તમે મારા પર કર્યો છે.’

બીનિતાએ તેના ગાલે પ્રેમથી ટપલી મારીને કહ્યું, ‘અરે! થૅન્ક યુ તો મારે તને કહેવાનું છે.’

મિલન મઝુમદારે કહ્યું, ‘કોઈએ એકબીજાને થૅન્ક કહેવાનું નથી.’ પછી બે સેકન્ડના પોઝ બાદ તેઓ હસી પડ્‌યા.

 તેમણે કહ્યું, ‘મારે તમને બધાને થૅન્ક યુ કહેવાનું છે. માણસ પડી ભાંગ્યો હોય ત્યારે તેની નજીકના માણસો ધારે તો તેને ફરી ઊભો કરી શકે છે...’

બીનિતાએ કહ્યું, ‘મિલન મઝુમદારની ફિલોસૉફી નંબર પાંચસો આડત્રીસ! ચૈતાલી મારી ડાયરી ક્યાં પડી છે?’

 

।।।

બીજી સવારે બીનિતાએ ચા બનાવવા કિચનમાં પ્રવેશ કર્યો ત્યારે મિલન મઝુમદાર નરસિંહ મહેતાનું પ્રભાતિયું ગાઈ રહ્યા હતા : ‘નાનું સરખું ગોકુળિયું મારા વિઠ્ઠલે વૈકુંઠ કીધું...’

 

(રિયલ લાઇફની કેટલીક ઘટનાઓમાં કલ્પનાના રંગો પૂરીને આ વાર્તા લખાઈ છે.)