હેપ્પી બર્થડે વર્ષાબેન.
વોશિંગ્ટનમાં કેપિટલ હિલ એટલે કે અમેરિકન સંસદની લાઈબ્રેરી ઑફ કોંગ્રેસ દુનિયાભરની સૌથી મોટી લાઈબ્રેરી છે અને એમાં ત્રણ હજારથી વધુ કર્મચારીઓ ફરજ બજાવે છે. લાઈબ્રેરી ઑફ કોંગ્રેસમાં દુનિયાની 460 ભાષાઓની 167 મિલિયન્સ (પોણા સત્તર કરોડ) જેટલી આઈટમ્સ છે. એ આઈટમ્સમાં 38 મિલિયન બુક્સ અને પ્રિન્ટેડ મટિરિયલ્સ, 8.1 મિલિયન મ્યુઝિક પીસીસ ઓફ મ્યુઝિક તથા 3.6 મિલિયન રેકોર્ડિંગ્સ 1.4 મિલિયન ફોટોગ્રાફ્સ, 70 મિલિયન મેન્યુ સ્ક્રિપ્ટ્સ અને ઉપરાંત 5.5 મિલિયન નકશાઓનો અને 122 મિલિયન નોનક્લાસિફાઈડ આઈટમ્સનો સમાવેશ થાય છે. આ બધી આઈટમ્સ લાઈબ્રેરી ઑફ કોંગ્રેસની ત્રણ ઇમારતોમાં હજારો શેલ્વ્ઝમાં ગોઠવાયેલી છે. એ આઈટેમ્સને એક લાઈનમાં મૂકવામાં આવે તો એની લંબાઈ આશરે એક હજાર કિલોમીટર જેટલી થાય! એ લાઈબ્રેરીમાં જગતભરના ધુરંધર સાહિત્યસર્જકોના અવાજમાં તેમની સિલેક્ટેડ કૃતિઓ અને તેમની કૃતિઓ વિશેની તેમની ટિપ્પણી સાંભળી શકાય. મને અમેરિકન સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ સ્ટેટના ખાસ આમંત્રિત તરીકે અમેરિકાની મુલાકાત લેવાની તક મળી એ વખતે હું લાઈબ્રેરી ઑફ કોંગ્રેસમાં ગયો હતો. લાઈબ્રેરી ઑફ કોંગ્રેસમાં ભારતની 14 ભાષાઓના દિગ્ગજ સાહિત્યકારોના અવાજ એ વખતે સાંભળી શકાતા હતા. એમાં ઉર્દુપ્રેમીઓ નિદા ફાઝલી અને કૈફી આઝમીની કૃતિઓ અને એ કૃતિઓ વિશેની તેમની ટીપ્પણી તેમના અવાજમાં સાંભળી શકે એવી જ રીતે ખુશવંતસિંહ, ભીષ્મ સહાની, મુલ્કરાજ આનંદ, હરિવંશરાય બચ્ચન, કમલેશ્વર અને અટલબિહારી બાજપાઈ કે અરૂંધતી રોયના અવાજ પણ ત્યાં સાંભળી શકાય. ભારતના જે 28 મહાન સાહિત્યકારોના અવાજ એમાં ઉપલબ્ધ હતાં એમાં એક ગુજરાતી સાહિત્યકારનો અવાજ મેં સાંભળ્યો અને મારા રુંવાડાં ઊભા થઈ ગયા હતા.
વિશ્વની સૌથી મોટી લાઈબ્રેરી ઑફ કોંગ્રેસમાં મેં જે ગુજરાતી સાહિત્યકારનો અવાજ સાંભળ્યો હતો એ વર્ષા અડાલજાનો હતો! ( પછી મેં મુંબઈ આવીને વર્ષાબેન સાથે વાત કરી ત્યારે ખબર પડી હતી કે મુંબઈની યુસિસ લાઈબ્રેરીમાં ૨૧ ડિસેમ્બર, ૨૦૦૧ના દિવસે તેમનો અવાજ લાઈબ્રેરી ઑફ કોંગ્રેસ માટે રેકોર્ડ કરવામાં આવ્યો હતો. )
વર્ષાબેન ત્રણ દાયકાથી મારા માટે મધર્લી ફિગર રહ્યા છે. લાઈબ્રેરી ઑફ કોંગ્રેસમાં વર્ષા અડાલજાની ટૂંકી વાર્તા તેમના અવાજમાં સાંભળી શકાય. તો તેમની મહાન રચના 'મંદોદરી'માંના મંદોદરી અને સીતા વચ્ચેના સંવાદો, તેમનો એક નિબંધ અને તેમની અત્યંત જાણીતી નવલકથા 'ગાંઠ છૂટ્યાની વેળા'નું છેલ્લું પ્રકરણ અને વર્ષાબેન એ નવલકથામાં શું કહેવા માગે છે એ તેમના જ અવાજમાં લાઈબ્રેરી ઑફ કોંગ્રેસમાં તેમના ચાહકો સાંભળી શકે.
વિચાર કરો આખા દેશના 28 ધુરંધર સાહિત્યકારોના અવાજ લાઈબ્રેરી ઑફ કોંગ્રેસમાં તેમની કૃતિઓ સાંભળી શકાય. એમાંનો એક અવાજ વર્ષા અડાલજાનો હતો. ત્યારે રોમાંચ થઈ આવ્યો હતો!
***
વર્ષાબેન માટે લખવું હોય તો એક પુસ્તક પણ ઓછું પડે. વર્ષાબેન સાથેની ત્રણ દાયકાની અઢળક યાદો છે. વર્ષાબેનને ગુજરાતી સાહિત્ય પરિષદનો સર્વોચ્ચ રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો એ તો તેમના બધા વાચકોને ખબર હશે જ પણ જે મિત્રોને ખબર ન હોય તેમને કહી દઉં કે પિતા અને પુત્રી બંનેને રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો હોય એવો એક માત્ર કિસ્સો ગુણવંતરાય આચાર્ય અને વર્ષા અડાલજાનો છે. યસ, વર્ષાબેનના પિતા અને ગઈ સદીના આલા દરજ્જાના સાહિત્યકાર ગુણવંતરાય આચાર્યને 1945માં રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો અને 2005માં વર્ષાબેનને એ સુવર્ણચંદ્રક મળ્યો હતો.
આ તો ગુજરાતી સાહિત્ય પરિષદની વાત છે પણ વર્ષાબેનને તેમની અણસાર નવલકથા માટે રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે. વર્ષાબેનને મળેલા એવોર્ડ્સની યાદી આપવી હોય તો એના માટે એક અલગ લેખ લખવો પડે.
વર્ષો અગાઉ લંડનમાં ઈન્ટરનેશનલ બુક ફેરનું આયોજન થયું હતું. એમાં આખા ભારતમાંથી 45 ડેલિગેટ્સને આમંત્રણ મળ્યું હતું એમાં ભારતના 10 સાહિત્યકારો હતા. અને એ 10 સાહિત્યકારોમાં વર્ષાબેનનો સમાવેશ થયો હતો. વર્ષાબેને એ ઈન્ટરનેશનલ બુક ફેરમાં જુદી-જુદી ચાર ઇવેન્ટમાં સ્પીચ આપી હતી. એમાંની એક ઈવેન્ટમાં વર્ષાબેને સ્પીચ આપી ત્યારે ઓડિયન્સમાં જાવેદ અખ્તર અને પ્રસૂન જોશી સહિતના અનેક નામાંકિત ચહેરાઓ હાજર હતા. વર્ષાબેને ઈંગ્લિશમાં એ સ્પીચ આપી એ પછી જાવેદ અખ્તર તેમને સામેથી મળવા આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે તમે વાત કરી કે રિજિયોનલ લેંગ્વેજીસને અન્યાય થાય છે. હું તમારી એ વાત સાથે સહમત છું.
વર્ષાબેન ઈન્ટરનેશનલ બુક ફેરમાં ભાગ લેવા ગયા એ વખતે લંડનસ્થિત ઇન્ડિયન હાઈ કમિશનરે ઈન્ડિયા હાઉસમાં પાર્ટીનું આયોજન કર્યું હતું એમાં લંડનની ઘણી સેલિબ્રિટીઝ ઉપસ્થિત રહી હતી અને એ વખતે એમાં ઘણા લંડનસ્થિત ભારતીય નામાંકિત વ્યક્તિઓનો સમાવેશ થયો હતો.
વર્ષાબેન 'જન્મભૂમિ' જૂથના સુધા મેગેઝિનમાં 1974માં તંત્રી તરીકે જોડાયા હતા અને 1979 સુધી તેમણે ત્યાં જ તંત્રી તરીકે ફરજ બજાવી હતી. 1972માં દૂરદર્શનના મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત થયેલી પહેલીવહેલી ગુજરાતી સિરિયલ વર્ષાબેનની 'મારે પણ એક ઘર હોય' નવલકથા પરથી બની હતી. તો તેમની 'શગ રે સંકોરું ' નવલકથામાં ધર્મના નામે સ્ત્રીના શોષણની વાત તેઓ લઈ આવ્યા હતા. જો કે વર્ષાબેનની નાયિકા હોય એટલે એ અનોખી જ હોય. એ નવલકથાની નાયિકા આવું શોષણ મૂંગે મોઢે સહન કરવાને બદલે પતિ સામે મેદાને પડે છે અને પોતાના પતિને ઘર છોડી જવા ફરજ પાડે છે. એ નવલકથા એક અખબારમાં ધારાવાહિક રૂપે પ્રકશિત થતી હતી ત્યારે પહેલાં બે જ પ્રકરણ પછી કેટલાક અડિયલ વાચકોએ એનો વિરોધ કર્યો અને નવલકથા ત્યાંથી જ અટકાવી દેવા માટે તેમના પર અને અખબાર પર દબાણ કર્યું. જો કે વર્ષાબહેને એવા અલેલટપ્પુઓને ગાંઠ્યા વિના નવલકથા લખવાનું ચાલુ રાખ્યું હતું અને અખબારે એને પ્રકાશિત કરવાનું ચાલુ રાખ્યું હતું.
વર્ષાબેનની સાથે કેટકેટલી યાદો સંકળાયેલી છે. હું અને ગીતા માણેક પત્રકારત્વમાં નવા નવા હતાં ત્યારે વર્ષાબેનની અમને ખૂબ હુંફ મળી છે. અમે ગમે ત્યારે વર્ષાબેનના ઘરે જઈ શકતા. ભૂખ્યા હોઈએ તો હકથી શરમાયા વિના ખાવા બેસી જતા. હું મારી અંદર ઉઠતો આક્રોશ તેમની સામે વ્યક્ત કરી શકતો. તેમની સામે મોકળા મને હસી શકતો, રડી શકતો. અને આજે પણ વર્ષાબેનની સાથે હાઈ હલ્લો કરવા માટે પણ કોલ કર્યો હોય તો એ કોલ અડધો કલાક, એક કલાક કે દોઢ કલાક સુધી ચાલે અને અમારી પાસે વાતોના વિષય ખૂટે નહીં. પછી અમે નક્કી કરીએ કે હવે શાંતિથી મળીએ ત્યારે ખૂબ બધી વાતો કરીશું.
વર્ષાબેન મારી પચાસમી બુકની લોન્ચિંગમાં આવ્યા હતા એ વખતે વર્ષાબેન અને હું ભેટ્યા ત્યારે અમારા બંનેની આંખો ભીની થઈ ગઈ હતી. વર્ષાબેને સ્ટેજ પરથી કહ્યું હતું કે આશુની પહેલી બુકની પણ હું સાક્ષી છું અને પચાસમી બુકની પણ સાક્ષી છું. (મારી પહેલી બુકમાં મેં લખ્યું હતું કે આ જેમની વાત્સલ્યધારામાં હંમેશાં ભીંજાતો રહ્યો છું એવા વર્ષાબેન અત્યારે યાદ આવે છે).
વર્ષાબેન માત્ર મારી પહેલીથી પચાસમી બુકના જ નહીં મારી ચડતીપડતીના અને દરેક સમયના સાક્ષી છે. વર્ષાબેન સાથે જે ક્ષણો માણી છે એ લખવા માટે તો આખું પુસ્તક પણ ઓછું પડે. પણ કેટલીક ક્ષણો અત્યારે યાદ આવે છે. અમે ગીતાના અને મારા સૌથી અંગત મિત્ર (જે જોગાનુજોગ ગીતાનો હસબન્ડ પણ છે! :)) ચેતન કારિયાના બર્થ ડે સેલિબ્રેશન માટે ગીતાએ મારી મદદથી સરપ્રાઈઝ પાર્ટી પ્લાન કરી હતી. મધદરિયે બોટમાં એ પાર્ટીનું આયોજન કર્યું હતું. એ વખતે વર્ષાબેનના સાંનિધ્યમાં ગીતા, ચેતનના અંગત મિત્રો સાથે અમે મધરાત સુધી એ પાર્ટી માણી હતી. તો વર્ષાબેનની નાની દીકરી શિવાની કેથે પેસેફિક એરલાઇન્સમાં એરહોસ્ટેસ તરીકે જોડાઈ એ વખતે તે હોંગકોંગ રહેવા જતી હતી એ વખતે અમે આખી રાત વર્ષાબેનના ઘરે બધા જાગ્યા હતા. એ પછી શિવાની એક વખત હોંગકોંગથી મારા કેર ઓફ નંબર પર કોલ કર્યો હતો અને કહ્યું હતું કે આશુ મમ્મીની સરપ્રાઈઝ બર્થ ડે પાર્ટી પ્લાન કરવી છે. ગીતા અને ચેતનને પણ કોલ કર્યો છે. હું ત્યાં આવું છું અને આપણે બધાએ આવતી દસ એપ્રિલે રેડિયો ક્લબમાં ભેગા થવાનું છે. અને શિવાની અને માધવી વર્ષાબેનને ડિનરના બહાને રેડિયો ક્લબમાં લાવ્યા હતા. વર્ષાબેન રેડિયો ક્લબના હૉલમાં એન્ટર થયા એ સાથે જ લાઈટ્સ ઓન થઈ અને વર્ષાબેનની આંખોમાંથી આંસુ ચાલ્યાં જાય. તેઓ ઉમળકાભેર બધાને ભેટ્યા. તેમની નજીકની બધી વ્યક્તિઓને ત્યાં ભેગી થયેલી જોઈને તેમની આંખોમાંથી ખુશીના આંસુ વહી નીકળ્યા હતા. વર્ષાબેન અત્યંત સંવેદનશીલ વ્યક્તિ છે.
તેમના અવાજમાં ત્રણ દાયકાથી એક જ સરખો રણકો હોય. તેમને કોલ કરીએ કે તેમનો કોલ આવે ત્યારે તેઓ આશુ એટલું બોલે એમાં એટલી હૂંફ મળે કે મને લાગે કે તેઓ મને ભેટી રહ્યા છે. તેઓ આશુ કહે ત્યારે આશુઉઉઉ એમ લંબાવી ને બોલે એ મને ખૂબ જ ગમે.
મુંબઈમાં જે માત્ર ચાર-પાંચ ઘરો એવા છે કે જે મને મારા પોતીકા લાગે. અને એમાંનું એક ઘર વર્ષાબેનનું.
વર્ષાબેન હંમેશા મારી કાળજી લેતા આવ્યા છે. ક્યારેક મારા દુર્વાસા જેવા સ્વભાવને કારણે (એ સમયમાં મારા દિમાગનો પારો ક્યારેક જ સાતમા આસમાનથી નીચે રહેતો બાકી તો દસમા કે બારમા આસમાને જ રહેતો!) મને સલાહ આપે પણ ક્યારેય કોઈ વાતનો દુરાગ્રહ નહીં. જગતના લગભગ દરેક સંબંધમાં જાહેરાતોમાં આવતી હોય એવી ખતરનાક ફુદડીઓ અદ્રશ્ય રીતે લાગતી હોય છે પણ વર્ષાબેન સાથેના ત્રણ દાયકાના સંબંધમાં ક્યારેય કન્ડિશન્સ અપ્લાઈડ એવી ફુદડીઓનો અનુભવ થયો નથી. મને એવો કોઈ કિસ્સો યાદ નથી આવતો કે તેઓ એ મારા પર ક્યારેય ગુસ્સે થયા હોય. મેં અનેક કારણો આપ્યા હશે ગુસ્સે થવાના તો પણ!
અને તેઓ માત્ર સલાહો આપવા પૂરતા જ વડીલ નહીં. હું મુંબઈમાં સંઘર્ષ કરી રહ્યો હતો એ સમયમાં 'ટાઈમ્સ ઑફ ઈન્ડિયા' ગ્રુપે ત્રણ દાયકા અગાઉ 'ફેમિના' મેગેઝિન ગુજરાતીમાં શરૂ કર્યું હતું. વર્ષાબેન એના તંત્રી હતા અને ગીતા તેમની સાથે ઉપતંત્રી તરીકે ફરજ બજાવતી હતી. એ વખતે વર્ષાબેન મારી પાસે 'ફેમિના'માં લખાવતાં હતાં. એ વખતે હું 'યુવદર્શન' સાપ્તાહિકમાં નોકરી કરતો હતો પણ 'યુવદર્શન'ના એક્ઝિક્યુટિવ એડિટર ભિખેશ ભટ્ટે મને 'ફેમિના'માં લખવા માટે ખાસ પરમિશન આપી હતી. એટલે 'ફેમિના' માં વર્ષાબેન મને કહે એમના હું ઈન્ટરવ્યૂ લઈ આવું અથવા તો રિપોર્ટિંગ કરીને રિપોર્ટ તૈયાર કરી આપું. 'ટાઈમ્સ ઑફ ઇન્ડિયા' ગ્રુપનું પુરસ્કારનું ધોરણ ખૂબ સારું હતું. એટલે મને આર્થિક સપોર્ટ મળે એ માટે તેઓ મને એ તક આપતા હતા (સંજય છેલ સાથે પણ ત્યારે ફેમિનામાં લખતો હતો. તેની સાથે દોસ્તી પણ ફેમિનાને કારણે થઈ હતી).
હું 'અભિયાન'માં હતો એ સમય દરમિયાન મને 'સમકાલીન'માં લખવાની પરવાનગી કાંતિ ભટ્ટ અને શીલા ભટ્ટે આપી હતી. અને એક વખત 'સમકાલીન'ની 'સાજ અસબાબ' પૂર્તિ માટે મને જાણીતા અભિનેતા હની છાયાનો ઇન્ટરવ્યૂ કરવા માટે અસાઈનમેન્ટ મળ્યું હતું. એ વખતે હું મુંબઈમાં બહુ લોકોને ઓળખતો નહોતો. મેં વર્ષાબેનને કહ્યું કે મારે હની છાયાનો ઈન્ટરવ્યૂ કરવાનો છે. વર્ષાબેને તરત જ શિવાનીને કહ્યું, શિવુ આશુને હની અંકલ પાસે લઈ જા. મને આજે પણ એ વાત કાલની જ હોય એમ યાદ છે શિવાની અને હું ચાલીને વાતો કરતાં-કરતાં મરીન લાઈન્સમાં ક્યાંક (કદાચ બિરલા માતૃશ્રીમાં) હની છાયા પાસે ગયા હતા. શિવાનીએ હનીભાઈ સાથે મારો પરિચય કરાવતા કહ્યું હતું કે આશુ તમારો ઇન્ટરવ્યૂ કરવા માગે છે. મમ્મીએ કહ્યું છે. અને હનીભાઈએ મારી સાથે ખૂબ પ્રેમથી વાતો કરી હતી એ મને યાદ છે.
અમુક વ્યક્તિઓ જીવનમાં એવી હોય છે કે જે નિ:સ્વાર્થ ભાવે તમારી સાથે સંબંધ રાખે તમને હૂંફ આપે અને તમને મદદ કરવા તત્પર રહે. નહીં તો ક્યાં દિગ્ગજ સાહિત્યકાર વર્ષા અડાલજા અને ક્યાં સૌરાષ્ટ્રના એક નાનકડા ગામડામાંથી આવેલો એક અલમોસ્ટ અભણ કહી શકાય એવો યુવાન! જ્યારે કોઈ મને મુંબઈમાં ઓળખતું નહોતું એ વખતે તેમણે મને પ્રેમ આપ્યો હતો. વર્ષાબેનની જેમ મહેન્દ્રભાઈએ પણ મને અને ગીતા-ચેતનને ખૂબ પ્રેમ આપ્યો છે. મહેન્દ્રભાઈની વિદાયને 25 વર્ષ થઈ ગયા પણ હજી તેમની યાદ એટલી જ તાજી છે. તો માધવી અને શિવાની અમારા માટે સગી બહેનો જેવી છે. માધવીનો એક વખત રાતના બે વાગ્યે દુબઈથી કોલ આવ્યો કે આશુ તને ડિસ્ટર્બ કરું. મેં કહ્યું, ના. તે સહેજ વિચારમાં પડી ગઈ એટલે મેં તેને કહ્યું કે ભાઈને બેને આવું પૂછવાનું ન હોય સીધો ઓર્ડર જ કરવાનો હોય! બોલ. અને તે હસી પડી હતી. તેને બીજા દિવસે સવારે કંઈ અર્જન્ટ કામ હતું. માધવી પણ મારા માટે સગી બહેનની જેમ વિચારતી હોય. એક વાર સૂરજ બડજાત્યાની બેનને કશુંક કામ હતું. મેં એ કરી આપ્યું એ પછી માધવીએ સૂરજ બડજાત્યાની બહેન પાસેથી મને ચેક મોકલાવ્યો. મેં માધવીને કહ્યું કે હું એ ચેક ડિપોઝિટ નહીં કરું. તેણે મને આગ્રહ કર્યો કે આશુ તારા હકના પૈસા છે. પણ એ ચેક મારી પાસે એમ ને એમ મેમરી તરીકે પડ્યો છે. વર્ષાબેને મારા માટે જે કર્યું છે એની સામે બ્લૅન્ક ચેક પાછો આપી દઉં તો પણ તેમનું ઋણ ચૂકવી ન શકું!
વર્ષાબેન આજે આયુષ્યના 80 વર્ષ પૂરા કરીને 81મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે ત્યારે વર્ષાબેનને કહેવું છે કે વર્ષાબેન મારી જન્મદાત્રી મા ગામમાં છે પણ તમારે લીધે મુંબઈમાં મારી એક બીજી મા છે એવો એહસાસ હંમેશાં થતો રહ્યો છે. હું બોલીને કહી શક્યો નથી એવી થોડીક વધુ વાતો આજે કરવી હતી પણ તમારી સાથેની ક્ષણો યાદ કરતાં-કરતાં હવે આંસુઓને કારણે આંખો ધૂંધળી થઈ રહી છે એટલે અટકું છું.
લવ યુ વર્ષાબેન.