સાયન્સના વિધાર્થીનો પ્રેમપત્ર. Pallavi Jeetendra Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પરિવર્તન

    ગરમીની તીવ્ર ગરમીમાં, વડીલ દાદા જી એક ઢાંઢલોના છાંયા હેઠળ ગમ...

  • નિતુ - પ્રકરણ 49

    નિતુ : ૪૯ (ટાઈમ્સનું પુનરાવર્તન)નિતુએ દિવસ દરમિયાન કરેલી શોધ...

  • ભીતરમન - 52

    તેજાએ મારી હાલત જોઈ સાંત્વનાના સૂરે કહ્યું,"હું તારી પરિસ્થિ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 14

    સ્પર્શ " ત્યાં શું જોવે છે? " કાચનાં કબાટમાં સર્ટિફિકેટને જો...

  • ભાગવત રહસ્ય - 104

    ભાગવત રહસ્ય-૧૦૪   દેવહુતિ કહે છે-આપ સત્સંગ કરવાની આજ્ઞા આપો...

શ્રેણી
શેયર કરો

સાયન્સના વિધાર્થીનો પ્રેમપત્ર.

Name: Pallavi Jeetendra Mistry

E mail: hasyapallav@hotmail.com

સાયન્સ ના વિદ્યાર્થી નો પ્રેમપત્ર (હાસ્ય લેખ) પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

માય ડીયર મોસ્ટ ઉષ્મા,

જે દિવસથી મેં તને કોમર્સ કોલેજના કંમ્પાઉન્ડમાં ફરતી જોઇ છે, તે દિવસથી સાયન્સ કોલેજમા એડમિશન લેવાનો મારો આનંદ, પાણીમા ‘સોડીયમ ક્લોરાઇડ’ એટલે કે મીઠું ઓગળે, એમ ઓગળી ગયો છે. મારા તમામ મિત્રોનુ માનવુ એવું છે, કે...જે વિધાર્થી ફર્સ્ટ ક્લાસ લાવે તે સાયન્સમા જાય, જે સેકન્ડ ક્લાસ લાવે તે કોમર્સમા જાય અને બાકીના બીજા બધા આર્ટસમા જાય. મેં એમને સમજાવવાની ઘણી ય કોશિશ કરી, કે આ સિવાય પણ કેરીયર બનાવવાની બીજી ઘણી લાઇનો છે. પણ તેઓ તો છોકરીઓને લાઇન મારવામાથી ઊંચા આવે તો મારી વાત સમજે ને?

ડાર્લિંગ, તને પ્રશ્ન તો થશે. કે... તો પછી હું શા માટે આ લાઇનમા આવ્યો, ખરું ને? વાત જાણે એમ બની કે મારા પપ્પાના કરોડપતિ ફ્રેન્ડની એક ની એક પુત્રી શીલા આ કોલેજમા દાખલ થઈ, એટલે મારે મારા પપ્પાના દુરાગ્રહને કારણે આ સાયન્સ કોલેજમા દાખલ થવુ પડ્યું. નહીં તો મને તો સાહિત્યમા વિશેષ રસ, એટલે મારે તો આર્ટસ કોલેજમાં જ જવુ હતું. જો કે તને મેં કોમર્સમા દાખલ થયેલી જોઇ, ત્યારે મને કોમર્સમા એડમિશન લેવાનો વિચાર પણ આવી ગયેલો. પણ મારી મમ્મીએ ઉપવાસ પર ઉતરવાની અને પપ્પાએ ઘરમાથી બહાર કાઢી મૂકવાની ધમકી આપી એટલે એ વિચારતો મેં માંડી વાળ્યો. ખેર! એકવાર ડૉક્ટર બની જવા દે, પછી આ બધાને તો હું મારી ટ્રીટમેંટ દ્વારા જોઇ લઈશ.

પ્રિયે, તું તો મને પ્રથમ નજરે જ ગમી ગયેલી. મારી બંધ આંખોમાં તું જ તું ઝૂલ્યા કરતી. એટલે જ તો મારા કૉંટેક્ટ લેન્સ પણ હું ધીરેથી ખુબ જ સાચવીને બહાર કાઢતો. એક તો તારો ‘ફટકડી’ જેવો ગોરો વાન, અને એમાય તું ‘પોટેશિયમ પરમેંગેનેટ’ જેવો પર્પલ કલરનો ડ્રેસ જ્યારે પહેરે છે, ત્યારે એટલી તો ફૂટડી... આઇ મીન બ્યૂટિફૂલ લાગે છે, કે મને એમ થાય કે બસ! તને જોયા જ કરું. પણ આજકાલ આ જો જો કરવાનુ પણ એટલુ બધું થાય છે ને કે....

તારા ગાલોમાં પડતાં ખંજનો પર તો હું ખુબ વારી ગયેલો. તારી હડપચીના તલ પર તો હું સમરકંદ-બુખારાથી ય વધુ કિંમતી એવો મારો અભ્યાસક્રમ કુરબાન કરવા તૈયાર થઈ ગયેલો, પણ એમાં ય મારા જ મા-બાપ નડ્યાં. અને તારી મોરની જેવી ચાલ, શું વાત કરું યાર. ચાલ જવા દે એ બધી વાતો, બીજી કોઇવાર ફુરસદના સમયે કરીશું. હમણાં તો તેં અમારા પ્રોફેસરો વિશે પુછાવ્યું છે, તે વિશે કહું. પણ એમની તો તને શું વાત કરું? તેઓ તો અમારા કરતાં પણ વધુ ક્રેઝી છે.

અમારા એડિશનલ ઈંગ્લીશના ટ્રીપલ પી (પી.પી. પટેલ) સર છે. તે ડૉક્ટર જેકિલ અને મિસ્ટર હાઈડની સ્ટોરી એટલી સરસ સ્ટાઈલથી ભણાવે છે, જાણે આત્મકથા જ ન કહેતા હોય

અમારા બયોલોજીના ‘પીપેટ’ જેવા દેશપાંડે સરની જ વાત કરું તો તેઓ બોલવાનુ શરુ કરે અને અમને બગાસાં આવવા માંડે. એક બે વાર તો એમણે મને કાચી ઊંઘમાથી જગાડીને ક્લાસની બહાર કાઢી મૂક્યો’તો. તે વખતે મને તો એવો ગુસ્સો આવેલો કે... યાર, ક્લાસમા પ્રોફેસરો શાંતિથી સુવા નથી દેતા અને ઘરમા પપ્પા. જવું તો જવું ક્યાં? સાચુ કહું તો હું લાયબ્રેરીમા જઈને મારી ઊંઘ પૂરી કરી આવુ છું.

એકવાર અમારા ફિજીક્સના પ્રોફેસર મીસ પંડ્યા આર્કીમીડીઝનો નિયમ સમજાવતા હતા, ‘પદાર્થનુ પાણીમાં વજન કરવાથી એના વજનમા થતો દેખીતો ઘટાડો એના કદના પ્રમાણમા હોય છે.’ તે વખતે મારા મિત્ર નિલેશે ઊભા થઈને એમને પૂછ્યું, ‘મેડમ, આ પ્રયોગ હું મારા ઘરના સ્વીમીંગ પુલમા આપનુ વજન કરીને કરવા માંગુ છું, આપ સહકાર આપશો?’ તું માનીશ, ઉષ્મા? એમણે સહકાર તો ના આપ્યો, ઉપરથી બ્લ્યુ લિટમસને એસીડમા બોળીએ અને લાલ થઈ જાય, એમ મેડમ ગુસ્સાથી લાલચોળ થઈ ગયા અને નિલેશને તમાચો મારીને ક્લાસની બહાર કાઢી મૂક્યો. તું જ કહે, નિયમ શોધે કોક આર્કિમીડીઝ, અને સજા થાય નિર્દોષ નિલેશને, આ તે ક્યાંનો ન્યાય?

તને એક ખાનગી વાત કહું ઊશી? આ નિલેશે એકવાર અમારા કેમેસ્ટ્રીના દેસાઇ સરને પેલી નટખટ નીનાના નામે લવલેટર લેખેલો. દેસાઇ સર ત્યારથી ક્લાસમા નીનાની સામે જોઇ જોઇ ને કેમેસ્ટ્રી ભણાવતા થઈ ગયા છે. અરે! એક્વાર કેવું થયું ખબર છે? અમારા પીટીના પીરીયડમા ખો આપવાને બહાને એ નીનાએ બે સેકંડ સુધી મારો હાથ પકડી રાખેલો. ત્યારે મને, ‘બે અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ બળ પેદા થાય છે.’ એ નિયમ યાદ આવી ગયેલો. પણ દૂર ઊભેલી શીલાને જોઇને આ આકર્ષણ બળ સાવ ખંખેરાઇ ગયું હતું. યાર, આ શીલાડી પણ કમોસમી વરસાદની જેમ ગમે ત્યારે જ ટપકી પડે છે.

સ્વીટહાર્ટ! તું મને તારા ઘરે આવવાનું આમંત્રણ વારેવારે આપે છે. પણ તારા પપ્પાનો ‘પોટેશિયમ સાયનાઇડ’ જેવો કાતિલ સ્વભાવ યાદ આવતાં જ મને ટાઢીયો તાવ ચઢી જાય છે. તારી મમ્મી ક્ષાર વગરના પાણી જેવી નરમ છે, પણ ‘નાઇટ્રીક એસીડ’ જેવા જલદ સ્વભાવના તારા પપ્પા આગળ એમનુ કંઈ ચાલતું નથી. અને તારો ભાઇ મનિયો? આઇ મીન મનીષ... એ તો ‘મરક્યુરી’ એટલે કે પારા જેવો ચંચળ છે. એને આપણો કેસ સમજાવવાનો કંઇ જ અર્થ નથી.

મને લાગે છે કે મારે જ કોઇ ‘ઊદ્દીપક’ એટલે કે મદદગાર શોધી કાઢવો પડશે કે જેથી આપણા પ્રેમનો પ્રેક્ટીકલ પૂરો થાય. ચાલ, ત્યારે હવે જર્નલમા પ્રેક્ટીકલ ઉતારવાનો સમય થયો છે, એટલે પત્ર પૂરો કરું છું. પત્ર નો જવાબ જલદીથી લખજે. અને હા, એક ખાસ સુચના. પત્ર વાંચીને તરત જ ફાડી નાંખજે, ક્યાંક પેલા યમદૂતની આંખે ચઢી જશે તો એ વગર છરીએ મારું ડિસેક્શન કરી નાંખશે.

એ જ, તારા પત્રની રાહમા...

તારો..તારો..અને તારો જ,

ચંબુ. [ચંદ્રકુમાર બુટવાલા]