હા...તારા સવાલો ખોટા છે.
જીતેશ દોંગા
jiteshdonga91@gmail.com
એક અગાધ પાણી ભરેલા ફુંફાડા મારતા સમુદ્રના સન્નાટા ભરેલા લાંબા કિનારા પર એક શરીર બેઠું છે. એ શરીર વીસ વરસની ઉંમરનું છે. સમગ્ર ધરતી પર એકમાત્ર એ શરીર છે, અને માનવજાત વિહીન આ ધરતી પોતાના બધા જ કુદરતી રંગોમાં પોતાના એકાંતને ઉજવી રહી છે.
એ શરીરની અંદર રહેલું મન વિચારોને જન્મ આપે છે. અત્યારે એ મન થોડા સવાલો લઈને બેઠું છે. વિચારે છે: મારી આ પૃથ્વી અખિલ બ્રહાંડની સાપેક્ષે માત્ર અને માત્ર એક નાનકડું આછું વાદળી ટપકું જ છે. બ્રહાંડની સાપેક્ષે આ ધરતી કશું જ નથી, માત્ર કણ છે. એક દરિયાના પાણીના ટીપાની અંદર જીવતો એક અણુ જેવડો ગ્રહ. કોઈ અગૂઢ શક્તિએ મને આ ઘર પર જન્મ આપ્યો છે. જન્મ લીધા પછી હું મારી જાત સાથે ઉત્ક્રાંતિ પામી રહ્યો છું. એક સમયે જયારે હું બોલતો થયો ત્યારે હું શબ્દોના સહારે સવાલ કરતો થયો. સવાલોના જવાબ શોધવાની આ અવિરત-અખંડ-અને અગૂઢ પ્રક્રિયાને હું કદાચ ‘જીવન’ કહેતો થઈ ગયો. માનવજાત મને સવાલો પેદા કરવા મજબુર કરતી હતી. કેટલાયે જવાબ મને મારી જીંદગી માંથી મળવા લાગ્યા. કેટલાયે જવાબ મને માનવજાતને જોઇને મળી ગયેલા. મને આ ધરતી પર સારું-ખરાબ,સાચું-ખોટું, પ્રેમ-દગાખોરી, મુસ્કાન-મૃત્યુ, સુખ-દુખ, ગરીબી-અમીરી, આનંદ-નિરાશા બધું જ દેખાવા લાગ્યું. હું જેમ-જેમ મોટો થવા લાગ્યો એમ મારા સવાલો મોટા થતા ગયા. એક પથ્થરમાં હું ઈશ્વર જોઈ શકતો હતો, અને તેને નામ આપી શકતો હતો. સમય આવ્યે તે પથ્થરને ‘તું ઈશ્વર નથી’ એમ પણ કહી દેતો. શું આ ખરેખર માણસ તરીકેની મારી ‘ઉત્ક્રાંતિ’ હશે? હું બાળક તરીકે મારી આસપાસના દરેક માણસ પર ભરોસો મુકીને તેને વળગી પડતો, પરંતુ હવે હું એમનાથી દુર ભાગી રહ્યો છું. હું કશું નહોતો જાણતો ત્યારે કદાચ ખુશ હતો, હવે હું સ્વાર્થ-લાલચ-પ્રપંચ-દગાખોરી અને મારી જાત સાથેની દુભાયેલી લાગણીઓથી ઘરાયેલો રહું છું. આ ગ્રહ પર મારું એકત્વ ક્યાં છે? હું કેમ એકલું અનુભવી રહ્યો છું? મારી બેરોજગારી, મારી નિષ્ફળતા, મારો સંઘર્ષ, અને મારા આંસુ આ બધાની સામે જયારે હું મારા આ ધરતી પરના અનન્ય અસ્તિત્વને સરખાવું છું ત્યારે ખરેખર મારી આ ઉંમર સાર્થક છે? શું ખરેખર મારું કહેવાતું જ્ઞાન સાર્થક છે? શું ખરેખર મેં માનવજાત વિષે પામેલું બધું જ જ્ઞાન કે જેને હું સત્ય માનીને બેઠો છું એ વાસ્તવ છે? શું ખરેખર મારા બળાપા-સપના-આંસુ-આશાઓ સાર્થક છે? શું વહેતો જતો સમય કે જેને હું કશુક બનવા, કશુક પામવા માટે વાપરવા અધીરો બની ગયો છું, અને મારા હાથમાંથી દરેક ક્ષણે કશુંક છૂટી રહ્યું છે તે બધું જ ખરેખર આ અખિલ બ્રહાંડમાં રહેલી નાનકડી વાદળી ટપકા જેવડી ધરતી પર મારું અનન્યત્વ હશે?
એ શરીરની આંખો માંથી એક આંસુ નીકળે છે અને દરિયાની સુકી રેતીમાં સુકાય જાય છે.
આ શરીર યુવાન છે. એ શરીરની અંદર રહેલી આગ યુવાન છે. તે શરીરની અંદર ઉઠેલા સ્પંદનો-લાગણીઓ-સપનાઓ-સંવેદનાઓ યુવાન છે. આ સવાલો લઈને ઉભેલું એ માનવશરીર માત્ર બહારથી વીસ વરસની ઉંમરનું લાગે છે, પરંતુ જો તે પોતાના સાઈઠ વર્ષે પણ આ સવાલો જન્માવતું રહ્યું તો એ યુવાન કહેવાશે, કારણ કે ‘યુવાની’ એ કોઈ ઉંમરની અવસ્થા નથી, પરંતુ જીંદગી જીવવાનો, સવાલો પૂછવાનો, જવાબો શોધવાનો, અને અખિલ બ્રહ્માંડમાં પોતાના અસ્તિત્વને ઉજવવાનો તરીકો છે. કદાચ આ સ્પીરીટને તમે ‘યુવાની’ શબ્દ આપીને ઓળખાવો એ આ વિશ્વનું સંચાલન કરનારી શક્તિને ‘ઈશ્વર’ કહેવા જેટલું જ ખોટું હશે, પરંતુ અહી મહત્વ તે શક્તિ-સ્પીરીટ નું છે.
દરિયાકિનારે આ શરીર ઉભું થાય છે. પોતાની આસપાસની કુદરતને નિહાળે છે. કુદરત અને તે જેનાથી ઘેરાયેલી છે તે સમગ્ર બ્રહાંડ યુવાનીના દરેક સવાલનો જવાબ લઈને બેઠું છે. યુવાન જુએ છે: આ કુદરત કેવી ધબકી રહી છે. દરેક ક્ષણે તે જીવી રહી છે. માણસે પહેલા તો જીવતા શીખવું પડે. કોઈ માણસ બીજા માણસને જીવતા ન શીખવી શકે, પરંતુ કુદરત જીવતા શીખવે છે. એ કહી રહી છે: એ માનવ...તું આ દરિયાની જેમ ઉછળતો રહે, કુદતો રહે, ગર્જના કર, ગાંડો થા, ભરતી-ઓટ આવ્યા કરે પરંતુ તારો કિનારો છોડ્યા વિના તું તારા ‘હું’ ને ઉજવતો રહે. તું આ કાળી રાત્રીના અખિલ આકાશની જેમ જીવ, મહાકાય બન, મહા-હૃદયી બન, બધું સમાવી લે, બધાને સમાવી લે, બસ...તું આકાશની જેમ અનંત બન. અંધકારને ઉજવી લે, તારા મહી જીવતા તારોડીયાઓના પ્રકાશને ઉજવી લે. તું કોઈ જંગલમાં વહેતા ઝરણાની જેમ વહેતો રહે, ક્યાં જઈશ, ક્યાં પહોચીશ તે વિચારવા બેસ નહી, પરંતુ ‘મારો ધર્મ વહેતો રહેવાનો છે’ એ જુસ્સા સાથે વહેતો રહે, તે જોયું? આ ઝરણાઓ તેમની સફરના દરેક ઉતાર-ચઢાવમાં પોતાની પૂરી જાતને સમાવી દે છે. તેમના પટમાં કોઈ ઊંડો ખાડો આવે તો તેને પણ પોતાના જીવનથી ભરી દે છે, અને કોઈ પથ્થર આવે તો પણ તેને ધીમીધારે કાપી નાખે છે. અંતે જે જમીન માંથી એ જન્મેલું એ જ જમીનમાં સમાય જાય છે માણસની જેમ... પરંતુ એ દુઃખી થવા, રડવા, રાડો નાખીને કોઈ તેના આંસુ લૂછે તેની રાહમાં, પોતાના દુઃખોની કહાની લઈને બેસી નથી રહેતું. માણસ આવું બધું ક્યાંથી શીખ્યો? યુવાનને આ બધું ના પોસાય.
કુદરત એ યુવાનીનો પર્યાય છે. એ પેલા દુઃખી યુવાનને કહી રહી છે: અરે...તું તારી જાતને જો! ઓળખ. જો તું આ ધરતી પરના માનવ સિવાયના દરેક પ્રાણીને. તને લાગે છે કે જંગલનું કોઈ કુતરું પોતાના દુઃખ લઈને ‘શું થશે?, હું જ કેમ?’ એવા સવાલો કરી રહ્યું છે? ના. કુદરતને ખબર છે, કુતરાને ખબર છે કે અસ્તિત્વ આપણા હાથમાં નથી, નથી, અને નથી જ. આપણા હાથમાં માત્ર અને માત્ર આ વહેતી ક્ષણ છે. અસ્તિત્વને તેનું કામ કરવા દો. કોઈ દુઃખ આવે તો તેને અસ્તિત્વ પર છોડી દો, પરંતુ રડવા,બળવા, મારવા અને મરવા ના બેસો.
એ યુવાન, એ માનવ...કેમ આટલું બધું ફૂંકી-ફૂંકીને જીવે છે? જો તો ખરો તારી સામે ઉભેલા પેલા વૃક્ષને! કેવું અદભુત જીવન જીવે છે એ! ધરતીના પડ ફાડીને એ કુંપળ બનીને ફૂંટે છે, આકાશ ભણી ઉભું થાય છે. કુદરત જેટલું તેને આપે છે એટલું લઈને એ ઊંચું માથું રાખીને ટટ્ટાર ઉભું રહે છે. સમયે-સમયે પોતાના પાંદડા ખેરીને એ પોતાના ‘હું’ ને પણ ત્યજી દે છે. એ પરિવર્તનને ચાહે છે. એ કિલ્લોલને ઝંખે છે. એ ઝૂમે છે, નાચે છે, ગાય છે, અને એક દિવસ સુકાય છે. પરંતુ એ ક્યારેય વેદનામાં અંધ નથી થતું, એ ક્યારેય સ્થિર નથી થતું, એ ક્યારેય કોઈના કુહાડીના ઘા છતાં ફરી-ફરી ફૂંટવાનું ભૂલતું નથી. અને એકમાત્ર માનવ છે જે કુદરતી નથી!
એ યુવાન પહેલા તું કુદરત બન. જો...કુદરત ખુદ કેટલી યુવાન છે.
હવે જયારે જયારે તું કોઈ પણ સવાલ કરે...પહેલા તારી આસપાસની કુદરતના ખોળે જઈને થોડી ક્ષણ બેસીને તેને નીરખજે. કારણકે અંતે આ પુરા યુનિવર્સમાં તારું અનન્યપણું તારા દરેક દુખ-પીડા-આંસુ-વેદના-સંઘર્ષ-ગુસ્સા-લોભ-લાંચ-લાલચ-ભ્રષ્ટાચાર-દગાખોરી કશું જ નથી. અરે...તું ખુદ કશું જ નથી. તું માત્ર દુર આકાશેથી નાનકડી વાદળી ટપકા જેવી દેખાતી આ ધરતી પર જન્મેલું કુદરત છો, યુવાન છો, જે ખોટા સવાલો લઈને જવાબો શોધવા બેઠું છે. હા...તારા સવાલો ખોટા છે.
જીતેશ દોંગા
jiteshdonga91@gmail.com