આપણા જીવનનો 'શિવરામ'
અશ્વિન મજીઠીયા
વાત છે આ ત્રણેક મહિના પહેલાની. તે દિવસે સવારે દસના સુમારે ડોરબેલ વાગી એટલે મેં દરવાજો ઉઘાડયો, તો સામે શિવરામ ઉભો હતો. શિવરામ અમારી સોસાયટીમાં બધાની ગાડીઓ અને બાઈક્સ ધોવાનું કામ કરે છે.
"સાહેબ, થોડું કામ હતું..!" -મને જોતાં જ તે બોલ્યો.
"પગાર દેવાનો બાકી રહી ગયો છે કે?"
"અરે નહીં સાહેબ, એ તો ક્યારનો મળી ગયો છે. આ તો બસ..પેંડા આપવાના હતા. દીકરો દસમી પાસ થઈ ગયો."
"અરે વાહ, આવ..અંદર આવ..!"
અમારા ઘરનો ઉંબરો શિવરામ પહેલી વખત ઓળંગતો હતો. મેં તેને બેસવાનો વિવેક કર્યો. શરૂઆતમાં ના ના કરતો તે, થોડો આગ્રહ કર્યો, તો બેઠો ખરો..પણ સંકોચ પામતો.
હુંયે તેની સામે બેઠો, એટલે તેણે મારા હાથમાં પેંડાનું બોક્સ મૂક્યું.
"કેટલા ટકા આવ્યા?"
"બાંસઠ ટકા."
"અરે વાહ, સરસ..!" -તેને સારું લગાડવા મેં ઉત્સાહ દેખાડવાનો ઢોંગ કર્યો. આજકાલ એંસી નેવું ટકા સાંભળવાની એવી ટેવ પડી ગઈ છે, કે એટલા ટકા ન મળે તે છોકરો તો જાણે નાપાસ થયો હોય એવું જ લાગે. પણ તે શિવરામ ખુશ દેખાતો હતો.
'સાહેબ હું ખૂબ જ ખુશ છું. મારા આખા ખાનદાનમાં એટલું ભણ્યો હોય, તો એ આ મારો દીકરો..!"
"અચ્છા, એટલે આ પેંડા વગેરે..?"
શિવરામને કદાચ મારુ આમ બોલવું રુચ્યું નહીં હોય એટલે તે હળવું હસ્યો અને બોલ્યો-
"સાહેબ, પરવડ્યું હોત તો દર વરસે વહેંચ્યા હોત પેંડા. સાહેબ, મારો દીકરો બહુ હોશિયાર નથી તે ખબર છે મને, પણ એકેય વરસ નાપાસ થયા વગર, દર વરસે ત્રણત્રણ ચારચાર ટકા તેના વધે જ છે, એમાં ખુશી નથી કે? સાહેબ, એ મારો દીકરો છે એટલે નથી કહેતો, પણ એ ખૂબ જ ખરાબ કન્ડિશનમાં અભ્યાસ કરતો હતો. તમારું આ..શું કહેવાય એને..શાંત વાતાવરણ, અમારા માટે તો એક સાહ્યબી ગણાય. તે સાદો..સાધારણ પાસ થયો હોત, તોયે હું પેંડા તો વહેંચત જ."
હું ચૂપ બેઠો હતો એ જોઈને શિવરામ બોલ્યો- "સાહેબ સોરી હોં, જો કઈં અવળું બોલાઈ ગયું હોય તો. બસ આ તો મારા બાપાની શિખામણ બધી. એ કહેતા કે આનંદ એકલો એકલો નહીં ખા. બધાને વહેંચ. આ ફક્ત પેંડા નથી, મારો આનંદ છે."
તેની બધી વાત મારે ગળે ઉતરી ગઈ. હું અંદરની રૂમમાં ગયો. એક ફેન્સી કવરમાં પાંચસો ને એક રૂપિયા ભર્યા, અને અંદરથી જ મોટા અવાજે પૂછ્યું- "શિવરામ, તારા દિકરાનું નામ શું છે..?"
"વિશાલ..!" -બહારથી જવાબ મળ્યો.
'મેં કવર પર લખ્યું- "ડિયર વિશાલ. કોંગ્રેચ્યુલેશન..
સદા ખુશ રહે. તારા પિતાની જેમ..!"
અંદરથી બહાર આવી મેં શિવરામને કવર આપ્યું.
"સાહેબ, આ શા માટે? તમે મારી સાથે બે મિનિટ વાતો કરી એમાં બધું જ આવી ગયું."
"આ વિશાલ માટે છે. તેને તેની મનગમતી ચોપડીઓ લઈ આપજે આમાંથી."
કઈં જ બોલ્યા વગર શિવરામેં તે કવર સામે જોયે રાખ્યું.
"ચા લઈશ કે?"
"અરે નહીં સાહેબ. વધુ શરમમાં ન નાખો. બસ.. આ કવર પર શુ લખ્યું છે તે કહો. હું રહ્યો સાવ અભણ. વાંચતા આવડતું નથી, એટલે.."
"ઘરે જા..વિશાલને કવર આપજે. તે વાંચી સંભળાવશે તને." -હું હસતા હસતા બોલ્યો.
મારો આભાર માનવા હાથ જોડતો જોડતો તે ગયો તો ખરો, પણ તેનો પ્રફુલ્લિત ચહેરો મારી નજર સમક્ષથી ખસતો નહોતો. ઘણા દિવસો બાદ એક આનંદી અને સંતોષી માનવીને હું મળ્યો એવું મને લાગ્યું. બાકી આજકાલ તો લોકો એટલા ટૂંકા જીવના થઈ ગયા છે કે જરાક કોઈકને કઈંક બોલવા જાઓ કે તકરાર શરૂ થઈ જ ગઈ સમજો. પંચ્યાસી નેવું ટકા આવ્યા બાદ પણ વિલું મોઢું કરીને બેસેલા છોકરાઓના વાલી મને યાદ આવી ગયા.
પોતાના દીકરા/દીકરીને જોઈતું હોય તે કોલેજમાં એડમિશન મળે નહીં ત્યાં સુધી પોતાનો આનંદ મુલતવી રાખ્યો હોય જાણે કે.
આવા લોકો પર આપણે હસવું ન જોઈએ, કારણ આપણે બધાં એવા જ થઈ ગયા છીએ.. આનંદ મુલતવી રાખનારા..!
મારી પાસે ટાઈમ નથી, મારી પાસે પૈસા નથી, કોમ્પિટિશનમાં ટકી કેમ રહેવાશે, આજે વરસાદ બહુ છે, આજે મૂડ નથી..! આનંદ મુલતવી રાખવાના ઘણાય કારણો છે આપણી પાસે, તે પહેલાં કબુલ કરી લઈએ.
અમુક વસ્તુ કરવાથી આપણને જ આનંદ મળવાનો છે, પણ આપણે જ તે વસ્તુ કરવાનું ટાળીએ છીએ. વિચિત્ર જ ન કહેવાય આ?
બાકી..મારી પાસે ટાઈમ નથી..!
મોગરાના ફૂલની સુવાસ લેવામાં કેટલો સમય લાગે?
મારી પાસે પૈસા નથી..!
સૂર્યોદય કે સૂર્યાસ્ત જોવામાં કેટલા પૈસા લાગવાના છે?
કોમ્પિટિશનમાં ટકી કેમ રહેવાશે..?
યાર, ન્હાતી વખતે ગીત ગાઓ તો કોણ નવરુ છે તમારી સાથે કોમ્પિટિશન કરવા માટે?
પણ..આજે વરસાદ બહુ છે ને..!
વરસાદ આવે છે? સિમ્પલ..! ભીંજાવા જાઓ.
મુકો યાર..આજે મૂડ નથી..!
બિલકુલ કઈં જ ન કરતા પથારીમાં આળોટવા માટેય શું તમને મૂડ જોઈએ છે? એમાંય આનંદ શોધવાની કોશિષ કરો ને..! કોણ રોકે છે તમને..!
ઉપરના અને એના જેવા બીજા બધા ક્ષુલ્લક બહાનાઓ ફગાવીને ય આનંદ તો ચોક્ક્સ લઈ જ શકાય છે ને..!
માણસ જન્મે છે ત્યારે તેની બન્ને મુઠ્ઠીઓ બંધ હોય છે. કહેવાય છે કે ઈશ્વરે એકમાં આનંદ, તો બીજીમાં સંતોષ ભરીને આપણને અહીં મોકલ્યા હોય છે, પણ જેમ જેમ આપણે મોટા થતાં જઈએ છે તેમ તેમ આનંદ, સંતોષ..બધું મુઠીમાંથી સરતું જાય છે, અને પછી હવે..આનંદી રહેવા માટે આપણે કોઈ ને કોઈ વ્યક્તિ કે ઘટના પર આવલંબિત રહેવું પડે છે.. કોઈના આગમન કે કોઈની વિદાય પર..કોઈના હોવા પર કે કોઈના ન હોવા પર..કઈંક મેળવીને કે કઈંક ગુમાવીને..કોઈકના બોલવા પર કે કોઈકના ન બોલવા પર આપણો આનંદ નિર્ભર રાખીએ છીએ, અને પોતે જ પોતાની જાતને લાચાર કક્ષામાં મૂકી દઈએ છીએ.
વાસ્તવમાં તો આપણી મ્હાય જ આનંદનું એક, ક્યારેય ન સુકાય એવું, ઝરણું સતત વહેતુ જ રહે છે કે જેમાં ક્યારેય પણ કૂદકો મારી શકાય છે અને મસ્તીમાં ડૂબી જઇ શકાય છે.
આટલું હોવા છતાંય આપણે તે ઝરણાંને કાંઠે ઉભા છીએ કદાચ કોઈ ટેન્કર આવવાની વાટ જોતા..!
જ્યાં સુધી આ વાટ જોવાનું તૂત છે, ત્યાં સુધી આનંદ માટેની તરસ છીપાવાની નથી. બીજાઓ સાથે સરખામણી કરતાં હજુય વધુ પૈસો, હજુય વધુ કપડાં, હજુય મોટું ઘર, હજુય ઊંચી પોઝિશન, હજુય વધુ ટકા..!
આ 'હજુ ય વધુ'ની પાછળ ભાગતા ભાગતા પેલા આનંદના ઝરણાંથી કેટલા દૂર આવી ગયા છીએ આપણે..નહીં..?
ખેર, એ તો કોઈક 'શિવરામ'ને જોઈએે, ત્યારે જ ખ્યાલ આવે આપણને..!
.
અશ્વિન.. :)