ઓપરેશન સક્સેસફૂલ.
પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.
‘મમ્મી, હજી પણ કહું છું તને, તું અમારી સાથે અમેરિકા ચાલ, અહીં એકલી રહીને શું કરીશ ?’ મોનીએ છેલ્લીવાર એની મમ્મીને સમજાવી જોવાનો પ્રયત્ન કર્યો, પણ સુરેખાબેન માન્યા નહીં ત્યારે મોનીએ પ્રયત્ન પડતો મુક્યો. ત્રીજી માર્ચનો દિવસ જેમ જેમ નજીક આવી રહ્યો હતો, એમ એમ સુરેખાબેન અપસેટ થઇ રહ્યા હતા. ‘જોતજોતામાં એ દિવસ આવી જશે, અને પોતાની એકની એક દીકરી મોની (મોનિકા) એના સાસરે, અમેરિકા ઉપડી જશે, અને રહી જશે પાછળ પોતે આ મસમોટા ઘરમાં સાવ એકલા અટુલા.’
લાંબી માંદગી વગર પતિ અનિલભાઈ છપ્પન વર્ષની વયે પત્ની સુરેખા તથા દીકરી મોનીને આ દુનિયામાં છોડીને પરલોક સિધાવ્યા હતા. ‘હવે બાકીની જીંદગી કોના સહારે વીતાવીશ ?’ એ મહાપ્રશ્ન બાવન વર્ષના સુરેખાબેનની આગળ નાગની ફેણની જેમ માથું ઉઠાવીને ખડો હતો. જો કે આમ તો વડોદરામાં પતિએ બનાવેલો સરસ મજાનો બંગલો હતો, કાર હતી, પતિના પેન્શનની આવક હતી, બેન્કમાં ડીપોઝીટ હતી, લોકરમાં ઘરેણા અને થોડાઘણા શેરો પણ હતા. પણ વાત અહીં આર્થિક સધ્ધરતાની નહોતી, વાત પાછલી જિંદગીમાં કોઈ આત્મીયજનનની હુંફની હતી, પોતાનું કહેવાય એવા કોઈ જણના સાથની હતી.
વાત સંબંધની સધ્ધરતાની આવે ત્યારે હિસાબ કરવા જઇએ તો સુરેખાબેન ઘણા જ ગરીબ હતા. એમનું ઈમોશનલ બેંક બેલેન્સ નહીવત હતું, એમાં સુરેખાબેનનો જ વાંક હતો. એમનો એકલપેટો અને સ્વાર્થી સ્વભાવ, હંમેશા પોતાનું ધાર્યું જ કરવાની જીદ, એમના અભિમાને એમની જિંદગીની આજુબાજુ કાંટાળી વાડ ઉભી કરી હતી, કોઈ સગું વહાલું ભૂલેચૂકે એમની નજીક આવવાનો પ્રયત્ન કરતુ તો એમના ઘમંડના કાંટાથી વીંધાઈને ઘાયલ થઇ જતું, એટલે બધા એમનાથી શક્ય એટલું દુર જ રહેવાનું પસંદ કરતા.
‘સુરેખા, આપણી મોની માટે બે સારી જગ્યાએથી માંગા આવ્યા છે, એક છે અમદાવાદનો ડોક્ટર અમન, અને બીજો છે અમેરિકાનો એન્જીનીયર થયેલો અતુલ.’ મોનીનું ભણવાનું પૂરું થયું અને જોબ પર લાગી એટલે એક દિવસ અનિલભાઈએ પત્નીને કહ્યું. ‘ઇન્ડીયામાં હવે ક્યાં રહેવા જેવું રહ્યું જ છે, જ્યાં જુવો ત્યાં ભીડ, ગંદકી, મોંઘવારી. હું તો મારી મોનીને અમેરિકા જ પરણાવીશ’ સુરેખાબેને પોતાનો મત વ્યક્ત કર્યો. એમને સાધારણ ઘરના અમન કરતા સમૃદ્ધ ઘરનો અતુલ વધારે યોગ્ય લાગ્યો. ‘મોની આપણી એક ની એક દીકરી છે, અમેરિકા ચાલી જશે તો આપણે એકલા પડી જઈશું, અને અમદાવાદ રહેશે તો મળવાનું થઇ શકશે.’ અનિલભાઈએ પોતાનો મત વ્યક્ત કર્યો.
મોની પોતે પણ પપ્પાના વિચાર સાથે સહમત હતી, એણે કહ્યું, ‘મમ્મી, મને અમેરિકાનો જરા પણ મોહ નથી, અહીં હોઈશ તો જરૂર પડ્યે તમને કામ લાગી શકીશ કે તમારી સંભાળ લઇ શકીશ.’ પણ એમ માની જાય તો સુરેખાબેન શાના ? એમણે કહ્યું, ‘’અમે જાતે અમારી સંભાળ લઇ શકીએ એમ છીએ, એટલે અમારી ફિકર તો તું કરતી જ નહીં. મમ્મીની જીદને સારી રીતે જાણતી મોનીએ દલીલ કરવાનું માંડી વાળ્યું અને અતુલ સાથે પરણીને અમેરિકા ઉપડી ગઈ.
જમાઈ તરીકે અતુલ સારો છોકરો હતો, કુટુંબ ખાનદાન હતું, આર્થિક રીતે સધ્ધર હતું, એટલે મોની એકંદરે સુખી હતી. જો કે મોનીના સાસરે એના સાસુનું વર્ચસ્વ વધારે હતું, મત બધાના લેવાતા પણ આખરી બોલ તો માનો જ ગણાતો. એ વાત સુરેખાબેનને ખુબ ખટકતી. મોની એમને સમજાવતી કે, ‘વિધવા માએ એકલા હાથે દુખ વેઠીને દીકરાને ઉછેર્યો છે, ઘરેણા વેચીને ભણાવ્યો છે, તો માને સાચવવાની અમારી ફરજ ગણાય, માટે તારે પણ દુખ લગાડવું નહિ, અને મારી ચિંતા કરવી નહિ.’
મોનીની ઈચ્છા તો પપ્પાના અવસાન બાદ એકલી પડી ગયેલી મમ્મીને પોતાની સાથે અમેરિકા લઇ જવાની હતી, અતુલે પણ એમને સાથે આવવા આગ્રહ કર્યો. પણ સ્વતંત્રપણે રહેવા ટેવાયેલા સુરેખાબેનને ડર હતો, ‘જે ઘરમાં વેવાણનું જ ચલણ વધારે હોય, ત્યાં જઈને શું કરવાનું ? વખતે પોતાનું માન ન જળવાયું તો ?’ એટલે બધાના આગ્રહ છતાં એમણે, ‘હું મારે અહીં જ સારી છું.’ એમ કહીને અમેરિકા જવાનું ટાળ્યું. મોની ભારે હૈયે અને આંસુ ભરેલી આંખે મમ્મીને એકલી મુકીને અમેરિકા જવા ઉપડી ગઈ.
મોની ગઈ એટલે એકલા પડેલા સુરેખાબેન ભૂતકાળના વિચારોમાં ગરકાવ થઇ ગયા. સુરેખા પણ એમના માબાપની એકની એક દીકરી હતી, ખુબ જ લાડપ્યારમાં ઉછરેલી એટલે જીદ્દી સ્વભાવની, દેખાવમાં રૂપાળી, ભણવામાં તેજસ્વી અને પૈસાદાર કુટુંબની કન્યા એટલે લગ્નબજારમાં એની માંગ ઉંચી હતી, અને આ વાત તે પોતે પણ સારી રીતે જાણતી હતી. જ્ઞાતિના એક મેળાવડાના અવસરે અનિલે એને જોઈ અને એ મનમાં વસી ગઈ. માબાપને કહીને એણે સામેથી માંગુ મોકલ્યું. સુરેખા તો ‘મારે એ બધાની વેઠ કરવાની ?’ એમ વિચારીને મોટા કુટુંબમાં જવા રાજી જ ન હતી, પણ એના મમ્મી પપ્પાએ સમજાવી, ‘ઘર સારું છે, માણસો ખાનદાન છે, છોકરો ભણેલો છે, અને સામેથી પુછાવે છે, પછી તને શું વાંધો છે ?’
છેવટે મમ્મીપપ્પાની સમજાવટથી સુરેખાના લગ્ન અનિલની સાથે થયા. એ સાસરે આવી ત્યારે ઘર ભર્યું ભાદર્યું હતું. સાસુ – સસરા, જેઠ – જેઠાણી – ભત્રીજી, એક નણંદ અને પતિ - પત્ની. મળીસંપીને સૌ આનંદથી રહેતા હતા. બંને ભાઈઓ ખર્ચ પુરતું રાખીને બાકીનો પગાર મમ્મીને આપતા હતા, સુરેખાને આ વાત જરાય ન ગમી, ‘મહેનત કરીને કમાય મારો પતિ, અને મારા બદલે પૈસા આપે એની મા ને ?’ એણે વિરોધ કર્યો, કજીયો કર્યો, અબોલા લીધા, છેવટે મમ્મીના કહેવાથી અનિલે પગાર સુરેખાને આપવા માંડ્યો.
ઘરના કામકાજ બધા મળી સંપીને કરતા હતા, સુરેખાને ભાગે તો નજીવા કામો આવતા, પણ સુરેખાને એનો પણ કંટાળો આવ્યો, એણે આખા દિવસનો નોકર રાખી લેવાનો આગ્રહ કર્યો. અનિલે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો, તો એ રિસાઈને પિયર જતી રહી. છેવટે ‘કજીયાનું મોં કાળુ’, એમ સમજી અનીલ સુરેખાને મનાવીને પાછી ઘરે લઇ આવ્યો. એને કામ ચીંધવાનું તો બંધ જ કર્યું, સાથે સાથે બધાએ સુરેખા સાથે બોલવાનું પણ ઓછું કરી નાખ્યું. સુરેખાએ આને પોતાની ‘જીત’ ગણી, પણ એ એની મોટામાં મોટી ‘હાર’ હતી. એ સમયગાળામાં મોનીનો જન્મ થયો. સૌને આશા બંધાઈ કે ‘મા બનેલી સુરેખા સુધરશે, મળતાવડી અને મમતામયી બનશે.’ પણ થયું એનાથી ઉલટું જ. એક તો ‘કડવી કારેલી અને પાછી લીમડે ચઢી’, એમ મા બન્યા પછી સુરેખા વધુ તોછડી, સ્વચ્છંદ અને ઉદ્ધત બની, બધા એનાથી દુર દુર રહેવા લાગ્યા.
એક અંગત મિત્ર સાથેની ચર્ચા દરમ્યાન મિત્ર એ સલાહ આપી કે ‘ચેન્જ માટે ભાભીને ક્યાંક હિલ સ્ટેશન પર પર ફરવા લઇ જા.’ બંને સીમલા ફરવા ગયા. ઘણા વખત બાદ સુરેખાને આટલી આનંદિત જોઇને અનિલ પણ ખુશ થયો. ઘરે આવ્યા પછી થોડા સમય તો બધું ઠીક ચાલ્યું પણ એક દિવસ સુરેખાએ આખું ઘર માથે લીધું. બન્યું એવું કે – મોની હજી માંડ બે વર્ષની હતી અને સુરેખા ફરી પ્રેગનન્ટ થઇ. સમાચાર કન્ફર્મ થયા એટલે સુરેખાએ ઉપાડો લીધો, ‘મારાથી બબ્બે છોકરાની પળોજણ થશે નહિ, મારે અબોર્શન કરાવવું છે.’
અનિલે એને આવું ન કરવા બહુ સમજાવી, પણ એ માની નહીં. છેવટે નછુટકે સાસુમાએ સમજાવી, તો ‘છોકરાં તમારે ઉછેરવાના છે કે મારે ?’ કહીને સુરેખાએ એમનું મોઢું તોડી લીધું. અપમાનનો આ કડવો ઘૂંટડો ગળી જઈને સાસુમાએ કહ્યું, ‘બેટા, તમારા છોકરાં છે તે તમારે જ ઉછેરવાના છે, પણ તમને એ ભારે પડતા હોય તો હજી મારામાં તાકાત છે, એમને ઉછેરવાની.’ પણ માથાભારે સુરેખાએ એક દિવસ બધાથી ચુપચાપ જઈને એબોર્શન કરાવી લીધું, અનિલને આ જાણીને ખુબ આઘાત લાગ્યો, સુરેખા એના મન પરથી સાવ જ ઉતરી ગઈ. સુરેખાના રોજરોજનાં આ કકળાટથી તંગ આવી ગયેલા માબાપ પણ દીકરીના લગ્ન પછી મહેસાણાના ઘરે રહેવા જતા રહ્યા, અને ભાઈ ભાભી અમદાવાદ રહેવા જતા રહ્યા.
હવે વડોદરાના ઘરમાં રહ્યા માત્ર ત્રણ જણ, પતિ – પત્ની અને નાનકડી દીકરી મોની. અનિલભાઈએ પોતાનું બધું ધ્યાન દીકરી મોનીમાં પરોવી દીધું, ક્યારેક એમને પોતાનું ભર્યું ભાદરું ઘર યાદ આવતું ત્યારે હૃદય વલોવાઈ જતું, અને આંખો ભરાઈ આવતી, ત્યારે તેઓ ઉદાસ થઇ જતા. મોની દસ વર્ષની થઇ ત્યારે અનિલભાઈના માતા અને બાર વર્ષની થઇ ત્યારે પિતા મૃત્યુ પામ્યા. ભાઈ –ભાભી કે બહેન –બનેવી સાથે પણ ઝાઝો આવન –જાવન નો સંબંધ રહ્યો નહોતો. પણ અનિલભાઈ ક્યારેક એમને છાનાછપના ફોન કરી લેતા અને કવચિત મળી પણ લેતા.
એક દિવસ અનિલભાઈ બહેન -બનેવીને મળીને આવ્યા ત્યારે, ‘બહેનના માટે દિલમાં બહુ બળતું હોય તો ત્યાં જ રોકાઈ જવું હતું ને, અહીં શીદને આવ્યા ?’ કહીને સુરેખાએ મોઢું મચકોડ્યું. ‘સુરેખા, તને ભલે તારા કોઈ સગાને મળવાની ઈચ્છા નહીં થતી હોય, મને તો થાય કે નહીં ? આ તો મારી સગી બહેન છે.’ કહેતા અનિલભાઈની આંખમાં પાણી આવ્યા. અનિલભાઈના આ શબ્દોએ ‘આગમાં ઘી હોમવાનું’ કામ કર્યું. સુરેખાએ જોરદાર ઝઘડો કર્યો. જુદાઈની વેદના દિલમાં સંઘરીને બેઠેલા અનિલભાઈને એ રાત્રે ઊંઘમાં જોરદાર હાર્ટએટેક આવ્યો. સુરેખાબેન કશું સમજી શકે, કે હોસ્પિટલમાં દાખલ કરે તે પહેલા જ અનિલભાઈ પ્રાણપંખેરું ઉડી ગયું. પડોશીઓ, સગાવહાલા દોડી આવ્યા, મોની પણ અમેરિકાથી આવી ગઈ. છેવટે બારમા - તેરમાની વિધિ પતાવીને સૌ ગમગીન હૃદયે વિદાય થયા, મોની પણ એક મહિનો રહીને ભારે દિલે અમેરિકા ગઈ.
એકલા પડેલા સુરેખાબેને પોતાના જીવનનું સરવૈયું તપાસી જોયું, ‘અહીં મારી પાસે આત્મીયજન કહેવાય એવું કોણ છે ?’ એમને રહી રહીને અહેસાસ થયો કે પોતાના ખરાબ - સ્વાર્થી સ્વભાવને લીધે જ સૌ સગાઓ પોતાનાથી દુર થઇ ગયા હતા. એમને થયું, ‘ કાશ, આજે એકાદ દીકરો પોતાની પાસે હોત !’ પછી તરત જ ભાન થયું, ‘ દીકરો ક્યાંથી હોય, મેં પોતે જ તો એનું મારા ઉદરમાં જ ખૂન કરી નાખ્યું હતું.’ પારાવાર પસ્તાવામાં એ બબડી રહ્યા, ‘ એ મારા જીવનની મોટામાં મોટી ભૂલ હતી, ના ના, ભૂલ શેની, એ તો મહાપાપ હતું, ભયંકર ગુનો હતો.’ સુરેખાબેન વિચારના અવસાદમાં એવા તો ડૂબ્યા કે ક્યારે રાત પડી ગઈ અને અંધારું થઇ ગયું એની પણ એમને ખબર ન રહી. ખરેખર તો અંધારું એમના ઘરમાં જ નહિ, જીવનમાં પણ ઉતરી આવ્યું હતું.
‘આંટી, ઘરમાં આવું કે ?’ એમ બોલતી મોનીની ફ્રેન્ડ આરતી ઘરમાં આવી, ‘અરે, આંટી, આ શું ? મોની ગઈ એટલે તમે ઘરમાં અંધારું કરી નાખ્યું, લાઈટ પણ નથી કરી ?’ એમ બોલતા આરતીએ લાઈટ કરી. સુરેખાબેન, લાઈટના અજવાળે અને આરતીના અવાજના સથવારે વિચાર વમળમાંથી બહાર આવ્યા, અને અવસાદને ખંખેરીને બોલ્યા, ‘શું પીશે બેટા, ચા કે કોફી ?’ આરતીની સાથે સાથે સુરેખાબેન પોતે જ પોતાના આ મૃદુ અવાજથી ચમક્યા. ‘આંટી, તમે બેસો, હું જ મસ્ત આદુફુદીનાવાળી ચા બનાવી લાવું’ એમ ટહુકતી આરતી ફટાફટ ચા બનાવી લાવી. ચા નાસ્તાની સાથે સુરેખાબેન ચુલબુલી આરતીની વાતો કલાક સુધી સાંભળતા રહ્યા, એમને ઘણું સારું લાગ્યું.
એ પછીના પંદર દિવસ બાદ એક સાંજે મોનીને આરતીનો વોટ્સ એપ મેસેજ મળ્યો, - યોર આઈડીયા ઓફ ઓપરેશન ‘ચેન્જ ધ રૂટીન’ ઈસ સક્સેસફૂલ. સુરેખાઆંટી ઈસ નાવ એક્ટીવ મેમ્બર ઓફ અવર સોશિયલ ગ્રુપ. એમનું રૂટીન હવે સાવ બદલાઈ ગયું છે, આંટી અમારી સાથે જોડાઈને ખુબ ખુશ છે.’
મોની આરતીનો મેસેજ વાંચતા હસી પડી, એણે જવાબમાં લખ્યું, ‘યુ આર ટોકિંગ એબાઉટ ધ સકસેસ ઓફ ઓપરેશન ‘ચેન્જ ધ રૂટીન’, બટ એક્ચ્યુઅલી ધીસ ઈઝ ઓપરેશન ‘ચેન્જ ધ નેચર’, રૂટીનની સાથે સાથે મમ્મીનો સ્વભાવ પણ સાવ જ બદલાઈ ગયો. યાર, તેં તો જાદુ કર્યું, હું આટલા વર્ષોમાં ન કરી શકી તે તેં પંદર દિવસમાં કરી બતાવ્યું, થેન્ક્સ અ લોટ, યાર.’
(આજે સવારે જ સુરેખાબેને ફોન કરીને મોનીને કહ્યું હતું, ‘મોની, મારે તારી પાસે થોડા દિવસ રહેવાય એમ આવવું છે, એ માટે જે કરવી પડે એ તૈયારી તું કરવા માંડ.’)
***