Vividh Vada books and stories free download online pdf in Gujarati

વિવિધ વડા

વિવિધ વડા

મિતલ ઠક્કર

નાસ્તામાં વડા બહુ જાણીતો નાસ્તો છે. મોસમ કોઇપણ હોય, જો ગરમાગરમ વડા મળી જાય તો મજા આવી જાય. પણ બટાકાવડા સુધી જ વડાની વાનગી સિમીત નથી. વડામાં ઘણું વૈવિધ્ય છે. આપના માટે વિવિધ પ્રકારના વડાની વિવિધ વાનગીઓનું સંકલન કર્યું છે. આ સાથેની ટિપ્સ પણ તમને ઉપયોગી બની રહેશે.

* દહીંવડા બનાવવાની પેસ્ટમાં ચપટી સોડા નાખવાથી વડા મુલાયમ પોચા થાય છે.

* મેંદુવડા બનાવવા અડદની દાળને લીસી વાટવી. દાળ વાટતી વખતે તેમાં થોડું થોડું પાણી નાખતા જવું. પાણી વધી જવાથી વડા સરખા થશે નહીં. દાળ બરાબર વટાશે તો જ મેંદુવડા સારા થશે.

* દહીંવડા બનાવતી વખતે વાટેલી દાળમાં એકાદ-બે બાફેલા બટાકાના ટુકડા ભેળવવાથી દહીંવડા પોચા બને છે.

* ફરાળના બટાકાવડા બનાવવા જોઇતો મસાલો કરી શીંગોડાના લોટમાં પાણી,મીઠું મરચું નાખી વડા બોળી ઉતારવા.

* બટાકાવડા બનાવતી વખતે બાફેલા બટાકાને ઝીણા-ઝીણા સમારી તેલમાં રાઇ, અડદની દાળ, ઝીણા-ઝીણા સમારેલા મરચા. લીમડો, લસણ નાખવું હોય તો નાખી બટાકા વઘારી દેવા. બટાકાને હલાવતી વખતે શક્ય હોય તેટલા છુંદવા અને પછી જોઇતો મસાલો કરવો. આ મિશ્રણમાં ઝીણી સમારેલી કોથમીર વધુ પ્રમાણમાં નાખવા.

બટાકાવડા

સામગ્રી : ૨૫૦ ગ્રામ બટેટા, ૨૦૦ ગ્રામ ચણા નોલોટ, આદુ મરચા ની પેસ્ટ, ગરમ મસાલો, લીંબુનો રસ, ખાંડ, મીઠું, હળદર, લાલ મરચું, હિંગ, તેલ

રીત: સૌ પ્રથમ બટેટા ને બાફી અને છુંદી નાંખો ત્યારબાદ બટેટા ના પુરણ માં ૨ ચમચી આદુ મરચા ની પેસ્ટ ,૧ ચમચી ગરમ મસાલો, ૧ ચમચી ખાંડ, ૧ ચમચી લીંબુ નો રસ, સ્વાદ અનુસાર મીઠું નાંખો. હવે એક નાના લોહીયામાં એક ચમચી તેલ મૂકી ગરમ કરવા મુકો. તેમાં અડધી ચમચી રાઇ નાંખો. ગરમ તેલને પુરણમાં નાંખી દો. હવે તેને બરાબર મિલાવી નાના લુવા વાળી લ્યો. ત્યારબાદ ચણા ના લોટ માં ૧ ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, હિંગ, સ્વાદ અનુસાર મીઠું, ૧ ચમચી ખાંડ અને પાણી નાંખી ઘોળ તૈયાર કરો. હવે એક લોહીયામાં તેલ ગરમ કરવા મુકો ચણા ના લોટ માં એક એક લુવા બોળી ગરમ તેલ માં નાંખો. શરૂઆતમાં ગેસ નો તાપ વધુ રાખી, પછી ધીમો કરવો. સરસ રીતે તળાય જાય એટલે નીતારી કાઢી લેવા.

બાજરીના વડા

સામગ્રી: 1 કપ બાજરીનો લોટ, 2 મોટી ચમચી ઘઉંનો લોટ, 2 મોટી ચમચી દહીં, 1 લીલુ મરચુ2 લસણની કળી, અડધો ઈંચ આદુ, 3 મોટી ચમચી ઝીણી સમારેલી કોથમીર કે મેથી, 3 મોટી ચમચી સફેદ તલ, પા ચમચી હળદર, પા ચમચી મરચા પાવડર, એક ચમચી ધાણા જીરૂ પાવડર, 1 મોટી ચમચી તેલ, અડધી ચમચી ખાંડ, જરૂર અનુસાર પાણી, નમક સ્વાદાનુસાર, તળવા માટે તેલ.

રીત: સૌ પહેલા તો લીલા મરચા, આદુ અને લસણને લઈને તેને ખાંડીને તેની સ્મૂધ પેસ્ટ બનાવો. આ માટે 1 લીલા મરચાની સામે 2 લસણની કળી અને અડધા ઈંચ જેટલુ આદુ લેવુ. 1 મોટા વાટકામાં બાજરીનો લોટ લો. તેમાં 2 મોટી ચમચી ઘઉંનો લોટ ઉમેરો. તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરો. આ ઉપરાંત સમારેલી કોથમીર કે મેથી ઉમેરો. ત્યાર પછી તેમાં હળદર, મરચુ, ધાણાજીરુ, તલ, ખાંડ અને નમક સ્વાદાનુકાસ ઉમેરીને તેને હલાવો. ત્યાર પછી તેમાં 2 મોટી ચમચી દહી ઉમેરો. એક ચમચીની મદદથી આ મિશ્રણ બરાબર હલાવી લો. દહીં અને લોટ મિક્સ કર્યા બાદ તેમાં 1 મોટી ચમચી તેલ નાંખો અને બરાબર મિક્સ કરો. ત્યાર પછી તેમાં 2 મોટી ચમચી જેટલુ પાણી ઉમેરી જુઓ. જો જરૂર પડે તો વધારે પાણી ઉમેરો. લોટ સુંવાળો હોવો જોઈએ. લોટ બહુ ઢીલો કે કડક ન હોવો જોઈએ. જો લોટ ઢીલો બંધાઈ જાય તો બાજરીનો લોટ ઉમેરી દો. લોટ કડક જણાય તો પાણી ઉમેરી ઢીલો કરો. આ લોટને 30 મિનિટ સાઈડમાં રહેવા દો. લોટ બંધાઈ જાય પછી તેમાંથી નાના નાના લૂઆ પાડો. હથેળીમાં થોડુ પાણી લઈને દરેક વડાને સહેજ પ્રેસ કરીને પેટીસ જેવો આકાર આપી દો. વડા બહુ જાડા કે બહુ પાતળા ન હોવા જોઈએ. બાજરીના વડા તળતી વખતે તેલ બહુ ગરમ કે બહુ ઠંડુ ન હોવુ જોઈએ. બંને સાઈડથી વડાને ગોલ્ડન-બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળવા. વડાને પેપર ટોવેલ પર મૂકશો તો તે વધારાનુ તેલ શોષી લેશે. આ રીતે બનાવેલા વડા લગભગ 1 અઠવાડિયા સુધી બગડતા નથી.

દહીંવડા

સામગ્રી: વડા માટે -બે કપ અડદની દાળ, એક કપ મગની દાળ, એક ચપટી હિંગ, એક ચમચી અધકચરું વાટેલું જીરુ, એક કપ દહીં, અડધો ચમચો લીલા મરચાની પેસ્ટ, મીઠું સ્વાદાનુસાર, તેલ તળવા માટે. દહીં માટે -એક કિલો દહીં, બસો ગ્રામ ખાંડ, અડધો કપ ખજૂર આમલીની મીઠી ચટણી, બે ચમચા દાડમના દાણા, એક ચમચો જીરુ, સંચળ, મરીનો મિક્સ પાઉડર, એક ચમચો લાલ મરચું

રીત: સૌપ્રથમ બંને દાળને ધોઈને અલગ-અલગ પલાળો. છથી સાત કલાક પલાળ્યા પછી તેને મિક્સરમાં વાટી લો. ઘટ્ટ ખીરું બનાવો. હવે આ ખીરામાં એક ચમચો દહીં નાખીને એકથી દોઢ કલાક રહેવા દો. હવે તૈયાર થયેલા ખીરામાં હિંગ, લીલા મરચાંની પેસ્ટ, મીઠું અને અધકચરુ વાટેલું જીરું ઉમેરીને સારી રીતે ભેળવી લો. હવે ગરમ તેલમાં તળી તેના વડા ઉતારો. બાજુમાં એક વાસણમાં પાણી ભરેલું રાખો. વડા તળાઈ જાય એટલે તેને પાણીમાં નાખતા જાઓ. ત્રીસથી ચાલીસ સેકેન્ડ પાણીમાં ડૂબાડી રાખ્યા પછી એક પછી એક તેને દબાવીને પાણી નિતારી લો અને બાઉલમાં મૂકો. બીજા એક વાસણમાં દહીં અને ખાંડ ભેળવી લો અને તેને ઠંડું કરવા ત્રીસ મિનિટ સુધી ફ્રીજમાં મૂકો. પીરસતી વખતે એક પ્લેટમાં વડા પાથરો અને વડા ઢંકાઈ જાય તે રીતે તેના ઉપર દહીં રેડીને ફેલાવી લો. થોડી ખજૂર-આમલીની ચટણી પણ નાખો. હવે તેની ઉપર જીરુ, સંચળ, મરીનો પાઉડર અને લાલ મરચાનો પાઉડર છાંટો. અને છેલ્લે દાડમના દાણા નાખીને પીરસો.

બ્રેડના દહીંવડા

સામગ્રી : એક મોટી બ્રેડ, પાંચસો ગ્રામ દહીં, આઠ-દસ લીલાં મરચાં, થોડું આદું, લીલા ધાણા, દસેક ગ્રામ દળેલું જીરું, નાની ચમચી ભરીને સંચળ તથા જરૃર પડતું મીઠું-મરચું.

રીત : સહુથી પહેલાં આદુ, મરચાં અને ધાણા બરાબર ધોઈને ઝીણાં કાંતરી લો. દહીં , વલોવી નાખો. હવે કઢાઈમાં ઘી નાખીને ધીમા તાપે ગરમ થવા દો. બ્રેડની પાતળી સ્લાઈસ કાપો. પછી દરેક સ્લાઈસની કિનારી કાપી નાખો. કિનારી કાપ્યા પછી સ્લાઈસને પાણીમાં નાખીને તરત કાઢી લો અને બંને હાથ વડે દબાવીને નિચોવી લો. હવે દરેક સ્લાઈસમાં એક દ્રાક્ષ, એક ચારોળી, તથા થોડા આદુ-મરચાં, ધાણા મૂકીને એનો લાડવો બનાવી લો. પછી એ લાડવાનો ઘીમાં તળી લો. બ્રેડ લાલ થઈ જાય તો કઢાઈમાંથી કાઢીને વલો વેલા દહીંમાં નાખી દો. બસ દહીંવડા તૈયાર થઈ જશે. થાળીમાં થોડા દહીં સાથે કાઢી ઉપર લાલ મરચાં, મીઠું, વાટેલા ધાણા અને સંચળ ભભરાવીને ખાવાથી સ્વાદિષ્ટ લાગશે.

અડદ-મગની દાળના દહીંવડા

સામગ્રી: અઢીસો ગ્રામ અડદની દાળ, અઢીસો ગ્રામ મગની દાળ, મીઠું સ્વાદ અનુસાર.

રીત: બંને દાળ અલગ અલગ ૭ થી ૮ કલાક પલાળો. ઝીણી વાટી મિક્સ કરો. તેમાં મીઠું નાખો.તેના વડા ઉતારી ગરમ પાણીમાં પલાળો. પછી તેમાંથી કાઢી દહીં નાંખી પીરસો. તેની ઉપર મરચું અને ધાણાજીરું ભભરાવીને વિવિધ ચટણી સાથે તેને સર્વ કરી શકાય છે.

અડદની દાળના દહીંવડા

સામગ્રી: અઢીસો ગ્રામ અડદની દાળ, પાંચસો ગ્રામ દહીં, અડધું લાલ મરચું, અડધી ચમચી જીરું, પચાસ ગ્રામ બેસન, થોડા ધાણા, તેલ, મીઠું સ્વાદ મુજબ.

રીત: દહીંવડા બનાવવાના બે કલાક પહેલા અડદની દાળને પલાળી દો. ત્યારબાદ મિક્સરમાં વાટી લો. તેમાં બેસન જીરું, થોડું તેલ અને કાપેલા ધાણા નાખીને મિક્સ કરી લો. આ મિશ્રણના ગોળા બનાવીને તેને કઢાઈમાં તેલ ગરમ કરીને ધીમા તાપે તળી લો. તળેલા વડાને પાણીમાં પલાળીને હળવે હાથે દબાવીને દહીમાં નાખો. લાલ મરચું અને શેકેલા જીરાનો પાવડર, મીઠું નાખીને સર્વ કરો.

મોરૈયાના દહીં વડા

સામગ્રી: 1 બાઉલ રાંધેલો મોરૈયો, 3 ચમચી શીંગદાણાનો ભૂકો, 3 ચમચી ટોપરાનું ખમણ, 1 ચમચી તલ, 1 ચમચી ખસખસ, 4 નંગ ઝીણા સમારેલા મરચાં, 8થી 10 નંગ દ્રાક્ષ, 1 1/2 ચમચી લીંબુનો રસ, 2 ચમચી ઘી, 1 વાટકો દહીં, 1/2 ચમચી જીરુ, મીઠું સ્વાદાનુસાર, કોથમીર ઝીણા સમારેલી, દળેલી ખાંડ જરૂર પ્રમાણે, તેલ તળવા માટે, મીઠા લીમડાના પાન, લાલ મરચું, શેકેલા જીરાનો પાઉડર.

રીત: સૌપ્રથમ મોરૈયાને આદું-મરચાંની પેસ્ટ અને મીઠું નાખી વઘારી રાંધી લો. હવે એક બાઉલમાં શીંગદાણાનો ભૂકો, ટોપરાનું ખમણ, તલ, ખસખસ, ઝીણા કાપેલા મરચાં, મીઠું, લીંબુનો રસ, સમારેલી કોથમીર અને દળેલી ખાંડ ઉમેરી બરાબર મિકસ કરો. હવે રાંધેલા મોરૈયાને હાથ વડે મસળી, નાનો લુવો લઇ હાથમાં થેપલી કરો. તેમાં તૈયાર કરેલો માવો મૂકી, ઉપર બીજી થેપલી મૂકી સ્ટફ કરી દો. આ તૈયાર કરેલા ગોળાને મોરૈયાના લોટમાં રગદોળી, ગરમ તેલમાં ધીમી આંચે બ્રાઉન રંગના તળી લો. તળાઇ જાય એટલે ટિશ્યૂ પેપર પર મૂકી દો, જેથી વધારાનું તેલ તેમાં શોષાઇ જાય.હવે દહીંને પહેલા વલોવી નાખી તેમાં થોડી દળેલી ખાંડ નાખો. તેના વઘાર માટે થોડુ ઘી મૂકો. તેમાં જીરું અને મીઠા લીમડાના પાન ઉમેરી આ વઘાર દહીંમા રેડી દો. એક પ્લેટમાં વડા મૂકી ઉપર દહીં ઉમેરો. લાલ મરચું અને શેકેલા જીરુંનો પાઉડર ભભરાવો.

દૂધી અને દાળના વડાં

સામગ્રી : પાંચસો ગ્રામ છીણેલી દૂધી, એક ટીસ્પૂન લસણ (ઝીણું સમારેલ), અડધી ટીસ્પૂન આદુ (ઝીણું સમારેલ), એક ટીસ્પૂન ઝીણાં સમારેલાં લીલાં મરચાં, એક ટીસ્પૂન કોથમીર, એક ટીસ્પૂન ફૂદીનો, એક ટીસ્પૂન ચાટમસાલા, બે ટીસ્પૂન સોયાબીનના ગ્રેન્યુલ્સ (ગરમ પાણીમાં દસ મિનિટ પલાળેલાં), બે ટીસ્પૂન તુવેરની દાળ (બાફેલી), બે ટીસ્પૂન ચણાની દાળ (બાફેલી), એક ટીસ્પૂન તેલ, એક ટીસ્પૂન ગરમ મસાલો, થોડાં બ્રાઉન બ્રેડના બ્રેડક્રમ્સ.

રીત: સૌપ્રથમ નોનસ્ટિક વાસણમાં તેલ ગરમ કરો. આદુ-લસણને થોડીવાર સાંતળીને દૂધી ઉમેરો અને હલાવો. ગરમ મસાલો, દાળો, સોયાબીન, ચાટ મસાલો, કોથમીર તથા ફૂદીનો ઉમેરો. વ્યવસ્થિત ભેળવીને ધીમા તાપે ચારથી છ મિનિટ સુધી રંધાવા દો. નીચે ઉતારી લઈ બ્રેડક્રમ્સ ભેળવો. ત્યાર બાદ એક સરખા વડા જેવડાં ભાગ પાડીને પહેલેથી ગરમ કરેલાં ઓવનમાં 150 અંશ સેન્ટિગ્રેડ પર પાંચથી સાત મિનિટ પકાવો. ફૂદીનાની ચટણી સાથે ગરમાગરમ પીરસો.

મેંદું વડા

સામગ્રી: બે કપ અડદની દાળ, બે ટીસ્પૂન સોજી, એક ટીસ્પૂન ઝીણી સમારેલી કોથમીર, આઠ લીલા મરચાં, ટુકડો આદું ઝીણું સમારેલું, અડધો કપ દહીં, તળવા માટે તેલ.

રીત: અડદની દાળને છ કલાક સુધી પલાળી રાખો, બાદમાં તેને દહીં સાથે મિક્સ કરી અધકચરું પીસી લો. પિસેલી દાળમાં સોજી મેળવી તેને સારી રીતે ફેટી લો અને મીઠું ઉમેરો. વ્યવસ્થિત રીતે આ મિક્સચર ફેટાઈ જાય એટલે તેમાં લીલું મરચું, આદુ કટરમાં ક્રશ કરી ભેળવી લો. હવે હથેળીમાં પાણી લગાવી આ ખીરાના મોટા મોટા ગોટા લઈ તેમાં વચ્ચે કાણું પાડી તેને ડીપ ફ્રાય કરો. ગરમ ગરમ વડા તૈયાર છે તેને નારિયળની ચટની સાથે સર્વ કરો.

લીલી મગની દાળના વડા

સામગ્રી: એક વાટકી ફોતરા વાળી મગની દાળ, ચાર મરચા, એક નાનો આદુંનો ટુકડો, તળવા માટે તેલ, મીઠું સ્વાદ અનુસાર.

રીત : પલાળેલી મગની દાળને પીસવા માટે તેને નિતારીને જારમાં નાંખો. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું ,મરચાં અને આદું ધોઈને સુધારી જારમાં નાંખી. જરૂર હોય તો જ પીસતી વખતે પાણી ઉમેરો. ખીરું ઢીલું ન થાય તેનું ધ્યાન રાખવું .ગરમાગરમ વડાં ઉતારો અને સોસ કે લીલી ચટણી અને તળેલા મરચાંની સાથે સર્વ કરો.

કાંજી વડા

સામગ્રી: વડા માટે -1/4 કપ મગની દાળ, તળવા માટે તેલ, 5 ગ્લાસ પાણી, 1 ચમચી મીઠું.

કાંજી માટે -1/2 ચમચી લાલ મરચું, 1 ચમચી રાઇ, 1/2 ચમચી હળદર, મીઠું દોઢ ચમચી, 1/4 ચમચી હિંગ, 2 લિટર પાણી

રીત; વડા બનાવવા માટે- મગની દાળને ઘોઇ લો અને તેમાં પાણી મિક્સ કરીને પાંચ કલાક રહેવા દો. જ્યારે દાળ પલળી જાય ત્યારે તેને મિક્સરમાં ક્રશ કરો અને સાથે એક પરાતમાં સારી રીતે ફેંટી લો. આ દાળની પાણીમાં નાંખીને જુઓ કે તે તરે છે કે નહીં. જો તે નીચે બેસી જતી હોય તો તેને વધારે ફેંટો, એક કડાઇમાં તેલ ગરમ કરો અને તેમાં એક ચમચી દાળનું મિશ્રણ નાંખો અને સોનેરી થાય ત્યાં સુધી તેના વડા જેવું તળો. તેને તેલ ઝરવા રાખો. વડા બની જાય ત્યારે એક વાસણમાં ગરમ પાણી લો અને તેમાં એક ચમચી મીઠું ભેળવો. તેમાં વડાને છોડી દો. જ્યારે તે પાણીમાં સારી રીતે પલળે ત્યારે તેને કાઢો અને હાથથી દબાવીને તેનું પાણી પણ કાઢી લો. આમ કરવાથી વડાની તેલની ચિકાશ દૂર થશે.

કાંજી બનાવવા માટે- એક વાડકામાં હદર, લાલ મરચું, રાઇ, હિંગ અને મીઠું મિક્સ કરો. તેમાં લગભગ અડધો કપ પાણી મિક્સ કરો અને મસાલાને સારી રીતે હલાવી લો. તેમાં બે લિટર પાણી ઉમેરો. પહેલેથી પાણીમાં પલાળીને રાખેલા તૈયાર વડાને આ મસાલાના પાણીમાં નાંખો. તેને ઢાંકીને ગરમ જગ્યાએ રાખો. નરમ વડા પાણીમાં તરશે અને મસાલો નીચે રહેશે. આ માટે પાણીને વલોણીથી હલાવતા રહો. રાઇના પાણીને ચઢવામાં બે દિવસ લાગે છે. હોળીના અવસરે આ વડાને ખાસ રીતે બનાવવામાં આવે છે.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED