ચા ની પ્યાલી bharat maru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચા ની પ્યાલી

ચા ની પ્યાલી

એક કટાક્ષ કથા

કોઇ વાર એવું થાય. સવારના ઘરેથી નીકળ્યાં પછી અમુક કામ એવા વિકરાળ થઇ જાય કે આપણો ઘણો સમય ખાઇ જાય. આજે એવી જ સમયખાઉં સમસ્યા સવારથી સાથે હતી. સાંજના ચાર વાગ્યાં સુધી એકાદશી વિના જ ઉપવાસ થયો. આમ પણ સમસ્યા હોય તો જ અન્નસન્ન પર ઉતરાય. ‘હવે જમવાનો સમય તો ઘડિયાળમાંથી બહાર નીકળી ગયો હતો. પણ ચા પીવાનો સમય મારા હાથમાં જ હતો. અને થાકેલા શરીરને ચા ની ચુસકીથી ચુસ્તી આપવામાં શરમ ન રખાય. એટલે ચા ની મદદ માંગવી. ’ આવો દ્રઢ નિર્ધાર થઇ ગયો. એટલે રસ્તાની એક બાજુ પર સ્થાપીત થયેલી ચા ની લારી તરફ પગ ઉપડયાં.

એક મોટા તપેલામાં ચા ઉકળતી હતી. અને પીવાવાળા પ્યાસીઓની રાહ જોતી હોય એમ એ ચા પોતાની જીવનસુવાસ ફેલાવતી હતી. આમ ચાની અંદર પણ જાતજાહેરાત જોવા મળી. અડધી પ્યાલી ચા નો ‘ઓર્ડર’ આપ્યોં. ઓર્ડર આપવાની એક અલગ જ મજા હોય છે, એમાં પણ ખાવાપીવાનો ઓર્ડર તો નિર્દોષ આનંદ આપે છે. પછી ભુખ્યું પેટ આંખો દ્વારા લારી પર રાખેલા બીસ્કીટના પેકેટ જોઇ ગયું. એટલે ભુખ નામના સંસારના વિકટ પ્રશ્નનો સહજ ઉપલબ્ધ બીસ્કીટરૂપી જવાબ ખરીદ કર્યોં. પછી અડધીમાંથી આખી પ્યાલી ચા નો ઓર્ડર લેખીત આપ્યાં વિના બદલ્યોં. એટલે આખી પ્યાલી ચા થી છલોછલ આવી. સફેદ રંગની ચમકીલી રકાબી પણ એનાથી એવી ભીંજાઇ કે કોઇ સુંદર નારીએ આભુષણો ઓઢયાં હોય. અને ગામડાની મજબુત નાર જેમ કાંખમાં પાણીનો પુરો ભરેલો ઘડો ઉપાડી આવે એમ એ પુરા ભરેલા પ્યાલાને આ રકાબીએ ઉપાડેલો હતો.

ત્યાં તો બીજા લોકો પણ આ ચા ની ફેલાયેલી ફોરમથી ખેંચાઇ આવ્યાં. એમાં પહેલા બે વ્યકતી આવ્યાં. બે ચા મંગાવી. ચા સાથે ચર્ચા કરવા લાગ્યાં. સામાન્ય માણસની જેમ મારા પણ કાન ખુલ્લા જ રહે છે એટલે મે પણ સાંભળ્યું. એક બોલ્યોં “તને મે હજાર વાર કહયું કે હું કાલે એ લગ્નમાં નહીં આવું. ” એટલે બીજો બોલ્યોં “ના, તારે તો આવવું જ પડે. જુની વાતો ભુલી જા. ” પણ પહેલાએ રાજવટથી કહયું “મારાથી તો કોઇકાળે અવાશે નહીં. તારે જવું હોય તો હું ના નથી કહેતો. ” ગરમ ચા માં અડધું ખોવાઇ ગયેલુ બીસ્કીટ મોઢામાં મુકતા વિચાર બહાર આવ્યોં કે આ તો સામાજીક સમસ્યાં છે. મારી પણ અમુક સામાજીક સમસ્યાઓ મનની સપાટી પર તરીને આવી. પછી બીજા બે વ્યકતીઓએ ચાલતા ચાલતા આવીને ચા ની લારીએ વિરામ લીધો. એમણે પણ ચા મંગાવી. એ પણ ચાય પે ચર્ચા કરવા લાગ્યાં. હું એકલો જ હતો એટલે એમની પણ વાત સાંભળી. એક ભાઇ બોલ્યાં “ જો એણે બે દિવસનો વાયદો કર્યોં છે તો રાહ જો. બે દિવસ પછી એ ન આપે તો મારી પાસેથી રૂપીયા લઇ લેજે. ” બીજો બોલ્યોં “ના, એવું શું કામ કરવાનું? તું એને દબાણ કર કે હવે મારા રૂપીયા આપી દે. નહીંતર હવે વાત બગડી જશે. ” બીજુ બીસ્કીટ ખાઇને આ લોકોની આર્થીક સમસ્યા પર વિચાર કરતા કરતા કયાંરે મારી આર્થીક સમસ્યામાં ડુબી ગયો એજ ખબર ન રહી. મારી ચા પણ પ્યાલીમાં હવે અડધી ન રહી. પણ મારી ચા માં બીસ્કીટને ગોળ ગોળ ફેરવવાની નાના બાળક જેવી રમત ચાલુ હતી. ત્યાં જ એક સાતેક વર્ષનો બાળક અને એના પિતા લારીના કિનારે ગોઠવાયાં. એ ભાઇએ ચા મંગાવી. પછી તાજુ જ રડેલું દેખાતુ એ બાળક એના પિતા તરફ જોતા એમણે કડક અવાજે પુછયું “ તારે ચાદુધ પીવું છે?” આ સળગતા સવાલ પહેલા બાળકની નજર મારા બીસ્કીટમાં ચોંટેલી મે જોઇ. પણ બાળકે પોતાના બંને ખભા ઉપર તરફ થોડા ઉલાળ્યાં. કડક સવાલનો શબ્દો વિના પ્રત્યુતર આપીને બાળકે પોતાની નારાજગી વ્યકત કરી. પણ મે મારુ હાસ્ય અવ્યકત જ રાખ્યું. ગરમ ચા પીયને વધારે ગરમ થતા એ ભાઇએ પોતાના બાળકને સલાહરૂપી સંપતી આપતા કહયું “તો તારી મમ્મી પાસે ઘરે જ રહયોં હોત તો? મારી સાથે શું કામ આવ્યોં?” પેકેટમાંથી ડોકાતા બીસ્કીટની જેમ વિચાર પણ ડોકાયો કે આ તો બાપ દિકરાનો પારીવારીક પ્રશ્ન છે. બાપના ગુસ્સાથી મારી દયાભાવના દબાઇ ગઇ એટલે બાળકને બીસ્કીટનો આગ્રહ ન કરી શકયોં. પણ પછી મનમાં અદાલત બેઠી. એક વિચાર કહે બાળકને બીસ્કીટ તો આપવા હતા પણ એના બાપે સમજવું જોઇએને. બીજો વિચાર કહે પણ અપમાનના ડર વિના બાળકને બીસ્કીટ આપવા જ જોઇએ. ત્રીજા વિચારે તો વળી પેલો દુહો યાદ કરાવ્યોં ‘દયા ગરીબી બંદગી સમતા સીલ સુજાણ, ઐસે લક્ષણ સાધુ કે કહત કબીર તું જાણ. ’ ત્યાં તો સાચે જ એક સાધુએ ચા ની લારી પર પોતાની સ્થીરતા બતાવી. એટલે મનની અદાલતમાં આગળની તારીખ પડી. એમણે માત્ર હાથના ઇશારાથી ચા મંગાવી. એમના શબ્દો પણ જાણે સંસાર સાથે છોડયાં હોય એમ મૌન રહીને ચા પીતા હતા. અંદરથી પણ એ મૌન જ દેખાયા.

હવે, આખરે છાશને ખુબ વલોવ્યાં પછી જેમ માખણ તરીને ઉપર આવે એમ મને પણ મનની સપાટી પર વિચાર આવ્યોં કે એક જ મોટા તપેલામાં બનેલી ચા દરેક પ્યાલે પહોંચી કેવી બદલાય જાય છે. કોઇ એની સાથે સામાજીક,કોઇ આર્થીક તો કોઇ પારીવારીક સમસ્યાં ઓગાળીને પીવે છે. ફકત પેલા સાધુ એકલી શુદ્ધ ચા પીતા દેખાયાં. જીંદગી પણ ચા જેવી છે. જેવું ભેળવીને પીવું હોય એવું પીવાય. ઉપરવાળાના મોટા તપેલામાંથી તો સરખી જ નીકળે છે. પણ સાથે જે ચા નો મસાલો આપે છે એના લીધે આપણી ચા આવી ખાટી,મોળી,તીખી,ખારી,તુરી અથવા કડવી થઇ જાય છે. સંશોધન ચાલુ છે કે આ મસાલા મુળ કયાંથી આવે છે....

-ભ્રમીત ભરત.