એક સેતુ bharat maru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક સેતુ

એક સેતુ

રાત્રે લગભગ 11. 30 વાગ્યે નદીના પુલ પર એક લકઝરીયસ કાર આવી. એના ટાયર ઘસડાયા અને બ્રેક લાગી. એ કાર ઉભી રહી. એક યુવાન પચીસેક વર્ષનો એમાંથી ઉતર્યોં. શિયાળાની ઠંડી રાત હતી. પુલની ફુટપાથ પરથી એક પ્રૌઢ લગભગ પચાસ વર્ષના સ્વેટર પહેરેલા ચાલતા ચાલતા જતા હતા પણ પેલા યુવાનની કારનો અવાજ સાંભળી એ પાસે જ ઉભા રહી ગયા. કારની પાછળ જ સ્કુટર ચલાવીને નીકળેલા એક ભાઇ લગભગ ચાલીસ વર્ષના એ પણ ઉભા રહયાં. એટલામાં થોડે આગળ બે પોલીસવાળા ઉભેલા એમાંથી એકે સીટી મારી. ત્રણેય એક જ જગ્યા પર ભેગા થયા. પણ એકબીજાથી અજાણ્યાં અને ઉપરથી બંને પોલીસવાળા પણ ત્યાં આવીને ઉભા રહી ગયા. એક પોલીસવાળો કડક અવાજે બોલ્યોં “ ચાલો અત્યાંરે અહી ઉભા રહેવાની મનાઇ છે. નીકળો અહીથી બધા ચાલો. ” એટલે પેલા યુવાને પુછયું “ સાહેબ અત્યાંરે રાતે કયાં ટ્રાફીક છે? થોડીવાર બેસવા દો, પછી નીકળી જઇશું. ” બીજો પોલીસવાળો પડીકીમાંથી ગુટકા હાથમાં લેતા બોલ્યોં “ તમે એકબીજાને ઓળખો છો?” પેલા પ્રૌઢે હોશીયારી વાપરતાં કહયું “ હા સાહેબ, અમે ઓળખાણમાં જ છીએ. પણ કેમ સાહેબ?” પેલા બીજા બે વ્યકતી પણ આ વડીલના શીફતપુર્વકના જુઠાણાંથી રાહત અનુભવી સાથે બોલ્યાં “કેમ પુછયું સાહેબ?” પોલીસવાળાએ જવાબ આપ્યોં “છાપામાં વાંચતા નથી? આ પુલ પરથી નદીમાં કુદીને લોકો આપઘાત બહું જ કરે છે. એટલે કમિશ્નર સાહેબે અમને અહી ચોકી-પહેરો કરવા ઉભા રાખ્યાં છે. આ શ્યુસાઇડ પોઇન્ટ બની ગયો છે, એટલે હવે અમે કોઇને આત્મહત્યાં નહીં કરવા દઇએ. તમે લોકો થોડીવાર બેસો, વાતો કરો. પણ શ્યુસાઇડનો પ્રયત્ન કરે એની સીધી જ ધરપકડ થશે.” પેલો યુવાન ફરી બોલ્યોં “ સાહેબ, હવે તમારે આ પણ ધ્યાન રાખવાનું એમ ને? પછી હસ્યોં એટલે વાતાવરણ ગંભીર થતા બચી ગયું. કોઇ સાચુ અને કોઇ ખોટું એમ બધા હસી લીધા. પરીસ્થીતી કાબુમાં જણાતા પોલીસ પણ પુલ પર આગળ વધી.

પેલા પ્રૌઢ સીધા ફુટપાથની પાળી પાસે ઉભા રહી ગયા. અને જાણે નદીની ઉંડાઇ આંખથી માપતા હોય એમ નમ્યાં. આ જોઇને પેલો યુવાન ગભરાયોં એટલે એણે બુમ પાડી “ ઓ અંકલ, શું કરો છો?” પણ એ અંકલ તો દુર એક તરફના કિનારા પર આવેલા મંદિરમાંથી આવતો ભજનનો અવાજ સાંભળવાનો પ્રયાસ કરતા હતા. એટલે જ પેલા યુવાનની વાત ન સંભળાઇ. પેલો યુવાન અને એની પાછળ તરત જ પેલો સ્કુટરવાળો પણ પુલની પાળીને લગોલગ ઉભા રહી ગયા. એમને પણ ભજન વાગતા હોય એવું સંભળાયું. થોડીવાર ત્રણેય મૌન રહયાં. ભજનના શબ્દો હતા “ કઇ ઘડી કાળ કોને ખબર, ભજીલે તું સત જબ્બર. હર ઘડી અંત ઘડી,વાંચે દાસ એવી કડી. ” છ કાનમાં આ શબ્દો અથડાયાં. પેલા યુવાનને ભજનના શબ્દો અર્થહીન લાગ્યાં. અને વળી પોલીસવાળાને કહયું હતું એમ ઓળખીતા થવા માટે વાત શરૂ કરી. અને પુછયું “અંકલ તમારું નામ શું છે?” પેલા પચાસ વર્ષના પ્રૌઢ શાંતીથી બોલ્યાં “ આસુતોષ, અને તારું?” પેલો યુવાન બોલ્યોં “ વિકાસ, અને અંકલ આપ કોણ?” વિકાસે સ્કુટરવાળા ભાઇને પુછયું તો એ પણ બોલ્યાં “ અમૃતલાલ”. વિકાસ પેલા બંને તરફ જોઇને બોલ્યોં “ આ પોલીસવાળા પણ ખરા છે. ચોકી પર કોઇ ફરીયાદ તો સાંભળતા નથી ને છેલ્લે અહીં ધ્યાન રાખવા ઉભા છે. પોલીસવાળા કે સરકાર કઇ કોઇની તકલીફ દુર કરવાના છે?” એટલે અમૃતલાલ બોલ્યાં “ સાચી વાત તારી. અરે ભગવાન પણ તકલીફ નથી દુર કરી શકતો તો આ લોકો શું કરવાના?” બંનેની વાત સાંભળી આખરે આસુતોષભાઇ બોલ્યાં “ તકલીફ પણ ઉંમરના આંકડા સાથે વધે જ છે, ઘટતી નથી. તમે બંને હજુ નાના લાગો છો. જેમ જેમ ઉંમર વધે એમ તકલીફ પણ વધ્યાં જ કરે છે. ” આટલું બોલી એકદમ હતાશ દેખાતા એ ફુટપાથ પર નીચે બેસી ગયા. અમૃતલાલ અને વિકાસ પણ થોડા ગભરાયા અને નીચે બેસી ગયા. થોડી થોડી વારે કોઇ વાહન પસાર થઇ જતું. ઠંડી પણ રાત સાથે વધારે જામતી ગઇ. જયાંરે કોઇ વાહન ન નીકળે અને ત્રણેય મૌન રહે ત્યાંરે પેલા દુર ચાલતા ભજન સંભળાઇ જતા હતા. પણ વિકાસ યુવાન વયનો એટલે ભજનનો અવાજ અણગમો પેદા કરતો હોય એમ ફરી વાત કરવા લાગ્યોં “ તમે કેમ નીચે બેસી ગયા? તબીયત તો બરાબર છેને અંકલ?” અમૃતલાલ પણ બોલ્યાં “ વડીલ તબીયત સારી ન હોય તો ઘરેથી કોઇને બોલાવી લો. ” એક લાંબો નિશાસો નાખીને પછી આશુતોષભાઇ બોલ્યાં “ તબીયત અત્યાંરે તો સારી જ છે. હાલ એવો કોઇ વાંધો નથી. પણ ફકત કામચલાઉ. અને મારી ઘરે ફોન ન કરાય. માંડ થોડુ એકાંત મળ્યું છે એને માણવા દો. ફોન કરું તો અહી ગાડીઓની લાઇન લગાડી દેશે. ” ત્યાં તો અમૃતલાલને આંચકો લાગ્યોં હોય એમ એ બોલ્યાં “ એટલે વડીલ બહું પૈસાદાર છે એમ કહેવા માંગે છે, વિકાસ. ” વળી અમૃતલાલની વાતથી વિકાસને આંચકો લાગ્યોં હોય એમ એ પણ બોલ્યોં “ એમ? તો મારે પણ કોઇ કમી નથી પૈસાની જુઓ આ ગાડીનો ચળકાટ. ” એટલું બોલી પોતાની કાર તરફ આંગળી ચીંધે છે. પણ થોડીવાર પછી ફરી આશુતોષભાઇની વાતમાંથી કઇ સમજાયું હોય એમ વિકાસ બોલ્યોં “ અંકલ, કામચલાઉ એમ કેમ બોલ્યાં?” વાતનું અનુસંધાન પકડાતા આશુતોષભાઇ બોલ્યાં “ જો દિકરા, મારું શરીર જેવું દેખાય છે એવું તંદુરસ્ત છે નહીં. ફુગ્ગો છે ફુગ્ગો!! ગમે ત્યાંરે ફુટી જાય”. એટલામાં ત્યાંથી સાઇકલ પર એક ફુગ્ગા વેચવાવાળો પસાર થયો. એનો એક ફુગ્ગો હવાથી ઉડી રસ્તા પર આવી ગયો. પાછળ જ આવતી એક કાર નીચે આવી ફટ અવાજ સાથે ફુગ્ગો ફુટયોં. એના અવાજથી થોડે દુર ઉભેલા પેલા બંને પોલીસવાળા પણ આ બાજુ જોવા લાગ્યાં. એટલે અમૃતલાલે હસીને બુમ પાડી “ ફુગ્ગો હતો ફુગ્ગો,સાહેબ. ફુટી ગયો. ” વિકાસને અમૃતલાલનું આવું વર્તન ન ગમ્યું એટલે એમને બોલી પડયોં “ તમે આ અંકલની મજાક કરો છો?” અમૃતલાલ ગુસ્સે થઇ બોલ્યોં “ હું ગરીબ માણસ કોઇની શું મજાક કરું? મારી પાસે મજાક કરવાના પણ પૈસા નથી. તમારા બંને જેવી જાહોજલાલી મારી પાસે કેવી? કે હું તમારી મજાક કરું. આ તો પ્રેમીકા જ પત્નિ બની છે એટલે જેમતેમ કરીને વહેવાર ચલાવે છે. ” આશુતોષભાઇ તો વિચારમાં ખોવાયા હોય એમ મૌન છે. વિકાસ અમૃતલાલની વાતથી થોડીવાર ચુપ રહયોં. ત્યાં ફરી ભજન ત્રણેયના કાને અથડાયું. ભજનના શબ્દો હતા “ પ્રેમ વિના પામે નહીં ભલે કરે હુનર હજાર, કહે પ્રીતમ પ્યાંરે પ્રેમ વિના નહીં મળે નંદ કુમાર. ” એટલે વિકાસ ઉતેજીત થઇ બોલ્યોં “ આ સ્ત્રીઓ આટલી સારી અને વફાદાર હોય એ નવાઇની વાત છે. સ્ત્રી માત્ર પુરુષના સહારા માટે પ્રેમનું નાટક કરે છે. પછી પગથીયું બનાવી આગળ વધે છે. ” અમૃતલાલને વિકાસની વાત મગજમાં ઉતરી નહીં છતા એ મૌન જ રહયાં. એટલે ચર્ચા અટકી.

પોલીસવાળા પુલના એક છેડાથી પાછા વળી બીજા છેડે ચકકર લગાવવા નીકળ્યાં. આ ત્રણેય જ્યાં બેઠા છે બરાબર પુલની વચ્ચે ત્યાંથી પસાર થયા. ચાલતા ચાલતા જ એક પોલીસવાળો બોલતો ગયો “ અમારી તો રાતની ડયુટી છે એટલે અહીં ચકકર લગાવીએ છીએ , પણ તમને કોઇ ઘરે નથી સાચવતું લાગતું. ” એ લોકો સાંભળી ન જાય એટલા દુર પહોચ્યાં એટલે વિકાસ બોલ્યોં “બંગલો તો મોટો છે, પણ મારા ઘરે મને સાચવે એવું કોઇ છે નહીં. ” આશુતોષભાઇ અને અમૃતલાલ અચાનક વિકાસ તરફ જોવા લાગ્યાં. એટલે એ ફરી બોલ્યોં “મમ્મી પપ્પા ફરવા ગયા છે. મોટા બંગલા પણ માણસ વિના ઘર ન બને. ” ઘરની એટલે કે સંપતીની વાત આવે અને અમૃતલાલ બોલ્યાં વિના રહે એવું બને નહીં એટલે એ બોલ્યાં “ આપણે તો મિત્રની મહેરબાની પર રહીયે છીએ. મારા એક મિત્રના ફલેટમાં રહું છું. મફત!!!. ભાડું પણ ન આપવાની શરતે. કેવી વિચીત્રતા છે કુદરતની, જન્મથી આર્થીકતંગી ભોગવી રહયોં છું”. આસુતોષભાઇ હવે વાતોથી કંટાળી ગયા હોય એમ ઉભા થયાં. પોતાના થેલામાંથી પાકાપુંઠાનો એક ચોપડો કાઢી ચાલતા થયાં. એમણે આમ અચાનક લીધેલા પગલાથી ફરી વિકાસ અને અમૃતલાલના ચહેરાઓ તંગ થયા. ત્યાં તો એ એક લાઇટના થાંભલા નીચે જઇ બેસી ગયા. આ બાજુ બંનેના અધ્ધર થઇ ગયેલા જીવ પણ નીચે બેઠા. આશુતોષભાઇ ત્યાં બેસી ચોપડામાં કઇક લખવા લાગ્યાં. અમૃતલાલે વિકાસને કહયું “ યાર જો આ વડીલ આપણી વાતોથી કંટાળીને દુર થઇ ગયા”. વિકાસ અને અમૃતલાલ ની હવે જાણે ઉભા થવાની હિંમત ન હોય એમ એ બંને ત્યાં બેસી રહયાં.

વિકાસ ખીસ્સામાંથી પોતાનો સ્માર્ટફોન કાઢી આવેલા મેસેજ ચેક કરે છે. વોટસ એપમાં આવેલા એક બે વિડીયો જુએ છે. અમૃતલાલથી રહેવાયું નહીં એટલે એ પણ વિકાસના મોબાઇલમાં ડોકીયું કરવા જાય છે, પણ વધારે નમી જવાયું એટલે વિકાસને હળવો ધકકો લાગ્યોં. વિકાસને આ ન ગમ્યું. એટલે બોલી ગયો “ વડીલ, મોબાઇલ નથી જોયો કદી?” અમૃતલાલ પાછા સીધા થઇ ગયા. અને કઇક બોલવા જ જતા હતા ત્યાં એના ખીસ્સામાં ફોન રણકયોં. એમણે નંબર-નામ જોઇ ફોન કાપી નાખ્યોં. થોડીવારે ફરી રીંગ આવી. ફરી કાપ્યોં. આવી ઘટના ત્રણ ચાર વાર બની એટલે વિકાસ ગુસ્સે થઇ બોલ્યોં “ ફોન ઉપાડીને વાત કરી લો. મને પણ ડિસ્ટર્બ થાય છે. ” અમૃતલાલ ધીમેથી બોલ્યાં “ઉઘરાણી માટેનો ફોન છે. ” અમૃતલાલના અવાજમાં નરમાશ એવી લાગી કે જાણે રોઇ પડવાની શરૂઆત હોય. એટલે જ વિકાસે પોતાનો મોબાઇલ ફોન બંધ કરી અમૃતલાલને કહયું “એવા તે કેવા ઉઘરાણીવાળા કે અડધી રાતે ફોન કરે? ના પાડી દો ને. કહી દો નથી આપવા થાય તે કરી લે. ” અમૃતલાલને પહેલીવાર કોઇએ હિંમત આપી હોય એમ લાગ્યું. પણ ફરી મન ઘેરાય ગયું એટલે બોલ્યાં “ અરે ના. છ મહિનાનું વ્યાજ પણ બાકી છે. અને ખોટા માણસ પાસેથી રૂપીયા લેવાઇ ગયા છે. રોજ અડધી રાતે દારૂ પી ગયા પછી જ મને ફોન કરે. પણ એનો થોડો કઇ ગુનો છે. ખરાબી તો મારા નસીબમાં છે. ” વિકાસ વચ્ચે જ અટકાવી કહે છે “એક મીનીટ મોટાભાઇ, નસીબને ખોટું બદનામ નહીં કરો. રૂપીયા અને સંપતી તો મહેનત કરો એટલે મળે જ. જુઓ મારા પપ્પાને, આજે મહેનતથી મને આ મોંઘી કારમાં ફરતો કર્યોં. ” અમૃતલાલ પણ ફરી વિકાસની કાર સામે જોવા લાગ્યાં. પછી બોલ્યાં “ભાઇ, મહેનત તો મે પણ બહું કરી છે. પણ ધંધામાં ખોટ ગઇ. હજી એની ભરપાઇ કરવા નોકરી કરું છું પણ એ ખાડો હવે નહીં ભરાય. મને ખાત્રી છે. હવે કોઇ આશા રહી નથી. જીવવું શું અને મરવું શું? બધુ એક સમાન”. વિકાસ ફરી સલાહ આપતા કહે છે “ કોઇ સગા સબંધી પાસેથી ઉછીના લઇ લો. ” “ હવે કોઇ સગા બાકી નથી, જેના રૂપીયા મે ન લીધા હોય?. એક સસરા સીવાય” અમૃતલાલે કહયું. વિકાસને ફરી એક આશા દેખાતી હોય એમ પુછયું “ તો તમારા સસરા પાસે તો માંગવાનો તમારો હકક થાય ને. ” અમૃતલાલ કઇ બોલ્યાં નહીં. વિકાસ પણ વિચારોમાં ખોવાયો. નિરવ શાંતી પુલ પર પથરાઇ. એટલે ભજન સંભળાવા લાગ્યાં. આ વખતે ભજન હતું “ માતપિતા સુત બાંધવ દારા કોઇ ન આવે કામ, ભજી લેને નારાયણનું નામ. ” પણ આ વખતે અમૃતલાલને આવા શબ્દો ખટકયાં એટલે બોલ્યાં “ આ ભજનવાળાઓને કોણ સમજાવે કે કેટલાયે મંદિરમાં જઇને બાધા રાખી પણ એ પણ કામ ન આવ્યું. અને રહી વાત સસરા પાસે હકક માંગવાની તો એ દરવાજો પહેલેથી જ બંધ છે. ” વિકાસે તરત જ પુછયું “ કેમ બંધ છે?” અમૃતલાલ બોલ્યાં “ મે એમની દિકરીને ભગાડીને લગ્ન કર્યાં. અમે લવમેરેજ કરેલા છે ત્યાંરના મારી પત્નીના પણ એના પીયરમાં સબંધ પુરા થઇ ગયા. બીચારી કયાંયની ન રહી. મારી સાથે પ્રેમ કરીને જીંદગી ખરાબ કરી નાંખી પોતાની. પણ મને બહું જ પ્રેમ કરે છે. અત્યાંર સુધી એના પ્રેમના આધારે જ ટકી રહયોં હતો. પણ હવે બસ. હવે જીવનમાંથી રસ ઉડી રહયોં છે. ભાઇ, આજે બહું કંટાળી ગયો હતો એટલે જ આ પુલ પર આવી ગયો. ” અમૃતલાલે શિયાળાની રાતમાં ગાલ પર બરફ જેવા ઠંડા લાગતાં આંસુ લુછી નાખ્યાં. વિકાસને જાણે અમૃતલાલના દુખ કરતા પણ પ્રેમ શબ્દ વધારે પરેશાન કરી ગયો. વિકાસ ગુસ્સાથી બોલ્યોં “ પ્રેમ અને પત્ની એ બધા જ જુઠા. મે તો આ મોર્ડન જમાનામાં પણ સાચો નિસ્વાર્થ પ્રેમ જ કર્યોં હતો એ રીયાને પણ એને તો મારો ઉપયોગ જ કર્યોં. મને હજી પણ એ ભુલાતી નથી. એક વર્ષ સગાઇ ચાલી અને એક વર્ષ લગ્ન. મે તો એને ખુબ પ્રેમ આપ્યોં. તો પણ એને શું ઘટ પડી કે એના પ્રેમી સાથે ભાગી. સવારની ગઇ હતી. મને તો હમણા બે કલાક પહેલા જ જાણ થઇ. આજે જ મારા લગ્નની એનીવરસરી છે. કેવી કરુણતા ? એટલે મને તો આ પ્રેમીકા કે સ્ત્રી જાત પર વિશ્વાસ જ નથી. મારી ઇજજત ઉડાવી મિત્રોમાં,કુટુંબમાં અને સમાજમાં બધે જ. આજે મે એકસાથે ઘણું ગુમાવ્યું હોય એવું લાગે છે. ” અમૃતલાલ બોલ્યાં “તારે મા બાપનો તો સહારો છે જ ને” વિકાસે એનો પણ જવાબ વાળ્યોં “મા બાપ મારા માટે નવરા જ નથી. બહાર ફરવામાંથી એમને સમય જ નથી મળતો. ”. થોડીવાર શાંત રહી ફરી વિકાસે પણ ઉમેરી દીધું “ જયાંરે ચારે બાજુથી ઘેરાયો એટલે ઘરની બહાર નીકળી ગયો. ” બંનેના શબ્દો અને અવાજો સામસામે એવા અથડાયા કે બંનેનો છેદ ઉડી ગયો. મૌન રહેવું એટલે જાણે વિચારોમાં ડુબવું એવું હોય એમ બંને ડુબ્યાં. પણ પછી મોટા અવાજે ઉધરસ લેતા આશુતોષભાઇ તરફ બંનેનું ધ્યાન ગયું. અમૃતલાલ એમને જોઇને બોલ્યાં “આ વડીલ ખરેખર બીમાર છે. અને આ શું લખે છે એજ નથી ખબર પડતી. ” વિકાસ કંઇ બોલતો નથી. એટલે અમૃતલાલ ફરી બોલ્યાં “કયાંક એ શ્યુસાઇડ નોટ તો લખતા નથીને?” આ સાંભળી વિકાસ સાવધાન અવસ્થામાં આવી બોલ્યોં “ એ તો વિચાર્યું જ નહીં, કે આવું પણ કંઇ થાય?” વિકાસ ઉભો થઇ અમૃતલાલને એકલા મુકી આશુતોષભાઇની બાજુમાં જઇ બેસી ગયો. એમણે જે લખતા હતા એ કાગળ છુપાવી દીધું. અમૃતલાલ મનમાં જ બબડયાં “ વાહ વિકાસ તને પ્રેમે ઠોકર મારી અને હું મારા પ્રેમને ઠોકર મારવા નીકળો છું. ચાલ કઇ નહીં, આ પેલા અંકલને શું તકલીફ છે એ તો જોઇએ” એમ કરીને અમૃતલાલ પણ ઉભા થઇ થોડુ ચાલી પેલા બંનેની બાજુમાં બેસી ગયા.

પુલના સામેના રસ્તે બે તરુણો સાઇકલ ચલાવીને જતા જોયા એટલે અમૃતલાલ બોલ્યાં “ કેવા માબાપ હશે આમના? મોડી રાતે પણ આટલા નાના છોકરાઓને બહાર નીકળવાની છુટ આપે છે. ” એમાં એક છોકરો ઉભો રહી જાય છે. પેલાને હાથથી ઇશારો કરતા કહે છે કે તું જા હું આવું. કઇક વાત ચાલુ કરવા વિકાસ પેલા છોકરા તરફ જોઇને બોલ્યોં “ અંકલ જુઓ ખાત્રી સાથે કહું છું આ લબરમુછીયો સેલ્ફી ફોટા પાડવા જ ઉભો રહયોં છે. ” આશુતોષભાઇએ પણ સામે કહયું “ હા ભાઇ, ઉગતું જીવન છે. તરુણાવસ્થાની મજા લે છે. અને જીવનનો રસ પીવો જ જોઇએ. જયાં સુધી શરીર તંદુરસ્ત હોય ત્યાં સુધી જ માણવાનું હોય. મારી જેમ શરીર તકલાદી થઇ જાય પછી બધુ પુરુ. પછી સેલ્ફી નહીં પણ એકસરે ના ફોટા પાડવા પડે. ” અમૃતલાલ અધવચ્ચેથી જ બોલ્યાં “ સાચી વાત, જો પેલો છોકરો સેલ્ફી ફોટા જ પાડે છે. પછી એકસરે પડાવશે. ” અમૃતલાલની વાત કરતા પણ એના અટ્ટાહાસ્ય પર વિકાસને વધારે ગુસ્સો આવ્યોં. છતા પણ એણે અમૃતલાલને અવગણીને આશુતોષભાઇને પુછ્યું “ અંકલ, તમને શું તકલીફ છે?” આશુતોષભાઇ તરત જ બોલ્યાં “દિકરા, મને ફેફસાનું કેન્સર છે. મારી પાસે બધું જ છે. પહેલા પત્ની અને પછી પ્રેમીકા બનેલી સુંદર હૃદયની સ્ત્રી. વિશાળ સંપતી. યોગ્ય અને લાયક સંતતી. બધાનો મારા પ્રત્યેનો પ્રેમ. પણ સમય નથી. ડોકટરોએ કહયું છે કે થોડા દિવસનું જીવન છે હવે. એ ચીંતામાં ખુબ માનસીક તાણ ભોગવું છું. અને આ જગજાહેર છે કે કેન્સર એટલે યાતનાઓનો ભંડાર. આમપણ મરવાનું જ છે, તો મે એવું વિચાર્યું કે એક ઝાટકે મરી જઇએ. ” આવી વાત સાંભળી હજી આઘાતમાંથી બહાર ન આવેલા વિકાસ અને અમૃતલાલ સામે ફુટપાથ પર પેલા છોકરા પાસે બંને પોલીસવાળા પહોચી એની ઉલટતપાસ કરે છે એ આઘાતજનક દ્રશ્ય પણ જુએ છે. આ બાજુ અમૃતલાલ પણ આશુતોષભાઇની આવી વાતથી એમની સામે પોલીસનજરથી જોઇ રહયાં. પછી અચાનક એમના પર ત્રાટકી પેલો કાગળ લઇને થોડે દુર ભાગ્યાં. વિકાસ પણ ઉભો થઇ ગયો. અમૃતલાલ દુર ઉભા રહી મોટા અવાજે કાગળ વાંચવા લાગ્યાં “ શ્યુસાઇડ નોટ, હું મારી મોજથી જીવ્યોં અને મારી મોજથી જ મરું છું. મારા મૃત્યું માટે માત્રને માત્ર મારી બીમારી જ જવાબદાર છે. મે જીવનમાં કયારે પણ દુખ જૉયું નથી અને હવે પણ આ દુખ સ્વીકારવા તૈયાર નથી. જયાંરે કાયા જ સાથ ન આપતી હોય તો જીવન જેવું કશુ બાકી રહેતું નથી”..... વિકાસે અમૃતલાલ પાસે એ કાગળ અધુરા વાંચને આચકી લઇ એને ચુપ કર્યાં. પણ આશુતોષભાઇને અવસર મળતા એ ઉભા થઇ પુલની પાળી તરફ ધસી ગયા. વિકાસ પણ પળવારમાં એ તરફ દોડયોં. અમૃતલાલે પણ સમય ગુમાવ્યાં વિના એમને પકડી લીધા. બંને બાજુ એક એક હાથ પકડી વિકાસ અને અમૃતલાલે એમને નીચે બેસાડી દીધા. ત્રણેયના શ્વાસોશ્વાસની ગતી વધારે હતી, એટલે બોલવાની શકિત ઘટી. ત્યાં ફરી ભજન સંભળાયું “મુકી ન જાવ મને એકલી જીવરાજા રે, એમ કાયારાણી કે છે”. આટલો ગભરાટ ઓછો પડતો હોય એમ બીજી ઘટના ઘટી. સામે છેડે પોલીસની ગાડી આવી. થોડીવારની પુછપરછ પછી પેલા છોકરાને પણ આશુતોષભાઇની જેમ જ બંને હાથ પકડી પોલીસે ગાડીમાં બેસાડી દીધો. આ બાજુ આ ત્રણેયની આંખે જ માત્ર પેલે પારની ધરપકડની ઘટના અટકી. મનમાં તો આ પારની દુર્ઘટનાના તરંગો જ નાચી રહયાં.

“ અરે અંકલ, તમે આ શું કરવાના હતા? આમ તકલીફોથી દુર ભાગવાનું ન હોય. શરીર છે તો રોગ પણ આવે. તમે કઇ પહેલા નથી કેન્સરના રોગી. એની સામે દુનીયામાં લાખો લોકો લડે છે. અને તમને તો તમારી પત્ની જ તમારી પ્રેમીકાના સ્વરૂપે મળી. બીજુ શું ઘટે? મને તો પત્ની જ છોડીને જતી રહી. તો પણ હું હિંમત નથી હારવાનો” વિકાસે કહયું. અમૃતલાલ પણ બોલ્યાં “ વડીલ, તમારી પાસે તો સંપતીનો ઠગલો છે. તમને આર્થીક કોઇ તકલીફ નથી. તો પછી શું ઘટે? મારા જેવી આર્થીક તંગી તો નથી ભોગવતાને? પૈસા હોય તો બધી તકલીફોને પહોચી વળાય”. બંનેની વાત સાંભળી આશુતોષભાઇ બોલ્યાં “ તમારા બંને પાસે તકલીફો સહન કરવા અને દુર કરવા શરીર તો તંદુરસ્ત છેને!!. મારી પાસે સમય અને શરીર બંને હાથમાંથી સરકતા જોઉં છું. શરીર તંદુરસ્ત હોય તો જીંદગીની સાથે લડી શકું, એની સાથે ચાલી શકું. તમને શું ખબર કે શરીરની પીડા અને સતત મરવાનો ભય,બધુ ગુમાવવાનો ભય કેવો ખતરનાક હોય છે. એના કરતા એક જ આખરી ફટકો સહેલો લાગે છે મને. પણ તમને એટલું કહી શકું કે શરીર તંદુરસ્ત હોય ત્યાં સુધી જીવનમાં કોઇ સમસ્યા છે જ નહી. જીવનમાં બધુ ફરી ફરી મળતું રહેશે શરીર નહીં. ” ત્રણેય એકસાથે મૌન થયા,જાણે મનોમંથન હજુ બાકી રહી ગયું હોય એમ. સામેથી પેલા બંને પોલીસવાળા આવ્યાં. આવીને પોતાનો ગુસ્સો ઠાલવતા આશુતોષભાઇની સામે જોઇ બોલ્યાં “ ચાલો વડીલ,હવે કાલે એકબીજાના ઘરે ચાપાણી પીવા જઇને વધારે વાતો કરજો. પુલ ખાલી કરો. તમારા લીધે અમારે હેરાન થવું પડે છે. રાતના એક વાગવા આવ્યોં. ” એટલામાં ત્યાંથી એક લારીવળો પસાર થયો એને જોઇને પેલા પોલીસવાળાએ રસ્તા પર જોરથી પોતાની લાકડી પછાડીને અવાજ કર્યોં. અમૃતલાલ તો ઉભા થઇ ગયા પણ વિકાસને હજી વધારે સમય બેસવાની ઇચ્છા હતી એટલે બોલ્યોં “ સાહેબ, પેલા નાના છોકરાને કેમ પોલીસની ગાડીમાં લઇ ગયા?” પોલીસને પણ આ વાત કોઇકને કહેવાની ઉતાવળ હતી જ એટલે એક પોલીસવાળો બોલ્યોં “ અરે આ આજકાલના લબરમુછીયા, મોબાઇલ પાછળ પાગલ થઇ જીંદગી ગુમાવવા બેઠા છે. જુઓને પેલી એક ઓનલાઇન ગેમ આજકાલ બહું જ કુખ્યાત થઇ છેને એની પાછળ મરવા આવેલો. એના મોબાઇલમાં અમને માહીતી મળી. આ તો અમને ખબર પડી ગઇ એટલે બચાવી લીધો, નહીંતર એને તો ‘ટારગેટ’ પુરો જ કરવો હતો. કોઇને જીવનની કિંમત જ નથી સમજવી. ” ફરી વાતાવરણ શાંત થતા ભજન સંભળાયું “ તુલસી ઇસ સંસાર મે ભાતભાત કે લોગ, તરે કોઇ જબ મીલે નદી નાવ સંજોગ. ” ત્યાં ફરી એક પોલીસવાળો બોલ્યોં “ ચાલો ઉભા થઇને નીકળો હવે. ” વિકાસ ઉભો થયો. આશુતોષભાઇને કહયું “ ચાલો અંકલ હું તમને તમારા ઘરે મુકી જાવ. ” “ચાલો હું પણ આવું છું. ” અમૃતલાલ પણ બોલ્યાં. ત્રણેય વિકાસની કારમાં ગયા. પુલ ફરી માનવ વિહોણો ભેંકાર થયો. કારણકે પેલા પોલીસવાળા પણ એક છેડે બેસી ગયા. જાણે આજ રાતની ઘટનાઓ વિરામ પામી હોય.

કારમાં આશુતોષભાઇ બોલ્યાં “ ના, હું પેલા તરુણ જેવો મુર્ખ નથી. હું હવે જીવન સામે લડી લઇશ. શું ફરક પડે છે જીવન લાંબુ હોય કે ટુંકુ? એને બસ મારી પુરી ક્ષમતાથી નીભાવી લઇશ. આમ પણ તમને ઘટે છે એવું બધું મારી પાસે તો છે જ. એટલે મારે જીવન ટુંકાવવાની શું જરૂર છે? તમે બંને હવે મારી ફીકર છોડી તમારું જીવન આગળ વધારજો. ” આશુતોષભાઇને એમના ઘરે છોડી પાછા વળતી વખતે વિકાસ ગુસ્સામાં બબડયોં “આપણે બંનેને ભલે કઇક ને કઇક ઘટતું હોય પણ શરીર તો સહી સલામત છેને. આ અંકલ જેવી તકલીફ તો નથી. શું કહેવું તમારું અમૃતલાલ?” અમૃતલાલ પણ વટથી બોલ્યાં “ મને પુલ પર મારા સ્કુટર પાસે છોડી દે. શરીર છે તો ઘરભેગા થઇ જીવી લઇએ”.

પાંચ દિવસ પછી વિકાસના મોબાઇલ પર અમૃતલાલનો ફોન આવ્યોં “વિકાસ આજનું છાપુ વાંચ્યું?” વિકાસે ના કહી. તો અમૃતલાલે કહયું “ અરે પેલા આશુતોષભાઇ તો મોટા લેખક છે. અને એમનું સાચુ નામ તો ડો. વિનોદ છે. એમનો એક ઇન્ટરવ્યું આવેલો છે. તું છાપામાં વાંચી લે. ” ફોન નેટવર્કની સમસ્યાને લીધે કપાઇ ગયો. એટલે વિકાસે ઝડપથી છાપુ મંગાવી આશુતોષભાઇનો ઇન્ટરવ્યું વાંચ્યોં. એમાં મોટા અક્ષરે એક ફકરો લખેલો હતો “ લેખકે એક નવલકથાના પાત્રને ન્યાય આપવા એને થોડો સમય પોતાના જીવનમાં ઉતારેલ. લેખક એ કાલ્પનીક પાત્રમાં જ જીવતા. અને એક વાર શ્યુસાઇડ પુલ તરીકે જાણીતા શહેરના પુલ પર પણ પહોચી ગયા હતા. એમની કથાના પાત્રને આત્મહત્યા કરવાની હતી એટલે. પણ પછી સંજોગોવસાત વાર્તામાં ફેરફાર કરેલો હતો. કથાને જીવંત બનાવવા એના જેવું જ જીવતા જીવંત લેખક. પાત્રને પોતાનામાં જીવંત કરતા અદભુત લેખક ડો. વિનોદ. ”

- ભ્રમીત ભરત.