Maro ae mitra books and stories free download online pdf in Gujarati

મારો એ મિત્ર

મારો એ મિત્ર

“ મારા મિત્ર હું તારા થી ઉંમરમાં અને અનુભવમાં ખુબ મોટો છું. અને તું જોઇ શકે છે મારી આજુબાજુ દુર દુર સુધી મારો સુખ દુખનો કોઇ સંગાથી નથી. તું રોજ મને તારા મકાનની છત પર મળવા બોલાવીને એક જ વાત પુછયાં કરે છે. મને પણ રોજ તને એક જ સલાહ આપવાનું હવે નથી ગમતું. આજે તારે મહીનો થયો આ વાતની જીદ પકડયાને છતાં તું સમજવા તૈયાર નથી. જો જીંદગી એકલા પસાર કરવી બહું જ અઘરી છે. હું એકલો જીવું છું કેટલાય વર્ષો થયે, મને એકાંતનું સુખ નથી મળતું પણ એકલતાનું દુખ કોરી ખાય છે. બસ તારી એક નિસ્વાર્થ મિત્રતાને સહારે અહી પડયો રહું છું. ” મે સામે જવાબ આપ્યોં “ હું તને રોજ મારી મુંજવણનો ઉકેલ લાવવા વિનંતી કરું છું. મને ડર લાગે છે મિત્ર કે તું ફરી એકલો થઇ જઇશ. તારી અનંત એકલતાને મારા વિના કોણ સમજશે. અને પછી તું જ મને સ્વાર્થી કહીશ. મને સંસાર કરતા પણ તારી મિત્રતા વધારે વહાલી છે. પણ આ મારા જીવનમાં પ્રેમનો ઝંઝાવાત કઇ કાચી દિવાલ તોડીને પ્રવેશ્યો એ જ ખબર નથી પડતી મને. એ સુંદર યુવતી મારામાં શું જોઇ ગઇ હશે? કે મારી સાથે સંસાર વસાવવા માટે આતુર થઇ. મિત્ર એનું પ્રેમપુર્ણ હૃદય જો હું તોડું તો આપણી મિત્રતાને કાળો દાઘ લાગી જશે. દુનીયા વાતો કરશે કે એક મિત્ર માટે એક પ્રેમહૃદય તોડી નાખ્યું. જરૂર એ મિત્રએ કાળો જાદુ કર્યો હશે. આવા અનેક મહેણાં ટોણાં તારી ઉપર આવશે. જે હું સાંભળવા તૈયાર નથી. અને જો હું એ યુવતીના પ્રેમનો સ્વીકાર કરી લઉં તો મિત્ર એનો પ્રેમ એવો ઉંડો છે કે હું એમાં ઓતપ્રોત થઇ,ડુબી જઇશ. પછી તું તો મને બોલાવતો હઇશ પણ હું તારો અવાજ કદાચ ન પણ સાંભળી શકું. પછી આપણી મુલાકાતો ઓછી થઇ જશે અથવા બંધ પણ થઇ જશે. આજે મારી પાસે આ છેલ્લી રાત છે. આવતીકાલે મે એ યુવતી પાસે માંગેલી એક માસની મુદત પુરી થાય છે દોસ્ત. મારે કાલે એના પ્રેમનો સ્વીકાર અથવા અસ્વીકારનો જવાબ આપવાનો છે. ” મારો એ મિત્ર પણ જાણે દુનીયાનાં તમામ રંગો પીયને બેઠો હોય એમ અટ્ટાહાસ્ય કરીને બોલ્યોં “ જો આપણી મિત્રતાને ખુબ લાંબો સમય થયો. હવે તારે જીંદગીમાં આ પ્રેમરંગ પણ માણવો જ જોઇએ. ભાગ્યે જ આવી પ્રેમથી સભર જીવનસંગીની મળતી હોય છે. એના પ્રેમનો અસ્વીકાર કરીશ તો મને એની હાઇ લાગશે. હું કયાં મારું મો છુપાવવા જઇશ? તને એ પણ કહી દઉં કે મે જોઇ છે એ સુંદર યુવતીને, અને તને તો હું તારા નાનપણથી ઓળખું છું. એના પ્રેમનો અસ્વીકાર તારા માટે ખોટનો સોદો થશે. જીવનના સીધા કંટાળાજનક રસ્તામાં આવા સુંદર વળાકો વારે વારે નથી આવતા. એની મજા લે મિત્ર. અને મને વિશ્વાસ છે કે સુંદરતા અને પ્રેમપુર્ણતા હંમેસા શરતવિહોણી હોય છે. એ યુવતી કોઇ શરત વિના જ તારો સ્વીકાર કરશે. તો એને આપણી મિત્રતા પણ સ્વીકાર્ય જ હશે. તું જા, આવતીકાલે એના હૃદયને સાચવી લે. ” મારા મિત્રની સલાહથી મને ખ્યાલ આવ્યોં કે મારો ભય કાલ્પનીક લાગે છે. અમારી મિત્રતાનો કોઇ પ્રેમસભર વ્યકતી કેમ અસ્વીકાર કરી શકે?

***

આ ઉપર મુજબની ચર્ચાનું વર્ણન એક ડાયરીના અમુક વચ્ચેથી વાંચેલા પાનાનું છે. આ ડાયરી મારા એક વૃદ્ધ મિત્ર અને પાડોશીએ આપેલી જે અહી પ્રસ્તુત છે. એમણે મને એમના છેલ્લા દિવસોમાં આ ડાયરી સુપ્રત કરેલી હતી. હું એવું માનું છું કે મારી જીદથી હારીને એમણે મને ડાયરી આપી. અને એ કહેતા કે મારી મિત્રતાનો બદલો આપ્યોં. કારણકે એ આ ડાયરી કોઇને આપવા તૈયાર ન હતા. પણ જીવનરસથી ભરેલા અનોખા માનવીને વાંચવા અને પ્રસ્તુત કરવા એ લહાવો એના મિત્ર તરીકે મને મળ્યો. હું નાનપણથી એમને ઓળખતો. તેઓ એટલા પ્રેમાળ હતા કે મારા જેવા એનાથી પાત્રીસ વર્ષ નાના છોકરાને પણ મિત્ર બનાવીને રાખતા. આગળ બીજા પણ એમની ડાયરીના અમુક પાના અહી મુકુ છું.

***

મે આજે મારા એ અનુભવી મિત્રની વાત માની લીધી. જીવનમાં મિત્ર બન્યોં હતો હવે પ્રેમી પણ બની ગયો. રાત્રે ફરી મારા એ મિત્રને મળવા પહોચી ગયો. છત પર એને બુમ પાડી. એ ત્યાં જ હતો પણ મારું ધ્યાન મોડુ ગયું. એ આવીને સીધો જ બોલ્યોં “ શું વાત કરી એની સાથે?” હું થોડો શરમ સંકોચથી બોલ્યોં “ વાહ દોસ્ત તું સાચો. મે એ યુવતીને મારો પ્રેમ આપવા હા કહી. આપણી આખી મિત્રતાની વાત પણ કરી. અને પછી તરત જ આ શરત મુકી કે હું મારા મિત્રને કોઇ કાળે નહી છોડી શકું, આ વાત તને મંજુર હોય તો જ આપણે સાથે જીવન વીતાવીશું નહિતર તું અલગ રસ્તો પકડ તો મને વાંધો નથી. તો મને કહયું કે તમને આવા સરસ મિત્ર મળ્યાં એટલે તમારે મને હા કહેવા ત્રીસ દિવસની વાર લાગી. તો હું પણ જરૂર મળવા માગીશ તમારા એ મિત્રને અને હું પણ એમની સાથે મિત્રતા કરીશ. મિત્ર તું કહેતો હોય તો આવતીકાલે એને પણ તને મળવા લેતો આવીશ. આપણે ત્રણેય મિત્રો તરીકે રહીશું. ” એ ઘણી ઉંમરવાળો મારો મિત્ર બોલ્યોં “ હાશ, આજે હું ખુબ ખુશ થયો. જો મારી આંખમાં તેની ચમક પણ તું જોઇ શકે છે. પણ મિત્ર આપણી મિત્રતાનો એને જરા પણ સંકોચ કે અફસોસ તો નથીને?” એટલે મે કહયું “ બીલકુલ નહીં દોસ્ત. એ આપણી દોસ્તીને સમજી શકે છે. ” એટલે આમ આવતીકાલે મારા મિત્રના આશિર્વાદ લેવા અમે બંને જઇશું એવું સુખેથી નકકી થયું.

***

આ ડાયરીના અમુક મહત્વના વળાંકો જ અહી નોંધુ છું. આગળના સંદર્ભે શું બન્યું એ જ પાના લખું છુ. કલમ મારી ને શબ્દો એમના જ છે અને એમના જેટલા જ જુના પણ.

***

“ મિત્ર તું અહી જ ઉભો છેને? હું મારી પ્રેયસીને મળવા લઇ આવું છું થોડીવારમાં” મે કહયું. તો એ હસીને બોલ્યોં “ હું રાહ જ જોઉ છું. પણ મને પુછવાની શું જરૂર છે. ” મે એને સમજાવતા કહયું “ જો મિત્ર ખોટું નહીં લગાડતો એ કદાચ શરમ સંકોચથી હમણા કઇ નહી બોલે તારી સાથે. ” તો ફરી હસ્યોં અને બોલ્યોં “ હા એ બધું હું જાણું છું. અને ખોટું કયાં લાગે? આજે વીસ વર્ષની આપણી દોસ્તી છે. તારા માબાપ તને અનાથ બનાવીને ગયા ત્યાંરથી આપણી ગાઢ મિત્રતા છે. એમ નહીં તુટવા દઉં. ” પછી હું અને મારી પ્રયસી એમને મળ્યાં. એ ખુબ આનંદીત હતો. મારી પ્રેયસી શરમથી ચુપ હતી. પણ મારા મિત્રએ મને કાનમાં કહયું “ આખી ધરતી પર આવી જીવનસંગીની નહી મળે. જીવનભર આનો સાથ નિભાવજે. ” પછી થોડો દુર જઇ ફરી બોલ્યોં “ હવે ગૃહસ્થાશ્રમ માં પ્રવેશ કરી લો બંને. બંનેને મારા અખુટ આશિર્વાદ છે . ” મે મારી પ્રેયસી તરફ જોયું એ માત્ર મંદ મંદ હસતી હતી.

***

આ ડાયરી લખનાર એ મારા વૃદ્ધ મિત્રએ જીંદગીના છેલ્લા દસ વર્ષ મારા પાડોશમાં રહી પસાર કર્યાં. એ જ મકાન જયાં તેઓ નાનપણમાં રહેતા. અને આ ડાયરીની ઘટનાઓ લખતાં. વચ્ચેના વર્ષો એમણે અમારા ગામથી દુર એક મોટા શહેરમાં કાઢયાં. ત્યાં રહીને ડાયરીમાં એમની કોઇ ખાસ નોંધ નથી. હવે આગળના પાના પર વાંચીએ.

***

આજે મારા પગ એટલાં ભારે લાગ્યાં કે છત સુધી જવા પણ ઉંચકાતા નથી. મિત્રને ખુશખબર આપવા જવું છે પણ સાથે બીજી ખબર એને કેમ સંભળાવું એ વિચારે નીચે મારા એક જ ઓરડાનાં મકાનમાં બેઠો હતો. ત્યાં એનો અવાજ સંભળાયો હોય એવું લાગ્યું. પછી થયું એ મારો ભ્રમ હતો. હાથમાં મારા લગ્નની કંકોત્રી લઇ બેઠો છું. વિચારોમાં એવો અટવાયો કે થાકીને કયાંરે ઉંઘી ગયો ખબર જ ના રહી. ગલીમાં અડધી રાતે કુતરા ભસ્યાં તો ઉંઘ ઉડી. તરત જ છત પર ભાગ્યોં “ ઓ મિત્ર તું કયાં છે. આવ તને ઘણું બધુ કહેવાનું છે. ” મે બુમ પાડી. મારી બુમ સાંભળી પેલા કુતરાઓ પણ ભસતા બંધ થઇ ગયાં. થોડીવાર ભેકાર અંધકારની બીહામણી શાંતી મને ડરાવી ગઇ. મિત્રને ન મળવાના અફસોસ સાથે નીચે ઉતરી ગયો. બીજો દિવસ લગ્ન નજીક હોવા છતાં મિત્રના વિચારે દુખી થઇ પસાર કર્યોં. રાતે વહેલો પહોચ્યોં મિત્રને મળવા. એ ત્યાં જ હતો. એને જોઇને મનને રાહત થઇ. મન શાંત થયું. એટલે હું બોલ્યોં “ મિત્ર, મને માફ કરજે. કાલે આ સમયે મળવા ન આવ્યોં. પણ યાર, હું ખુબ મુંજવણમાં છું. ” એની હસવાની આદત યથાવત હતી. પછી એ બોલ્યોં “ તું હંમેસા કેમ મુંજવણમાં જ રહે છે આજકાલ? હજી તો તારે જીંદગીની લાંબી સફર ખેડવાની છે. આગળ મુંજવણો હજી વધારે આવશે. ” હું મૌન રહયોં. મારા હાથમાં કંકોત્રી જોઇ એ ફરી બોલ્યોં “ આ તારા હાથમાં કઇ કાગળ છે,એની જ કઇક મુંજવણ લાગે છે કેમ?” મારે હવે બોલવું જ પડયું “ હા અને ના બંને. જો આ મારા લગ્નની કંકોત્રી છે. તારા માટે આમંત્રણ છે. સાત દિવસ પછી હું એકલો નહી રહું. ” એ ખુશ થઇ ઉછળ્યોં અને વળી કઇ યાદ આવતા ગંભીર થઇ બોલ્યોં “ અરે પાગલ, આનાથી વધારે ખુશી શું હોય? અને તું મુંજવણની કથા લઇને બેઠો છે. ” હવે મારે એને સાચું કહેવું પડશે એમ વિચારી હું બોલ્યોં “લગ્ન પછી મારે મોટા શહેરમાં નોકરી કરવા જવું પડશે. ત્યાં જ રહેવાનું પણ અમે બંને જણે નકકી કર્યું છે. મિત્ર હવે અમારા બંનેના સપનાઓ ભેગા થઇને મોટા થઇ ગયા છે. એને પુરા કરવા અમારે સારી જગ્યા પર રહેવા જવું પડશે. પણ તારાથી દુર પણ જવા નથી માંગતો. મે એવું સાંભળેલું છે કે શહેરમાં જઇને લોકો પોતાના ગામના મિત્રોને ભુલી જતા હોય છે. મારે એવું નથી થવું. હું કોઇ ગુનો કરતો હોઉ એવી લાગણીનો મને અનુભવ થાય છે. એટલે જ આજે તારી સલાહ લેવા આવ્યોં છું. તું કહે તો જ શહેરમાં રહેવા જઇશ. ” મિત્રના ચહેરા પર દુખની રેખાઓ અંકાય ગઇ. પણ સ્વસ્થ થઇ એ બોલ્યોં “ મિત્ર તારા સુખમાં મારુ સુખ છે. હું સ્વાર્થી નથી. મારો તારા પ્રત્યેનો પ્રેમ શરત વિનાનો છે અને રહેશે. તું જા શહેરમાં અને તારો નવો સંસાર વસાવીને સુખી થા. તને જયાંરે ઇચ્છા થઇ આવે ત્યાંરે મળવા આવી જજે. હું અહી જ તારી રાહ જોતો રહીશ. મારી એકલતાની ચીંતા નહીં કરતો. ” મારી આંખમાં આસું આવ્યાં પણ અંધારી રાતમાં એ નહીં જોઇ શકે એવું વિચારી રહયોં હતો તો એ બોલ્યોં “મિત્ર તું રડીશ નહીં. તને આમ જોઇને મને દુખ થાય છે. તું શહેરમાં જઇને સુખી થઇશ તો હું ખુશીથી નાચીશ. ભલે પછી મારું આ નૃત્ય દુનીયા જોવે. અને બીજી વાત કે મે અનેક લોકોની જીંદગી જોઇ છે. અંતે તો તું તારા મિત્ર પાસે આવવાનો જ છે. મારો અનુભવ એવું કહે છે. ”

***

આગળ આ ડાયરીના અનેક પાના મે ઉથલાવ્યાં પણ ઘણાં પાનામાં એક જ વાકય લખેલું મળ્યું. ”શહેરમાં ખાસ ઘટના નહીં ફકત મિત્રની અવિરત ખોટ. ” પણ મને એના મિત્ર વિશે જાણવાની તીવ્ર ઇચ્છા થઇ ત્યાંરે એક પાનામાં લખેલું વાંચ્યું કે મારા મિત્રનું નામ અને વર્ણન. એટલે હું ખુશ થયો કે રહસ્ય નો પરદો ઉચકાશે હવે. ત્યાં માત્ર એટલું જ વર્ણન હતું. ‘મારો એ મિત્ર અંધારી રાતોનો મારો સાથી એટલે ઉંચે આકાશમાં ઝગમગતો એક તારો. માત્ર એક ચમકતો તારો. જે મને રોજ છત પર મળતો. ’ ડાયરીના અમુક છેલ્લા પાના એમના ધ્રુજતા હાથે લખાયેલા એટલે બહું સમજી ન શકયો પણ છતા એક પાનું મારી સમજણ મુજબ પ્રસ્તુત છે.

***

“ મિત્ર ઢળતી સાંજે સુર્ય વધારે સારો દેખાય, રમણીય દેખાય એમ મને પણ મારી ઢળતી સાંજે જીંદગી રુપાળી લાગે છે. જીવનમાં બધું મળ્યું અને છુટયું. વિશાળ હૃદયની સ્ત્રી, માત્ર દેખાવે મોટું શહેર,નવી સફરના મુસાફર એવાં છોકરાઓ,નવા અનેક માનવીય સબંધો વિગેરે. પણ તારા જેવા અવિરત પ્રવાહ એકેય નહીં. બસ આવન જાવન. જાણે હમણાં મળ્યાં ને ઘડીભરમાં છુટયાં. તારા આધારે જીવન સફર મજાની રહી. જેમ તું મને આકાશેથી નિહાળતો રહયોં એમ હું પણ મારા જીવનની ઘટમાળ નિહાળતો રહયોં. અને આ નાટક એના અંતીમ તબકકે પહોચ્યું. પણ તું અને તારો ઝગમગાટ મારી અંદર અનંત થઇને હાજર રહયોં” હું મારા છત પર રાખેલા ખાટલા પર સુતા સુતા જ બોલ્યોં. એ મારો મિત્ર દુર આકાશે ઝગમગ હસતા બોલ્યોં “ મિત્ર,તારા જેવા મિત્રની ખોટ રહેશે. પણ એક સવાલ થયા કરે છે કે તે મારી ઉપર વિશ્વાસ મુકયો? દુર આકાશે રહેતો એકલો અટુલો ‘તારો’ હું તને શું આપી શકું? હું તો બસ ટીમ ટીમ તને જોયા કરું અને ખુશ થઉં. અફસોસ કે તને કઇ આપી ન શકયોં. ” વાત પુરી થયા પછી જાણે એ પણ આજે આંસુ સારતો દેખાયો મને. મે કહયું “ તે મને તારો અવિરત સાથ આપ્યોં. અખુટ પ્રેમ વરસાવ્યોં. તારા વિશ્વાસે જીવન કયાંરે પુરુ થવા આવ્યું એ ખબર જ ન પડી. મને યાદ આવે છે કે એકવાર શહેરમાં મારા નાના છોકરાને લઇને હું સરકસ જોવા ગયેલો. આખું સરકસ એણે મારો હાથ પકડીને જ જોયું. જોકરોથી મળતું સુખદ હાસ્ય અને જંગલી પ્રાણીઓનો દુખદ ભય. અને એક પછી એક બનતી સરકસની ઘટનાઓ એણે મારો હાથ પકડી જોયા કરી. એમ મે પણ જીવનના સરકસમાં મિત્ર તારા સહારે દરેક સુખદ અને દુખદ ઘટનાઓ જોયા કરી. તારા હાથના સહારે જીંદગીને પસાર કરી. પણ એમાં ડુબ્યોં નહીં. ઘટનાઓ અને પાત્રો આવ્યાં,રમ્યાં અને છુટયાં. છેલ્લે હું અને તું બે જ રહયાં. હવે તું ફરી એકલો થઇ જઇશ. બીજા કોઇ માનવી મિત્રને શોધી લેજે. એનો સહારો બનજે. તે તો અનેક માનવ જીંદગી જન્મતા અને વિસર્જન પામતા જોઇ હશે. તો નવા મિત્રો બનાવી તારી અનંત એકલતા દુર કરજે મારા મિત્ર. ”

***

આ ડાયરીનું છેલ્લું પાનું લખતી વખતે હું મારા ઘરની અગાસી પર આકાશે નજર કરી બેઠો છું. એવા અનંત મિત્રની રાહ જોઇને. પણ આવા ઉંચા મિત્રો બનાવવાની એમ બધાની હિંમત નથી હોતી.

--ભ્રમીત ભરત

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED