ગીરનાર ડાયરી bharat maru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સોલમેટસ - 6

    એસપી ઝાલા અને કોન્સ્ટેબલ અર્જુન બંને સેક્ટર-૨૮માં બેસેલા આરવ...

  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

શ્રેણી
શેયર કરો

ગીરનાર ડાયરી

ગીરનાર ડાયરી

ઘણાં વર્ષો પછી આજે આ ડેમની મુલાકાતે આવ્યો. ગીરનારના દાતાર પર્વતની તળેટીમાં અંગ્રેજોએ પથ્થરથી બનાવેલો વિલીંગડન ડેમ. મિત્ર જય સાથે હું ગઇકાલે જ સુરતથી જુનાગઢ આવેલો. આમપણ જન્મભુમી જુનાગઢ અને ગરવા ગીરનારનું આકર્ષણ આજે પણ એવું જ છે જેવું નાના હતા ત્યારે સ્કુલેથી સાઇકલ લઇને આવતાં અને હતું તેવું. અને એટલે જ કદાચ થોડો ફોટોગ્રાફીનો શોખ પણ લાગ્યો. આજે સવારમાં સુર્યોદય અહીથી જ જોવો છે અને પછી ફોટોગ્રાફી કરીશું એવું નકકી કરેલું. સવારે ફલેટ પરથી વહેલા નીકળી આવી ગયા અહી. ધીમે ધીમે આકાશનો કાળો રંગ ઓસરતા જોયો. સ્થીર આકાશને રંગ બદલતા જોવાનો આવો લ્હાવો રોજ નસીબમાં ન હોય. જેમ જેમ અજવાળું થતું ગયું તેમ તેમ જુની યાદો નજર સામે તરી આવી. ડેમની પાળ, પાણીનો વિશાળ જથ્થો, આજુબાજુના પહાડો, વૃક્ષો, લોખંડના પાઇપની રેલીંગ બધુ જાણે સમયથી પર, સ્થીતપ્રગ્ન. થોડું વધારે અજવાળું થતાં આજુબાજુ વૃક્ષોમાં પક્ષીઓનો મીઠો કલરવ ચાલું થયો. અમુક ઝાડ પરથી પક્ષીઓ ઉડતાં જોયા પછી ખબર પડી કે એતો વાંદરાઓ માટે જગ્યા ખાલી કરતાં હતા. અમુક વાંદરા અમારી નીચે એમ જ મુકેલી બેગ સુધી પહોચ્યાં. જય બંને હાથ ઉચા કરી બુમ પાડતો ગયો એમના પર હુમલો કરવા. બેગ બચાવી લાવ્યોં. પણ સેવમમરાના બે પેકેટ વાંદરાઓએ તોડી નાખેલા. એ અધુરા પેકેટમાંથી સેવમમરા મે પાણીમાં નાખ્યાં. માછલીઓ ડોકાઇ. એજ માછલીઓ, વાંદરાઓ, લીલી ટેકરીઓ, વૃક્ષો, દાતાર પર્વત પર જવાના પગથીયા બધું એનુ એજ પણ માણસોને બદલતા કયાં વાર લાગે છે એવું વિચારતો અમુક ફોટા કલીક કરતો જતો હતો ત્યાંરે એક વૃદ્ધ જેવો દેખાતો મેલાઘેલા કપડા પહેરેલો કોઇ અજાણ્યો શખ્સ એક બગલથેલો લઇને ડેમની પાળ પર સામે છેડેથી આવતો દેખાયો. “ભરત, આ કોણ છે” જય બોલ્યોં. મને નથી ખબર એમ જવાબ આપતાં ફરી એ બોલ્યોં “તું તો પહેલા અહી વારે વારે આવતો. તને તો ખબર હોવી જ જોઇએ. ”એની મજાક કરવાની આદતથી મને પણ મજા આવે. મે પણ કહયું “આ વાંદરા, વૃક્ષો, પક્ષીઓ અને આ ડેમની માછલીઓને હું ઓળખું જ છું ને વળી”. પછી એ શખ્સ થોડું ચાલીને ડેમની પાળી પર વચ્ચે બેસી ગયો એટલે નકકી થયું કે ભીખારી અથવા તો કઇ વેચવાવાળો હશે. “ચાલ હવે પેલી સામેની ટેકરી પર ટ્રેકીંગ કરવા જઇએ. ” જય બોલ્યોં. અમારા બંનેના શોખ લગભગ સરખા. જંગલોમાં ફરવું, પહાડો ચડવાં, ફોટોગ્રાફી અને વાંચન. એટલે જ સુરતની ભીડમાંથી અને ધંધામાંથી સમય સેરવી લઇ નીકળી જતાં. અમારું ટ્રેકીંગ એટલે- જંગલમાં આમતેમ ભટકવું, વચ્ચે કયાંક જંગલની શાંતીમાં ખાલી બેસવું, અને પ્રાણી પક્ષીઓને શોધવા-આવું બધું. આમપણ ચાલીસી વટાવી ગયેલા અમે બંને હજુ આ બાબતે થોડા ફીટ છીએ. બંને પોતપોતાની હેન્ડબેગ લઇને ધીમે ધીમે ચાલતાં થયાં. સામેની ટેકરી પર જવા માટે આખા ડેમની પાળ પાર કરી સામે જવું પડે. સવારના નવ વાગી ગયેલા. એકલ દોકલ માણસોની હાજરી દેખાવા લાગી. રસ્તામાં પેલા મેલોઘેલો દેખાતા શખ્સની નજીક આવતાં જ અમારા બંનેનું ધ્યાન એના તરફ ગયું. એક મોટો શણનો કોથળો પાથરેલો. એમાં થોડા કોરા કાગળોનો ઠગલો અને થોડી પેન્સીલ એવું બધું જોયું એટલે થયુ કે આ તો કોઈ પેન્ટર છે. મને મનમાં હતું કે હમણાં ભીખ માંગશે. અમારે નજર ફેરવવાની હતી છતા પણ એની સામે જોવાઇ ગયું. ઘણાં દિવસથી નહાયો ન હોય તેવા હાલહવાલ. લાંબા વાળ અને વધેલી સફેદ દાઢી વચ્ચે દેખાતો ચહેરો અને ઉપર ઉઠેલી આંખોમાં તેજ જોયું. લગભગ સીતેર વર્ષની ઉમર હોય એવુ લાગ્યું. પણ એ કશું બોલ્યોં તો નહી ફકત હસ્યોં. અમે પણ જરૂર પુરતું જ હસીને આગળ ચાલ્યાં.

થોડે સુધી કેડીએ સાથ આપ્યો પછી પથ્થરો પર ચડતાં આગળ વધ્યાં. થોડો ઢાળ ઉતરી ફરી ઉપર ચડતા ગયા ત્યાંરે મોટા વૃક્ષોનું ગાઢ જંગલ ચાલું થયુ. ગીરનારના જંગલમાં સિંહ અને દિપડા બંનેનો વસવાટ છે પણ દિવસ દરમિયાન લગભગ ન જોવા મળે. એટલે એની મુલાકાતનો ભય અને આશા બંને ઓછું. એક જગ્યાએ આંબળાનું ઝાડ આવ્યું. નીચે થોડુ ચોખ્ખુ કરીને બેઠા. જંગલની શાંતી કયારેક આહલાદક તો કયારેક બીહામણી પણ લાગતી હોય છે. “સમય શું થયો?” જયે વાત કરવા પુછયું. મે ઘડીયાળમાં જોઇ કહયું “બાર”. “ તો હજુ આગળ જવાય”. એણે પાછુ કહયું. “થોડીવાર અહીં બેસીએ. અરધો કલાક, પછી જઇએ. ” મે કહયું. આવી જગ્યાએ મોટાભાગે અમે વાતચીત જરૂર પુરતી જ રાખીએ. નીરવ શાંતી વચ્ચે કયારેક પવનની લહેરકી આવી ચડે તો વૃક્ષોનો સળવળાટ સંભળાય, બસ એ સિવાય પરમ મૌન. આવા જ મૌન વચ્ચે થોડે દુર પવન વગર જ કઇક સળવળાટ થયો. અમે બંનેએ આંખના ઇશારાથી એકબીજાને કહયું કે કઇક છે. પછી અવાજ થોડો સ્પસ્ટ થતાં અંદાજ આવ્યો કે એ કોઇના ચાલવાનો અવાજ હતો. પણ વૃક્ષો એવા ગાઢ હતાં કે નજર દુર સુધી ન પહોચી શકે. અવાજ અમારાથી દુર જતો લાગ્યોં. અમે એ દિશામાં દિપડાની ચાલે આગળ વધ્યાં. જય થોડો આડો ફંટાયો કઇક લેવા. એ સુકી ડાળની લાકડીઓ બનાવીને લાવ્યોં. લાકડી સ્વબચાવ માટે ઉપયોગી હાથવગુ હથીયાર. કારણકે જંગલમાં ઘટનાઓ આપણને પુછીને નથી ઘટતી. થોડા જ આગળ વધ્યાં તો એક મોર દેખાયો. જય બોલ્યોં “ અરે રે આતો મોર નીકળ્યોં, હું તો સિંહની આશામાં હતો. ” મે પણ કહયું “હા યાર મને પણ એવું જ લાગ્યું. ” પછી ફોટા માટે ધીમે ધીમે આગળ વધ્યાં. હવે અમને પાછો એવો ડર લાગ્યો કે આ મોર ભાગી ન જાય. પણ અચરજ. ફોટા કલીક કરતા કરતા જય સાવ નજીક પહોચી ગયો ત્યાં સુધી મોર જરા પણ ન ડર્યો. જય એના માથે અને એની ડોક પર હાથ ફેરરવા લાગ્યો તો પણ એ બીલકુલ નીડર. મે બંનેના આ પ્રેમના ફોટા પાડયાં. પછી મોર આગળ ચાલવા માંડયોં. જય એની પાછળ અને જયની પાછળ હું. દસેક મીનીટ આમ ચાલ્યાં પછી જય અને હું સાથે થયાં. જય હવે ઉભો રહી ગયો. મોર પણ ઉભો રહી ગયો. આવું બે-ત્રણ વાર થયું ત્યાંરે જય બોલ્યોં “ આ કેમ આવું કરે છે?” મને જે શંકા હતી એ મે કહયું “ એ આપણને કઇક સ્પેશીયલ જગ્યા પર લઇ જવા માંગે છે. ” “અચ્છા, તો એ એની ઘરે ચા પીવા લઇ જાય છે. ” જય હસીને બોલ્યોં. મોર પણ પાછળ જોવા લાગ્યોં. પાછો જય હસીને બોલ્યોં “ જો એ પણ હસે છે”. ચાલતાં ચાલતાં લગભગ અરધો કલાક થયો. મે જયને કહયું “પાછા જવાનો રસ્તો યાદ રાખજે નહીતર જંગલમાં રાત રોકાવું પડશે”. એનો સીધો જવાબ “ આ મોર મુકી જશે પાછો આપણને ડેમ સુધી”. થોડું ચાલ્યાં પછી વૃક્ષો વચ્ચે નાનો એવો મેદાન વિસ્તાર આવ્યો. ત્યાં જ દુર અમારી આગળ એક સાધુ પણ ચાલતાં જતા દેખાયા. સામે એમનાથી આગળ એક ઝુપડી પણ દેખાઇ. સાધુને જોયા એટલે અમે બંને ઉભા રહી ગયા. આ કોઇ તાંત્રીક તો નહી હોયને એવા વિચારે મારા પર ભય સવાર થયો. અને એજ વખતે જય ધીમેથી બોલ્યોં “ યાર કોઇ તાંત્રીક લાગે છે, આ મોર પણ એનો જ લાગે છે. ચાલ પાછા ભાગીએ”. હું પણ બોલ્યોં “ખોટા આવી ગયા આ મોર પાછળ”. પેલો બાવો દુર હતો છતાં જાણે અમારી વાત સાંભળી ગયો હોય એમ પાછો વળ્યોં. અમને જોઇ લીધા. ભયનું લખલખુ પસાર થઇ ગયું. એ સાધુએ અમારા તરફ હાથ ઉચો કરીને બુમ પાડી “ જય ગીરનારી”. મે બે હાથ જોડી મોટેથી કહયું “ઓમ નમો નારાયણ”. તો એ સાધુ બોલ્યાં આ જાવ બચ્ચા, કુટીયાં મે આવો”. અમને થોડો વિશ્વાસ આવ્યોં. નજીક ગયાં. સફેદ દાઢી, લાંબી જટા અને ફકત ઘુંટણ સુધીનું કાળુ ધોતીયું. પહાડી શરીર અને આંખોમાં થોડી કરડાકી જોઇ અમે ઉભા રહી ગયાં. લાકડા અને ઘાસની બનેલી ઝુપડીમાં બહાર પથ્થર અને માટીનું લીપણ કરીને ઓટલો બનાવેલો. એના પર એ બેસી ગયાં. અમે તેની સામે નીચે બેઠાં. “યહાં તક કૈસે આના હુઆ?” એમના સવાલમાં ગરમી હતી. જય એકદમ ગરીબડો થઇને કહે “મહારાજ યે મોર.... ” ત્યાં તો એ જોરથી હસ્યાં અને મોર સામે જોઇને બોલ્યાં “ અરે સેવકરામ, તું લાયા ઇનકો. અચ્છા ઠીક કીયા. હરી ઓમ હરીઓમ”. પછી એ સાધુ સોમ્યતાથી ગુજરાતીમાં બોલ્યાં “ આ મોર મારો ચેલો છે, સેવકરામ. મારી ભેરો જ રહે છે. મને પણ કાઇ વાંધો નથી. એનો થોડો ભલો થઇ જાય ને બેટા”. આ એક તરફી વાત બંધ કરવા એમણે અમને પુછયું “ગીરનાર કા ફોટો નીકાલને આયે હો?” મે આખી વિગતે વાત કરી. ધીમે ધીમે અમારી ગોષ્ઠી જામી. સાંજના ચાર વાગી રહયાં હતાં. હવે અમને એમનો ભય મગજમાંથી નીકળી ગયો. અને કઇક મેળવવાની લાલચ જાગી. એ લાલચે જયથી પુછાય ગયું “ બાબા, તમે ભગવાનના દર્શન કર્યા કયારેય?” “ના બેટા, ચાલીશ બરસથી આયા છું, હું નથી પામ્યો. ” પણ મારા દાદાગુરુ પરમને પામીને બેઠા છે. હજુ અહી જ વિચરે છે. પાંચસો બરસના છે. ” “તમને દેખાય?” મે પુછયું. “ના, એમના દર્શન માટે જ આ દેહ નથી છોડતો. ” “શું નામ છે એમનું?” જયે પુછયું. “બેટા નામ જાનકર કયાં કરોગે? મેરા નામ તો પુછા નહી” એ બોલતી વખતે ગંભીર મુદ્રામાં હતા. પછી હસતા હસતા કહે “બેટા મજાક થા. મેરા નામ મંગલનાથ. મેરે ગુરુ કા નામ રામનાથ. ઓર દાદાગુરુ કા નામ પરમહંસદેવ”. આમને આમ બીજી ઘણી વાતો કરી. કોઇ ચમત્કાર વિના પણ એ પ્રેમાળ સાધુએ અમને આકર્શીત કરી રાખ્યાં. સાંજના પાંચ વાગ્યાં તો એ સામેથી બોલ્યાં “ હવે તમે જાવ, હજુ નીચે પહોચતાં તમને કલાક થઇ જશે”. અમે નમસ્કાર કરી ઉભા થયા. મે એમનો ફોટો લેવા રજા માંગી. તો કહે “ રુકો જરા”. એ ઝુપડીમાં અંદર ગયાં. જય મારી સામે ગુસ્સાથી બોલ્યોં “ અલ્યા, ફોટાનુ ન પુછાય. તારે શું જરૂર છે એમનો ફોટો પાડવાની”. હું કશું બોલવા જાવ એ પહેલા એ મહારાજ અંદરથી હાથમાં કઇક લાવ્યાં અને બોલ્યાં “યે દેખો મેરે દાદાગુરુ ઇસકે સાથ મેરા ફોટો ખીચો”. એ એમના ગુરુનુ ચીત્ર હતું. એ માત્ર કાલ્પનીક ચીત્ર હતું જેવું કોઇ દેવી દેવતાઓનું રંગીન તૈલીચીત્ર. મે ફોટો પાડયો. પછી કહે “ યે મેરે ગુરુને બરસો પહેલે બનવાયા થા કીસી ચીત્રકાર સે. મેરે ગુરુ ભી અબ પદારથ કે પાર જા ચુકે હૈ”. મે કેમેરાની સ્ક્રીનમાં એમનો ફોટો બતાવતા કહયું “ દેખીયે આપકા ફોટો”. તો એ ફોટામાં પણ એમણે દાદાગુરુને બે હાથ જોડીને નમસ્કાર કર્યા. એમનો સરળ સ્વભાવ ગીરનાર જેટલો ઉંચો લાગ્યોં. અમે એમને પગે લાગી, નમસ્કાર કરી ચાલતા થયા. એમણે બુમ પાડી “ સેવકરામ, જા બેટા ઇનકો નીચે તક છોડ કે આ”. પેલો મોર પણ પાછળની ઝાળીમાંથી બહાર નીકળી અમારી આગળ ચાલતો થયો. ફરી અચરજ જાગ્યું કે આ મોર અમને રસ્તો બતાવે છે. મે જય સામે જોયું એ પણ કઇ વિચારમાં ચાલતો હતો. મે એને કહયું “ આનંદ આવ્યો કેમ?” “ હા પણ એક એમના દાદાગુરુ પરમહંસ દેવ સીવાય બધી વાત સામાન્ય હતી. એના કયાંક દર્શન થઇ જાય તો બેડો પાર. પણ હજી મંગલનાથ દર્શન નથી કરી શકયાં એમના એ પાંચસો વર્ષના યોગીના તો આપણને તો કેમ થાય?” એટલે મે કહયું “ છોડ એ વાત, આપણે કેમ જાણી શકીએ શું સાચુ શું ખોટુ? પણ આ મંગલનાથ સાધુ સાથે સતસંગની મજા આવી”. આમ અમે આનંદ અને અફસોસની વાતો કરતાં સેવકરામની પાછળ ચાલતાં હતા. રસ્તામાં જયે મારી સામે બે-ત્રણ વાર અફસોસ વ્યકત કર્યો કે કઇ એવું જોવા ન મળ્યું જે આપણને અચરજ પમાડે. હું સામે એક જ જવાબ આપું છું કે આ જોને સેવકરામ!!! સેવકરામને જાણે ખબર પડી ગઇ હોય એમ એ ઉભો રહી ગયો. અમે આમતેમ જોયું તો ખ્યાલ આવ્યો કે ડેમ તો સામે જ દેખાય છે. મે મારી બેગમાંથી ગાઠીયા અને બીસ્કીટ સેવકરામને આપ્યાં તો એ મારા હાથમાંથી ચણી ગયો.

ડેમ પર પહોચ્યાં. સાંજના છ વાગવામાં થોડી જ વાર હતી. ડેમની પાળ પર વેરવિખેર કચરો જોઇને થયું કે માણસો મુલાકાત લઇને જતા રહયાં હતા. અંધારુ પણ જાણે આખા દિવસના યુદ્ધ પછી જીતીને પાછુ આવવાની તૈયારીમાં હતું. બધા દ્રશ્યો કેમેરામાં લેતાં હતા ત્યાંરે એક દ્રશ્યથી ફરી અચરજ થયું. પેલો ભીખારી જેવો લાગતો પેન્ટર પોતાની સામે એક વાંદરાને બેસાડી એનું ચીત્ર બનાવતો હોય એવું લાગ્યું. મે આંગળી ચીંધીને જયને બતાવ્યું. એનાથી બોલાઇ ગયું “ એલા આ શું? બંદર બના સિકંદર”!! પછી વધારે જાણવા માટે જય એ તરફ ચાલતો થયો. જયને આવતો જોઇ વાંદરો પાઇપની રેલીંગ પર કુદકો મારીને ચડી ગયો. પછી હું પણ નજીક ગયો. એ પેન્ટર થોડુ અધુરુ રહી ગયેલું વાંદરાનું ચીત્ર પુરુ કરવામાં મશગુલ હતો. એમની સામે બેઠા. સાવ મેલાઘેલા દેખાતા હતા પણ એમના શરીરમાંથી દુર્ગંધ બીલકુલ આવતી ન હતી. એક અદભુત પ્રકારની શાંતી એમની પાસે લાગી એટલે અમને એમનો અણગમો મટીને આકર્ષણ થયું. અમે ચીત્ર જોયું. આબેહુબ વાંદરો જ જાણે કાગળમાં કેદ કર્યો હોય એવું લાગ્યું. મે કહયું “વાહ વડીલ, શું પેઇન્ટીંગ છે! અદભુત્!” એણે માત્ર બે હાથ જોડી હસીને આભાર માન્યોં. જય પણ બોલ્યોં “ દાદા આપનું નામ શું છે?” એ કશું બોલ્યા નહી. મે જયને કહયું શુંકામ બધાના નામ જ પુછયાં કરે છે. તો એ પેન્ટરે મોઢા પાસે આંગળી લાવી નકારમાં ઇશારો કર્યો. “ઓહ” અમે બંને સાથે બોલ્યાં. પછી જયે મને કહયું “ બીચારા બાપા મુંગા છે. ” આ સાંભળી એણે માથુ હલાવી હા પાડી અને બંને હાથથી ઇશારો કર્યો કે નાનપણથી. પછી પોતાના થેલામાંથી પ્લાસ્ટીકમાં વીંટેલુ કઇ કાગળ અમને બતાવ્યું. મે જયને પુછયું આ કઇ ભાષામાં લખેલું છે?. એણે ધ્યાનથી જોઇને કહયું “આ તો બંગાળી ભાષા છે. અને આ બંગાળી પટચીત્ર કળાનો કારીગર છે. એને પટીયા કહેવાય”. જયનું જ્ઞાન ઘણું સારું. કામ લાગે તેવું. એટલે મે પાછુ પુછયું “બંગાળમાં ચીત્રકાર ઘણાં કેમ?” તો કહે “હા, અવનીન્દ્રનાથ ટાગોર અને નંદલાલ બોસ જેવા મહાન. પણ આમનું નામ શું હશે. ” જયની વાત સાંભળી એ ચીત્રકારે પોતાના ચીત્રોમાંથી એક ચીત્ર બતાવ્યું. “આ તો સર અબ્દુલ કલામ છે” જય બોલ્યોં. તો એણે પોતાના તરફ આંગળી કરીને માથુ હલાવ્યું. મે કહયું એનુ નામ અબ્દુલ લાગે છે. એ એકદમ ખુશ થયો. “ઓહ, તો તમે અબ્દુલચાચા છો એમ!!”. જય જાણે વર્ષોથી ઓળખતો હોય એમ બોલ્યોં. અબ્દુલચાચા થોડુ ગુજરાતી પણ સમજતાં હોય એવું લાગ્યું. એમણે અમને અમારા ચીત્રો દોરવાનું ઇશારાથી પુછયું. જયે પણ ઇશારાથી કેટલા રુપીયા એમ પુછયું. ત્રણ આંગળી બતાવી. ત્રીસ રુપીયા એવું નકકી થયું એટલે ફરી જય બોલ્યોં “ પહેલા તમારા હજી વધારે ચીત્રો બતાવો”. અબ્દુલચાચાએ બીજા અમુક ચીત્રો પોતાના મેલા બગલથેલામાંથી કાઢયાં. એ ચીત્રો મોર, દિપડા અને સિંહના હતાં. એ બધા ચીત્રોમાં નીચે અંગ્રેજી આંકડામાં તારીખ લખેલી હતી. એટલે આ ચીત્ર કયાંરે દોરેલું એ ખબર પડે. આ ચીત્રો જોઇ પેલો વાંદરો યાદ આવ્યોં એટલે મે પુછયું “ આ ચીત્રો પણ તમે આ વાંદરાની જેમ જ નજીકથી દોરેલા છે?” એમણે હા કહી અને સામે ટેકરી ના એક પથ્થર બાજુ ઇશારો કર્યો જાણે ચીત્ર કયાં દોરયું એમ બતાવતા હોય. અમે અવાક નજરે જોતા રહયાં. અંધારું પણ થતુ આવ્યું એટલે અમે આવતીકાલે આવીશું એવું અબ્દુલચાચા સાથે નકકી કર્યું. અને ચાલતા થયાં. મે ફરી પાછળ જોયું તો એ પોતાનો સામાન થેલામાં ભરતા હતા. “ અદભુત ચીત્રકાર છે. ” જય બોલ્યો. “પ્રાણીઓ આ ચીત્રકાર પાસે શાંત થઇ જાય એ તો નવાઇની વાત કહેવાય. વાંદરા અને મોરની વાત તો મગજમાં ઉતરે પણ આ દિપડા અને સિંહ આમ આ અબ્દુલની સામે શાંત થઇને બેસતા હશે પોતાનું ચીત્ર ઉતારવા માટે એ એક ચમત્કાર જ કહેવાય. આવું તો કોઇ મહાયોગી સાથે જ બની શકે” મે કહયું. જય પણ વિચારમાં ખોવાયો. અમે કારમાં હેન્ડબેગ અને કેમેરા મુકયાં. મે કાર હંકારી. ડેમનો નાનોઅમથો ઢાળ ઉતરી એક લારી પાસે મે બ્રેક મારી. “અહી કાવો સારો મળે છે. ચાલ કાવો પીયે” જયને કહયું. જયને પણ મારી જેમ આ લીંબુ, મરી અને આદુવાળો કાવો બહુ ભાવે. કાવાનો ઓર્ડર આપીને જય બોલ્યોં “ આ અબ્દુલ પેન્ટરને કાલે પાછું મળવા આવવું જ છે. મારે અબ્દુલચાચા સામે બેસવું છે મારું ચીત્ર બનાવવા માટે. ” ત્યાં તો મારા કરતાં પહેલા પેલો કાવાવાળો સાંભળી ગયો હોય એમ વચ્ચે જ બોલ્યોં “મોટભાઇ, તમે ઓલા બંગાળી ગયઢાની વાત કરો સો ઉપર ડેમની પાળે બેઠો હોય ઇ”. મે હા કહી. પણ જયે સામે સવાલ કર્યો “કેમ”? “ ઇ તો હાવ ગંધારો છે કેટલાય દિ હુધી ન્યા ને ન્યા જ પયડો રયે, રાઇતનાય રોકાય ડેમમાં. એની વાતમાં નો આવતા, બધાય હાઇરે મીઠી મીઠી વાતુ જ કરતો હોય. મને તો સંકા સે કે ઇ તાંત્રીક સે”. જય કઇક બોલવા જતો હતો પણ મે એને અટકાવી, “હા બરાબર” એટલુ કહી વાત પુરી કરી નાખી. કારમાં બેસતાની સાથે જ જય બોલ્યોં “ શું યાર તું પણ, આની પાસે અબ્દુલચાચાની વધારે માહીતી કઢાવવાની હતી”. “ જેને પોતાને જ કશું ખબર નથી એની પાસેથી શું માહીતી લેવાની? આ કાવાવાળો દુરથી જોઇને જ હવામાં અફવા ફેલાવે છે” મારે કહેવુ પડયું.

બીજા દિવસે સવારમાં જુનાગઢ શહેરમાં થોડું કામ પતાવી પાછા ડેમ તરફ કાર હંકારી ગયા. બપોરના બાર વાગવાને થોડી વાર હતી. ડેમ પર કાર પાર્ક કરી. આમતેમ બધે જોયું. ચારે તરફ એકદમ સન્નાટો. એકપણ વ્યકતી નહી ડેમ પર. વાંદરા પણ નહી. આવા શાંત વાતાવરણમાં અબ્દુલચાચા પણ એમની જગ્યા પર ન હતાં. મે જયને કહયું “થોડીવાર રાહ જોઇએ અબ્દુલચાચાની, ન આવે તો પાછા ઉપર જઇએ મંગલનાથબાપુને મળવા”. એ બોલ્યોં “ હા, ચાલને ત્યાં જ જઇએ. આ અબ્દુલચાચા તો હવે ન પણ આવે”. થોડીવાર ત્યાં જ ઉભા રહયાં. ફરી જય બોલ્યોં “ હવે એ નહી આવે, ચાલ આપણે સેવકરામને શોધીએ”. હું મૌન રહયોં. મને ખ્યાલ આવ્યો કે કદાચ આ જયને અબ્દુલચાચાનો ડર લાગતો હશે. પછી હું ચારે તરફ પહાડોના ફોટા પાડવા લાગ્યોં. એવામાં દુર સામેની એક ટેકરી પર મારી નજર પડી તો ત્યાં અબ્દુલચાચા દેખાયા. મે જયને એ બતાવ્યું. એક મોટા પથ્થર પાસે નીચે બેસેલા હતાં. અમે થોડા નજીક ગયાં ત્યાંરે ખબર પડી કે એ કશું ચીત્ર દોરી રહયાં હતા. મે કહયું “કુદરતી દ્રશ્યો કંડારતા લાગે છે”. એ મારો અવાજ સાંભળીને અમારી તરફ જુએ છે. તરત જ હાથના ઇશારાથી ઉપર આવવાની ના પાડે છે. “ આ વખતે એ કોઇ સાપનું ચીત્ર દોરતા લાગે છે” જય મારી નજીક આવી ધીમેથી બોલ્યોં. પછી બંનેને થયું કે એમને ખલેલ ન પહોચાડીએ. એટલે અમે થોડા દુર ચાલ્યાં. અમે ડેમની પાળ પર એમના સામાન પાસે આવીને બેસી ગયાં. હું મારા કેમેરામાં લીધેલા ફોટા જયને બતાવવા લાગ્યોં. અબ્દુલચાચા નો હમણાં જ ટેકરી પરનો ફોટો અમને બંનેને ગમ્યોં. થોડી વાર પછી અબ્દુલ પેન્ટર આવતા દેખાયા. એમનો બગલ થેલો સાથે હતો. એની ચાલમાં જાણે કઇ મસ્તી હતી. આનંદીત ચહેરો અને આંખોમાં ચમક હતી. આંખોમાં ભીનાશ પણ લાગી. આવીને હસ્યાં. મે પુછયું “ તમે શું ચીત્ર બનાવતાં હતા?” મારી સામે એકીટસે જોયા કર્યા પછી જય સામે જોઇ હાથથી ઇશારો કર્યો કે તમારું ચીત્ર બનાવું. જયની ના અને મારી હા નો અવાજ એકસાથે એમના કાને ગયો. પણ એમણે તો કાગળ પેન્સીલ બધુ તૈયાર કર્યું. જયનો પહેલા વારો એવું મે કહયું. ધીમે ધીમે જયનું ચીત્ર તૈયાર થવા લાગ્યું. પણ હું તો ફકત અબ્દુલચાચાનું જ અવલોકન કરતો રહયોં. એ ચીત્ર દોરવાના કામમાં એવા ડુબી ગયા કે એમને જોઇને મને પણ જાણે ધ્યાન લાગી ગયું. ચીત્ર તૈયાર થયું. તો મે કહયું “ જય તું આ ચીત્રમાં વધારે સારો લાગે છે”. એ પણ ચીત્ર જોઇને બોલ્યોં “ મને પણ એવું જ લાગ્યું. ” મારું ચીત્ર પણ એમણે બનાવ્યું. ત્યાંરે જય બોલ્યોં “ વાહ, અબ્દુલચાચા વાહ. શું કલા છે તમારી પાસે. દરેકે કઇક ને કઇક કલા શીખવી જ જોઇએ. જુઓ એટલે જ અમને ફોટોગ્રાફીની કલા ગમે છે. ” એ એમની વૃદ્ધ પણ તેજસ્વી આંખો જીણી કરી ફોટા બતાવવા કહે છે. હું મારા કેમેરાના ફોટા બતાવવા લાગ્યોં. એ પણ પોતાની ખુશી વ્યકત કરતા બધા ફોટા જોતા હતા. એક ફોટામાં થોડું ધ્યાનથી જોયું. પછી હાથના ઇશારાથી કઇક પુછયું. એ ફોટો ઉપર જંગલમાં લીધેલો મંગલનાથબાપુ અને એમના દાદાગુરુ પરમહંસનો હતો. મે કહયું “ઉપર જંગલમાં એક સાધુ રહે છે. એમનો ફોટો છે”. પછી એમણે ફોટામાં આવેલું પરમહંસદેવનું ચીત્ર બતાવતાં પુછયું. જયને એમ થયું કે હું એમનો સવાલ નથી સમજી શકતો એટલે બોલ્યોં “અરે યાર આ પટીયા છે એટલે એમને ચીત્રમાં જ રસ હોય, આ ચીત્ર કોણે બનાવ્યું એમ પુછે છે. તું એટલુ પણ નથી સમજતો?” મે એમની સામે જોયું તો માથું નકારમાં હલાવ્યું. એટલે મે એ યોગીના ચીત્ર વિશે જે જાણકારી હતી એ આપી. ત્યાં જ જય પણ બોલ્યોં “ આ સાધુ પાચસો વરસ પહેલાના છે. ” પણ એમને વિશ્વાસ ન આવ્યોં, એમણે માથુ હલાવીને ના કહી. અને પછી હાથથી એક ક્ષણ રાહ જુઓ એમ કહી એ એમનો બગલથેલો તપાસવા લાગ્યાં. પછી એક ચીત્ર બહાર કાઢી અમને બતાવ્યું. થોડીવાર ધ્યાનથી જોયા પછી મને ખબર પડી એટલે મન અને શરીરમાં જાણે વીજળી દોડી ગઇ. મે જયને કહયું “ અરે યાર જય જો, આ તો પેલા મંગલનાથના દાદાગુરુ પરમહંસદેવ!!!” જય થોડીવાર કશું બોલી ન શકયો. પછી જય ચીત્રને પોતાના હાથમાં લઇ ધ્યાનથી જોયા કરે છે. અને અબ્દુલચાચાને એકસાથે પાંચ-છ સવાલો કરતા પુછે છે “તમે આ ચીત્ર કયાં દોર્યું?એ તમને જ કેમ દેખાયા?તમારે એમની સાથે કઇ વાતચીત થઇ? તમને ખબર છે એ કોણ છે?ખરેખર આ ચીત્ર તમે જ દોર્યું છે? પણ મુંગા અબ્દુલચાચા આટલા સવાલોના જવાબ કેમ આપે!! એ ઉપર આકાશે હાથ કરી આનંદિત કરી મુકે એવું માત્ર હસે છે. પછી મને ચીત્રમાં લખેલી તારીખ વંચાય છે. ગઇકાલની જ તારીખ હતી. પછી જયને અચાનક યાદ આવ્યું તો બોલ્યોં “ આજે તમે કોનું ચીત્ર બનાવતાં હતા?” એ ફરી એક ચીત્ર થેલામાંથી કાઢે છે. એ ચીત્ર અમે જોયું. એ પણ પરમહંસ યોગીનું ચીત્ર હતું. પણ અચરજ અને રહસ્ય એ હતું કે એમની બાજુમાં એક મોર બેઠેલો. એ જોઇને જય બુમ પાડી ઉઠયોં “આ તો સેવકરામ છે”. અબ્દુલચાચા તો શાંત થઇ માત્ર મંદ સ્મીત સાથે બેઠા છે. અમારા મનમાં સવાલોના ઢગલા છે. જવાબો આપનાર તો કલાકાર છે પણ એમની પાસે શબ્દો નથી. જય હવે મને પુછે છે “ આપણને આ સેવકરામ પણ ન દેખાયો? આપણે તો થોડા નજીક પણ ગયેલાં. આ યોગીને જોવાની આપણી ક્ષમતા નથી પણ આ સેવકરામને તો મે નજીકથી જોયેલો છે”. મારી પાસે પણ કયાં શબ્દો હતા?! “ ચાલ આપણે મંગલનાથબાપુની જગ્યા પર જઇ એમને આ વાત કરીએ” આ રહસ્યના રોમાંચમાં જયની જાણે હિંમત ખુલી ગઇ હોય એમ એ બોલ્યોં. હું પણ સીધો જ ઉભો થઇ ગયો. અબ્દુલચાચાને નમસ્કાર કરી સાંજે મળવાનું કહી અમે ઝડપથી ચાલી નીકળ્યાં ઘણાં સવાલોના જવાબ શોધવા. જયને હવે એ જગ્યાં ખબર હતી ગઇકાલે એણે ‘મોબાઇલમાં ગુગલમેપમાં લોકેશન સેવ કરેલું’. ત્યાં પહોચ્યાં તો કશું જ ન જોવા મળ્યું. ઝુપડી ખાલી હતી. ન મળ્યાં મંગલનાથ ન મળ્યોં સેવકરામ મોર. એટલે જ આજે આ જગ્યાં ભેંકાર લાગી. જય ઝુપડીમાં અંદર ગયો. અંદરથી જ બુમ પાડી “આ તો સાવ ખાલી છે”. મે જયને કહયું “આ સાધુઓનો કોઇ કાયમી વસવાટ હોતો નથી. એટલે કદાચ આ ઝુપડી છોડીને ચાલ્યાં ગયા લાગે છે”. થોડીવાર ઓટલા પર બેસીને રાહ જોઇ. નીચે ઉતરતા કલાક થઇ જશે અને અંધારુ પણ એમ સમજીને એ જગ્યા પર માથુ ટેકવી અમે પરત ચાલતા થયા. સાંજના છ વાગ્યા. ડેમ પર માણસોની ચહલ પહલ વધારે હતી. પણ અબ્દુલચાચા કયાંય દેખાયાં નહી. બધે શોધ્યાં પણ ન મળ્યાં. છેવટે એક સીંગ ચણા વેચવાવાળા ફેરીયાને પુછયું તો કહે “ઇ બંગાળી તો ફરતારામ છે સાહેબ. બાર વરસ થયા ઇ જુનાગઢમાં આટા મારે છે. કયેક તો કેટલાય મયના સુધી કયાક વયો જાય છે. હમણાં કલાક પેલા આયથી ગયો પોતાનું પોટલુ લઇને”.

અંધારુ થયું ત્યાં સુધી રાહ જોઇ. પછી કાર હંકારી મુકી. કાર અને વિચારો બંને સાથે ચાલતા રહયાં. આ બે દિવસ સામાન્ય ઘટનાક્રમમાંથી રહસ્યમાં ફેરવાયા. “કેવા અદભુત એ અબ્દુલચાચા કે એમને ગીરનારે ખરા અર્થમાં પોતાને ખોળે લીધા. જાણે સંસાર અને સંન્યાસને જોડતી કડી. ” તો જય કહે “ આપણે આવતીકાલે ફરી આવીશું. એમને શોધીશું. કદાચ મળી જાય તો”. મે કહયું “ કદાચ કાલે મળી જાય તો પણ આપણા સવાલોના જવાબો શબ્દોમાં નહી મળે. ” ત્યાં જ દામોદર કુંડ પછીના વળાંક પર કારની લાઇટ પડતાં ત્યાં દિવાલે લખેલું સ્લોગન વંચાયું “ સત્ય જાણનારા મૌન થઇ જાય છે”.

--ભ્રમીત ભરત