અવસ્થા
ભ્રમીતભરત
ગાર્ડનમાં સાંજનો સમય એટલે દરેક ઉંમરના માણસોનો જાણે મેળો ભરાયો.જયોતિન્દ્ર દવે ઉદ્ધયાન એટલે સુરતનું એક સારુ અને મોટુ ગાર્ડન. જેની ત્રણે બાજુ રસ્તા. ચાલવાનો લાંબો વોકીંગટ્રેક, બેસવાના બાકડા, લોન અને બાળકો માટે હીંચકા લસરપટ્ટી વિગેરે બધી જ સગવડતા અહી ઉપલબ્ધ. શીયાળામાં સવાર કરતા પણ સાંજે ગાર્ડનના મુલાકાતીઓની સંખ્યા વધારે. આવી જ એક સાંજના સુર્યાસ્ત થવાને તો થોડીવાર હતી. પણ સામે બીલ્ડીંગની અગાસી જાણે ક્ષીતીજ બની ગઈ હોય એમ ત્યાંથી સુરજ અસ્ત થવાની તૈયારી કરે છે. આવા, સમય કરતા વહેલા સુર્યાસ્તને બાકડા પર બેસીને એકીટસે જોયા કરતા મોહનભાઇ કઇ વિચારમાં ખોવાયા છે. બાકડાની પાછળ અમુક એમના જેવા જ વૃદ્ધો ગોળ કુંડાળુ કરી, બે હાથ ઉચા કરી જોરજોરથી હસે છે.પણ મોહનભાઇને હસવું નથી આવતું, એમને તો આ રોજનો ઘટનાક્રમ થયો. એટલામાં બીજા એક વૃદ્ધ આવીને બાકડા પર બેસીને બોલ્યાં “શું જુએ છે મોહન?” એ એમના ગાર્ડનમિત્ર રમેશભાઇ છે. છેલ્લા સાત વર્ષથી એકબીજાને જાણતા હોવાથી એકબીજાના સુખદુખમાં સહભાગી. મોહનભાઇ થોડીવાર બીલ્ડીંગ પાછળ થતો સુર્યાસ્ત જોયા કરે છે પછી બોલે છે “યાર રમેશ, કયારેક કોઇક જગ્યાએ સુર્યાસ્ત વહેલો થઇ જાય છે.કેવી કરામત કુદરતની, કેમ?” રમેશભાઇ પણ સુર્ય અને સામેની બીલ્ડીંગ પર નજર કરતા કહે છે “એ માત્ર દ્રષ્ટીભ્રમ છે. હજી અજવાળું થોડુ બાકી છે દોસ્ત”. “હા હશે દ્રષ્ટીભ્રમ, પણ મારા જીવનમાં તો વહેલો સુર્યાસ્ત થવાની તૈયારીમાં છે. અને હું ફકત આમ જ બેસીને જોતો રહયો”. “જો મોહન, તારી બીમારી, તારું દુખ કે તારા ઘરની સમસ્યાઓ આ બધું તું હવે આ પાંસઠ વર્ષે ઉકેલી શકવાનો નથી. તો એનો સ્વીકાર કરી લે. અને એમાંથી બહાર નીકળ. જેટલી બાકી છે જીંદગી એટલી મોજથી જીવી લે. ચાલ એક ચકકર ચાલવા જાવ છું પાછો, આવ મારી સાથે” રમેશભાઇ બાકડા પરથી ઉભા થતા બોલ્યાં. “ના, આજે પાછો ગયો હતો ડોકટર પાસે ચેકઅપ કરાવવા તો હવે એમણે વધારે ચાલવાની પણ ના કહી છે. જરૂર પુરતું જ ચાલવું અને હવે થોડા દિવસમાં મારે ઓકસીજનનું મશીન પણ લેવું પડશે. ફેફસા હવે ત્રીસ ટકા જ કામ કરે છે. કેટલા બધા તો રીપોર્ટ કરાવ્યાં .નવી દવાઓ......કેટલા રૂપીયા ખર્ચી નાખ્યાં. આવક તો કઇ છે નહી ને જાવકને રોકી નથી શકતો. એકના એક દિકરા પર બોજ વધારતો જાવ છું”. રમેશભાઇ આવી ભારે વાત સાંભળી ફરી બેસી જાય છે. થોડીવાર બંને મૌન રહે છે. પાછળની લોનમાંથી લાફીંગ કલબના સભ્યોનો માત્ર ‘હા..… હા....હા’ એવો હાસ્યનો અવાજ ચાલુ છે. “જો મે તને હજારવાર કહયું છે કે તું પૈસાની ચીંતા ન કર મોહન, તું કહેતો હોય તો હું તારા ઘરે પહોચાડી આપીશ” રમેશભાઇએ પ્રેમમાં ગુસ્સો ભેળવીને કહયું. થોડુ સુષ્ક હસીને મોહનભાઇ બોલ્યાં “હજી આગળના પચાસ હજાર રૂપીયા તો પાછા આપી શકયો નથી તને. અને તારે વધારે કર્જવાળો કરવો છે મને? અને પાછો તો ઘરે આપવા આવવાની વાત કરે છે. તારે વધારે કકળાટ કરાવવો છે?” “જો મોહન, આપણે હવે નકામા ઘરડા ઘોડા છીએ. આ જમાનામાં કમાતા પુરુષ જ શોભે. મારી પણ ઘરે આવી જ હાલત છે. સહન કર્યા કરવાનું” રમેશભાઇએ કહયું. “યાર રમેશ, તારા આસ્વાશન બદલ આભાર પણ તું છોકરાઓને બંગલા,ગાડી અને વેલસેટ ધંધો આપીને નિવૃત થયો. મે આખી જીંદગી એક જ કંપનીમાં એકાઉંટન્ટની નોકરી કરી.એક મકાન પણ નથી આપી શકયો મારા છોકરાને. અને હવે નિવૃત થયો પણ દશ વર્ષથી આ બીમારીનો ખર્ચ આપું છું. બે દિકરીઓ અને એક દિકરાના લગ્ન કર્યાં અને ઉપરથી વિધુર થઇને હું આ બીમારીને પરણ્યોં” ચમકતી આંખે મોહનભાઇ બોલ્યાં. પછી આ શીયાળાની ઠંડીમાં ચહેરા પર જ જામી ન જાય એટલે આંસુ ઝડપથી લુછી નાંખ્યા. થોડું હાફી પણ જવાયું એમનાથી. રમેશભાઇ એમના ખભા પર હાથ મુકી કહે છે “તું ચીંતા છોડ, જેણે દરદ આપ્યું એ દવા પણ આપશે”. મોહનભાઇ ઉંડો શ્વાસ લઇને કહે છે “પણ મારી બીમારીનો આખી દુનીયામાં કોઇ ઇલાજ નથી”. બે સુરજ જાણે સાથે આથમ્યાં હોય એવું રમેશભાઇને લાગ્યું. એક આકાશે અને એક મોહનની આશાનો સુરજ. ગાર્ડનમાં હવે અંધારુ થયું. અમુક લાઇટો સેન્સરવાળી હતી તે ધીમેધીમે ચાલુ થઇ. અને અમુકને ગાર્ડનનો વોચમેન એક મોટી સ્વીચ સટાક અવાજ સાથે ચાલુ કરે છે. મોહનભાઇ પણ અમુક લાઇટની જેમ ધીમેધીમે સ્વસ્થ થયા અને પછી અમુક લાઇટની જેમ અચાનક બોલ્યાં “યાર રમેશ, આમ પણ મરવાનું તો છે જ મારે. તો વહેલો મરી જાવ,મારી જાતે મરી જાવ તો બધી સમસ્યાનો પણ અસ્ત થઇ જાય. હું તારી પાસે ઇચ્છામૃત્યુની ભીખ માંગુ છું”. “અરે આવા નકામા વિચાર નહી કર. અને હું કોણ તને ભીખ આપવાવાળો. જા તારા દિકરા દિકરી અને વહું પાસે ભીખ માંગ. પાગલ થઇ ગયો છે ઘરડોડોશો” રમેશભાઇને ગુસ્સો આવ્યોં. “દિકરા વહુંને શું પુછવાનું? એને તો કાયમીનો અફસોસ છે કે બાપે અમારા માટે જીંદગીમાં કઇ કર્યું જ નહી. વહું તો રોજ મારી સામે દિકરાની ગેરહાજરીમાં બળાપો કાઢે છે.મારી સહનશકિત હવે મારા ફેફસા જેવી ખલાસ થઇ ગઇ છે” મોહનભાઇને આટલું બોલવામાં પણ હવે પહાડ ચડવાનો થાક લાગ્યોં. એમને ફરી સ્વાસ ચડી ગયો. રમેશભાઇને પણ જાણે થાક લાગ્યોં હોય એમ ફરી ચાલવા જવાનું માંડી વાળ્યું. “ચાલ રમેશ, હવે કાલે મળીશું. મારી દવાનો સમય થઇ ગયો. હું જઉ છું” કહી મોહનભાઇ ધીમેધીમે ચાલતા થયા. “ખોટા વિચારો ન કરતો. અને કાલે સવારે હું તારા ઘરે આવીશ” રમેશભાઇએ બુમ પાડી. થોડી વાર બાકડા પર જ બેસી રહયાં ત્યાં એક યુવાન એમની બાજુના બાકડા પર બેસીને એ લોકોની વાતચીત સાંભળતો હતો તે રમેશભાઇની બાજુમાં આવી ઉભા ઉભા વાત કરે છે “એકસકયુઝ મી અંકલ, એક વાત પુછું?” રમેશભાઇ સામે જોઇ કહે છે “હા પુછને દિકરા”. “આ તમારા મિત્રને શું બીમારી છે”? પેલો યુવાન પુછે છે પણ એની નજર દુર મોહનભાઇ પર હોય છે. રમેશભાઇ કહે છે “એમને ફેફસાની બીમારી છે. લંગ ફાઇબરોસીસ કહેવાય. પણ કેમ?” ત્યાં તો પેલો યુવાન ચાલતો થઇ ગયો. રમેશભાઇ બાકીનું વાકય મનમાં જ પુરુ કર્યું ‘દિકરા યુવાન છે ત્યાં સુધી તું બેસી નહી શકે કયાંય. ઘરડા થતા બધી દોડ સમજાય જશે.’
રમેશભાઇ ફરી ચાલવાના બે રાઉન્ડ પુરા કરે છે. પછી ત્રીસેક મીનીટ પછી બહાર નીકળે છે. બહાર રોડ પર લોકોનું ટોળું એકઠું થયેલું છે. એમ્બ્યુલન્સનું સાઇરન ચાલું છે. રમેશભાઇ નજીક પહોચે એ પહેલા તો એમ્બ્યુલન્સ નીકળી જાય છે. એક છોકરાને પુછે છે કે “શું થયું?” પેલો તરુણ જવાબ આપે છે “ કોઇ દાદા બસ નીચે આવી ગયા છે”. આટલું સાંભળતા જ રમેશભાઇ સીધા બોલી ઉઠે છે “અરે તો એ મોહન જ હશે.” થોડીવાર કઇ સુજતું નથી. પછી મોબાઇલ કાઢી મોહનભાઇને ફોન લગાડે છે.ફોન કોઇ ઉપાડતું નથી. હવે રમેશભાઇના હૃદયના ધબકારા વધી જાય છે. ભાગીને પોતાની કારમાં બેસી કાર એમ્બ્યુલન્સની પાછળ હંકારી મુકે છે. થોડે દુર સુધી કાર ચાલી ત્યાં તરત જ મોબાઇલ વગડે છે. એ મોહનભાઇનો નંબર હોય છે. કાર રસ્તાની એક બાજુ ઉભી રાખી ફોનમાં વાત કરે છે “હેલો હેલો મોહન?” સામેથી અવાજ આવે છે “હા બોલ રમેશ”. મોહનનો અવાજ સાંભળી ધરપત થતા રમેશભાઇ પુછે છે “તું કયાં છે?” “હું બસ મારા બીલ્ડીંગમાં નીચે પહોચ્યોં” મોહનભાઇ બોલ્યાં. રમેશભાઇથી બોલાય ગયું “હાશ, થેન્ક ગોડ”. “કેમ ભાઇ, શું થયું?” મોહનભાઇએ પુછયું. “કઇ નહી, એક તો મરવાની વાત કરીને ગયો એમાં અહી ગાર્ડનની બહાર એક વૃદ્ધનો બસની સાથે એકસીડન્ટ થયો એટલે મારો જીવ અધ્ધર થઇ ગયો” રમેશભાઇએ ભડાસ કાઢી. સામેથી મોહનભાઇ હસીને કહે છે “હું એમ સસ્તામાં કે રસ્તામાં મરવાનો નથી. તું ચીંતા ન કર. પણ હવે મારી ઇચ્છા પુરી થશે. હું આવતી કાલે ગાર્ડનમાં વધુ વાત કરીશ”. રમેશભાઇને નિંરાત થતા એ ઘર તરફ વળી જાય છે.
મોહનભાઇ પોતાના બે રૂમ રસોડાના ભાડાના મકાનમાં પ્રવેશ કરતા જ અંદર એમની પુત્રવધુ અને સાતમા ધોરણમાં અભ્યાસ કરતો પોત્ર યસ કઇક બોલાચાલી કરતા હોય છે. દાદાને જોઇને યસ કહે છે “દાદા, મમ્મીને સમજાવોને મારે સ્કુલમાંથી પ્રવાસનું આયોજન છે. એમાં જવું છે. મમ્મી ના પાડે છે. મનાલીમાં ટ્રેકીંગ માટે જવાનું છે. મારા બધા ફ્રેન્ડસ જાય છે.” “હા બેટા. તને જવા દઇશું બસ. પણ અત્યારે તું તારી મમ્મી સામે જે ઉચા અવાજે વાત કરતો હતો એ સારુ ન કહેવાય” મોહનભાઇ પોત્રને સમજાવતા કહયું. ત્યાં તો એમની પુત્રવધુ ગુસ્સામાં બોલી ઉઠી “શું પપ્પા તમે પણ? એની ફી બહું મોંઘી છે. એના પપ્પાએ મને ના કહી છે. તમે ભરવાના છો એના પાત્રીસ હજાર રૂપીયા? તમે રૂપીયા લાવવાના હો તો જ એને હા કહેજો”. બસ આવા સળગતા સવાલો જ મોહનભાઇ ને દઝાડે છે. દિકરા વહુંના આવા સવાલો પછી જ મોહનભાઇ અટકે છે. પછી એમની આવા થયેલા અનેક વાકયુદ્ધમાં પાછીપાની જ હોય છે. દાદાને અને પોતાને હારતા જોઇ યસ એનું છેલ્લું અમોઘ હથીયાર રૂદન વાપરે છે. પણ સૌથી મહાન તો આ ઘરની પરીસ્થીતી જ છે. છેલ્લે તો એજ જીતે છે હંમેશા.
બીજા દિવસે સવારે મોહનભાઇ અને એમનો દિકરો અરવિંદ બંને ઘરમાં એકલા જ હતા. વહુ અને પોત્ર બજારમાં શાક લેવા ગયા હતા. અરવિંદને આજે રવિવાર હોવાથી પોતાની કરીયાણાની દુકાન બંધ હોય છે. વિચારોમાં ખોવાયેલા મોહનભાઇ આખરે ડરતા ડરતા પુત્રને પુછે છે “ બેટા આવતીકાલ થી એક સત્સંગમાં જવાની ઇચ્છા છે. નર્મદા કિનારે માલસરમાં રોકાવાનું છે.અઠવાડીયું થશે. જો તું કહે તો હું આવતીકાલે જઇ આવું”. પુત્ર જાણે ના પાડવાની તૈયારીમાં કશું બોલશે એવા વિચારે ફરી તરત જ ઉમેરે છે “ એક સંસ્થા જ બધો ખર્ચ ભોગવશે. કોઇએ કશુ આપવાનું નથી.” અરવિંદ બોલ્યોં “ મને વાંધો નથી પણ ત્યાં વધારે તબીયત બગડી તો શું કરશો? એના કરતા ઘર સારું”. “ના દિકરા, તબીયત નહી બગડે. અને શહેરના પ્રદુષણ કરતા તો ત્યાં ચોખ્ખી હવા મળશે. એ બહાને થોડો ફ્રેશ થઇ આવું. મને બહુ જઇચ્છા છે” મોહનભાઇએ કહયું. “ એટલે તમને હવે ઘરમાં નથી ગમતું એમજ ને? અમારી તો કશી કિંમત જ નથી આંકતા તમે” અરવિંદ ગુસ્સામાં બોલ્યોં. “ ના ના એવું નથી બેટા પણ એ બહાને તમને પણ થોડો આરામ મળે મારી સેવાથી. અને તમે તો ખુબ કરો છો મારા માટે. કિંમત તો હું મારી નકકી કરવા જ જાવ છું બેટા” આટલું કહી મોહનભાઇની આંખમાં આસુ આવી જાય છે. છેવટે અરવિંદ માની જતા કહે છે “ હા ઠીક છે જાવ. અને આ વાતવાતમાં રોવાનું બંધ કરો”. અરવિંદ પણ ઉભો થઇ ઘરની બહાર નીકળી જાય છે. મોહનભાઇ એમની બંને દિકરીઓને પણ ફોનથી મળી લે છે.
સાંજે ગાર્ડનમાં રમેશભાઇ વહેલા પહોચી ચાલતા ચાલતા એક રાઉન્ડ પુરો કરે છે. બીજા રાઉન્ડ પછી પોતાના નિર્ધારીત બાકડા પાસે આવે છે તો મોહનભાઇ ત્યાં બેઠા હોય છે. “અરે મોહન, આજે રોજ કરતા વહેલો આવી ગયો” બાકડા પર બેસતા રમેશભાઇ બોલે છે. “હા એટલા માટે કે આજે તને એક વાત કહેવી છે” મોહનભાઇ બોલીને સામે રમતા છોકરાઓ તરફ જોયા કરે છે. એમના ચહેરા પર ન દુખ અને ન સુખ એવા તટસ્થ ભાવ દેખાય છે.રમેશભાઇ એમની સામે જોઇને પુછે છે “શું વાત?”. “ગઇ કાલે આ મેઇન ગેઇટ પાસે એક યુવાન મળેલો. મને મારી બીમારીનું પુછયું. એ તને પુછીને મારી પાસે દોડતો આવેલો. એના એકના એક ચૌદ વર્ષના દિકરાને પણ મારા જેવી જ ફેફસાની બીમારી છે.પોતે બહું પૈસાદાર છે. દવાની રીસર્ચ કરવાની મોટી લેબોરેટરીનો માલીક છે.પણ બહું દુખી છે.કહેતો હતો કે હું મારા છોકરાને અઢળક સંપતી આપી શકુ પણ જીંદગી નહી” મોહનભાઇ એકી સ્વાસે બોલ્યાં પછી હાફવા માટે સમય લીધો. એટલે રમેશભાઇ બોલ્યાં “તો પોતે કોઇ દવા નથી બનાવી શકતો આ બીમારી માટે?”. “હા,એણે એક દવાનો કોર્ષ શોધ્યો છે.પણ પહેલા મારા પર પ્રયોગ કરવા માંગે છે.કહે છે કે આ દવા રીસ્કી છે. કદાચ એનાથી ફેફસા એટલા સોફટ પણ થઇ જાય કે જીર્ણ થઇ નાશ પણ પામે. એટલે મારા પર સફળ થાય તો એના છોકરાની જીંદગી બચી જાય. એના માટે અઠવાડીયું એમની લેબોરેટરીમાં રોકાવાનું. પહેલા ત્રણ દિવસ દવા લેવાની બીજા ચાર દિવસમાં ફેસલો. દવા લાગુ પડી જાય તો મને પણ નવી જીંદગી મળી જાય” મોહનભાઇએ કહયું. રમેશભાઇએ ગુસ્સાથી તરત જ સવાલ કર્યો “અરે ગાંડો થઇ ગયો છે તું? જો દવાની ઉંધી અસર થાય તો શું? જીંદગી ગઇ એમ!” શાંત ભાવે મોહનભાઇ બોલ્યાં “જો દવા સફળ ન થાય અને હું મરી જાવ તો મારા દિકરાને એક કરોડ રૂપીયા રોકડા આપશે. એનો કરાર પણ કરવાનો. મને તો બંને પરીસ્થીતીમાં ફાયદો છે. કયાં તો બીમારીનો ખર્ચ બચી જાય અથવા દિકરો કરોડપતી બની જાય. પણ દિકરાનો અફસોસ મટી જાય” .રમેશભાઇએ પુછયું “તારા દિકરાને વાત કરી?” “ના, દિકરાના હિત માટે એને મારે પુછવાની જરૂર નથી. એને સત્સંગનું બહાનું કર્યું છે. આમપણ છોકરા માટે બાપ કેટલુ કેટલુ કરતા હોય છે. એક હુ જ કઇ કરી શકયો નથી” સામે રમતા છોકરાઓ તરફ જોઇને મોહનભાઇએ કહયું. રમેશભાઇને આજે એમની આંખોમાં દુખ નહી પણ આશાવાદનું તેજ દેખાયું જાણે હવે બધી તકલીફો દુર થવાની હોય. છેવટે રમેશભાઇ પણ લેબોરેટરીમાં સાથે રહેશે એવી શરતે બંને એકબીજાની વાતથી રાજી થયા. ફરી ગાર્ડનમાં અંધારુ થયું પણ આવતીકાલે અજવાળા આવશે એવી આશા સાથે.મોહનભાઇ મીત્રને વાત કરી ખુશ છે.એમને હસવું છે પણ રવિવાર હોવાથી આજે તો લાફીંગકલબના મેમ્બરોએ પણ ગાર્ડનમાં રજા રાખી છે.
બીજા દિવસે મોહનભાઇને સવારે રમેશભાઇ કાર લઇને લેવા માટે આવે છે.મોહનભાઇ પોત્રને સ્કુલે જતા પહેલા વહાલ કરી ભેટી પડે છે.ફરી કદાચ ન પણ મળી શકાય એ વિચારે રડવા લાગે છે.પણ દિકરા અરવિંદને તો એમ જ છે કે બાપ બીમારીને લીધે નબળા મનનાં થઇ ગયા છે એટલે વારેવારે રડયાં કરે છે. દિકરા અને વહુને વહાલથી જોઇ ઘરની બહાર નીકળી જાય છે.કારમાં બેસી બંને મિત્રો લેબોરેટરી તરફ જાય છે.જાણે દુરના કોઇ અજાણ્યાં પ્રવાસે નીકળ્યાં હોય. પાંચ માળની લેબોરેટરીમાં નીચે દરવાજા પાસે જ પેલો યુવાન માલીક રાહ જોઇને ઉભો હોય છે. મહેમાનના રૂપમાં ભગવાન હોય છે એવું આજે એને સાચુ લાગી રહયું છે. પણ રમેશભાઇની તમામ તૈયારી છે આ શખ્સને તપાસી લેવાની. મોહનભાઇને ઉપર બધા રીપોર્ટ કરવા મોકલી પોતે રમેશભાઇને ઓફીસમાં લઇ જાય છે. ડો.સંજય તરીકે પોતાની ઓળખાણ આપી રમેશભાઇના તમામ સવાલોના શાંતીથી જવાબો આપી છેલ્લે કહે છે “તમે કઇ પણ ચીંતા ન કરો અંકલ આ તમારા મીત્રની જીંદગી કરતા પણ મારા એકના એક દિકરાની જીંદગીનો સવાલ છે. મે અને મારા સાથી મીત્રએ જીવ રેડીને આ દવા તૈયાર કરી છે.”
બપોરે મોહનભાઇ પર પ્રાયોગીક સારવાર ચાલુ થઇ જાય છે. રોજેરોજ રીપોર્ટ થાય છે. રમેશભાઇ રોજ સવારે આવી જાય રાત્રે ઘરે ચાલ્યાં જાય. એક બે વાર અરવિંદનો ફોન પણ આવે છે. મોહનભાઇ સાથે થોડી વાત કરી માલસરથી કયારે આવશો એવું પુછયાં કરે છે.આ બાજુ બધા એક ચીંતાના માહોલમાંથી પસાર થાય છે. પણ મોહનભાઇને કોઇ દુખ કે ચીંતા નથી. છેલ્લા દિવસની ટ્રીટમેન્ટ પહેલા રમેશભાઇ પણ આંખમાં આસુ સાથે કહે છે “યાર મોહન, તું એક મહાન બાપ થઇ ગયો. છોકરા માટે આનાથી વિશેષ કોઇ શું કરી શકે?!!” આટલું બોલી આગળ રમેશભાઇ કશું ન બોલી શકયાં. પણ મોહનભાઇ આજે દુખી મીત્રને આશ્વાસન આપતા કહે છે “મે તને કહયું હતું કે હું સસ્તામાં કે રસ્તામાં નહી મરું. યાદ છે ને તને? પણ તું સમજ મોહન મારા તૉ બંને હાથમાં લાડું જ છે. હું આજે એવા ચોકમાં ઉભો છું જયાંથી બધા જ રસ્તા મને મારી મંઝીલ તરફ લઇ જાય છે.” રમેશભાઇ મીત્રનો હાથ પકડી માત્ર જોયા કરે છે.ફરી મોહનભાઇ બોલ્યાં “જો મીત્ર મને કશું જ નહી થાય. આ પેલા બાપે દવા શોધવા પોતાની તમામ શકિત કામે લગાડી હશે. પણ એક અસમંજસ બહું સતાવે છે”. રમેશભાઇ તરત જ પુછે “શું?મને કહી દે. હું તને ઉકેલ બતાવીશ મીત્ર”. રમેશભાઇ જાણે તૈયાર થઇ જાય છે મીત્રની છેલ્લી ઇચ્છા પુરી કરવા માટે. મોહનભાઇને જરા પણ થાક નથી અનુભવાતો એટલે આજે ઘણીબધી વાતો કરવા તૈયાર છે. “જો મારા ફેફસા સાજા થઇ જાય તો સારું પણ મારી ઇચ્છા એવી છે કે મારા દિકરાને એક કરોડ રૂપીયા મળે. પણ જો એવું થાય તો આ સંજયના સાવ નાની ઉમરના દિકરાનું શું થશે? યાર એક બાજુ મારો દિકરો એક બાજુ એનો દિકરો. મને મારુ મૃત્યું મંજુર છે પણ સંજયના છોકરાનું તો કયારેય નહી. યાર હું શું પ્રાર્થના કરું ભગવાનને? કે મને મારીને મારા છોકરાને કરોડપતી બનાવજે કે પછી સંજયના છોકરાને બચાવી મારા છોકરાની તકલીફો ચાલુ રાખજે? ખરેખર મારે શું માંગવું જોઇએ? મને કાયમ ભગવાને હંફાવ્યોં છેલ્લે પણ થાકી જવાય એવો સવાલ ઉભો કરી દીધો.” રમેશભાઇ જેવા હોશીયાર અનુભવી વ્યકતી પાસે પણ આજે કોઇ જવાબ નથી. રૂમમાં શાંતી છવાઇ ગઇ. ત્યાં જ ડો.સંજય રૂમમાં પ્રવેશે છે. અને બોલે છે “તમે ચીંતા ન કરો હું મંદિરે પ્રાર્થના કરીને આવ્યો છું બધું સારુ થઇ જશે”. જાણે ડો.સંજય બંનેની વાત સાંભળી ગયા હોય.
દસ દિવસ થયા એટલે અરવિંદ એમના પિતા મોહનભાઇને ફોન કરે છે. પણ રમેશભાઇ ફોન ઉપાડે છે. અને કહે છે “દિકરા મોહનનો મોબાઇલ મારી પાસે છે. હું તારી ઘરે જ એને લઇને આવું છું”. ડો.સંજય પોતાની કાર જાતે ચલાવીને લાવે છે. કારમાં રમેશભાઇ પણ સાથે છે. પાછળની સીટમાં એક મોટો થેલો રૂપીયાનો ભરેલો છે. એમાં એક કરોડ રૂપીયા રોકડા પડેલા છે. એક એમ્બ્યુલન્સ એમની પાછળ પાછળ ચાલી આવે છે. પણ સાઇરન બંધ છે. “તમે ચીંતા ન કરો રમેશઅંકલ. એમના દિકરાને સમજાવવાની મારી જવાબદારી. તમે કશું જ નહી બોલતા. અરવિંદ જે પણ બોલશે એ હું ચુપચાપ સાંભળી લઇશ. આપણી પાસે બીજો કોઇ વિકલ્પ જ નથી. પણ હું સંભાળી લઇશ” ડો.સંજય રમેશભાઇને પ્રેમથી સમજાવે છે. રમેશભાઇ પણ કહે છે “એની જાણ વિના આવું થઇ ગયું એટલે એને આઘાત લાગશે”. કાર હવે મોહનભાઇના ઘર નીચે આવીને ઉભી રહી. પણ જયાંરે એમ્બ્યુલન્સ આવીને ઉભી રહી એટલે નીચે બેઠેલા બીલ્ડીંગના રહેવાસીઓને ચીંતા થઇ એટલે ટોળે વળ્યાં. ડો.સંજય અને રમેશભાઇ રુપીયાનો થેલો લઇ ઉપર મોહનભાઇના ઘરે જાય છે. ડો.સંજય આખી વાત સમજાવે છે. રૂપીયાનો થેલો આપે છે. અરવિંદ દોડતો દાદર ઉતરી એમ્બ્યુલન્સનો દરવાજો ખોલી રડતા રડતા જ કહે છે “અરે પપ્પા, તમે મારા માટે આટલી હદે ગયા? હું તો નાલાયક દિકરો છું પણ તમારા જેવા લાયક બાપ કયાય ન મળે.” ફરી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યોં ત્યાંરે મોહનભાઇ ધીમેથી બોલ્યાં “દિકરા મારા કરતા આ ડો.સંજય મહાન બાપ છે. એમણે મને, એમના દિકરાને અને તારા નસીબના આ કરોડ રૂપીયા ત્રણેય ને બચાવી લીધા. ત્યાં ડો.સંજય પણ ત્યાં આવી પાછળ ઉભા રહી જાય છે “અંકલ મારો દિકરો પણ બચી જશે એ ખુશીમાં કોઈ પણ શરત વિના આ રૂપીયા તમારા જ છે”. રમેશભાઇ હસતા હસતા મજાક કરે છે “મોહન તારી બીમારીએ તને છુટાછેડા આપી દીધા. હવે કોઇ સાથે પરણતો નહી આ ઉમરે, ઘરડાડોશા”.
***