બાળક bharat maru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બાળક

બાળક

“બોસ, આજે આમ અચાનક પ્રેસ કોન્ફરન્સ કરવાનું કેમ નકકી કર્યું? તમારી તો પોલીસી છે કે બધું સીક્રેટ રાખવું તો આજે શું જાહેર કરવાના છો?” મીસ ઇશા એમના બોસ મી. મનોજને પુછે છે. “અરે ના ઇશા, આ મારા પાર્ટનરે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. એ હંમેશા રહસ્યમય જીંદગી જ જીવે છે. કયાંરે શું કરે કઇ ન કહેવાય. મને તો હવે કયારેક એ સાઇકો લાગે છે” મનોજ બોલ્યોં. ઇશા સલાહ આપતા બોલી “પણ છે તો એ તમારો જ મીત્ર. તો કેમ તમે એને સમજાવતા નથી”. મનોજ અને ઇશાના સબંધો બોસ-સેક્રેટરી કરતા થોડા આગળ વધેલા હતા. ઇશા પણ મનોજનો સાથ લઇ આગળ વધવા માંગે છે. પણ એમાં ઇશાની મહત્વકાંક્ષા કરતા પણ મજબુરી વધારે પ્રબળ છે. ઇશાની મજબુરી એનો નાનો ભાઇ બ્રીજેશ છે. કે જેનો શારીરીક વિકાસ તો થયો પણ માનસીક ન થયો. ઇશાએ એને માનસીક વિકલાંગની શાળામાં રાખેલો. મા બાપ નથી એટલે ઇશા જ એના મા બાપ. પણ ઇશાએ આ વાત બધાથી છુપાવીને રાખી છે. મનોજ અને તનય બંને પહેલા ખાસ મીત્રો હતા. હવે છેલ્લા સાત વર્ષથી બંને બીઝનેસ પાર્ટનર પણ ખરા. મુળ આ તનયના પિતાએ સ્થાપેલી કંપની. પણ તનય પિતાના અવસાન પછી એકલો થઇ ગયો. પીસ્તાલીસ વર્ષે પણ હજુ લગ્ન કરેલા નહી. બીઝનેસમાં એકલું લાગતા ખાસ મીત્ર મનોજને તમામ બીઝનેસમાં વીસ ટકા વર્કીંગ ભાગીદારી આપી. મનોજ પણ સામાન્ય નોકરી જ કરતો. એટલે તનયના બીઝનેસને વધારવા માટે ખુબ મહેનત કરી. અને આજે મેડીકલ ઇન્સ્ટ્રુમેન્ટ મેનીફેકચરીંગમાં મહેતા ઇન્ડસ્ટ્રીસનું નામ ખુબ ઉંચાઇએ લાવી દીધું. પણ થોડા સમયથી તનયનું વર્તન મનોજને પસંદ ન હતું. તનયના શાંત, પ્રામાણીક અને સેવાભાવી સ્વભાવને લીધે ઘણીવાર કંપનીને નુકસાન થાય છે એવો ખ્યાલ મનોજના મનમાં ઘર કરી ગયેલ. એટલે જ પોતાની સેક્રેટરી ઇશાને તનયની જાસુસી કરાવતો. વળી કઇક યાદ આવ્યું હોય એમ ઇશા પોતાનું લેપટોપ બંધ કરતા કહે છે “ઓહો, સર આજે ફરી અગીયાર તારીખ છે. આ તનયસર જયાંરે પણ કઇ વિચીત્ર નિર્ણય લે છે ત્યાંરે હંમેસા અગીયાર તારીખ જ હોય છે. તમને યાદ છે?” “હા છેલ્લે એણે જાહેર કરેલું કે હવેથી સરકારી હોસ્પીટલમાં સીરીંજ મફત પુરી પાડીશું ત્યાંરે પણ અગીયાર તારીખ જ હતી. પણ તનય ને બીઝનેસ કરતા જ નથી આવડતું એમાં તારીખનો શું ગુનો?” મનોજ આટલું બોલી ચપરાસીને બોલાવવા બેલ વગાડે છે. ચપરાસી અંદર કેબીનમાં આવી “જી સાહેબ” કહી ઉભો રહી જાય છે. “ તનયસાહેબને પુછી આવ કે એમને સમય હોય તો હું મળવા માંગુ છું” મનોજે હુકમ કર્યો. થોડીવારે મનોજના ટેબલ પર પડેલો ફોન રણકયોં. ઇશા ફોન ઉપાડી ફકત જી સર કહી મુકી દે છે. “ સર તમને મળવા બોલાવે છે”. મનોજ સીધો જ કેબીનની બહાર નીકળી જાય છે.

તનય પોતાની ઓફીસમાં અંગ્રેજી અખબાર વાંચતો બેઠો હતો. ત્યાં જ મનોજ પ્રવેશયોં. “ હા મનોજ શું કામ હતું?” પોતાની રીવોલ્વીંગ ચેરને વધારે ઢાળીને તનય બોલ્યોં. “ બસ એજ પુછવું હતું કે આજે પ્રેસ કોન્ફરન્સમાં શું કરવાનું છે? કોઇ ખાસ તૈયારી?” મનોજે સામેની ચેર પર બેસતા કહયું. અંગ્રેજી અખબાર પોતાના હાથમાંથી નીચે ટેબલ પર મુકતા તનય બોલ્યોં “ જો મનોજ, આ આજના પેપરમાં એક મોટા અમેરીકન બીઝનેસમેનની ખુબ જ ફાઇન સ્ટોરી છે. તું વાંચી જો. બાકી આ પ્રેસ કોન્ફરન્સમાં તારે આવવાની જરૂર નથી. હું સંભાળી લઇશ. તારી સાથે સાંજે ચર્ચા કરીશ. ” એટલું બોલી તનય ઉભો થઇ ચાલતો થયો. અને ચાલતા ચાલતા જ મનોજને કહયું “ચાલ યાર, લંચનો સમય પણ થઇ ગયો. ભુખ નથી લાગી તને?” ત્રણ માળની ઓફીસમાં ટેરેસ પર જ કેન્ટીન બનાવી હતી. તનયે નિયમ બનાવેલો કે ઓફીસના તમામ સ્ટાફે સાથે જ લંચ લેવું, બોસથી લઇ ચપરાસી સુધી. અને આ કેન્ટીનનો તમામ ખર્ચ કંપની તરફથી કરાતો. મનોજને ફરી યાદ આવ્યું કે આ બધાએ સાથે મફત જમવાનું એવો નિર્ણય પણ તનયે અગીયાર તારીખે જ લીધેલો. અંગ્રેજી અખબાર હાથમાં લઇ મનોજ પણ કેન્ટીન તરફ ચાલતો થયો.

સાંજે સાત વાગ્યે પ્રેસ કોન્ફરન્સ ચાલુ થઇ. મનોજ પોતાની ઓફીસમાં બેસી રહેલો. બધું કામ પતાવી નવરાશની પળોમાં વિચારે ખોવાયો. ત્યાં સામે પડેલું અંગ્રેજી અખબાર દેખાયું. પેલા અમેરીકન બીઝનેસમેનનો લેખ વાંચવા લાગ્યોં. એટલામાં સેક્રેટરી ઇશા અંદર આવી. “ સર શું કરો છો?” ઇશાએ એક પત્ની પોતાના પતીને પુછે એવી અદાથી પુછયું. “ અરે ઇશા, તું અહી શું ફાફા મારે છે?નીચે જા હોલમાં અને તનય આજે શું નુકશાન કરાવે છે કંપનીને એ જો” મનોજે પેપર વાંચવાનું ચાલુ રાખીને જ કહયું. ઇશાના રોમેન્ટીક મુડને મનોજના ટેન્શને જાણે દઝાડયોં હોય એમ એ જેવી આવી એવી જ પાછી ગઇ. મનોજે પેપરમાં આખો લેખ વાંચ્યો, પણ બીઝનેસ સીવાય કઇ ખાસ સમજાયું નહી. છેલ્લે બબડયોં કે આ અમેરીકનને છેલ્લે સાઇઠ ટકા સંપતી જો દાન જ કરવી હતી તો આટલી મહેનતથી કમાયો જ શું કામ? ત્યાં તો ઇશા દોડતી આવી. હાફતા હાફતા જ બોલી “ બોસ , ગજબ થઇ ગયું. આ તનયસરે હવેથી કંપનીનો ત્રીસ ટકા નફો ચેરીટીમાં આપવાની જાહેરાત કરી છે. ” મનોજે પેપરનો ઘા કર્યોં અને બોલ્યોં “ઓ નો, સીટ યાર. આ હવે ખરેખર પાગલ થઇ ગયો છે. હું કયાં લઇ આવ્યોં આ કંપનીને અને હજી દુર ઉંચાઇ સુધી લઇ જવા માંગુ છું ને આ સંકી માણસ દેવાળું કાઢવાનું કામ કરે છે”. ઇશા પણ મનોજ સાથે સહમત થતા બોલી “ હા સર, તમારી મહેનત પર આ સાહેબ પાણી ફેરવે છે”. “તું એક કામ કર ઇશા આ તનય દસ તારીખે શું કરે છે?કયાં જાય છે?કોને મળે છે? એની તપાસ કર. નહીતર આપણે પણ એની પાછળ બરબાદ થઇ જઇશું”. મનોજે ઇશાને વધારાના કામે લગાડી. ઇશાએ મનોજને યાદ કરાવતા કહયું “સર, મે તમને કહેલું કે દસ તારીખે તનયસર એના ઘરે નથી હોતા. કયાંક જાય છે દર મહીનાની દસ તારીખે”. થોડીવાર વાત થઇ શકી ઇશા સાથે ત્યાં તો મનોજના મોબાઇલ પર બધાના ફોન આવવા લાગ્યાં. બધાનો એક જ સુર હતો ‘વેલ ડન’. પણ આ સુર મનોજને સુળ જેવો ખટકતો હતો. તનય જયાંરે પોતાની કેબીનમાં આવ્યોં ત્યાંરે ખુશ હતો. મનોજ એને મળવા ગયો. મનોજે ઉભા રહીને જ ગુસ્સામાં કહયું “ તનય તું શું કરવા માંગે છે? તને કંપનીના કે આપણા ભવિષ્યની જરા પણ ફીકર નથી? આપણે સેવા કરવા નથી બેઠા”. પણ તનય માત્ર હસે છે. પછી હળવેથી કહે છે “મનોજ મે આવતા મહીનાની પહેલી તારીખથી દાન આપવાનું કહયું છે એ પણ નફાના ફકત ત્રીસ ટકા. હજી તો આજે અગીયાર તારીખ થઇ છે. કેટલા દિવસની વાર છે. એની ફીકર અત્યારથી શુંકામ? અને આ ચેરીટી હું મારા હીસ્સામાંથી જ કરીશ. તારો હિસ્સો તને જેમ આપું છું એમ જ ચાલું રહેશે. ” આટલું બોલી તનય એની ટેબલ પર પડેલી નાના બાળકોની એક કોમીક બુક વાંચવા લાગ્યોં. મનોજ પાસે શબ્દો ન હતા એટલે ખુરશીને ટેબલ તરફ જોરથી ધકેલીને અવાજ કર્યો અને ચાલ્યોં ગયો.

બીજા દિવસે મનોજનું કોઇ કામમાં મન નથી લાગતું. ઇશાને પોતાની કેબીનમાં બોલાવે છે. “ જો ઇશા, પૈસા અને સંપતી હશે તો આપણે બંને સાથે સારી રીતે જીવી શકીશું. તું તારા શોખ પુરા કરી શકીશ. હું મારી પત્નીને ગામ છોડીને જ આવ્યોં છું. હવે ફકત છુટેછેડા જ બાકી છે. બધું જ સરસ ગોઠવાઇ રહયું હતુ. પણ આ તનય આપણો ખેલ બગાડી રહયોં છે. હું તનયથી દસ વર્ષ નાનો છું. મારે હજુ જીંદગીમાં ઘણું આગળ વધવાનું છે. પણ હવે મને તારો સપોર્ટ જોઇશે. તું તનય પાસેથી કોઇપણ ભોગે જાણી લે એના આવા વર્તનનું શું રહસ્ય છે. દસ તારીખે એ શું કરે છે?” ઇશાને પણ મનોજની વાત મંજુર છે. અને ઇશા સારી રીતે જાણે છે કે મોટાભાગે પુરુષને મન સપોર્ટ એટલે ઉપયોગ અથવા ઉપભોગ જ હોય. “ સર તમે ચીંતા છોડો, મારા સંપર્ક સુત્રોને મે કામે લગાડયાં છે. પણ એના માટે મારે થોડા રૂપીયા એમને આપવા પડશે” ઇશાએ ઉપયોગીપણાની કીંમત માંગી. “હા કઇ વાંધો નહી, હું ગમે તેટલો ખર્ચ કરવા તૈયાર છું. પણ આ તનયનું રહસ્ય ઉકેલવું જ પડશે” મનોજ પણ મોટી કંપની હાથમાંથી ન છટકે એટલા માટે આવા નાના રોકાણો કરવા તૈયાર જ છે. ઇશા રૂપીયા લઇને કામે લાગી ગઇ. થોડા દિવસો સુધી કઇ હાથ ન લાગ્યું. પણ પછી તનયનાં ડ્રાઇવર પાસેથી એક ડોકટરનું વિઝીટીંગ કાર્ડ હાથ આવ્યું. એ લઇને ઇશા સીધી જ મનોજ પાસે ગઇ. “ આ તો કોઇ અજાણ્યાં ડોકટર છે. તનયનાં ખાસ જાણીતા ડોકટર નથી. આ તો કોઇ ન્યુરો સ્પેશ્યાલીસ્ટ છે. આ કાર્ડ તને કયાંથી મળ્યું?” મનોજે તપાસ આગળ વધારતા પુછયું. ઇશા ખુશ થતા બોલી “ સર, તનયસરના ડ્રાઇવરે આપ્યું અને કહયું એક વાર આને મળવા માટે તનયસર ગયેલા. જરૂર એમની કઇક મગજની સારવાર ચાલતી હશે આ ડોકટર પાસે. ” મનોજ અચાનક પોતાની ખુરશી પરથી ઉછળ્યોં અને બોલ્યોં “ યસ ડીયર, મને યાદ આવ્યું. લગભગ પંદર મહિના પહેલા અમારા ગામની સ્કુલની મુલાકાતે હતો ત્યાંરે તનય પડી ગયેલો. એને માથામાં વાગેલું ત્યાંરે આ ડોકટર પાસે સારવાર લીધેલી હતી. તનયને ત્યાંરે બીજા દિવસે દાખલ કરવો પડેલો . પણ મારા સિવાય કોઇને જાણ કરેલી ન હતી. હા, મને સ્કુલેથી ત્યાંરે એવો ફોન આવેલો કે તનયભાઇ પડી ગયેલા પણ હવે સારું છે. અને તમે એમને સમજાવો કે સ્કુલમાં કઈ દાન આપે. મે કહયું હતું કે મારે કેમ સમજાવાનું તો કહે એમને દાન નથી આપવું એટલે નાના બાળક જેવું વર્તન કરવા લાગ્યા છે. દાનની વાત હતી એટલે મે વાતમાં કઇ ધ્યાન દીધેલું નહી”. ઇશા મનોજના હાથમાં તાલી આપતા બોલી “તો ચાલો સર એ ડોકટર પાસે”. મનોજે ખુરશી પર ફરી બેસતા કહયું “ તું આ કાર્ડ લઇને તનયને પુછ. અને હું એ ડોકટર પાસે જઉ છું”.

સાંજે મનોજ ડોકટર પાસે ગયો. અને ઇશા તનયની કેબીનમાં ગઇ. મનોજે ખુબ પ્રયત્નો કર્યાં પણ ખાસ માહીતી મળી નહી. ડોકટરે એટલી જ વાત કહી જેટલી મનોજ જાણતો હતો. તનયની કેબીનમાં ઇશાએ થોડી ઓફીસના કામની ચર્ચા કરી પછી પુછયું “ સર, તમે મનોજસર કરતા ધંધામાં હોશીયાર છો. તમારી જ આ કંપની છે. તો મનોજને શું કામ પાર્ટનર બનાવ્યોં? એને તો કઇક માનસીક તકલીફ પણ છે. જુઓ આ ડોકટરને આજે મળવા પણ ગયેલો છે. ” ઇશાએ તનયના હાથમાં ડોકટરનું વીઝીટીંગ કાર્ડ આપ્યું અને તનયના હાથને થોડી ક્ષણો વધારે સ્પર્સ પણ આપ્યોં. ઇશાને ખ્યાલ હતો કે અપરીણીત પુરૂષ પર આ લાલચ કામ કરશે. પણ બીલકુલ શાંત અને કોમળ ભાવે તનયે હાથ લઇ લીધો અને ઇશાને પણ આની મોડેથી ખબર પડી. પછી તનય હસ્યોં અને બોલ્યોં “ઇશા, તું જે કહેવા અને જાણવા માંગે છે એનો તને સીધો જ જવાબ આપી શકું પણ એક શરતે!” ઇશાને સમજાયું નહીં છતા કહયું “ હા સર કહો શું શરત?” તનયે શરત કહી “ હું તને માહીતી આપુ પણ તારે મને કોઇ સવાલ નહીં કરવાનો. ” ઇશા એ શરત મંજુર રાખી એટલે તનય ફરી બોલ્યોં “ આ ડોકટર પાસે તમને કશું જાણવા નહીં મળે. એનાથી આગળનો ઇતીહાસ અને મુળ વાત સાંભળ. હું જયાંરે દસ-અગીયાર વર્ષનો હતો ત્યાંરે મારા ઘરે મારા પડોશમાં રહેતા એક નાના છોકરાએ મને ધકકો માર્યો. મારુ માથુ દિવાલમાં અથડાયું. ત્યાં સામે જ તારીખયું ટીંગાયું હતું એમાં દસ તારીખ મોટા અક્ષરે લખેલી હતી. મને એવી ઇજા થઇ કે એની અસર મને બાર કલાક સુધી રહી હતી. એ પછી લોકો જાણતા હોય એવી જ ઘટના બની અમારા ગામની પેલી સ્કુલમાં. મને નાનપણમાં જેણે ધકકો માર્યો એ મારો મીત્ર મનોજ હતો. આ ઘટનાઓથી મને જીવનમાં બધુ સમજાવા લાગ્યું. હવે તો હું મારી સામે આવેલ વ્યકતીની ઇચ્છા પણ સમજી શકુ છું. ” ઇશા તનયથી જાણે અંજાઇ ગઇ હોય એમ જોયા કરે છે. પછી બોલવા જાય છે “સર પણ.... ” તનય એને અધવચ્ચેથી અટકાવી બોલ્યૉં “નો કવેશચન પ્લીઝ. ” ઇશા કેબીનમાંથી બહાર નીકળી પણ વિચારોમાંથી નહી. આ બાજુ મનોજ ખાલી હાથે પાછો ફર્યોં. એટલે ઇશા પાસે એને બધી આશા હતી. ઇશાએ આખી વાત કરી. એટલે મનોજે તારણ કાઢયું “તો આ પાગલ એ નાનપણની વાતનો બદલો તો નથી લેતો ને? અને એટલા માટે જ એ દસ તારીખે કઇક વિધી કરતો હશે”. “ના, સર તનયસરની આંખમાં મે વેર નહીં પણ બાળક જેવી નિર્દોષતા જોઇ. ” “ઇશા તું એની વાતમાં નહી આવ. એ પાગલ થઇ ગયો છે. હવે દસ તારીખે એ કયાં જાય છે, શું કરે છે એની તપાસ કરવાની જવાબદારી પણ તારી છે” મનોજે હુકમ કર્યોં. “જો તું એ યોગ્ય જાણી લાવીશ તો હું તને પાંચ લાખ રૂપીયા આપીશ” મનોજે લાલચ પણ ઉમેરી. ઇશાને પાંચ લાખમાં પોતાનો ભાઇ દેખાયો એટલે ફરી જાસુસીમાં લાગી. તનયના બંગલાના વોચમેન પાસેથી માહીતી મળી કે દર મહીનાની દસ તારીખે તનય એના એક બીજા ફલેટમાં રોકાવા જાય છે. ઇશાએ આ માહીતી મનોજને આપી. હવે બસ પાંચ દિવસ પછી જ દસ તારીખ આવી રહી હતી.

“ જો માય ડીયર ઇશા, આજે દસ તારીખ છે. તું ઓફીસે નહીં આવ તો ચાલશે. પણ તનય એના કયા ફલેટમાં જાય છે અને શું કરે છે એટલું જાણી લાવ પછી તું છુટી અને હું મારું કામ કરીશ” મનોજે સવારમાં સાત વાગ્યે ઇશાને ફોન કરી જણાવ્યું. ઇશા પોતાનું સ્કુટર લઈ તનયનો પીછો કરે છે. સાંજ સુધી તો બધુ નોર્મલ રૂટીન ચાલ્યું. સાંજે તનય જાતે કાર ચલાવી પોતાના એક ફલેટ પર આવ્યોં. પહેલા માળે પોતાના ફલેટમાં ગયો. ઇશા પણ હિંમત કરી થોડીવારે પાછળ ગઇ. ફલેટનો દરવાજો અંદરથી ખુલ્લો જ હતો. ઇશા દબાતા પગલે અંદર ઘુસી. અંદર તનય ન દેખાયો. પણ ફલેટનું અંદરનું દ્રશ્ય જોઇ નવાઇ પણ પામી અને થોડી ગભરાઇ પણ ગઇ. ફલેટમાં ચારે તરફ નાના બાળકોના રમકડા, ગેમ્સ, વાંચવાની કોમીક બુક, પંચતંત્ર જેવી અનેક બાળવાર્તાઓની ચોપડીઓ, ટેડીબેર. જાણે કોઇ બાળકનો ફલેટ હોય. પણ હોલમાં એક દિવાલ પર મોટું કેલેન્ડર દેખાયું. પીળા રંગના કેલેન્ડરમાં કાળા અક્ષરે દસ તારીખ ટીંગાતી હતી. ત્યાં આજુબાજુ દિવાલ પર તેલના દાઘ પણ હતા. ઇશા આ જોઇને ગભરાઇ. બહાર ભાગવાની તૈયારી જ કરતી હતી ત્યાં બેડરૂમમાં કઇક અવાજ આવ્યોં એટલે દોડીને સોફા પાછળ સંતાઇ ગઇ. તનય રૂમમાંથી બહાર આવ્યોં. પેલી કેલેન્ડરવાળી દિવાલ પાસે ગયો. અને જોરથી દિવાલમાં માથુ અથડાવ્યું. ચકકર ખાઇને નીચે બેસી ગયો. ફરી ઉભો થયો પણ એ તનય નહી પણ કોઇ નાની ઉંમરનો બાળક ઉભો થયો. રમકડાથી રમવા લાગ્યોં. ટેડીબેર સાથે મસ્તીથી લડવા લાગ્યોં. ઇશા આ બધુ જોઇને ડરી ગઇ. થોડીવારે ફ્રીજમાંથી ચોકલેટ કાઢી ખાવા લાગ્યોં. પછી કોઇ ચોપડી હાથમાં લઇ નીચે બેસી વાંચવા લાગ્યોં. ઇશાએ પોતાના મોબાઇલથી મનોજને મેસેજ કર્યોં “ સર, તનયસર બાળક થઇ ગયા છે. એમણે આ ફલેટ આખો બાળક તરીકે જીવવા જ રાખ્યોં છે. દસ તારીખે એ માથામાં આઘાત કરે તો માનસીક રીતે બાળક બની જાય છે. તમે આવો અહી, હું અંદર ફસાઇ છું. ” પછી ઇશાએ હિંમત એકઠી કરી ભાગવાનું નકકી કર્યું. મોકો જોઇ ભાગવા લાગી. પણ નીચે પડેલી ઠીંગલી પર પગ આવતા જ ચુઇ એવો અવાજ થયો. તનયે ઇશાને જોઇ લીધી. ઇશાને આ મોટા માણસના શરીરમાં બાળક જોઇ માનસીક વિકલાંગ એવો પોતાનો ભાઇ યાદ આવી ગયો. પણ પછી તરત જ ભયનું એક લખલખું પસાર થઇ ગયું એના આખા શરીરે. પણ તનયે પ્રેમ ભર્યા માસુમ ચહેરે પુછયું “અરે દીદી તમે કોણ છો?અહી શું કરવા આવ્યાં?” ઇશા અવાક થઇ ઉભી રહી. શબ્દો જાણે ફલેટની બહાર ભુલાઇ ગયા. ત્યાં ફરી તનય બોલ્યોં “ મને ખબર છે. તમે મારી સાથે રમવા આવ્યાં છો. મારી બા મને કહીને ગઇ છે. ” દીદી શબ્દથી ઇશાને તનયમાં પોતાનો ભાઇ દેખાયો. એ ઘણાં વખતથી ભાઇને મળી નહોતી. એ ડરતા ડરતા તનયની નજીક ગઇ. તનયે પણ દીદીને ટેડીબેર આપ્યું. પછી તો જાણે ભાઇ બહેન સાથે રમવા લાગ્યાં. સાથે ગેમ રમી. રમકડાની ગાડીથી રમ્યાં. સાથે ચોકલેટો ખાધી. ઇશા પણ આજે નાના બાળક જેવી થઇ. તનયે ઇશાને બાળવાર્તાની ચોપડી વાંચી સંભળાવા કહયું. ઇશાનો ડર હવે ગાયબ થઇ ગયો. પોતે જાણે સપનાની દુનીયામાં આવી ગઇ હોય એમ બહારની દુનીયા ભુલાઇ ગઇ. “કઇ વાર્તા સાંભળવી છે ભઇલુ?” ઇશાએ તનયને પુછયું. “દીદી આજે તું તને ગમે તે વાર્તા સંભળાવ હું સાંભળીશ. ઘણાં દિવસે મારી ઘરે કોઇ રમવા આવ્યું છે. દીદી હવે તું દરરોજ આવજે મારી સાથે રમવા. ” “હા તનય હું આવીશ” ઇશા બોલી. ઇશા બધી વાર્તા જોવા લાગી કે કઇ વાર્તા સંભળાવું? પોતાને ગમતી એક વાર્તા પસંદ કરી. “વાર્તાનું નામ છે પ્રેમનું રાજય. ” ત્યાં જ તનયે વચ્ચે અટકાવી ઇશાને પુછયું “દીદી હું તમારા ખોળામાં માથુ રાખીને સુઇ જાવ?” ઇશા જાણે પોતાના સગા ભાઇ સાથે વાત કરતી હોય એમ એણે હા પાડી. પાછી વાર્તા ચાલુ કરી “એ રાજયમાં દરેક કામ પ્રેમથી જ થતું. કોઇ વસ્તુ ખરીદવી હોય તો પૈસાની બદલે પ્રેમ જ આપવો પડતો હતો અને કોઇ વસ્તુ વેચવી હોય તો પ્રેમ લેવો પડે. બધા પ્રેમના જ વ્યવહારો.... ” વાર્તા પુરી થાય એ પહેલા તનયને ઊંઘ આવી ગઇ. પણ ઇશાની આંખમાંથી આસુ સરી પડયાં. એ સુખ, દુખ અને અફસોસના મીશ્ર આસુ હતા. ઇશાથી બોલાઇ ગયું “ મારી મજબુરી, મનોજની મહત્વકાંક્ષા અને તનયની મોજ.... કેવી ગજબની છે. ” અડધીરાતે ઇશાનો મોબાઇલ રણકયો. એ મનોજનો ફોન હતો. ઇશાએ ફોન કાપી નાખ્યોં. મોબાઇલના અવાજથી તનયની ઉંઘ ઉડી ગઇ. એ તરત જ ઇશાના ખોળામાંથી ઉભો થઇ બોલ્યોં “ અરે ઇશા? તું અહી?” ઇશાની આંખમાં ફરી આસું વહેવા લાગ્યાં. કશું બોલી નહી એટલે તનય ફરી બોલ્યોં “ઓહ, તું રડે છે. મે તને હેરાન તો નથી કરી. મને એવું યાદ આવે છે. “ના સર. તમે તો મારા નાના ભાઇ બનીને રહયાં. હું અને મનોજ તમને સમજી નહોતા શકયાં. ” તનયે કહયું “ હા ઇશા. આ મારી બીમારી એવી છે કે મને એમાં જ જીવવામાં આનંદ આવે છે. ડોકટરે મને કહેલું નાનપણની એ ઘટના દસ તારીખે બનેલી એટલે જયાંરે પણ દસ તારીખે માથાને આઘાત લાગે ત્યાંરે થોડો સમય પુરતી મારી માનસીક ઉંમર દસ વર્ષના બાળક જેવી થઇ જાય છે. હું જયાં સુધી ઊંઘુ નહી ત્યાં સુધી મારું મગજ આ જ પરીસ્થીતીમાં સ્થીર રહે છે. મને આ બાળક તરીકેના સમયનું બધું યાદ રહે છે પણ જયાંરે બાળક હોઉ ત્યાંરે આ જીવનનું કશું યાદ નથી હોતું. એટલે જ જાણે હિલસ્ટેશનની તાજી હવા ખાધા પછી જેવા ફ્રેશ થઇ જઇએ એવો હું તાજો થઇ જાવ છું. દરેક વખતે મારી નવી જીંદગી ચાલુ થાય છે. એટલે જ હું દર મહીનાની દસ તારીખે અહી બાળક થઇને જીવવા આવું છું. મોટાઓની દુખી, કાવાદાવા અને અરાજકતાવાળી દુનીયાથી દુર. ” તનયની વાત હજી પુરી થઇ એ પહેલા જ મનોજ પણ ફલેટ સુધી પહોચી જાય છે. પણ દરવાજા પર ઉભો રહી આ વાતો સાંભળતો હતો. તનય એને જોઇ જતા બોલ્યોં “ આવ દોસ્ત, સાંભળી મારી બાળવાર્તા?” મનોજ તનયની નજીક આવીને એની આંખમાં આંખ પરોવી બોલ્યોં “ હા તનય. અને સોરી હું તને કઇક અલગ સમજતો હતો. પણ તનય આ દુનીયા બાળક જેવા ભોળા બનીને જીવવા માટે યોગ્ય નથી. અહી તો આપણે જેટલા હોશીયાર, ચાલાક અને કીમીયાગર એટલા વધારે માણસો સલામ કરે. અને કોઇ કાયમી બાળક બનીને રહી ન શકે . દરેક બાળકને મોટા થવું જ પડે. મારી તને પણ રીકવેસ્ટ છે કે તું આમાંથી બહાર નીકળ. ” તનય હસીને બોલ્યોં “જો મનોજ, આમ બાળસહજ બનવાની જે મોજ છે એતો તું ભોગવે તોજ આ રાજયની ખબર પડે. હું અત્યારે બંને દુનીયામાં જીવું છું. એટલે હું સરખામણી કરી શકું કે કઇ દુનીયા સારી જીવવા લાયક છે. ” મનોજને તો પોતે જે દુનીયામાં જીવે છે એની જ ચીંતા હોય એ સ્વાભાવીક પણ છે. એટલે જ રાતના બે વાગ્યે પણ પોતાની વાતમાં મકકમ રહી એ બોલ્યોં “ બાળજીવનથી જીવનનો નિર્વાહ નથી થતો તનય. જીવનમાં સારી રીતે જીવવા માટે રૂપીયા કમાવા જ પડે. અને રૂપીયા કમાવા બધા કાવાદાવા કરવા જ પડે”. તનય કઇ બોલે એ પહેલા જ ઇશા વચ્ચે બોલી પડી “ મનોજસર, મારી વાતનું ખોટું નહી લગાડતા પણ આ દુનીયાને જોવાની તમારી નજર શુષ્ક છે. અને તનયસરની નજર પ્રેમપુર્ણ છે. જીવનની શરૂઆત જ પ્રેમથી થાય છે. સ્ત્રી પુરૂષનો પ્રેમ. પછી મા અને બાળક વચ્ચેનો પ્રેમ. અને આખી દુનીયા પ્રત્યે પ્રેમ”. મનોજની આંખો હજી પણ સુકી જ હતી, ઇશાની ભીની અને તનયની પ્રેમથી છલકાતી. આખરે તનય બોલ્યોં “ સાંભળો ઇશા અને મનોજ. આજે હવે ઘડીયાલમાં અને મોબાઇલમાં અગીયાર તારીખ થઇ ગઇ છે. મારી આજની જાહેરાત કહું. આજથી કંપનીમાં એંસી ટકા હિસ્સો મનોજનો અને વીસ ટકા મારો. પણ આ હિસ્સાનાં બદલામાં મને મનોજે અને ઇશા તારે કઇક આપવું પડશે. ” ઇશાને આજે આપવાની ઇચ્છા વધારે હતી એટલે એ બોલી “શું આપવાનું?” તનયે ઉભા થઇ બંને હાથ આકાશભણી ઉંચા કરી મસ્ત ફકીરી ભાવે કહયું “પ્રેમ આપજો. આ તો પ્રેમનું રાજય છે. અહી પ્રેમ થકી બધી લેવડ દેવડ થાય છે”.

--ભ્રમીત ભરત