Kamshastra - Manyatao ane hakikato books and stories free download online pdf in Gujarati

કામશાસ્ત્ર - માન્યતાઓ અને હકીકતો

શૃંગાર રસ જેને ‘કામ’ તરીકે આલેખે છે એની છુટ્ટા મોંએ ચર્ચા થતી મેં ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં આજ સુધી ક્યાય સાંભળી નથી. ચર્ચા તો જો કે બધા કરતા હોય છે પણ એ માત્ર અને માત્ર ક્ષણિક આનંદ અને અમુક વાર તો ફક્ત આસક્તિના સંદર્ભમાં જ થાય છે, જેમાં વાત્સાયનના કામશાસ્ત્ર અથવા તો એને લાગતા વળગતા શૃંગાર સાહિત્યનો છાંટોય ના હોય. એક વાત મને અત્યાર સુધી સતત મૂંઝવતી રહી છે કે આપણે ત્યાં ‘કામ’ને સાવ નકામું કે એના વિશેની સમજ અને શિક્ષણને અર્થહીન કેમ ઘોષિત કરવામાં આવે છે? જ્યાં સુધી ગીતાને જાણું છું ત્યાં સુધી યુગપુરુષ શ્રી કૃષ્ણએ પણ મનુષ્ય જીવનને ચાર તબક્કામાં વહેંચી આપ્યું હતું જે કંઈક આવી રીતે હતું,

૧. ધર્મ, ૨. અર્થ, ૩. કામ અને ૪. મોક્ષ

સમજણ વિકસવાની શરૂઆત થાય ત્યારથી માંડીને તરુણાવસ્થા સુધી ધર્મ વિષે અને બની શકે એટલા વિષયાભ્યાસથી સુદ્રઢ જ્ઞાન મેળવવું, ત્યાર પછી બીજા તબક્કામાં એ જ્ઞાનનો અર્થ ઉપાર્જન હેતુ ઉપયોગ કરવો. ત્રીજો તબક્કો કૃષ્ણએ અર્જુનને સમજાવ્યો હતો આપણા વડીલોએ એ ટોપિક કોર્સમાંથી જ રદબાતલ કરી કાઢ્યો છે. ધર્મ, અર્થ પછી કામ ને સ્કીપ કરીને સીધા મોક્ષ મેળવવા માટે ભજન-કીર્તન અને દાન-ધર્મની વાતો થાય અને આવો માત્ર મારો કે તમારો જ નહી, સમગ્ર ભારતખંડના યુથનો અનુભવ છે એમાં કોઈ બેમત નથી. જ્યાં સુધી મીઠી મધુર કેરી ના ખાધી હોય ત્યાં સુધી કડવા કારેલા ખાવા માટે સ્વાદના ત્યાગનું મહત્વ શૂન્ય હોય એ જ રીતે જ્યાં સુધી તમે ભોગ વિલાસ અને કામુકતામાં ન રાચ્યા હોય ત્યાં સુધી મોક્ષ માટે કરવા પડતા ત્યાગનું મહત્વ કેવી રીતે સમજી કે સમજાવી શકો? ‘કામ’ એટલું જ પવિત્ર છે જેટલી ભક્તિ અને પૂજા અર્ચના! પણ આપણા વડીલો કે કહેવાતા ગુરુઓ માત્ર ધર્મની અસ્મિતા જાળવવા ખાતર એક સજીવ ઉત્પન્ન કરવા જેવી પાયસ ક્રિયાની જાહેરમાં ચર્ચા કે શિક્ષણ અંગે ચુપકીદી સેવે એ વાત જરા પચવામાં ભારે પડે છે! એવું નથી હોતું કે એ બધા અજાણ છે કે પછી એવું માને છે કે નવી પેઢી એના વિષે કંઈ જાણતી નથી! એમને અને આપણને બધાયને ખ્યાલ છે કે જે દેશોમાં ‘વિષય’ને યુનીવર્સીટીઓએ કોર્સમાં વિષય તરીકે સમાવિષ્ટ કર્યો છે એનું સૌથી વધારે જ્ઞાન આપણા ભારતમાં છે, પણ એ બધાની ભીતરમાં એક ઉમળકાની માફક દફ્નાયેલું છે. જાહેરમાં કોઈ કામ વિષે વાત કરે ત્યારે ‘શિવ શિવ’ કહીને જે લોકો વાત કરવાવાળાને ઘૃણાસ્પદ નજરે જોવે છે, જાણે કે કોઈનું લાખોનું નુકસાન કરી કાઢ્યું હોય એટલા તિરસ્કૃત ભાવથી એનું નખશીખ નિરીક્ષણ કરી નાખે એવા જ દંભી લોકો અંતરમાં ‘કામ’નો જુવાળ લઈને ફરતા હોય છે. આવા માણસોના ઘણા દાખલા અને પર્સનલ અનુભવોની યાદી બનાવી શકાય એટલું લાંબુ લીસ્ટ છે જે માત્ર દંભ અને હિપોક્રસીને પોષવા માટે જ આવા તરકટ કરતા રહેતા હોય છે.

ભારત દેશની વાત કરીએ તો ખજુરાહોના શિલ્પો અને અજંટા-ઈલોરાની ગુફાઓમાં કામની ઓળખ આપતા સ્કલ્પચર શિલ્પોની લાંબી યાદી ભારતના શિલ્પકારોની અમુલ્ય ભેટ સમાન ગણી શકાય. શું એ આપણો વારસો નથી?શું એના માટે આપણે ગર્વ અનુભવતા નથી? અરે! દેશ વિદેશથી આવતા ધોળિયા આર્કીયોલોજીસ્ટો અને પ્રવાસીઓ તો આવી બેનમુન શિલ્પકળા પર ઓવારી જાય છે. શિલ્પો સાથે ચીપકી ચીપકીને ફોટાઓ લેવડાવે છે. જો કામ એટલું બધું ગલીચ્છ હોત કે પછી એના વિશેની ચર્ચામાત્ર પણ અપવિત્ર ગણાતી હોત તો વાત્સાયન જેવા ઋષિએ કામસૂત્ર નામનો આખો તોતિંગ ગ્રંથ લખ્યો જ ના હોત! દેવોમાં પણ આપણે કંદર્પ એટલે કે કામદેવની મહત્તા સાંભળતા આવ્યા છીએ તો શું એ બધું અર્થહીન છે? અને એ પણ માત્ર આપણા દંભને પોષવા માટે? જો તમારા ધ્યાનમાં ના આવ્યું હોય તો, કોઈ પણ તરુણાવસ્થા વટાવી ગયેલા છોકરાને એના મમ્મી પપ્પા કે અન્ય કોઈ દ્વારા સેક્સ કે એને લગતું ઓફિસિયલ શિક્ષણ આપવામાં આવતું નથી, તેમ છતાં લગ્નને બે-એક વર્ષ થાય ત્યારે દાદા-દાદી કહેવા માંડે, “બસ હવે અમારા પોઈરાના પોઈરાને ઘેર ટેણિયું રમતું થાય ન્યા લગન ઉપરવાળો જીવડાવે એટલું જ બસ”! આ કેવો વિરોધાભાસ! એક તો તમારે કામ અંગેની કંઈ જ જાગૃતિ આપવી નથી અને એનાથી ઉત્પન્ન થવાવાળા સજીવને જોવાની ઈચ્છાઓ રાખો છો? મતલબ કે તમે પણ જાણો છો કે તમારા પોઈરાના પોઈરાને તળિયેથી લઈને ટોચ સુધી બધી સમજણ છે અને તમે એવી આશા પણ રાખો એ જ્ઞાન એનામાં વિકસે! પણ તમે પોતે એની સાથે એ વિષે વાત કરવા નથી માગતા!! આ હિપોક્રસી નથી તો બીજું શું છે? ખરેખર તો મા-બાપ જે રીતે બાળકમાં સારા સંસ્કારોનું સિંચન કરે છે એ જ ઉત્સાહથી ‘કામ’ને લગતી બાબતોની પણ સમાજ આપી શકે એ એક દીવાસ્વપ્ન જેવું પ્રતીત થાય છે. મા-બાપની સંકોચભરી માનસિકતા બાળકને કામ વિષેની અજ્ઞાનતાના ગર્તમાં ધકેલી દે છે એ વાત જગજાહેર છે.

આપણે ત્યાં સેક્સ એજ્યુકેશન માત્ર અને માત્ર ‘એઇડ્સથી કેવી રીતે બચવું?’ આ સવાલના જવાબ પુરતું જ સીમિત છે. બસ બે ચાર દ્વિઅર્થી જાહેરાતો અને પ્રેગનેન્સી અટકાવવાના સાધનોની સમજ! આટલી જ બાઉન્ડ્રી પહેલેથી નક્કી કરેલી છે! આખો પરિવાર સાથે ટીવી જોવા બેઠો હોય અને જો કોઈ કોન્ટ્રેસેપ્ટીવની જાહેરાત આવે તો તો જાણે કે આભ તૂટી પડે! એકાદ બે જણને અચાનક તરસ લાગી જાય કે પછી કામ વગરનું કોઈક કામ યાદ આવી જાય! ગમે તે બહાને બસ આ એડ પતે ત્યાં સુધી જાતને ટીવી સામેથી અલગ રાખવાના પ્રયત્નો ચાલુ થઇ જાય!! તમે બાઈક કે કારમાં જતા હો અને કોઈ ફ્લાય ઓવરની સાઈડમાં લગાવેલા હોર્ડીંગમાં ઇનરવેરથી સુસજ્જ થયેલી કોઈ માદક મોડેલ પોઝ આપીને ઉભી હોય એ જોઈને ભલે તમારા મનમાં કામબાણ ઊંડે સુધી ખુપીને ગલગલીયા કરાવે, પણ ના! તમારે ઘરના સભ્યો સામે દંભ કરવો જ પડે! તમે ભલે આસપાસનું બધું ભૂલીને એની ફેન્ટસી કરવા માગતા હોય પણ તમારે એક સુઘડ અને સુવ્યવસ્થિત નાગરિક તરીકે એને નજરઅંદાજ કરવી એ તમારી મૂળભૂત ફરજમાં આવે!! આવી છીછરી માનસિકતા જ આપણને કામના વૈભવથી વંચિત રાખે છે! ‘કામ’ને માત્ર ચાર દીવાલો અને બે શરીર વચ્ચે થતી એક અસામાન્ય પ્રક્રિયા માણી લઈને આપણે આપણા જ શૃંગારરસના સાહિત્ય સર્જનોની અવહેલના કરીએ છીએ. હજી છોકરાઓ કે પુરુષો આ અંગે વાત કરતા હોય એ પરિસ્થિતિ તો મહામહેનતે હવે થોડીક સામાન્ય બનતી જાય છે પણ જો કોઈ છોકરીઓ કે સ્ત્રીઓનું સમૂહ ‘કામ’ની વાતો કરતા રખેને કોઈ દંભીથી સંભળાઈ જાય તો બીજા જ કલાકમાં તો એમના કહેવાતા પવિત્ર સમાજમાં એમની વાતો થઇ જાય અને અહી એક ‘પુરુષપ્રધાન સમાજ’ જેવી વાહિયાત માનસિકતા છતી થાય. આખું કામશાસ્ત્ર જેને સંદર્ભ લઈને લખવામાં આવ્યું છે એવી સ્ત્રી જ જો એના વિષે વાત ના કરી શકે તો એનાથી વધારે શરમજનક બાબત બીજી કઈ હોઈ શકે?

વાત્સાયનના ગ્રંથનું સર રીચાર્ડ ફ્રાન્સીસ બર્ટને જયારે ૧૮૮૩માં અંગેજી અનુવાદ કર્યું ત્યારે એમની પાસે આટલો બધો સમય વાપરવા પાછળનું કંઈક તો કારણ હશે ને! કામશાસ્ત્રમાં એવું કંઈક તો હશે કે જે અનુવાદ કરવા માટે આકર્ષી રહ્યું હશે! સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ અને ઋગ્વેદ જેવા સાહિત્યવારસા માટે બંને હાથે વખાણ ભેગા કરવામાં લાગી ગયેલો આપણો રૂઢીચુસ્ત સમાજ પાંચમાં વેદસમાન કામવેદની ધરાર અવગણના કરે એ વાત જરા બંધબેસતી નથી. આપણા સમાજનો અમુક ભાગ કામશાસ્ત્રને તાંત્રિક મૈથુન તરીકે જોવે છે અથવા આલેખે છે જે બિલકુલ પાયાવિહીન બાબત છે કારણ કે એ તાંત્રિક મૈથુનને લગતી રૂઢિઓને દુર દુર સુધી સ્પર્શતું નથી. વળી, આપણી તો જનગણનાનો આંકડો જ આપણા કામશાસ્ત્ર વિશેના જ્ઞાનની કાચી ચિટ્ઠી ખોલીને સામે મૂકી દે છે! તો પછી કામને દંભની ચાદર ઓઢાળવી એ કેવું કૃત્ય? મહાભારત આપણા સાહિત્યનો સૌથી જુનો મહાગ્રંથ ગણી શકાય અને વેદ વ્યાસ દ્વારા છેક ત્યારથી કામશાસ્ત્રનો વારસો આપવાનું ચાલુ કરી દેવાયું હતું. પાંચ પાંચ હજાર વર્ષો પછી પણ હજી એને સામાન્ય વ્યક્તિ જાહેરમાં બેખોફ થઈને વાત કરી શકે એટલે સુધી અપનાવવામાં આપણે નિષ્ફળ ગયા એનો ખરેખર તો આપણને વસવસો હોવો જોઈએ! હજીયે આપણે એને એક વલ્ગર ક્રિયા તરીકે જોઈએ છીએ અને ખજુરાહોના શિલ્પો પર ગૌરવ લઈએ છીએ આ બંને વાતો એકબીજાથી તદ્દન વિપરીત છે છતાય એ વિપરીતતા વર્ષોથી આપણે ત્યાં ફોલો થતી આવી છે અને ક્યાં સુધી થતી રહેશે એની કોઈ ચોક્કસ સમય મર્યાદા તો નથી જ.

એક મિનીટ :- “જાહેરમાં જે દિવસે જ્યારે ‘કામ’ને એક પ્રક્રિયા નહી પણ અનહદ આનંદદાયી અનુભવ તરીકે ચર્ચવામાં આવશે તે દિવસે વાત્સાયનને પોતાની એક મહત્વાકાંક્ષા પરિપૂર્ણ થયાની ચીર અનુભૂતિ થશે બસ શરત માત્ર એક જ છે – ‘દંભનું આકાશ છોડી વાસ્તવિકતાની ધરતી પર ઉતરાણ’!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED