Pruthvivallabh - 28 books and stories free download online pdf in Gujarati

પૃથિવીવલ્લભ - 28

પૃથિવીવલ્લભ

કનૈયાલાલ માણેકલાલ મુનશી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૨૮. મધ્યરાત્રિ

નાસી છૂટવાની તકે કે મૃણાલને લઈ જવી છે તેની હોંસે મુંજના મનમાં કાંઈ પણ અસ્વસ્થતા આવી નહિ : અને હંમેશની માફક હાથ પર માથું મૂકી તે નિરાંતે અર્ધનિદ્રામાં પડી રહ્યો.

તેણે ધીમેથી આંખ ઉઘાડી. મધ્યરાત્રિનાં ચોઘડિયાં શરૂ થયાં હોય એમ લાગ્યું.

ચોઘડિયાં બંધ થયાં ને તેના ભોંયરાના બહારના બારણા આગળ પગલાંનો ખડખડાટ થયો, અને તે તરફ તે જોઈ રહ્યો. થોડી પળમાં બધું શાંત થઈ ગયું. તેને અચંબો લાગ્યો કે હજુ મૃણાલ કેમ દેખાઈ નહિ ?

તરત સુરંગમાંથી કંઈ ઠોકવાનો અવાજ આવ્યો. કોઈએ પાંચ વખથ ઠોક્યું; મુંજે ઊભા થઈ એડી વતી તેટલી જ વાર ઠોક્યું. ધીમે રહીને નીચેથી સુરંગનો પથ્થર ઊંચકાયો ને ભોજનું માથું બહાર આવ્યું.

‘કાકા ! તૈયાર છો કે ?’ તેણે ધીમેથી પૂછ્યું.

‘ના. હજુ મૃણાલવતી નથી આવ્યાં -’ આ શબ્દો બહાર નીકળ્યા એટલામાં ભોંયરાનું બારણું એકદમ ખૂલી ગયું અને પાંચ-પંદર જણ મશાલ લઈ ધસી આવ્યા.

મુંજ ફર્યો ને આ માણસો જોઈ ચેતી ગયો.

‘જય મહાકાલ,’ સુરંગ તરફ પૂંઠ કરી તે બોલ્યો; અને પગ વડે ભોજને જતા રહેવાનું સૂચવ્યું. ભોજ તરત જ પથ્થર ખેંચી ચાલતો થયો.

પણ જતાં-જતાં પથ્થર નીચે પડતો દેખાયો ને અકલંકચરિત તે તરફ કૂદ્યો. એક નાયક નીચો પળી પથ્થર પડતો અટકાવવા ગયો, તેની આંગળી વચ્ચે આવી ગઈ એટલે પથ્થર બરોબર ભોંયમાં બેઠો નહિ. પાંચ-સાત સૈનિકો તે પથ્થર ઉપાડવા માંડ્યા.

વીસ-પચીસ સૈનિકો મુંજ પર પડ્યા અને મહામહેનતે તેને બાંધ્યો.

એટલામાં પથ્થર ઊપડ્યો.

‘નાયક ! પેલા હરામખોરની પાછળ પડો અને ઝલાય તો તેને પકડજો કે પૂરો કરજો,’ કુંવરે કહ્યું.

‘પાપી !’ તેણે મુંજ તરફ ફરીને કહ્યું, ‘તારી હાથચાલાકી અહીંયાં પણ જણાવે છે ?’ સૈનિકોને તેણે કહ્યું : ‘જાઓ, મેં તૈયાર કરાવ્યું છે તે ભોંયરામાં આને લઈ જાઓ. એને જવા દીધો તો જીવથી ગયા સમજજો,’ કહી એક મશાલને આગળ કરી, નાગી તલવાર સહિત અકલંકચરિત સુરંગમાં પેઠો.

સૈનિકોએ પૃથિવીવલ્લભને મજબૂત રીતે બાંધ્યો અને ત્યાંથી તેને લઈ જઈ બીજા એક ભોંયરામાં પૂર્યો.

અડધા ઊંઘતા તૈલપરાજને કંઈ અપરિચિત કકળાણ સંભળાયું. તે પથારીમાં બેઠો થયો, બારી ઉઘાડી. જે તરફ મુંજને કેદ કરવામાં આવ્યો હતો તે તરફ મશાલનાં અજવાળાં દેખાયાં અને સૈનિકોના અવાજ સંભળાયા. તેણે કાન ફફડાવ્યા ને રખે મુંજ હાથમાંથી છટકી જાય એવો ડર લાગતાં તલવાર લઈ તે હેઠળ ઊતર્યો. ત્યાં આવતાં એને બધી માહિતી મળી અને જે નવા ભોંયરામાં મુંજને પૂર્યો હતો ત્યાં તે આવી પહોંચ્યો.

તે એક તરફથી આવ્યો અને સામેથી મૃણાલવતી આવતી દેખાઈ. અત્યારે તેના ગુસ્સાનો પાર રહ્યો નહિ. પાદપ્રક્ષાલન વખતે થયેલું અપમાન અને મૃણાલે કરેલો મુંજનો બચાવ તે વીસરી ગયો ન હતો. અને પોતાની બહેન પર તેને અવિશ્વાસ અને દ્વેષ આવ્યાં હતાં. છૂપા જાસૂસ મારફત તેણે એમ પણ જાણ્યું હતું કે મૃણાલ ઘણી વખત મુંજને મળવા જાય છે.

તેને અત્યારે લાગ્યું કે અણજાણી રીતે મૃણાલ જ મુંજને નસાડવાનો પ્રયત્ન કરી રહી હતી - અને તે કારણસર જ અહીંયાં આવી હતી. તૈલપના ક્રોધનો પાર રહ્યો નહિ - મા સમી બહેન માટે માન અને સ્નેહ હતાં તે ઓસરી ગયાં.

‘તમે કેમ આવ્યાં છો ?’ તેણે સખ્તાઈથી પૂછ્યું. આવી અપરિચિત રીતે તૈલપને તેને સંબોધતો જોઈ તેણે પણ ગુસ્સામાં ઊંચું જોયું. પણ તેનું મન ચોર હતું; અને અત્યારે તૈલપને અહીંયાં જોઈ તેનાં હાંજાં ગગડી ગયાં.

‘મુંજને મળવા,’ તેણે મહામહેનતે કહ્યું.

‘અત્યારે નહિ મળાય, ચાલ્યાં જાઓ. કેદીઓને મળવાનો આ સમય નથી.’

મૃણાલ માનભંગ થઈ. આ અપમાનથી તેની આંખમાં ઝેર આવ્યું.

‘શું કહે છે ?’ તેણે ગૌરવથી પૂછ્યું.

‘જે કહું છું તે બરાબર કહું છું.’

મૃણાલે જોયું કે તૈલપ અત્યારે ગુસ્સાથી બેભાન થઈ રહ્યો હતો. અને સૈનિકોની વચ્ચે જીભાજોડી કરવી તેમાં શોભા રહે એમ નહોતું.

‘ઠીક, મને સવારે મળજે.’

‘વારુ,’ તિરસ્કારથી તૈલપે કહ્યું.

મૃણાલ ત્યાંથી ચાલી ગઈ. તેને પોતાના કર્તવ્યનો પશ્ચાત્તાપ શરૂ થયો.

તે ગઈ એટલે તૈલપ બારણું ઉઘડાવી, મશાલચીને લઈ અંદર ગયો. હાથપગ બાંધેલો મુંજ ભોંય પર પડ્યો હતો.

‘કેમ મુંજ ! કેમ છે ?’ તિરસ્કારથી ગુસ્સામાં તૈલપે પૂછ્યું.

‘આનંદમાં.’ હસીને મુંજે જવાબ દીધો.

‘અવંતી નાસી જવું હતું, કેમ ?’

‘એમાં તારી રજાની જરૂર નહોતી.’

‘ત્યારે કેમ રહી ગયો ?’

‘મને કોઈએ રાખ્યો નથી - મારે હાથે જ રહ્યો. મેં એવો રસ્તો લીધો કે હું રહી ગયો.’

તૈલપ સમજ્યો નહિ. ‘ઠીક પાપી ! હવે તારો ઘડો ભરાઈ રહ્યો. હવે તને હાથીના પગે કરાવું છું, જોઈ લે.’

મુંજ તિરસ્કારભર્યું હસ્યો : ‘એ ધમકી તો સાંભળી-સાંભળી મને કંટાળો આવ્યો.’

તૈલપને લાગ્યું કે ઊભેલા સૈનિકોના દેખતાં પોતે માનભંગ થતો હતો, એટલે તેણે ટૂંકું પતાવ્યું :

‘હવે બહુ કંટાળો નહિ આવે. સૈનિકો, આ પાપીને બરોબર સાચવજો, નહિ તો જીવતાં ખોળ ઉતરાવીશ,’ કહી તે પાછો ફર્યો.

મુંજનો મશ્કરી કરતો અવાજ આવ્યો :

‘વધ ભલે કરાવજે, પણ મારા શિરને શોભે એવો કરાવજે.’

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED