પૃથિવીવલ્લભ - 3 Kanaiyalal Munshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પૃથિવીવલ્લભ - 3

પૃથિવીવલ્લભ

કનૈયાલાલ માણેકલાલ મુનશી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૩. મૃણાલવતી

મૃણાલવતી જક્કલાદેવી જોડે મહેલમાં ગઈ અને આવતીકાલની સવારી માટે તૈયારી કરવા હુકમ આપવા લાગી.

મૃણાલવતી હાલ છેંતાળીશ વર્ષની હતી અને ત્રીસ વર્ષ પહેલાં તેના પિતનું મૃત્યુ થવાથી તે સંસારથી પરવારી ગઈ હતી. તૈલપ તેનાથી પાંચ-સાત વર્ષ નાનો હતો; અને મા મરી ગયેલી હોવાથી મોટી બહેનની પ્રીતિ ભાઈ ઉપર ચોંટી. તૈલપને ઉછેરવો, કેળવવો, શસ્ત્ર અને રાજ્યકળામાં પાવરધો બનાવવો અને તેને પાણી ચઢાવી શૂરવીર બનાવવો એ કાર્યમાં તે મચી રહી.

થોડે વર્ષે તૈલપ ગાદીએ આવ્યો, એટલે મૃણાલે રાજ્યકારભારમાં પણ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવા માંડ્યો. તૈલપ રાજ્યકારભારમાં પણ તેના જેટલો બાહોશ નહોતો, એટલે થોડા વખતમાં તૈલંગણના રાજ્યની બધી સત્તા તેણે હાથ કરી. તૈલપ રાજ્ય ચલાવતો, વિગ્રહો આદરતો, દેશપરદેશ પોતાની આણ વર્તાવતો; પણ મૃણાલ આગળ નાનો ભાઈ જ બની જતો. બહેનનો શબ્દ તે ઉથાપતો નહિ. તેની બુદ્ધિથી જ તે રાજ્ય ચલાવતો; તેના ઉત્સાહે જ સમરાંગણો ખેડતો.

મૃણાલનો સ્વભાવ નાનપણમાં હેતાળ અને રસિક હતો. જેમ-જેમ જુવાની ખીલવા લાગી તેમ તેમ તેના અંતરમાં કંઈ ન સમજાય એવી ઊર્મિઓ આવવા લાગી. કેટલીક ઊર્મિઓ, તે વિધવા હતી તેથી સંતોષાય એવી નહોતી; કેટલીક સર્વોપરી રાજ્યસત્તા તેના હાથમાં હતી તેથી ઊભી થવા દેવાય એમ નહોતી; કેટલીક તૈલપનું ચારિત્ર્ય શુદ્ધ અને સીધું બને તેથી દબાવી દેવી પડતી. પરિણામે, મૃણાલને વૈરાગ્ય-જીવનનો શોખ લાગ્યો.

તેણે ધીમે-ધીમે પોતાની સુખ કે દુઃખ અનુભવવાની કોમળતા સૂકવી નાંખી; આર્દ્રતા ને કરુણતાને જડમૂળથી ઉખેડી નાંખ્યાં. આ બધું કરતાં તેને ભયંકર તપ આદરવું પડ્યું, તે તપે તેના હૃદયને શુષ્ક, ને તેની નિશ્ચયાત્મક બુદ્ધિને નિશ્ચલ બનાવ્યાં.

તેનું ચારિત્ર્ય બદલાતાં, સંસાર તરફ પણ તેનું દૃષ્ટિબિન્દુ બદલાયું. તેણે સુખદુઃખના કીચડમાં બધા સંસારને ટળવળતો દીઠો; અને સખત વૈરાગ્ય વિના તેનો ઉદ્ધાર નથી, એમ તેને ખાતરી થવા લાગી. રાજ્યમાં તેની સત્તા સર્વમાન્ય હતી અને તે સત્તાનો ઉપયોગ પ્રજાના ઉદ્ધાર માટે ન કરવો એ તેને મોટું પાપ લાગ્યું. જે રીતે તેણે પોતાની ઊર્મિઓ વશ કરી હતી, જે રીતે પોતાનું અશાંત હૃદય સ્વસ્થ અને કઠણ બનાવ્યું હતું, તે રીતે પ્રજાજીવનમાં ઊછળી રહેલી ઊર્મિઓ, આનંદ અને કુમાશને વશ કરવાના તેણે પ્રયત્નો આરંભ્યા.

આ રાજ્યનીતિને અનુસરીને તેણે શાસનો પર શાસનો કાઢ્યાં. તેણે કવિઓ, નટો અને ગાયકોને દેશપાર કર્યા; આનંદોત્સવો બંધ કર્યા; જાહેરમાં થતા કલ્પાંત પર અંકુશ મૂક્યો. ગામમાં, રાજમહેલમાં સખ્તાઈ અને સ્વસ્થતા પ્રસરી રહ્યાં, દરેક પ્રકારનો સંબંધ શુષ્ક, નિયમિત અને નિષ્કલંક થતો ગયો. પ્રેમ, ઉત્સાહ, આનંદ એ બધા મોટા ગુના હોય એવું કંઈ વાતાવરણ પ્રસરવા લાગ્યું.

જાહેરમાં, પ્રેમીઓ સહધર્મચારીઓ જ બની રહ્યાં; આનંદમગ્ન કુટુંબીઓ એક યંત્રનાં ચક્રો થઈ રહ્યાં; ઉત્સવપ્રસંગો શુષ્ક નિયમે નીરસ થઈ રહ્યા. તત્ત્વજ્ઞાનીઓ અને તપસ્વીઓએ કવિઓનું સ્થાન લીધું. નીતિ અને નિયમના તાપમાં પ્રજાજીવનમાં રહેલી આર્દ્રતા શોષાઈ ગઈ. સ્નેહ, આનંદ અને ઉત્સાહના લહાવા લોકો ખૂણે ભરાઈ રાજ્યસત્તાથી ડરી, કોઈ ન જાણે એમ લેવા લાગ્યા.

જ્યારે તૈલપરાજનો પુત્ર સત્યાશ્રય બાલવયમાં આવ્યો ત્યારે તેની પણ કેળવણી મૃણાલવતીએ હાથમાં લીધી; અને ધીમે-ધીમે સત્યાશ્રય પણ ફોઈના આદર્શ પ્રમાણે પોતાનું ચારિત્ર્ય ખીલવવા લાગ્યો.

આ સખત જીવનનું પરિણામ ઘણું સારું આવ્યું. તૈલંગણ દેશના યોદ્ધાઓ સખત, દૃઢ અને ભયંકર થતા ગયા; અને તૈલપરાજે સહેલાઈથી દિગ્વિજયો કરવા માંડ્યા. આ દિગ્વિજયનો પહેલો ભોગ સ્યૂનદેશ થઈ પડ્યો. ભિલ્લમરાજે રાખેલી ટેક તેણે છોડી. રણમાં પડવા તેણે ઘણાં ફાંફાં માર્યાં, પણ તેની આવરદાની દોરી લાંબી નીકળી. તેને કેદ કરી માન્યખેટ લઈ જવામાં આવ્યો; પણ તેને મારી નાખવાના ઇરાદામાં તૈલપ સફળ થયો નહિ. મૃણાલે ભિલ્લમનો પક્ષ લીધો, તેને મરતો બચાવ્યો, તેનું રાજપાટ પાછું અપાવ્યું, તેની એકની એક છોકરી જોડે સત્યાશ્રયનું વેવિશાળ કર્યું. પણ આ મહેરબાનીની તેને ભારે કિંમત આપવી પડી. તેને સહકુટુંબ માન્યખેટમાં રહેવું પડ્યું : તૈલપના મહાસામંત થઈ તેની કીર્તિમાં વધારો કરવો પડ્યો; અને વિલાસવતીને નિષ્કલંક જીવનના પાઠ પઢવા મૃણાલવતીને સોંપવી પડી.

વૈરાગ્યના આદર્શો સિદ્ધ કરતી વિમલ, સખત અને નિશ્ચલ નિયમોને પોતાના અને પારકા જીવનમાં પ્રેરતી મૃણાલવતી તૈલંગણની અધિષ્ઠાત્રી દેવી હતી. આવા નિદ્‌ર્વંદ્વ બની રહેલા હૃદયમાં પણ એક ભાવ માટે સ્થાન હતું - અને તે ભાવ તેના ભાઈની કીર્તિ. બાલપણથી તેણે તૈલપને પાણી ચઢાવવા એવા પ્રયત્નો કર્યા હતા, અને તે પ્રયત્નોથી તૈલપે એવી કીર્તિ મેળવી હતી કે તે કીર્તિ તે પોતાની સમજતી; અને તે કીર્તિ આડે આવનારને છૂંદી નાખવામાં તે પોતાની પ્રભાવશાળી નિશ્ચયાત્મક બુદ્ધિનો ઉપયોગ કરતી.

મુંજરાજ તૈલપની કીર્તિનો રાહુ હતો; પંદર-સોળ વાર તેણે તૈલંગણરાજને ધૂળ ચાટતો કર્યો હતો. અને ઘણી વખત તેની ખંડણી આપી પોતાનું રાજ્ય નિરાંતે ભોગવવાની તૈલપની ઇચ્છા થઈ આવતી. પણ આ ઇચ્છાના અંકુરો મૃણાલના અચલ નિશ્ચય આગળ ફૂટતાં જ કરમાઈ જતાં. ખરું જોતાં મુંજ અને તૈલપના વિગ્રહમાં મુંજ અને મૃણાલની પ્રબળ ઇચ્છાશક્તિઓનું દારુણ દ્વંદ્વયુદ્ધ જ થતું હતું.

આખરે મૃણાલ જીતી - મુંજ હાર્યો. આ વિચાર કરતાં મૃણાલના શુષ્ક, વૈરાગ્યવિલાસી હૃદયમાં, નિર્જન રણમાં ઠંડો મીઠો વાયુ વાય તેમ સંતોષ અને ગર્વનો સંચાર થયો. મુંજ ભરતખંડમાં પૃથિવીવલ્લભને નામે પંકાતો હતો. તે પૃથિવીવલ્લભને પણ દાસાનુદાસ બનાવ્યો હતો. આથી વધારે સંતોષનું કારણ શું હોય ?

જક્કલાદેવી સાથે મૃણાલ મહેલમાં પાછી ગઈ ત્યારે તેના હૃદયમાં આવા વિચારો અસ્પષ્ટરૂપે આવ્યા. મહેલમાં જઈ તેણે સવારીની તૈયારીઓ કરવાના હુકમ કાઢ્યા; અને શહેરમાં સામાન્ય નિયમો તોડી કેવી રીતે ધામધૂમ કરવી તેની યોજના કરવા આગેવાન નગરજનોને તેડી મંગાવ્યા.

એટલી વારમાં ભિલ્લમ, લક્ષ્મીદેવી ને વિલાસ આવી પહોંચ્યાં. ભિલ્લમના મુખ પર ખિન્નતા હતી. લક્ષ્મીદેવીના મુખ પર અદૃષ્ટ તિરસ્કાર હતો. વિલાસ તેવી ને તેવી જ શાંત ને મીઠી હતી.

‘બા !’ ભિલ્લમે પૂછ્યું, ‘બધી તૈયારીઓ કરવાનો હુકમ આપ્યો ?’

‘કેમ ?’ જરા સખ્તાઈથી મૃણાલે પૂછ્યું.

‘આપણે પૃથિવીવલ્લભને લઈ આવ્યા છીએ. તૈયારીઓ તેને યોગ્ય કરવી જોઈએ.’

એક પળવાર મૃણાલની તેજસ્વી આંખોમાં તીક્ષ્ણતા આવી. ‘મહાસામંત !’ શાંતિથી તેણે કહ્યું, ‘હવે પૃથિવીએ વલ્લભ બદલ્યો.’

‘તો એ ઉત્સવ પણ આપણે ઊજવવો જોઈએ.’ ભિલ્લમે હસીને કહ્યું.

‘તમને લોકોને જ્યાંત્યાંથી કંઈ મજા જોઈએ. તમારામાં સદબુદ્ધિ ક્યારે આવશે ?’

‘બા ! આ પ્રસંગ કાંઈ જેવોતેવો નથી.’ ભિલ્લમે હિંમતથી કહ્યું.

ભિલ્લમની આમ બોલવાની રીતથી મૃણાલે અજાયબ થઈ ઊંચું જોયું. તેણે આવો વિજય મેળવ્યો તે વિચાર કરી તેણે તિરસ્કારપૂર્વક ગરગુજર કરી અને પૂછ્યું : ‘કેમ ?’

‘મુંજ જેવો નર આખી પૃથિવીમાં સો વર્ષે એક પાકે, હજાર વર્ષે, નજરે ચઢે; પણ દસ હજાર વર્ષે પણ આમ પકડાઈ આવતો ભાળીએ નહિ.’

તિરસ્કારભર્યા, શાંત, સ્થિર નયને મૃણાલ આ પ્રશંસા સાંભળી રહી.

‘તમે આજ ઘણા અસ્વસ્થ થઈ ગયા છો,’ ખંજરની સચોટતાથી મૃણાલ બોલી.

બીજી વખત ભિલ્લમ મૂંગો થઈ જાત; પણ પોતે મેળવેલા વિજય અને લક્ષ્મીદેવીના સખત વચને તેનામાં બેહદ હિંમત પ્રેરી હતી. તેણે કહ્યું : ‘શા માટે નહિ ? ચોરાશી ભવમાં ભાગ્યે જ આવો નર એકલે હાથે હરાવવાનું ભાગ્ય મળે.’

‘મહાસામંત !’ તિરસ્કારતી હસી મૃણાલે કહ્યું, ‘અહંતા એ બધાં પાપનું મૂળ છે.’ તેનો અવાજ સિંહણના જેવો વિકરાળ થઈ ગયો; અને ભિલ્લમના બહાદુર હૃદયમાં પણ બીક પેઠી.

‘બા ! પણ તમારે એક વાનું તો કરવું પડશે.’

‘શું ?’

‘કાલે સવારી જોવા આવવું પડશે.’

‘હું ?’ પોતે સામાન્ય મનુષ્યજાતિથી ઊંચી ભૂમિકાએ પહોંચી હોય તેમ પૂછ્યું.

‘હા. કાલ જેવો પ્રસંગ ભવોભવ નહિ આવે. મુંજ પકડાયો તેનો જશ તમને છે; એટલે તમારે તો આવવું જ જોઈએ.’

‘નયનો સંતોષવાનું પ્રાયશ્ચિત્ત મારે કેટલું કરવું પડે ?’ જરાક હસીને મૃણાલે કહ્યું.

‘તમે ક્યાં તમારી જિજ્ઞાસા સંતોષવા આવવાનાં છો ? એથી તો માત્ર લોકોને સંતોષ મળશે.’

‘ભિલ્લમરાજ ! પાપ કરવું ને કરાવવું તે વચ્ચે હું કંઈ ભેદ જોતી નથી. છતાં ઠીક છે; હું રાત્રે વિચાર કરીશ.’

‘આ વિલાસને પણ સવારી જોવી છે.’

મૃણાલની ભ્રૂકુટિ સંકોચાઈ. ‘મહાસામંત ! તમે એ છોકરીને બગાડવાના છો.’ વિલાસ તરફ ફરી તેણે સખ્તાઈથી ઉમેર્યું, ‘તેં સવારી નથી જોઈ ? લશ્કર નથી જોયું ? તૈલપરાજ નથી જોયો ? એ બધાંને જોવાની આટલી હોંશ !’

‘પણ એ બિચારી મુંજને ક્યારે જોશે ?’ ભિલ્લમે કહ્યું.

‘મુંજમાં જોવાનું છે શું ? એ જ હાડકાંનો માળો, એ જ ચામડું, એ જ નરકની બનેલી દહે.’ કમકમાં આવે એવા તિરસ્કારથી મૃણાલે કહ્યું.

ભિલ્લમ હસ્યો : ‘બા ! પણ આ હાડકાંનો માળો કંઈ ન્યારો જ છે.’

‘કેમ ?

‘એના જેવું રૂપ મેં બીજું જોયું નથી.’

‘રૂપ ! રૂપ ! આ શું ગાંડાં કાઢો છો ? સીધા ને ચીબા નાકમાં શો ફેર ? ઝીણી ને મોટી આંખમાં શો ફેર ? આખરે બધાં બળીને ખાખ થવાનાં. મુંજમાં રૂપ હોય તેથી બળતાં થોડી વાર લાગવાની ?’

‘બા ! તમે જોજો પછી વાત. હું કવિ નથી -’

‘સારું છે; નહિ તો દેશનિકાલ કરવા પડત.’ મૃણાલે હસીને કહ્યું.

‘પણ નહિ હોય તેને પણ -’

‘મહાસામંત ! હવે ઘણું થયું.’

‘જેવી આજ્ઞા, પણ વિલાસ -’

મૃણાલના મુખ પર પાછી સખ્તાઈ આવી.

‘વિલાસ ! હું જોવા આવીશ, તો એને પણ લાવીશ. થયું ?’ કહી જરા તોછડાઈથી મૃણાલ ત્યાંથી ચાલી ગઈ.

ભિલ્લમરાજ પોતાની સ્ત્રી તરફ ફર્યો : ‘દેવી ! કાલે વિલાસને સવારી જોવા આવવા દેશે.’

‘કેમ જાણ્યું ?’

‘મૃણાલબા આવ્યા વિના નહિ રહે.’

‘બાપુ !’ વિલાસે પૂછ્યું, ‘મુંજ કવિ છે ?’

‘કવિઓનો પણ કવિ છે, એમ લોકવાયકા છે. એના લશ્કર સાથે પણ કવિઓ છે.’

‘બા ! કવિઓને લોકો કેમ ધિક્કારતા હશે ?’ વિલાસે લક્ષ્મીદેવીને પૂછ્યું. લક્ષ્મીદેવીનો ગુસ્સો હજુ ઊતર્યો નહોતો.

‘પૂછ તારા બાપુને. તે રાજા હતા ત્યારે ઘણા કવિઓ રાખતા.’

ભિલ્લમે નિસાસો મૂક્યો : ‘હું તને દેખાડીશ; કાલે ઘણા આવશે. જા બેટા ! મૃણાલબા ગુસ્સે થશે.’

વિલાસે પણ નિસાસો મૂક્યો; અને ત્યાંથી ચાલી ગઈ.

ભિલ્લમ લક્ષ્મીદેવી તરફ ફર્યો : ‘દેવી ! શા માટે બળતાને બાળો છો ?’

લક્ષ્મીએ પાસે આવી ભિલ્લમના ખભા પર હાથ મૂક્યો અને સ્નેહપૂર્વક કહ્યું : ‘મહારાજ ! એટલું જ દેખાડવા કે તમે અત્યારે પૃથિવીવલ્લભના પણ વલ્લભ થાય તોપણ પરાધીન તે પરાધીન.’

‘બે વખત વધુ કહી સંભળાવે હું ઓછો પરાધીન થવાનો હતો ?’

‘ના, પણ એથી મહારાજ મટી મહાસામંત નહિ થઈ રહો. આ દીકરી પરણી જાય કે પછી તમારે આ પરાધીનતા છોડવાની છે.’ ઘણી જ ધીમેથી લક્ષ્મીદેવીએ કહ્યું, અને બંને જણાંએ મૂંગાં-મૂંગાં ત્યાંથી ચાલવા માંડ્યું.

મૃણાલવતી નાહી-ધોઈ, સ્નાન કરવા બેઠી, છતાં ચિત્તને સ્થિર થતાં વાર લાગી. તેને પોતાના પર તિરસ્કાર આવ્યો. પોતે પણ બીજા નિર્માલ્ય પ્રાણીની માફક આ વિજયથી અસ્વસ્થ બની ગઈ. આખરે તેણે મહાપ્રયત્ને ધ્યાન કર્યું.

ધ્યાન કરી રહીને તે વિચાર કરવા બેઠી કે, કાલે સવારે જોવા જવું કે નહિ. પોતે પણ સામાન્ય નરનારીની માફક આવે પ્રસંગે આનંદ પામી જોવા નીકળે ? શું તેને જોવાનો શોખ લાગ્યો ? થોડી વારે તેને ખાતરી થઈ કે માત્ર સવારી જોવાનું મન તો તેને નથી જ.

ત્યારે શું મુંજને જોવાનું મન થતું હતું ? તેના ભાઈના ગૌરવના દુશ્મન, આર્યાવર્તમાં અપર્તિમ ગણઆતા નરેશને જોવાનું મન બધાંને હોય; પણ તેને શા માટે થાય ? તેના વિરાગી હૃદયને એવું તે કંઈ લાગે ? તે હસી. પોતે આવી ક્ષુદ્રતા તો ક્યારની છોડી દીધી હતી.

ત્યારે શા માટે તે જોવા જાય ? તરત પ્રેરણા થઈ - કારણ સમજાયું : તે પોતે આ દેશના રાજ્યકાર્યભારની વિધાત્રી હતી; તે આવે પ્રસંગે અદૃષ્ટ રહે તો વિધાત્રીના ધર્મથી ભ્રષ્ટ થાય.

આ કારણ ખરું છે કે ખોટું તે વિશે તેણે લાંબો વખત વિચાર કર્યો અને આખરે તે કારણ શુદ્ધ છે એવા નિર્ણય પર આવી, તેણે સવારી જોવાનું નક્કી કર્યું.