પૃથિવીવલ્લભ
કનૈયાલાલ માણેકલાલ મુનશી
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.
MatruBharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
૨૯. કાવતરાબાજોની ખોળ
ગુનેગારનો દંડ કરવા તલસી રહેલો કુંવર સુરંગમાં ઝનૂનભર્યો દોડ્યો. તેની રગેરગ વિનાશ કરવાની લાલસાથી ધ્રૂજી રહી હતી.
થોડી વારે પવન વાયો, મશાલની જ્વાલા નાચી ઊઠી અને સુરંગનું બારણું આવ્યું. સુરંગનું મુખ મહાસામંતની વાડીમાં પડતું હતું, અને તેમાંથી બહાર પડતાં કોઈ નજરે ચડ્યું નહિ.
કુંવરે જોયું કે પાસે મશાલચી હતો એટલે પોતે અંધારામાં તરત દેખાતો હતો; અને તેની આસપાસ પ્રસરેલા ઉજાસથી તેની આંખ અંધકારમાં બરાબર જોઈ શકતી નહોતી. તેણે મશાલચીને મશાલ હોલવી નાખવાનું કહ્યું.
એટલામાં સુરંગમાં થઈ તેની પાછળ આઠ-દસ સૈનિકો આવી લાગ્યા અને તેમને જુદી-જુદી દિશામાં તેણે ખોળ કરવા મોકલ્યા. તે પોતે મહાસામંતના મહેલ તરફ ગયો.
ઓઠલા પર લક્ષ્મીદેવી ઊભી હતી. કુંવર ત્યાં ઊભો રહ્યો.
‘દેવી ! અહીંયાથી કોઈને નાસતા જોયા ?’
‘કોણ ? કુંવર ?’ ન સમજાય એવા તિરસ્કારથી લક્ષ્મીદેવીએ કહ્યું,
‘તમે ક્યાંથી અહીંયાં ?’
‘કોઈને જતાં જોયો ? અહીંયાંથી હરામખોરો હમણાં ગયા.’
‘આ તમારી જોડે પેલી તરફ હતા તે ?’ લક્ષ્મીદેવીએ નિર્દોષતાથી સવાલ કર્યો.
‘ના, બીજા.’
‘મહારાજ ! મહારાજ ! આ કોઈ ચાલ્યું,’ એક સૈનિકે ચીસ પાડી.
અકલંકચરિત કૂદ્યો. દૂરથી અંધકારમાં કોઈને મહાદેવના મંદિર તરફ દોડતો જોયો. દોડનારના ખભા પર કંઈ હોય તેવું લાગતું હતું.
કોઈ એના પગ નીચે છૂંદાયો - છૂંદાનારે ચીસ પાડી. અકલંકચરિત અટક્યો ને નીચો વળ્યો. તેને સાદ પરિચિત લાગ્યો.
‘કોણ નરસિંહ ?’ તેણે ચમકીને પૂછ્યું.
ભોંય પર પડી રહેલા સૈનિકે ડચકિયાં ખાતે અવાજે કહ્યું : ‘હા, મહારાજ ! ગયો વિલાસબાને લઈને - પેલા મંદિરમાં - ઓ - મને માર્યો - ઓ -’
કુંવર મરતા સૈનિકની છેલ્લી વાચા સાંભળવા ઊભો રહ્યો નહિ. સૈનિકના થોડા શબ્દોએ તેને ઘણી સમજ પાડી હતી. વિલાસને લઈ જનાર રસનિધિ હોવો જોઈએ ને મુંજને છોડાવવાનું કાવતરું પણ તેણે જ કરેલું હોવું જોઈએ. તેને એમ પણ ખબર હતી કે મહાદેવના મંદિરમાં થઈ ગામ બહાર જવાનો છૂપો રસ્તો છે. અને તે વાટે જ રસનિધિ નાસવા જતો હતો એમ એને ખાતરી થઈ.
અકલંકના પગમાં ને હાથમાં હજારગણું જોર આવ્યું. બે પળમાં તે મંદિરે પહોંચ્યો. ત્યાં ચારે તરફ નજર ફેંકી પણ ત્યાં કોઈ હતું નહિ. અહીંયાંથી જવાની સુરંગનું મુખ ક્યાં હતું તેની તેને ચોક્કસ ખબર નહોતી; પણ ધ્યાનપૂર્વક જોતાં તેને પોઠિયો વાંકો લાગ્યો. તેણે જોરથી પોઠિયાને હઠાવ્યો. પોઠિયો કોઈએ માત્ર એમનો એમ જ મૂકી છોડ્યો હતો. તે ખસતાં સુરંગનું મોં હાથ લાગ્યું. ત્યાંથી ભોંયરામાં જવાનો પથ્થરનાં પગથિયાંનો રસ્તો હતો.
લાંબો વિચાર કર્યા વિના તે દોડતો સુરંગમાં પેઠો. તેને રસનિધિ તરફ અણગમો તો હતો જ, તેમાં તેણે રાજદ્રોહનો ગુનો કર્યો. વળી તે તેની સ્ત્રીને ઉપાડી જતો હતો. તૈલપની ક્રૂરતા ને મૃણાલની સખ્તાઈ એ બંને લક્ષણોવાળું લોહી અને શુષ્ક નિયમોએ આપેલી કેળવણી : એ બેના મિશ્રણથી બનેલો તેનો ભયંકર સ્વભાવ અત્યારે બીજું કંઈ જુએ એમ નહોતું. એને તો રસનિધિના લોહીમાં પોતાનું ખડગ રગદોળવું હતું.
અંધારામાં અથડાતો, કુટાતો, ઠોકર ખાતો તે ઝપાટાભેર આગળ વધ્યો. ચારેગમના જીવલેણ અંધકારમાં માત્ર પગના કે હાથના ટેકાથી માર્ગ મળતો હતો.
થોડે દૂર જતાં તેને કાને અવાજ સંભળાયો - કોઈ ધીમે-ધીમે અથડાતું આગળ વધતું હતું. તેના હર્ષનો પાર રહ્યો નહિ. તે જોસભેર આગળ વધ્યો.
એકદમ તેનું શરીર ભીંત સાથે અથડાયું. રસ્તો સાંકડો થઈ ગયો. માત્ર એક જ માણસ સીધું-સીધું જઈ શકે એટલો સાંકડો રસ્તો થઈ ગયો. આડું કે પાછું ફરવું મુશ્કેલ થઈ પડ્યું. પણ આગળ જતા માણસની મુશ્કેલી વધારે હોય એમ જણાયું. કુંવર નાગી તલવાર સીધી રાખી આગળ વધ્યો.
આ સાંકડા રસ્તામાં રસનિધિનું કામ કઠણ થઈ પડ્યું. વિલાસ બેભાન થઈ ગઈ હતી; અને રસ્તામાં તેને ખાંધે લેવાય એમ નહોતું, છતાં તેને પળમાં ઊંચકી, પળમાં ઘસડી, પળમાં બેભાન છતાં આગળ ધકેલી તે મહામુશ્કેલીએ આગળ વધતો હતો. થોડી વારે તે આગળ વધતો અટક્યો. પાછળ આવતાં પગલાં ઘણાં પાસે આવી લાગ્યાં અને આમ ને આમ ચાલતાં પાછળવાળો તેને સહેલાઈથી વીંધી નાખે એમ હતું. તેણે બેભાન વિલાસને ભીંત સાથે ટેકવી ભોંય પર બેસાડી, અને પાછા ફરી હાથમાં તલવાર દૃઢ કરી પૂછ્યું : ‘કોણ છે ?’
કુંવર ઘણો પાસે આવી ગયો હતો. તે આ સવાલ સાંભળી ચમક્યો, બીજી પળે સાવધ થયો ને ‘તારો કાળ’ કહી તે આગળ આવ્યો. ‘તો હું આ રહ્યો,’ રસનિધિ આગળ વધ્યો.
એક પળમાં બે તલવારો અથડાઈ, તેમાંથી તણખા ખર્યા. પણ ઉગામવા જતાં બંનેની તલવારો ભીંત સાથે અથડાઈ ને તેના કકડા થઈ ગયા.
બંને કુશળ યોદ્ધા હતા. બંનેએ તલવાર જવા દીધી ને એકેક પર તૂટી પડ્યા.
આ કુસ્તી જીવલેણ હતી. એક માણસ જ્યાં માંડમાંડ સીધો ચાલી શકે ત્યાં એ બે જણ તાંડવનૃત્ય ખેલવા લાગ્યા. ભીંતમાં માથાં અથડાતાં, કોણી ને ઘૂંટણ છોલાતાં, હાડકાં પથ્થરમાં ટીચાતાં; છતાં આ બે કટ્ટા વેરી, આ ભયંકર અંધારામાં કારમું લાગે એવું જીવલેણ યુદ્ધ મચાવી રહ્યા.
બંનેએ એકમેકના પ્રાણ લેવાનું નક્કી કર્યું હતું - બંનેની ખાતરી હતી કે વિજય સિવાય આ યુદ્ધમાંથી આ દુનિયામાં રહેવાનો બીજો રસ્તો નથી.
રસનિધિનાં ગાત્ર નાનાં હતાં - અકલંક લાંબો-પહોળો હતો, પણ રસનિધિની રમત ખરા ખેલાડીની હતી; અને જોકે પહેલાં તો કુંવરના ઝનૂની હુમલા આગળ તે પાછો હઠ્યો, પણ ધીમે-ધીમે તેની કળા તેની મદદે આવી. બંને ક્યાં સુધી ઝૂઝ્યા, પણ કોઈએ નમતું આપ્યું નહિ, પણ કુંવરનો શ્વાસ ઘેરાતો હતો અને ચાલાક રસનિધિ વાટ જોઈ માત્ર બચાવ જ કરી રહ્યો હતો.
અકલંક સમજ્યો. શ્વાસ ખૂટે તે પહેલાં દુશ્મનને રામશરણ કરવા તેણે ફાંફાં માર્યાં, પણ કંઈ વળ્યું નહિ. માલવી યોદ્ધો ખેલાડી હતો; થોડી વારમાં તેણે કુંવરને ખૂણામાં ચગદ્યો - બીજી પળે તેના પર ચઢી ગયો.
રસનિધિએ શ્વાસ ખાધો ને પછી બોલ્યો : ‘બોલ પાપી ! કોનો કાળ આવ્યો ?’
કુંવર બોલ્યો નહિ. મરવા કરતાં આ હાર તેને વધારે સાલતી હતી.
‘એવું થાય છે કે હમણાં સાત પેઢીનું વેર લઉં.’
‘લે, હું જીવું કે મરું તેની મને પરવા નથી.’
‘તને આમ મારવામાં તો મારી કીર્તિ ઝાંખે. લોકો કહેશે કે તું કોણ જાણે કેમ મૂઓ.’
‘પૂરો કર,’ તિરસ્કારથી અકલંકે કહ્યું, ‘આ રહ્યું મારું ગળું. દાબી દે. તારા જેવા બાયલાને એ જ શોભે.’
‘અકલંક ! હજી અવંતીના પરમારને બાયલો ઠેરવનાર પૃથિવીમાં પાક્યો નથી. તારું ગુમાન જવા દે. જો તું માન્યખેટનો યુવરાજ છે તો હું
અવંતીનો છું.’
‘કોણ ભોજ ?’
‘હા. તને મારીશ તો ભરયુદ્ધમાં - આમ અંધારામાં ટૂંપો દઈશ નહિ. જા, તેથી જવા દઉં છું, પણ એક શરતે.’
‘શી ?’
‘કંઈ ગરબડ કર્યા વિના અહીંયાંથી આવ્યો તે રસ્તે પાછો ચાલ્યો જા.’
‘એ શરતની શી જરૂર છે ? બીજો રસ્તો ક્યાં છે ? બહારને રસ્તે તો તારા સાથીઓ હશે.’
‘પણ પાછળ પડે તો ?’
કુવંર એક પળ મૂંગો રહ્યો. તેને લાગ્યું કે ફરી આવું યુદ્ધ કરવું અર્થ વગરનું હતું.
‘નહિ પડું.’
‘વચન ?’
‘હા, વચન.’
‘ઠીક.’ કહી ભોજ ઊઠ્યો.
લથડિયાં ખાતો, ધૂળ ખંખેરતો અકલંકચરિત ઊઠ્યો.
‘ચાલવા માંડ.’
‘આ ચાલ્યો,’ કહી જાણે અકંલક નીચો વળ્યો હોય એમ લાગ્યું.
ભોજ હસ્યો : ‘જીત્યો તેની યાદગીરીમાં તલવારના કકડા ળઈ જાય છે શું ?’
કુંવરે જવાબ ન આપ્યો. થોડાં ડગલાં આગળ જતો તે પડી ગયો હોય એમ લાગ્યું. થોડી વાર તે પડી રહ્યો.
ભોજને શંકા થઈ : ‘કેમ ઉઠાયું કે મદદે આવું ?’
અકલંકે જવાબ ન દીધો. થોડી વારે તે ઊઠ્યો ને દોડતો-દોડતો જતો રહ્યો.
તેના દોડવાનાં પગલાં દૂર ગયાં એટલે ભોજે નીચા વળી વિલાસને શોધવા માંડી. તેને લાગ્યું કે લઢતાં-લઢતાં તે અને કુંવર વિલાસને સુવાડી હતી તે જગ્યાની આગળ વધી ગયા હતા. તેણે પાછા ફરી હાથવતી તેની શોધ કરવા માંડી. યુદ્ધના થાકથી તેનું માથું ફરતું હતું ને તેથી આ શોધ જરા કઠણ થઈ પડી. થોડી વારે તેને વિલાસના પગ હાથ લાગ્યા. તેણે તરત તેને કમરમાંથી પકડી, બે હાથે ઊંચકી ઝપાટાબંધ ચાલવા માંડ્યું.
‘વિલાસ ! વહાલી ! એ રાક્ષસના પંજામાંથી છૂટી ખરી.’