Pruthvivallabh - 9 books and stories free download online pdf in Gujarati

પૃથિવીવલ્લભ - 9

પૃથિવીવલ્લભ

કનૈયાલાલ માણેકલાલ મુનશી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૯. પહેલો મેળાપ

મૃણાલવતીના પ્રભાવશાળી સ્વભાવને અપરિચિત એવો ક્ષોભમાત્ર નામનો જ, અસ્પષ્ટ ક્ષોભ - તેના હૃદયને જરાક અસ્વસ્થ બનાવી રહ્યો. તેની હિંમત, તેનો સંસાર તરફનો વિયોગ, મુંજની અધમતા તરફ તેનો તિરસ્કાર તેવાં ને તેવાં જ રહ્યાં - થોડેક અંશે વધ્યાં કહએ તોપણ ચાલે. છતાં તૈલંગણના શત્રુને સામે મોઢે મળવા જતાં તે પોતાની હંમેસની સ્વસ્થતા ખોવા લાગી. એ સ્વસ્થતા જતાં, માત્ર પરિણામ એ જ આવ્યું કે, તેની હિંમત કૃત્રિમ થઈ, તેનો તિરસ્કાર વધારે જુસ્સાભર્યો થયો.

કોઈ બીજા રાજકેદીને મળવા જવાનો વિચાર પણ મૃણાલના મગજમાં આવત નહિ; છતાં મુંજને મળવા જવું એ તેને સ્વાભાવિક લાગ્યું. વર્ષો થયાં મુજંને છૂંદી નાખવો એ તેની મોટામાં મોટી અભિલાષા હતી; વર્ષો થયાં મુંજની અધમતાનું દૃષ્ટાંત તેને પ્રિયમાં પ્રિય હતું. તેને મન તે પોતે સત્યનો વિજયધ્વજ ઉડાવવો એ તેને મહાન કર્તવ્ય લાગ્યું. પૃથિવીના પાપીઓમાં પોતે શ્રેષ્ઠ માનેલા પુરુષને તેની અધમતાનું ભાન કરાવવું એથી બીજી શી વધારે શુદ્ધ અને ધાર્મિક વસ્તુ હોઈ શકે ?

મુંજને જાતે મળવા જતાં તેને એક વિચાર આવ્યો. તેને મળવા જવામાં પોતે કોઈ રીતે કલંકિત તો થતી નથી ? કલંક કેમ હોય ? આવા નરપિશાચને મળવું એમાં પણ કલંક હોય - કેમ નહિ ? શું આટલાં વર્ષોની તપશ્ચર્યા એવી નિરર્થક કે પાપી જોડે વાત કરતાં કલંકિત થવાય ? પોતાના શુદ્ધ હૃદયથી સુરક્ષિત બનેલી તે શા માટે એવો સંશય રાખે ?

ધીમે-ધીમે હોટ પર હોઠ બીડી, પોતાની શુદ્ધિ ને વૈરાગ્યની મહત્તામાં મગરૂર તે અવંતીના નિરાધાર બનેલા નરપતિને તેના કારાગૃહમાં મળવા ગઈ. રખેવાળો મૃણાલબાને જોઈ દિંગ બની ગયા અને ધ્રૂજતે હાથે ભોંયરાનાં બારણાં ખોલી આપ્યાં.

ભોંયરું નાનું હતું, અને પશ્ચિમ દિશા તરફના એક બાકોરામાંથી આવતા તડકાને લીધે તેમાં ઉજાસ હતો.

મુંજ સૂતો હતો. તેણે હાથ માથા નીચે રાખ્યો હતો અને પગની આંટી વાળી હતી. તેના એકએક અંગની અપૂર્વતા નજરે પડતી; સ્નાયુએ સ્નાયુનો ખૂબીદાર મરોડ સ્પષ્ટ થઈ રહ્યો હતો. પ્રચંડ શરીર, અંગોની તેજોમયતા, રંગની નિર્મળતા - આ બધાં સાથે કંઈક ન સમજાય એવું તેના શરીરમાં, તેની સૂવાની છટામાં હતું. ઓરડીનાં અંધકારરૂપી શેષ પર શયન કરતા લક્ષ્મીવર જેવો તે લાગતો.

મૃણાલ બારણામાં પળવાર ઊભી રહી અને મુંજને તીક્ષ્ણ નજરે જોઈ રહી. તેણે ચિંતાતુર, ગર્વભંગથી નિરાધાર બનેલા મુજંને જોવાની આશા રાખી હતી. આટલી અધમતા અનુભવવા છતાં પણ આ નફ્ફટાઈ ધરાવનારને જોઈ મૃણાલનો તિરસ્કાર વધ્યો.

તિરસ્કારમાં તે પાછી જવા વળવા ગઈ અને મુંજ જાગ્યો. ધીમેથી તેની મોટી, સુંદર આંખો તેણે ઉઘાડી, છટાથી માથું ઊંચકયું અને તે ધીમું, મીઠું હસ્યો.

આંખમાં ગભરાટ નહોતો, પણ આનંદ હતો. હાસ્યમાં ક્ષોભ નહોતો, મોહિની હતી.

મૃણાલવતી જતાં-જતાં અટકી. તે જતી રહે તો કાયરપણું દેખાય અને જે કામે આવી હતી તે કરવું રહી જાય. તે ઉપરાંત મુંજના હાસ્યમાં અપમાન સમાયું હોય એવો કંઈક ખ્યાલ તેને આવ્યો એટલે સખ્તાઈથી અને ન્યાયની મૂર્તિ સમી તે ફરી.

મુંજની આંખો ગમ્મતમાં નાચતી; તેના હોઠ હસી રહ્યા, એટલું જ નહિ, પણ તેનું આખું મુખ આકર્ષક, આહ્‌લાદક બની રહ્યું.

‘મૃણાલવતી ! આવ્યાં છો તો જરા ઊભાં તો રહો.’

મુંજના અવાજમાં મૃદુતા હતી, નિખાલસપણું હતું, મૈત્રીભાવ હતો. અનંત સુખનો લહાવો લેતા, સર્વને સ્નેહની નજરે જોતા કોઈ સંતોષી વિરલાનો જ અવાજ આવો હોઈ શકે.

મૃણાલને અવાજની બીજી તો અસર ન થઈ, પણ રખે ને પોતાનો અવાજ બેસૂરો નીકળે એવી બીકે તેણે કંઈ જવાબ દીધો નહિ. માત્ર તે ફરી; અને મુજંને હસતો જોઈ તેના મુખ પર સખ્તાઈ અને ગુસ્સો આવ્યાં.

મૃણાલને બાળપણથી પોતાના પ્રતાપનું ભાન હતું; કારણ કે તેના ભ્રૂભંગે આખો તૈલંગણ દેશ કાંપતો. તે ભ્રૂભંગની હંમેશ થતી ભયંકર અસર મુંજ પર પણ થતી જોવાને તે થોડી વાર અનિમેષ નેત્રે જોઈ રહી.

પણ જવાબમાં મુંજ ફરીને હસ્યો : ‘આવ્યાં છો તો તમારું રૂપ તો જોવા દો. મેં તેનાં વખાણ તો ઘણાં સાંભળ્યાં છે.’

મૃણાલવતીના કાન પર આ શબ્દો પડ્યા, પણ તેનો અર્થ - એક પલવાર - તે સમજી શકી નહિ.

તપસ્વી, પ્રભાવશાળી, નિષ્કલંક અને અસ્પર્શ્ય મૃણાલવતીના રાજ્યમાં આવી નફ્ફટાઈથી કોઈ બોલી શકતું નહિ; અને અત્યારે આ શબ્દો તેને કાને પડે - અને તેને સંબોધાય ?

ગુસ્સામાં તેનું માથું હાલ્યું; તેની આંખો વિકરાળ થી ગઈ.

‘પાપી !’ તેણે કહ્યું, ‘આવી અધમતામાં પણ શું બોલવું તેનું ભાન આવ્યું નથી ?’

‘અધમતા કેવી ?’

‘અધમતા ?’ મૃણાલે તિરસ્કારથી કહ્યું, ‘પૂછ તારી કીર્તિને ! પૂછ તારા કવિઓને ! પૂછ તારી સેનાને !’

મુંજ હસ્યો - આનંદતી, વિષમતા વગર. ‘મારી કીર્તિથી તો તૈલપની તપસ્વિની બહેન અહીંયાં ખેંચાઈ આવી; મારા કવિઓથી મને જોવા આવાવનો તમને મોહ થયો; મારી સેનાના પ્રતાપથી છૂંદાઈ તમે મને પકડવાનો પ્રયત્ન કર્યો.’

‘અને કાલે તું કૂતરાને મોત મરશે.’

‘મુંજ જેવા નરપિતને એથી વધારે કીર્તિકર મરણ ક્યાંથી હોય ?’

મૃણાલ મૂગીં થઈ રહી. જે માણસને પોતાના સત્તા અને પ્રતાપના ભારથી કચડી નાખવા તે આવી હતી, તે ભોંય પર છતાં સિંહાસન પર હોય તેમ, કેદમાં છતાં પોતાના મહેલમાં હોય તેમ નિરાંતે, સ્વસ્થતાથી બેઠો હતો. નિરંકુશ આનંદથી વાત કરતો હતો.

મ-ણાલનો તિરસ્કાર વધ્યો. સામાન્ય માણસો દુઃખમાં અશાંત થતાં હતાં; આ કેવો પાપાચારી હતો કે આ કારાગાર પણ તેની શાંતિનો ભંગ કરતું નહોતું !

‘રાક્ષસ ! તું જાણે છે કે તેં શાં શાં પાપ કર્યાં છે ?’

‘મારે મન ફાવતું મેં સદા કર્યું છે - તેમાં પાપ શું છે ?’

મૃણાલ ગૂંચવાઈ. સ્વચ્છંદથી આચરવું તેમાં જ તેને મન પાપ હતું.

‘મન ફાવતું કરવામાં પાપ નહિ ?’ તેણે થોડી વારે કહ્યું. ‘તેમાં જ તું સદેહે નરક ભોગવે છે.’

જરા આશ્ચર્યથી મુંજે આંખો ઊઘાડી. તેની આંખો મોહક હતી, તેના તેજે જરાક મૃણાલનું ધ્યાન ખેંચ્યું.

‘તમે નરક કોને કહો છો ?’

‘કંગાલ ! તારા જેવાની સ્થિતિને.’

મુંજ હસ્યો : ‘મૃણાલવતી ! એ ભ્રમ છે.’

‘કેમ ?’

‘સ્વર્ગ કે નરકની મને પરવા નથી. પણ હમણાં અનુભવું છું તેથી સ્વર્ગમાં વધારે સુખ નથી, ને નરકે જતાં તે ઓછું થવાનું નથી.’

‘એ જૂઠાણું મારી આગળ ચાલશે ?’

‘શા માટે જુઠ્ઠું કહું ?’

‘તારી અધમતા છુપાવવા.’

‘અધમતા ? ક્યાં છે ? હું તો હતો એવો જ છું.’

‘કોણ ?’

‘પૃથિવીવલ્લભ,’ હસીને, નેત્રમાંથી અમી વર્ષાવી મુંજે કહ્યું.

‘હવે ? તું ? પૃથિવીવલ્લભ તો એ બેઠો મહેલમાં.’

‘કોણે કહ્યું ?’

‘આખી દુનિયાએ.’

‘ત્યારે દુનિયા જખ મારે છે,’ બેદરકારીથી મુંજે કહ્યું, ‘જે સુખ હું મારા પ્રાસાદમાં માણતો તે જ આજ અનુભવું છું. જે આનંદ હું વિજયમાં અનુભવતો હતો તે જ હું પરાજયમાં માનું છું. પૃથિવીનો જેવો વલ્લભ હું ત્યારે હતો તેવો જ હાલ છું.’

‘નફ્ફટ ! આ તો મન ખુશ રાખવાનાં ફાંફાં કહેવાય !’

‘તમને ફાંફાં લાગતાં હશે. જ્યાં સુધી મારી વલ્લભતા કાયમ છે ત્યાં સુધી એ વાત ખરી છે,’ નિરાંતથી મુંજે કહ્યું.

થોડી વાર મૃણાલ જોઈ રહી. આની નફ્ફટાઈને હદ નહોતી !

‘હજ તારે તૈલપના પ્રતાપનો સ્વાદ ચાખવો છે કે કેમ ?’

‘પ્રતાપ ! એ બિચારાનો !’

‘તારાથી એનો પ્રતાપ તેજસ્વી છે.’

‘કોણે કહ્યું ? તમારા હૃદયને પૂછો, તમે ને તે મારા પ્રતાપે તો ઝાંખાં છો.’

‘તારા પ્રતાપે હું ઝાંખી ? શું બકે છે ?’

‘ગુસ્સો નહિ કરો, મૃણાલવતી ! આ ચંચળ જીવન આમ શા માટે જતું કરો છો ?’

‘મને તારો બોધ નથી જોઈતો.’

‘તેમાં તો આવાં રહ્યાં. મારો બોધ લીધો હોત તો આમ વલ્કલ પહેરી તમે આવરદા પૂરું કરત નહિ.’

‘ને તેં કેમ કર્યું ?’ તિરસ્કાર છોડી જિજ્ઞાસા થઈ આવવાથી મૃણાલે પૂછ્યું.

‘મેં ?’ કહી પૃથિવીવલ્લભે ટટ્ટાર થઈ કહ્યું, ‘સૃષ્ટિનો રસ ચાખતાં નથી એક પળ મારી દુઃખમય ગઈ, પ્રસંગેપ્રસંગમાંથી, પળેપળમાંથી મેં રસ કેંચ્યો છે. તમે એવું જીવન ભોગવ્યું છે ? મૃણાલવતી ! તમે મારી અધમતાની વાત કરો છો ? જ્યારે એ રસ ચૂસવાની શક્તિ જશે ત્યારે તો જુદી જ વાત, પણ જ્યાં સુધી તે છે ત્યાં સુધી તો હું પૃથિવીનો વલ્લભ જ.’

મૃણાલ સાંભળી રહી. શબ્દોમાં ગર્વ હતો. પણ નહોતો આડંબર કે નહોતો ઢોંગ. દરેક શબ્દ સત્ય હોય તેવો ભાસ થતો. મૃણાલને કદી ન થયેલો એવો અનુભવ થતો હતો - પોતાની સત્તા ચલાવવાને બદલે બીજાની શાંત આકર્ષક સત્તાના પ્રતાપમાં તે અંજાઈ રહી હતી.

‘મુંજ ! ત્યારે તું મને ઓળખતો નથી !’

‘મારે ઓળખવાની શી જરૂર ? જે છો તે મારે મન પૂરતાં છો.’

‘એટલે ?’ મૃણાલે સખ્તાઈથી પૂછ્યું.

‘માનભંગ થયેલાં માનુની.’

‘શું ?’ હોઠ કરડી તેણે પૂછ્યું.

‘મને વશ કરવામાં આવ્યા હતાં - વશ થઈને જાઓ છો. તમારા જેવાંને વશ કરવા કરતાં બીજું વધારે શું સુખ ?’ કહી મુંજ ઊભો થયો;

અને તેના પ્રચંડ, તેજસ્વી શરીરની મોહકતા ચારે તરફ પ્રસરી રહી.

‘તું મને વશ કરવા માગે છે ?’ દાંત પીસી મૃણાલે પૂછ્યું.

‘ના, તમે વશ થવા માગો છો. મારી પાસે આવીને ભૂલ કરી. હવે તમે જુદાં જ થઈ રહેવાનાં, મૃણાલવતી !’ એકદમ જરા નીચા વળી ધીમેથી, મીઠા સ્વરે મુંજરાજે કહ્યું : ‘મારી પાસે આવ્યાં કે સજીવન થયા વિના રહેવાનાં નથી.’

આ શું બોલે છે તેનો સ્પષ્ટ અર્થ ન સમજતાં મૃણાલે પગ ઠોકી કહ્યું : ‘હું જોઉં છું, તું ક્યાં સુધી જીવે છે તે ?’

‘આ પળે જીવું છું; પછી બીજી શી ફિકર ?’

‘જોઉં છું તને ફિકર કેમ નથી થતી !’ મિજાજનો ઊભરો બહાર કાઢતાં મૃણાલે કહ્યું, ‘તારે રોમેરોમ કીડા પડશે. પછી જોઈશ.’

‘મારે રોમેરોમ કીડા પડશે તેમાં ફિકર શી ? ફિકર તો તમારા જેવાંને કે જેને વિચારેવિચારે નરકની વાસ મારે છે.’

મૃણાલ સ્થિરતાથી જોઈ રહી, ‘મુંજ ! હજુ તારે ઘણું અનુભવવાનું છે, યાદ રાખજે,’ કહી તે જવાને ફરી.

‘એમાં શું ? જે લહાવો મળ્યો તે ખરો,’ કહી મુંજ હસ્યો.

‘હા ! પૂરેપૂરો લહાવો મળશે,’ કહી ગુસ્સાના આવેશમાં મૃણાલ ચાલી ગઈ. તેનું મગજ કહ્યું કરતું નહોતું. ‘એથી રૂડું શું ?’ પાછળ પૃથિવીવલ્લભનો હસતો, મીઠો અવાજ આવ્યો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED