પૃથિવીવલ્લભ - 5 Kanaiyalal Munshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પૃથિવીવલ્લભ - 5

પૃથિવીવલ્લભ

કનૈયાલાલ માણેકલાલ મુનશી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૫. વરદાન

ત્યાંથી મૃણાલ દૃઢતાથી ચાલી ગઈ. તેને અત્યારે પોતાની

વૈરાગ્યબુદ્ધિથી પૂર્ણતાનો ખ્યાલ આવ્યો. માણસમાં રૂપ તો હતું - સાધારણ માણસ ગાંડું પણ થાય; પણ પોતે કેવી, તેવી ને તેવી સ્વસ્થ અને સાત્ત્વિક રહી હતી !

‘તું શા સારું સ્તબ્ધ બની જોઈ રહી ?’ અંતરમાંથી અણધારેલો પ્રશ્ન ઊભો થયો.

‘હું ?’ તેણે વિસ્મય પામી પોતાના અંતરને મનમાં ને મનમાં જવાબ આપ્યો, ‘હું તો માત્ર મારા ભાઈના દુશ્મનને જોતી હતી. મારે શું ? મારા હૃદયમાં ક્યાં વિકાર થયો છે ? હું તો માત્ર એટલું જ જોતી હતી કે માણસ અધમતાના ઊંડાણે પહોંચે પછી કેવો લાગે. સ્તબ્ધ ! હું સ્તબ્ધ ? એ તો માત્ર એકાગ્રતા, વિવેકબુદ્ધિ ભ્રષ્ટ થાય તો માણસ સ્તબ્ધ બને.’ એમ કહી પોતાની પૂર્ણતાના ગર્વમાં તે મલકાઈ રહી.

ડંકાના ગગડાટથી તેને લાગ્યું કે સવારી ઊતરી, એટલે ધીમે-ધીમે તે રાજમહેલના દરવાજા તરફ ગઈ. અપ્રતિમ વિજયથી તેના મનમાં ઉદ્‌ભવેલી હોંશ હવે જતી રહી હતી; અને તેના હૃદયમાં કંઈક સ્વસ્થતા આવી હોય એમ તેને લાગ્યું, તેને સંતોષ થયો. આ તેના વૈરાગ્યની નિશ્ચલતા ! શું હૃદયમાં અસ્પષ્ટ ખિન્નતા કે ચણચણાટ લાગતો હતો ? તેણે એ વિચાર જ હસી કાઢ્યો. ત્રીશ વર્ષના અભ્યાસે નિર્વિકાર થયેલા તેના હૃદયમાં ખિન્નતા કે ચણચણાટ !

દરવાજા આગળ તે જઈ પહોંચી, એટલે ત્યાં ભરાયેલી રાજ્યપુરુષોની ઠઠમાં શાંતિ પ્રસરી રહી. બધા મૂંગા બની તૈલંગણની ભાગ્યવિધાતાની સ્વસ્થ, સખત અને સાદી પણ ભયંકર મૂર્તિ તરફ જોઈ રહ્યા. તેની આંખની પલક, તેના મોં પરનો ભાવ એ તેમને મન ઈશ્વરેચ્છા પારખવાનાં સાધનો હતાં.

તે આવી, સવારી ઊતરવાની વિધિ પૂરી કરી આવેલા તૈલપરાજે તેને સાષ્ટાંગ દંડવત્‌ પ્રણામ કર્યા અને તેના ચરણની રજ પોતાના માથા પર મૂકી.

તૈલપનું રૂપ ને તેનો ઘાટ મૃણાલના જેવાં જ હતાં. માત્ર મુખ પર શીતળાનાં કદરૂપાં ચિહ્નો નહોતાં. શરીરરેખાઓ મરદની - સ્પષ્ટ ને મૃદુતા વિનાની - હતી. આંખો જરા નાની અને ઊંડી હતી. મૃણાલના મોં પર સખ્તાઈ હતી. તૈલપના મુખ પર ક્રૂરતા હતી.

તૈલપ કઠોર હૃદયનો ગણતરીબાજ અને પહોંચેલ હતો. મૃણાલે આપેલી કેળવણીને પ્રતાપે આર્દ્રતાનો અંશમાત્ર પણ રહ્યો નહોતો. માત્ર જેણે માના ભાવથી તેને ઉછેર્યો, પિાતની પ્રીતિથી કેળવ્યો અને અધિષ્ઠાત્રી દેવી બની ચક્રવર્તી બનાવ્યો તે બહેનને માટે તેને અથાગ પ્રેમ અને અનહદ માન હતાં; તેની બુદ્ધિ અન પવિત્રતામાં અડગ શ્રદ્ધા હતી.

પ્રણામ કરી રહેલા તૈલપને ઉઠાડતાં મૃણાલે કહ્યું : ‘રણરંગભીમ ! સો શરદો જીવજે અને પ્રથિવીવલ્લભ - ખરેખરો - થજે !’

‘તમારી આશિષ,’ કહી તૈલપ ઊભો થયો અને પાછળ ઊભેલા ભિલ્લમરાજ તરફ ફર્યો, ‘બા ! મહાસામંતને પણ આશીર્વાદ દો; આજે એને જ પ્રતાપે હું જીવ્યો અને મુંજ પકડાયો.’

મૃણાલ જરા હસી : ‘ભિલ્લમરાજે તે વાત ક્યારની કહી. એને તો મારા સદાયે આશીર્વાદ જ છે, કે ઘણું જીવે ને તૈલપરાજના સામંતોમાં પ્રથમ સ્થાન ભોગવે.’

ભિલ્લમ હોઠ કરડી, નીચું વળી પગે લાગ્યો.

‘ચાલ ભાઈ ! હવે બખ્તર કાઢી સ્વસ્થ થા.’ કહી મૃણાલે તૈલપને સાથે લીધો.

તૈલપે પાછા ફરી કહ્યું : ‘ભિલ્લમરાજ ! તમે પણ ચાલો, જરા કામ છે.’

ભાઈબહેન આગળ અને સામંત પાછળ એમ ત્રણે જણાં મૂંગાં-મૂંગાં અંતઃપુરમાં ગયાં; અને લોકો ધીમે-ધીમે વીખરાઈ ગયા.

અંદરના ખંડમાં નીચે મોઢે, માત્ર નેત્રોથી જ આનંદ અને ઉત્સાહ દાખવતી જક્કલાદેવી આધેડ વયે પણ નણંદની મર્યાદાથી નવોઢા જેવી પતિની વાટ જોતી હતી. તૈલપે આવી પોતાના બખ્તરનાં અંગો અને આયુધો એક પછી એક ઉતાર્યાં અને રાણીએ તે લઈ જઈ, મૂંગે મોંએ પોતાના સ્વામીનો સત્કાર કર્યો.

તૈલપ નિવૃત્ત થયો એટલે મૃણાલ તકિયે બેઠી હતી તેની પાસે આવી બેઠો અને ભિલ્લમ સામે પગ વાળી બેઠો. જક્કલાએ નણંદ પાસે ત્યાં રહેવાની રજા - આતુર આંખ વડે જ - માંગી, પણ રજા ન મળવાથી તે ચાલી ગઈ.

‘બોલો બહેન ! હવે આ મુંજનું શું કરીએ ?’

મૃણાલ જવાબ આપતાં પહેલાં, પળવાર સખ્તાઈથી ભોંય સામે જોઈ રહી. તે પળમાં મુંજનું પ્રતાપી, હસતું મોં તેની આંખ આગળ આવ્યું.

‘એને.’ દાંત પીસી મૃણાલે કહ્યું, ‘એને - પાપાચારીને - સખતમાં સખત શિક્ષા કરવી જોઈએ.’

‘કાલે એનો વધ કરાવીએ,’ દૃઢતાથી તૈલપે કહ્યું. તેની ઊંડી, ક્રૂર આંખોમાં વિષ વ્યાપી રહ્યું.

‘એ કંઈ સાધારણ દુશ્મન નથી. એણે તને હેરાન કરવામાં શું બાકી મૂકી છે ? તારા દેશની સ્ત્રીઓને છતે છોકરે વંઝા કરી મૂકી છે; તારી પાસે અવંતીમાં અનેક વાર પગ ધોવડાવ્યા છે; તારી અન મારી કીર્તિ કલંકિત કરવા અનેક કાવ્ય રચ્યાં ને રચાવ્યાં છે. એને તો રિબાવી-રિબાવી મારવો જોઈએ - ત્યારે જ તારું વેર વળે તેમ છે.’

‘ત્યારે તેનો શો રસ્તો ?’ તૈલપે વિચાર કરતાં કહ્યું. ‘ભિલ્લમરાજ ! તમે શું ધારો છો ?’ મૃણાલે પૂછ્યું. ‘બા ! કેદ કરેલા રાજાનો વધ કરવામાં મને વડાઈ નથી લાગતી.

એને રિબાવો - જોઈએ તેટલો; પણ એનું શિર સદા અસ્પર્શ્ય ગણવું જોઈએ.’

‘મહાસામંત ! વધ તે વધ - યુદ્ધમાં કે શૂળી પર; મને એ બેમાં બહુ ફેર દેખાતો નથી.’ તૈલપરાજે તિરસ્કારથી કહ્યું.

‘ના ભાઈ ! મહાસામંતની વાત મને યોગ્ય લાગે છે. એનો વધ કરવામાં શો ફાયદો ? એનું મોટું પહાડ જેવું શરીર ક્ષીણ થઈ જાય, એની આંખો નિસ્તેજ બને, એના મોઢા પરનું હાસ્ય વિલાઈ જઈ દીનતા આવે અને તારી મહેરબાની યાચતાં-યાચતાં એની જીભ ઘસાઈ જાય - એનો ગર્વ ગળી જાય - ત્યારે જ સોળ-સોળ વખત તને ખવડાવેલી હારનો બદલો વળે.’ જાણે સામાન્ય વાત કરતી હોય એવી શાંતિથી મૃણાલે આ ભયંકર વાક્યો ઉચ્ચાર્યાં.

તૈલપના મોઢા પર સંતોષ પ્રસરી રહ્યો : ‘ખરી વાત છે, બા ! પણ એનો ગર્વ ગાળવો સહેલ નથી એ લોકો કહે છે.’

‘વાતો; બીજું કંઈ નહિ,’ તિરસ્કારથી મૃણાલે કહ્યું, ‘હું જોઈશ કે એનો ગર્વ કેમ રહે છે.’

‘તમે ?’ ચકિત થઈ તૈલપે કહ્યું.

‘હા. અવંતી બેઠાં-બેઠાં એણે મારે માટે કંઈ ઓછું કહ્યું છે, ને ગવાડ્યું છે ? હવે જ જોઈશ, કે એ મોઢામોઢ શું કહેવાની હિંમત ધરાવે છે ? એને ક્યાં ભર્યો છે ?’

‘રાજમહેલના ભોંયરામાં.’ તૈલપે કહ્યું.

‘ઠીક. હું સાંજના એને મળીશ. પછી બીજાનું શું ?’

‘મેં કાર્તવીર્ય પાસે સામંતોને પુછાવ્યું છે કે મારી ચાકરી તેઓ સ્વીકારવા તૈયાર છે કે નહિ. જે નહિ હશે તેનો કાલે વધ. બાકીના યોદ્ધાઓને પણ કાલે જ પૂરા કરાવીશું.’

‘ઠીક.’

‘ભિલ્લમરાજ !’ તૈલપે કહ્યું, ‘બા પણ છે એટલે ઠીક, હવે બોલો.

તમારે વરદાન જોઈએ તે હાજર છે. આ વખતે તમારી સેવાનો બદલો જે વાળું ઓછો છે.’

‘એમાં તો તમારી વડાઈ છે, મહારાજ !’ જરા ધીમે-ધીમે ભિલ્લમે કહ્યું, ‘જે કંઈ કર્યું તે કંઈ બદલા માટે નથી કર્યું.’

‘મહાસામંત !’ મૃણાલે કહ્યું, ‘વર માગવો એ તમારો અધિકાર છે.’

‘બા ! હું માગું અનેતમને આપવો ન રુચે તો પછી મારું પણ જાય ને તમારું પણ જાય.’ મહાસામંતે મૃણાલ સામે જોઈને કહ્યું.

‘તમારી વિવેકબુદ્ધિમાં ને મહારાજની ઉદારતામાં મને શ્રદ્ધા છે, તમે કહો છો એવું બને જ નહિ.’

‘બોલો !’ તૈલપે મીઠું હસીને કહ્યું, ‘બોલો, ખંચાયો નહિ, તમારી મૈત્રીથી બીજું કંઈ મને વધારે વહાલું નથી.’

મહાસામંત થોડી વાર આ ભાઈ-બહેનની ભયંકર જોડી તરફ જોઈ રહ્યો અને પછી ધીમે-ધીમે કહેવા લાગ્યો : ‘મહારાજ ! મારા હૃદયમાં એક જ ઊર્મિ છે. તે આપ જાણો છો.’

‘શી ?’

‘સત્યાશ્રય કુંવર વિલાસનું પાણિગ્રહણ કરે એ જ.’

મૃણાલ હસી પડી : ‘અરે શું મહાસામંત ! તમે પણ; આ વર માગવામાં આટલો વિચાર ? આ વર તો ક્યારનો મળી ચૂક્યો છે.’

‘પણ મને એમ કે એ લગ્ન જેમ વહેલાં થાય તેમ સારું.’

‘તે તો મેં નક્કી કર્યું છે.’

‘ક્યારે ?’

‘આવતે મહિને. મેં ક્યારનું મુહૂર્ત પણ મૂક્યું છે અને હવે તો આ વિજયસમારંભ સાથે જ તે કરી નાખીશું.’

‘ભિલ્લમરાજ !’ હસીને તૈલપે કહ્યું, ‘કંઈ બીજું માગો. તમે તો મને શરમાવો છો, શું મારી પાસે એવું કંઈ નથી કે જે મળ્યે તમે રાચો !’

ભિલ્લમ વિચારમાં પડ્યો. તૈલપને તે સારી રીતે ઓળખતો હતો. તેને મોટાઈ જોઈતી હતી, વરદાનથી મળતો મહિમા જોઈતો હતો અને પોતાના જેવાને રીઝવી તેનો અસંતોષ દૂર કરવો હતો. પણ એ સારી રીતે જાણતો હતો કે તેમને ન રુચે એવો વર જો એ માગે તો તેઓ કદી આપે નહિ અને આપે તો બીજી પળે છીનવી લે. તેને અને લક્ષ્મીદેવીને પોતાને દેશ જવાનું ઘણું મન હતું; પણ ત્યાં જવાની ઇચ્છા દર્શાવવાનું બને એવું નહોતું. એટલે તે વર માગી, મેળવવામાં નિષ્ફળ બનવું અને અપમાન વેઠવું તેના કરતાં પરાધીનતાનું દુઃખ વેઠવું તે એને ડહાપણભરેલું લાગ્યું. એકદમ એને એક વાત યાદ આવી, જે પળે તે મુંજને પાડી તેના પર ચડી બેઠો અને બળજોરથી તેનાં શસ્ત્રો લઈ લીધાં તે પળે મુંજે તેના કાનમાં કહેલા શબ્દો તેને યાદ આવ્યા : ‘ભિલ્લમ,’ તેણે કહ્યું હતું, ‘મારું ભલે ગમે તે થાય, પણ મારા કવિઓને સંભાળજે.’ તે શબ્દો વિજયના ઉત્સાહમાં તે વીસરી ગયો હતો; અત્યારે તે યાદ આવ્યા.

તેના અંતરમાં મુંજ માટે માન પ્રગટ્યું. હારી જતી પળી, યમરાજના આહ્વાને મગજ ગાંડું થઈ જાય તે વખતે પણ, આ પુરુષ પોતાના મિત્રોને વીસરી ગયો નહિ. ક્યાં તે પૃથિવીવલ્લભ ને ક્યાં આ તેનો વિજેતા ! ભિલ્લમને આ વિચાર આવતાં તે દૃઢતાથી બોલ્યો :

‘મહારાજ ! આપના રાજમાં મારે શી ખોટ છે ? પણ એક વસ્તુની યાચના કરું - જો આપની રજા હોય તો.’

‘શી છે ? કહી નાખો.’ મૃણાલે જરા તીક્ષ્ણતાથી ભિલ્લમ સામે જોઈને કહ્યું.

‘માલવાના કવિઓને જીવતા જવા દો.’ ઉતાવળથી ભિલ્લમે કહી નાખ્યું.

તૈલપ હસ્યો. મૃણાલનાં ભવાં સંકોચાયાં.

‘માગી માગીને આ માગ્યું ?’ તિરસ્કારથી મૃણાલે કહ્યું.

‘બા ! મારા પૂર્વજો કવિગણત્રાતા કહેવાતા. હું તો તેમાંનું કંઈ કરી શક્યો નથી. માત્ર આ એક તક મળી છે.’

‘એવા પાપીઓથી ભૂમિ ભારે મારશો તેમાં તમારું શું વળશે ?’ મૃણાલે કહ્યું.

‘ભિલ્લમરાજ !’ રાજાએ કહ્યું, ‘આવા જંતુઓના જીવ બચાવ્યા કરતાં બીજી ઘણી વસ્તુઓ માગવા જેવી છે.’

દૃઢતાથી ભિલ્લમના હોઠ બિડાયા : ‘મહારાજ ! આપને મારી યાચના નહિ સ્વીકારવી હોય તો આપ અમારા માલિક છો. આપે કહ્યું ત્યારે માગ્યું. નહિ તો હું કંઈ માગવા નહોતો બેઠો.’

‘પછી એમને છોડાવી શું કરશો ?’ તૈલપે પૂછ્યું.

‘આપ કહેશો તે. મારે એમનું કામ નથી.’

‘ઠીક છે,’ મૃણાલે કહ્યું, ‘એ બધા પાસે મુંજની અપકીર્તિ ગવડાવીશ.’

‘તે આપના ધ્યાનમાં આવે તે કરજો. મારે તો એ જીવતા રહે એટલે બસ.’

‘વારુ જાઓ,’ તૈલપે બહેન તરફ નજર નાખી કહ્યું, ‘એમને જીવતાજવા દીધા. થયું ? પણ છૂટા ફરવા દેશો નહિ.’

‘જેવી આજ્ઞા. મારા મહેલના ભોંયરામાં રાખીશ.’ ભિલ્લમે જોયું કે હવે વધારે બેસવામાં માલ નથી, ‘મહારાજ ! ત્યારે રજા -’

‘હા જાઓ. સભામાં આવી પહોંચજો.’

‘જેવી આજ્ઞા.’ કહી ભિલ્લમે રજા લીધી.

‘ભાઈ !’ મૃણાલે કહ્યું, ‘મને આ માણસમાં વિશ્વાસ બેસતો નથી.’ ‘માણસ તો નિખાલસ છે, માત્ર એની બૈરી એને જંપીને બેસવા દેતી નથી. તેથી તો મેં એને વર માગવા કહ્યું.’ ‘આ અકલંકચરિત આવ્યો કે શું ?’ કોઈનાં પગલાં આવતાં સાંભળી મૃણાલે પૂછ્યું. તૈલપ માત્ર બારણા તરફ જોઈ રહ્યો. એક યુવક આવ્યો. તેની ઉંમર વીસ-બાવીસ વર્ષની લાગતી હતી અને એનું મોં તૈલપના જેવું જ હતું. તેની સીધી, સશક્ત કાઠી પર અણમોલું બખ્તર દીપતું, ને માથા પર એક નાનો મુગટ તેના સ્વરૂપવાન મુખના ગૌરવમાં વધારો કરતો. તેણે આવી મૃણાલને દંડવત્‌ પ્રણામ કર્યાં, અને

તૈલપને નમસ્કાર કરી તે પગ વાળી હાથ જોડી બેઠો. ‘બેટા સત્યાશ્રય ! શું કર્યું ?’ ‘પિતાજી !’ ગંભીર અવાજે કુંવરે કહ્યું, ‘મહેલના ભોંયરામાં હાલ

તો મુંજને નાખ્યો છે, ને ભીમરસ સામંતને ત્યાં ચોકી કરવા રાખ્યા છે-’ ‘ઠીક કર્યું.’ ‘- ને એક લાકડાનું પાંજરું બનાવવાનો હુકમ આપ્યો છે.’ ‘શાબાશ !’ તૈલપે કહ્યું, ‘સત્યાશ્રય ! તારાં લગ્ન નક્કી કર્યાં છે.’ ‘જી.’ ‘આ ઉત્સવમાં તે ઉત્સવ પણ શોભશે,’ મૃણાલે કહ્યું, ‘જા. હવે તું

જઈ નિવૃત્ત થા.’ ‘જેવી આજ્ઞા.’ કહી તે ઊઠ્યો. ‘પણ જો, પછી વિલાસવતીને મળી આવજે.’ ‘જી.’ કહી સત્યાશ્રય કુંવરે ત્યાંથી રજા લીધી.