Pruthvivallabh - 4 books and stories free download online pdf in Gujarati

પૃથિવીવલ્લભ - 4

પૃથિવીવલ્લભ

કનૈયાલાલ માણેકલાલ મુનશી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૪. પૃથિવીવલ્લભ

મૃણાલવતી સવારી જોવા આવવાનાં છે અને આનંદ ઉપર મુકાયેલા અંકુશો લઈ લેવામાં આવનાર છે, આ વાત ગામમાં પ્રસરતાં લોકોમાં મોટો ઉત્સવ થઈ રહ્યો. ઘણે વર્ષે દબાઈ રહેલાં હેત ઊછળ્યાં અને અદૃષ્ટ થયેલા મોજશોખો નજરે ચઢ્યાં. બીજે દિવસે સવારે ઘરોની અગાશી પર, બારીમાં હસતાં, કૂદતાં, મજાક કરતાં નરનારીઓ દેખાવા લાગ્યાં.

રાજમહેલની અટારી પર રંગબેરંગી લૂગડાંથી સજ્જ થયેલી સ્ત્રીઓ શોભી રહી. તેમનાં બધાંનાં મુખ પર અણધારેલો આનંદ હતો. ઘણે દિવસે નિર્મેલો ઠાઠમાઠ જોઈ તેમનાં હૃદય પણ પ્રફુલ્લ થઈ રહ્યાં હતાં, પણ સવારી રાજ્યમહેલના રસ્તા પર આવી પહોંચી એમ લાગ્યું કે એક દાસી અંદર ગઈ અને તરત બધી સ્ત્રઓ શાંત થઈ. વસ્ત્રાભૂષણો સજ્જ કરી અંદરનાં બારણાં તરફ ધાકભરી નજરે જોવા લાગી.

મૃણાલવતી બહાર અટારીમાં આવી. તેણે વલ્કલ છોડી સફેદ સાદું વસ્ત્ર પહેર્યું હતું. તેની લાંબી ધનુષ જેવી આંખો સ્થિર અને સખત હતી; અને તેના હોઠ દૃઢતાથી બિડાઈ રહ્યા હતા. તેનું કદરૂપું મુખ આ સખ્તાઈથી વધારે કદરૂપું થયું હતું અને તે જોતાં ત્યાં ઊભેલી સ્ત્રીઓને કમકમાં આવ્યાં.

તેની પાછળ જક્કલા, લક્ષ્મી અને વિલાસ આવ્યાં. વિલાસે પણ સફેદ વસ્ત્ર પહેર્યું હતું. તેનું પાતળું, છટાદાર શરીર આ વસ્ત્રમાં ચંદ્રની ઊગતી કળાના જેવું મોહક લાગતું હતું. તેના વદન પર ઉત્સાહ હતો. કેટલે દિવસે તેણે આવો આનંદ અનુભવ્યો હતો એમ સ્પષ્ટ લાગતું હતું.

ડંકાઓએ દિશાઓ ગજાવી ને શરણાઈઓના સૂરે ગગન ભેદાઈ રહ્યું અને સવારી આવી.

પહેલાં ડંકાધારી સાંઢણીઓ આવી. પાછલ વિજયહાકો કરતું પાયદળ આવ્યું. તેની પાછળ ઘૂઘરીથી ઘમકતા ઘોડાઓ પર બેઠેલા સવારો આનંદમાં હસતા, હાથમાં ભાલાઓ નચાવતા આવી પહોંચ્યા.

તેમની પાછળ માલવી યોદ્ધાઓ ખિન્ન મુખે આવ્યા. તેમના હાથ પીઠ પાછળ બાંધેલા હતા. તેમનાં વસ્ત્રો ને બખ્તરો લોહીથી ખરડાયેલાં હતાં. તેમનાં માથાં પરથી શિરપાઘો અને હાથમાંથી શસ્ત્રો લઈ લેવામાં આવ્યાં હતાં. થોડા મહિના પર જે યોદ્ધાઓએ માન્યખેટ સર કર્યું હતું તે અત્યારે બંદીવાન થઈ, નિસ્તેજ બની, આયુધધારી તૈલંગી યોદ્ધાઓની મશ્કરી સહેતા તૈલપરાજની વિજયસેના શોભાવી રહ્યા હતા.

આ યોદ્ધાઓ પૂરા થતાં બખ્તર સજેલા ઘોડેસવાર તૈલંગી ભટ્ટરાજો અને પછી તૈલપના સામંતો હાથીએ ચઢી એક પછી એક આવી લાગ્યા. સામંતો પૂરા થતાં, બધાએ ધ્યાન દઈ જોવા માંડ્યું. સો-દોઢસો શસ્ત્રસજ્જિત બંદીજનો પગે ચાલી આવતા હતા. મૃણાલવતીની નીરસતાએ દેશમાંથી કવિઓને જડમૂળથી ઉખેડી નાખ્યા હતા, પણ રાજ્યકારભારમાંથી ભાટચારણોને ખસેડ્યા નહોતા. આ શૂરવીર બંદીજનો અત્યારે વિજય મેળવી, હસતે મોંએ સવારીમાં ચાલતા હતા.

તેમની પાછળ પચાસ-સાઠ કેદીઓ સાદાં વસ્ત્રમાં આવ્યા. તે યોદ્ધાઓ લાગતા નહોતા. તેમનાં મુખ સુકુમાર હતાં. તેમની ચાલ ધીમી હતી.

‘જો !’ જેવા આ લોકો આવ્યા એટલે અટારીમાં લક્ષ્મીદેવીએ વિલાસનું ધ્યાન ખેંચ્યું. ‘આ પેલા કવિઓ.’

‘શું કહ્યું ?’ સખ્તાઈથી મૃણાલવતીએ પૂછ્યું. તેણે લક્ષ્મીદેવીના શબ્દો સાંભળ્યા હતા.

‘બા, આ મુંજરાજના કવિઓ.’

‘તને કોણે કહ્યું ?’

‘મહાસામંતે.’

‘પૃથિવીવલ્લભને લડાઈમાં પણ કવિઓ વિના ન ચાલ્યું ? આ માણસની કિંમત ?’ તિરસ્કારથી મૃણાલે કહ્યું.

વિલાસ શ્વાસ ઊંચો રાખી એકીટશે આ નવા પ્રકારના મનુષ્યોને જોઈ રહી. તેણે કવિઓ વિશે છાનુંછૂપું ઘણું સાંભળ્યું હતું ને મૃણાલ તેઓને ધિક્કારતી તેથી તેની જિજ્ઞાસા વધી હતી. તેવા પુરુષોને સદેહે જોતાં તેના મનમાં કંઈક આનંદ થયો. પણ પોતાના આનંદ અંતરમાં જ રહ્યો; તેને બહાર ન પડવા દેવાની તેને ટેવ પડી હતી.

સવારી આગળ ચાલી. કવિઓના વૃંદ પછી ડંકાનિશાન સાથે બસો નાગી તલવાર અને ભાલાઓ સહિત ચાલતા સૈનિકોનો સમૂહ આવ્યો અને તે સમૂહની પાછળ તૈલપરાજનો હાથી દોડતો આવતો દેખાયો. તેના પર તૈલપ ને ભિલ્લમ બંને હતા. તે જોતાં દરેક પ્રજાજને હર્ષનો પોકાર કર્યો. માત્ર રાજમહેલની અટારી પર બધાં મૂંગે મોંએ જોયા કરતાં હતાં.

‘તૈલપ મહારાજની જય !’ રસ્તેથી પોકારની ગર્જના આગળ ને આગળ આવી. બધાં ધ્યાન દઈ જોવા લાગ્યાં.

તૈલપના હાથી પાછળ ચાલતા સૈનિકોનો કોટ બનાવી, તેમાં થોડીક જગ્યા ખુલ્લી રહેવા દીધી હતી. આ ખુલ્લી જગ્યામાં એક જ બંદીવાન ચાલતો હતો. લોકો ટીકીટીકી જોતા હતા : શું આ માળવાનો મુંજ ?

‘આ પેલો મુંજ !’ જેવા સૈનિકો રસ્તાને દૂરને છેડે દાખલ થયા કે મૃણાલે કહ્યું. તેના સ્વસ્થ હૃદયમાં એક ગર્વની ઊર્મિ થઈ આવી. તેના મુખ પર સંતોષ છવાઈ રહ્યો. મૃણાલનો આનંદ જોઈ બધાંને હિંમત આવી. જક્કલાદેવી બોલ્યાં : ‘હાશ ! આજે નિરાંત થઈ. આ પાપીએ આટલાં વર્ષ જંપી બેસવાયે દીધાં નહિ.’

‘ભાઈએ પણ એને ક્યાં જંપીને બેસવા દીધો ?’ મૃણાલે હોઠ પીસી કહ્યું, ‘આજે એની કીર્તિ ધૂળમાં મળી !’

‘બા ! બિચારા મુંજરાજને આમ ચલાવતા શા માટે હશે ?’ વિલાસે પૂછ્યું.

‘ભાગ્યો એના ભોગ.’ લક્ષ્મીએ કહ્યું.

‘બિચારા કેટલાયે શૂરવીરો મૂઆ તેનું વેર લેવાયું.’ જક્કલાએ કહ્યું.

‘જક્કલા ! એમાં વેર લેવાની જરૂર નથી.’ મૃણાલે સખ્તાઈથી કહ્યું, ‘સત્ય હોય તે જીતે. એ અસત્યનો અવતાર હતો તેમાં એનો પરાજય થયો.’

‘તે બા ! એ ઘણો પાપી હતો ?’ લક્ષ્મીદેવીએ પૂછ્યું. તેના અવાજમાં કટાક્ષમયતા હતી કે કેમ તે જોવા મૃણાલે ઊંચું જોયું, પણ પ્રશ્ન નિર્દોષ લાગતાં તેણે ઉત્તર વાળ્યો : ‘પાપી ! એના જેવો કલંકી પુરુષ બીજો ધરતી પર નથી. એનો સ્પર્શ થાય તો સાત પેઢી નરકમાં જાય એવો છે.’

‘એમ ? પણ જુઓ તો ખરાં, દેખાય છે કેવો !’

મુંજ ધીમે-ધીમે મહેલના નીચલા ચોગાન પર આવી લાગ્યો.

‘માણસ જેવો,’ મૃણાલવતીએ સખ્તાઈથી કહેવા માંડ્યું, જોવા મોં ફેરવ્યું ને બાકીનો શબ્દ અણબોલ્યો રહી ગયો. તેણે નિશ્ચલ ઝનૂનભર્યાં નયને જોવા માંડ્યો.

સૈનિકોની હારથી થઈ રહેલા ચોગાનમાં તે એકલો ઊભો હતો. તેના શરીરે નહોતું પહેરેલા ધોતિયા સિવાય બીજું વસ્ત્રી, કે વાંસા પાછળ બાંધેલા હાથ પરની બેડીઓ સિવાય બીજું આભૂષણ. છતાં તેને જોતાં, બધાં જોઈ જ રહેતાં.

ચારે તરફ વીંટાયેલા સૈનિકો તેની આગળ માત્ર છોકરાં જ લાગતાં; આથી, વિજયસેના જાણે તેની જ શોભા ને કીર્તિ વધારતી હોય એવો ભાસ થતો.

એનું કદ પ્રચંડ હતું, એનો ઘાટ અપૂર્વ હતો, તેનું મુખ મોહક હતું. તેના લાંબા કાળા વાળ સુરસરિતાના જલ સમા, તેના શંકરશા વિશાળ ખભા પર પથરાઈ રહી, મુખના તેજને ભભકભર્યું બનાવતા; ડંખ ભરવા પાછળ ખેંચેલી ફણીધરની ફણાની માફક તેની ભરેલી લાંબી ડોક અને પાછળ નાખેલું માથું ગર્વ અને બેપરવાઈથી જગતનો તિરસ્કાર કરતાં હોય એમ લાગતું હતું; પાછળ જકડાયેલા હાથને લીધે, આગળ આવેલા વિશાળ છાતીના સંગેમરમરના ચોરસ જેવા સ્પષ્ટ, સ્નાયુવાળા વિભાગે દૈવી વક્ષસ્ત્રાણની ગરજ સારી. તેની દુર્ધર્ષતા અને પ્રતાપ દાખવી, દુનિયાને ડારતા હોય તેમ દેખાતું હતું. અને ઘાટીલી પાની પર રચેલા ધરણી ધ્રુજાવતા બે પગો સ્તંભની માફક કમરના મથાળા પર ઉપલા શરીરને ધારી રહ્યા હતા.

શરીર પરથી આટલું બળ દેખાતું હતું છતાં, માત્ર સ્નાયુઓની સમૃદ્ધિમાં જતેની અપૂર્વતા સમાઈ જતી નહોતી. તે શરીર જીવંત માણસનું નહોતું - શારીરિક અપૂર્વતાનું સ્વપ્ન હોય એમ લાગતું; અને અંગેઅંગમાંથી દિવ્યતા ઝરતી.

ધીમે-ધીમે તે ડગ ધરતો - કોઈ મત્ત ગજેંદ્રની માફક. તેમાં નહોતો ક્ષોભ કે નહોતી ખિન્નતા. મૃણાલે ઝનૂનભરી આંખે, સચોટ નજરથી આ બધું જોયું - પારખ્યું અને તેના ગુસ્સાનો પાર રહ્યો નહિ. મુંજના વ્યક્તિત્વમાંથી ઝરતા પ્રતાપને લીધે પોતે અધમ હોય, તેના ભાઈની રાજ્યસત્તા ક્ષુદ્ર હોય, આ વિજય ખરું જોતાં મુંજનો જ હોય એવો કંઈક ખ્યાલ આવ્યો. બળતા અંગાર સમી આંખો તેણે સ્થિર કરી, હોઠ દૃઢ કર્યા અને આ ખ્યાલને હસી કાઢીને તેણે જોયા જ કર્યું.

રાજમહેલની અટારી આગળ સવારી જરા થોભી. મૃણાલ ઊભી હતી તેની નીચે જ એક પગ આગળ રાખી, આખી સેનાને માત્ર દૃષ્ટિપાતે અધમતાનો અનુભવ કરાવતો તે સવારી આગળ ચાલવાની વાટ જોતો ઊભો રહ્યો.

‘બા !’ વિલાસથી ન રહેવાયું, ‘કેવો અદ્‌ભુત પુરુષ છે !’

વિલાસના ધીમા બોલેલા શબ્દો પણ નીચે સુધી સંભળાય; અને આંખ પર આવેલા કેશો માથું ઉછાળી પાછા નાખી મુંજે ઊંચું જોયું, - ઊંચું જોઈ, અટારીમાં ઊભેલી રમણીઓ તરફ નજર નાખી. એકેએક સ્ત્રી સ્તબ્ધ થઈ ગઈ; કેટલીકોએ ગભરાટમાં છજાના કઠેરા કે પાછલી ભીંત પર હાથ મૂક્યો.

મુંજ એક સર્વગ્રાહી નજર વિલાસ પર નાંખી; પછી વારાફરતી દરેક સુંદરી પર નાંખી અને આખરે મૃણાલ પર ઠેકરી - અને તે હસ્યો. એકાએક નિર્મલ આકાશમાં રવિ ઊગે તેમ મુંજનું મુખ જોઈ, મૃણાલ બધું ભૂલી ગઈ. માત્ર જોઈ જ રહી, તેને માત્ર એટલું જ ભાન રહ્યું કે તે મુખ પર એકે રેખા અધૂરી નહોતી, એકે ભાવનો અભાવ નહોતો; વિશાળ ભાલની સ્ફટિકશી નિર્મળતા; મોટી તેજસ્વી આંખોમાંથી ઝરતી મધુરતા; સુંદર લોભાવે એવા હોઠોએ હાસ્ય કરી છોડેલી શર સમી સ્નેહભરી મોહકતા; વદન પર હાસ્યમય સ્પષ્ટ દેખાતો વિજય આટલું જ તેણે જોયું, તે દિવ્ય મુખમાં કાવ્યની મીઠાશ હતી; તે હાસ્યમાં પુષ્પધન્વાનું સચોટ શરસંધાન હતું. બધી સ્ત્રીઓ ઘેલી થઈ ગઈ. મૃણાલ પળવાર એક જ પળવાર - સ્તબ્ધ બની રહી.

સવારી ચાલી, મુંજે ફરીથી ઊંચું જોયું, એક હાસ્યબાણ છોડ્યું અને આગળ ચાલવા માંડ્યું. કોઈએ તૈલપરાજને જોયો નહિ, કોઈએ મહાસામંત તરફ નજર ન કરી - બધાંએ નીચા વળી દૂર ને દૂર જતા પૃથિવીવલ્લભની પીઠ તરફ જોયા કર્યું.

મૃણાલ બધાંથી પહેલી સ્વસ્થ બની ઊભી થઈ અને બધાંનાં હૈયાં પાછાં આવ્યાં. બધી સ્ત્રીઓ મૃણાલનો ધાક ભૂલી મુંજનાં વખાણ કરવા લાગી. ગમે તે કારણે પણ મૃણાલના મોં પર ભયંકર સખ્તાઈ વ્યાપી રહી હતી.

‘બા !’ લક્ષ્મીએ કહ્યું, ‘મહાસામંત કહેતા હતા તે વાત તો ખરી ! ખરેખરો પૃથિવીવલ્લભ છે.’

મૃણાલે તેની સામે એક પળવાર સ્થિર નયને જોયા કર્યું, ‘લક્ષ્મી !

ખરેખરો પૃથિવીવલ્લભ તો તૈલપરાજ છે.’ સખત અવાજે તેણે કહ્યું.

‘પણ શું રૂપ છે !’ વિલાસે ટહુકો કર્યો.

એકદમ ગુસ્સામાં મૃણાલે પાસે આવી વિલાસનો કાન મરડી નાખ્યો. ‘જરા વારમાં બધું વીસરી ગઈ ? હું નહોતી કહેતી કે આવી જગ્યાએ બાળકોને ન લાવવાં જોઈએ ? જરા રૂપ જોયું કે આમ ગાંડાં થશો તો તમારું થશે શું ? જુઓ ! મને કેમ કંઈ નથી થતું ? જાઓ,તમારામાંના જેને મનમાં આનંદનો ઉમળકો પણ આવ્યો હોય તે જાઓ. પ્રાયશ્ચિત્ત શરૂ કરો.’ સિંહણની ગર્જના પૂરી થઈ; અને ગભરાયેલી હરિણીઓ ઝપાટાબંધ ત્યાંથી ચાલી ગઈ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED