પૃથિવીવલ્લભ - 25 Kanaiyalal Munshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

પૃથિવીવલ્લભ - 25

પૃથિવીવલ્લભ

કનૈયાલાલ માણેકલાલ મુનશી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૨૫. મુંજ

યુવાવસ્થામાં પ્રણય નિઃસ્વાર્થ ને શુદ્ધ હોય છે. આધેડ વયમાં ક્ષમાશીલ ને ડહાપણભર્યો હોય છે. ઊતરતી વય તેને માટે નથી. અને તેમાં જો એ અતિથિ આવે તો તેનામાં આ ચારેમાંથી એકે ગુણ જડતો નથી.

એ પ્રણય દબાયેલી લાગણીનું અસ્વાભાવિક તોફાન હોય કે અત્યંત વિષયી સ્વભાવની લાલસાનું પરિણામ હોય ! મૃણાલવતીનો પ્રણય આવા કોઈ પ્રકારનો હતો. તેને એક જ વસ્તુની પરવા હતી - પોતાના તોફાની હૃદયને સંતોષ આપવાની. તેનામાં સુકોમળ, બિન-અનુભવી બાલિકાની કલ્પનાશક્તિ અને અજ્ઞાનતા નહોતાં; અને તેથી તેવી બાળા એક પ્રણયીને પૂજે, તેની મૂર્તિને માનસિક અર્ઘ્યે આરાધે, તેના આચારવિચારના મનનમાં જ તલ્લીન થઈ રહે, તેવું કંઈ તેને થતું નહિ. વિષયતૃપ્તિથી ડાહી થયેલી સગવડ અને શાંતિ સેવતી મધ્યા જે સ્નેહથી પ્રણયીને નીરખે, તેની સેવામાં આનંદ માને એવું પણ કંઈ તેને થયું નહિ.

મૃણાલમાં બાર વર્ષની અવોઢાનું અજાણપણું હતું, સત્તર વર્ષની રસિકાનો અસંતોષ હતો, પ્રૌઢાથી પણ વધારે મસ્તી હતી, વૃદ્ધાનું કલ્પનાહીન, અનુભવી, સ્વાર્થી મગજ હતું. બ્રહ્મચારિણીનું શરીરબળ હતું, ને ઉગ્ર તાપસીની કાર્યસાધકતા હતી. કોઈ દેવપદથી પડેલી દુર્ગા મદમસ્ત જાનવરનું સ્વરૂપ લઈ કદી ન અનુભવેલી એવી લાલસા સંતોષવા અવતરી હોય એવું તેનામાં લાગતું હતું.

તે આનંદમાં હતી, હવામાં ઊડતી હતી. તેના બાહોશ મગજમાં નિર્ણય થઈ ગયો હતો; મુંજ જીવનભર કેદી રહેવાનો. તેની ઇચ્છા થતાં તૈલપ તેને સુઘડ કારાગૃહ આપશે; પછી મારા પ્રેમની આડે કોણ આવી શકે એમ છે?

તેણે પોતાની લાગણીઓને ‘પ્રેમ‘ શબ્દની સંજ્ઞા આપી હતી. આ તેનો ‘પ્રેમ‘ પણ તેના સ્વબાવને લાયક હતો. જેમ મહત્ત્વાકાંક્ષા સાધવા પૃથિવી-વલ્લભને જીત્યો હતો તેમ લાલસા સંતોષવા અત્યારે તેણે મુંજની જીત કરી - એક અવંતીનાથના પ્રતાપથી ઉદ્‌ભવી હતી, બીજી તેના અપ્રતિમ સૌંદર્યથી; ને બંને ઇચ્છા તે પ્રતાપી નરેશને કેદમાં રાખ્યે સંતોષાશે એવું તેને લાગ્યું.

તે આત્મસ્તોત્રનું ગાન કરવામાં વીસરી ગઈ કે એના અને મુંજના પ્રણયપ્રકરણમાં મુખ્ય પાત્ર-વિજેતા કોણ હતું. તેણે ધાર્યું કે તે પોતે હતી.

રાત વીતી ને ઊઠી, અને પાછા જઈ મુંજનું મુખ જોઈ આવવાનું તેને મન થયું. તે ત્યાંથી નીકળી કારાગૃહમાં ગઈ.

તેને આવતી જોઈ રખેવાળને બિચારા કેદી ઉપર દયા આવી. તેને લાગ્યું કે આ ભયંકર રાજવિધાત્રી આટલી વખત મુંજની પાસે આવે છે તેનું પરિણામ જરૂર એ જ આવવાનું કે તે કમોતે મરવાનો. મૃણાલનો સ્વભાવ ને રાજનીતિ એવાં ક્રૂર મનાતાં કે તે મળવા આવે તેમાં ક્રૂરતા સિવાય કોઈ મુદ્દો હોય એમ સંભવી શકે એન નહોતું.

મૃણાલને જોતાં ઊગતા સૂર્યનાં કિરણ સમાં કિરણો મુંજની આંખમાંથી ફૂટ્યાં. થોડી વાતચીત થઈ, નયનો સામસામાં નાચી રહ્યાં ને મુંજે વાત કાઢી : ‘સારું થયું આવ્યાં તો,’ કહી મુંજે હેતથી મૃણાલને ખભે હાથ મૂક્યો.

‘કેમ ?’

‘હું વિચાર કરતો હતો કે આવું ચોરીછૂપીથી જીવન કેમ નિભાવાશે?’

‘બીજો રસ્તો શો ? થોડા વખત પછી કંઈ રસ્તો સૂઝશે.’

‘આપણે તે કંઈ બાળક છીએ કે વખત જવા દેવાય છે ?’ કહી મુંજ હસ્યો ‘તમને પળિયાં આવ્યાં; મનેય પચાસ થશે.’

‘શું કહો છો ? મેં તો ધાર્યું હતું કે -’

‘કે હું ઘણો નાનો છું, કેમ ?’

‘હા. નથી એક વાળ ધોળો થયો, ને નથી એક કરચલી પડી કપાળે તમે તો અદ્‌ભુત છો.’

‘જેવું મન, તેટલી ઉંમર,’ મુંજે કહ્યું, ‘તમે અહીંયાં જંપીને સુખ મહાલવાનાં નથી.’

‘કેમ ?’

‘હું દેશનો દુશ્મન છું. તમારો ભાઈ મારો દુશ્મન છે. તમને બધા તપસ્વિની ગણે છે, ને તમે અહીંયાં રાજમાતા જેવી પદવી ધારો છો. અહીંયાં લોકો તમને જીવતાં નહિ છોડે.’

‘અહીંયાં મને કોણ પૂછે છે ?’

‘જ્યાં વાત બહાર પડી કે તમે તપસ્વિની નથી એટલે તમને પૂછી તો શું પણ કરડી ખાશે !’

મૃણાલ મૂંગી રહી. મુંજે હેતથી પોતાનો હાથ તેના ખભા પર નાંખ્યો ને જવાબની વાટ જોતો ઊભો રહ્યો.

‘ત્યારે રસ્તો શો ?’

‘એક તો એ કે તમે મારો વિચાર કરવાનું છોડી દો, ને પાછો તમારો આડંબર શરૂ કરો.’

મૃણાલ મદભરી આંખે તેના સામે જોઈ રહી. તે સ્પષ્ટ રીતે જવાબ દઈ રહી કે એ રસ્તો લેવો એ બની શકે એમ હતું જ નહિ.

‘એ ન બને તો તૈલપના સિંહાસન પર તમે ચઢી જાઓ.’ જાણે ઘણી જ નજીવી વાત હોય તેમ મુંજે કહ્યું.

‘હાલ તેવું જ છે ને.’

‘કોણ કહે છે ? સિંહાસનની પડખે ઊભા રહેવું ને તેના પર ચઢીને બેસવું તેમાં તો આસમાન-જમીનનો ફેર.’

‘તે કેમ બને ?’ મુંજ શું કહેવા માગે છે તે ન સમજાતાં મૃણાલે પૂછ્યું.

‘તૈલપને મારી નાખો,’ ટાઢે પેટે પૃથિવી-વલ્લભે કહ્યું.

ચમકીને મૃણાલ પાછી હઠી : ‘એ કેમ બને ?’

‘ઘણી જ સહેલાઈથી. મને રાતે એની પાસે લઈ જાઓ. બે પળમાં એ સ્વધામ શોધવા જશે,’ મીઠે અવાજે મુંજે કહ્યું.

‘અરે ! પણ એ તો મારો ભાઈ - મેં મારા દીકરા તરીકે ઉછેર્યો છે; એને કેમ મરાય ?’

‘ત્યારે ત્રીજો રસ્તો એથી પણ અઘરો છે.’

‘શો ?’ મૃણાલે પૂછ્યું.

‘તમે ચાલો મારી સાથે. તમને લઈ જઈ હું અવંતીનાં સામ્રાજ્ઞી સ્થાપીશ.’

મૃણાલ ચમકી. મુંજની ભયંકર, અશક્ય જેવી વાર્તાએ તેને દિંગ જેવી કરી દીધી હતી.

‘શું કહો છો ?’

હસીને મુંજે ચુંબન કર્યું, ને ધીમેથી મૃણાલની એક સફેદ લટ ઊંચી કરી.

‘મહાકાલેશ્વર ભગવાનની છાયામાં જ પૃથિવીનું મહાપ્રતાપી સિંહાસન છે. તેના પર અત્યાર સુધી હું એકલો હતો, પણ હવે આપણે બે બેસી શકીશું.’

‘પણ હું - તૈલપની બહેન -’

‘હા. તૈલંગણના સિંહાસન કરતાં એ એક જ સિંહાસન વધારે પ્રતાપી છે - તે અવંતીનું. તૈલપની બહેન ત્યાં જ શોભે.’

‘પણ -’

‘ત્યારે ચોથો રસ્તો અહીંયાં આમ ને આમ રહેવાનો છે. તેમાં મને કંઈ નથી, પણ લોકો તમને શું કહેશે ? ન રહ્યાં પૂરાં તપસ્વિની ને ન લૂંટાયો અભંગ આનંદ; ન રહ્યાં ઘરનાં ને ન રહ્યાં ઘાટનાં,’ કહી બેદરકારીથી મુંજ જરા આઘો ગયો.

મૃણાલે જોયા કર્યું. તેને આ તેજસ્વી પુરુષ વિના જીવવું અશક્ય લાગ્યું. ધીમેથી તેણે તેના મુખની રેખાએ રેખા નજરમાં ઘાલી. આ પુરુષને પોતાનો કરવા માટે જે કર્યું હોય તે ઓછું હોય એમ તેને લાગ્યું.

‘કેમ શો વિચાર ?’ મૃણાલના ખભા પર હાથ મૂકીને તેને પાસે ખેંચતાં થોડી વારે મુંજે પૂછ્યું.

એકદમ મૃણાલને ઉમળકો આવ્યો. તેણે મુંજના બે હાથ પકડ્યા :

‘પૃથિવીવલ્લભ ! તમે ગાંડી કરી નાખી છે; બોલો, શું કરું ? મારા ભાઈને મારાથી નહિ મરાય, પણ અવંતી જઈએ.’ તેની છાતી ઉમળકાથી ઊછળતી હતી.

‘આજે રાતે.’

‘આજે રાતે ?’ ચકિત થઈ મૃણાલે પૂછ્યું, ‘તે કેવી રીતે ?’

‘બરોબર મધ્યરાત્રિએ અહીંયાં આવજો. અહીંયાંથી જવાનો માર્ગ મળશે.’

‘પણ કેવી રીતે ?’

‘જો કામદેવને માર્ગ જોઈએ તો કારાગૃહ તે કંઈ રોકી શકે ?’ કહી મુંજે ફરીથી ચુંબન કર્યું ને મૃણાલને પોતાની છાતી સરસી ચાંપી.

થોડી વારે મૃણાલ છૂટી પડી : ‘પણ અવંતીમાં તમારી પટરાણી હશે ને ?’

મુંજ ખડખડ હસ્યો : ‘મારા હૃદયમાં વસે તે પટરાણી.’

મૃણાલ પાછી મુંજને વળગી પડી.

‘ત્યારે આજે રાતે જરૂર !’ મુંજે કહ્યું.

‘જ્યારે પૃથિવીનો વલ્લભ કહે ત્યાં કોઈથી ના કહેવાઈ છે ?’ કહી મૃણાલ ગઈ.