બદલાની આગ Niranjan Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બદલાની આગ

બદલાની આગ

‘ઇન્સ્પેક્ટર સાહેબ, મારે એક ફરિયાદ નોંધાવવી છે.’ મહેકે જુહુ પોલીસ સ્ટેશને જઈ વાત કરી.

‘જી, શું ફરિયાદ છે? સાસરિયાનો ત્રાસ છે? તો વિગતે જણાવો.’

‘ના સાહેબ એવું નથી.’

‘તો પતિદેવ હેરાન કરે છે? કે એમને કોઈ લફરું છે?’

‘ના સાહેબ એવું પણ કાઈ નથી. હકીકત જુદી જ છે.’

‘આ તો એવું કે સામાન્ય રીતે કોઈ સ્ત્રી ફરિયાદ લઈને આવે તો મોટે ભાગે આ બે કારણ માટે ફરિયાદ હોય છે એટલે અમે આવો જ સવાલ કરીએ છીએ. પણ તમે કહો છો કે એવું કાઈ નથી તો શું વાત છે જેને કારણે ફરિયાદ આપવા આવ્યા છો?’

‘છેલ્લા થોડા વખતથી કોઈ મહેશ નામની વ્યક્તિને નામે મારા ઉપર પ્રેમપત્ર અને ભેટ આવે છે. આજ સુધીમાં આવું ચાર વખત બન્યું છે. તમે સમજી શકશો કે કોઈ પણ પતિ પોતાની પત્નીને અન્ય પુરુષ તરફથી પ્રેમપત્ર અને ભેટ મળે તો જરૂરથી તેને શંકા થાય. જો કે મારા પતિ સંદીપ સમજદાર છે એટલે અમારી વચ્ચે હજી સુધી કોઈ ગેરસમજ નથી થઇ પણ તેવું બને એ પહેલાં વાતનું નિરાકરણ થાય તો સારું એમ માની હું આવી છું.’

‘તમે એ મહેશને ઓળખાતા નથી? કદાચ તમારા કોલેજકાળનો કોઈ આશિક હશે જેને તમે ત્યારે દાદ નહિ આપી હોય એટલે હવે તેનો બદલો લેતો હશે.’

‘ના સાહેબ, એ નામનો કોઈ સહાધ્યાયી હતો નહિ એટલે તે શક્ય નથી.’

‘કદાચ કોઈ નામ બદલીને આમ કરતો હોય જેથી તમારાં લગ્નજીવનમાં તડ પડે.’

‘તમે કહો છો તો કદાચ એમ પણ હોય. પણ મને કોઈ સમાજ નથી પડતી એટલે તો હું તમારી પાસે આવી છું.’

‘સોરી, પણ મારે બધી બાજુનો વિચાર કરવો પડે એટલે આવાં સવાલ કર્યા. તમે તે પત્રો અને ભેટ સાચવ્યા છે?’

‘પહેલા બે પત્ર તો ફાડી નાખ્યા હતાં અને આવેલી ભેટ પણ ફેંકી દીધી હતી કારણ મારે માટે તે નકામી વસ્તુ હતી. પણ ત્યારબાદ પણ તે આવવાનું ચાલુ રહ્યું એટલે મારા પતિએ તે રાખી મુકવા કહ્યું જેથી યોગ્ય તપાસ કરી શકાય. કારણ તેને વિશ્વાસ છે કે કોઈ મને ફક્ત હેરાન કરવા જ આમ કરી રહ્યું છે.’

‘વાહ, તમારા પતિદેવ બહુ સમજદાર છે. લાગે છે કે તમારા લગ્ન પ્રેમલગ્ન હશે.’

‘ના, પણ અમે એકબીજાના મનને અને વિચારોને સારી રીતે સમજી શકીએ છીએ એટલે તે આમ કરે તે સ્વાભાવિક છે.’

‘તમે તે કાગળો અને ભેટની ચીજો હમણાં લાવ્યા છો?’ વાત બદલતા ઈન્સ્પેક્ટરે કહ્યું.

‘હા, જે છેલ્લી બે વખત આવ્યા હતા તે હું લાવી છું.’ કહીને મહેકે તે આપ્યા.

‘સારું, હું તપાસ શરૂ કરું છું. તે વ્યક્તિ ફરી આવી ચીજો જરૂર મોકલશે એટલે તે આવે ત્યારે મને આપશો. તે દરમિયાન કોઈ સમાચાર હોય તો તે જણાવી શકાય તે માટે તમારો ફોન નંબર પણ આપી રાખો.’

મહેક ત્યાંથી ઘરે પાછી ફરી પણ તેનું મન તો.આની પાછળ કોણ હશે, શા માટે આમ કરતુ હશે તેના વિચારમાં હતું. વળી સંદીપને પોતે પોલીસ સ્ટેશને ગઈ હતી તે કહેવું કે નહિ તેની પણ મૂંઝવણ હતી. હાલમાં તો નથી કહેવું એમ વિચાર્યું કારણ એક તો તેને જાણ કર્યા વગર આમ કર્યું હતું અને બીજું તે પણ આ બાબત પોતાની રીતે તપાસ કરશે એમ કહ્યું હતું તો તેને જો કોઈ જાણકારી મળે તો ઘરમેળે નિરાકરણ થઇ જાય.

***

‘સંદીપ, આજે મારા નામે ફરી એકવાર પ્રેમપત્ર અને ભેટ આવ્યા છે. આવું વારંવાર બન્યું છે એટલે મને મૂંઝવણ થાય છે કે કોણ આમ કરતુ હશે. આપણી વચ્ચે જે સમન્વય છે તેને લઈને મને ખાત્રી છે કે તું આનાથી ભરમાઈ નહિ જાય.’ મહેકે કહ્યું.

‘હા. મહેક, સાધારણ રીતે કોઈ પણ પતિને શંકા થાય એવું આ કામ છે. પણ આપણા આટલા વખતના સાથને કારણે એકબીજાને યોગ્ય રીતે સમજીએ છીએ એટલે કોઈ પણ જાતની શંકા કરવા કરતા હું તપાસ કરી વસ્તુસ્થિતિ શું છે તે સમજવા માંગું છું.’

‘મોકલનારનું ફક્ત નામ હોય છે પેકેટ પર એટલે ક્યાંથી આવ્યું છે તે કેમ જાણી શકાય તે જ મને સમજ નથી પડતી.’

‘તારા કોલેજકાળનો કોઈ સહાધ્યાયી હોઈ શકે? કદાચ નામ બદલીને પણ કર્યું હોય.’

‘ના, આ નામનું કોઈ મારી જાણમાં નથી. શક્યતાઓ તો ઘણી છે. કદાચ તું પણ આમ કરતો હોય તો?’

‘અરે વાહ, હું શા માટે આવું કરૂં? મારો પ્રેમ તો હું અનેક રીતે વ્યક્ત કરી શકું છું.’

‘મને ખબર છે તારી પ્રેમ વ્યક્ત કરવાની રીત. આ તો શક્યતાની વાત નીકળી એટલે બોલાઈ ગયું. બાકી આપણી વચ્ચે આની શક્યતા નથી. પણ જ્યાં સુધી સત્ય હકીકત શું છે તેની જાણ ન થાય ત્યાં સુધી આપણે બંને પણ અવઢવમાં રહીશું અને તેથી જ બનતી ત્વરાએ આનું નિરાકરણ કરવું રહ્યું એટલે કોઈ શંકાને સ્થાન ન રહે. એક વાત પૂછું? તને મારા માટે તો કોઈ શંકા નથીને?’

‘અરે હોતું હશે? હા, મમ્મીને શંકા ઉદ્ભવી છે એમ લાગે છે. તને તો સીધું ના પૂછી શકે એટલે મને આ બાબતમાં આડકતરી રીતે પૂછતા હતાં કે આ મહેશ કોણ છે? એટલે હું પણ આ વાતનું જલદી નિરાકરણ થઇ જાય એમ ઈચ્છું છું. બરાબરને?’

‘હા, ઉપરાઉપરી આ આવવા માંડ્યું ત્યારે મને પણ મમ્મીની નજર અને વર્તન જરા શંકાશીલ લાગ્યાં પણ મેં તે તરફ ધ્યાન આપ્યું ન હતું. હવે તું કહે છે એટલે સમજાયું કે તેમના આવા વર્તાવનું શું કારણ છે. હવે તો કોઈ પણ હિસાબે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જવું જોઈએ.’

‘મને થોડો સમય જોઇશે આ માટે. પણ તું ચિંતા ન કર બધું ઠીક થઇ રહેશે.’

***

ચાર દહાડા પછી ફરી એકવાર એક પત્ર અને ભેટ આવ્યા. ઓફિસેથી સંદીપ આવ્યો ત્યારે મહેકે ફરી પાછી પોતાની વ્યગ્રતા દેખાડી અને કહ્યું, ‘તું આ બાબતમાં તપાસ કરવાનો હતો તેનું શું? તને કદાચ આ બાબતની ગંભીરતાનો ખયાલ નહિ હોય નહિ તો તેં ક્યારની તપાસ કરી હોત.’ ઉચાટભર્યા સ્વરે તે બોલી.

‘સોરી, મને તારી માનસિક સ્થિતિ સમજાય છે. પણ ઓફિસના કામમાં એટલો વ્યસ્ત હતો કે તે વિષે વિચારવાનો સમય ન મળ્યો. કેમનું કરવું તે વિચારી હું એક-બે દિવસમાં તપાસ કરીશ. જરૂર હશે તો પોલીસની પણ સહાય લઈશું.’

પોલીસનું નામ સાંભળી મહેક ચમકી પણ કોઈ પ્રત્યાઘાત ન દેખાડ્યો.

સંદીપ ઓફિસે ગયો એટલે મહેક ફરી પાછી પોલીસ સ્ટેશને ગઈ. નસીબ જોગે પહેલી વખત ગઈ ત્યારે જે ઇન્સ્પેક્ટર સાથે વાત થઇ હતી તે હાજર હતા એટલે બહુ રાહ ન જોવી પડી. તેમને મળીને આવેલા કાગળ અને ચીજ આપતાં કહું, ‘કોઈ સગડ મળ્યા?’

‘તપાસ ચાલુ છે. એકદમ સહેલું નથી કારણ તપાસમાં જણાયું કે જે વસ્તુઓ તમને મોકલી છે તે ઓનલાઈન નોંધાવીને મોકલી છે. વળી એક નહિ એક કરતા વધુ કંપનીઓ દ્વારા આ બધી ચીજો મોકલઈ છે એટલે હવે તે કોણે નોંધાવી તેના સગડ મેળવવા જે તે કંપનીને આ વિષે વિગતો આપી છે. એકાદ અઠવાડિયામાં વિગતો મળતાં જ આની પાછળ કોણ છે તેની જાણ થઇ જશે.’

આ પછીના અઠવાડિયે ફરી એકવાર પત્ર અને ગુલાબના ફૂલ આવ્યા. પણ આ વખતે સંદીપને તેની જાણ ન કરતાં તે ઓફિસ ગયો પછી ફરી તે પોલીસ સ્ટેશને જવા નીકળી ત્યારે તેના સાસુએ પૂછ્યું કે ક્યા જાય છે. ‘બહેનપણી સુનંદાને ઘરે’ કહી તે જેવી ઘર બહાર નીકળી કે તેની સાસુઅર સંદીપને ફોન લગાડ્યો.

‘સંદીપ, આજે ફરી મહેક સુનંદાને મળવા જાઉં છું કહી બહાર ગઈ છે પણ મને તે વાત સાચી નથી લાગતી કારણ તેના હાથમાં આજે આવેલ પેકેટ પણ હતું. જરૂર તે પેલા મહેશને મળવા ગઈ લાગે છે.’

‘મા તું ખોટી ચિંતા કરે છે. તું માને છે તેવું કાઈ નથી. કોઈ મહેકને હેરાન કરવા આમ કરી રહ્યું છે. હું આ બાબત તપાસ કરી રહ્યો છું એટલે આની પાછળ કોણ છે તેની જાણ થઇ જશે. ઓફિસેથી આવીને હું મહેક સાથે વાત કરીશ ત્યાં સુધી તું તેને કશું પૂછતી નહિ.’

‘મારે શું? તું જાણે અને મહેક જાણે. મને તો શંકા ગઈ એટલે તને જણાવ્યું. હું પણ ઈચ્છું છું કે તેને કોઈ લફરું ન હોય અને તારો સંસાર સીધો ચાલે,’ કહી તેમણે ફોન મૂકી દીધો. સંદીપના પપ્પાએ આ વાત સાંભળી અને બોલ્યા કે શા માટે કોઈ સત્ય હકીકત જાણ્યા વગર સંદીપના મનમાં શંકાના બીજ રોપે છે?

‘તમને કશી ખબર ન પડે. અમે સ્ત્રીઓ છઠ્ઠી ઇન્દ્રિયનું જ્ઞાન ધરાવીએ એટલે અમને કશું આડુંઅવળું હોય તો તેની ગંધ આવી જાય.’ કહી તે રસોડામાં ચાલી ગયા.

આ બાજુ સંદીપ પણ વિચારે ચઢી ગયો કે શું મહેક ખરેખર તેની બહેનપણી સુનંદાને મળવા ગઈ હશે કે સુનંદાને નામે મહેશને મળવા. આમ તો તેણે કહ્યું છે કે તે કોઈ મહેશને નથી ઓળખતી પણ મહેશ નામ ખોટું હોય અને અન્ય કોઈ હોય તો? પણ પાછું તેનાં મને તેને ટપાર્યો કે તેં તો મહેકને ખાતરી આપી હતી કે તને તેના પર કોઈ શંકા નથી તો હવે કેમ આમ વિચારવા લાગ્યો? જે હશે તે સાંજે ખબર પડશે માની પરાણે મન વાળી તે પોતાના કામમાં વ્યસ્ત થઇ ગયો.

***

જ્યારે મહેક પોલીસ સ્ટેશને ગઈ ત્યારે અગાઉ મળેલા ઇન્સ્પેક્ટર કામસર બહાર ગયા હતાં એટલે મહેકને ખાસ્સી રાહ જોવી પડી. તેમના આવતાની સાથે મહેક તેમની પાસે પહોંચી ગઈ અને હાલમાં આવેલ પત્ર અને ગુલાબનું ફૂલ આપતાં કહ્યું કે આજે જ આ ચીજો આવી છે. આ વખતે પણ કોઈ બીજી જ કંપની મારફત આ બધું મોકલાવ્યું છે.

‘તમારા માટે એક સારા સમાચાર છે. પણ અધૂરાં છે. અમારી તપાસમાં જાણ થઇ છે કે જુદા જુદા કોમ્પ્યુટર પરથી આ બધી ચીજો માટે ઓનલાઈન ઓર્ડર અપાયા છે. તેની જાણકારી મેળવવા અમારી સાયબર બ્રાંચે તપાસ આદરી છે કારણ પ્રાથમિક તપાસમાં તે નામ સાચા છે કે ખોટા તેની હજી તપાસ ચાલુ છે. વળી આ બધા માટે એક કરતા વધુ ક્રેડિટકાર્ડનો ઉપયોગ થયો છે એટલે એમની મારફતે પણ વ્યક્તિની શોધ ચાલુ છે. હવે બહુ રાહ જોવી નહિ પડે. કદાચ કાલ સુધીમાં સાચી વ્યક્તિની ઓળખાણ થઇ જશે એટલે તમને હું ફોન કરી બોલાવીશ.’

સાંજે જ્યારે સંદીપ ઘરે આવ્યો ત્યારે મહેકને શું પૂછવું અને કેમ પૂછવુંના તેના વિચારમાંને વિચારમાં તેણે મહેકને ‘હાય’ પણ ન કહ્યું. મહેક પણ વિચારમાં પડી કે આજે સંદીપનો મૂડ ઠીક નથી લાગતો. કાં તો ઓફિસમાં કોઈ પ્રોબ્લેમ થયો હશે અથવા તો મારી મૂંઝવણનો રસ્તો નહિ મળ્યો હોય.

‘કેમ આંજે પતિદેવ ચુપ છે? ઓફિસમાં કાઈ થયું છે?’

‘ના, આ તો તારા મહેશ પ્રકરણના વિચારમાં. બે ત્રણ રીતે વિચાર્યું પણ કોઈ યોગ્ય માર્ગ ધ્યાનમાં નથી આવતો એટલે.’

‘કશો વાંધો નહિ. એક-બે દિવસમાં રસ્તો મળી જશે.’ ઇન્સ્પેક્ટરની વાતના અનુસંધાનમાં તે બોલી.

‘અરે હા, સુનંદા કેમ છે? ઘણા વખતે તમે મળ્યા નહિ.’

‘તને કોણે કહ્યું હું સુનંદાને મળવા ગઈ હતી?’ ચોક્કસ સાસુમાએ કહ્યું હશે મહેકે મનમાં વિચાર્યું.

‘એવું થયું કે મેં બપોરે ફોન કર્યો હતો સાંજના મોડું થશે કહેવા ત્યારે માએ કહ્યું કે તું સુનંદાને ઘરે ગઈ છે એટલે પૂછ્યું.’ સંદીપે માનો બચાવ કરતાં કહ્યું.

‘ના, હું તેને મળવા નહોતી ગઈ.’

‘તો માએ કેમ એમ કહ્યું?’

‘કેમકે મેં જ આમ કહ્યું હતું જતાં જતાં.’

‘આમ ખોટું કહેવાની શું જરૂર હતી?’ થોડી નારાજગી દેખાડતા સંદીપ બોલ્યો. સાથે સાથે એમ પણ થયું કે શું માની વાત સાચી છે કે તે કોઈને મળવા ગઈ હતી?

‘કોઈ ખોટા વિચાર ન કરતો,’ જાણે તેનું મન વાંચી લીધું હોય તેમ મહેક બોલી. ‘હું પોલીસ સ્ટેશને ગઈ હતી.’

‘તું પોલીસ સ્ટેશને ગઈ હતી? શા માટે? મને કહ્યું પણ નહિ. એ લફરામાં પડતા પહેલા મને વાત તો કરવી હતી.’ ગુસ્સાભર્યા સ્વરે તે બોલ્યો.

‘એમ નારાજ ન થા. બધું તને જણાવવાની હતી. એક તો તને સમય ન હતો અને તને કોઈ રસ્તો પણ મળતો ન હતો. તદુપરાંત આ વસ્તુ એવી હતી કે મારા કે તારાથી ઉકેલી શકાય એમ ન હતી કારણ આવેલી વસ્તુઓ ઉપરથી કોઈ સગડ મળતા ન હતાં. એટલે મને આમ કરવાનું સૂઝ્યું. મારી માનસિક સ્થિતિ પણ ડામાડોળ થઇ ગઈ હતી અને તે જ કહ્યું હતું કે જરૂર પડશે તો પોલીસની પણ મદદ લઈશું એટલે મને લાગ્યું કે હું જ પોલીસ સ્ટેશને જઈ તેમની મદદ લઉં..’

‘તો શું કાંદો કાઢ્યો ત્યાં જઈને?’ હજી નારાજગી દૂર થઇ નથી તેમ દર્શાવતા સંદીપ બોલ્યો.

મહેકે પોતાની પોલીસ સ્ટેશને કરેલી મુલાકાતોનો વિગતવાર અહેવાલ આપ્યો અને કહ્યું કે એક બે દિવસમાં નિરાકરણ થવું જોઈએ એમ ઇન્સ્પેકટરની વાત પરથી લાગ્યું છે.

બે દિવસ પછી ઇન્સ્પેક્ટરનો ફોન આવ્યો કે તમે અને તમારા પતિ કાલે બપોરે બે વાગે મળવા આવો.

જ્યારે મહેક અને સંદીપ ગયા ત્યારે પહેલો પ્રશ્ન પૂછાયો, ‘તમે કોઈ કવિતા શાહને ઓળખો છો?’

સંદીપ વિચારમાં પડ્યો. મહેશની વાત કરવાની હતી તેમાં આ કવિતા શાહ ક્યાંથી આવી? ‘હા, મારી ઓફિસમાં મારી સાથે એક કવિતા શાહ કામ કરે છે પણ આ કેસ સાથે તેને શું લાગેવળગે?’

મહેક પણ બોલી ઊઠી, ‘પેલી ચિબાવલી કવિતા જેનો તારી ઉપર ડોળો હતો?’

‘ગમે તેમ ન બોલ. એ તો સાથે કામ કરીએ એટલે એકબીજાનો સંપર્ક થતો રહે. એનો અર્થ એમ નહિ કે અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ.’ ઇન્સ્પેકટર આગળ મહેકે જે કહ્યું તે સંદીપને ન ગમ્યું.

‘એ તો મેં ત્યાં આવીને તેને ધમકાવી ન હોત તો કોને ખબર તેણે તને ફસાવવા શું શું કર્યું હોત.’

‘જુઓ, તમે નહિ માનો પણ તમને પત્ર અને ભેટની ચીજો મોકલનાર તે કવિતા જ છે.’

‘શું કવિતા આ બધા પાછળ છે?’ બંને એકસાથે બોલી ઊઠ્યા.

‘હા, અમારી તપાસ બાદ અમને તેનું પગેરું મળ્યું છે. પહેલા તો તેને પૂછતાં અજાણ્યા હોવાનું નાટક કર્યું પણ પછી ઈ-મેલ આઈડી અને ક્રેડિટકાર્ડની વિગતો તેની સમક્ષ રજુ કરી એટલે તે ભાંગી પડી અને કબૂલ કર્યું કે મહેકને મહેશને નામે તે જ બધું મોકલતી હતી. કારણ પૂછતા કહ્યું કે એક તો મહેકે તેના પર ખોટો આરોપ મુક્યો હતો અને ઉપરાંત ઓફિસમાં આવી બધા વચ્ચે જે અપમાન કર્યું હતું તેને કારણે તે બદલાની આગમાં જલતી હતી એટલે આવું પગલું ભર્યું જેથી મહેક અને સંદીપના લગ્નજીવનમાં તડ પડે. હવે અમે અમારે રીતે આગળની કાર્યવાહી કરશું અને જ્યારે જરૂર પડશે ત્યારે તમને બોલાવશું.’

‘કવિતા? માન્યામાં નથી આવતું કે તે આમ કરે. પણ હવે તમે કહો છો કે તે જ આની પાછળ છે અને તેને કબૂલ પણ કર્યું છે તો અમારી મૂંઝવણનો અંત આવ્યો. મને હવે સમજાયું કે તેણે રાજીનામું શા માટે આપ્યું.’ સંદીપ બોલ્યો.

‘આભાર સાહેબ.’ મહેકે કહ્યું. ‘તમે અમારા લગ્નજીવનને વણસતો બચાવી લીધો.’

‘અરે એ તો અમારી ફરજના ભાગરૂપે છે. તમે ઘરે જી શકો છો.’

અને બંને ઊભા થઇ એકબીજાના હાથ પકડી ચાલવા માંડ્યા.

( સત્યઘટના પર આધારિત યોગ્ય ફેરફાર સાથે )