યે ચૂંટણી ભી કયા ચીજ હૈ જાલિમ....! Ramesh Champaneri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યે ચૂંટણી ભી કયા ચીજ હૈ જાલિમ....!

યે ચૂંટણી ભી ક્યા ચીજ હૈ જાલિમ....!

યે ચૂંટણી ભી ક્યા ચીજ હૈ જાલિમ

ધોકા દિયા કરો તો મૌકા મિલ જાતા હૈ....!

શાયરની કીમત ભલે ઈજ્જતથી નહિ કરતાં હોય, બાકી શાયર થવું સહેલું નથી. કાયર થવાય પણ શાયર નહિ થવાય. પણ કડવી વેલના બધાં જ કારેલા હોય, ત્યાં દુધીનો ભાવ કોણ પૂછે મામૂ...! બાકી શાયર એટલે શબ્દોનો બાણાવળી. એ જ્યારે કંઈ પણ લખતો હોય ત્યારે, એની તો શું પાડોશવાળાની વાઇફોને પણ ડખલગીરી કરતી ના હોય. આપણે સાલા શાયર નથી શક્યા, એના કારણમાં મુળ કારણમાં કદાચ આ પણ એક કારણ હોય.

કોરિયાવાળો જ્યારે અણુબોમ્બ નાંખવાનો હશે ત્યારે નાંખશે. પણ ઉપરના શાયર ‘ જાલીમ ‘ એ કેવો ધારદાર બોંબ નાખ્યો...? ‘ ધોકા દિયા કરો તો મૌકા મિલ જાતા હૈ ‘ કહીને જાણે ચૂંટણી માટે ‘ ટીપ ‘ આપી દીધી. સમઝાતું નથી કે, માછલા ધોવા માટે લોકો, નેતાના જ માથા શું કામ પસંદ કરતાં હશે...? એક દેશ તો એવો બતાવો, કે જ્યાં કોઈ નેતા જ ના હોય...? કોઈ નેતા મગરમચ્છ જેવાં હોય, તો કોઈ નેતા એક્વેરિયમની ફીશ જેવાં હોય, પણ નેતા તો હોય જ. જ્યાં દેશ છે, ત્યાં નેતા, ને જ્યાં નેતા છે ત્યાં દેશ છે. પેલા કહે છે એમ “ ટાળ્યા કોઈ દિ નવ ટળે, રઘુનાથના જડ્યા ‘’ ની માફક બંને જોડાયેલા જ હોય. બીજા કોઈ ઉત્પાદન થાય કે નહિ થાય, પણ નેતાના ઉત્પાદન તો દરેક દેશમાં થાય. સારૂ છે કે, એક જ પ્રોબ્લેમ, બીજા ઉત્પાદનોની માફક એમાં આયાત-નિકાશની સુવિધા નહી. નહીતર ચાઈનાવાળા નેતા આપણે ત્યાં, ને આપણાવાળા અફઘાનિસ્તાનમાં માઈક ટેસ્ટીંગ કરતાં હોત. સાલું રડું એ વાતે આવે કે, એમની કોઈ કદર કરતું નથી. આદર કરે તો તરત ચાદર ખેંચતા પણ અચકાય નહિ. એકવાર બગડવું જ જોઈએ. એની માને, ‘ નીગ્લેટ ‘ બહુ થાય...!

શાયર જાલીમના પેટમાં પણ કંઈ એવું જ તેલ રેડાયું લાગે. અમુકને તો જાણે નેતાને જોઈને જ ખાસ્સું શુર ચઢે. નેતાને બગલમાં રાખતાં હોય એમ, નેતા જોયો નથી, ને શેર-શાયરી ઉપડી નથી. હાઈકુ હોય તો કાવ્ય બની જાય. ને કાવ્ય હોય તો રાતોરાત એને મહાકાવ્ય બનાવી દે. એકવાર લખવાની ઉપડવી જ જોઈએ, છેલ્લે એવું પણ ચીતરી નાંખે કે, ‘ નેતા મારૂ મંદિર ને હું એનો ઓટલો.....( વાહ વાહ તો કરો બાપૂ....! બોલવા માટે જોમ તો ચઢવું જોઈએ કે નહિ...? ) હંઅઅઅ..... તો હું એમ કહેતો હતો કે, ‘ નેતા મારૂ મંદિર ને હું એનો ઓટલો, એ મારી આફૂસ ને હું નો ગોટલો.....! એના કપાળમાં કાંદા ફોડું....!

આ લોકો સ્મશાનમાં પણ સખણા નહિ રહે. બળતા મડદાને જોઈને ‘ ભઠ્ઠી ભગવાન ને મડદું ‘ ઉપર પણ કવિતાના બાણ છોડે જેમ કે,, ‘ અમે સાવ નવરા હતાં એટલે ઊંચકીને આવ્યાં, એ સાવ નકામો થયો એટલે બાળવાને લાવ્યા...! ‘ હવે આણે કવિતા કહેવી કે, કઠણાઈ....? જેવી ગુજરાતની ચૂંટણી જાહેર થઇ, એટલે જાલીમે પણ બોંબ ફોડ્યો કે, “ યે ચુનાવ ભી ક્યા ચીજ હૈ જાલિમ, લોગ ઇન્સાન નહિ બદલતે, ઇવીએમ મશીન બદલતે રહેતે હૈ..! ‘ શાયર પણ કેવાં કેવાં મસાલા કાઢે ? જેવો જેવો માહોલ તેવા તેવા ફટાણા. શેરમાં શાયરે એનું સરનામું જ નથી લખ્યું, બાકી ‘ તખલ્લુસ ‘ લખીને ડીકલેર તો કરી દીધું કે, ભાઈ છે તો ‘ જાલિમ...! ‘ આને શેર કહેવાય કે પાશેર, એની ખબર નથી. પણ સાંભળીને ચચરી આવે એવી વાત તો ખરી....!

રચના ઉપરથી એવું લાગે કે, જાલિમ દિલદાર કરતાં ભેજાબાજ વધારે હોવો જોઈએ. કારણ કવિતા લખવામાં કાવડિયા તો કાઢવાના હોય નહિ. માત્ર લમણે આંગળી જ મુકવાની, એટલે કીડીને ઝાંઝર પહેરાવવાથી માંડી, મચ્છરને માલીશ કરવા સુધીની કવિતાઓ ભેજાંમાંથી ખંખેરવા માંડે. બેચાર કવિતા થવી જ જોઈએ, એટલે એ જંતુ પણ આવતીકાલે ‘ જનાબ ‘ નો વ્હેમ રાખતો થઇ જાય. થોડુંક એ લખે, થોડુંક બીજાનું લખે, ને વધ્યું ઘટ્યું લોકો સેટ કરી આપે. એટલે જગલો બની જાય, ‘ જનાબ જાલિમ...! ‘ મામૂ....ચૂંટણીમાં પણ આવું જ છે ને...?

આ શેર મને બસમાંથી મળેલો. તે પણ બસની ટીકીટ પાછળ લખેલો. આપણને તાજ્જુબ થાય કે, કાપલી જેવી ટીકીટ ઉપર અક્ષરોએ પ્રવાસ કેમનો કર્યો હશે...? ને અક્ષરો તો એવાં કે, ઘઉના લોટમાં જાણે મંકોડા ના ફરી ગયા હોય ? અક્ષર જોતાં આપણને એટલી ખાતરી તો થાય કે, મરોડદાર અક્ષરો કાઢવા માટે જાલિમ મરજીવાની માફક મથ્યો તો હશે જ. પણ માણસ માટે કહેવાય છે ને કે, “ ધાર્યું ધણીનું જ થાય, એમ અહીં‘ ધાર્યું ડ્રાઈવરનું જ થયું લાગ્યું ‘ એટલા માટે કે, જાલિમ જ્યારે શેર લખતો હશે, ત્યારે મુસાફર કરતાં બસને ખાડા ટેકરા વધારે મળ્યા હશે. કારણ અક્ષરો એકબીજા સાથે સામુહિક આપઘાત કરતાં હોય એવું લાગ્યું. શું કરે બિચારો....? મોબાઈલની બેટરી ઉતરી ગઈ હોય એટલે ગેઇમ ને ગાયનના રવાડે તો ચઢાય નહિ. ને નવરો તો બેસાય નહિ. બસની બહાર ડોકાં તાણ્યાં ડોકાં તાણવામાં ચૂંટણીના બેનર/પાટિયા વાંચતો ગયો હશે, ને શેર લખવાના ધીંગાણે ચઢ્યો હશે. પ્લેનમાં તો એર હોસ્ટેસ પણ હોય. બસમાં બીજું કરે શું....? આપણે ત્યાં હજી એટલો વિકાસ તો થયો નથી કે, બસમાં પણ એકાદ ‘ રૂપાળી ‘ એર હોસ્ટેસ જેવી ‘ બસ-હોસ્ટેસ ‘ રાખે...! બીજું કંઈ નહિ તો, બસના થોડાં હિલ્લ્લ્લ્લા તો વહેંચી લેવાય....? બીજો કોઈ ઈરાદો નહિ, પણ ટાઈમ પાસ થઇ જાય મામૂ....!

આ ચૂંટણી પણ એક ચેપી રોગ છે. એ જુવાનીયા કરતાં જેના કિલોમીટર પુરા થઇ ગયાં હોય, એણે જલ્દીથી ચોંટે. જેમ આજકાલ બની બેઠેલાં સાધુઓની ખોટ નથી. એમ નેતાઓની પણ ક્યાં અછત છે...? આલિયા માલિયા ભભૂત લગાવે એટલે સાધુમાં ખપી જાય, એમ ગાદી માટે ખાદી કાઢી એટલે નેતા. એટલે જાલીમની વાત સાવ કાઢી નાંખવા જેવી તો નથી. એકવાર ચૂંટણી ચાંદલો કરવા નીકળવી જ જોઈએ, એટલે માર્કેટમાં જાણે નેતાઓનું સેલ નીકળવા માંડે. બિલાડીની ટોપની માફક નેતા ફૂટવા માંડે. પછી એમાં કેરેટ કે કેરેક્ટર નહિ જોવાનું. ભલે સાપના રાફડા શોધેલા જોવા મળે કે નહિ મળે, પણ નેતાના રાફડા ગલી-ગલીમાં તૈયાર...!

ઋષિમુનિઓએ રાવણ સંહિતા, ચરક સંહિતા, ભૃગુ સંહિતા, ગર્ભ સંહિતા જેવી કેટકેટલી સંહિતા આપી છે, પણ આ લોકોને આચાર સંહિતા જ ‘ ટેસ્ટી ‘ લાગે. જેવી આચાર સંહિતા બહાર પડી, એટલે બારમાની પરીક્ષા આવી હોય, એમ મંડી પડે. એમાં ‘ મત-મતપત્ર-ઉમેદવાર-મતદાર ને ઢંઢેરો ‘ એ બધું તો ‘ બાય ડીફોલ્ટ ‘ આવવા જ માંડે. લગનની તારીખ નક્કી થાય એટલે લગનની પત્રિકા બહાર પડે, એમ ચૂંટણીની તારીખ નક્કી થાય, એટલે આચાર સંહિતા ને ઢંઢેરાના ઢગલા થવા માંડે. બાકી કયા ઉમેદવારને ઉંચકવો ને કયા ને ઉકરડામાં નાંખવો, એના પાવર તો મતદાર પાસે જ હોય. પણ મતદાર એટલો શાણો કે ક્યાં ઢળવાનો છે એ કોઈને કળવા નહિ દે...! એમાં ચમનિયાની દેશભક્તિ તો એવી કે, જ્યારથી ‘ આચાર-સંહિતા ‘ આવી છે, ત્યારથી એ બાઘાએ‘ અથાણું ‘ ખાવાનું છોડી દીધું. કારણ પૂછ્યું તો કહે, ‘ આચાર સંહિતા ‘ લાગી ગઈ મામૂ...! હવે આચાર નહિ ખવાય....! એના કપાળમાં કાંદા ફોડું...!

***