સુનેહા - ૧૩ Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

સુનેહા - ૧૩

-: તેર :-

‘એક ગુડ ન્યુઝ આપવાના છે, પન્નું!’ પોતાની હમણાં હમણાંની આદત મુજબ સુનેહાએ “હલ્લો” બોલ્યા વીનાજ પવન જોડે વાત શરુ કરી દીધી.

‘શું વાત છે ડાર્લિંગ? જોધપુર પહોંચતાની સાથેજ ગુડ ન્યુઝ આપવાના ચાલુ?’ પવને સુનેહાની મજાક કરતાં કહ્યું.

‘હું સીરીયસ છું પવન.’ સુનેહાના અવાજમાં શાંતિ હતી.

‘ઓકે ઓકે સોરી, ચલ બોલ શું ગુડ ન્યુઝ છે? જલ્દી બોલ.’ પવને સુનેહાની સીરીયસનેસ સમજી લીધી.

‘જગતાપે મને છૂટાછેડા આપી દીધા.’ સુનેહા બોલી.

‘હેં? શું વાત છે, સુની?’ આ તો ખરેખર ગુડ ન્યુઝ કહેવાય, એટલે આમાં તો પાર્ટી આપવી જોઈએ તારે.’ પવનનો મૂડ ફરી બદલાયો.

‘હમમ...ખબર નહીં પવન પણ મને અંદરથી એટલીબધી ખુશી નથી થઇ રહી.’ સુનેહાના અવાજમાં હજીપણ સ્થિરતા હતી.

‘એટલે?’ સુનેહાનો આવો જવાબ સાંભળીને પવન થોડોક ગભરાયો. એને એમ લાગ્યુંકે ક્યાંક સુનેહાનો વિચાર બદલાઈ તો નથી ગયો ને?

‘એટલે એમકે મને એમ લાગે છે કે મારી લાઈફનું એક ચેપ્ટર આમ અચાનકજ પૂરું થઇ ગયું. હવે મને એમ થાય છે કે મેં જગતાપને ખુબ દુઃખી કર્યો છે પન્નું, પણ મારી પાસે એના સીવાય બીજો કોઈજ રસ્તો ન હતો.’ સુનેહાએ કારણ બતાવ્યું.

‘એ, એનેજ લાયક હતો, સુની. જવા દે ને? હવે તો તું ફ્રી થઇ ગઈ, બસ એન્જોય કર અને આપણા આવનારા બાબુ વિષે વિચાર હવે.’ પવન સુનેહાને ધરપત આપવાની કોશિશ કરી રહ્યો હતો, પણ ખરેખરતો એને આમ કરવાની કોઈજ પ્રેક્ટીસ ન હતી.

‘હમમ, કદાચ તારી વાત સાચી છે પન્નું. ચલ જવા દે. તેં સાચું જ કીધું કે હવે મારે આપણા બાળકની ચિંતા કરવી જોઈએ. આમેય મારે તો છુટકારો જ જોઈતો હતો ને એનાંથી? આ તો જસ્ટ...અચાનક જ આવું થયુંને એટલે મને...’ સુનેહાએ વાત અડધી મૂકી દીધી.

‘ચલ, હવે બહુ ચિંતા ના કર હવે એકાદ મહિના પછી તો આપણું બાબુ પણ આપણી પાસે આવી જશે, પછી હું, તું અને એ.’ પવનનાં અવાજમાં જ આનંદ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.

‘હા, પન્નું હું પણ એની જ રાહ જોઈ રહી છું. હવેતો લાગે છે કે એને પણ ઉતાવળ છે આપણને મળવાની.’ સુનેહા હવે સ્વસ્થ થઇ હોય એવું લાગ્યું.

‘એટલે?’ પવન સમજ્યો નહીં.

‘એટલે એમ કે આજકાલ તો મારી અંદર એ બહુ આંટા મારે છે. રાત્રે પણ અચાનકજ આમથી આમ ફરી જઈ ને મને જગાડી દે છે. અને અત્યારે તારી સાથે વાત કરી રહી છું તો જાણેકે એનેય એના પપ્પા જોડે વાત કરવી હોય એમ આમથી તેમ પડખાં બદલી રહ્યું છે તમારું આ બાબુ.’ સુનેહા હવે એના અસલ મૂડમાં આવી ગઈ હતી.

‘તમારું નહીં આપણું બોલ સુની...’ પવન અત્યંત લાગણીમાં આવીને બોલ્યો.

જે કોઇપણ વ્યક્તિ વર્ષોથી પવન રાઠોડને નજીકથી ઓળખતો હોય અને એ જો પવનને આ રીતે વાત કરતો સાંભળે તો એને જરૂર નવાઈ લાગે કે છેલ્લા દોઢવર્ષમાં પવન કેવો બદલાઈ ગયો હતો. આવોજ એક વ્યક્તિ હતો ભૂષણ પંડ્યા જે અત્યારે પવનની કેબીનમાં એની સામેજ બેઠો હતો અને પવનની વાત કરવાની બદલાયેલી સ્ટાઈલને અને એના બદલાયેલા સ્વભાવને સમજવાની કોશિશ કરી રહ્યો હતો.

‘હા, સોરી મારા પન્નું, આપણું બાળક. ચલ હવે મમ્મી-પપ્પાને થશે કે જમાઈરાજા હમણાં તો ગયા, તો પછી ફોન ઉપર અડધા કલાકથી એમની દીકરી કોની સાથે મંડી પડી છે?’ પવનની લાગણી સમજીને અડધી મીનીટ અટકી ગયેલી સુનેહા ખડખડાટ હસી પડી.

‘એમને કહી દેજે કે આ નવા જમાઈરાજ છે.’ સામે પવન પણ હસ્યો.

‘બહુ સારું, ચલ હવે, ફોન મુક. હું બહારના રૂમમાં જઉં છું. કાલે ફોન કરીશ.’ સુનેહાએ એકસાથે કેટલીય લાગણીઓ વ્યક્ત કરી.

‘ના, હવે તું મને મીસકોલ કરજે, હું તને ફોન કરીશ. હવે તો કોઇથી ક્યાં આપણે બીવાનું છે?’ પવને સુનેહાને યાદ અપાવ્યું.

‘હા, બરોબર. ચલ બાય તારી સંભાળ લેજે.’ આટલું કહીને સુનેહાએ કોલ કટ કરી નાખ્યો.

***

સુનેહાએ પવનને પોતાની સંભાળ લેવાનું તો કહ્યું પરંતુ ઘણીવાર આપણે ખુદ આપણી સંભાળ લઇ શકતા નથી. સુનેહાથી છુટા પડતી વખતે સુનેહાના મોઢેથીજ એના બાળકના પિતા તરીકે પવનનું નામ સાંભળીને જગતાપ ત્યારે તો કશું રીએક્ટ કરી શક્યો ન હતો, પણ તેણે એ જ વખતે પવનને ઠમઠોરવાનું તો નક્કી કરી જ લીધું હતું. અમદાવાદ પહોંચ્યા બાદ જગતાપે બીજેજ દિવસે પોતાની ફેક્ટરીની આસપાસની ઝુંપડપટ્ટીમાં રહેતા કેટલાંક ગુંડાઓનો સંપર્ક કર્યો અને એમને ‘યોગ્ય વળતર’ આપીને પવનને એ રીતે મારવાનું કહ્યું કે એ મરી ન જાય.

એ જ દિવસે સાંજે પવન જયારે ઓફિસેથી પોતાને ઘેર જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં સરખેજ ક્રોસિંગ પછી સાણંદ જવાના રસ્તે એક અંધારી જગ્યાએ આ ગુંડાઓએ પવનને આંતર્યો અને એની સારી પેઠે ધોલાઈ કરી. ખાસ કરીને એમણે પવનના ડાબા પગના નળા ઉપર જોરથી ઘા કર્યો અને એમાં ફ્રેકચર કરી દીધું. પવન આમતો ચાર-પાંચ વ્યક્તિઓ ને એકલે હાથે પહોંચી વળત પણ અંધારાને લીધે અને ગુંડાઓએ રસ્તા પર ઢોળેલા ઓઈલને કારણે એનું બાઈક સ્લીપ થઇ જતાં પવનને રીએક્ટ કરવાનો સમયજ ન મળ્યો.

ગુંડાઓના ગયા બાદ પવને પોતાના મોબાઈલથી હૈદરને ફોન કર્યો અને હૈદર પવનને પવનનાં જ જાણીતા ઓર્થોપેડિક ડોક્ટરને ત્યાં રીક્ષામાં લઇ ગયો. હોસ્પિટલ જતાં રસ્તામાંજ પવનને ખ્યાલ આવી ગયો કે આ કામ જગતાપ સીવાય બીજા કોઈનું ન હોઈ શકે. પણ એણે સુનેહાના ભવિષ્યનો વિચાર કરીને કોઈજ પોલીસ ફરિયાદ પણ ન કરી. સુનેહાને પણ તેણે ફક્ત બાઈક સ્લીપ થઇ ગઈ હોવાની જ વાત કહી અને પોતે એકદમ મજામાં છે એમ પણ કહ્યું. પવનનાં નળાનું ફ્રેકચર નસીબજોગે એટલું ગંભીર ન હતું અને એક મહિનાના પ્લાસ્ટર પછી પવન ફરીથી હાલીચાલી શકવાનો હતો.

આ એક મહિનો પવનની અત્યારસુધીની જિંદગીનો પણ ખુબ મહત્વનો મહિનો હતો. કારણકે આ મહિનો પૂરો થતાંજ પવન પિતા બની જવાનો હતો.

***

પોતાની સારવારમાં અને સુનેહા સાથે સતત સંપર્કમાં રહેવાથી પવનને તો આ એક મહિનો ક્યાં વીતી ગયો એની ખબરજ ન પડી. આ એક મહિના બાદ સુનેહાએ જોધપુરની એક હોસ્પીટલમાં એક તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો. બાળકીનો જન્મ થતાંજ સુનેહા અત્યંત આનંદિત થઇ ગઈ. પોતાની બાજુમાં જ સુઈ રહેલી અને પોતાનાંજ શરીરમાંથી બનેલી આ બાળકીને સુનેહા સતત જોતી રહેતી. ભલે આ બાળકી સુનેહાએ જગતાપ પર બદલો લેવાના પ્લાનને લીધે જન્મી હોય પણ હવેતો સુનેહામાં રહેલી માતૃત્વની ભાવના અત્યારે ઉછાળા મારી રહી હતી અને એટલેજ સુનેહા વારેવારે પોતાની આ કન્યાને ચૂમી લેતી.

***

સુનેહા ઉપરાંત એના માતાપિતાને પણ કુદરતી રીતે પોતાની પુત્રીને થયેલા પુત્રી જન્મનો આનંદ હોયજ અને એટલેજ બાળકીના જન્મ બાદ સુનેહાના પિતાએ તરતજ જગતાપને વધાઈ આપવા માટે કોલ કર્યો. જવાબમાં જગતાપે અત્યંત ક્રૂર ભાષામાં વાપરી અને સુનેહાના પિતાને એમ પણ કહી દીધું કે સુનેહાનું આ બાળક એનું નથી પરંતુ સુનેહાના બોસ પવન રાઠોડથી થયેલું છે અને આ કારણેજ એણે સુનેહાને ઓલરેડી છૂટાછેડા આપી દીધા છે. એટલુંજ નહીં જગતાપે સુનેહાના પિતાને ફરીથી ફોન ન કરવાની ચેતવણી પણ આપી.

જગતાપની આ વાતથી આહત થયેલા સુનેહાના પિતાએ આ વાત સુનેહાની માતાને કહી. તરતજ બંને સુનેહા, જે રૂમમાં હતી ત્યાં આવ્યા અને સુનેહા પાસે જગતાપે કરેલી વાતની ચોખવટ માંગી. જો કે સુનેહા આ સવાલનો સામનો કરવા માટે માનસિક રીતે તો છેલ્લા એક મહિનાથી જ તૈયાર હતી પરંતુ પુત્રી જન્મ્યાના માત્ર એક કલાકમાંજ એના માતા-પિતા એને આ સવાલનો જવાબ માંગશે એની આશા એને નહોતી. પણ તેમ છતાંય પ્રસુતિ બાદ અત્યંત નબળાઈ મહેસુસ કરી રહેલી સુનેહાએ પોતાના લગ્નથી છેક જગતાપ એને ઘેરે મુકવા આવ્યો ત્યાંસુધીની તમામ માહિતી એના માતા-પિતાને આપી. જો કે આ માહિતી સંપૂર્ણપણે સાચી નહોતી, કારણકે સુનેહાએ આટલા વર્ષ જગતાપે એને આપેલા ત્રાસની વાત કરી પણ જગતાપ પુરુષમાં ન હતો એ વાત તેણે ન કરી. આ ઉપરાંત જગતાપનો પેલો આરોપ કે સુનેહાની પુત્રી એની નહીં પરંતુ પવનની છે, ને પણ સુનેહાએ કડક શબ્દોમાં નકારી નાખ્યો. કદાચ સુનેહાને એવું લાગ્યું કે અત્યારે જો એ આ નગ્ન સત્ય પોતાના માતા-પિતાને કહી દેશે તો એ બંને માંથી કોઈ એક કદાચ આ એ આઘાતને જીરવી નહીં શકે. સુનેહાની આ ચોખવટથી એના માં-બાપ સંપૂર્ણપણે સંતોષ પામ્યા હોય એવું તો ન લાગ્યું પણ પોતાની પુત્રીએ આટલોબધો ત્રાસ સહન કર્યો છે અને એટલેજ એણે જગતાપને છૂટાછેડા આપ્યા છે એ વાતે તેઓને રાહત આપી.

***

“શું થયું બોલને?” પવનની અધીરાઈ હવે રોકી રોકાય એમ ન હતી.

પુત્રીજન્મ ના પુરા એક દિવસ બાદ સુનેહાને હોસ્પીટલમાંથી રજા મળી અને ઘરે આવ્યા બાદ જ તેને પોતાનો મોબાઈલ પાછો મળ્યો હતો, આથી એના માતા-પિતા બપોરે પોતાના રૂમમાં આડે પડખે થયા કે તરતજ સુનેહાએ પવનને ફોન કર્યો. પવનને પોતે એક બાળકને જન્મ આપ્યો છે એમ કહ્યાની બે મિનીટ પછી પણ સુનેહાએ એણે પુત્રને જન્મ આપ્યો છે કે પુત્રીને એ જણાવ્યું નહીં અને એટલેજ પવન ખુબ અધીરો થઇ રહ્યો હતો.

‘તું જ કે? પોતાની જાતને બહુ હોશિયાર માને છે ને?’ સુનેહા ફૂલ મસ્તીના મૂડમાં હતી.

‘અરે, મેં પૂછ્યું કે દીકરી, તો તું કશું બોલી નઈ, પછી કીધું કે દીકરો તોય તું મૂંગી રઈ, હવે મારે શું બોલવું બોલ?’ પવન ખુબ ઉતાવળો થયો હતો.

‘તેં સહુથી પહેલા શું પૂછ્યું’તું?’ સુનેહાએ સવાલ કર્યો.

‘એમજ કે દીકરી?’ પવને એક સેકન્ડમાં જવાબ આપી દીધો.

‘હા તો તું સાવ સાચો છે મારા પન્નું પપ્પા!’ સુનેહાએ અંતે પવન સામે રાઝ ખોલ્યો.

‘સાચ્ચે જ? વાહ..તને ખબર નથી સુની હું કેટલો ખુશ છું! થેન્ક્યુ વેરી મચ!’ પવનને રીતસર નાચવાનું મન થયું, પણ સ્ટાફ જોઈ જશે તો શું કહેશે એમ વિચારીને પવને પોતાની જાત ઉપર કંટ્રોલ મેળવી લીધો.

‘થેંક્સ તો મારે તને કહેવાના હોય પન્નું, તે મારા પર આંધળો વિશ્વાસ મુકીને મેં જે કહ્યું તે કર્યું અને તારા સ્વભાવ વિરુદ્ધ જઈને જગતાપ સામે કોઈજ એવા પગલા ન લીધા જેને લીધે આપણો પ્લાન ફેલ જાય.’ સુનેહા બોલી.

‘અરે, એ તો એમજ હોય ને સુની? હવે આપણે ક્યાં અલગ-અલગ છીએ?’ પવને સુનેહાને સમજાવતા કહ્યું.

‘એ વાત સાચી, પવન. પહેલા આ બાળક જગતાપને એની સાચી જગ્યા દેખાડવા નો એક પ્લાન જ હતો, પણ હવે આ આપણું, સુનેહા અને પવનનું સંતાન, એક દીકરી છે અને મને એની ખુબ ખુશી છે.’ સુનેહાના અવાજમાં એક અનોખો આનંદ સંભળાઈ રહ્યો હતો.

‘તો પછી દીકરીના પપ્પા એને મળવા અત્યારેજ નીકળે છે અમદાવાદથી જોધપુર.’ પવન બોલ્યો.

‘ના, ના, ના એમ જરાય ન કરતો. હજી થોડો થોભી જા, હું તને કહું પછીજ આવજે.’ સુનેહાએ અચાનક જોધપુર આવવા માટે તૈયાર થઇ ગયેલા પવનને રોકતા કહ્યું.

‘અરે? હવે કોનાથી ડરવાનું છે યાર? જગતાપે પણ તને છૂટાછેડા આપી દીધા છે!’ પવનને સુનેહાની ના પાડવાની વાત સમજણમાં ન આવી.

‘મમ્મી-પપ્પા, પવન. મેં માંડમાંડ એમને શાંત કર્યા છે. જગતાપે તો એમને ફોન ઉપરજ કહી દીધું હતું કે અમારા છૂટાછેડા થઇ ગયા છે અને આ છોકરી પણ એની નથી. કાલેજ અમારી વાત થઇ અને મેં એ બંનેને આપણા વિષે કશુંજ નથી કીધું. મને થોડોક ટાઈમ આપ પન્નું.’ સુનેહાએ પવનને સમજાવવાની કોશિશ કરી.

‘હજી કેટલી વેઇટ કરવાની યાર? તું જલ્દી કર હોં? મારાંથી હવે નથી રહેવાતું.’ પવનની વાત પણ સાવ ખોટી ન હતી.

‘બસ, એક વીક, પછી તને હું કહીશ, પ્રોમિસ.’ સુનેહાએ પવનને શાંત કર્યો.

‘ઠીક છે, એક વીક એટલે એક વીક. જો ત્યાંસુધી તું મને જોધપુર આવવાનું નહીં કે, તો હું આવતાં ગુરુવારે હું તારા ઘરનાં બારણે ઉભો હોઈશ અને તારા મમ્મી-પપ્પા ની નજર સામે તને અને ઢીંગલીને અમદાવાદ લઇ આઈશ.’ પવને રીતસરનું અલ્ટીમેટમ આપી દીધું.

‘હા, બાબા તારે જેમ કરવું હોય એમ કરજે બસ? પણ હું એવું નહીં થવા દઉં, પ્રોમિસ’ સુનેહાના દ્રઢ અવાજે પવનને વિશ્વાસ અપાવ્યો.

***

સુનેહા સાથે આ વાત થયા બાદ સતત એક અઠવાડિયું પવન અને સુનેહા એકબીજા સાથે ફોન ઉપર કલાકો વાત કરતાં રહ્યા. પણ જયારે જયારે પવન, એ જોધપુર ક્યારે આવે એની વાત છેડતો ત્યારે ત્યારે સુનેહા એને કાલે કહું છું એમ કહીને વાત ટાળી દેતી. છેવટે પવને આપેલા અલ્ટીમેટમવાળો ગુરુવાર પણ આવી ગયો. પવને બુધવારે રાત્રે જયારે સુનેહાને પોતે બીજે દિવસે સવારે ત્યાં આવે છે અને પોતે હવે સુનેહાનું કોઈજ બહાનું નહીં સાંભળે એમ કહેવા માટે કોલ કર્યો ત્યારે સુનેહાનો ફોન સ્વીચ ઓફ આવ્યો. કદાચ બેટરી ઓછી હશે એવું દસ-બાર વખતના પ્રયાસ બાદ પવને વિચાર્યું. પણ સુનેહાનો સંપર્ક કરવાનાં અસંખ્ય પ્રયાસો બાદ જયારે શુક્રવાર સવાર સુધી સુનેહાનો ફોન સ્વીચ ઓફ જ આવ્યો ત્યારે પવનને ચિંતા થઇ. તેણે જે થશે એ જોયું જશે એમ વિચારીને સુનેહાના ઘરનો લેન્ડલાઇન ફોન લગાવ્યો, પણ કેટલીય રીંગો વાગ્યા બાદ પણ એ ફોન કોઈએ ઉપાડ્યો નહીં. હવે પવનની ચિંતા અત્યંત વધી ગઈ હતી. પવનને લાગ્યું કે ક્યાંક ગુસ્સામાં આવી જઈને જગતાપે તો સુનેહા અને એના પરિવાર કે ખાસકરીને એની દીકરીને તો કોઈ નુકસાન નહીં પહોંચાડ્યું હોય ને? એણે તરતજ આવા સમયમાં કામ આવતાં પોતાના મિત્ર ભૂષણની સલાહ લેવા કોલ કર્યો. ભૂષણે પવનને તરતજ જોધપુર રવાના થવાની સલાહ આપી.

***

ભૂષણની સલાહ અને પોતાની ચિંતાને માન આપીને પવન તરતજ પોતાને ઘેર ગયો અને બે-ત્રણ જોડી કપડાં બેગમાં નાખી ને રુડીબાને “ઓફીસના કામે જાઉં છું કાલે આવી જઈશ” પોતાની કાર લઈને જોધપુર તરફ રવાના થઇ ગયો. વગર રોકાયે કરેલા ડ્રાઈવિંગ ને લીધે પવન માત્ર ત્રણ – સાડા ત્રણ કલાકમાં જ જોધપુર પહોંચી ગયો. સુનેહાને ઘેર પહોંચતા જ તેના ઘર પર તાળું જોવા મળ્યું. થોડીવાર રાહ જોયા બાદ પવને આસપાસ રહેતા પડોશીઓ ને સુનેહા અને એના માતા-પિતા વિષે પૃચ્છા કરી. એક પડોશીના કહેવા મુજબ સુનેહા તો બે દિવસથી જ દેખાતી નથી અને એના માતાપિતા પણ આજે સવારથીજ ક્યાંક ગયા હતાં અને લગભગ સાંજે આવી જશે એવું એમને લાગતું હતું.

પવનની ચિંતા નો પાર ન રહ્યો, પણ એની પાસે રાહ જોવા સીવાય બીજો કોઈ રસ્તો પણ ન હતો. એ સુનેહાના ઘર પાસેજ કાર પાર્ક કરીને એમાં બેઠો રહ્યો. છેક સમીસાંજે સુનેહાના ઘરનું બારણું એક પ્રૌઢ ઉંમરનો કોઈ વ્યક્તિ ખોલતો હોય એવું પવનને લાગ્યું. બાજુમાંજ એક મોટી ઉંમરની સ્ત્રી, જે સુનેહા જેવીજ દેખાતી હતી એને જોતાંજ એ સુનેહાની માતા હોય એવું પવનને સ્પષ્ટ થઇ ગયું. પણ સુનેહા કયાંય દેખાતી ન હતી. અત્યંત ચિંતાતુર હોવા છતાં પણ આ બંને ઘરમાં જાય એની પવન રાહ જોવા લાગ્યો. જેવા પેલા બંને ઘરમાં ઘુસ્યા કે પવન તરતજ પોતાની કારમાંથી બહાર આવ્યો. કારને બરોબર લોક કરીને એ સુનેહાના ઘરે ગયો.

ઘરનું મુખ્ય બારણું હજી ખુલ્લું જ હતું, પણ પવને ડોરબેલ વગાડી. સુનેહાના માતા તરતજ રસોડામાંથી બહાર આવ્યા. પવને સુનેહા બાબતે પૂછ્યું અને આટલું સાંભળતાં જ તેઓ અચાનકજ ખુબ રડવા માંડ્યા. એમનું રુદન સાંભળીને તરતજ બીજા રૂમમાંથી સુનેહાના પિતા પણ આવ્યા. સુનેહાના પિતાનાં ચહેરા પર પણ અસ્વસ્થતા સ્પષ્ટ દેખાઈ રહી હતી, પણ તોય તેમણે પવનને શાંતિથી જાણકારી આપી કે ગઈકાલે વહેલી સવારે સુનેહા એ બંને પર લખેલો એક પત્ર મુકીને એની પુત્રીને લઈને ક્યાંક ચાલી ગઈ છે અને એમને એ બાબતની કોઈજ જાણકારી નથી કે તે ક્યાં ગઈ છે. પત્રમાં પણ સુનેહાએ પોતાને ન શોધવાની વાત કરી છે. સુનેહાએ આ ચિઠ્ઠીમાં પોતાની પુત્રીનો પિતા જગતાપ નથી પણ કોઈક પવન છે એમ પણ લખ્યું છે. આથી એમણે આજેજ એમના કુટુંબના વડીલોની સલાહ લીધી ત્યારબાદ એમણે નિર્ણય કર્યો કે પોલીસ ફરિયાદ ન કરવી કારણકે એમ કરવાથી બીજી ઘણીબધી બાબતો પણ બહાર આવશે અને એનાથી કુટુંબનું નામ ખરાબ થશે. તેઓ અત્યારે એ વડીલને ઘેરેજ થીજ પાછા આવ્યા છે અને અંધારું થયા બાદ આવ્યા છે, જેથી કાલ સવાર સુધી તેઓ સુનેહા બાબતે પડોશીઓ ના સવાલોથી દુર રહી શકે.

પવનને સુનેહાના પિતાની વાતથી અત્યંત આઘાત પહોંચ્યો. તે પોતાની જાતને માંડમાંડ સંભાળી રહ્યો હતો. છેવટે પવનની માતાના વારંવારના સવાલ કે “એ કોણ છે?” ના જવાબમાં થોડીવાર પછી છેવટે પવને એમને જણાવ્યું કે એ પોતેજ પવન છે, જેના વિષે સુનેહાએ પેલા પત્રમાં જણાવ્યું છે. પવન રાઠોડ, સુનેહાની પુત્રીનો અસલી પિતા. આટલું સાંભળીને સુનેહાના માતા ફરીથી ખુબ રડવા લાગ્યા પણ સુનેહાના પિતાનો ચહેરો આ હકીકત સાંભળ્યા બાદ પણ એકદમ સપાટ જ રહ્યો. છેવટે થોડીવાર બાદ સુનેહાનાં માતાએ પાસે પડેલા ટેબલના ડ્રોઅરમાંથી એક કવરમાં પેક કરેલો એક પત્ર પવન ને આપ્યો. સુનેહાએ પોતાના માં-બાપને લખેલી ચિઠ્ઠીમાં કહ્યું હતું કે આ કવર એલોકો પવન સીવાય કોઈને પણ ન આપે કે ન ખોલે.

કવર હાથમાં આવતાંજ પવનને થોડી રાહત થઇ કે કદાચ સુનેહાએ પોતે ક્યાં ગઈ છે એની માહિતી આ પત્રમાં આપી હશે. સુનેહાની માતા દ્વારા પત્ર આપવાની સાથેજ સુનેહાના પિતાએ આંખમાં આંસુ સાથે બે હાથ જોડીને પવનને ત્યાંથી જતાં રહેવાનું કહ્યું અને ટકોર પણ કરી કે હવે તે ત્યાં પાછો ક્યારેય ન આવે. સુનેહાને પણ તેઓ બદનામીને ડરે હવે ક્યારેય નહીં શોધે એવી વાત પણ તેમણે પવનને કરી. આથી પવને પોતાને લખેલો પત્ર ઉતાવળ ન કરીને ,કારમાં જઈને જ શાંતિથી વાંચવાનું નક્કી કર્યું.

સુનેહાના માતા-પિતાની વિદાય લઈને પવન કારમાં બેઠો અને કારને થોડીક દુર લઇ જઈને એકતરફ મૂકી. પવનની ઇન્તેજારી હવે હદ વટાવી ચુકી હતી, એને જાણવું હતું કે સુનેહાએ પત્રમાં પોતાને ક્યાં આવવાનું કહ્યું છે.

સાંજ પુરેપુરી ઢળી ચુકી હોવાથી પવને કારની અંદરની લાઈટ ચાલુ કરીને ગુંદરથી બરોબર ચોંટાડેલું પેલું કવર સાઈડમાંથી ફાડ્યું અને એમાં રહેલો સુનેહાનો પત્ર ખોલીને એને વાંચવાનું શરુ કર્યું.

=: પ્રકરણ તેર સમાપ્ત :=

રેટ કરો અને રિવ્યુ આપો

ATULCHADANIYA

ATULCHADANIYA 3 અઠવાડિયા પહેલા

Ami

Ami 1 વર્ષ પહેલા

Chandresh N Vyaas

Chandresh N Vyaas 1 વર્ષ પહેલા

Jital Patel

Jital Patel 2 વર્ષ પહેલા

Jainish Dudhat JD

Jainish Dudhat JD માતૃભારતી ચકાસાયેલ 2 વર્ષ પહેલા