Suneha - 10 books and stories free download online pdf in Gujarati

સુનેહા - ૧૦

-: દસ :-

‘બેસો બંને જણા.’ જેરામ દેસાઈનાં અવાજમાં હુકમ હતો.

જગતાપ એની ખુરશીમાંથી ઉભો થઈને એની બાજુમાં પડેલી ખુરશી બેઠો અને સુનેહાને એણે ખાલી કરેલી સીટ ઉપર બેસવાનો એણે ઈશારો કર્યો. સુનેહા એક રોબોટની જેમ એના ઈશારાને માની ગઈ અને એની બાજુમાં બેસી ગઈ. આ બાજુ પવન જેરામ દેસાઈના ટેબલની બાજુમાં મુકેલા એક વિશાળ સોફા પર બેસી ગયો.

‘જગતાપભાઈનું એમ કહેવું છે કે તમારી બંને વચ્ચે કોઈ પ્રેમપ્રકરણ ચાલી રહ્યું છે અને એના પ્રૂફ એમણે મને એમનાં મોબાઈલમાં પણ બતાવ્યા છે, પણ તમે બંને મારો સ્વભાવ જાણો છો કે હું કોઇપણ ઘટનાના બંને પક્ષ જોયા વીના મારો નિર્ણય લેતો નથી, એટલેજ તમને બેયને અહિયાં બોલાવ્યા છે એટલે તમારી સાઈડ પણ સાંભળીને દૂધ અને પાણી બેય જુદા કરી શકાય.’ જેરામ દેસાઈએ એની કેબીનમાં છેલ્લી અમુક મીનીટોથી વર્તી રહેલી નીરવ શાંતિ તોડી.

જેરામ દેસાઈની વાત એકદમ મુદ્દાસર હતી એટલે સુનેહા કે પવન બંને પાસે હા અથવા ના સિવાય બીજો કોઈ જવાબ આપવાનો કોઈ વિકલ્પ હતોજ નહીં. કદાચ એટલેજ બંનેએ ફરીથી લાંબો સમય ચુપ રહેવાનું જ પસંદ કર્યું.

‘પવન....? સુનેહા....?’ લગભગ અડધી મીનીટની શાંતિ પછી જેરામ દેસાઈએ બંનેને જગાડવાનો પ્રયાસ કર્યો.

‘એ...એ..એવું કશુંજ નથી...’ જેરામનાં અચાનક ઢંઢોળવાથી પવન બસ આટલુંજ બોલી શક્યો જયારે સુનેહા હજીપણ ચુપ હતી અને એની નજર હજીપણ નીચી હતી.

‘શું કરવા ખોટું બોલે છે યાર? લે આ જો... આ જો...’ એમ કહીને જગતાપે દુરથી પવન સામે પોતાનો મોબાઈલ ધરીને પોતાનાં અંગુઠાથી એક પછી એક ફોટાઓ સ્વાઇપ કરવા લાગ્યો. જગતાપ દુર બેઠો હોવાથી પવનને એમાંનો એકપણ ફોટો સ્પષ્ટ ન દેખાયો પણ એને સમજાઈ ગયું કે જગતાપ એને એના અને સુનેહાનાં ફોટા દેખાડવાની કોશિશ કરી રહ્યો છે.

‘આમાં ખોટું શું છે? ઓફીસના કામે મારે સુનેહા મેડમને બહાર લઇ જવા પડે. જેરામ સરને કઈને જ જઉં છું અને એમને પણ ખબર જ છે કે અમુક એકાઉન્ટ તો સુનેહા મેડમજ જોવે છે એટલે એ જો સાથે હોય તો ક્લાયન્ટ કશુ પૂછે તો મેડમ જ સરખો જવાબ આપી શકે ને?’ પવનમાં થોડીક હિંમત આવી...ખોટું બોલવાની!

‘એટલે મેડમને બહાર મોંઘી હોટલોમાં લંચ પર લઇ જવાના? બહાર આમ ખુલ્લેઆમ હસી હસીને તાળીઓ આપવાની? જુવો આ ફોટો, હોટલ ક્રાઉન પેલેસમાંથી તમે બહાર નીકળી રહ્યાં છો...અને આ જો, તમે બંને હસતાં દેખાવ છો અને તમે સુનેહાને ખભે હાથ મુક્યો છે.’ જગતાપે બે-ત્રણ ફોટાઓ શોધીને દેખાડવાની કોશિશ કરી, જે પવનને તો ન દેખાયા પણ સુનેહાએ એને આડી નજરે જોઈ લીધાં અને એનાં હ્રદયનાં ધબકારા વધવા માંડ્યા.

‘જુવો સાહેબ, મોટાભાગની મીટીંગો કાંતો લંચ પહેલાં હોય કાંતો લંચ પછી હોય અને અહિયાથી અમુક એરિયામાં જવું હોય તો ભેગો ડબ્બો ન લઇ જવાય, એટલે પછી બહારજ ખ’ઈ લેવું પડે સમજ્યા? અને આ હાથ તો કદાચ કોઈ મજાક કરતી વખતે એમજ મુકાઈ ગયો હશે.’ પવનનાં અવાજમાં પણ હવે હિંમત હતી અને એ વિશ્વાસપૂર્વક ખોટું બોલી રહ્યો હતો. જો કે આમ કરતી વખતે પણ એનેતો સુનેહાની ફિકર તો હતી જ.

‘પવનની વાત સાવ ખોટી નથી જગતાપભાઈ, એ કાયમ મને કહીને જ સુનેહાને લઈને બહાર જાય છે અને આવી મીટીંગો લગભગ એવાં સમયેજ હોય છે કે જયારે લોકો બહુ કંટાળેલા ન હોય.’ જેરામ દેસાઈએ પવનનાં સૂરમાં સૂર પુરાવ્યો, પવનને થોડીક નવાઈ લાગી.

‘પણ તો પછી આ ચાર-પાંચ મહીના પછી તરતજ સુનેહાનાં પગારમાં સીધો ચાર હજાર રૂપિયાનો વધારો કરેલો એનું શું? વાત તો છ મહીને પગાર વધારવાની વાત થઇ હતી ને? અને વારેવારે તું જે સુનેહાને છેક ઘેર સુધી મુકવા આવે છે એનું શું?’ જગતાપ પૂરી તૈયારી સાથે આવ્યો હતો, પણ પવનને જગતાપનો એને ઉદ્દેશીને કરેલો તુંકારો ન ગમ્યો.

‘એતો મેડમ જે આ એક્સ્ટ્રા કામ, જે ખરેખર એમનું કામ નથી તોપણ દિલથી કરે છે, પોતાની ઓફીસ ગણીને કરે છે એના માટે છે. જો એમણે આ એકાઉન્ટનું કામ સામે ચાલીને ના લીધુ હોત તો પગાર છ મહીનેજ વધત અને ઘણીવાર ઓફિસમાં મોડું થઇ જાય તો એ શાંતિથી ઘરે પહોંચી જાય એની જવાબદારી ઓફીસના મેનેજર તરીકે મારે લેવી પડે ને? એમાં અમારી વચ્ચે લફરું છે એવું ક્યાં સાબિત થયું?’ ખોટાં તથ્યો આધારિત પણ આત્મવિશ્વાસથી ભરપુર એવી પવનની દલીલ પણ સાવ નાખી દેવા જેવી ન હતી.

‘અને મારો પણ નિયમ છે જગતાપભાઈ કે કોઈ વ્યક્તિ મારું કામ એનું પોતાનું કામ સમજીને કરે તો એને તરતજ યોગ્ય વળતર આપવું જોઈએ અને પવન પણ મારાં હાથ નીચેજ ઉછર્યો છે એટલે એનામાં આ ગુણ આવેજ એ સ્વાભાવિક છે. તમે જે ફોટાઓ દેખાડો છો એને જો તમારી રીતે જોવા જાવ તો જરૂર શંકા જાય, પણ પવનની વાત સાંભળીને મારી શંકા તો દુર થઇ ગઈ છે કે આ બંને વચ્ચે એવું કશુંજ નથી જેવું તમે સમજી રહ્યાં છો, એટલે તમે પણ મન સાફ કરી નાખો. પવનને સોરી કહેવામાં જો તમારો જીવ ન ચાલતો હોય તો એ સમજી શકાય એવી બાબત છે પણ સુનેહાને ઘેરે જઈને સોરી કહી દેજો.’ જેરામ દેસાઈએ એક અનુભવી વડીલની જેમ જગતાપને સલાહ આપી. જો કે પવનને હજીપણ આશ્ચર્ય થતું હતું કે જેરામ દેસાઈ એનો પક્ષ કેમ લઇ રહ્યો છે કારણકે એને ખ્યાલ આવીજ ગયો હતો કે જેરામ દેસાઈને એના અને સુનેહાના પ્રેમપ્રકરણની જાણ થઈજ ગઈ છે.

‘ઓહો, મને તો એમ કે સુનેહાતો આ પવનને જ સાચવતી હશે, પણ અહિયાં તો બબ્બે જણા એની તહેનાતમાં હાજર છે.’ પવન અને જેરામની ધારદાર દલીલોનો કોઇપણ જવાબ પોતે સાચો હોવા છતાંપણ ન હોવાથી જગતાપનો ગૌરવર્ણી ચહેરો ધીરેધીરે લાલ બની રહ્યો હતો જે એના ગુસ્સાને રજૂ કરી રહ્યો હતો.

‘એટલે તમે કહેવા શું માંગો છો, મિસ્ટર?’ જેરામ દેસાઈને આભાસ થઇ ગયો કે જગતાપે પોતાના શકના વર્તુળમાં માં એને પણ એણે શામેલ કરી લીધો છે અને એટલેજ પવન હજી કાઈ બોલે એ પહેલાંજ એણે જગતાપની સ્પષ્ટતા માંગી.

‘એટલે એમ કે મારી આ ચાલુ વાઈફ તમને બેયને અહિયાં ઓફિસમાં આખો દિવસ મજા કરાવતી હશે એટલે તમે એના બદલામાં બેય જણા મળીને એનું ખેચો છો અને એની એ મહેનતની ફીસ તો તમે ના આપી શકો એટલે એનો પગાર ચાર મહીને વધારી દીધો એમ...’ જગતાપે એની હદ પાર કરી.

‘એ..એ..એ...એ....તારી જબાન સંભાળ.....’ પવન જગતાપ આગળ કાઈ બોલે એ પહેલાંજ ઉભો થયો અને જેરામ દેસાઈના ટેબલે ઝુકીને એનો કોલર પકડી લીધો અને એને પોતાની તરફ ખેંચ્યો.

‘ઓફિસની બહાર કાઢો આ હરામજાદાને!! એને ખબર નથી એણે કોની સામે આંગળી ચીંધી છે!’ જેરામ દેસાઈ પણ ત્રાડ પાડીને પોતાની ખુરશીમાંથી ઉભો થઇ ગયો અને ક્રોધથી ધ્રુજવા માંડ્યો.

જેરામ દેસાઈનો ગ્રીન સિગ્નલ મળતાંજ પવને જગતાપને એના કોલરથી રીતસરનો ખેંચ્યો. આ દરમ્યાન સુનેહા પણ એની સીટ પરથી ઉભી થઇ ગઈ હતી અને કેબીનના દરવાજે ખૂણામાં ઉભી રહી ગઈ , એની આંખોમાં આંસુ હતા. કેબિનમાંથી જેરામ દેસાઈનો અવાજ બહાર પણ સંભળાતા કેબીનની બહાર સ્ટાફ પણ ભેગો થઇ ગયો. પવને જગતાપનો કાંઠલો પકડ્યો અને એને ખેંચીને પહેલાં કેબીનની બહાર અને પછી ઓફિસની બહાર કાઢી મુક્યો.

‘બીજીવાર આવું બોલતાં બે વાર વિચારજે!’ ઓફિસની બહાર જગતાપને ધક્કો મારીને પવન બોલ્યો.

‘તને તો હું જોઈ લઈશ. તને ખબર નથી આખા વટવા ગામનાં ગુંડાઓ મને ઓળખે છે, ચપટીમાં પૂરો કરી નાખશે ચપટીમાં!’ પવન સામે ચપટી વગાડતા વગાડતા જગતાપ બોલ્યો.

‘અરે કોઈને પણ મોકલને? આ પવન રાઠોડ એક એક પર ભારે પડશે અને આમ ભાડુતી ગુંડાઓની લુખ્ખી ધમકી ના આપ, મરદ હોય તો કોઈકવાર જાતે આવજે બહાર.’ પવને ‘મરદ’ શબ્દ પર જાણીજોઈને ભાર મુક્યો અને એ સાંભળતાંજ જગતાપ ત્યાંજ ઢીલો પડી ગયો.

જગતાપ ફટાફટ પગથીયા ઉતરવા લાગ્યો અને સુનેહા ભીની આંખે પવન સામે બે સેકન્ડ જોઇને જગતાપની પાછળ પાછળ ઉતરી ગઈ.

***

‘હવે જે કાઈપણ હોય તે મને સાચેસાચું કહી દે પવન અને તું જરાય ચિંતા ન કરતો કે હું તને લડીશ.’ જગતાપ અને સુનેહાના ગયાં પછી કેબીનમાં પાછાં ફરેલા પવન સામે જેરામ દેસાઈએ ત્વરિત અને ચમત્કારિક રીતે શાંતિ દેખાડતા પવનને થોડીક નવાઈ લાગી.

‘જેરામ સર, અત્યારે મારો મૂડ ઓફ્ફ થઇ ગયો છે, પછી કઈશ.’ જેરામ દેસાઈની સામેની ખુરશીમાં બેસતાં પવન બોલ્યો.

‘જો પવન, તારા બાપે મને કેવા સંજોગોમાં તને સોંપ્યો હતો તને ખબરજ છે. તારો ઉછેર મેં મારી પસંદગીએ મારાં દીકરાની જેમ કર્યો છે. તે મારી ગેરહાજરીમાં અત્યારસુધી શું-શું કર્યું છે એની રજેરજની માહિતી મારી પાસે છે. જગતાપ જેવાં પાંચસોને આ જેરામ દેસાઈ ક્યાંય સંતાડી દે અને દુનિયાભરની પોલીસને ખબર પણ ન પડે એ હકીકત પણ તું સારી પેઠે જાણે છે એટલે હવે તું ડર્યા વીના અને એકપણ શબ્દ ચોર્યા વીના મને આખોય મામલો સમજાવ.’ જેરામ દેસાઈએ પવનને બોલવા માટે મજબુર કરી દીધો.

જેરામ દેસાઈ પવન માટે ભગવાનથી જરાય ઓછો ન હતો એટલે એના હુકમનો અનાદર કરાય એ પવન માટે શક્ય જ ન હતું. પવને સુનેહા પ્રત્યેના એના આકર્ષણથી માંડીને એની અત્યારસુધીની આખીયે પ્રેમ કહાણી, જગતાપની તકલીફ સહીત બધુંજ જેરામ દેસાઈ સમક્ષ ખુલ્લું મૂકી દીધું. જેરામ દેસાઈએ ધ્યાન દઈને પવનની બધીજ વાતો સાંભળી.

‘જો, પવન એકત્રીસ ડીસેમ્બર રાત્રે જે થયું એ મને નહોતું ગમ્યું અને મને એમ લાગ્યું કે તું ફરીથી હાથમાંથી છટકી રહ્યો છે. જયારે તે પોલીસને મારી ઓળખાણ કરાવીને પૈસા આપીને મામલો સેટલ કર્યો ત્યારે મને લાગ્યું કે હવે મારે તને કંટ્રોલમાં લેવોજ પડશે. સવાલ પચાસ હજારનો નથી એ તને ખબર છે પણ હું મારાં બધાંજ જુના ધંધા બંધ કરીને રીટાયર થઇ ગયો હતો અને મારે એ જુના ધંધાઓને ક્યારેય ફરીથી યાદ નહોતા કરવા અને એટલેજ હું અમદાવાદ તરતજ પાછો આવ્યો.’ જેરામ દેસાઈએ એની વાત શરુ કરી.

‘હમમ.....’ પવન જેરામ દેસાઈની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો.

‘પણ, અમદાવાદ આવ્યાં પછી મેં તારી ગેરહાજરીમાં આખાયે સ્ટાફમાં તારા વિષે પુછપરછ કરી અને બધાંયે એકજ વાત કરીકે પહેલાંતો પવન સર વાતેવાતે ગુસ્સો કરતાં અને કોઈવાર સ્ટાફ ઉપર વગર વિચારે હાથ પણ ઉપાડી દેતાં, પણ છેલ્લાં અમુક મહિનાઓથી સાવ શાંત થઇ ગયાં છે. મને આ બાબતની ખુબ નવાઈ લાગી એટલે મેં હૈદરને પૂછ્યું અને તું એને કશુંજ નહીં કરે એની ખાત્રી આપી એટલે એણે દિવ્યા, જયશ્રી અને એ તમામ છોકરીઓ ઉપરાંત એ બે પહેલાની પણ બધીજ છોકરીઓ સાથેના તારા લફરાઓ વિષે મને વિગતે વાત કરી પણ પછી એણે કીધું કે તારી અને સુનેહા વચ્ચે કઈક ચાલે છે એવી એને શંકા છે. એટલે મેં સુનેહાનો બાયોડેટા મંગાવીને જોયો અને ખ્યાલ આવ્યો કે એ તો પરણેલી છે એટલે મને જરાક વધુ નવાઈ લાગી.’ જેરામ દેસાઈએ વાત આગળ વધારી.

‘પછી...?’ પવનને હવે ઉત્કંઠા જાગી હતી કે આટલીબધી ખબર હોવા છતાંય, જેની શંકા એને પણ હતીજ, જેરામ દેસાઈ કેમ અત્યારસુધી શાંત રહ્યાં અને કેમ આજેજ આ બાબત છેડી રહ્યાં છે અને એપણ જગતાપ સામે એનો પક્ષ લીધા પછી?

‘પછી મેં તને ઓબ્ઝર્વ કરવાનું નક્કી કર્યું અને આ ત્રણ – ચાર મહિનામાં મેં જોયું કે તું સાવ બદલાઈ ગયો છે. ગુસ્સો તો ઠીક મારાં ભઈ, એ તો મારોય ક્યાં ઓછો છે? પણ તું જવાબદાર બન્યો હોય આટલા વર્ષે એવું મને પહેલીવાર લાગ્યું. કબુલ કે આ કુરિયર કંપની આજે જે કઈપણ છે એ તારી મહેનતને લીધેજ છે પણ ઓફિસમાં અને ઓફિસની બહાર એક વ્યક્તિ તરીકે તું વધુ ઉભરીને બહાર આવ્યો હોય એવું મને લાગ્યું અને એની પાછળનું કારણ મને માત્ર અને માત્ર સુનેહાનું હોવાનું જ લાગ્યું, ખાસકરીને ત્યારે જયારે મેં તમને બંનેને સતત એકબીજા સાથે વધુને વધુ સમય ગાળતાં જોયા.’ જેરામ દેસાઈના મોઢા પર અત્યારે સ્મિત રમી રહ્યું હતું જેની પવનને પણ નવાઈ લાગી રહી હતી.

‘તો હવે?’ પવનને સમજાઈ નહોતું રહ્યું કે જેરામ દેસાઈ ખરેખર શું કહેવા માંગે છે.

‘હવે, અત્યારે તે મને જે જગતાપ વિષે વાત કરી ત્યારપછી અને હમણાં થોડીવાર પહેલાં એના વ્યવહારને જોયો પછી મને સુનેહાના પતિ તરીકે, જેને મારાં મતે તમે બંને ભેગાં મળીને અત્યારસુધી ઉલ્લુ બનાવી રહ્યાં હતા, જે થોડીઘણી પણ દયા હતી એ નથી રહી. જો, પવન જવાનીમાં મેંય તારીજેમ છોકરીઓને બહુ ફેરવી છે પણ કોઈવાર કોઈ સ્ત્રીનું અપમાન ન તો કર્યું છે કે ન તો કોઈને મારી હાજરીમાં કરવા દીધું છે, એટલે મને લાગે છે કે તમે બંને જે પ્લાન કરી રહ્યાં છો એ બરોબર છે અને એમાં મારી કોઇપણ જરૂર પડે તો બેધડક કહી દેજે. જગતાપ જેવો હરામખોર વ્યક્તિ તો આને જ લાયક છે. અત્યારે ઘરે પહોંચીને પણ એ બિચારી પેલી છોકરી પણ ત્રાસ ગુજારી જ રહ્યો હશે એની મને ખાત્રી છે.’ જેરામ દેસાઈ હજીપણ પવન સામે સ્મિત વેરી રહ્યો હતો અને પવન એના છેલ્લાં બે વાક્યો સાંભળીને એકદમ સ્તબ્ધ થઇ ગયો કારણકે પોતાનાં અને સુનેહાના પ્લાનમાં જેરામ દેસાઈ પણ એને મદદની ઓફર કરશે એનો તો એને વિચાર સુદ્ધાં નહોતો આવ્યો.

પવન પર જેરામ દેસાઈના અનેક ઉપકારો પર એક ઔર ઉપકાર ચડી ગયો અને એની આંખો ભીની થઇ ગઈ. પવન તરતજ ઉભો થઈને સડસડાટ એની કેબીનમાં જતો રહ્યો.

***

‘કેમ? બહુ ભૂખ છે તને હેં? તે બબ્બે લોકોને મજા કરાવે છે? એમાય પાછો એક તો સાવ ઘરડો ઘોડો અને બીજો જુવાન સાંઢ હેં? એ બે થી પેટ ભરાઈ જાયને એટલે મને કે’જે હું મારાં ફ્રેન્ડ્સને ત્યાં તને મોકલીશ, પણ હા એલોકો પેલો પવનીયો કે પેલો બુઢ્ઢો ખુશ થઈને તારી સામે જેમ પૈસા વેરે છે એમ તારી સામે પૈસા નહી વેરે હોં!!’ સુનેહાની ઓફિસથી ઘરે પહોંચતા વેંત જગતાપ સુનેહાને પોતાનાં બેડરૂમમાં લઇ જઈને સિધ્ધો એનો ચોટલો ખેંચ્યો અને એના પર વરસી પડ્યો.

પોતાની નામર્દાઈનો જગતાપને એટલો ડંખ હતો કે એણે હવે પવનની સાથે સાથે જેરામ દેસાઈને પણ પોતાની શંકાના ઘેરામાં લઇ લીધો. થોડીવાર સુનેહાને એના કમરપટ્ટાથી મારી, પછી એના ગાલ ઉપર તમાચાઓની વણઝાર ચલાવી અને છેલ્લે એનું મોઢું એક દીવાલ ઉપર અફળાવી અને જગતાપ શાંત થયો.

‘મને, કેન્યાથી આવી જવા દે, પછી જો તારી અને પેલા પવનીયાની ખબર લઉં છું. પણ ત્યાંસુધી તું અમદાવાદમાં નહી રહે. આજેને આજે જ તું જોધપુર જાય છે, તારા મમ્મી-પપ્પાને ત્યાં અને મીનીમમ એક મહિનો તું ત્યાંજ રહીશ. હું તને રોજ અહિયાથી અને કેન્યાથી જોધપુરમાં લેન્ડલાઈન પર તારે ઘેર ગમેત્યારે ફોન કરીશ અને ત્યારે તારે જ મારી સાથે વાત કરવી પડશે અને મારું મન થશે ત્યારે જ તને હું અહિયાં પાછી લઇ આવીશ, સમજી? ચાલ બેગ તૈયાર કરી દે આપણે એક કલાક પછી જોધપુર બાય રોડ નીકળીએ છીએ. હું ત્યાંસુધી મારું કામ ફોન ઉપર પતાવી દઉં.’ જગતાપે ભલે સુનેહાને મારવાનું બંધ કરી દીધું હતું પણ એનો ચહેરો હજીપણ લાલઘુમ હતો.

જગતાપના રૂમ છોડ્યા પછી સુનેહાએ રૂમનું બારણું બંધ કર્યું અને ડ્રેસિંગ ટેબલ સામે બેઠી. સુનેહાએ રૂમાલથી એના કપાળમાં પડેલા એક ઘસરકાને સાફ કર્યો અને એના ચહેરા પર એક સ્મિત આવી ગયું! કદાચ સુનેહાને પોતાનો પ્લાન આગળ વધારવા માટેનો રસ્તો આપોઆપ મળી ગયો હતો, એણે મનોમન જગતાપનો આભાર માન્યો.

=: પ્રકરણ દસ સમાપ્ત :=

બીજા રસપ્રદ વિકલ્પો