સુનેહા - ૧૨ Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

સુનેહા - ૧૨

-: બાર :-

‘એટલે?’ સુનેહાના આમ ‘હલ્લો’ બોલ્યા વીના સીધુંજ પોતે પ્રેગ્નન્ટ છે કહી દેતા પવન જરાક બઘવાઈ ગયો.

‘અરે, મારા બુદ્ધુરામ, તું પપ્પા બનવાનો છે અને હું મમ્મી!’ સુનેહા હસી રહી હતી.

‘હેં? કક ક્યારે? કેમ? કેવીરીતે?’ પવન હજીપણ બઘવાયેલી હાલતમાં જ હતો.

‘અરે પન્નું, તું કેમ આવો થઇ ગયો છે? ભૂલી ગયો તું જોધપુર આવ્યો હતો ગયા મહીને?’ સુનેહાએ પવનને યાદ અપાવ્યું.

‘અરે, યાદ છે, પણ આમ અચાનક તું મને હેલ્લો કીધા વીનાજ ખુશખબર આપે તો સમજતા સમજતા મને થોડી વાર તો લાગે ને?’ હવે પવન થોડો ‘ભાનમાં’ આવ્યો હોય એવું લાગ્યું.

‘હવે તો સમજી ગયોને?’ સુનેહાએ પૂછ્યું.

‘હા, યાર સમજી ગયો.’ હવે પવન પણ હસી રહ્યો હતો.

‘તો પછી મને વિશ તો કરો પપ્પાજી!’ સુનેહાએ અલગજ રીતે સંબોધીને પવનને વિશ કરવાનું કહ્યું એટલે પવન અત્યંત રોમાંચીત થઇ ગયો. પવને અત્યારસુધી વિચાર્યું જ ન હતું કે તે કોઈ દિવસ કોઈ બાળકનો પિતા પણ બનશે.

‘અરે, હા, કોન્ગ્રેટ્સ!’ આખરે પવને સુનેહાને અભિનંદન આપ્યાં, પણ હજી એને ખબર નહોતી પડી રહી કે એ કેવી રીતે આ સમાચારનો સ્વીકાર કરે.

‘બસ? આવું લુખ્ખું લુખ્ખું કોન્ગ્રેટ્સ?’ સુનેહાએ ફરિયાદનો નકલી સુર છેડ્યો.

‘ડાર્લિંગ, તું કે તો ભીનાં ભીનાં કોન્ગ્રેટ્સ બી આપવા આઈ જઉં, પણ તારો પેલો જગતાપ....’ પવન બોલ્યો.

‘બસ હવે થોડાંજ મહિના પન્નું, પછી, હું, તું અને આપણું બાળક.’ સુનેહાએ પવનને ધરપત આપી.

‘મને ખબર છે સુનેહા, એટલેજ તો હું મારા મનને કાબુમાં રાખીને બેઠો છું. બસ આ છ-સાત મહિના બહુ જલ્દીથી નીકળી જાય.’ પવને પોતાની ઉત્કંઠા જતાવી.

‘એ પણ નીકળી જશે પવન, પણ અત્યારે મને નીકળવા દે, કલાકનું કહીને આવી હતી અને બે કલાક થઇ ગયા, સાસુમા ફરિયાદ કરશે તો વળી મારે માર ખાવો પડશે જગતાપનો.’ સુનેહાના અવાજમાં હજીપણ હાસ્ય હતું. પણ પવનને જગતાપની મારવાવાળી વાત ખૂંચી.

‘મારી નાખીશ સાલાને, જો તને આંગળી પણ લગાડે.’ પવનનો ટોન ફર્યો.

‘ના, પ્લીઝ પવન, અત્યારસુધી બધું બરોબર ચાલી રહ્યું છે, હવે એવું કશું જ ન કરતો જેથી તું અને હું મળી ન શકીએ. મને પ્રોમિસ આપ.’ સુનેહાએ પવનને વિનંતી કરી.

‘ઠીક છે, હું તને પ્રોમિસ આપું છું.’ પવને સુનેહાને વચન આપ્યું.

પવન સાથે થોડીવાર વધુ વાતો કરીને સુનેહાએ ફોન કટ કરી દીધો.

***

‘માંજી, આ જુવો તો?’ સુનેહાની દેરાણી રાખીએ સુનેહાના પ્રેગ્નન્સી રીપોર્ટવાળી ફાઈલ એના સાસુને દેખાડી.

‘અલી, ભણેલી હોત તો તારી ભાભીની જેમ નોકરી ના કરતી હોત? તું તો ચાર કિતાબ ભણેલી છે ને? તું જ કે ને કે શું બળ્યું છે આમાં?’ ગંગામતીએ હજી બપોરની મીઠી નીંદર માણવાની શરૂઆત જ કરી હતી ત્યાંજ રાખીએ એને ખલેલ પહોંચાડી.

‘માંજી, મને વધુ તો ખબર ના પડી, પણ આમાં સુનેહા ભાભીનો પ્રેગ્નન્સી રીપોર્ટ એવું લખ્યું છે અને નીચે પોજીટીવ એવું પણ લખ્યું છે.’ રાખીએ ફાઈલમાં માથું રાખીને કીધું.

‘એટલે?’ ગંગામતીને રાખીએ કહેલા અંગ્રેજી શબ્દો સમજમાં ન આવતાં ફક્ત આટલોજ જવાબ આપી શકી.

‘એટલે એમ કે સુનેહાભાભી માં બનવાનાં છે.’ ચહેરા પરથી ફાઈલ હટાવીને આટલું બોલતાં જ રાખીનાં મોઢા પર સ્મિત આવી ગયું.

‘હેં? હાચું કે છે?’ ગંગામતી એની પથારીમાંથી બેઠી થઇ ગઈ અને એની આંખના ડોળા પણ ચકળવકળ ફરવા માંડ્યા.

‘હા, માંજી આટલું અંગ્રેજી તો હું પણ જાણું છું|’ રાખી હજીપણ હસી રહી હતી અને ગંગામતી બેઠાબેઠાજ એને વળગી પડી.

ગંગામતીને અતિશય આનંદ થવાનું કારણ તો હતુંજ. કારણકે પહેલા તો જગતાપ મોટી ઉમર સુધી પરણવાની ના પાડતો રહ્યો અને એટલેજ એની પહેલાં નાના દીકરા સંદીપને રાખી સાથે પરણાવવો પડ્યો પણ સમય જતાં એનાથી પણ કોઈ સંતાન ન થતાં ગંગામતી સાવ નિરાશ થઇ ગઈ હતી. ત્યારપછી જયારે સુનેહાએ જગતાપને હા પાડી ત્યારે ગંગામતીની આશા ફરીથી જાગ્રત થઇ, પણ દોઢ વર્ષ સુધી મોટી વહુએ પણ કોઈ ‘સારા સમાચાર’ ન આપતાં ગંગામતીએ સાવ નિરાશ થઈને આ બાબત ઠાકોરજીની ઈચ્છા પર છોડી દીધી હતી.

રાખીનો હાથ પકડીને ગંગામતી પોતાનાં બેડ પરથી ઉઠી અને પોતાના રૂમમાંથી સુનેહાનાં રૂમ તરફ વળી અને રાખીને સુનેહાના રૂમનું બારણું ખખડાવવાનું કહ્યું.

‘વહુ બેટા જરા દરવાજો ખોલ તો....’ ગંગામતીએ બુમ પાડી અને રાખીએ દરવાજો ખખડાવ્યો.

***

ડોક્ટરને ત્યાંથી ઘરે પાછી આવી ત્યારે સુનેહાએ જાણીજોઈને પોતાના પ્રેગ્નન્સી રીપોર્ટની ફાઈલ ડ્રોઈંગરૂમના સોફા ઉપર જ મુકીને પોતાના રૂમમાં જતી રહી હતી. એને ખ્યાલ હતો કે ઘરના કોઈ એક સદસ્યની નજર તો આ ફાઈલ ઉપર પડશેજ અને એની આ ધારણા સાચી પડી એટલે ગંગામતીને એણે એના નામની બુમો અડધી મિનીટ વધુ પાડવા લીધી. અંદર સુનેહા હસી રહી હતી અને બહાર ગંગામતી આ બે વર્ષમાં પહેલીવાર એને વારંવાર ‘બેટા’ કહીને બોલાવી રહી હતી. આથી પોતાનો પ્લાન બહુ સરસ આગળ વધી રહ્યા હોવાનું સુનેહાને ભાન થતાંજ એના ચહેરા પર સ્મિત આવી ગયું. લગભગ અડધી મિનીટ પછી સુનેહા પોતાના બેડ ઉપરથી ઉભી થઇ અને અત્યંત ધીમી ચાલે બારણા તરફ ગઈ.

‘શું થયું મમ્મી?’ સુનેહા જાણેકે ખુબ ઘેરી ઊંઘમાંથી જાગી હોય એવો ડોળ કરતાં બોલી.

‘આ, રાખી કે’છે એ સાચું છે? તું માં બનવાની છે?’ ગંગામતીનાં અવાજમાં ઉત્સાહ હતો.

‘જી મમ્મી, હું તમને કહેવાની જ હતી, પણ સોરી મને થોડાક ચક્કર આવતાં હતા એટલે હું આવીને સુઈ ગઈ, પણ રાખીને કેવી રીતે ખબર પડી?’ સુનેહાએ પોતાનું નાટક જાળવી રાખ્યું.

‘એ તો ભાભી, તમારી આ ફાઈલ બહાર સોફામાં પડી હતી અને એના પર ડોક્ટરનું નામ છાપેલું જોયું એટલે મને થયું કે ક્યાંક તમે માંદા તો નથી પડી ગયા ને? એટલે મેં...’ રાખીએ પણ હસતાં મોઢે ફાઈલ સુનેહા તરફ ધરી.

‘વર્ષો પછી ઠાકોરજીએ મારું સાભળ્યું છે બેટા...હું આજે ખુબ ખુશ છું. બસ હવે તારે આરામ કરવાનો છે. હું અને રાખી ઘરની બધી જવાબદારી ઉપાડી લઈશું. તારે કામ કરવાની હવે કોઈજ જરૂર નથી. બસ મને તું નવ મહીને એક નાનકડો કનૈયો ભેટમાં આપજે એટલે ઠાકોરજીને પ્રસાદ ચડાવવા હું જાતે શ્રીનાથજી જઈશ.” સુનેહા ના માથા ઉપર હાથ પસવારતા ગંગામતી બોલી.

‘રાધા આવે કે કનૈયો એ મારા હાથમાં થોડું છે મમ્મી?’ સુનેહા પણ મીઠા અવાજમાં જરાક શરમાવાનો ડોળ કરતા બોલી.

‘અરે, તને કનૈયો જ આવશે, મને ખાત્રી છે, જા હવે સુઈ જા અને હા આજથી તારું જમવાનું તારા રૂમમાં જ આવી જશે હોં? સારું થયુંને કે જગતાપે તારી નોકરી છોડાવી દીધી, નહી તો કેટલી તકલીફ પડત તને?’ ગંગામતી સ્મિતભર્યા મુખે બોલી. સુનેહા ને ખબર હતી કે ગંગામતીનું આ વર્તન પરિવર્તન માત્ર એના પ્રેગ્નન્ટ થવાને લીધે જ છે એટલે એ પણ મનમાં હસી રહી હતી.

‘હા, મમ્મી હવે તો મને પણ થાય છે કે એમનો એ નિર્ણય બહુ સાચો હતો.’ સુનેહા દાઢમાંથી બોલી.

‘બેટા તે જગતાપને વાત કરી કે નઈ?’ ગંગામતી એ સુનેહાનો હાથ પકડીને પૂછ્યું.

‘ના, મમ્મી મને શરમ આવે એમને આવુંબધું કહેતા.’ જમીન તરફ નજર નાખીને સુનેહા સાવ ખોટું શરમાઈ.

‘હા, બરોબર છે, એક સુશીલ અને સંસ્કારી સ્ત્રીને પોતાના પતિને આવું બધું કહેતા શરમ તો આવેજ ને બેટા? કશો વાંધો નહીં, એને સાંજે આવવા દે, સાંજે આવે એટલે હું જ એને આ શુભ સમાચાર આપી દઈશ. હવે તું આરામ કર બેટા.” સુનેહાના ગાલ પર ફરીથી પોતાનો હાથ પસવારીને ગંગામતીએ વિદાય લીધી.

ગંગામતીને મોઢે પોતાને માટે સુશીલ અને સંસ્કારી શબ્દો જ્યારથી સાંભળ્યા હતાં ત્યારથી પોતાનું હસવું દબાવી રહેલી સુનેહા ગંગામતીના ગયાબાદ પોતાના રૂમનો દરવાજો બંધ કરીને ખુબ હસી...ખડખડાટ હસી... એટલુબધું હસીકે એની આંખોમાંથી આંસુ નીકળી આવ્યા.

***

મોડીસાંજે ફેક્ટરીથી ઘરે આવેલા જગતાપને, હજીતો એ ઘરમાં પૂરો પગ મુકે એ પહેલાંજ ગંગામતીએ એને ‘ખુશખબર’ કહી દીધા. અચાનકજ આ સમાચાર મળવાથી આઘાત પામેલા જગતાપને માંડ કળ વળી પણ એણે પોતાને વળગી પડેલી ખુશખુશાલ ગંગામતી સામે પરાણે હસતું મોઢું રાખવું પડ્યું અને ગંગામતીના દબાણથીજ જગતાપે પોતાના પિતા અને પછી ગંગામતીના આશીર્વાદ પણ લીધા. આ બધું માંડમાંડ પતાવીને એ સીધોજ પોતાના રૂમમાં ગયો જ્યાં સુનેહા પોતાની સાસુના આદેશથી આરામ ફરમાવી રહી હતી. જગતાપે રૂમનું બારણું બંધ કર્યું.

‘આ બધું શું છે?’ પોતાની તરફ પીઠ ફેરવીને સુઈ રહેલી સુનેહાનો હાથ એના ખભાની સ્હેજ નીચેથી પકડીને જોરથી ખેંચ્યો અને એને ઉભી કરવાની કોશિશ કરી પણ એમાં એ પૂરો સફળ ન થયો.

‘શેનું શું છે?’ સુનેહા આમતો જાગી જ રહી હતી અને ટીવી જોઈ રહી હતી પણ જયારે એને ડ્રોઈંગરૂમમાંથી ગંગામતી અને જગતાપના વાતો કરવાનાં અવાજ આવ્યા એટલે તરતજ એણે જાણીજોઈને પહેલાતો ટીવી બંધ કરી દીધું અને ત્યારબાદ બેડ પર સુઈ ગઈ.

‘બહુ સ્માર્ટ બનવાની કોશિશ ના કર સુનેહા. મને બધી ખબર છે કે તને ખ્યાલ આવી ગયો છે કે હું શેની વાત કરું છું.’ જગતાપના ચહેરા ઉપર ગુસ્સો હતો.

‘અરે પણ હું તો ઊંઘતી હતી, મને ક્યાંથી ખબર કે તમે શેની વાત કરી રહ્યા છો?’ સુનેહાએ જાણીજોઈને પોતાનું અજ્ઞાન દેખાડ્યું પણ એની આંખોમાં અને એના ચહેરા પર શઠતાભર્યું સ્મિત હતું.

‘બા એ કીધું કે તું મા બનવાની છે?’ વધુ સમય ન બરબાદ કરતા જગતાપે હવે સીધોજ સવાલ કર્યો.

‘બા તો શું ડોક્ટર પ્રજાપતિ પણ એમજ કહે છે.’ બેડ પાસે મુકેલા ટેબલ ઉપરથી પોતાના પ્રેગ્નન્સી રીપોર્ટની ફાઈલ લઈને જગતાપની આંખો સામે ધરતા સુનેહા બોલી. એના ચહેરા પરનું ભેદી સ્મિત હવે ગાયબ હતું અને એક ઘોર નક્કરતા એના ચહેરામાંથી ડોકાઈ રહી હતી.

જગતાપે સુનેહાના હાથમાંથી ફાઈલ ખેંચી લીધી અને ફાઈલમાં રહેલા એકજ પાનાને ધ્યાનથી વાંચવા માંડ્યો. જેમ જેમ એ વાંચતો ગયો તેમ તેમ એના ચહેરા પરનો પરસેવો વધતો ગયો.

‘કોનું છે આ બાળક?’ ફાઈલને બેડ ઉપર જોરથી ફેંકતા જગતાપ ગુસ્સામાં પણ ધીમે સ્વરે બોલ્યો.

‘તમે તો નથીજ જગતાપ!!’ તરતજ આપેલા જવાબ બાદ સુનેહાના ચહેરા અને સ્વરની ઠંડી કડકાઈએ જગતાપને સાવ સડક કરી દીધો.

બેડરૂમમાં પણ થોડીવાર સુધી સાવ શાંતિ પ્રસરી ગઈ. જગતાપને સુનેહા પાસેથી આવા બોલ્ડ જવાબની આશા જરાપણ નહોતી. એને એમ હતું કે સુનેહા લાળા ચાવશે, બહાના કરશે એટલે બે મિનીટ સુધીતો એને એ જ ખ્યાલ ન આવ્યો કે એ સુનેહાના જવાબનું રીએક્શન કેવીરીતે આપે?

‘પડાવી નાખ.’ જરાક ભાન આવતાં જગતાપ ફક્ત આટલુંજ બોલ્યો.

‘હાય હાય, તમારા લાડકા બા ના આવનારા કનૈયાને તમે આમ મારી નાખશો?’ ખોટેખોટા બનાવેલા રડમસ ચહેરે સુનેહાએ જાણેકે જગતાપના ગાલે બીજો સણસણતો તમાચો ધરી દીધો.

જગતાપને ખ્યાલ આવી ગયો કે સુનેહાએ પોતાનું ગર્ભવતી હોવાની વાત સહુથી પહેલા ગંગામતીને કહીને એને પોતાને પક્ષે કરી દીધી છે અને હવે તાત્કાલિક જો આવનાર બાળકને કશું થશે તો ગંગામતીની તબિયત પર જરૂર ખરાબ અસર થઇ શકે એમ છે, એટલે હવે હાલપૂરતો એ મજબુર થઇ ગયો હતો. એકબાજુ એને ખબર હતી કે પોતાની પત્નીના ગર્ભમાં ઉછરી રહેલા બાળકનો બાપ એ નહોતો અને બીજીબાજુ એ બાળકને પડાવી શકે એમ પણ ન હતો. સુનેહા પર તો હવે એ હાથ પણ ઉપાડી શકે એમ નહોતો કારણકે જયારે એ ફેકટરીએથી આવ્યો ત્યારે જે રીતે ગંગામતીએ સુનેહા વિષે અને એના આવનાર બાળક વિષે વાત કરી હતી એ જોઇને હવે સુનેહાને જો તે એક ઘસરકો પણ પાડશે અને એ વાત જો ગંગામતી અને જગતાપના પિતા ને ખબર પડશે તો બંને ભેગા મળીને જગતાપની વલે કરી નાખશે એવી પરિસ્થિતિ ઉભી થઇ ગઈ હતી. જગતાપ સમસમી ગયો.

‘કોનું છે?’ જગતાપ માંડ બોલી શક્યો. એ હવે સોફા પર બેસી ગયો હતો. એની નજર નીચી હતી પણ હવે એણે સુનેહાના ઉદરમાં રહેલા બાળકના પિતાનું નામ સાંભળવાની હિંમત લાવવા માટે પોતાની આંખો બંધ કરી દીધી હતી.

‘કેમ રીપોર્ટમાં નથી લખ્યું?’ સુનેહાએ ફરીથી જગતાપને ઝાટકો આપ્યો, આજે સુનેહા જગતાપને પોતાની પકડમાંથી જરાપણ જવા દેવા માંગતી ન હતી.

‘ગાંડાવેડા ના કર અને સીધેસીધું એનું નામ કહી દે...’ જગતાપના હોઠ ઉપર ‘પ્લીઝ’ આવ્યું પણ એણે તેને ત્યાંથી બહાર ન આવવા દીધું.

‘સમય આવે તને બધીજ વાતની ખબર પડી જશે જગતાપ.’ સુનેહા માત્ર આટલુંજ બોલી અને બાથરૂમમાં જતી રહી.

***

‘આજે તારું બાબુ મને બહુ હેરાન કરે છે હોં?’ પાંચમે મહીને પોતાના ગર્ભમાં વિકસી રહેલા બાળકે સુનેહાને લાત મારવાની શરુ કરી દીધી હતી અને સુનેહાએ એની મીઠી ફરિયાદ મધરાત વીત્યા બાદ પવનને એસ. એમ. એસ પર કરી. પવન એ એનાં અને સુનેહાના બાળકને ‘બાબુ’ કહીને બોલાવતો હતો.

જગતાપને ગંગામતીએ હવે સુનેહા એના કનૈયાને લઈને પાછી ઘેરે ન આવે ત્યાંસુધી ફરજીયાત એનાથી દુર, ઉપરનાં રૂમમાં જ સુવાનો આદેશ આપી દીધો હતો. સુનેહાને તો “ભાવતું તું ને વૈદે કીધું” જેવું થયું અને હવે તે રોજ મોડી રાત સુધી પવન સાથે ફોન ઉપર કે એસ. એમ. એસથી વાતો કરતી.

‘જો તારે મારા બાબુ ને કશુંજ નથી કે’વાનું હોં કે? નઈ તો તારું આઈ બનશે!’ પવને પણ સામે હસતાંહસતાં જવાબ આપતાં કહ્યું.

‘કેટલો ખરાબ છે તું પવન!’ સુનેહાએ ખોટેખોટી રીસ કરી.

‘લે, એમાં હું ખરાબ કેવી રીતના થયો?’ મેસેજ લખતાં પવન હજીપણ હસી રહ્યો હતો.

‘હવે તારું બાબુ આ દુનિયામાં આવવાનું છે એટલે બાબુની મમ્મીની હવે કોઈ કિંમત જ નહીં?’ સુનેહાની ફરિયાદ ચાલુ રહી.

‘એની મમ્મીની ચિંતા ન હોત તો આટલી રાતે એની સાથે હું વાત ન કરતો હોત.’ અને પવનનાં આ જવાબથી સુનેહા ખુબ ખુશ થઇ ગઈ.

બસ આવીજ રીતે લગભગ બીજા ત્રણેક મહિના સુધી રોજ રાત્રે પવન અને સુનેહા વાતો કરતા. જ્યાંસુધી શક્ય બન્યું ત્યાં સુધી સુનેહા એકલીજ ડોક્ટર પ્રજાપતિને ત્યાં રેગુલર ચેકઅપ માટે જતી હતી. જગતાપ માટે તો આ બાળકનું કોઈજ મહત્વ ન હતું. ગંગામતી અને રાખીને સુનેહા કોઇનેકોઇ બહાનું આપીને પોતે એકલી જ ડોક્ટર પાસે જતી. અને આ દરમ્યાન તે પવનને ત્યાંજ બોલાવી લેતી. પાસે આવેલા રેસ્ટોરન્ટમાં તેઓ એક કલાક ખુબ વાતો કરતા અને ઘરે આવીને સુનેહા ખુબ ડોક્ટરને ત્યાં ભીડ હોવાનું કે રીક્ષા ન મળવાનું બહાનું આપી દેતી.

***

‘બસ માંજી હવે મારાથી નહીં ખવાય.’ શ્રીમંતના ફંક્શન પછી સુનેહાને એને ઘેર, જોધપુર મુકવા આવેલા જગતાપને સુનેહાની માતા પરાણે જલેબી પીરસી રહ્યા હતાં અને જગતાપને બને તેટલું જલ્દી અમદાવાદ પાછું વળવું હતું.

‘અરે, ખાઈ લ્યોને? કાલથી તો હવે તમારે એકલું એકલું ખાવું પડશે.’ બાજુમાં જ જમવા બેઠેલી સુનેહાએ જગતાપ સામે આંખ મારી અને જગતાપ ઉપરથી નીચે સુધી બળી ગયો.

પ્રેગ્નન્સી રીપોર્ટ આવ્યા બાદ જગતાપે તે જ દિવસે સુનેહાને બાળકનો બાપ કોણ છે એ સવાલ કર્યો હતો, પણ સુનેહાએ મક્કમ રહીને પવનનું નામ નહોતું આપ્યું. પરંતુ ત્યારબાદ જગતાપે એકવાર પણ સુનેહાને આ સવાલ નહોતો કર્યો, કદાચ જગતાપને પોતાની નામર્દાઈનો લાભ કોણ લઇ ગયું છે એ નામ સાંભળવાની હિંમત પણ નહોતી. સામેપક્ષે સુનેહા પવનનાં જીવનો વિચાર કરીને જ્યાંસુધી એ પવનનું નામ છૂપું રાખી શકે ત્યાંસુધી રાખવા માટે મક્કમ બની ચુકી હતી. સદનસીબે જગતાપે છેક સુધી એને આ સવાલ ન કર્યો, એટલુંજ નહીં સુનેહાના ખોળો ભરીને અમદાવાદથી જોધપુર આખે રસ્તે બંનેએ વાતપણ ન કરી. અમદાવાદથી જોધપુર આખે રસ્તે પાછલી સીટ પર બેસેલા રાખી અને સુનેહા તો આગલી સીટ પર ડ્રાઈવ કરી રહેલા જગતાપ અને એની બાજુમાં બેઠેલો એનો ભાઈ લક્ષ્મણ જ વાતો કરતાં રહ્યા.

***

‘સુનેહા, જરા બાજુના રૂમમાં આવ તો?’ બપોર પછી જગતાપે અમદાવાદ પાછાં ફરવાની થોડીજ વાર પહેલા સુનેહાને બીજા રૂમમાં બોલાવતા ત્યાં રહેલા બધાંને આશ્ચર્ય થયું પણ પછી એમ વિચારીને રાજી પણ થયા કે હવે પતિ-પત્ની લાંબો સમય અલગ રહેવાના છે એટલે છેલ્લીવાર કોઈક મહત્વની વાત સાથે બેસીને કરવા માંગે છે. સુનેહા તરતજ બાજુના રૂમમાં ગઈ અને બારણું બંધ કર્યું.

‘બોલો, શું છે?’ રૂમમાં ઘુસતા સુનેહાએ તરતજ પૂછ્યું, એનો અવાજ રુક્ષ હતો.

‘ચલ, જ્યાંજ્યાં ચોકડી મારી છે ત્યાંત્યાં સહી કર.’ જગતાપે કાગળો સુનેહાના હાથમાં પકડાવ્યા.

‘ઓહો, મારાંથી છુટકારો જોઈએ છીએ હવે તમને?’ સુનેહા છૂટાછેડાના કાગળો પર નજર નાખતા બોલી અને જગતાપ સામે હસી. જગતાપને એમ હતું કે સુનેહા કાલાવાલા કરશે પણ એ સુનેહાના સ્વભાવમાં નહોતું.

‘હા, કાયમ માટે. તને તારું ભરણપોષણ મળી જશે.’ જગતાપના અવાજમાં અભિમાન હતું.

‘મારે કશુંજ નથી જોઈતું, બસ મને અને મારા બાળકને કોઈજ આંચ આવવી ન જોઈએ.’ એક પછી એક કાગળ ઉપર ફટાફટ સહી કરતાં સુનેહા બોલી.

‘મને તમારા બંનેમાં કોઈજ ઇન્ટરેસ્ટ નથી, તમે બેય મરી જાવ તોય મારે શું?’ જગતાપ હવે ગુસ્સામાં હતો.

‘બોલ્યું પાળજો જગતાપ અને હવે અમારા બંનેની જિંદગીથી દુર રહેજો.’ છેલ્લા કાગળ પર સહી કરીને સુનેહાને છૂટાછેડાના કાગળો જગતાપ સામે ધર્યા.

સુનેહાની મક્કમતાથી જગતાપ ફરીથી ઘવાયો એને એમ હતું કે સુનેહા એને પગે પડશે, પણ એવું કશુંજ ન થયું. આજે પહેલીવાર જગતાપને મનથી પણ એવું લાગ્યું કે એ ખરેખર નામર્દ છે! એ કશુંજ બોલ્યા વગર બારણા તરફ આગળ વધ્યો.

‘જતાં પહેલાં તમારાં બા ના કનૈયાના વસુદેવ નામ સાંભળવાની ઈચ્છા નથી?’ જગતાપ હજી બારણું ખોલવા જ જતો હતો ત્યાંજ સુનેહાએ એને ચાબખો માર્યો.

જગતાપ ઉભો રહ્યો એને સુનેહાના આવનારા બાળકનું નામ સાંભળવું હતું.

‘એ પવન છે, જગતાપ!’ સુનેહા બોલી.

જગતાપ બે ઘડી રોકાયો પણ છેવટે બારણાનું ક્લચ દબાવી, દરવાજો ખોલીને રૂમની બહાર નીકળી ગયો.

જગતાપ આજે પણ હજી જોધપુરની ભાગોળે પણ નહીં પહોંચ્યો હોય ત્યાંજ સુનેહાએ પવનને કોલ લગાડ્યો.

=: પ્રકરણ બાર સમાપ્ત :=

રેટ કરો અને રિવ્યુ આપો

ATULCHADANIYA

ATULCHADANIYA 4 અઠવાડિયા પહેલા

Sofiya Desai

Sofiya Desai 11 માસ પહેલા

as always superb fantastic fabulous awesome 👏👏

Kiran Vaghasiya

Kiran Vaghasiya 11 માસ પહેલા

Bijal Patel

Bijal Patel 12 માસ પહેલા

Ami

Ami 1 વર્ષ પહેલા