સુનેહા - ૭ Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

સુનેહા - ૭

-: સાત :-

થીયેટરવાળી ઘટના બાદ પવન અને સુનેહાની જિંદગી સાવ જ બદલાઈ ગઈ. સુનેહાએ પવનનાં ખભે માથું મુક્યા બાદ બાકીની આખીયે ફિલ્મ દરમ્યાન બંને સતત જુદીજુદી પ્રણય ચેષ્ટાઓ કરતાં રહ્યાં અને એકબીજાનો જેટલો પણ સ્પર્શ થઇ શકે એટલો કરતાં રહ્યાં. પવન માટે આ વાત નવી ન હતી તેમ છતાંય નવી હતી કારણકે આ એની પહેલી પ્રણય ચેષ્ટાઓ હતી અને નહીકે કાયમની જેમ વાસનાપ્રચુર હરકતો. પવનને હવે સુનેહામાં પોતાની પ્રેમિકા દેખાઈ રહી હતી અને એ હવે સુનેહા સાથે લાગણીનાં બંધનથી જોડાઈ રહ્યો હતો. સામે પક્ષે સુનેહાને તો એની રણ જેવી જિંદગીમાં જાણેકે અચાનકજ ચોમાસું આવ્યું હોય એવું લાગતું હતું. આજસુધી એને કોઇપણ પુરુષે આટલી ભીની લાગણીથી સ્પર્શ નહોતો કર્યો અને એ પોતે પણ છેલ્લાં કેટલાંય વર્ષોથી આ સ્પર્શની ભૂખી હતી અને હવે સુનેહા પણ આ સ્પર્શથી સતત ભીંજાવા માંગતી હતી.

આ ઘટના બાદ બહુ ટૂંકાગાળામાં જ પવન અને સુનેહાના એકબીજા સાથેના વ્યવહારને લીધે એ બંને ઓફિસમાં ‘લવ બર્ડ્સ’ તરીકે ઓળખાવવા લાગ્યા હતા. ઓફીસના સ્ટાફમાં આ બન્ને વચ્ચે ‘કશુક રંધાઈ રહ્યું હોવાની’ વાતો હવે આમ થઇ ગઈ હતી. સુનેહા સાથે સંબંધમાં જોડાયા પછી પવનનો ગુસ્સો તો જાણેકે ક્યાંય ખોવાઈ ગયો હતો, ઉલટો એ સ્ટાફ સાથે હવે મજાક મસ્તી કરવા લાગ્યો હતો પણ સ્ટાફનો કોઇપણ સભ્ય હજીપણ પવનને ગુસ્સો કરાવવાનું એકપણ કારણ આપીને રિસ્ક લેવા નહોતો માંગતો એટલે પવન અને સુનેહાની ચર્ચા બસ કાનોકાન જ થતી. પણ આ લોકોને એક વાતનું આશ્ચર્ય જરૂર હતું કે સુનેહા તો પરણેલી છે તો કેમ એ પવન સાથે આમ જોડાઈ હશે? પણ પવન અને સુનેહાને આ બાબતની કોઈજ પરવા ન હતી. સુનેહા હવે ગમેતે સમયે પવનની કેબીનમાં જતી અને પવન પણ કામ વચ્ચે નવરો પડે એટલે સુનેહાને પોતાની કેબીનમાં બોલાવી લેતો. પવનની ચા હવે સુનેહાની ‘ચખણી’ પછીજ પવનનાં હોઠ સુધી પહોંચી શકતી.

દર બીજાં ત્રીજા દિવસે બપોરનાં શો માં આ બંનેનું ફિલ્મ જોવા જવું એ બાબત સ્ટાફ માટે નવાઈની નહોતી. વળી અઠવાડિયામાં એક દિવસ આ ‘પ્રેમી પંખીડાઓ’ બપોરે લંચમાં પણ બહાર જતાં અને રોજ સાંજે છૂટતાં પહેલાં પવન એક કલાક સુનેહાને કોઈએક બગીચામાં લઇ જતો અને એની સાથે ખુબ વાતો કરતો અને પછીજ એના ઘરની સામે આવેલા એક મોટાં મેદાનનાં ખૂણે એને મૂકી આવતો. આમ કરતાં કરતાં બીજાં છ મહિના નીકળી ગયાં અને પવન અને સુનેહા એકબીજાને અનહદ પ્રેમ કરવા લાગ્યા.

***

‘મારી તો ફાટે છે યાર.’ પવનની બાઈક પાછળ બેઠેલો ભૂષણ બોલ્યો.

‘અલ્યા ભૂષણભૈ, કેમ લ્યા આટલા ડરો છો? આજે તો થર્ટી ફર્સ્ટની નાઈટ છે આજે તો એન્જોય કરવાનું યાર, ડરવાનું નઈ.’ બાઈક ચલાવતા પવને ભૂષણને સધિયારો આપ્યો.

‘અરે પણ કોઈ દિવસ આવી રીતે ગયો નથી અને જો ભાંડો ફૂટી ગયો તો તમારી ભાભી મને મારી નાખશે.’ ભૂષણનાં અવાજમાં ધ્રુજારો હતો.

‘હા હા હા હા હા....’ જવાબમાં પવને ફક્ત અટ્ટહાસ્ય કર્યું.

પવન અને ભૂષણ અત્યારે નવાં વિકસેલા અમદાવાદની ભાગોળે આવેલા શેલા ગામે જેરામ દેસાઈનાં ફાર્મ હાઉસ માં એકત્રીસ ડીસેમ્બરની પાર્ટી મનાવવા જઈ રહ્યાં હતાં, જ્યાં પવનનાં અન્ય બે-ચાર મિત્રો આવવાનાં હતાં. શરાબ, શબાબ અને કબાબનો સંપૂર્ણ ઇન્તઝામ પવને કરી રાખ્યો હતો. ભૂષણ આમતો આ બધી બાબતોથી દુર રહેતો અને ડરતો પણ ખરો પણ પવને ખુબ દબાણ કરતાં ‘ફક્ત એકવાર પુરતું જ’ પોતે આવી કોઈ પાર્ટીમાં આવશે અને ફરીકોઈવાર પવન એને આ બાબતે ફોર્સ નહીં કરે એવું વચન પણ એણે પવન પાસેથી લઇ લીધું અને પછીજ એ પવન સાથે આવવા તૈયાર થયો હતો, પણ જેમ જેમ એ લોકો ફાર્મ હાઉસ તરફ આગળ વધી રહ્યાં હતા તેમ તેમ ભૂષણનો ડર પણ વધી રહ્યો હતો. લગભગ એક કલાકનાં ડ્રાઈવ પછી રાતનાં લગભગ સાડા નવ વાગ્યે બંને જેરામ દેસાઈના આલીશાન ફાર્મ હાઉસ પર પહોંચ્યા જ્યાં પવનનાં બે મિત્રો ઓલરેડી એમની રાહ જોઇને બેઠાં હતાં. પવને આ બધા સાથે ભૂષણની ઓળખાણ કરાવી અને બધાં અંદરનાં હોલ માં બેઠાં.

‘પવનીયા, આ તું આવા હેન્ડસમ માણસ ને લાવે તો પેલીઓ અમારી તરફ કેમની જોહે?’ ભૂષણ તરફ ઈશારો કરીને પવનનો મિત્ર અશોક હસતાંહસતાં બોલ્યો.

‘હા હા હા હા હા, જોયું ભૂષણભૈ હું નો’તો કે’તો કે તમે હેન્ડસમ છો? હવે તો માનશો ને?’ પવને ભૂષણ તરફ આંખ મારી અને જવાબમાં ભૂષણે ફક્ત ડરેલું સ્મિત આપ્યું.

‘તમે સુનેહા મેડમને આનું કીધું છે?’ ભૂષણે પવનનાં કાન નજીક જઈને પૂછ્યું.

‘હાસ્તો વળી, એણેતો મને સામેથી કહ્યું કે તું તારે જા અને એન્જોય કર. એમ તો એ બધું સમજે ને યાર, કે પોતે પરણેલી છે એટલે લગન પહેલા કુંવારા બોયફ્રેન્ડને બધીજ જાતની મજા બી કરવા દેવી જોઈએ એમ એને બાંધી ન રખાય.’ પવનનાં મોઢાં પર તોફાન હતું.

‘વાહ, પણ એ તો તમે લોકો લગ્ન નથી કરવાનાં એટલે, બાકી તો...’ ભૂષણ બોલ્યો.

‘અલ્યા કોણે કીધું અમે લગન નઈ કરીએ ભૂષણભૈ? બસ સાચાં ટાઈમની જ રાહ જોઈએ છીએ. એ પરણેલી છે યાર, એમ તરત કોઈ ડીસીઝન ના લેવાય ને?’ પવને પોતાની મજબુરી રજુ કરી.

‘હા એ સાચું. પણ ધ્યાન રાખજો ભાઈ.’ ભૂષણ બોલ્યો.

આ વાત ચાલતી હતી ત્યાંજ પવનનાં સેલફોન પર સુનેહાનો કોલ આવ્યો અને પવને બાજુમાં બેઠેલાં ભૂષણને એ દેખાડ્યો અને પોતાની ટેવ મુજબ આંખ મારી.

‘હા, બોલ બકા, હા હા પહોંચી ગયાં ને? બસ બે-ત્રણ કલાક જ. ખાલી પીવાનું અને થોડા પત્તા રમીશું અને બાર-હાડા બારે ઘેર... હોવ...હા તું તારે હુઈ જા શાંતિ થી હોં??....યા લવ યુ ટુ!’ પોતાનો પ્લાન સુનેહાને સમજાવીને પવને કોલ કટ કરી નાખ્યો.

‘જબરું હો તમારું તો?!’ ભૂષણને આશ્ચર્ય થયું.

‘જોયું? મારી કેટલી ચિંતા કરે છે એ? અત્યારે ઊંઘવાનો ટાઈમ થયો અને એનો હસબંડ આસપાસ હશે એટલે ખાસ બાથરૂમમાં મોબાઈલ લઈને ખાનગીમાં વાત કરી.’ પવન હસી રહ્યો હતો.

આ વાત ચાલતી જ હતી ત્યાંજ પવનનાં બે અન્ય મિત્રો બે છોકરીઓ, વ્હીસ્કીની એક ક્રેટ અને જોરદાર મસાલાઓની સુગંધ ધરાવતી જુદી જુદી વેજ – નોનવેજ વાનગીઓનાં પેકેટ્સ સાથે ત્યાં આવ્યાં. છોકરીઓને જોતાંજ ભૂષણને ખ્યાલ આવી ગયો કે એ કોલગર્લ્સ હતી અને એનું હ્રદય જોરથી ધબકવા માંડ્યું. દારૂની બાટલીઓ ખુલતાંજ પવન અને એના મિત્રોની જીભથી ગંદા શબ્દોની આપ-લે શરુ થઇ ગઈ અને પેલી બંને છોકરીઓ પણ એક પેગ પીતાંની સાથેજ આ પાંચેય જણા સાથે જોડાઈ ગઈ. ભૂષણ હજીપણ પવને આપેલાં ગ્લાસ લઈને આ બધાથી દુર બેઠો હતો એની હિંમત નહોતી થતી કે એ પેલા ગ્લાસમાંથી દારૂનો એક ઘૂંટડો પણ ચાખે. એને પવન સાથે આટલેબધે દુર આવી પાર્ટીમાં આવવાના પોતાના નિર્ણય માટે હવે પસ્તાવો થતો હતો, ભૂષણને હવે આબધુ નહોતું ગમતું એને હવે અહીંથી બહાર નીકળવું હતું.

થોડીવાર પછી પવને પેલી બે છોકરીઓ માંથી એકને આંખ મારીને ભૂષણ તરફ જવાનો ઈશારો કર્યો અને એ છોકરી ભૂષણ પાસે આવી અને સોફા પર એની બાજુમાં બેઠી. ઓલરેડી ગભરાઈ રહેલો ભૂષણ હવે વધુ ગભરાવવા લાગ્યો.

‘કયું ઇતના ગભરા રહા હૈ હેન્ડસમ?’ પેલી છોકરીએ ભૂષણની અડોઅડ બેસીને એના પગ ઉપર પોતાનો પગ મુકતા પૂછ્યું.

‘ન...ન...ન...કશું નહીં, તુમ જાઓ, મુજે કામ નહીં તુમ્હારા.’ ડીસેમ્બરની ઠંડીમાં અને એપણ લગભગ જંગલ જેવાં વિસ્તારમાં જયારે એ ઠંડી બેગણી થઇ જાય એવા વાતાવરણમાં પણ ભૂષણનાં પરસેવા નીકળી રહ્યાં હતા.

‘પર મુજે તો હૈ ના હેન્ડસમ..?’ એમ કહીને પેલીએ ભૂષણનાં ખભે પોતાનું માથું મૂકી અને એના શર્ટનાં બે બટન ખોલીને એની વાળથી ભરચક છાતીમાં પોતાની આંગળી ફેરવવા માંડી. ભૂષણ ડરથી રીતસરનો ધ્રુજી રહ્યો હતો. પેલી છોકરી ભૂષણની આંખ સાથે આંખ મેળવવાની સતત કોશિશ કરી રહી હતી પણ ભૂષણ એની સાવ વિરુદ્ધ દિશામાં પોતાની આંખો સજ્જડ બંધ કરીને બંને હાથમાં દારૂનો ગ્લાસ જોરથી પકડીને બેઠો હતો.

‘હું જઉં છું, પવનભાઈ મને આ..આ.આ બધું નહીં ફાવે.’ પેલી છોકરીને હડસેલો મારીને અચાનક જ ભૂષણ ઉભો થઇ ગયો અને બધાં જ ખડખડાટ હસવા લાગ્યા. પણ પવને તરતજ પોતાનું હાસ્ય રોકી લીધું એને માટે ભૂષણ સાથેનો સંબંધ ધંધાદારી દ્રષ્ટીએ વધુ મહત્વનો હતો અને ભૂષણ જેવો ઈમાનદાર અને સમર્પિત ઉપરાંત પોતાની કંપનીને સહુથી વધુ કમાણી કરાવી આપતો વ્યક્તિ એને ફરી મળવાનો નહોતો જ એટલે એણે ભૂષણને એની મુશ્કેલીમાંથી દુર કરવાનું નક્કી કરી લીધું.

‘ઓકે ભૂષણભૈ તમને નથી ગમતું તો તમને કોઈ હેરાન નઈ કરે. ચલ એ એમનાથી દુર થઇ જા! પણ અત્યારે સાડાદસ વાગે તમે ક્યાં જશો? આપણે એસજી હાઈવે થી સાવ અંદરના એરિયા માં છીએ અને રીંગ રોડ પણ ઐયાથી ત્રણ કિલોમીટર દુર છે. તમે એક કામ કરો ઉપરના બેડરૂમમાં ટીવી છે તમે ત્યાં બેસો, ટીવી જુવો. અમે સાડાબાર-એક વાગે નવરા થઈએ પછી આપણે જઈએ. હું તમને ઘરે મૂકી જૈસ બસ?’ કોલગર્લને ભૂષણથી દુર થઇ જવાનો આદેશ આપ્યા બાદ પવને ભૂષણનાં ખભે હાથ મુકીને તેને સમજાવવાની કોશિશ કરી.

પવનની વાતની ધારી અસર થઇ અને ભૂષણનાં ચહેરા પર શાતા દેખાઈ અને એ તરતજ દાદરો ચડીને ઉપર જતો રહ્યો. આ બાજુ પવન અને એના મિત્રોની પાર્ટી શરુ થઇ. બરોબર બારનાં ટકોરે નીચે રહેલા સાતેય જણાએ ‘હેપ્પી ન્યુ યર’ ની જોરથી બુમો પાડી અને ઉપર બેઠેલાં,ટીવી જોઈ રહેલા ભૂષણને શાંતિ થઇ કે હવે એણે ફક્ત અડધો-પોણો કલાકજ આ તકલીફમાં રહેવાનું છે, એને પવનનાં શબ્દો પર ભરોસો હતો.

પણ આપણે ઈચ્છીએ એમ ક્યાં બનવાનું હોય છે? હજી બારને દસ પણ માંડ થઇ હતી ત્યાંજ ભૂષણને સંપૂર્ણપણે હલબલાવી નાખે એવી પોલીસની સાયરનનો અવાજ ફાર્મ હાઉસનાં દરવાજે સાંભળવા લાગી. ભૂષણ ફરીથી ગભરાવવા લાગ્યો અને રીતસર નીચે દોડ્યો.

‘પવનભાઈ..પવનભાઈ..આ...’ નીચે ઉતરતાં ભૂષણે લગભગ બુમ પાડી.

‘તમે ચિંતા ન કરો ભૂષણભૈ, આવવા દો એમને.’ પવનનાં ચહેરા પર જરાપણ ચિંતા ન હતી. એણે ભૂષણ, એના ચારેય મિત્રો અને પેલી બંને કોલગર્લ્સને બીજાં રૂમમાં જતાં રહેવા કહ્યું અને પોતે ન કહે ત્યાં સુધી બહાર ન આવવાની સુચના આપી.

એલોકો અંદરના રૂમમાં ગયાં એની બે સેકન્ડમાં જ પોલીસ ઇન્સ્પેકટર અને ચાર પાંચ હવાલદારો અંદર આવી ચડ્યા. પવને એકપણ મિનીટ ન વેડફતા ઇન્સ્પેકટરને બાજુમાં લઇ ગયો અને સીધોજ જેરામ દેસાઈને ફોન લગાડ્યો અને એની સાથે વાત કરાવી. જેરામ દેસાઈ સાથે વાત થયા પછી પવને અત્યારે એની પાસે રહેલી હજારની વીસ નોટો આપી અને બાકીનાં ત્રીસ હજાર કાલે પહોંચતા કરી દેશે એવી વાત કરી અને એ બધાંને ત્યાંથી રવાના કરી દીધાં.

એ ઘાતતો ટળી પણ આ વખતે જેરામ દેસાઈ પવનને મદદ કરીને ખુશ નહોતો કારણકે હવે એણે ‘આવાં બધાં કામો’ સદંતર બંધ કરી દીધા હતા અને હવે એ બાબતે એને હવે કોઈજ હેરાન કરે એ એને ગમતું ન હતું. જો કે જેરામ દેસાઈના રાજકીય સંપર્કો તો હજી પહેલાની જેમજ મજબુત હતા અને આજે પવને એનોજ લાભ ઉઠાવ્યો હતો જે જેરામને જરાય ગમ્યું ન હતું. એટલેજ પોલીસના ગયાં પછી એણે પવનને ફોન ઉપર લાંબો ઠપકો આપ્યો અને પોતે અઠવાડિયામાં અમદાવાદ આવે છે એમ પણ કીધું. જો કે પવનને એની વધુ પરવા નહોતી. પવને પહેલાં પોતાનાં મિત્રોને અને પછી પેલી કોલગર્લ્સને પૈસા આપીને રવાના કરી અને પોતે ફાર્મ હાઉસનાં ગાર્ડને જરૂરી સુચના આપીને ભૂષણને લઈને શહેર તરફ રવાના થયો.

***

કહે છે કે તકલીફ આવતી હોય તો ચારેબાજુથી આવે. એકત્રીસ ડીસેમ્બરની રાતની રેડમાં પોલીસથી જેરામ દેસાઈની ઓળખાણથી માંડમાંડ બચેલાં પવનને એક નવી મુસીબત સામે આવી રહી હતી પણ એને એનો ખ્યાલ ન હતો. આ ઘટનાના અઠવાડિયા પછી જેરામ દેસાઈએ અમદાવાદમાં જ ડેરો નાખ્યો અને રોજ ઓફિસે આવવા લાગ્યો. આનાથી ઓફિસમાં પવન અને સુનેહાનું એમનું મન થાય એમ કરવાનું બંધ થયું. પવનને પણ લાગવા માંડ્યું કે કદાચ જેરામ દેસાઈને એકત્રીસ ડીસેમ્બર રાતની ઘટના પછી પોતાનાં પર વિશ્વાસ ઓછો થઇ રહ્યો છે અને એટલેજ એ અમદાવાદ આવ્યો છે અને એની દરેક હરકતો પર નજર પણ રાખી રહ્યો છે. અત્યારસુધી ઓફિસમાં આઝાદ રહેલા પવનને એ ન ગમ્યું પણ જેરામ દેસાઈના એના પરના ઉપકારોને લીધે એ ચુપ રહ્યો. વળી, એની સહુથી મોટી ચિંતા અત્યારે એ હતીકે એ સુનેહાને કેમ મળે? કારણકે જેરામ કામના કલાકોમાં સતત ઓફિસમાં જ રહેતો અને સુનેહા રોજ છ વાગે ઓફીસેથી ઘેર જતી રહેતી અને છ વાગ્યા પછી પવન અને જેરામ ધંધાની વાતો અને રોજનાં રીપોર્ટસ જોવામાં દોઢેક કલાક ગાળતાં.

પોતે ઘેરે જાય પછી ફોન કે એસ.એમ.એસ કરવાની સુનેહાએ પવનને ચોક્ખી ના પાડી દીધી હતી એટલે બંને જણા ઓફિસમાં પોતપોતાના કમ્પ્યુટર પર ફેસબુકથી ચેટ કરતાં રહેતા પણ પહેલાની જેમ રૂબરૂ મળવાનું અને લાંબો સમય પ્રેમાલાપ કરવાનો મોકો આ બંનેને છેલ્લાં એક મહિનાથી નહોતો મળી રહ્યો. જો કે આ પેલી મોટી મુસીબત નહોતી જે પવન અને સુનેહાનાં જીવનમાં આવવાની રાહ જોઈ રહી હતી. આ તો માત્ર જુદાઈ નો ગમ હતો જે પવન અને સુનેહા કોઇપણ રીતે પોતપોતાના મનમાંથી ટાળી દેતાં હતાં ખાસકરીને ફેસબુક પર ચેટ કરીને. પણ જે મુસીબત હવે એમની સામે આવવાની હતી એ આ બંનેનું જીવન બદલી નાખે એવી સક્ષમ હતી. એક એવું તોફાન જે કદાચ આ બંનેના જીવનને છેક પાયા માંથી હલબલાવી નાખવા માટે સક્ષમ હતું.

પણ બરોબર એક મહિના બાદ એક રવિવારે જેરામ દેસાઈએ પોતાનાં કુટુંબ સાથે થોડો સમય ગાળવા મહેસાણા જવાનું નક્કી કર્યું અને પવન અને સુનેહાને ફરીએકવાર એકબીજા સાથે થોડોક સમય ગાળવાનો અને પ્રેમ કરવાનો મોકો મળી ગયો. જેરામ દેસાઈ, આમતો એ શનિવારની સવારેજ નીકળી ગયો હતો પણ પવન અને સુનેહાએ ચેટ પર નક્કી કર્યા મુજબ અડધો દિવસ હોવાથી બાકીનો સ્ટાફ જાય ત્યાંસુધી રાહ જોવાનું નક્કી કર્યું. લગભગ અઢી વાગે હૈદરને રવાના કર્યા બાદ, પવને સુનેહાને પોતાની કેબીનમાં બોલાવી. પહેલાતો પવને ઓફીસનો મૂળ દરવાજો અંદરથી બંધ કર્યો અને પછી એણે સુનેહાને ઓફિસની તમામ કમ્પ્યુર સિસ્ટમ્સ બંધ કરવાની સુચના આપી અને પોતે પોતાની કેબીનમાં જતો રહ્યો.

સુનેહાના પવનની કેબીનમાં ઘૂસતાંજ પવને કેબીનનો દરવાજો લોક કર્યો અને સુનેહાને વળગી પડ્યો. સુનેહા પણ પવનને એકદમ કચકચાવીને ભેટી પડી. સુનેહાના આખાયે ચહેરા ઉપર પવન ચુંબનોની અનરાધાર વર્ષા કરવા લાગ્યો જાણેકે એક મહિનાના દુકાળ પછી માંડ એને સુનેહા પર પ્રેમ વરસાવવાનો મોકો મળ્યો હોય. એના હાથ સુનેહાના આખાયે શરીર પર ફરી રહ્યાં હતા અને જાણેકે એ પોતાને કાબુ નથી કરી શકતો એવીરીતે એ પોતાની લાગણી સુનેહા પર વરસાવી રહ્યો હતો. સુનેહા પણ પવનની આ ભરપૂર પ્રેમવર્ષા દિલ ખોલીને માણી રહી હતી અને બંધ આંખો સાથેના એના ચહેરા ઉપર સતત સ્મિત અને સંતોષની લાગણી દેખાઈ રહી હતી. થોડીવાર પછી પવને પોતાનાં બંને હોઠો સુનેહાના હોઠો ઉપર મૂકી દીધા અને બંને થોડીવાર સુધી આજ સ્થિતિમાં પ્રણયરત રહ્યા.

લાંબા સમય સુધી આ પ્રમાણે પ્રેમવર્ષા ચાલ્યા બાદ પવન અને સુનેહા એકબીજાથી અલગ થયા. સુનેહા પેન્ટ્રીમાં જઈને ચાનો મોટો કપ લઇ ને આવી અને એક જ કપમાંથી એક પછી એક ઘૂંટડા ભરતા ભરતા પવન અને સુનેહા વાતો કરવા લાગ્યા. લગભગ સાડા છ વાગ્યે સુનેહાને ખ્યાલ આવ્યો કે એણે હવે જવું જોઈએ કારણકે તે ઓલરેડી મોડી થઇ ચુકી છે અને ઘરે પહોંચતા જ એની સાસુ એનાપર સવાલોની ઝડી વરસાવશે એટલે એને વધુ કોઈ તક નથી આપવી અને એટલેજ એણે હવે રવાના થઇ જવું જોઈએ. થોડીક આનાકાની પછી અને સુનેહાના હોઠો ઉપર એક દીર્ઘ ચુંબન આપ્યા પછી પવને સુનેહાને જવાની પરવાનગી આપી અને એ પોતે સુનેહાને એના ઘર નજીકનાં ગ્રાઉન્ડ પાસે મૂકી જવા માટે તૈયાર થયો.

સાંજે સવા છ વાગ્યાની આસપાસ આખાયે અમદાવાદમાં શિયાળાનું અંધારું છવાઈ ચુક્યું હતું. સુનેહાનાં ઘર નજીક આવેલું આ ફૂટબોલ કમ ક્રિકેટ ગ્રાઉન્ડ પણ આ અંધારાનાં ઓછાયામાં આવી ચુક્યું હતું. પવને સુનેહાને આ મેદાનના એક ખૂણે ઉતારી અને સુનેહાનો હાથ પોતાનાં હાથમાં લઇ એની આંગળીઓ થોડીવાર દબાવી અને પછી બંને છુટા પડ્યા.

સુનેહા આ મેદાન ની એકદમ વચ્ચેથી ચાલતા ચાલતા સામે ખૂણે આવેલા પોતાને ઘેરે જઈ રહી હતી, પણ એને ખ્યાલ નહોતો કે કોઈ એનું દરેક પગલું દબાવતું દબાવતું અને એનાથી સલામત અંતર રાખીને એની પાછળ પાછળ જ આવી રહ્યું હતું.

=: પ્રકરણ સાત સમાપ્ત :=

રેટ કરો અને રિવ્યુ આપો

ATULCHADANIYA

ATULCHADANIYA 4 અઠવાડિયા પહેલા

Bijal Patel

Bijal Patel 12 માસ પહેલા

Daksha Dineshchadra

Daksha Dineshchadra 1 વર્ષ પહેલા

Ami

Ami 1 વર્ષ પહેલા

Milan

Milan 1 વર્ષ પહેલા