Suneha - 8 books and stories free download online pdf in Gujarati

સુનેહા - ૮

-: આઠ :-

‘કોણ હતું?’ સુનેહાની પાછળજ એનાં રૂમમાં દાખલ થયેલો જગતાપ બોલ્યો. એના અવાજમાં ગુસ્સો હતો.

‘કોની વાત કરો છો?’ સુનેહા ખરેખર એ બાબતે અજાણ હતી કે જગતાપ એનો પીછો કરતો કરતો જ એની પાછળ આવ્યો છે. સુનેહા અત્યારે ડ્રેસિંગ ટેબલના અરીસામાં જોઇને પોતાનાં કાનનાં બુટીયા ઉતારી રહી હતી.

‘આ તું જેની બાઈક ઉપર આવી એ?’ જગતાપે હવે જરાક કડક અવાજ વાપર્યો.

‘એ? એ તો મારાં બોસ હતા.” જમણા કાનનું બુટીયું નીકળતું ન હોવાથી સુનેહા એની જગ્યા ઉપરજ જગતાપ તરફ ફરી,એના મોઢા ઉપર સ્મિત હતું.

‘તો એણે તારો હાથ પકડવાની શું જરૂર હતી?’ જગતાપ સુનેહાની નજીક આવ્યો અને સુનેહાના હાથ હટાવીને એનું બુટીયું પોતેજ ઉતારવાની કોશિશ કરવા લાગ્યો.

‘અરે, એ તો હું બાઈક પરથી ઉતરીને? ત્યાં એક નાનો ખાડો હતો એટલે મારું બેલેન્સ જતું રહ્યું એટલે હું પડવા જેવી થઇ ગઈ એટલે એમણે મારો હાથ પકડી લીધો હતો.’ સુનેહા જગતાપની આંખમાં આંખ નાખીને ખોટું બોલી રહી હતી પણ એના અવાજમાં પકડાઈ જવાનો સ્વાભાવિક ભય હતો.

‘પણ આજે તો શનિવાર છે ને? તારો તો હાફ-ડે હતો, તો પછી આજે કેમ ઘરે આવવામાં મોડું થયું?’ આમ બોલતા જગતાપે સુનેહાનાં બુટીયાને ગુસ્સામાં સ્હેજ જોરથી ખેંચ્યું.

‘આઉચ...જરા ધીરે જગતાપ, મને દુઃખ્યું.’ સુનેહાને દુઃખ્યું જરૂર હતું પણ એ ખરેખરતો જગતાપના અણિયાળા સવાલનો જવાબ મળે એના માટે થોડો સમય શોધી રહી હતી.

‘સોરી!’ જગતાપ સુનેહા સામે ખંધુ હસ્યો.

‘આજે થોડું કામ વધારે હતું એટલે, મેં સરને કેટલુંય કીધું પણ એમણે તો મને ઓર્ડરજ આપી દીધો કે કામતો પૂરું કરવું જ પડશે અને જો અંધારું થઇ જશે તો એ પોતેજ મને ઘર સુધી મૂકી જશે એટલે પછી મારી પાસે કોઈ ઓપ્શન જ ન રહ્યો.’ સુનેહાએ માંડમાંડ જવાબ શોધ્યો.

‘ઠીક છે.’ છેવટે સુનેહાનું બુટીયું કાઢીને જગતાપે એની જમણી હથેળીમાં મુક્યું અને પછી એના ડાબા ગાલ ઉપર હળવી ટપલી મારીને એ ઘરની બહાર નીકળી ગયો.

વાત વધુ આગળ ન વધી એટલે સુનેહાને પણ હાશ થઇ. પણ એને કોઈજ ચાન્સ લેવો ન હતો એટલે એણે તરતજ બેડરૂમમાં ઘુસતી વખતે બેડ ઉપર ફેંકેલો પોતાનો મોબાઈલ ઉપાડ્યો અને એને લઈને બાથરૂમમાં જતી રહી અને બાથરૂમમાં ઘૂસતાંજ બારણું બંધ કરી અને એણે જોરથી નળ ચાલુ કરી દીધો અને પછી પવનને એ સોમવારે એને ઓફિસમાં મળે નહીં ત્યાં સુધી ભૂલથી પણ કોઈ કોલ કે એસએમએસ ન કરવાની સુચના આપી. મેસેજનો ડીલીવરી રીપોર્ટ આવી જતાં એણે પવનને મોકલેલો એસએમએસ ડીલીટ કરી નાખ્યો.

***

લગભગ એક કલાક પછી જગતાપ ઘેરે પાછો આવ્યો અને રોજની જેમ ઘરનાં બધાંજ સભ્યો સાથે મળીને ડાઈનીંગ ટેબલ પર જમ્યા. રોજની જેમ જગતાપ અને સુનેહા સીવાય ઘરનાં બાકીનાં બધાં ટીવી જોવામાં વળગ્યા. સુતા પહેલાં રોજ રાત્રે સુનેહા કોઈ નોવેલ કે મેગેઝીન વાંચતી અને જગતાપ એના ધંધાને લાગતાં મહત્વનાં કોલ્સ કરતો અથવા તો પોતાનાં લેપટોપ પર ઈ મેઈલ્સ ચેક કરતો. આજે પણ એમજ થયું પરંતુ આજે જગતાપ ફોન કરતાં અને મેઈલ્સ ચેક કરતાં સતત સુનેહા તરફ કોઈ અલગજ નજરેથી જોઈ રહ્યો હતો અને વાંચવામાં મગ્ન સુનેહા આ બાબતે અજાણ હતી.

આમ કરતાં અગિયાર વાગ્યા અને સુનેહાએ પોતાની ચોપડી બંધ કરી અને બાથરૂમ ફ્રેશ થઇ અને પાછી રૂમમાં આવીને ટેબલ પર પડેલા જગમાંથી પાણી પીધું અને પોતાની સાઈડની બેડ ઉપર લાંબી થઇ.

‘સુનેહા, જરા એક ગ્લાસ પાણી આપ તો?!’ સુનેહાના સુતા પછી અમુક સેકન્ડ્સ બાદજ જગતાપે પોતાની જગ્યાએથી જ સુનેહાને કીધું.

હમણાંજ આડે પડખે થયેલી સુનેહાને આ ગમ્યું તો નહી પણ એની ટેવ મુજબ જગતાપને કોઇપણ વળતો જવાબ ન આપીને એ ફરી ઉભી થઇ અને જગમાંથી એક ગ્લાસ પાણી ભરીને જગતાપ પાસે ગઈ. જગતાપે એના નાઈટડ્રેસનાં ખીસ્સામાંથી એક ગોળી કાઢી અને મોઢામાં મૂકી અને સુનેહાએ આપેલાં ગ્લાસમાંથી પાણી પીને ગળી ગયો. ઘેરા ભૂરા રંગની પંચકોણ ગોળી જોઇને સુનેહાને ખ્યાલ આવી ગયો કે જગતાપે આજે ફરીથી એને સરખું ઉત્થાન થાય એના માટેની ગોળી ખાધી છે. સુનેહાને જે બાબત જરાપણ નહોતી ગમતી એ જ બાબત ફરીથી એની સામે આવી ગઈ, પણ ફરીએકવાર એની આદત મુજબ એણે એમ વિચારીને મન વાળ્યું કે અત્યારસુધીના કેટલાંય પ્રયાસોમાં જગતાપ નિષ્ફળ ગયો છે એટલે જગતાપનું જનુન એણે માત્ર પાંચ થી દસ મિનીટ જ સહન કરવાનું છે પછી તો જગતાપ પણ કાયમની જેમ થોડીવાર કોશિશ કરીને થાકીને એનીમેળે સુઈ જશે.

સુનેહાને રાહ જોવી પડે એટલો સમય જગતાપે લીધો પણ છેવટે એ તેની પાસે આવ્યો અને સુનેહા પર જાણેકે હુમલોજ કર્યો. સુનેહાને આમપણ આ બાબતે કોઈજ રસ ન હતો પણ પણ પહેલીવાર કોઈ હકીમની ગોળી કદાચ બરોબર અસર કરી રહી હતી અને જગતાપ આજે થોડો લાંબો સમય ટકી શક્યો. સુનેહાના ચહેરાને અને અન્ય અંગો સાથે રમત કરી રહેલો જગતાપ આજેતો સુનેહામાં પણ કોઈક અનોખી ઉર્જા ઉમેરી રહ્યો હતો.

ચારેક મિનીટ આરીતે ચાલેલી આ પ્રક્રિયા પછી સુનેહા સાચી પડી અને પેલો હકીમ ખોટો પડ્યો. પોતાનાં લગ્ન પછી કદાચ પહેલીવાર એવું બની રહ્યું હતુંકે સુનેહા પણ જયારે જગતાપમાં લગભગ ખોવાઈ જવાની લગભગ તૈયારીમાં જ હતી, પણ ત્યાંજ કાયમ બનતું એમ અચાનકજ જગતાપનું ઉત્થાન શમી ગયું અને એનું અંગેઅંગ ઢીલું પડવા લાગ્યું.

જગતાપનું આખું શરીર, શિયાળાની ઠંડીમાં પણ પરસેવે રેબઝેબ થવા લાગ્યું. અસંતોષ ઉપરાંત વારંવારની નિષ્ફળતાઓ પછી પણ પેલા હકીમની મોટીમોટી વાતો માં આવી જઈને ફરી એકવારની નિષ્ફળ કોશિશ બાદ જગતાપને સુનેહા સામે પોતાનું ફરીવાર થયેલા અપમાનથી શરમમિશ્રિત રોષ ની લાગણી થઇ રહી હતી. સુનેહાની બાજુમાં હજીપણ નગ્નાવસ્થામાં હાંફી રહેલા જગતાપને અચાનકજ સાંજની પેલી વાત યાદ આવી ગઈ જયારે એણે દુરથી પવનને સુનેહાનો હાથ પકડતાં જોઈ હતી અને એનાથી જગતાપનો ગુસ્સો ઔર વધી ગયો.

‘પેલાને તો મજા કરાવતી હોઈશ ને? અને ઓફિસમાં પણ બધાં સાથે મજા કરતી હોઈશ...મને ખબર છે ઘરનો મરદ જો સુખ ના આપતો હોય તો એની બૈરી આમજ કરે... રાંડ થઇ જાય અને પછી આખી દુનિયા એને વાપરે!’ હાંફી રહેલો જગતાપ બોલ્યો.

એક ઔર નિષ્ફળતા બાદ જગતાપને ગુસ્સો કે હતાશા હોય એ સુનેહા સમજી શકતી હતી પણ આવો આરોપ??? આજસુધી જગતાપ એની સાથે આવીરીતે બોલ્યો ન હતો અને એટલેજ સુનેહા હબક ખાઈ ગઈ. જગતાપના શબ્દો વારેવારે સુનેહાના કાને અફળાવા લાગ્યા અને ધીરેધીરે સુનેહાનું મગજ પણ ગુસ્સા થી ફાટફાટ થવા લાગ્યું, પણ એ મૂંગી રહી.

આજે જગતાપને જે હકીમની ગોળી પર અત્યંત વિશ્વાસ હતો એ વિશ્વાસ પણ તૂટી જતાં એ પાગલ બની ગયો હતો જેનો સુનેહાને ખ્યાલ નહોતો. વત્તા પતિ ભલે પુરુષમાં ન હોય તોપણ જો પોતાની પત્ની કોઈ બીજાં પુરુષ સાથે હસીને વાત કરે કે કોઈ અન્ય પુરુષ એનો હાથ પકડે તો એનો અહમ જરૂર ઘવાતો હોય છે અને જગતાપ સાથે આજે આ બંને વાતો સાથે બની હતી. અને આથીજ જગતાપ અહીંથી જ ન અટક્યો એ ઉભો થયો અને એણે બેડરૂમના બારણા પાછળ લટકાવેલો પોતાનો કમરપટ્ટો લીધો અને સુઈ રહેલી સુનેહા પર અચાનક બે થી ત્રણવાર એને ઝીંકી દીધો. ખભા પર પડેલા જગતાપના પહેલા હુમલાથી હતપ્રભ થયેલી સુનેહાએ તરતજ પોતાનું શરીર બીજી તરફ કરી દીધું, આથી જગતાપના બીજા બે ફટકા એની પીઠ ઉપર પડ્યા. સુનેહા ફરીવાર મૂંગી રહી.

સુનેહાને બીજા બે ફટકા માર્યા બાદ પણ થોડો સમય જગતાપનો સુનેહાના ચારિત્ર્ય બાબતેનો બકવાસ ચાલુ રહ્યો અને સુનેહા પર અનેક પ્રકારનાં આરોપોની ઝડી વરસાવતો રહ્યો, પણ પોતેજ નક્કી કરેલા નિયમ મુજબ સુનેહા છેક સુધી મૂંગી જ રહી અને છેવટે સુનેહા કંટાળીને જગતાપ સુનેહાની વિરુદ્ધ દિશામાં પડખું ફેરવીને સુઈ ગયો.

***

પણ, સુનેહાને આજે ઊંઘ આવવાની નહોતી. જગતાપના વર્તને અને એના શબ્દોએ આજે સુનેહાને ખુબ આહત કરી હતી. સુનેહાની સહનશીલતાની હદ આજે પાર થઇ ગઈ હતી. અત્યારસુધી એને જગતાપની આ અવદશા પર દયા આવતી હતી. હા, એ પવન તરફ ખેંચાઈ હતી અને એમાં શારીરિક આકર્ષણ પણ ભળ્યું હતું પણ એનો એવો જરાય મતલબ નહોતો જે મતલબ જગતાપે આજે એની અવદશા છુપાવવા માટે કાઢ્યો હતો.

લગભગ અડધી રાત સુધી સુનેહાના કાનમાં જગતાપે ઉચ્ચારેલું પેલું વાક્ય, ‘ઘરનો મરદ સુખ ના આપતો હોય ત્યારે બૈરી આમજ કરે, રાંડ થઇ જાય અને પછી આખી દુનિયા એને વાપરે!’ સતત ગુંજતું રહ્યું. ‘શું અમે સ્ત્રીઓ ફક્ત પુરુષોને શરીરનું સુખ આપવા માટેજ જન્મી છીએ? અને જો પુરુષ એને ભોગવી ન શકે તો એમાં પણ સ્ત્રીનો જ વાંક? અને એણેજ ગાળો ખાવાની અને માર સહન કરવાનો? અને જો પુરુષ પુરુષમાં હોય તોપણ એની આ શક્તિનો ભોગ તો સ્ત્રીએજ બનવાનું!

છેવટે અમુક કલાકો આમતેમ પડખાં ફર્યા બાદ સુનેહાએ જગતાપના આ અપમાનનો બદલો લેવાનું નક્કી કર્યું કારણકે કદાચ સુનેહાને હવે પોતાની તમામ જરૂરિયાતો પૂરી કરવા જગતાપ ની જરૂર ન હતી, આ બાબતો માટે એની પાસે હવે પવન હતો. એ મનોમન હવે એક પ્લાન ઘડવા લાગી. અમુક મીનીટોનાં મનોમંથન બાદ સુનેહાનો આખોય પ્લાન તૈયાર થઇ ગયો અને પોતાનો આ પ્લાન એકદમ ફૂલપ્રૂફ છે અને જો પોતે એકદમ સમજી વિચારીને આ પ્લાન અમલમાં મુકશે તો જગતાપનો બદલો પૂરો થઇ જશે એની એને ખાત્રી પણ થઇ ગઈ. સુનેહાને આ માટે એક મજબુત સાથીની પણ જરૂર હતી અને દેખીતીરીતે સુનેહા આ મજબુત સાથી પવનમાં જોઈ રહી હતી.

***

‘પવન, મારે તારી સાથે વાત કરવી છે.’ સોમવારે સવારે ઓફિસમાં આવતાની સાથેજ સુનેહા ફેસબુક ચેટ ઉપર પવન સાથે વાત કરતાં કરતાં શરૂઆતના ‘હાઈ, હેલ્લો’ પછી સીધીજ મુદ્દા પર આવી ગઈ.

‘હા તો બોલને ડાર્લિંગ!’ પવને સામો જવાબ આપ્યો.

‘ના અહિયાં નહી, રૂબરૂમાં.’ સુનેહાને પવનની સામે બેસીને પોતાનો પ્લાન સમજાવવો હતો.

‘પણ આમ જેરામ સરની સામેતો કેવીરીતે જવાય?’ પવને સુનેહાનું ધ્યાન ઓફિસમાં જેરામ દેસાઈની હાજરી તરફ દોર્યું.

‘એટલેજ, ગમેતે થાય પણ મારે આજે તને મળવું છે પવન, બહુ ઈમ્પોર્ટન્ટ વાત છે.’ સુનેહાને પવન સાથે જગતાપનો બદલો લેવા, પોતે શનિવારે રાત્રે ઘડેલો પ્લાન શેર કરવાની ઉતાવળ હતી.

‘સીરીયસ છે?’ પવનને ચિંતા થઇ.

‘ના એટલું બધું નહી, પણ સીરીયસ છે ખરું.’ સુનેહાએ એવો ગોળગોળ જવાબ આપ્યો કે જેથી પવન એને મળવા માટે મજબુર થઇ જાય.

‘ઓકે, તો એક કામ કર, એક વાગે હું કોઈ કામના બહાને નીકળી જઉં છું. દોઢ વાગે લંચ પડે એટલે તું ટીફીન નથી લાઈ એવું જેરામ સરને કઈ ને સ્વસ્તિક ચાર રસ્તા પાસે ચાઈનાટાઉન છેને ત્યાં આઈ જજે, હું ત્યાં તારી રાહ જોઇશ, ઓકે?’ પ્લાન બનાવવામાં એક્કા એવાં પવનને આવા નાના જુઠ્ઠાણાં નક્કી કરવા રમત વાત હતી.

‘ઓકે, પણ જોજે ભૂલ ના થાય, આજે તો મળવું જ છે.’ સુનેહાએ પાક્કું કર્યું.

‘હા, હા ડાર્લિંગ, હવેતો મને બી ચળ થઇ રહી છે કે તારે એવું કયું કામ છે મારું?’ પવને હસવાનું સ્માઈલી મોકલ્યું.

‘હસવાની વાત નથી પવન, ચાઇનાટાઉનમાં આવ, તને બધીજ ખબર પડી જશે.’ સુનેહાએ લખ્યું.

‘સોરી સોરી ડાર્લિંગ..ચલ મળીએ. કામ શરુ કરી દે નહીતો જેરામ સર પાછાં પૂછપરછ કરશે.’ આટલું કહીને પવન લોગ-ઓફ થઇ ગયો.

***

નક્કી કર્યા મુજબ બરોબર એક વાગ્યે પવન કોઈ અગત્યના કામના બહાને જેરામ દેસાઈને કહીને ઓફિસની બહાર જતો રહ્યો અને એના જવાના બરાબર અડધા કલાકે સુનેહાએ પણ પોતે ટીફીન નથી લાવી એટલે નજીકમાં કોઈ રેસ્ટોરન્ટમાં જમવા જાય છે એવું ઇન્ટરકોમ પરજ જેરામ દેસાઈને કહીને નીકળી ગઈ.

ચાઇનાટાઉન રેસ્ટોરન્ટનાં ખૂણે પવન સુનેહાની રાહ જોઈ રહ્યો હતો. સુનેહાના ત્યાં પહોંચતા જ પવને એની સાથે હાથ મેળવ્યો. સુનેહા આસપાસ જોવા લાગી. લંચ ટાઈમ હોવાથી ઉપરાંત એક વ્યાવસાયિક વિસ્તાર હોવાથી રેસ્ટોરન્ટમાં સારીએવી ભીડ હતી.

‘અહિયાં નહી, પવન આપણે ક્યાંક બીજે જઈએ.’ સુનેહાની નજર કોઈ એકાંત વાળી જગ્યાને શોધવા માટે સતત આમતેમ ફરી રહી હતી.

‘અરે, પણ એવું તે શું છે સુનેહા, બહુ મોટી મેટર છે?’ પવને સવાલ કર્યો એને હવે સુનેહાની ચિંતા થઇ રહી હતી.

‘પવન, સવાલ ના કર, પ્લીઝ કોઈ જગ્યા, જ્યાં બહુ ઓછા લોકો હોય એવી....પેલી રહી, ચલ.’ આમતેમ જોતાજોતા અચાનકજ સુનેહાને પોતાની પસંદગીની જગ્યા મળી જતાં એ તરતજ એ તરફ ચાલવા લાગી.

ચાઇનાટાઉન સી. જી રોડ પર જ હતું એટલે ત્યાં ખાસ્સી ચહલપહલ હતી, પણ એની ગલીમાં થોડેક દુર એક ખૂણામાં સુનેહાને એક નાનકડી દેરી દેખાઈ જ્યાં ભરબપોરનાં સમયે પણ સાવ સુનકાર હતો. સુનેહાનાં પગ આપોઆપ એ દેરી તરફ ચાલવા લાગ્યા અને પાછળ પાછળ પવન પણ ચાલતો હતો. કોઈ સ્ત્રી કહે એમ કરવાનો અને એની પાછળ પાછળ ચાલવાનો પવનનો આ પહેલો અનુભવ હતો. આ દેરીમાં ભગવાન શંકરનું લગભગ ત્યજી દેવાયેલું લિંગ હતું જેની આસપાસ કોઈએ અમુક વર્ષો પહેલાં કદાચ પૈસા કમાવાની વૃત્તિથી આ દેરી બનાવી હતી. અત્યારેતો આ દેરી અને એની પાસે બેસવા માટે એક નાનકડો ઓટલો જ હતો.

‘બેસ...’ ઓટલા પર બેસતાં જ સુનેહા એ પવનને પોતાની બાજુમાં બેસવાનું કહ્યું. પવને ફરી સુનેહાની, એક સ્ત્રીની ઈચ્છાનું તરતજ પાલન કર્યું.

‘હવે જલ્દી બોલ!’ પવનની અધીરાઈ અને ચિંતા એના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી. અત્યારસુધી એને આ બંને બાબતોની આદત ન હતી પણ સુનેહા પ્રત્યેના એના અનહદ પ્રેમે એને આ પણ શીખવાડી દીધું હતું.

‘હા,હું તને બધીજ વાત માંડીને કરીશ. મારી લાઈફનું સત્ય જે મેં તને હજીસુધી કીધું નથી....’ આમ કહીને સુનેહાએ પોતાની વાત શરુ કરી અને પવનની અધીરાઈ સુનેહાની વાત શરુ કરવાની આ રીતથી બેવડાઈ ગઈ.

ધીરેધીરે કરતાં સુનેહાએ એના જીવનના બધાંજ પાનાં પવન સામે ખોલવા માંડ્યા જેમાં જગતાપ સાથે ઉંમરના મોટાં તફાવત હોવા છતાંપણ એની લગ્ન કરવાની મજબુરી અને જગતાપનાં ‘અપુરુષપણા’ની વાત પણ શામેલ હતી. છેલ્લે શનિવારે રાત્રે જગતાપે એનું જે રીતે શાબ્દિક અને શારીરિક અપમાન કર્યું એની વાત પણ સુનેહાએ પવનને કરી અને પોતાની જિંદગી પવન સામે સાવ ખુલ્લી કરીને મૂકી દીધી.

‘એની આવી હિંમત? તારી સાથે ફોર્સ કરે? હું અત્યારેજ જઈને એ બુઢ્ઢા નાં હાથ-પગ ભાંગી નાખું.’ પવન ઘણા સમયે ગુસ્સામાં હતો પણ કોઈ સ્ત્રીનું અપમાન કરવા માટે નહીં પણ કોઈ સ્ત્રી અપમાનિત થઇ છે એ જાણીને.

‘ના, પવન, મને હતુંજ કે તું આમજ રીએક્ટ કરીશ. પણ એમ કરવાથી તને તકલીફ થશે, તું જેલમાં જઈશ, જે મારાથી સહન નહી થાય. અને જગતાપ તો તારા માર થી થોડા સમયમાં સાજો થઈને કદાચ મારાં પર વધુ જુલમ કરશે.’ સુનેહાએ પવનને સમજાવ્યો.

‘હમમ...પણ તો પછી કરવાનું શું? આમનેઆમ સહન કરવાનું? એક કામ કર તું છૂટાછેડા લઇ લે, હું તારી સાથે લગ્ન કરીશ.’ ચપટી વગાડતા વગાડતા પવન બોલ્યો.

‘એમ કરવાથી મારાં પરમદિવસનાં અપમાનનો બદલો નહીં મળે ડાર્લિંગ, એ તો છૂટો થઇ જશે, પણ મને અહિયાં દિલમાં, મારાં આત્મા પર જે ઘા પડ્યા છે એનું શું? એણે મને બાજારુ સ્ત્રી ગણી છે પવન! હું એને એની ભૂલનું એને ભાન કરાવવા માંગુ છું.’ સુનેહાએ પોતાનાં બદલાની વાત ફરીથી કહી.

‘તો? પછી આનો રસ્તો શું?’ ગુસ્સામાં પવનને કશુંજ સુજતુ ન હતું, પણ સુનેહા તો પહેલેથીજ વિચારી ને આવી હતી કે એણે શું કરવાનું છે.

‘આપણે બંનેએ સાથે મળીને જગતાપને એવી જગ્યાએ ઘા કરવાનો છે કે ન તો એ શાંતિથી જીવી શકે કે ન તો એ મરીને પણ છૂટી શકે. એક એવું કલંક જગતાપને મળે કે એ કલંક મર્યા પછી પણ જગતાપના નામ સાથે ચોંટેલું રહે.’ સુનેહાનો ચહેરો અજબ જ હાવભાવ આપી રહ્યો હતો.

‘તો શું કરીએ? કોઈ પ્લાન છે તારી પાસે?’ નોર્મલી જે પવન પાસે આવા પ્લાન્સ હાથવગા હોય એ જ પવન અત્યારે કોઈ પ્લાન બાબતે સુનેહા પર આધારીત દેખાઈ રહ્યો હતો!!

‘જગતાપ પુરુષમાં નથી એની ખાલી એને અને મનેજ ખબર છે, હા કદાચ એના ખાસમખાસ બે-ત્રણ મિત્રોને જે એને પેલી ગોળીઓ લાવી આપવામાં મદદ કરે છે એમને ખ્યાલ હશે. પવન, એક વાર શાંતિથી વિચાર કર કે જગતાપ નામર્દ છે અને તોય જો હું પ્રેગ્નન્ટ થાઉં તો? અને નવ મહીને એક બાળકને જન્મ પણ આપું તો? વિચાર જગતાપની હાલત કેવી થાય? એનાં પેલા મિત્રોતો ઠીક પણ એ પોતાની સાથે પણ નજર નહી મેળવી શકે અને મારી સાથે તો એ બાકીની જિંદગી જીવવાનું તો છોડ મારી આજુબાજુ ફરકશે પણ નહીં!!’ અચાનકજ હસી રહેલી સુનેહાએ પોતાનો પ્લાન પવન સામે ખુલ્લો મુક્યો.

‘ગજ્જબ નો આઈડીયા છે સુનેહા!! સાલો જગતાપીયો તો શરમનો માર્યો મરીજ જશે અને આખી લાઈફ પેલા બચ્ચાને પોતાની સામે ને સામે જોઈજોઈને પોતાની નામર્દાઈને ગાળો આપતો રહેશે. મસ્ત પ્લાન છે સુનેહા!’ પવન સુનેહાનો પ્લાન સમજીને અત્યંત ઉત્સાહમાં આવી ગયો.

‘તો મારો બદલો લેનારું એ બાળક તું મને આપીશ? એ બાળકના જન્મ પછી હું જગતાપને છોડીને કાયમ તારી પાસે આવી જઈશ.’ સુનેહાએ પવનની બંને હથેળીઓ પકડી લીધી અને એની આંખમાં આંખ નાખીને પવનનાં જવાબની રાહ જોઈ રહી હતી.

=: પ્રકરણ આઠ સમાપ્ત :=

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED