કંચનબાનો લાલો Anya Palanpuri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કંચનબાનો લાલો

કંચનબા નો લાલો

લાલો...એ આપણે અહી યુનિવર્સલ નામ છે. તમે ન ઓળખતા હોય તો પણ કોઈ વ્યક્તિને તમે “લાલો” કહીને બોલાવી જુઓ, તે જરૂરથી પાછળ જોશે. આ હજુ ટ્રાય ન કર્યું હોય તો કરી જોજો. અમે તો કરી જોયું છે. અને એમાં વધુ રસપ્રદ વાત એ છે કે જનાર માણસ પણ પોતાની જાતને “લાલો” ગણાવે એવું ઇચ્છીને પાછળ જોતા હોય છે. એવો તો “લાલા” શબ્દ પાછળનો કેવો ઈતિહાસ હશે કે સૌને “લાલા” થવું પણ ગમે છે!! એક કારણ એ હોઈ શકે છે કે શ્રીકૃષ્ણ ભગવાનને પ્રેમથી “લલ્લા” કહેતા, હવે અહી આપણે ત્યાં બધા શ્રીકૃષ્ણ કયા પોઈન્ટ ઓફ વ્યુથી બનવા માંગે છે, તે દરેકનો પર્સનલ ઇન્ટરેસ્ટ છે. બાકી “લાલા” નામ ભારતભરમાં અને ખાસ કરીને ગુજરાતમાં તો જગવિખ્યાત છે.

***

અમારી સોસાયટીમાં કંચનબા રહે છે,જેમની ઉંમર લગભગ ૬૫ વર્ષ જેટલી હશે. જોકે જ્યારે જ્યારે તેમને કોઈ ભૂલથી પણ પૂછી લે કે “કંચનબા તમારી ઉંમર કેટલી?” તો તેઓ વિના સંકોચે અને આત્મવિશ્વાસથી “૪૨ વર્ષ” કહી દે. પછી ભલે ને તેમના દીકરાને ૩૦ વર્ષ થયા હોય!! કંચનબા અમારી સોસાયટીમાં “એચ.ડી પ્લેયર” તરીકે ઓળખાય છે. એચ.ડી એટલે હા એ જ હાઈ ડેફીનેશન. કંચનબાને ટેવ જ એવી છે, તે આખો દિવસ ઘરના વાસણો અને સ્પેશિયલી બહાર પડ્યા રહેતા તગારાઓને એટલીવાર અને એટલો બધો સમય લઈને ઘસે કે છેલ્લે વાસણ પણ બોલી ઉઠે કે “બા...હવે ચામડી બળે છે” અને છેલ્લે તેને એકદમ ચકાચક, મોઢું જોઈ શકાય તેવું થાય ત્યારે છોડે. કંચનબાને ઓછું સંભળાય એટલે જેના ગળામાં લાઉડ સ્પીકર હોય તે જ તેમની સાથે વાતો કરવા જાય.

કંચનબા ને એક છોકરો છે, જેનું નામ અમને તો “લાલો” જ ખબર છે, પણ એલ.સીમા “ઘનશ્યામ” બોલે છે. કંચનબા અને લાલાને કેવું બને છે એ તો અમને ખબર નહિ, કારણકે અમે બંનેને ક્યારેય સાથે જોયા જ નથી. પણ કંચનબાની વાતો પરથી તો એવું જ લાગે કે લાલો એટલેકે ઘનશ્યામ તેમને ખુબ જ વ્હાલો હશે. લાલો અમારી સોસાયટીનો ‘અનસંગ હીરો’ પણ કહી શકાય, કારણકે જેટલી તેની પ્રશંસા કંચનબા બધાની સામે કરે તેટલી જો ભૂલથી પણ મીડિયા સામે કરી દે તો પ્રધાનમંત્રી ખુદ તેને એવોર્ડ આપવા આવે. જોકે મોદી સાહેબને સમય ન હોય તો એટલીસ્ટ રાષ્ટ્રપતિ તો આવી જ શકે!!

એકવાર નવો શાકભાજીવાળો સોસાયટીમાં ઘુસી ગયો. ઘુસી ગયો એટલા માટે, કારણકે અમે માત્ર મોહનને જ અમારી સોસાયટીમાં શાક વેચવા આવવા માટે વિઝા આપેલા!! આ ભાઈ આમ તો થોડું ઘણું વેચી અને હેમખેમ બહાર જતો રહ્યો હોત, પણ અલાસ.… તેને કંચનબા ભટકાયા.

“અલ્યા ભઈ...શું શું લાયો શી આજ... હે?” કંચનબા કમર પકડી, તગારા ધોતા-ધોતા ઉભા થઇ લારી સામે ચાલ્યા.

“આવો બા. શાકભાજી શી” લારીવાળો થોડો ખુશ થઈને બોલ્યો. આજુબાજુમાંથી બે-ત્રણ લોકો તેની સામે હસતા-હસતા નીકળ્યાં. તે કાઈ કળી ન શક્યો.

“હ...શું ભાવ આલ્યા બટાટા?” કંચનબાએ ગળામાંથી ગળફો કાઢી પૂછ્યું.

“બા...દહના કિલો શી. બોલો ચેટલા આલું?” તેને ખબર પડી કે બા ઓછું સાંભળે છે એટલે થોડું જોરથી બોલ્યો.

“ઓવ...”કંચનબા જેમ સી.આઈ.ડીમાં ડોકટર સાલુકે સસ્પેક્ટ ચેક કરતા હોય તેમ બટાકા ચેક કરવા લાગ્યાં. તેઓ થોડીવાર કાઈ જ બોલ્યો નહિ. પેલો ભાઈ ઉભો-ઉભો કંટાળ્યો.

“અલ્યા. ડાઘીવાળા ચમ લાયો સી? અન ઇના ભાવ ચેટલા ઓસા શી?” કંચનબાએ બટાકા ચકાસી રિપોર્ટ આપ્યો.

“ચો શી ડાઘી વાળા બા?” લારીવાળાએ બટાકા ચેક કરતા કહ્યું.

“અલ્યા...ઓધળો શી તું? આટલા મોટા તન નથ દેખાતા?” બા થોડા ગુસ્સેથી બોલ્યા.

“હારૂ હેડો. આઠ રૂપિયા આલ જો પરા. પુરૂ થાય. હું નેકળુ પસી” લારીવાળો બોલ્યો અને બટાકા ત્રાજવામાં નાખવા લાગ્યો.

“અલ્યા..એ.ઉભો રે” કંચનબા બરાડ્યા અને પેલાને જોખતાં રોક્યો.

“હ...બોલો હવ હું?” લારીવાળો કંટાળીને બોલ્યો.

“ખોટું હું કરવા બોલું? કાલ જ માર લાલો પોચ કિલો લાયો” અને કંચનબાએ ઘડો ફોડ્યો. પેલા બિચારાને મનમાં હતું કે બા એકાદ કિલો તો લેશે.

“બા...તો પેલા કેવું તું ને કે નથ લેવા તમાર. ખોટો ટેમ બગાડ્યો મારો” લારીવાળો અકળાઈને બોલ્યો. તેણે ત્રાજવામાનાં બટાકા પાછા લારીમાં નાખ્યા અને આગળ ચાલ્યો.

“મારો રોયો...ડાઘી વાલા વેચ શ અન ઉપરથી હોમું બોલ શ...”કંચનબા પાછળ બરાડા પાડતા રહ્યા.

બોલો....આવા વિચિત્ર છે અમારા કંચનબા. અમે લાલાને ભાગ્યે જ જોઈએ, અને એ પણ રાત્રે જ. જો કે એ સમયે સોસાયટીની સ્ટ્રીટલાઈટ બંદ હોય તો તો ખાલી અમને દાંત જ દેખાય.

હમણાં જ્યારે અમે બધા સાંજે બેઠા હતા ત્યારે તેઓ તગારૂ ધોવા બહાર આવ્યાં. અમે બધા રમતગમત અને પોલીટીક્સની વાતો કરતા હતાં. ખબર નહિ પણ ભૂલથી અમારામાનાં એકના મોં માંથી બોલાઈ ગયું કે “હું પ્રધાનમંત્રી હોત તો તમને બધાને હું મુકાકાકા આપે તેના કરતાય વધારે ફ્રી ઈન્ટરનેટ કરાવી આપત”. એટલામાં જયમીન કંચનબાને જોઇને બરાડ્યો “કંચનબા… તમારો લાલો પ્રધાનમંત્રી હોત તો તમે શું કરત?”

અમે હસવા લાગ્યા. કંચનબાને માત્ર લાલો જ સંભળાયું એટલે બોલ્યા “ના ના.લાલો નથ ઘેર” અમને હસતા જોઈ એક હાથમાં કુચડો અને બીજા હાથમાં ગળણી લઈને તેઓ અમારી પાસે આવ્યાં અને બોલ્યા “શું? શું કે’તો હતો તું લાલા?”

જયમીન બોલ્યો “ આ તો બા. હું એમ કહેતો હતો કે જો તમારો લાલો મોદી સાહેબની જગ્યાએ હોત તો તમે સૌથી પહેલા શું કરાવત?”

કંચનબાએ બે સેકંડ ઉપર આકાશમાં જોયું અને પછી હાથમાં પકડેલ કુચડા સામે જોયું અને બોલ્યા “હવથી પેલા હું બધા હાબુઓ અને કુચડાઓ સસ્તા કરાઉ… ચેટલા-ચેટલા ભાવ લોય શી મારા રોયાઓએ. મનમો જેમ આવ ઈમ ભાવ વધારી શી” બધાએ હસવાનું રોકી રાખ્યું.

“અન ઓવ...બીજું. આ પોણીની બોટલ વેચવાવાળાનો ભાવ ડબલ કરાઈ દઉં. બિચારા બઉ મેનત કરી શી” તેઓએ ઉમેર્યું. એમનો લાલો મિનરલ બોટલનો ધંધો કરતો હતો. “ અન છેલ્લ..અમાર ઘનશ્યામનું નોમ બધા કાગળોમાં ‘લાલો’ કરાઈ દઉં. બસ એટલું જ” અને કંચનબા ઘર તરફ ચાલ્યાં. આટલું સાંભળતાની સાથે અમારા બધાનું હસવાનું છુટી ગયું અને બધા એકીસાથે ખડખડાટ હસવા લાગ્યાં.

અમારો હસવાનો અવાજ તેમના કાને પહોચ્યો અને તેઓ પાછળ ફર્યા અને ગુસ્સેથી બોલ્યા “અન ઓવ. તમન બધો ન ઓયથી સુટા કરાવું....”

----અન્ય પાલનપુરી