હમણાં થોડા સમય પહેલા જ બોક્સિંગ ના અપરાજીત એવા ફ્લોયડ મેવેધર અને અલટીમેટ ફાઇટિંગ ના ચેમ્પિયન મેક ગ્રેગોર વચ્ચે બોક્સિંગ ની સ્પર્ધા યોજાઈ મિલિયન ડોલર મેચ હોઈ ઇન્ટરનેટ અને ન્યૂઝ માં જ્યાં જોવો ત્યાં "મેવેધર vs મેકગ્રેગોર" જોવા મળતું હતું પણ ગુજરાત માં એક અલગ જ સ્પર્ધા ચાલુ થઈ રહી હતી (જે કદાચ મારા જેવા અળવીતરા માણસ ને જ નજર માં આવી હશે) ના કોઈ પોલિટિકલ પાર્ટી કે ચૂંટણી ની વાત નથી વાત થઈ રહી છે કવિ vs વિકાસ ની.
બીજું કાંઈ નહિ પણ એક વસ્તુ ખરી વોટ્સએપ ને લીધે કેટલાક ની ક્રેટિવિટી તો મોટાભાગના ની ફોરવર્ડીવીટી (મેસેજ ફોરવર્ડ કરવાનું હુંનર) ના પરચા થવા લાગ્યા છે. માર્કેટમાં ચાલતા કોઈ પણ કરન્ટ ટોપિક પર એક પછી એક જોકસ આવા લાગે છે અને જે લોકો કહે છે કે આજનો માણસ ટેન્શન માં જીવે છે, હસવાનું ભૂલી ગયો છે તેમને કહેવાનું ભાઈ મારા અહીં લોકો બ્લ્યુવહેલ જેવા સિરિયસ ટોપિક પર પણ જોકસ બનાવી લેતા હોય છે.
હશે આપણે તો આજે ચર્ચા કરવી છે કવિ અને વિકાસ ની. કવિ ને તો ઓળખતા જ હશો એજ "કવિ કહેવા માંગે છે" વાળી લાઈનો વાળા જોકસ નો મુખ્ય નાયક. જોકે કવિ કહેવા માંગે છે ના નામે લખવા વાળા પોતાની લાગણીઓ વ્યક્ત કરતા હોય છે ખાસ કરી ને પત્ની ઉપરના જોકસ માં ઘણી વાર પતિ પોતાની ફીલિંગ્સ ડરયા વગર બિચારા કવિ ના નામે વ્યક્ત કરી નાખતા હોય છે પણ જે પતિઓ વ્યવસાયે પોતે જ કવિ છે તે તો એવું પણ નથી કરી શકતા. જ્યારે કવિ ના જોકસ બહુ ચાલ્યા હતા તયારે કેટલાક નામાંકિત કવિઓ ને તકલીફ થવા લાગી હતી ઘણી વાર તો તેમની પત્ની અને છોકરાઓ તેમને ખખડાવતા "જે કહેવું હોય તે સીધે સીધું કહીદો ને આવા મેસેજ ફરતા કરવાની શુ જરૂર હતી ?"
જેમ ગુજરાતી મૂવીમાં એક જ પ્રકારના મુવી થી કંટાળી ગયેલા લોકો નો ઇન્ટરેસ્ટ "બે યાર" જેવી નવાજ પ્રકાર ની મુવીથી પાછો જાગ્યો તેવી જ રીતે સંતા બંતા અને પતિ પત્નીના જોકસ થી કંટાળેલાં લોકોમાં આ કવિએ નવો જોશ ભરી દીધો. કવિ ના જોક્સ ની અલગ વાત એ હતી કે તેની શરૂઆત કોઈ કવિતા, શાયરી, ગીતની પક્તિઓ કે કહેવત થી થતી અને નીચે કવિ કહેવા માગે છે કરીને તેની સમજૂતી આપી હોય જાણે ગદ્ય નું પદ્ય લેખન (કે પદ્ય નું ગદ્ય લેખન આપણને બહુ ખબર ના હોય હું ક્યાં કવિ છું..!)
જોકે આ કવિ ના જોક્સ પછી બીજા પણ કેટલાક ટોપિક પર જોક્સ આવ્યા જેમ કે ગરમી ની શરૂઆત માં ખીરું કોઈ ના મો પર નાખો તો ઢોકળા બની જાય, તો ચોમાસા માં રોડ પર પડેલા ખાડાઓ પર વ્યંગ કરતા મેસેજ તો વળી કેટલાક ૧૮૫૭ ના વિપ્લવ વખતના (અતિશયોક્તિ છે કોઈ તાટ્યા ટોપે સિરિયસલી ના લેવું) કે બાબા આદમના જમાના ના છતાં "માર્કેટ મેં નયા હે" લેબલ વાળા અને નોટબંધી થઈ ત્યારે ઘણા ને ભારત ની ઇકોનોમી કરતા સોનમ ગુપ્તા કોણ છે અને તે બેવફા છે જે નહિ તે વાતમાં વધારે ઇન્ટરેસ્ટ હતો. વળી કોણ જાણે ક્યાંક થી "સોનુ" આવી ગયું. છોકરીઓ એ એવો દાવો કર્યો છે એ આ સોનુ, મોનું, બેટુ, સ્વિટુ, બબુ, પપ્પુ (રાહુલ નહીં) એ બધા શબ્દો પર એમના કોપી રાઇટ્સ છે. વળી ક્યાક થી ચોટલીકાંડ થયો તો કેટલાક દાઢી વાળા બાબાઓ એ.. અરે સોરી બાબા નહિ ભાઈઓ એ (બાબાઓ આજકાલ બહુ ફેમસ છે) તેમની દાઢી કરી જાય તેવા મેસેજનો મારો શરૂ કરી નાંખ્યો. તેમાં વળી પાછી પેલી દેશ ભક્તિ વાળા મેસેજ ચાઇના ની વસ્તુઓ વાપરવી નહીં, એ વાત અલગ છે મેસેજ મોકલનાર ચાઈનીઝ કંપની ના મોબાઈલ માંથી મેસેજ મોકલ્યો હતો અને તે પણ પાછું ભરપેટ ચાઇનીઝ હકકા નુડલ્સ ખાઈને પછી મેસેજ કર્યો હતો. ઓપો અને વિવો ના હોડીગઝ છે લગભગ એટલા જ ઓપો અને વિવો ના મોબાઈલ વાપરવા નહીં એવા મેસેજો થી મોબાઈલ ભરાઈ ગયો છે.
જોકે આ બધા ટોપિક કવિ જેટલી સિદ્ધિ અને નામ હાંસલ ન કરી શક્યા પરંતુ હાલમાં (આ લેખ લખાઈ રહ્યો છે ત્યારે, વાંચો ત્યારે કોઈ બીજું નામ હોય તો થોડું ભુતકાળ માં આવતા રહેવું) એક નવું જ નામ ચર્ચાઈ રહ્યું છે અને ખૂબ ઓછા સમય માં પ્રખ્યાત થઈ ગયું તે છે "વિકાસ". કોણ જાણે ક્યાં રહે, શુ કરે તેનો ભૂતકાળ શુ છે પણ તે આવે છે અને ગાંડો થયો તેવું જાણવા મળ્યું છે અને હવે તે દિવસે ને દિવસે (રાતે અને બપોરે પણ) પ્રગતિ કરી રહ્યો છે એટલે કે હડકાયો, ગાંડી બુદ્ધિ નો અને બીજુ ઘણું બધું બની રહ્યો છે. જોકે કેટલાક લોકોને વિકાસ ના ગાંડા થવા વાળી વાત નું લાગી આયુ અને સામે "હા માન્યું વિકાસ ગાંડો થયો પણ જો વિકાસ ગાંડો ના થાત તો આ ના થયું હોત પેલુ ના થાત વગેરે વગેરે..." જેવા મેસેજ મોકલવાના શરૂ કરી નાખ્યા.
કવિ ની જેમ અહીં પણ જેનું નામ વિકાસ છે તે લોકોની નજરમાં આવી ગયા છેે, લોકો તેને વિકાસ ને બદલે ગાંડો કહે છે તો કેટલાક તેને આવતો જોઈ કહે "આઘા રહેજો વિકાસ આવે છે". હદ તો ત્યારે થઈ જયારે એક સારા હોદા પરના રાજકારનીએ કહ્યું "ભલે વિકાસ ગાંડો પણ આવશે તો વિકાસ જ " આ જ બતાવે છે વિકાસ રાતોરાત કેટલો ફેમસ થઈ ગયો છે.આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની સાથે જાપાન ના વડાપ્રધાન શિંજો અબે પણ ગુજરાત આવ્યા તેનું કારણ લોકોને ભલે બુલેટ ટ્રેન નો શિલાન્યાસ કે મુહ્રત જણાવવામાં આવ્યું હોય પણ એક રિસર્ચ (પાનના ગલ્લા અને ઓફિસ માં થતા વિચાર વિમર્શ) અનુસાર "વિકાસ આવે છે" આ વાત દિલ્હી સુંધી પોહચી ગઈ અને નરેન્દ્ર મોદી જાણવા માંગતા હતા કે આટલા ઓછા સમય માં આટલી બધી નામના મેળવનાર કોણ છે ?, કઈ પાર્ટી નો છે ?, અને તેનાથી તેમની લોકપ્રિયતા ને તો અસર નહીં પહોંચે ને ? અને રહી વાત જાપાન ના વડાપ્રધાન ની તો તેમને પણ કોઈ એ મેસેજ કર્યો કે "બુલેટ તો આવતા આવશે પણ વિક્સ તો આવી પહોંચ્યો" આથી તેમને જ નરેન્દ્ર મોદી ને કહ્યું કે બુલેટ નું કામકાજ શરુ કરવાને બહાને ગુજરાત આંટો મારી આવીયે અને આ વિકાસ ને મળી લઈએ નહીં તો જાપાન માં પણ તે પોહચી જશે.
સાચું ખોટું ખબર નહિ પણ મારી પણ વિકાસ ને લઈને એક ધારણા છે કે
ધારો કે (ગણિત યાદ આવ્યું ને .!)
“વિકાસ એ એક જમાના ના વોટ્સએપ પર ફેમસ એવા કવિ નો દીકરો છે અને કવિ એટલે એજ ભૂરો અને બકો નો પિતરાઈ ભાઈ, વર્ષો થી પરિવાર ના સભ્યો રમૂજ અને જોક્સ માટે નાયક નું પાત્ર ભજવે, આ પરિવાર માં કવિ થોડો હોશિયાર અને સાહિત્ય નો જાણકાર નીકળ્યો એને એક જેવા જુના ચવાઈ ગયેલા જોક્સ માં કામ કરવાને બદલે ડિરેક્શનનું કામકાજ હાથ માં લઇ નવાજ પ્રકાર ના જોક્સ ની સ્ક્રિપ્ટ લખી અને લોકો ને તે બહુ ગમી. જોત જોતામાં કવિ ફેમસ થઇ ગયો. હવે વિકાસ એટલે કવિ નો દીકરો જે નાનપણ થી જ પિતાની સફળતા જોઈ થોડો છાકટો બની ગયો અને હવે જેમ જેમ મોટો થયો તેમ ધનવાન બાપ ના નબીરા ની જેમ વધુ ને વધુ બગડવા લાગ્યો એટલે વિકાસ ગાંડો નથી થયો પણ કોઈના કહ્યામાં નથી રહ્યો”
જો આ ધારણા સાચી હોય તો વિકાસ તેના પિતા એટલે કે કવિ ના નકશા કદમ પર છે અને વોટ્સએપ પર તરખાટ મચાવી રહ્યો છે જોવાનું એ છે કે આઉટ ઓફ કન્ટ્રોલ વિકાસ તેના પિતા જેટલો લાંબો સમય ટકી શકે છે કે નહીં.