નવી વાનગીઓ Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નવી વાનગીઓ

નવી વાનગીઓ

ભાગ-૧

મીતલ ઠક્કર

બહેનો, એક જ પ્રકારની વાનગીઓ બનાવીને અને ખાઇને પરિવારના સભ્યો કંટાળી જાય છે. ઘણી વખત એ જ કારણે આપણે હોટલમાં વધુ જઇએ છીએ. પરંતુ એકાંતરે એક જ પ્રકારની વાનગીઓ ખાઇએ છીએ એ અલગ વાત છે. જો ઘરે જ નવીન વાનગીઓ/ નાસ્તા બનાવવામાં આવે તો એને બનાવવામાં મજા આવે જ છે પણ ખાવાની વધુ મજા આવે છે. એવું બને કે શરૂઆતમાં એક-બે વખત વાનગી યોગ્ય રીતે તૈયાર ના થાય. પણ પછી હાથ બેસી જાય છે. એટલે ભોજન થાળીમાં/નાસ્તાની ડીશમાં અવારનવાર પરિવર્તન લાવવા આપના માટે નવી વાનગીઓ શોધીને લાવી છું. જે મારા- તમારા જેવી ગૃહિણી કે એક્સપર્ટે જ બનાવી છે. આશા છે કે તમે પણ આ વાનગીઓ બનાવશો અને તેની રીત તમારા સખીમંડળમાં પણ વહેંચશો.

પોકેટ પિત્ઝા

સામગ્રી : ૨ નંગ ઘઉંના લોટના પિત્ઝા બેઝ, ૧/૨ બારીક સમારેલી કોબી, ૧/૨ કપ બારીક સમારેલું કેપ્સિકમ, ૧/૨ કપ ખમણેલું ગાજર, ૧/૨ કપ બારીક સમારેલી ડુંગળી, ૧/૨ કપ બોઈલ સ્વીટકોર્ન, ૧/૨ હોમ મેઈડ ટોમેટો ગ્રેવી (તેલમાં અજમો, લાલ મરચું, લસણ સાથે ટોમેટો પ્યુરી સાંતળવી), મીઠું, વ્હાઈટ સોસ માટે : ૧ ટે.સ્પૂન મેંદો, ૧ કપ દૂધ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, મરી પાઉડર, સ્વાદ મુજબ નમક, શેકવા માટે બટર, ૧ કપ ચીઝ ખમણેલું.

રીત : પહેલાં તો વ્હાઈટ સોસ બનાવવા માટે પેનમાં બટર મૂકી તેમાં મેંદો સહેજ શેકી ધીમેધીમે દૂધ નાખતા જાઓ અને હલાવતા જાઓ. તેમાં નમક તથા મરી પાઉડર નાખી મિક્સ કરી ઘટ્ટ થાય એટલે નીચે ઉતારી લો. હવે તેમાં ગાજર, કેપ્સિકમ, ડુંગળી, સ્વીટકોર્ન, કોબી નાખી મિક્સ કરો. ચીલીફ્લેક્સ, ઓરેગાનો, મરી પાઉડર, નમક સ્વાદ મુજબ નાખી છેલ્લે ચીઝ નાખી મિક્સ કરી લો. હવે પિત્ઝા બેઝના ૪ ભાગ કટ કરી લો. દરેક ભાગને વચ્ચે કટ મૂકી બે પડ અલગ થાય તે રીતે પોકેટ બનાવી લો. હવે તૈયાર કરેલી ટોમેટો ગ્રેવી લગાવવી. પોકેટમાં બધી બાજુ લગાવી લો. ત્યાર બાદ તેમાં વ્હાઈટ સોસ સાથે મિક્સ કરેલ વેજિટેબલ્સનું મિશ્રણ થોડું ભરો અને તેને નોનસ્ટિક તવી પર બંને બાજુ બટરથી શેકો. ટોમેટો કેચઅપ સાથે ગરમાગરમ સર્વ કરો

.*

મિક્સ વેજિટેબલ ઇડલી

સામગ્રી: એક કપ રવો, બે ચમચા દહીં, ઝીણા સમારેલા શાક, ટમેટાની પ્યુરી, તેલ, મીઠુ સ્વાદાનુસાર.
રીત: એક વાસણમાં બધી સામગ્રી મિક્સ કરી મીઠું નાંખો. ઇડલીના સ્ટેન્ડમાં તેલ લગાડી ખીરૂ પાથરો, પંદર મિનિટ વરાળમાં પકાવવું. ટોમેટો સોસ સાથે ટિફિનમાં આપો.

*

ચીઝ કોલા કેક

સામગ્રી : મેંદો બે કપ, કન્ડેન્સ્ડ મિલ્ક ૪૦૦ ગ્રામ (૧ ટીન), દળેલી સાકર ૧/૪ કપ, થમ્સઅપ અથવા કોકાકોલા ૨૫૦ મિ.લિ., માખણ ૧૨૫ ગ્રામ, કોકો પાઉડર એક ચમચી, બેકિંગ પાઉડર એક ચમચી, સાજી ફૂલ એક ચમચી.

આઈશિંગ માટે : ચીઝ ૪૦૦ ગ્રામ, આઈશિંગ શુગર ૨૦૦ ગ્રામ, વેનિલા એસેન્સ ત્રણથી ચાર ડ્રોપ્સ.

રીત : (૧) બટરને એકદમ મેલ્ટ કરો. તેમાં દળેલી સાકર મિક્સ કરો. (૨) મેંદામાં સાજી તથા બેકિંગ પાઉડર મિક્સ કરો અને બેથી ત્રણ વખત ચારણીથી ચાળો. (૩) બટરમાં મેંદો મિક્સ કરો. કન્ડેન્સ્ડ મિલ્ક ધીમેધીમે ઉમેરો. કોકો પાઉડર નાખી હલાવો. (૪) ત્યાર બાદ કોકાકોલા નાખી હલાવો. (૫) કેકના મોલ્ડમાં બટર સહેજ લગાવી મેંદો સ્પ્રેડ કરી ડસ્ટિંગ કરી મિશ્રણ રેડો. (૬) માઈક્રોવેવમાં આઠથી દસ મિનિટ માટે બેક કરો. ઠંડી થયા બાદ ચારણીમાં કાઢવી. (૭) આઈશિંગ માટે ચીઝ સ્પ્રેડ લેવું. જો તે ન હોય તો ચીઝ ક્યૂબને મેલ્ટ કરી તેમાં એસેન્સ અને આઈશિંગ શુગર મિક્સ કરો અને કેક પર સ્પ્રેડ કરો .(૮) કેકને સર્વ કરતી વખતે સાઈડમાં પણ ચીઝનું આઈશિંગ કરવું.

*

વેજિટેરિયન હોટડોગ

સામગ્રી : વેજ સોસેજ માટે : ૧/૨ કપ પલાળેલા ને બાફેલા રાજમા, ૧/૨ કપ પનીર, ૧/૨ કપ પલાળીને બાફેલા દેશી ચણા, ૧/૨ કપ બીટનું ખમણ, ૧ ટે.સ્પૂન આદું-મરચાં- લસણની પેસ્ટ, ૧ ટે.સ્પૂન ગરમ મસાલો, ૧/૨ ટી.સ્પૂન લીંબુનો રસ, સ્વાદ મુબ નમક, બ્રેડક્રમ્સ, કોર્નફ્લોર સ્લરી, તેલ.

અન્ય સામગ્રી : ૪ ફ્રેન્ચ બ્રેડ, ૧ કપ સલાડ ડ્રેસિંગ, ૧ કપ પાતળી લાંબી સમારેલી કોબી, ચીઝ.

સલાડ ડ્રેસિંગની સામગ્રી : ૧ કપ ક્રીમ, ૧ ટી.સ્પૂન મરી પાઉડર, ૧ ટે.સ્પૂન પીસેલી ખાંડ, ૧ ટે.સ્પૂન લીંબુનો રસ, ૧ ટી.સ્પૂન રાઈનો પાઉડર, ૧ ટે.સ્પૂન શેકેલી સિંગનો પાઉડર, નમક.

રીત : સલાડ ડ્રેસિંગની બધી સામગ્રીને વાયર બીટરથી ખૂબ ફીણીને મિક્સ કરી લો. વેજ સોસેજ માટે રાજમા, ચણા, પનીરને હાથેથી મસળી લો. સ્મૂધ થઈ જાય એટલે તેમાં બીટનું ખમણ, આદું-મરચાં- લસણ, ગરમ મસાલો, નમક, લીંબુ નાખી તેના લાંબા (બ્રેડના લંબાઈના) રોલ્સ બનાવી સ્લરીમાં ડીપ કરી બ્રેડક્રમ્સમાં લપેટી તેને ડિપ ફ્રાય કરી લો. હવે ફ્રેન્ચ બ્રેડને વચ્ચેથી લંબાઈમાં કટ કરી બે સ્લાઈસ બનાવો. બંને પર બટર લગાવો. હવે એક સ્લાઈસ લઈ તેની પર સલાડ ડ્રેસિંગ લગાવી ઉપર ઉપર કેબેજ પાથરી તેના પર સોસેજ મૂકો. તેના પર ચીઝ ભભરાવી દો. બીજી સ્લાઈસ પર પણ અંદરના ભાગમાં સલાડ ડ્રેસિંગ લગાવી તેને સોસેજ પર મૂકી બંધ કરી એલ્યુમિનિયમ ફોઈલ કે કલિંગ રેપ કરી સર્વ કરો.

*

મિક્સ વેજિટેબલ ટોસ્ટ

સામગ્રી: બાફેલા બટેટા, બારીક સમારેલા કાંદા, ટમેટા અને શિમલા મિર્ચ, બારીક સમારેલી કોથમીર, ચાટ મસાલો, મીઠું બે્રડના ટુકડા.

રીત: બે્રડ સિવાયની બધી સામગ્રીને મિક્સ કરો. બે્રડના ટુકડાની બન્ને બાજુ આ મિશ્રણને લગાડી નોન-સ્ટિક પેનમાં તેલ લગાડી શેકી લો.

*

મિક્સ દાલ- વેજ.સુપ

સામગ્રી : મગદાળ ચાર ચમચી, તુવેરદાળ એક ચમચી, ચણાદાળ એક ચમચી, મસુર દાળ ત્રણ ચમચી, અડદ દાળ ત્રણ ચમચી, બાફેલી મકાઈ એક ચમચી, બાફેલા ગાજર બે ચમચી, બાફેલ વટાણા એકથી દોઢ ચમચી, સમારેલ ધાણા એક ચમચી, કોર્નફ્લોર અડધી ચમચી (મરજિયાત), સમારેલ ઝીણું લસણ બે ચમચી, દળેલી સાકર એક ચમચી, મીઠું સ્વાદ મુજબ, મરી પાઉડર એક ચમચી, ઘી બે ચમચી, લવિંગ એક નંગ.

રીત : (૧) બધી દાળને ૧૫ મિનિટ પલાળી કૂકરમાં ૧૫ મિનિટ બાફો. (૨) ઠંડી થયા બાદ મિક્સીમાં ચર્ન કરી લિક્વિડ બનાવો. (૩) તેમાં બાફેલા શાક, મકાઈ તથા બાકીના તમામ મસાલા ઉમેરો. (૪) વઘાર માટે પાનમાં ઘી ગરમ કરી તેમાં લવિંગ નાખી વઘાર સુપમાં રેડો. (૫) ધીમા તાપે બેથી ત્રણ મિનિટ ઉકાળી ગેસ બંધ કરો. ગરમ ગરમ સુપનો સ્વાદ માણવો.

*

પંજાબી સિઝલર

સામગ્રી : (૧) પલાળેલા ભાત બાસમતી ૧ વાટકી, રાત્રે પલાળેલા રાજમા ૧ વાટકી. (૨) રાજમા બનાવવા : સ્વાદાનુસાર મીઠું, લસણની પેસ્ટ ૧ ચમચી, આદુંની પેસ્ટ ૧ ચમચી, ૧ નંગ ડુંગળી, અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, ૧ ચમચી ગરમ મસાલો. (૩) ફ્રેન્ચ ફ્રાય બનાવવા : બે નંગ બટાટા લાંબી ચીરીમાં કાપી તેમાં મીઠું તથા કોર્નફ્લોર ઉમેરી હલાવી તેને તળી લેવા. (૪) કોફ્તા બનાવવા : ૧૦૦ ગ્રામ પનીર, ૪ ચમચી ચીઝ, સ્વાદાનુસાર મીઠું-મરી પાઉડર, કોર્નફ્લોર, તેલ તળવા માટે. પનીર અને ચીઝ તથા કોર્નફ્લોર, મીઠું, મરી પાઉડર મિક્સ કરી મિક્સર જારમાં પીસી લેવું. તેમાંથી નીકાળી નાના બોલ બનાવી તેલમાં તળી લો. (૫) પાલક સોસ બનાવવા : ૨૫૦ ગ્રામ પાલક, સ્વાદાનુસાર મીઠું, ૨ નંગ લીલાં મરચાંની પેસ્ટ, ૧ ચમચી આદું-લસણની પેસ્ટ, ૨ ચમચી ક્રીમ, ૧ નંગ ડુંગળી. પાલકને ધોઈ સમારી ગરમ પાણીમાં બાફી લો. તેમાંથી કાઢી ગાળી મિક્સર જારમાં પીસી તેની પેસ્ટ બનાવો. એક બાઉલમાં કાઢી લો. હવે એક પેનમાં બટર મૂકી તેમાં ડુંગળી, આદું-લસણ- મરચાંની પેસ્ટ સાંતળી લો. ડુંગળી સંતળાઈ ગયા બાદ તેમાં પાલકની પ્યૂરી ઉમેરી હલાવી મિક્સ કરી તેમાં સ્વાદાનુસાર મીઠું નાખી ક્રીમ ઉમેરી તેને ઘટ્ટ થવા દો. તેને એક બાઉલમાં કાઢી લો. (૬) છોલે ટીક્કી બનાવવા : રાત્રે એક વાટકી છોલે ચણા પલાળી રાખવા. સ્વાદાનુસાર મીઠું, છોલે મસાલો, એક નંગ નાની ડુંગળી, લીલાં મરચાં-આદુંની પેસ્ટ ૧ ચમચી, તળવા માટે તેલ, ૨ ચમચી ચણાનો લોટ. પલાળેલા ચણામાં ઝીણી સમારેલી ડુંગળી, મીઠું, લીલાં મરચાં-આદું, છોલે મસાલો ઉમેરી મિક્સર જારમાં પીસી પેસ્ટ બનાવો. તેમાં ચણાનો લોટ ઉમેરી બધું બરાબર ભેગું કરી ટીક્કી વાળી તેલમાં તળી લો. (૭) ભાત બનાવવા : પલાળેલા ચોખાને ગરમ પાણીમાં ઉમેરી ચડવા દો. ચડી ગયા બાદ છૂટા રહે તેવા હોય ત્યારે ચારણીમાં નીતારી લો. તેમાં જીરું અને એક લીલું મરચું તથા કોથમીર ઉમેરી વઘાર કરો. તેને હલાવી બરાબર મિક્સ કરી બાઉલમાં કાઢી લો. (૮) રાજમા બનાવવા : રાજમાને પ્રેશર કૂકરમાં ત્રણ સીટી વગાડી બાફી લો. પેનમાં તેલ મૂકી તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી તેમાં આદું-મરચાંની પેસ્ટ ઉમેરી તેને સાંતળી લો. હવે તેમાં રાજમા ઉમેરી હલાવો. તેમાં થોડું પાણી ઉમેરી સ્વાદાનુસાર મીઠું, લાલ મરચું, ચપટી હળદર, ગરમ મસાલો ઉમેરી ખદખદવા દો. રાજમાની સાથે મસાલો ભળી જાય ત્યાં સુધી ચડવા દો. થોડું ઘટ્ટ રાખી ઉપર કોથમીર ભભરાવો. શાક સાંતળવા. અધકચરા બાફેલા બટાટા, ફણસી, ફ્લાવરને બટરમાં સાંતળી તેની ઉપર ચાટ મસાલો ભભરાવો.

પંજાબી સિઝલર : એક પ્લેટમાં સાઈડમાં ભાત મૂકો. બાજુમાં ભાતની કિનારી આગળ રાજમા મૂકો. તેની બાજુમાં છોલે ચિક્કી મૂકો. તેની બાજુમાં બટાટાની ફ્રાયમ ઊભી મૂકો. બીજી બાજુ પા બોઈલ કરી સાંતળેલા શાક મૂકો. તેની ઉપર સ્કૂપમાં પનીર ચીઝના બોલ ભરવા. તેની ઉપર પાલકનો સોસ રેડો અને ગરમ ગરમ ગરમ સર્વ કરો. તેમાં વચ્ચે સળગાવેલો કોલસો મૂકી ઉપર ઘી રેડી ઘુંઘાર કરી શકાય. સિઝલરમાં બધી વસ્તુ શાકભાજી આવી જાય છે. શિયાળામાં ગરમ ગરમ પીરસો.

*

દૂધી અને પનીર બૉલ્સ

સામગ્રી: ૫૦૦ ગ્રામ દૂધી, ૨૦૦ ગ્રામ પનીર, ૧ કપ ખાંડ, ૩ નંગ કેસરી પેંડા, ૨ ટે.સ્પૂન દૂધનો પાઉડર, ૪ ટે. સ્પૂન કાજૂ પાઉડર, ૨ ટે.સ્પૂન પીસ્તાની કતરણ, ૨ ટે.સ્પૂન ઘી. ૧૦થી ૧૨ કેસરના તાંતણા પાણીમાં પલાળેલાં.

બનાવવાની રીત: સૌપ્રથમ દૂધી અને પનીરને અલગ અલગ છીણી લેવા. એક કડાઈમાં ૧ ટે.સ્પૂન ઘી નાંખીને દૂધીની છીણને સાંતળી લેવી. છીણ બરાબર બફાઈ જાય એટલે એક તરફ રાખવું. તેમાં છીણેલું પનીર નાંખવું. ૨ મિનિટ સાંતળીને તેમાં ખાંડ નાંખીને બરાબર ભેળવવું. ખાંડ બરાબર ઓગળી જાય એટલે તેમાં ૨ ટે.સ્પૂન દૂધનો પાઉડર નાંખીને ગોળા વળે તેવું બનાવવું. . એક બાઉલમાં કેસર પેંડાનો ભૂકો લેવો. તેમાં કાજૂ પાઉડર, પીસ્તાની કતરણ, એલચી પાઉડર, કેસરના તાંતણા ભેળવીને બરાબર મિક્સ કરવું. તેના નાના ગોળા બનાવી લેવા. ઠંડું થયેલું દૂધીનું પૂરણ હાથમાં લઈને તેમાં પેંડામાંથી બનાવેલા નાના ગોળા મૂકવા. પિસ્તાની કતરણમાં રગદોળી કેસરના તાંતણાથી સજાવીને ફ્રિઝમાં ઠંડું કરીને સર્વ કરો.

*

શેઝવાન બાઈટ્સ

સામગ્રી: ૧ કપ કોબી ઝીણી સમારેલી, ૧ નંગ ગાજર ઝીણું સમારેલું, ૩-૪ નંગ ફણસી ઝીણી સમારેલી, ૨ મોટા ચમચા કોર્ન ફ્લૉર, ૨-૩ નંગ લીલા મરચાં ઝીણાં સમારેલાં, ૫-૬ નંગ ઝીણું સમારેલું લસણ, ૨ મોટા ચમચા શેઝવાન સૉસ, સ્વાદ પ્રમાણે મરી પાઉડર, મીઠું અને તેલ.

બનાવવાની રીત: એક બાઉલમાં ઝીણી સમારેલી કોબી, ગાજરનું છીણ, ફણસી લો. તેમાં કોર્ન ફ્લૉર, મરી પાઉડર, સ્વાદ પ્રમાણે મીઠું ભેળવો. જરૂર મુજબ પાણી નાખીને મિક્સ કરી લો. તેલ ગરમ કરો. તેમાં મિશ્રણમાંથી નાના ગોળા બનાવીને તળી લો. બીજી કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં ઝીણું સમારેલું લસણ નાખો. લીલા મરચાં અને શેઝવાન સૉસ નાંખીને બરાબર મિક્સ કરી લો. તૈયાર કરેલા બૉલ્સ નાખીને બરાબર હલાવી લો. કોથમીરથી સજાવીને સર્વ કરો.