Pincode - 101 - 106 books and stories free download online pdf in Gujarati

પિન કોડ - 101 - 106

પિન કોડ - 101

પ્રકરણ-106

આશુ પટેલ

ડીસીપી સાવંત અને ન્યુરો સર્જન રૂમમાંથી બહાર નીકળ્યા એ પછી મોહિનીએ એક ઊંડો શ્ર્વાસ લીધો. તેને તેના માતાપિતા યાદ આવ્યાં. એ સાથે તેની બન્ને આંખના ખૂણેથી આંસુ રેલાયાં. તેણે રૂમમાં ચોતરફ એક નજર દોડાવી. તેનું ધ્યાન હોસ્પિટલની બારી તરફ ગયું. અત્યાધુનિક હોસ્પિટલની વિશાળ બારી તેના બેડથી થોડી દૂર હતી એટલે પોતે કયા ફ્લોર પર હતી એનું અનુમાન તે કરી શકે એમ નહોતી.
આ દરમિયાન ન્યુરો સર્જન મોહિની માટે તહેનાત કરાયેલી બે નર્સમાંથી એક નર્સને સૂચના આપી રહ્યા હતા. મોહિનીને તેમની પીઠ દેખાતી હતી. મોહિનીના ચહેરા પર ફિક્કુ હાસ્ય આવ્યું. તે જીવનમાં પહેલી વાર ખોટું બોલી હતી. અને તેની વાત પર ન્યુરો સર્જન અને એક આઈપીએસ અધિકારીએ ભરોસો કરી લીધો હતો! મોહિનીને ખબર હતી કે તે જુઠ્ઠુ ન બોલી હોત તો તેના જેવી હાઈ પ્રોફાઈલ પેશન્ટને એક ક્ષણ માટે પણ એકલી ન મુકાઈ હોત. અને હજી તેને ગળા સુધી ખાતરી હતી કે તેને એકાંત માગ્યું હોવા છતાં એક નર્સ તો તેના બેડથી થોડે દૂર બેસી જ રહેવાની હતી. અને તેના રૂમની બહાર રાઉન્ડ ધ ક્લોક પોલીસમેન તહેનાત રહેવાના હતા. આ બધુ પતી ગયા પછી તેને લાંબી કાનૂની આંટીઘૂંટીમાંથી પસાર થવાનું હતું અને પોતાને નિર્દોષ સાબિત કરવા માટે તેણે આકાશપાતાળ એક કરવા પડે એમ હતાં. જો કે એના કરતાં પણ વધુ તકલીફ તેને બીજી થઈ રહી હતી. તેણે દેશને, લોકોને અને માનવજાતને નુકસાન પહોંચાડ્યું હતું એ માટે તે પોતાની જાતને ક્યારેય માફ કરી શકે એમ નહોતી.
મોહિનીએ બેડને ઊંચું કરવા માટેનું બટન દબાવ્યું. બેડ પાછળથી ઊંચકાયો. તેણે બેડની ડાબી બાજુએ ગોઠવાયેલા ટેબલ પર પડેલી એક ટ્રેમાંથી દવાની નાની બોટલ ઉઠાવી. એ વખતે ન્યુરો સર્જન એક નર્સને સૂચના આપીને લોબીમાં ચાલતા થયા હતા. પેલી નર્સ વિરુદ્ધ દિશામાં ચાલતી થઈ.
કેટલાય દિવસોથી માનસિક યાતના ભોગવી રહેલી અને એના કારણે શારીરિક રીતે પણ નખાઈ ગયેલી મોહિનીએ હતું એટલું જોર એકઠું કરીને એ નાનકડી બોટલ ટેબલ પર પછાડી. બોટલ ફૂટી અને મોહિનીની એક આંગળીમાં ચીરો પડી ગયો. એ પીડાને અવગણીને તેણે હાથમાં રહેલો કાચનો ટુકડો પોતાના જમણા હાથમાં લીધો.
આ દરમિયાન કાચની બોટલ ફૂટવાનો અવાજ આવ્યો એટલે રૂમની બહાર ઊભેલી બીજી નર્સ અને પોલીસ કર્મચારીઓ ચોંક્યા તેઓ રૂમમાં ધસ્યાં. પણ એ દરમિયાન મોહિનીએ તેના ડાબા કાંડાની રેડિયલ આર્ટરી કાપી નાખી હતી. નર્સ અને પોલીસ કર્મચારીઓ એ વિશાળ રૂમમાં મોહિનીના બેડ સુધી પહોંચી શકે ત્યાં સુધીમાં તો મોહિનીએ કાચના ધારદાર ટુકડાથી પહેલાં તેના ગળાની ડાબી બાજુની અને પછી જમણી બાજુની કેરોટિડ આર્ટરી કાપી નાખી હતી.
મોહિનીના હાથમાંથી અને ગળામાંથી લોહી ધસી આવ્યું. નર્સ કે પોલીસ કર્મચારીઓ કંઈ સમજી શકી એ પહેલાં તો મોહિની તરફડવા લાગી હતી.
મોહિનીને પોતાનાં કાંડાં અને ગળાને ચીરતી જોઈને પેલી નર્સ ભયંકર ચીસ પાડી ઊઠી.
* * *
મોહિનીના રૂમ તરફથી ચીસનો અવાજ આવ્યો એ સાંભળીને લોબીમાં ચાલતા ચાલતા લિફ્ટ તરફ જઈ રહેલા ડીસીપી સાવંત અને ન્યુરો સર્જન ચોંકી ઊઠ્યા. તે બન્ને મોહિનીના રૂમ તરફ ધસ્યા. ન્યુરો સર્જને મોહિનીના કાંડાની રેડિયલ આર્ટરી અને ગળાની બન્ને બાજુની કેરોટિડ આર્ટરી કપાયેલી જોઈ અને તેમની આંખોમાં નિરાશા અને આઘાતના ભાવ ઊભરી આવ્યા. તેમને ખબર હતી કે આ જિનિયસ વૈજ્ઞાનિકને બચાવવાનું અશક્ય છે, છતાં તેમણે બૂમ પાડી કે તેને તાબડતોબ ઓપરેશન થિયેટરમાં પહોંચાડો.
મોહિનીને સ્ટ્રેચરમાં લઈ જવાનો સમય પણ બગાડવો પાલવે એમ નહોતો. સાવંતને પેલા ન્યુરો સર્જનની જેમ એ ખબર નહોતી કે ગળાની બન્ને બાજુની કેરોટિડ આર્ટરી અને કાંડાની રેડિયલ આર્ટરી એટલે કે શરીરની સૌથી મહત્ત્વની નસો કપાઈ ગયા પછી મેજર બ્લડ લોસને કારણે એટલે કે અતિશય લોહી વહી જવાને કારણે પેશન્ટ પાંચ-સાત મિનિટમાં મૃત્યુ પામી શકે. પણ તેમણે ઈમરજન્સી સમજીને પોલીસ કર્મચારીઓને કહ્યું તેને ઊંચકીને દોડો.
એક પોલીસમેને મોહિનીને મજબૂત હાથોથી ઊંચકી લીધી. ન્યુરો સર્જન નર્સને સૂચના આપતા આપતા ઓપરેશન થિયેટર તરફ દોડ્યા. એ દરમિયાન તેમણે એક સર્જનને કોલ લગાવી દીધો હતો. પેલો પોલીસમેન મોહિનીને ઊંચકીને તેમની પાછળ દોડ્યો. બીજા પોલીસ કર્મચારીઓ તેની સાથે દોડ્યા. મોહિનીને ઊંચકીને દોડી રહેલા પોલીસમેનના કપડાં મોહિનીના શરીરમાંથી વહી રહેલા લોહીથી લથપથ થઈ ગયાં હતાં.
એ જોઈને સાવંત જેવા કઠણ કાળજાના પોલીસ અધિકારીની આંખો ભીની થઈ ગઈ. પણ બીજી પળે તેમણે પોતાની જાત પર કાબૂ મેળવ્યો. મોહિની પાસેથી મળેલી માહિતી પછી તેઓ એક ક્ષણ પણ બગાડી શકે એમ નહોતા. તેઓ ભારે હ્રદયે પણ મક્કમ પગલે લિફ્ટ તરફ આગળ વધ્યા.
* * *
ઓપરેશન શરૂ થયા પછી કોઇ પ્રકારનો સમય નહીં મળે એટલે હું ફરી એક વાર બધી સૂચનાઓ રિપિટ કરી દઉં છું.’ સાવંત ચુનંદા અધિકારીઓને આદેશ આપી રહ્યા હતા. તેઓ એક વાર બધુ સમજાવી ચૂક્યા હતા, પણ મોહિની હોશમાં આવી એટલે તેઓ વર્સોવા કબ્રસ્તાન પાસે જતા પહેલા વચ્ચે કોકિલાબેન અંબાણી હોસ્પિટલ ધસી ગયા હતા. તેમને મોહિની પાસેથી ઈકબાલ કાણિયા અને આઈએસના અડ્ડા વિશે વધુ માહિતી મળવાની આશા હતી. એને બદલે તેમને જીવ અદ્ધર થઈ જાય એવી આંચકાદાયક માહિતી મળી હતી.
‘સર.’ બધા અધિકારીઓએ ઉપરીનો આદેશ ઝીલવાની સ્ટાઈલ પ્રમાણે એક જ શબ્દમાં કહ્યું. તેમની બાજુમાં એન્ટિ ટેરરિઝમ સ્ક્વોડના ડીસીપી અમોલ રોય અને ઝોન નવના ડીસીપી પી. વેંકટેશમ બેઠા હતા અને સામે એન્ટિ ટેરરિઝમ સ્ક્વોડ્ના અધિકારીઓ અને એન્ટિ ટેરર સેલના એકે-ફિફ્ટીસિક્સ સાથે સજ્જ થયેલા કમાન્ડોઝ સહિત અનેક અધિકારીઓ બેઠા હતા. પણ સાવંત અત્યારે ઓપરેશન કમાન્ડર હતા એટલે કે આ ઓપરેશનનો સંપૂર્ણ કમાન્ડ પોલીસ કમિશનર અને ડિરેક્ટર જનરલ ઓફ પોલીસે તેમના હાથમાં સોંપ્યો હતો એટલે પ્રોટોકોલ કે હેરારકીનો મુદ્દો અસ્થાને હતો.
આ ઓપરેશનનો ટોટલ કમાન્ડ મારા હાથમાં રહેશે. ડીસીપી રોય મૌલવીના ઘર તરફની ફોર્સને લીડ કરશે અને ડીસીપી વેંકટેશમ બેકરી તરફની ફોર્સને લીડ કરશે. વાઘમારે, તમે એન્ટિ ટેરર સેલના કમાંડોઝની સ્ટ્રાઇકિંગ ફોર્સ ‘એ’ને લીડ કરશો. તમે એ ટીમ સાથે મૌલવીના ઘર તરફથી ત્રાટકશો અને ક્વિક રિસ્પોન્સ ટીમના અધિકારીઓ પણ તમારી સાથે જોડાશે, સાવરકર, તમારી કવરિંગ ટીમ વાઘમારેની સ્ટ્રાઈકિંગ ફોર્સની પાછળ રહેશે અને જરૂર પડ્યે કવર ફાયરિંગ કરશે. તમારી કવરિંગ ટીમના બધા સભ્યોને નિશાન લેતી વખતે એ તકેદારી લેવાની છે કે આપણા જ માણસો આપણી જ ગોળીના નિશાન ન બની જાય. ભૂતકાળમાં બનેલી આ પ્રકારની ઘટનાઓનું કોઇ કાળે પુનરાવર્તન ન થાય એની આપણે સાવચેતી રાખવાની છે. દીઘાવકર, તમે સ્ટ્રાઇકિંગ ફોર્સ ‘બી’ સાથે બેકરીની દિશામાંથી ધસી જશો. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓ તમારી સાથે જોડાશે. અને તમને શહાણેની કવરિંગ ટીમનો સપોર્ટ રહેશે. રાઉત, તમે રેસ્ક્યુ ટીમનું નેતૃત્વ કરશો. તમારી ટીમ એ જગ્યામાંથી નતાશા નાણાવટીને સહીસલામત બહાર કાઢવાની જવાબદારી સંભળાશે. ગુપ્તે, તમે ક્રાઉડ કંટ્રોલ ટીમ ‘એ’ને લીડ કરશો, જે મૌલવીના ઘર બહાર ભેગી થઇ જાય તો એ મોર્ચો સંભાળશે. અવચટ, તમે ક્રાઉડ કંટ્રોલ ‘બી’ સાથે બેકરી તરફનો મોર્ચો સંભાળશો. સ્ટ્રાઇકિંગ ટીમના કોઇ પણ સભ્યને ગોળી વાગશે કે બીજી રીતે ઇજા થશે તો કવરિંગ ટીમનો સભ્ય એની જગ્યાએ પોઝિશન સંભાળી લેશે. અને એ માટેનો ક્રમ નિશ્ર્ચિત રહેશે. આવા સંજોગોમાં પ્રથમ ક્યો સભ્ય સ્ટ્રાઇકિંગ ફોર્સના સભ્યની જગ્યાએ ધસી જશે, બીજા માણસની જરૂર પડે તો કોણ પહોંચી જશે એ બધું જ સ્પષ્ટ કરી લો. બન્ને બાજુ એક-એક સ્ટેન્ડ બાય ટીમ રહેશે. કવરિંગ ટીમનો કોઇ સભ્ય
સ્ટ્રાઇકિંગ ટીમમાં જાય તો તેની જગ્યા સ્ટેન્ડ બાય ટીમનો સભ્ય લઇ લેશે. અને કોઇ પણ માણસ દુશ્મનોની ગોળીઓથી કે ટોળાંના હુમલાને કારણે ઇજા પામે તો તેને તાબડતોબ હોસ્પિટલ પહોંચાડવા માટે બંને બાજુ એક-એક એમ્બ્યુલન્સ અને બબ્બે સ્કોર્પિયો સાથે ઇમરજન્સી ટીમ તહેનાત રહેશે. વાઘમારે, એમ્બ્યુલન્સની વ્યવસ્થા થઇ ગઇ છે ને?’
‘યસ, સર.’
‘ગુડ.’
બન્ને બાજુની ક્રાઉડ કંટ્રોલ ટીમે ટોળા એકઠા ન થાય એની તકેદારી લેવાની છે. કોઇ પણ સંજોગોમાં વધુ પબ્લિક જમા ન થવી જોઇએ. થોડા પણ માણસો ભેગા થાય તો લાઠીચાર્જ કરીને વિખેરી નાખજો. ટિયર ગેસનો ઉપયોગ ટાળવો પડશે, કારણ કે આપણા જ માણસો માટે પણ તકલીફ ઊભી થઇ શકે. લાઠીચાર્જથી સ્થિતિ કાબૂમાં ના આવે એવું લાગે તો હવામાં ગોળીબાર કરીને ચેતવણી આપજો અને પછી પણ લોકો ન સમજે તો કમરથી નીચેના ભાગમાં ગોળીબાર કરજો. અને માની લો કે ટોળું વધુ ઝનૂની બનીને ઘેરી લેવાની કોશિશ કરે તો બેધડક તોફાની માણસોની છાતીમાં કે માથામાં ગોળી ધરબી દેજો. તમને બધાને ખબર છે કે આવી સ્થિતિમાં શું કરવાનું હોય છે, પણ એક વાર ઓપરેશન શરૂ થાય પછી મારા સિવાય કોઇનો પણ આદેશ તમારે સાંભળવાનો નથી. આ ઓપરેશન હવે નતાશા નાણાવટીને નહીં, પણ મુંબઇને બચાવવાનું છે... ‘એવરીથિંગ ઇઝ ક્લિયર?’
‘યસ સર.’ સામે બેઠેલા બધા અધિકારીઓ અને કમાંડોઝે એકસાથે કહ્યું.
એ જગ્યા પર ત્રાટકતા પહેલા તમારી ટીમના બધા સભ્યોને ફરી એક વાર સમજાવી દો. કોઇ જ ગફલત ના થવી જોઇએ. આ ઓપરેશન મુંબઇ પોલીસના ઇતિહાસમાં સૌથી વધુ મહત્ત્વનું છે.’
‘સર.’ ફરી બધા અધિકારીઓએ રણકતા અવાજે કહ્યું.
‘કોઇના મનમાં કોઇ સવાલ છે?’ સાવંતે પૂછ્યું.
‘નો સર.’ એકસાથે જવાબ મળ્યો.
છેલ્લી વાત. ‘આ ઓપરેશનમાં કંઇ પણ થઇ શકે છે અને ઓપરેશન પછી પણ કંઇ પણ થઇ શકે છે. આ ઓપરેશનને કારણે આપણે કોર્ટમાં ઊભા થવાનો વારો પણ આવી શકે કે ઘરે બેસવાનો પણ વારો આવી શકે. પણ મનમાં કોઇ જ પ્રકારની અવઢવ વિના આપણે ત્રાટકવાનું છે. અને કોઈ પણ પ્રકારના અહમ કે એકબીજા પ્રત્યેના અણગમાને આ ઓપરેશનમાં વચ્ચે લાવનારા અધિકારીને હું ઘરે બેસાડી દઈશ.’ સાવંતે સિનિયર ઈન્સ્પેક્ટર દીઘાવકર અને સિનિયર ઈન્સ્પેક્ટર શહાણે તરફ જોતા કહ્યું. તેમનો ઈશારો તે બન્ને અધિકારીઓ વચ્ચેની છૂપી દુશ્મની તરફ હતો.
‘સર.’
* * *
‘મોહિનીની આજુબાજુથી અવાજ આવતો બંધ થઈ ગયો છે અને પેલા છોકરાની આજુબાજુથી પણ અસ્પષ્ટ અવાજો આવી રહ્યા છે.’ દેશદ્રોહી વૈજ્ઞાનિક ઈશ્તિયાકને કહી રહ્યો હતો. કાણિયાના ચહેરા પરનો ઉચાટ વધી રહ્યો હતો. તે તેના પાલતુ પોલીસ અધિકારીનો સંપર્ક કરવા મથી રહ્યો હતો, પણ એમાં તેને સફળતા મળી રહી નહોતી.
આ દરમિયાન ઈશ્તિયાક સતત પેલા વૈજ્ઞાનિક સાથે વાત કરી રહ્યો હતો.
એ દરમિયાન કાણિયાના એક માણસના ફોન પર કોઈનો કોલ આવ્યો.. સામેની વ્યક્તિએ કહેલા શબ્દો સાંભળીને તેના ચહેરા પર ભયની લાગણી ઊભરી આવી.
કોલ ડિસ્કનેક્ટ કરીને તેણે ગભરાટભર્યા અવાજે કંઈક કહ્યું. તેના એ શબ્દો સાંભળીને કાણિયાના ચહેરાનો રંગ ઊડી ગયો અને ઇશ્તિયાકના કપાળ પર પણ સળ ઊપસી આવ્યા!
(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED