21મી સદીનું વેર - 22 hiren bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

21મી સદીનું વેર - 22

21મી સદીનું વેર

પ્રસ્તાવના

મિત્રો એક સામાન્ય કુટુંબ નો માણસ જ્યારે સંજોગોવસાત એક વેરના વમળમાં ફસાઇ જાય છે ત્યારે તેના વેર ને તે કેટલી ઉંચાઇ પર લઇ જઇ શકે અને એક વેરમાંથી શરુ થયેલી લડાઇમાં એક સામાન્ય માણસ કેટલો વીર અને વિચારશીલ અને મહાન વિચાર પ્રગટાવી જાય છે તેની આ એક કથા છે. મિત્રો મારી આ પહેલી જ નવલકથા છે તેથી મારી આ નવલકથા તમને કેવી લાગી તેના સુચનો જરૂર મારા વ્હોટ્સ એપ નંબર પર મોકલજો.

***

કિશન બાલવી પર પહોંચે છે ત્યાં મોહિત તેની રાહ જોતો બેઠો હોય છે. કિશન બાઇક સાઇડમાં પાર્ક કરી મોહિત બેઠો હોય છે, ત્યાં જાય છે. કિશનને જોઇ મોહિત ઊભો થઇ જાય છે. અને કિશન સાથે હાથ મીલાવે છે. ત્યાર બાદ બન્ને બેસે છે અને મોહિત બન્ને માટે ચાનો ઓર્ડર આપે છે. ઉનાળાની રાત હોવાથી જુનાગઢ ગામમાં ખુબજ ગરમી હોય છે પણ બાલવી ગિરનારની તળેટીમાં આવેલી હોવાથી આસપાસ જંગલ હોવાથી, અહી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ઓછુ હોય છે. કિશનની આ મનપસંદ જગ્યા હોવાથી કિશન અહી આવી ઘણી વખત બેસતો. શનિવારે તો તેનો અને મનિષનો પ્લાન ફિક્સ જ રહેતો કે બાલવી થી ગીરનારની તળેટીમાં તરફ જતા રસ્તા પર આવેલ પ્રખ્યાત લંબે હનુમાન મંદીરે દર્શન કરવાના અને પછી મોડી રાત સુધી બાલવીની ચા પીતા પીતા ગપ્પા મારવાના.

મોહિત અને કિશન પહેલીજ વખત આ રીતે મળતા હોવાથી બન્ને એ એકબીજાનો પરીચય આપ્યો તથા ફેમીલી વિશે વાતો કરી. મોહિતના પપ્પાને અમદાવાદમાં હોલસેલ નો બીજનેસ હતો. જે મોહિતનો મોટો ભાઇ સંભાળતો હતો. મોહિતને નાનપણથીજ બિઝનેસમાં રસ નહોતો. તેને તો કોઇક ચેલેંજીંગ જોબ જોઇતી હતી. તેથી તેણે જર્નાલીઝમનો કોર્સ કર્યો. અને ક્રાઇમ રીપોર્ટર બનવાનુ નક્કી કર્યુ. મોહિત અમાદાવાદમાં કોલેજ કરતો હતો ત્યારે તેને તેની સાથે કોલેજ કરતી કાજલ સાથે પ્રેમ થઇ ગયો અને એક વર્ષ પહેલા તે બન્ને એ લગ્ન પણ કરી લીધા હતા. મોહિતે જર્નાલીઝમ નો કોર્સ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટમાંથી કર્યો હોવાથી તે બે વર્ષ રાજકોટ રહ્યો હતો. આ દરમિયાન તેને રાજકોટ સાથે ખુબજ લગાવ થઇ ગયો હતો. તેથી તેણે સૌરાષ્ટ્રમાંજ જોબ કરવાનો વિચાર કર્યો હતો. તેથી તેણે જેવી સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં જોબ મળી કે તરતજ તેણે સ્વીકારી લીધી. આમને આમ બન્ને મિત્રો કેટલીય વાર સુધી વાત કરતા રહ્યા. ત્યારબાદ કિશને ફરીથી બન્ને મિત્રો માટે ચાનો ઓર્ડર આપ્યો અને મોહિતને પુછ્યુ ભાભીને ક્યારે જુનાગઢ લઇ આવે છે?

મોહિતે હસતા હસતા કહ્યુ કોઇક સારૂ મકાન ભાડે રાખી લઉ એટલે એકાદ મહિનામાં તેને લાવવાનો જ છું. ત્યારબાદ મોહિતે કિશનને તેના બેકગ્રાઉન્ડ વિશે પુછ્યુ એટલે કિશને બધી જ વાત કરી અને છેલ્લે ઇશિતા વિશે પણ કહ્યુ. આ સાંભળી મોહિત હસતા હસતા બોલ્યો, એલા ભાઇ તુ તો જબરો ખેલાડી છો હો એમ. એલ. એની છોકરીને જ પટાવી લીધી. આ સાંભળી કિશને કહ્યુ એલા મારા કેસમા તો ઊલટુ છે તેણે મને પટાવ્યો એવુ કહેવાય. આ સાંભળી મોહિત જોર જોર થી હસી પડ્યો અને બોલ્યો તમને વકીલ લોકોને અમે બોલવામાં ક્યારેય નહી પહોંચીએ.

ત્યાર બાદ બન્ને મિત્રો મોડી રાત સુધી ગપ્પા મારતા રહ્યા. કિશનને થયુ મોહિત એકદમ મળતાવળો અને દિલદાર માણસ છે.

કિશને મોહિતને કહ્યુ થેંક્યુ યાર જો તે મારી સામે મિત્રતાનો હાથ ન લંબાવ્યો હોત તો તારા જેવા સરસ માણસની મિત્રતાથી હું વંચિત રહેત.

મોહિત આ સાંભળીને કહ્યુ ઊભો થા કિશન ઊભો થયો એટલે મોહિત તેને ભેટી પડ્યો. અને બોલ્યો યાર મે તો તને જોતાજ નક્કી કરી લીધુ હતુ કે આ માણસ સાથે મિત્રતા કરવા જેવી છે. અને તુ હકીકતે બહુજ પારદર્શક માણસ છે જેના ઉપર હું આંખ મુકીને ભરોસો કરી શકું.

ત્યારબાદ બન્ને મિત્રો છુટા પડ્યા.

આમને આમ દિવસો પસાર થતા રહે છે કિશન વચ્ચે બે ત્રણ નાના કેસ લડ્યો અને બધાજ જીતી ગયો. તેથી કિશનની નામના ગણનાપાત્ર વકીલોમાં થવા લાગી. કિશનને આવક પણ સારી થવા લાગી. તેથી કિશને બસસ્ટેન્ડ પાસે આવેલ હિરાપન્ના કોમ્પ્લેક્ષમાં એક ઓફિસ પણ ભાડે રાખી. અને એક એલ. એલ. બી કરતી છોકરીને આસીસ્ટન્ટ તરીકે રાખી હતી. કિશન વચ્ચે જામનગર પણ જતો અને તેની મમ્મીને મળતો રહેતો.

એક દિવસ સ્મૃતિ મેડમનો કિશન પર ફોન આવ્યો તેણે કિશનને કહ્યુ કોર્ટથી છુટીને 5 વાગે મને મળવા આવજે. ત્યારબાદ કિશને કોર્ટના કામ પતાવ્યા હવે કિશન કોર્ટમા પ્રખ્યાત થઇ ગયો હતો તેથી તેના કામ પણ બધા જલદી પતી જતા અને કિશનના સ્વભાવને લીધે બધા તેને આદર આપતા. કિશન કોર્ટના કામ પતાવીને ઓફિસ પર ગયો ત્યાં તેની આસિસ્ટન્ટ નેહા આવી ગઇ હતી. કિશને તેને થોડા પેપર્સ ટાઇપ કરવાના હતા તે આપ્યા અને બીજુ કામ સમજાવ્યુ અને પછી સ્મૃતિ મેડમને મળવા નીકળ્યો. કિશન કોર્પોરેશનની ઓફીસે પહોંચ્યો તો સ્મૃતિમેડમ કોઇ સાથે મિટીંગમા બિઝી હતા. તેથી કિશન બહાર વેઇટીંગ એરીયામા બેસવા જતો હતો ત્યાં પ્યુને આવીને કિશનને કહ્યુ મેડમ તમારી જ રાહ જુએ છે. એટલે કિશન ચેમ્બરમાં પ્રવેશ્યો. કિશનને જોઇ સ્મૃતિ મેડમે કહ્યુ આવ આવ કિશન, તારીજ રાહ જોતા હતા.

ત્યારબાદ સ્મૃતિમેડમે કિશનની ઓળખાણ ત્યાં બેઠેલા બે વ્યક્તિ સાથે કરાવતા કહ્યુ આમને મળ આ છે આ શહેરના ખુબજ જાણીતા બિઝનેસમેન અશ્વિનભાઇ સાહોલીયા અને આ તેનો દીકરો શિખર. કિશને ઊભા થઇ બન્ને સાથે હાથ મિલાવ્યા. કિશને જોયુ તો અશ્વિનભાઇ 5. 8 ઉંચાઇ અને ભરાવદાર શરીર ધરાવતા હતા. અને તેના ગળામાં સોનાની ચેઇન હતી અને તેમાં ઉમિયામાતાજીની છબીવાળુ લોકેટ હતુ. ચાર આંગળીઓમાં સોનાની નંગવાળી વીંટી પહેરેલી હતી. આમ તેને જોતાજ તેની સમૃદ્ધિની ખબર પડી જાય તેમ હતી. અશ્વિનભાઇ સફેદ સફારીમાં કોઇ કોઇ નેતા જેવી પર્સનાલીટી લાગતી હતી. પણ તેનો પુત્ર શિખર આ જમાનાનો મોર્ડન લાગતો હતો. તેણે વી નેઇકનુ ફુલ સ્લીવ ટીશર્ટ અને નીચે બ્લ્યુ ડેનીમ પહેર્યુ હતું. આ મોર્ડન આઉટલુકમાં તે એકદમ હેન્ડસમ લાગતો હતો.

સ્મૃતિમેડમે કિશનને કહ્યુ આ લોકો તને મળવા માંગતા હતા. આ સાંભળી કિશનને નવાઇ લાગી કે આટલા મોટા માણસ મને શુ કામ મળવા માગતા હશે?

ત્યાર બાદ સ્મૃતિ મેડમે કહ્યુ એ લોકો ઇચ્છે છે કે તેમનો કેસ તું લડ. ત્યાર બાદ સ્મૃતિ મેડમે કિશનને ટુંકમાં કેસ સમજાવતા કહ્યુ કે શિખરની પત્ની તની પાસેથી પૈસા પડાવવા માટે તેને છુટાછેડાનો કેસ દાખલ કર્યો છે. અને તેમા આ લોકો બચાવ કરવા માટે તને વકીલ તરીકે રાખવા માગે છે. આમ કહી સ્મૃતિ મેડમે કહ્યુ બીજી ડીટેઇલ્સ તું તેની પાસેથી જાણી લેજે.

આ સાંભળી કિશનને થયુ આટલા મોટા માણસ તો કોઇ પણ સારામા સારા વકીલને રાખી શકે તેણે મારા જેવા નવા વકીલને શા માટે પસંદ કર્યો?

કિશને સ્મૃતિ મેડમને કહ્યુ તમે કહો પછી ના પાડવાનો તો સવાલ જ નથી આવતો. પણ મારે આ માટે શિખર સાથે બધીજ ડીટેઇલ્સ જાણવી પડશે પછીજ કહી શકાય કે કેસનું શુ કરવુ? અને આ માટે શિખરે મારી ઓફિસ પર આવવું પડશે. આ સાંભળી શિખરે કહ્યુ મને એમા કોઇ વાંધો નથી.

ત્યારબાદ તે બન્ને જવા માટે ઊભા થયા. જતા જતા શિખરે કિશન સાથે હાથ મિલાવ્યા અને કહ્યુ આ છે મારૂ કાર્ડ તમે મને કોલ કરજો એટલે હું તમને મળવા આવી જઇશ.

તે બન્ને ગયા એટલે કિશને પોતાના મનમા રહેલ વાત સ્મૃતિ મેડમને કરતા કહ્યુ કે આ લોકો એ મનેજ કેમ પસંદ કર્યો? આ સાંભળી સ્મૃતિમેડમ હસવા લાગ્યા અને બોલ્યા કિશન તને તારી તાકતનો અંદાજ નથી. અશ્વિનભાઇ મારા મિત્ર જેવા છે. તેણે સામેથી મને ફોન કરીને તારા વિશે પૂછ્યુ, એટલે મે તારા પહેલા કેસની તેને બધી વાત કરી તો તેણે કહ્યુ કે મારે આવાજ વકીલની જરૂર છે જે સત્યમાટે પોતાની કેરીયર પણ દાવ પર લગાવી દે.

આ સાંભળી કિશને કહ્યુ આ લોકો એ જે વાત કરી તે સાચી છે ને? ક્યાંક આપણે કોઇ છોકરીને અન્યાય કરવામાં હાથો ન બની જાય?

આ સાંભળી સ્મૃતિ મેડમના ચહેરા પર સ્મિત આવી ગયુ અને તે બોલ્યા મને તારી આજ વાત ગમે છે કે તું કોઇને અન્યાય ન થવો જોઇએ ખાસ ધ્યાન રાખે છે. પણ તું આ કેસની બાબતમાં તે ચિંતા ન કર, હું અશ્વિનભાઇને સારી રીતે ઓળખુ છુ. તે ખોટી વાતમાં તેના દિકરાને પણ સાથ ન આપે.

ત્યારબાદ કિશન ત્યાંથી નીકળી ઓફિસ પર ગયો. ત્યાં જઇ તેણે ચા મંગાવી અને પીતા પીતા વિચાર કરવા લાગ્યો કે આ કેસ તે કઇ રીતે હેન્ડલ કરશે?

ચા પુરી થઇ ત્યાં તેની આસિસ્ટન્ટ નેહા બધા ડોક્યુમેન્ટ ટાઇપ કરીને લાવી. કિશને બધાજ ડોક્યુમેંટ જોયા અને તેમા થોડા સુધારા કર્યા અને કહ્યુ આ સુધારા કરી એક ફાઇલ બનાવી મને આપીજા અને પછી તું જા, હું હજી થોડીવાર બેઠો છું. નેહા થોડીવારમાં ફાઇલ બનાવી મુકવા આવી ત્યારે તેણે જોયુ કે કિશન વિચારમા પડેલો છે. તેને જોઇ કિશને કહ્યુ હવે તું જા મોડુ થઇ જશે. આ સાંભળી નેહાએ કહ્યુ કિશનભાઇ તમને ખોટુ ના લાગે તો એક વાત પુછુ? આ સાંભળી કિશને હસતા હસતા કહ્યુ મને કંઇ ખોટુ લાગતુ નથી. તારે જે પુછવુ હોય તે પુછ પણ પગાર વધારવા માટે ના પુછતી.

આ સાંભળી નેહાએ પણ હસતા હસતા કહ્યુ શુ કિશનભાઇ તમે પણ મજાક કરો છો. પગાર તો મે માગેલો તેના કરતાય તમે વધારે આપેલો છે.

ત્યારબાદ તે થોડી વાર રોકાઇ અને બોલી કિશનભાઇ હમણા તમે થોડા ટેન્સનમાં હોય તેવુ લાગે છે. તમને કંઇ પ્રોબ્લેમ હોય અને હું મદદ કરી શકુ એમ હોય તો મને ચોક્કસ કહેજો. ના ના એવુ કંઇ ખાસ નથી. મારા મમ્મીની તબીયતની તો તને ખબર જ છે ને તેના વિચાર આવે ત્યારે ઉદાસ થઇ જવાય છે. અને કામ હશે તો તને કહીશ. તું હવે જા તારા મમ્મી રાહ જોતા હશે. તારા મમ્મીને થશે કે તારો બોસ કેટલો ખરાબ માણસ છે કે તેની છોકરીને કેટલે મોડે સુધી કામ કરાવે છે.

આ સાંભળી નેહાએ કહ્યુ કિશનભાઇ મારા મમ્મી તો તમારા પર ખુબ ખુશ છે, અને હા મને યાદ આવ્યુ કે મમ્મી એ તમને જમવા આવવાનું કહ્યુ છે.

કિશને કહ્યુ એકાદ દિવસ ચોક્કસ આવીશ.

ત્યાર બાદ નેહા જતી રહી.

નેહાના પપ્પા ત્રણ વર્ષ પહેલા હર્ટએટેક આવતા ગુજરી ગયા હતા. તેથી ઘરની જવાબદારી નેહાની મમ્મી પર આવી ગઇ હતી. નેહા અને તેના નાના ભાઇની ઉંમર નાની હોવાથી તેના મમ્મી એક હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરી માંડ માંડ ગુજરાન ચલાવતા હતા. નેહા જ્યારે કિશનને નોકરી માટે મળવા આવી ત્યારે કિશને તેને એક્સપેક્ટેડ સેલેરી પુછ્યો તો નેહાએ કહ્યુ સર તમે જે આપશો તે ચાલસે પણ મારે નોકરી ખાસ જરૂર છે. ત્યાર બાદ નેહા એ કિશનને તેની બધી વાત કરી. આ સાંભળી કિશને નેહાને તેનો પગાર કહેતા કહ્યુ કે અત્યારે હજુ હુ આટલો જ આપી શકુ એમ છુ. પણ જેમ જેમ હુ આગળ વધીસ તેમ તેમ તને વધારી આપીશ. આ સાંભળી નેહા બોલી ના સર તમે તો મારી આશા કરતા ડબલ આપ્યો છે. નેહા એકદમ સીધી છોકરી હતી પણ તે શરૂઆતમાં કિશન સાથે વાત કરવામાં ખુબ ડરતી. નેહાને લાગતું કે તેનો બોસ ક્યાંક તેની પાસેથી કોઇ ખરાબ માંગણી કરશેતો તે શુ કરશે? તેને નોકરીની પણ ખુબજ જરૂર હતી. તેથી તે કિશન સાથે જરૂર પુરતીજ વાત કરતી. પણ પછી કિશનનો સ્વાભાવ અને વ્યવહાર જોઇને નેહાને થયુ કે આ માણસ બીજા બધા બોસ જેવો નથી. એમા રક્ષાબંધનનો તહેવાર આવતા નેહા આગલે દિવશે કિશન પાસે ગઇ અને કહ્યુ કે સર મારે કાલે રજા જોઇએ છે. આ સાંભળી કિશને ગંભીર થઇ કહ્યુ કાલે તો મારે તારૂ ખાસ કામ છે કાલ તને રજા નહી મળે તારે આવવુ જ પડશે. આ સાંભળી નેહા ખુબ ઉદાસ થઇ ગઇ અને કહ્યુ સર કાલે રક્ષાબંધન હોવાથી મારે મારા નાનાભાઇને મારી નોકરીની ખુશી માટે મુવી જોવા લઇ જવો છે આટલુ બોલતાતો તેનો અવાજ તરડાઇ ગયો અને તેની આંખમાંથી આંસુ પડવા લાગ્યા.

આ સાંભળી કિશને નેહાને કહ્યુ જો નેહા કાલે તારે એક કામ તો કરવુજ પડશે નહીતર તારી નોકરી પુરી.

આ સાંભળી નેહા તો હેબતાઇ ગઇ તેને લાગ્યુ કે તે બેભાન થઇ જશે મહામહેનતે એટલુ માંડ પુછી શકીકે શું કામ છે સર કાલે.

આ સાંભળી કિશને હસતા હસતા કહ્યુ કે કાલે તારે મને રાખડી બાંધવાતો આવવુ જ પડશે.

આ સાંભળી નેહાને તો પહેલા તેના કાન પર વિશ્વાસ ન આવ્યો કે તેણે જે સાંભળ્યુ છે તે સાચુ છે કે ખોટુ. પણ પછી કિશનનો હસતો ચહેરો જોઇ તેને સમજાયુ અને તેની બધી જ ઉદાસી ગાયબ થઇ ગઇ.

નેહાએ હસતા હસતા કહ્યુ તો સર કાલથી પછી હું તમને કિશનભાઇ કહીશ.

કિશને પણ હસતા હસતા કહ્યુ ચોક્કસ

નેહા ગંભીર થઇ કહ્યુ સર જો બધા જ બોસ તમારા જેવા હોય ને તો કોઇ પણ મા બાપ પોતાની

દિકરીને નોકરી કરવાની ના ન પાડે.

બીજા દિવસે નેહા તેના ભાઇ સાથે આવી અને કિશનને રાખડી બાધી અને મીઠુ મોઢુ કરાવ્યુ. કિશને પણ નેહાને મીઠુ મોઢુ કરાવ્યુ અને એક મિઠાઇનું બોકસ આપ્યુ તથા એક કવર પણ આપ્યુ. આ જોઇ નેહા બોલી કિશનભાઇ આની કોઇ જરૂર નથી તમે તો મને ઘણુબધુ આપ્યુ છે.

આજે ભાઇ તરફથી જે મળે તે લઇજ લેવાય ના ન પડાય. અને અત્યાર સુધી જે કંઇ આપ્યુ હતુ તે એક બોસ તરફથી હતુ અને તારા કામનું વળતર હતુ. આજે જે આપુ છુ તે આ તારા કિશનભાઇ તરફથી છે.

ત્યારથી નેહા કિશન સાથે છુટથી વાત કરવા લાગી. તે કિશનને બીજાની હાજરીમા સર જ કહેતી પણ તે બન્ને એકલા હોય ત્યારે કિશનભાઇ કહેતી.

કિશનની વિચાર યાત્રા અટકી ત્યાર બાદ તેણે ઓફીસ લોક કરી અને રૂમ પર જવા નિકળ્યો.

બે ત્રણ દિવસ પછી કિશનને આ વિકએન્ડમાં મા ને મળતો આવુ તેથી ગુરૂવારે કોર્ટથી ઓફીસે આવી નેહાને શુક્ર અને શનીવારે કરવાના કામનુ લીસ્ટ આપ્યુ અને કહ્યુ હું કાલે માને મળવા જામનગર જવાનો છુ એટલે ઓફીસ તું સંભાળજે અને બીજી કંઇ પણ જરૂર પડે તો મને કોલ કરજે. અને હા આ આપણા નવા ક્લાયંટનુ કાર્ડ છે. એમ કહી કિશને શિખરે આપેલુ કાર્ડ નેહાને આપ્યુ અને કહ્યુ કે તેને ફોન કરી સોમવારે સાંજે 5 વાગ્યે ઓફીસ પર આવી જવાનું કહી દેજે અને હા મોડે સુધી ઓફીસ પર રહેવાની જરૂર નથી. તુ એકલી હોઇશ એટલે 5-30 વાગે ઓફીસ બંધ કરીને નીકળીજ જવાનું. આ સાંભળી નેહાને થયુ કે આટલુ કર્મચારીનુ ધ્યાન રાખવા વાળા બોસ કેટલા હશે?

ત્યારબાદ કિશન ત્યાંથી નીકળી ગયો.

બીજા દિવસે કિશન જામનગર જવા નિકળ્યો. આગલે દિવસે મહાસાગર ટ્રાવેલ્સમાં તેણે ટીકિટ બુક કરાવી દીધી હતી. કિશન જામનગર ઉતરી અને રીક્ષા કરી હોસ્પીટલ પહોંચ્યો. પણ હોસ્પીટલમાં દરદીની મુલાકાતનો સમય સાંજે હતો તેથી કિશને હોસ્પીટલની સામે આવેલા ગેસ્ટ હાઉસમાં રૂમ બુક કરાવી. કિશન ઘણી વખત આ ગેસ્ટહાઉસમાં ઉતર્યો હોવાથી તેનો રીસેપ્સનીસ્ટ તેને ઓળખતો હતો. કિશન રૂમમાં જઇ ફ્રેશ થયો. અને પછી જમવા માટે બાજુમા આવેલ દ્વારકાધીશ પરોઠા હાઉસમાં ગયો. જામનગરમાં જ્યારથી રીલાયન્સ અને એસ્સાર જેવી મોટી કંપની આવી ત્યારથી લોજીંગ અને બોર્ડીગના ભાવમાં ખુબજ વધારો થયો હતો. તેથી ગુજરાતના બીજા શહેર કરતા જામનગરમાં મોંઘવારી થોડી વધારે હતી. કિશન જમીને ફરીથી ગેસ્ટહાઉસ પર ગયો અને હોસ્પીટલ જવાની વાર હોવાથી ઉંઘી ગયો. સાંજે 4-30 વાગે તેની ઉંઘ ઉડી એટલે તે તૈયાર થઇ ને હોસ્પીટલ પર જવા નીકળ્યો. હોસ્પીટલના ગેટ પાસે ઉભા રહેતા ચા વાળા પાસે તેણે ચા પીધી અને પછી તેની માને મળવા ગયો. તેની મા તેને જોઇને ખુશ થઇ પણ તે કંઇ બોલી નહી કિશને તેની મા સાથે થોડી વાત કરી, પણ તે તો કંઇ બોલતીજ નહોતી. તે અડધો કલાક બેઠો ત્યાં નર્સે આવીને કહ્યુ કે મળવનો સમય પુરો થયો. તેથી કિશને તેની માને કહ્યુ કાલે મળવા આવીશ અને પછી તે ત્યાંથી નિકળી ગયો. તે બહાર નિકળવા જતો હતો ત્યાં તેને યાદ આવ્યુકે હોસ્પીટલમાં પૈસા જમા કરવાના છે. તેથી તે બીલ કાઉન્ટર પર ગયો. કિશને કલાર્કને મા નુ નામ કહી અને વોર્ડ નંબર અને બેડ નંબર કહયા અને બીલ જમા કરાવવુ છે તેવુ કહ્યુ. એટલે ક્લાર્કે કોમ્પ્યુટરમાં જોઇ પછી કિશનને જે કહ્યુ એ સાંભળી કિશન સ્તબ્ધ થઇ ગયો. અને તેને કલાર્કને ફરીથી ચેક કરવા કહ્યુ.

ક્ર્મશ:

કિશનને કલાર્કે શું કહ્યુ જેથી તે સ્તબ્ધ થઇ ગયો? કિશન અને ઇશિતાની વાત કોણે રેકોર્ડ કરી હતી? હવે કિશન અને ઇશિતા ની લવ સ્ટોરીનું શું થશે? શા માટે કિશનની માએ કિશનને ઇશિતાથી દુર રહેવા કહ્યુ ? કિશન કઇ રીતે વેર ના વમળ મા ફસાય છે? આ બધુ જાણવા માટે આગળના પ્રકરણ વાંચતા રહો

***

મિત્રો તમે બધા મારી નવલકથા વાંચો છો અને મને રીવ્યુ પણ મોકલો છો તે માટે તમારા બધાનો ખુબ ખુબ આભાર . મીત્રો આ મારી પહેલી નવલકથા છે તેથી તમારા પ્રતિભાવ મારા whatsapp no પર જરૂર મોકલજો.

હિરેન કે ભટ્ટ- whatsapp no-9426429160

Mail id – hirenami. jnd@gmail. com