મારા મોટા મિત્ર Vijay Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારા મોટા મિત્ર

(૩)”મારા મોટા મિત્ર”-

વિજય શાહ

આજથી બરોબર ૩૫ વર્ષ પહેલા આપણે મળ્યા. ત્યારે કેટલું બધું તને થતું હતું? અને યાદ છે પેલી કવિતા?

કંકુના થાપા

બે હૃદયના મળવાનો અવસર હતો

કેવી મિલન – સંયોગની એ મધુરતા

અહીં અંતરો ઊઘડી પડ્યા ભુજબંધમાં

અને બિડાયા નેત્રો પ્રીતમ અંગમાં

સ્વપ્નો કેવા સુંવાળા મોરપિચ્છ

વેલ પર દામ્પત્યની મહોરી ઉઠ્યા

લાગણીની લેખણે અંકિત થયા

સ્નેહના બે અક્ષરો અંતરમહીં

ત્યાં દીવાલે કંકુના થાપા પડ્યા

ટોડલે તોરણ ખીલ્યા ટહુકાતણાં –

પર્યાવરણ ઝૂમી ઉઠ્યું આનંદમાં

અદ્વૈત પ્રગટ્યું દ્વૈતમાં

નવદંપતિના અંતરે – આવાસમાં

જ્યાં કંકુના થાપા પડ્યા ઘર – ટોડલે !

( રાજેન્દ્ર ઉપાધ્યાય )

સાચે સાચ જ અદ્વૈત પ્રગટ્યું દ્વૈતમાં.. નાની દરેક જુદાઇની ક્ષણોમાં મન ઝુરતું હતું.. કહેનારા કહેતા હતા કે નવું નવું છે ને તે નવ દિવસ.. પણ માલા તારી એ વાત નવ વરસ ચાલી. નવદંપતિનાં આવાસે ઍક્ય અને હાસ્ય ખીલ્યું.. અમુલ અને સ્વાતિ પણ આવી ગયા આપણ ને મમ્મી પપ્પા કહેતા…પછી તને મમ્મીની ફરજો અને બાળકોની જરુરિયાતો મારા કરતા વધારે જરુરી લાગતી તેથી તું કહેતી “રાજા…આ આપણા સંતાનો.. તેના તરફ આપણી ફરજો પણ હોયને.. ખરું ને? તેમનું હોમવર્ક, તેમની સ્કુલની પ્રવૃત્તિઓ અને જ્યાં જ્યાં તેઓ પાછા પડે ત્યાં ત્યાં આપણે તો તેમનું ધ્યાન રાખવું પડેને? વળી તારા માબાપ પણ આપણી જવાબદારી ને?”

“એક વાત સમજજે કે આપણા પણ સ્વપ્નાઓ છે તારી સાથે આખી જિંદગી ધમાચકડી કરીને પ્રસન્ન રહેવું છે.. બધાની સાથે આપણો તે હક્ક ના ડુબાડીશ… હું બધાને તને સોંપીને મારો હક્ક હંગામી રીતે છોડું છું સમજી?”

“હા મારા રાજાજી.. મને સમજાય છે પણ હાલ તો તમારી પ્રાયોરીટી શયનખંડ પુરતી સીમિત રહે તો ચાલેને?”

સમય વહેતો ચાલ્યો બાળકો મોટા થયાને વડીલો માંદા પડ્યા દવાખાના અને હોસ્પીટલ વચ્ચે રહેંસાતી માલાને ધ્યાન જ નહોંતું કે તે રાજા તરફ બેધ્યાન થતી જાય છે. માલા ને સમજણ નહોંતી પડતી કે રાજા અને માલાનાં પણ સ્વપ્નો છે. ક્રુઝ જવું છે હવાઇ નાં ટાપુનું સૌદર્ય રાજાને પ્રિય છે. ઢળતી સંધ્યાએ હથમાં હાથ નાખી માલાને વહાલ કરવું તેને ગમે છે

માલા તેના શરીર પ્રત્યે બેધ્યાન થતી રોગનો શિકાર બનતી કે બંને છોકરાઓ પાછળ મોટા સ્વપ્નો જોયા પછી ખોટી પડતી અને રડતી ત્યારે રાજા કહેતો.. “તું અને હું બંન્ને મધ્યમ વર્ગીય જીવન જીવ્યા તેમ તે લોકો પણ જીવી જશે.. તું કેમ તેમની તાકાત કરતા મોટા બનાવવાનાં સ્વપ્ના જુએ છે?” પાસ થયાને. વર્ષ બચ્યું ને આગળ વધ્યા તેટલું પુરતું નથી?”

તું ગુસ્સે થતી અને કહેતી “ ના. તેમને આપણાથી બનતું બધું કરી છુટીને સારું જ્ઞાન.. વિજ્ઞાન આપીયે તો આપણા મધ્યસ્થી જીવનમાં થી તેમનું જીવન તો સારું બને! અને જિંદગીનાં બીજા પંદરેક વર્ષો વહી ગયા રાજાનાં જીવનમાંથી.. સ્વાતી કોલેજમાં છે અને અમુલ બારમાં માં ક્યારેક રાજા ખીજવાતો અને કહેતો.. બંને છોકરાવ મોટા થૈ ગયા પણ તારા તેમના માટેનાં સપના કદી ના ખુટ્યા.. મને લાગે છે કે તું ભુલી ગઈ છે કે તારો પહેલો છોકરો હું છું.. આપણે સાથે રહીને એકમેકને પણ સુખી કરવાના લગ્ન સમયે સમ ખાધા છે.. તે વાત જરા આપણી ૨૫મી લગ્ન જયંતી નાં દિવસે યાદ કરાવું તો યાદ આવશે?”

“ રાજા તને આ શું થયું છે?”

“ બસ એટલું યાદ કરાવું છું આ ભર્યા ભાદર્યા ઘરમાં પહેલી પ્રાયોરીટી જેની હોવી જોઇએ તેનો નંબર છેલ્લો કેમ? બંને છોકરા ભણી રહ્યા…પરણી ગયા.. બા દાદજી નથી ત્યારે હવે છોકરાઓની ત્રીજી પેઢી માટે તું સજી રહી ત્યારે હું ક્યાં?”

માલા કહે.. ” હવે પચાસ થયા સમજો જરા.. છોકરા જેવા ઘેલા આપણાથી ના કઢાય.. ”

“હવે ઘેલા તો ત્યારેય નહોંતા કાઢ્યા અને આજે પણ નથી કાઢતો.. પણ મને મારું સ્થાન હવે તું ત્રીજી પેઢીને આપવા જાય છે ત્યારે મનમાં વિદ્રોહ જાગે છે. ”

“એટલે?”

“એટલે.. એમ કે તેમના બાળકોની જવાબદારી તેમને લેવા દે.. અને હવે તું મારી સાથે પોરો ખા…આરામ કર. મને ગમતું કર.. તને ગમતું કર.. હવે ટુંક સમયમાં નિવૃત્તિ કાળ શરુ થશે…મને તો લાગે છે કે મારી માલાને મેં તો માણીં જ નથી”

“ હેં શું કહો છો? “

“ હા બકા હવે મારી સાથે રહે.. ”

“એટલે આટલા વરસ હું કોની સાથે રહેતી હતી? રાજા ક્યાં ખોવાઇ ગયો હતો આટલા બધા વર્ષ?”

“ હું તો રાહ જ જોતો હતો કે આ મા અને પછી આ દાદીમા ક્યારે મારી પત્ની બની ને પાછા વળે…”

“ શું વાત કરો છો આ પાળિયા આવવા માંડ્યા.. અને હજી તમે મારી રાહ જ જુઓ છો?”

“ હા તેં તો તારા મનમાંથી કદાચ મને કાઢી મુક્યો છે. પણ મારા મનમાં તો તું તેજ હજી નાનકુડી બકુડી છે.. જેને મારી સાથે બેસે પછી મારી હવા આવે છે…”

“અપેક્ષાઓને તારી લૂણો મુક. જે ઉંમરે થાય તે સર્વ કામ મેં કરી લીધા પણ તું હજી ત્યાંનો ત્યાં ઉભો છે રાજા…”

“માલા .. “તેની માલા અચાનક બાવીસ વર્ષમાંથી બાવન વર્ષની થઈ ને ઉભી..

રાજા ક્ષણમાં તો માલાથી અબજો માઇલ દુર થઈ ગયો ૫૫ વર્ષની ઉંમરે કૉર્ટમાં લઢતા મા બાપમે જોઇ અમુલ અને સ્વાતી તો સ્તબ્ધ જ થઈ ગયા. શું આ શક્ય છે? તેમણે તેમના બચપણમાં કદી કોઇ વિખવાદ કે મતભેદ જોયો નહોંતો. અને અચાનક કૉર્ટ અને કચેરી? નિવૃત્ત થવાની વેળાએ રાજાનાં સ્વપ્ના મોટા મોટા હતા.. તેને તો માલા સાથે દેશ વિદેશે ફરવું હતું. બીચ ઉપર સમુદ્રમાં ધીંગા મસ્તિ કરવી હતી.. પણ માલા તો દાદી હતી.. રાજને ઉંમરને આંકડાથી વધુ કોઇજ મહત્વ આપ્યુ નહોંતુ.. તેને મન માલા હજી પણ નાનકુડી બકુડી હતી. ઘરનાં એકાંતોમાં જ્યારે રાજન યુવાન થતો ત્યારે માલા થાકી જતી હતી.. રાજાનાં નખરાઓ તેનાથી ઉઠાવાતા નહીં તે સરખો પ્રતિભાવ આપવાને બદલે છણકા કરતી.. દાદા થયાનો પાઠ યાદ કરાવતી. તેના સ્વપ્નામાં તો હજી નાના અમુલ અને સ્વાતિનું બચપણ ખેલતું રહેતું

એક દિવસ એ આવી ગયો જ્યારે છત બદલાઇ ગઈ રાજા પોતાના ઘરે છે અને માલા અમુલનાં ઘરે…મુડી શેરો અને સ્થાવર મિલકતો વહેંચાઇ ગઈ…અમુલ નામરજી થી જોઈ રહ્યો હતો કે રાજાપપ્પા અકારણ વૃધ્ધ થઈ રહ્યા હતા…

પેલી ૮૦ માઇલની ઝડપે દોડતી ગાડી ઉપર જેમ અચાનક બ્રેક વાગે અને બધુ જેમ અસ્ત વ્યસ્ત થઈ જાય તેજ હાલ હતા.. પપ્પાનાં.

માલાને આ બધું બહું જ વિચિત્ર લાગતુ હતુ. રાજાએ કદી આવી કોઈ જ માંગણી કરી નહોંતી.. તે તો બહું જ શાણો અને સમજુ પતિ હતો…સાહીઠ ની નજીક જતા તેની બુધ્ધી નાઠી છે.

તે દિવસે સ્વાતિને ખબર પડીકે રાજા પપ્પાને તો બંને કીડની ખલાસ થઈ ગઈ છે ત્યારે માલાને ખખડાવીને ઘરે મોકલી અને જોડે એમ પણ કહ્યું કે ખબરદાર છે જો પપ્પાને નારાજ કર્યાતો…”

કહેવાની જરૂર ભાગ્યેજ હતી કે છ મહીનાનો એકાંતવાસ અને ખાવાનું ના સચવાતા કીડની ખલાસ થઈ હતી. રાજાએ માલાને પ્રેમથી આવકારી એકસઠ વર્ષનો રાજા ૭૫નો લાગતો હતો.. ” માલા ભલે આપણે છુટા થઈ ગયા પણ દોસ્ત તરીકે આપણે મળી શકીયે ખરુંને?”

માલા છુટ્ટા મોઢે રડી…

રાજા કહે “ આટલા વર્ષમાં ક્યારેય રડવા નથી દીધીને અત્યારે કેમ અચાનક?”

“ રાજા આપણાં અધિકારને મેં સતત ઉવેખ્યો અને તારે આ જીવલેણ માંદગી ઝીલવી પડશે તે વાત મારા મનને કોરી ખાય છે. ”

“ભુલી જા એ બધી ભૂતકાળની વાતોને અને મને એટલું કહે મારી મીઠા વિનાની રસોઇ તું બનાવીશને?”

“રાજા શરમમાં ના નાખ.. આ છ મહીનાનાં નો વિયોગે મને મારીજ નજરમાં હલકી બનાવી દીધી છે. ”

“ ના રે ના.. મને પણ થતું હતું કે મારે જીદ કરવાની જ નહોંતી.. તું મા છું તે વાત સમજાય તેવી હતી પણ હું વધતી ઉંમરે ના વધ્યો તે મારી પણ ભુલને? અને તેની સજા આ ડાયાલીસીસ દરમ્યાન ભોગવું છું”

શ્વાસ ચઢવાનો શરુ થાય ત્યારે ઓક્ષીજન આપવાનો અને રોજ આંતરે દિવસ ડાયાલીસીસ્ની સજા ભોગવતા ભોગવતા એક દિવસ રાજા એ કહ્યું “માલા! મારા મનમાં તું નાનકુડી બકુડી જ કેમ રહી તેનું કારણ ખબર છે?”

“ ના. ”

“મારી સમજણ.. તને તો વહાલ જ કરાય.. અપેક્ષા કદી ના કરાય અને તેથી સમય સાથે તું બદલાઇ પણ …હું રાહ જોતો રહ્યો.. મારા સંતાનો ને સાચવ્યા પછી ક્યારેક તો તું મારી પાસે આવીશને?”

“ હું આવી ત્યારે દાદી થઈને આવી.. તારા સપનાની બકુડીનું ખુન કરીને ખરુંને?”

“ આ છમહીનાનાં એકાંતોમાં તો હવે સપનાની બકુડી પણ દાદી બની ચુકી છે તેથી તો કહ્યું કે મિત્ર તરીકે તો મળાયને?”

“ બે કદમ રાજા તું આગળ ચાલ્યો અને હું બેકદમ પાછળ ચાલી છું”

બંને મનમાં જાણતા હતા કે આ કીડની ફેલ ન થઈ હોત તો આ મનમેળ શક્ય ના બનત…દોર સાંધવાનો પ્રયત્ન છે પણ ગાંઠનું અસ્તિત્વ તો છે જ…

“આવ માલા આ હિંચકા ઉપર મારી સાથે બેસ.. મારા મનમાં એ અહેસાસ રહેવાદે કે મને તારી હવા આવે છે. ”

રાજા! સૌમ્યા જોશી એ આજની ફેસબુકમાં લખ્યું છે તે વાંચું?

“ હા વાંચ!

દુનિયાના બોલ સહ્યા જેને કાજે હવે બોલ અમારા ખમાતા નથી.

એક છત્રી નીચે સમાઈ જનારા .. એક છત નીચે સમાતા નથી

રાજાએ વાતનું અનુસંધાન કરતા કહ્યું

“હા વાત તો સાચી છે અને આપણા કિસ્સામાં એક વાત તે પણ સાચી છે કે મન મોતી ને કાચ તુટ્યા પછી જો સાંધીયે તો વચમાં પડે ગાંઠ. ”

માલા રાજાને જોઇ રહી.. આ ૭૫ વર્ષનો રાજા છે…જે અફસોસ સાથે તે આવી હતી તે અર્થ હીન છે.. માનસિક રીતે રાજા ૨૫ વર્ષની માલાને શોધતો હતો તે રાજા વૃધ્ધ થઈ ગયો હતો.

રસોઇ શરુ કરતા માલા બોલી

“રાજા.. હવે હું તારી સાથે બેસીશ તો તને નાનકુડી બકુડી નહી મળે પણ એક હમ ખયાલી હમ સફર મિત્ર મળશે”…

ખીચડી કઢી અને મોળું શાક પીરસ્યા પછી માલા કહે સવારે ચાલે તેટલો ખાખરાનો ભુકો વઘારી રાખ્યો છે અને આ ચાદરો મશીનમાં નાખી દીધા પછી હું અમુલને ત્યાં જઇશ. ”

“ અરે! તું રહેવાની નથી?”

“ નારે ના હમણાં જ તેં કહ્યું ને મન મોતી ને કાચ.. બસ તેમજ હું મૈત્રી નિભાવીશ તારી તબિયત જળવાય તેમ રસોઇ કરીને હું ઘરે જઈશ. આ છ મહિનાનાં મહાભિનિષ્ક્રમણે મને મારી જાતને ઓળખવાની તક આપી છે અમુલ કે સ્વાતિ કોઇને મારી પડી નથી.. પણ મા તરીકે મને મેં જે કર્યુ તેનો અફસોસ પણ નથી.. હા તારી નાનકુડી બકુડીનું જે મેં ખુન કર્યું હતું તે પાપનું પણ પ્રાયશ્ચિત કરવાની તક મને મળી તે બદલ પ્રભુનો આભાર…”

અમુલ જ્યારે ઘરે લઈ જવા આવ્યો ત્યારે રાજાની આંખમાં પાણી હતા.. અમુલ પપ્પાનાં વિયોગને જોઇ રહ્યો હતો

ફરીથી માલાએ યાદ કરાવ્યૂં “ખાખરાનો વઘારેલો ભુકો મોળો તો લાગશે પણ સિંધ લૂણ ભભરાવી લેજો અને હું અમુલની સાથેજ વહેલી સવારે આવી જઈશ. ધ્યાન રાખજો મારા મોટા મિત્ર!”

અમુલ પણ ગદ ગદ હતો પણ વડીલોને વડીલની જેમ વર્તતા જોઇ તે ચુપ ચાપ મમ્મીની બેગ લઈ બહાર નીકળી ગયો