નાક
પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી
ભગવાને દરેક મનુષ્યને જન્મથી જ એક નાક ભેટ આપેલું હોય છે. એક કવિએ નાક પર મજાની પંક્તિ લખી છે, ‘ભાઈનું નાક નાનું એ સૂંઘે ફૂલ મજાનું, એ તો કેવી અજબ જેવી વાત છે.’ ફક્ત નાક જ શા માટે, ભગવાને માણસને શરીરના જે બધા અંગો આપ્યા છે, તેની કામગીરી જોઇને - જાણીને તો ખાતરી થયા વગર રહે નહીં કે આખું શરીર જ અજબ જેવી જ વાત છે.
બાળક નાનું હોય ત્યારે એના નાકના આકારની કાળજી એની મમ્મી લે છે. બાળકને માલિશ કરવા આવનાર બાઈને કહેશે, ‘જશુ, બાબાનું નાક જરા બરાબર ઘસજે જેથી એ અણીયાળું બને.’ જો કે ‘નાકથી કોઈ લડાઈ નથી લડવાની, કે કોઈ શાક નથી કાપવાનું તો પછી એને અણીયાળું બનાવીને શું ફાયદો ?’ જવા દો એ વાત, એ તો બાબાની મમ્મી જ જાણે, આપણે શું ?
બાબાને રમાડવા આવનાર બહેનોમાંથી કોઈનું ધ્યાન નાક પર જાય અને કહે પણ ખરી, ‘અરે, જુઓ તો ખરા, બાબાનું નાક એકઝેટ એની મમ્મી જેવું જ છે.’ તો બીજી કહેશે, ‘ના રે ના, એનું નાક તો અદ્દલ એની દાદી જેવું છે, એ ચોક્કસ દાદી જેવો નાકવાળો થશે.’
‘ચહેરા હૈ ય ચાંદ ખીલા હૈ...’ આમ ચહેરાને ચાંદ સાથે સરખાવનારા કવિઓ, શાયરો કે લેખકો ચહેરાની સાથે સાથે વાળ, હોઠ, આંખ વગેરેના વખાણ કરતા હોય છે. પણ તેઓ નાકના ખાસ વખાણ કરતા જોવા મળતા નથી, પણ એનો અર્થ એવો નથી કે નાક સાવ નકામું અંગ છે, બલકે એ તો શ્વાસ લેવાનું મહત્વનું કામ કરે છે, એટલે એની અગત્યતા ખુબ વધી જાય છે.
નબળી આંખોને જોવામાં મદદ કરવાનું કામ નાક જ તો કાનની મદદથી કરે છે, કેમ કે ચશ્માની ફ્રેમ નાકની દાંડીએ ટેકવાય છે. ‘એનો ગુસ્સો તો એની નાકની દાંડીએ ટેકવાયેલો છે.’ એવું મારા દાદાજી મારા પપ્પાજી માટે કહેતા. હું દોડીને પપ્પાજીના ખોળામાં ચઢી જતી અને ધ્યાનથી એમના નાક પર ટેકવાયેલો ગુસ્સો જોવાનો પ્રયત્ન કરતી, પણ મને તો એ ક્યાંય દેખાતો નહીં. ‘દાદાજી કદી ખોટું ન બોલે’ એવો મને વિશ્વાસ એટલે હું મનોમન મૂંઝાતી.
‘આટલું મોટું નાક રાખવાથી કોઈ રોટલો રળાવાનો નથી, જરા નમતાં શીખો નમતાં’ એમ મારા દાદાજી મારા કાકાને કહેતા, ત્યારે પણ મને તો કાકાનું નાક મોટું છે, એવું લાગતું નહિ, એ તો મારા પપ્પાજીના નાક જેવડું જ હતું. ‘મોટા લોકોની મોટી વાતો, આપણને સમજાય નહી’ માનીને હું એ સમજવાની ટ્રાય માંડી વાળતી.
દાદાજી મારી ઉપર કોઈ વાતે ગુસ્સે થાય (જો કે એવું જવલ્લે જ બનતું), ત્યારે હું રિસાઈ જતી અને એ બોલાવે તો પણ હું બોલતી નહીં. ત્યારે દાદાજી કહેતા, ‘આવડી અમથી નખ જેવડી છોકરીના નખરા તો જુઓ. ગુસ્સો તો બાપના વારેનો છે, નાક પર માખ બેસવા દેતી નથી.’ માખને તે કદી નાક પર બેસવા દેવાતી હશે ? અરે, ખુદ દાદાજી પણ ક્યાં બેસવા દેતા હતા ? પણ મોટાની તો બધી વાતો જ મોઘમ, મોટા થઈએ ત્યારે જ સમજાય.
અમારી પડોશમાં રહેતા ધનાકાકા એક દિવસ મારા પપ્પાને કહેતા હતા, ‘મારા સગા દીકરાએ મારી વિરુદ્ધ કોર્ટે ચઢીને મારું નાક કપાવ્યું.’ એક તરફ તો એમના દીકરાએ મિલકતમાં ભાગ માંગીને નાક કાપ્યું, અને બીજી બાજુથી એમની દીકરી એમણે પસંદ કરેલા બીજવરને પડતો મુકીને બાજુમાં રહેતા કોક રંગીલા કુંવારા જુવાનીયા સાથે ભાગી ગઈ અને લગ્ન કરી લઈને નાક કાપ્યું. (એક નાક બે વાર કપાય ?) ખાતર પર દીવેલ જેવું થયું, જ્યારે એમણે વકીલને ભારી ફી આપવી પડી.
જો કે પાછળથી એમની પત્ની લક્ષ્મીકાકીએ દીકરી-જમાઈને બોલાવીને પોંખ્યા, સમાધાન કર્યું. એનાથી કાકાનું કપાયેલું નાક સંધાયું કે નહીં તે ખબર ન પડી. માણસનું નાક પણ ગજબ છે, ક્યારે કપાય અને ક્યારે પાછુ સંધાય તે ખબર જ ન પડે. એક વાત મેં નોધી કે ‘ખાનગીમાં કશું ખરાબ થાય તો નાકને ખાસ વાંધો નથી આવતો, પણ જાહેરમાં ફિયાસ્કો થાય તો માણસનું નાક કપાય જાય છે.’
નાકનું કામ શ્વાસ લેવાનું છે, અને આ કામ એ જીવનભર વફાદારીપૂર્વક નિભાવે પણ છે. પણ કેટલાકને શુદ્ધ ઘી પચતું નથી, તેમ ઘણાને શુદ્ધ હવા માફક આવતી નથી. પેટ્રોલ – કેરોસીનના ધુમાડાવાળી હવા આપણને સદી ગઈ છે. એટલું ઓછું હોય તેમ માણસ સિગારેટ-બીડીનો ધુમાડો એમાં ઉમેરે છે. કેટલાક ફેક્ટરીનો ધુમાડો ઉમેરે તો કેટલાક થીયેટરની બંધિયાર હવામાં ત્રણ કલાક ગાળી આવે છે.
નાકનું બીજું કામ સુંઘવાનું છે, અત્તર – ફૂલ –ધૂપસળી ઓછા પડે તો લોકો છીંકણી – બજર એવું સૂંઘે છે. પાડોશીના ઘરમાં ચટાકેદાર વાનગી કે ઘીની કોઈ મીઠાઈ બની રહી હોય તો નાક તરત જ એની ચાડી ખાય છે. પૂછતાં પાડોશણ ભલે કહે કે, ‘મહિનાથી મીઠાઈ બનાવી જ છે કોણે ? આ તો માખણ પડ્યું’તું, તે ઘી કરી કાઢ્યું.’ આપણને ખબર પડી જાય કે હવે એ આપણને બનાવી રહી છે, મગજ બનાવવા માટે શેકાતા ચણાના લોટની સુગંધ કોનાથી છુપાયેલી રહે ? પડોશણ મગજ બનાવે કે આપણી સઘન પૃચ્છાથી મગજ ગુમાવે આપણને શું ?
કોઈ પાસે માફી માગવામાં પણ નાક કામ લાગી શકે છે, એ વાત ‘નાકલીટી તાણવી’ નો અર્થ સમજીએ તો સમજાય. એકવાર કરફ્યુભંગ કરનાર માણસને પોલીસે ઊભો રાખ્યો, એની પાસે રસ્તા પર ચોકથી લીટો કરાવ્યો, પછી નાક વડે એ લીટાને સાફ કરવા જણાવ્યું. ત્યારે પહેલીવાર ‘નાકલીટી તાણવી (ભુસવી)’ શબ્દનો ખરો અર્થ સમજાયો. આમ કરફ્યુભંગ ની સજા નિર્દોષ નાકને મળી.
છોકરો પરણવા જાય ત્યારે એની સાસુ એનું નાક મંડપમાં જ ખેંચે છે. આ ક્રિયા દ્વારા કદાચ એ કહેવા માંગતી હોય કે –‘હજીય સમય છે, સમજવું હોય તો સમજી જાઓ જમાઈરાજા. હજી તમે મુસીબતનો હાથ નથી પકડ્યો, તમારે ભાગવું હોય તો ભાગી શકો છો.’
પણ હાય રે કિસ્મત, માણસ પરણવા જાય ત્યારે જ એની બુધ્ધિ બહેર મારી જાય છે, એ નાક ખેંચાવીને પણ પરણી જાય છે, અને પછી જીવનભર સાસુ સસરાને કે પોતાની કિસ્મતને કોસતો રહે છે. તમે જ કહો, આમાં એ તમામનો શું વાંક ?
કોકવાર આપણે અજાણ્યા ગામમાં રસ્તો પુછતા હોઈએ તો રાહબર કહેશે, ‘સીધા નાકની દાંડીએ ચાલ્યા જાઓ.’ આપણે ચાલવાનું તો ‘પગની પાનીએ’ જ છે, પણ આડાઅવળા ગયા વગર સીધા જવાનું છે. એકવાર મારી નાની બહેનનો બાબો બોલ્યો, ‘મમ્મી, મમ્મી. નાક આવ્યું.’ એની મમ્મીએ રૂમાલથી એનું નાક સાફ કર્યું અને એ રમવા ચાલ્યો ગયો. આમ ભગવાને આપેલું નાક શરદી થવાથી વારંવાર આવતું હોય છે.
એક પતિએ પત્નીને કડીયાકામે જવાનું કહ્યું અને એ ખેતરમાં તુવેર વણવા ગઈ. પતિને કદાચ તુવેર નહિ ભાવતી હોય, એટલે પત્નીનું આ કામ માફક ન આવતા એણે ખરેખર જ એનું નાક કાપી નાખ્યું. પછી આગળ શું થયું તે ખબર નથી. એકવાર એક બેવફા પત્નીનું નાક પતિએ કાપી લીધુ. આવા સમાચાર જાણીને થાય છે કે –‘એમ નાક કાપવાથી વફાદારી આવતી હોત તો તમામ બેવફા અપરાધીને આ સજા કોર્ટે જ ન ફરમાવી હોત? ’ ખેર, વાચક મિત્રો, તમારું નાક સદા સલામત રહે એવી શુભેચ્છા સાથે વિરમું છું.