પિન કોડ - 101 - 93 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પિન કોડ - 101 - 93

પિન કોડ - 101

પ્રકરણ-93

આશુ પટેલ

ઈશ્તિયાકનો આદેશ સાંભળીને પેલા ડૉક્ટરોમાંથી સિનિયર જણાતા ડૉક્ટરે કોઇને કોલ કરી દીધો હતો. તેણે કોઇને સૂચના આપવા માંડી કે ઝડપથી એનેસ્થેસિસ્ટને અને એનેસ્થેસિયા આપવા માટેની સામગ્રી લઇને ઇકબાલભાઇને ત્યાં પહોંચો. કાણિયાના ચહેરા પરથી તેના મનોભાવ કળી ગયેલા ઇશ્તિયાકે તેને કહ્યું કે, ‘આકાના આદેશ સિવાય આપણે આ જગ્યા છોડી ના શકીએ.’
કાણિયાને ગૂંગળામણ થવા લાગી. તે અંડરવર્લ્ડના ડોન તરીકે પોતાની રીતે બાદશાહી ઠાઠમાઠથી જીવતો હતો. આઇએસના સુપ્રીમો અલ્તાફ હુસેન અને આઇએસની ભારતીય પાંખના ચીફ કમાન્ડર ઇશ્તિયાક અહેમદે તેનો સંપર્ક સાધ્યો ત્યારે તેનું શેર લોહી ચઢી ગયું હતું, અને મુંબઇમાં આતંક ફેલાઇ ગયો ત્યાં સુધી તેને મજા આવી હતી. પણ મુંબઇ પર આતંકવાદી હુમલાને કારણે તેના ગોડફાધર સમા ગૃહ પ્રધાને ઘરે બેસવાનો વારો આવ્યો હતો અને તેના પાલતું એવા મોટાભાગના પોલીસ કર્મચારીઓ પણ તેની વિરુદ્ધ થઇ ગયા હતા. એમ છતાં કાણિયામાં મઝહબ માટે મરી ફીટવાનું ઝનૂન ઓસર્યું નહોતું, પણ અત્યાર સુધી તેને એમ લાગતું હતું કે પોતે ઇશ્તિયાક અને અલ્તાફ હુસેન સાથે ખભેખભા મિલાવીને કામ કરી રહ્યો છે. પણ ઇશ્તિયાકના શબ્દો અને એ શબ્દોના ટોનથી તેને સમજાઇ ગયું હતું કે અલ્તાફ અને ઇશ્તિયાક માટે તે માત્ર એક પ્યાદું જ હતો. કાણિયાને ગૂંગળામણ થવા લાગી. ઇશ્તિયાકના શબ્દોને કારણે તેને જે તકલીફ પહોંચી હતી એના કારણે તે થોડી વાર માટે પગમાં વાગેલી ગોળીને કારણે થયેલું દર્દ પણ ભૂલી ગયો.
તેને અફસોસ થયો કે ગમે એમ તો પોતે મુંબઇમાં સરકારની સમાંતર પોતાનું સામ્રાજય ચલાવી શકતો હતો. મુંબઇમાં કોઇ પણ બિલ્ડર નવો પ્રોજેક્ટ શરૂ કરે કે કોઇ પણ ફિલ્મ પ્રોડ્યુસર નવી ફિલ્મ શરૂ કરે એટલે એમાં કાણિયા આપોઆપ ભાગીદાર બની જતો હતો. એવી જ રીતે બીજા કોઇ પણ ધંધાદારીઓએ તેને પ્રોટેક્શન મની ચૂકવવા પડતા હતા. કાણિયાને કોઇ પણ પ્રકારના જોખમ વિના ૫૦૦૦ કરોડ જેટલી આવક મુંબઇમાંથી થતી હતી. એ સિવાય તેણે ખરીદી રાખેલી, પચાવી પાડેલી પ્રોપર્ટીના ભાવ દિનપ્રતિદિન વધતા જતા હતા એને કારણે પણ તેનું આર્થિક સામ્રાજ્ય મજબૂત બનતું જતું હતું. માત્ર મુંબઇમાં જ તેની એક લાખ કરોડ રૂપિયાથી વધુ કિંમતની પ્રોપર્ટી હતી.
* * *
પોલીસ વેનમાં ધકેલાઈ ગયેલા સાહિલ અને મોહિનીને સમજાતું નહોતું કે તેમની સાથે શું થઇ રહ્યું છે.
સાહિલની પોલીસ કર્મચારીઓને સમજાવવાની કોશિશ નિરર્થક સાબિત થઈ એટલે તેનો પિત્તો ગયો. તેણે બરાડો પાડ્યો: ‘અમે તમને આતંકવાદી લાગીએ છીએ?’
‘ચૂપ, હરામખોર!’ એક પોલીસવાળો સામે બરાડ્યો.
એ દરમિયાન બીજા પોલીસ કર્મચારીઓ તેમના સિનિયર અધિકારીઓને માહિતી આપી રહ્યા હતા કે આતંકવાદી હુમલાઓના શકમંદ આરોપીઓ સાહિલ સગપરિયા અને મોહિની મેનન ઝડપાઈ ગયાં છે.
પોલીસ કર્મચારીના બરાડાથી ડરીને સાહિલ બે સેક્ધડ ક્ષણ માટે ચૂપ થઈ ગયો, પણ પછી વળી તેને યાદ આવ્યું કે નતાશા ઈકબાલ કાણિયા અને ઈશ્તિયાકના કબજામાં છે. તેને ઈશ્તિયાકે કહ્યું હતું કે પેલી વૈજ્ઞાનિકને લઈને થોડી મિનિટોમાં પાછો નહી પહોંચે તો હું તારી માશૂકાને મારા માણસોના હવાલે કરી દઈશ અને એ બધા તેને પીંખી નાખશે.
ઈશ્તિયાકના એ શબ્દો યાદ આવ્યા એ સાથે સાહિલ થથરી ગયો. તેણે પેલા પોલીસમેનને હાથ જોડીને આજીજી કરી: ‘મહેરબાની કરીને અમને જવા દો, કોઈના જીવનમરણનો સવાલ છે.’
‘સાલા હલકટ, હજારો નિર્દોષ લોકોના જીવ લીધા પછી તને અત્યારે કોઈના જીવનમરણની પડી છે!’ પેલા પોલીસ કર્મચારીએ ઉશ્કેરાઈને સાહિલને એક અડબોથ મારી દેતા કહ્યું.
સાહિલને ફરી વાર તમ્મર આવી ગયા. થોડી સેકંડ પછી તે સ્વસ્થ થયો. તેને નતાશા યાદ આવી ગઈ. પોતે પાછો નહીં જાય તો ઈકબાલ કાણિયાના માણસો નતાશાની શું હાલત કરશે એ વિચારથી તે ધ્રૂજી ઊઠયો.
અચાનક સાહિલની નજર મોહિની તરફ ગઈ. તેના ચહેરા પરથી ડર અને તનાવના ભાવ ગાયબ થઈ ગયા હતા. સાહિલને મોહિનીના ચહેરા પર કોઈ વિચિત્ર ભાવ ઊભરી આવેલા જણાયા. તેના ચહેરા પરથી સાહિલને લાગ્યું કે તે કદાચ તેનું માનસિક સંતુલન ગુમાવી રહી હતી.
મોહિનીને શું થઈ રહ્યું છે એ સાહિલને સમજાય એ પહેલા તો તેને એવું લાગ્યું કે તેના લમણાંના સ્નાયુઓ ખેંચાઇ રહ્યા છે. તે બહાવરો બનીને આમતેમ જોવા લાગ્યો. તેને કોઈ વિચિત્ર અનુભૂતિ થઈ રહી હતી. તેણે પોતાના લમણા પર બન્ને હાથથી જોર આપ્યું પણ પેલી અનૂભૂતિ દૂર ના થઈ.
તે ભૂલી ગયો કે પોતે અહીં કેમ છે. પણ આજુબાજુ પોલીસ કર્મચારીઓને જોઈને અચાનક તેના મનમાં આક્રોશની લાગણી જન્મી. બીજી ક્ષણે તેનામાં અવરણનીય ઝનૂન ઊભરાયું.
જે પોલીસમેને સાહિલને અડબોથ ઝીંકી દીધી હતી તેનું ધ્યાન સાહિલ તરફ હતું. તેણે સાહિલના ચહેરા પર થઈ રહેલા ફેરફારો નોંધ્યા. સાહિલની આંખોમા ઊભરી આવેલી હિંસક લાગણી જોઈને તે સાબદો થઈ ગયો. સાહિલે પોતાના લમણામાં મુક્કા મારવા માંડ્યા. એટલે બીજા પોલીસ કર્મચારીઓનું ધ્યાન પણ તેના તરફ ખેંચાયું.
એ દરમિયાન મોહિની પણ વિચિત્ર નજરે પોલીસ કર્મચારીઓ તરફ જોઈ રહી હતી.
પોલીસ કર્મચારીઓને સમજાયું નહીં કે અત્યાર સુધી ફફડી રહેલા આ બન્ને અચાનક ખુન્નસભરી નજરે તેમની સામે કેમ તાકવા માંડ્યાં છે.
જે પોલીસમેને સાહિલને અડબોથ ઝીંકી દીધી હતી તે સાહિલની નજરથી અકળાઈ ગયો. તેણે સાહિલ સામે જોઈને બરાડો પાડ્યો: ‘નજર નીચે રાખ, હરામખોર!’
પણ સાહિલ બિલકુલ ગભરાયા વિના તેની આંખોમાં આંખો પરોવીને જોઈ રહ્યો.
પેલા પોલીસમેને ગંદી ગાળ આપી અને સાહિલને મારવા માટે હાથ ઉગામ્યો. પણ એ વખતે અચાનક મોહિની ઝનૂનભેર વેનની સીટ પરથી ઊભી થઈ. પેલો પોલીસમેન ચેતે એ પહેલા તો તેણે તેના બે પગ વચ્ચે જોરથી લાત મારી દીધી!
મોહિનીના નાજુક શરીરમાં આટલી તાકાત હશે એની કલ્પના પણ પેલા પોલીસમેને નહીં કરી હોય. ગુપ્તાંગ પર અણધારી અને આક્રમક લાત વાગી એટલે તે બેવડ વળી ગયો. બીજા પોલીસ કર્મચારીઓ તેની વહારે ધાયા. એક પોલીસમેન મોહિનીને કાબૂમાં લેવા માટે તેના તરફ ધસ્યો. સાહિલે તે પોલીસમેનને અટકાવ્યો અને બીજી ક્ષણે તેનો જમણો હાથ પકડીને પૂરી તાકાતથી ઝટકો માર્યો. ‘ખટ્ટ’ એવો અવાજ આવ્યો અને તે પોલીસમેન પણ પીડા સાથે વેનના ફ્લોર પર બેસી પડ્યો. તેનો હાથ ભાંગી ગયો હતો. આ અંધાધૂંધી જોઈને એક પોલીસમેન કોઈને સંદેશો આપવા માંડ્યો.
સાહિલ અને મોહિનીએ પોલીસ વેનમા તાંડવ મચાવી દીધું હતું. બે પોલીસમેન પીડાને કારણે કણસી રહ્યા હતા. એક પોલીસમેન કોઈને સંદેશો આપવામા વ્યસ્ત હતો. અને એક પોલીસમેન સાહિલ અને મોહિનીની નજીક જવું કે નહીં તેની દ્વિધામાં હતો.
એ વખતે સાહિલે જેનો હાથ ભાંગી નાખ્યો હતો તે પોલીસમેનની રિવોલ્વર આંચકી લીધી અને કાન ફાટી જાય એવા અવાજે બૂમ મારી: ‘અલ્લાહો અકબર!’
મોહિનીએ પણ ગળું ફાટી જાય એવા અવાજે પ્રતિઘોષ પાડ્યો: ‘અલ્લાહો અકબર!’
(ક્રમશ:)